બાઇબલ શું કહે છે?
પૃથ્વી
પૃથ્વી માટે ઈશ્વરનો હેતુ શું છે?
‘યહોવા એવું કહે છે, તે પૃથ્વીના બનાવનાર તથા તેના કર્તા છે, તેમણે એને ઉજ્જડ રહેવા માટે ઉત્પન્ન કરી નથી, તેમણે વસ્તીને માટે એને બનાવી છે.’—યશાયા ૪૫:૧૮.
લોકો શું કહે છે?
ઘણાને લાગે છે કે પૃથ્વી આપોઆપ આવી છે અને કોઈએ એને બનાવી નથી. અમુક ધર્મો શીખવે છે કે પૃથ્વી એવી જગ્યા છે જ્યાં ઈશ્વર થોડોક સમય લોકોની કસોટી કરે છે. પછી, ઈશ્વર નક્કી કરશે કે તેઓને સ્વર્ગમાં જીવનનું ઈનામ આપવું કે નરકમાં મોકલવા.
બાઇબલ શું કહે છે?
એ જણાવે છે કે “ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં.” (ઉત્પત્તિ ૧:૧) ઈશ્વરે પ્રથમ સ્ત્રી-પુરુષને કહ્યું: ‘સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો, ને તેને વશ કરો, પૃથ્વી પર ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવો.’ (ઉત્પત્તિ ૧:૨૮) પણ, જો તેઓ ઈશ્વરની આજ્ઞા ન પાળે, તો જ મરવાના હતા. આમ, મરણનો ઉલ્લેખ ફક્ત એક વાર કરવામાં આવ્યો હતો. (ઉત્પત્તિ ૨:૧૭) ઈશ્વરનો હેતુ હતો કે માણસો હંમેશ માટે પૃથ્વી પર જીવનનો આનંદ માણે. એને એવા માણસોથી ભરવાની હતી જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે, પૃથ્વીની કાળજી લે અને કાયમ માટે એના પર જીવે.
શું પૃથ્વીનો નાશ થશે?
‘કદી ખસે નહિ એવો પૃથ્વીનો પાયો તેમણે નાખ્યો છે.’—ગીતશાસ્ત્ર ૧૦૪:૫.
લોકો શું કહે છે?
વૈજ્ઞાનિકોએ એવા ઘણા સંજોગોનો ઉલ્લેખ કર્યો છે, જેનાથી કદાચ પૃથ્વીનો નાશ થશે અથવા એ રહેવા લાયક નહિ રહે. કેટલીક વાર તેઓ માણસોનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય એવા જોખમ વિશે જણાવે છે. એમાં આવી કુદરતી આફતોનો સમાવેશ થાય છે: ઉલ્કા પડવી અથવા લઘુગ્રહો કે ધૂમકેતુ પૃથ્વી સાથે અથડાવા, જ્વાળામુખી ફાટવા, સૂર્યનું અસ્તિત્વ ભૂંસાઈ જવું અથવા ગ્લોબલ વૉર્મિંગ. તેમ જ, અણુયુદ્ધો અને જીવાણું યુદ્ધો જેવી માનવસર્જિત આફતો.
બાઇબલ શું કહે છે?
પૃથ્વી માટે ઈશ્વરનો હેતુ બદલાયો નથી. બાઇબલ સ્પષ્ટ જણાવે છે: “પૃથ્વી સદા ટકી રહે છે.” (સભાશિક્ષક ૧:૪) વધુમાં, માણસો પૃથ્વી પર હંમેશાં રહેશે: “ન્યાયીઓ દેશનો [પૃથ્વીનો] વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૨૯.
એ જાણવું કેમ મહત્ત્વનું છે?
સમય જતાં પૃથ્વી નાશ પામશે એવી માન્યતાને લીધે કેટલાક લોકો એની અમૂલ્ય સાધન-સંપત્તિ વેડફી રહ્યા છે. એ માન્યતાને લીધે ઘણા લોકો વિચારે છે કે, ‘કાલ કોણે જોઈ છે, આજે જ જીવનની મજા માણો.’ આમ, તેઓનું જીવન કોઈ હેતુ વગરનું હોય શકે. જ્યારે કે, આપણે એવું માનીએ કે આ પૃથ્વી પર હંમેશાં જીવીશું, તો સારા નિર્ણયો લઈશું. એનાથી હમણાં અને ભવિષ્યમાં આપણું અને આપણા કુટુંબનું ભલું થશે.
શું માણસોની આખરી મંજિલ સ્વર્ગ છે?
‘સ્વર્ગ તે યહોવાનું સ્વર્ગ છે, પણ પૃથ્વી તેમણે માણસોને આપી છે.’—ગીતશાસ્ત્ર ૧૧૫:૧૬.
લોકો શું કહે છે?
ઘણા માને છે કે બધા સારા લોકો સ્વર્ગમાં જાય છે.
બાઇબલ શું કહે છે?
સ્વર્ગ ઈશ્વરનું છે, જ્યારે કે પૃથ્વી તેમણે માણસોને આપી છે. બાઇબલ આવનાર “નવી દુનિયા” વિશે વાત કરે છે, જેમાં લોકો વસશે. (હિબ્રૂ ૨:૫, ઈઝી-ટુ-રીડ વર્ઝન) સ્વર્ગમાં જનારા સૌથી પહેલા માનવી ઈસુ હતા. બાઇબલ જણાવે છે કે પસંદ કરેલા થોડાક લોકો, એક ખાસ હેતુ માટે સ્વર્ગમાં જશે. ઈસુની સાથે તેઓ પણ રાજા તરીકે “પૃથ્વી પર રાજ” કરશે.—પ્રકટીકરણ ૫:૯, ૧૦; લુક ૧૨:૩૨; યોહાન ૩:૧૩.
એ જાણવું કેમ મહત્ત્વનું છે?
બધા જ સારા લોકો સ્વર્ગમાં જાય છે એ માન્યતા બાઇબલના શિક્ષણ સાથે બંધબેસતી નથી. જો ઈશ્વર બધા સારા લોકોને સ્વર્ગમાં લઈ જવાના હોય, તો પૃથ્વી માટેનો તેમનો મૂળ હેતુ નિષ્ફળ સાબિત થશે. તેમ જ, પૃથ્વી પર હંમેશ માટેનું જીવન આપવાનું તેમનું વચન ખોટું પડશે. જ્યારે કે, બાઇબલમાં ઈશ્વરનું વચન છે, ‘યહોવાની વાટ જો, તેમને માર્ગે ચાલ, અને પૃથ્વીનો વારસો પામવાને તે તને મોટો કરશે.’—ગીતશાસ્ત્ર ૩૭:૩૪. (g14-E 12)