સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુખ્ય વિષય

શું ઈશ્વર છે? એ જાણવાથી કેવો ફરક પડે છે

શું ઈશ્વર છે? એ જાણવાથી કેવો ફરક પડે છે

ઈશ્વર છે કે નહિ, એ સવાલનો ઘણા લોકોને જવાબ મળતો નથી અથવા એ વિશે જાણવાની તેઓને કંઈ પડી નથી. જેમ કે, ફ્રાંસમાં ઉછરેલા ઈરવે જણાવે છે: “હું નાસ્તિક નથી, અને ઈશ્વરમાં પણ નથી માનતો. મને લાગે છે કે, ઈશ્વરની મદદ વગર હું જાતે જ સારા નિર્ણયો લઈ શકું છું.”

અમેરિકામાં રહેતા જોનની જેમ બીજાઓને પણ થયું હશે. તે જણાવે છે: “મારા માતા-પિતા ઈશ્વરમાં માનતા ન હતા. એક યુવાન તરીકે મને એ વિશે કંઈ ખ્યાલ ન હતો કે, ઈશ્વર ખરેખર છે કે નહિ. તોપણ, હું ઘણી વાર ઈશ્વર વિશે વિચારતો.”

શું તમે કદી વિચાર્યું છે કે, ઈશ્વર ખરેખર છે? એમ હોય તો, જીવનનો કોઈ હેતુ છે? જો ઈશ્વર ન હોય તો, આપણી આંખો સમક્ષ અમુક એવા પુરાવા છે જેને સમજાવવા અઘરા છે. દાખલા તરીકે, આપણા ગ્રહ પર એવું કુદરતી વાતાવરણ છે જેના લીધે જીવન શક્ય બન્યું છે. તેમ જ, જીવન કોઈ નિર્જીવ પદાર્થમાંથી નથી આવ્યું.—“ પુરાવા તપાસીએ” બૉક્સ જુઓ.

ઉપર જણાવેલી હકીકતોનો વિચાર કરો. એ જાણે એક ખજાના તરફ લઈ જતા ચિહ્નો જેવાં છે. ઈશ્વર ખરેખર છે એના ખાતરી આપતા પુરાવા અને ભરોસાપાત્ર માહિતી તમને મળે તો, ઘણો ફાયદો થશે. ચાલો, એના વિશે ચાર મુદ્દા જોઈએ.

૧. જીવનનો હેતુ

જીવનનો હેતુ હોય તો, આપણે એ જાણવો જોઈએ. આપણા પર એની કેવી અસર પડે છે એ પણ જાણવું જોઈએ. ઈશ્વર ખરેખર હોય અને એ વિશે અજાણ હોઈએ તો, આપણે વિશ્વનું સૌથી મહત્ત્વનું સત્ય જાણ્યા વિના જીવીએ છીએ.

બાઇબલ જણાવે છે કે, સૃષ્ટિના સરજનહાર ઈશ્વર છે. (પ્રકટીકરણ ૪:૧૧) એ જાણવાથી કઈ રીતે આપણને જીવનનો હેતુ મળે છે? ચાલો જોઈએ કે એ વિશે બાઇબલ શું કહે છે.

પૃથ્વીના સર્વ પ્રાણીઓમાં ફક્ત મનુષ્યો અજોડ છે. બાઇબલ જણાવે છે કે, ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે આપણને બનાવ્યા છે, જેથી તેમના જેવા ગુણો બતાવી શકીએ. (ઉત્પત્તિ ૧:૨૭) બાઇબલ એ પણ શીખવે છે કે, મનુષ્ય ઈશ્વરના મિત્ર બની શકે છે. (યાકૂબ ૨:૨૩) સરજનહાર સાથે મિત્રતા કેળવવાથી આપણને જીવનનો હેતુ મળે છે.

ઈશ્વરના મિત્ર બનવાનો શો અર્થ થાય? તેમના મિત્ર બનવાથી તેમની સાથે સીધેસીધી વાત કરી શકીએ છીએ. તેમ જ, ઈશ્વર વચન આપે છે કે, તે આપણું સાંભળશે અને મદદ કરશે. (ગીતશાસ્ત્ર ૯૧:૧૫) ઈશ્વરના મિત્ર બનવાથી ઘણી બાબતોમાં તેમના વિચારો જાણી શકાય છે. એનાથી જીવનના મહત્ત્વના સવાલોની ખરી સમજણ મળી શકે છે.

ઈશ્વર ખરેખર હોય અને એ વિશે અજાણ હોઈએ તો, આપણે વિશ્વનું સૌથી મહત્ત્વનું સત્ય જાણ્યા વિના જીવીએ છીએ

૨. મનની શાંતિ

દાખલા તરીકે, દુનિયામાં દુઃખ-તકલીફો જોઈને અમુકને ઈશ્વરમાં માનવું અઘરું લાગે છે. તેઓ પૂછે છે: ‘શક્તિશાળી સરજનહાર કેમ દુઃખ-તકલીફો અને દુષ્ટતા ચાલવા દે છે?’

બાઇબલમાંથી દિલાસો આપતો જવાબ મળે છે કે, માણસોને દુઃખ-તકલીફ પડે એવું ઈશ્વરે કદીયે વિચાર્યું ન હતું. ઈશ્વરે માણસને બનાવ્યો ત્યારે કોઈ દુઃખ-તકલીફ ન હતી. અરે, ઈશ્વરના હેતુમાં માણસો માટે મરણ પણ ન હતું. (ઉત્પત્તિ ૨:૭-૯, ૧૫-૧૭) શું એ માનવું અઘરું છે? શું એ કાલ્પનિક છે? ના. સરજનહાર શક્તિશાળી હોય અને પ્રેમ તેમનો મુખ્ય ગુણ હોય તો, આપણે ખાતરી રાખી શકીએ કે, માણસો દુઃખ-તકલીફ અને મરણ વગરનું જ જીવન જીવે એવો તેમનો હેતુ હશે.

તો પછી, માણસોની આજે આવી ખરાબ હાલત કેમ છે? બાઇબલ જણાવે છે કે, માણસો જાતે પસંદગી કરી શકે એ રીતે ઈશ્વરે તેઓને બનાવ્યા હતા. ઈશ્વરે આપણને રોબોટ જેવા બનાવ્યા નથી. તેમની આજ્ઞા પાળવા પણ બળજબરી કરતા નથી. પહેલું યુગલ એટલે કે, આદમ-હવા અને તેમના વંશજો ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે ચાલ્યા નહિ. એને બદલે, તેઓએ સ્વાર્થી બનીને પોતાની ઇચ્છા પ્રમાણે કર્યું. (ઉત્પત્તિ ૩:૧-૬, ૨૨-૨૪) એના લીધે આપણે ખરાબ પરિણામો ભોગવીએ છીએ.

ઈશ્વરના હેતુમાં મનુષ્યો માટે તકલીફો હતી જ નહિ. એ જાણીને આપણને મનની શાંતિ મળે છે. જોકે, આપણે તકલીફોમાંથી રાહત મેળવવા માંગીએ છીએ. અને આપણને ભાવિ માટે ઉજ્જવળ આશાની જરૂર છે.

૩. આશા

માણસોએ ઈશ્વરનો વિરોધ કરીને બંડ પોકાર્યું. એ પછી, તરત ઈશ્વરે વચન આપ્યું કે પૃથ્વી માટે તેમનો હેતુ સમય જતા પૂરો કરશે. ઈશ્વર સર્વશક્તિમાન હોવાથી પોતાનો હેતુ પૂરો કરતા તેમને કોઈ રોકી શકે એમ નથી. (યશાયા ૫૫:૧૧) બંડને લીધે જે ખરાબ પરિણામો ભોગવીએ છીએ એને જલદી જ ઈશ્વર દૂર કરશે. ઉપરાંત, પૃથ્વી અને માણસો માટેનો પોતાનો હેતુ પણ તે પૂરો કરશે.

એનો તમારા માટે શો અર્થ થાય? બાઇબલમાં ભાવિ વિશે ઘણાં વચનો આપ્યાં છે. ચાલો, એમાંના બે વચન પર વિચાર કરીએ.

  • પૃથ્વી પરથી દુષ્ટતા દૂર કરાશે અને શાંતિ આવશે. “થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે; તું તેના મકાનને ખંતથી શોધશે, પણ તેનું નામનિશાન જડશે નહિ. નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧.

  • બીમારી અને મરણ નાબૂદ થશે. “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.” (યશાયા ૩૩:૨૪) “તેણે સદાને માટે મરણ રદ કર્યું છે; અને પ્રભુ યહોવા સર્વનાં મુખ પરથી આંસુ લૂછી નાખશે.”—યશાયા ૨૫:૮.

બાઇબલમાં ઈશ્વરે આપેલાં વચનો પર કેમ ભરોસો રાખવો જોઈએ? કારણ કે, એમાં લખેલી ઘણી ભવિષ્યવાણીઓ પૂરી થઈ ગઈ છે. જોકે, ભાવિમાં દુઃખ-તકલીફો દૂર થશે એ જાણીને હાલની તકલીફો દૂર થઈ જતી નથી. તેથી, ઈશ્વર બીજી કઈ મદદ પૂરી પાડે છે?

૪. મુશ્કેલીનો હલ લાવવા અને નિર્ણય લેવા મદદ

ઈશ્વરના માર્ગદર્શનથી આપણને મુશ્કેલીનો હલ લાવવા અને સારા નિર્ણયો લેવા મદદ મળે છે. ઘણા નિર્ણયો નાના હોય છે, જ્યારે કે અમુકની અસર જીવનભર રહે છે. સરજનહાર જેવું ડહાપણ કોઈ માણસ આપી શકે એમ નથી. અત્યાર સુધી બનેલી અને ભાવિમાં થનાર બાબતો વિશે ઈશ્વર સારી રીતે જાણે છે. ઉપરાંત, તે આપણને જીવન આપનાર પણ છે. તેથી, આપણા માટે સૌથી સારું શું છે એ ઈશ્વર જાણે છે.

બાઇબલ લખવા યહોવા ઈશ્વરે ઘણા મનુષ્યોને પ્રેરણા આપી હતી. તેથી, એમાં ઈશ્વરના વિચારો છે. બાઇબલમાં આમ લખ્યું છે: “હું યહોવા તારો ઈશ્વર છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું.”—યશાયા ૪૮:૧૭, ૧૮.

ઈશ્વર પાસે અપાર શક્તિ છે. તે ખુશીથી આપણા માટે એનો ઉપયોગ કરવા ચાહે છે. બાઇબલ ઈશ્વરને એક પ્રેમાળ પિતા તરીકે વર્ણવે છે, જે આપણને મદદ કરવા તૈયાર છે. એ જણાવે છે: ‘આકાશમાંના પિતાની પાસેથી જેઓ માંગે છે, તેઓને તે પવિત્ર શક્તિ આપશે.’ (લુક ૧૧:૧૩) ઈશ્વરની એ શક્તિથી આપણને માર્ગદર્શન અને હિંમત મળે છે.

ઈશ્વરની મદદ કઈ રીતે મેળવી શકાય? બાઇબલ એનો જવાબ આપે છે: “ઈશ્વરની પાસે જે કોઈ આવે, તેણે તે છે, અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ.” (હિબ્રૂ ૧૧:૬) ઈશ્વર ખરેખર છે એવી ખાતરી મેળવવા વ્યક્તિએ પોતે પુરાવા તપાસવા જોઈએ.

શું તમે તપાસ કરશો?

ઈશ્વર વિશેનું સત્ય શોધવામાં સમય જશે. પરંતુ, એમ કરવામાં તમને જ ફાયદો થશે. ચીનમાં જન્મેલા અને અમેરિકામાં રહેતા સીયુજીન સીયોનો અનુભવ જોઈએ. તે જણાવે છે: “હું ઉત્ક્રાંતિવાદમાં માનતો, પણ મને બાઇબલ જાણવામાં રસ હતો. તેથી, યહોવાના સાક્ષીઓ પાસેથી બાઇબલ શીખવા લાગ્યો. કૉલેજના છેલ્લા વર્ષમાં હું એટલો વ્યસ્ત થઈ ગયો કે, મને બાઇબલ શીખવા બહુ સમય મળતો નહિ. એ વખતે હું દુઃખી રહેવા લાગ્યો. પરંતુ, મેં બાઇબલ શીખવાનું જીવનમાં પ્રથમ રાખ્યું ત્યારે, મને મનની શાંતિ મળી.”

આપણા સરજનહાર યહોવા વિશે શું તમે વધુ શીખવા માંગો છો? કેમ નહિ કે, એ વિશે તપાસ કરવા તમે પોતે સમય કાઢો? (g૧૫-E ૦૩)