આનો રચનાર કોણ?
મગરનું જડબું
હાલના પ્રાણીઓમાં સૌથી તાકતવર બચકું મગરના નામે નોંધાયેલું છે. દાખલા તરીકે, ઑસ્ટ્રેલિયા નજીક આવેલા ખારા પાણીના મગરનું બચકું સિંહ કે વાઘના બચકા કરતાં ત્રણ ઘણું તાકતવર છે. મગરનું જડબું આટલું તાકતવર હોવા છતાં ખૂબ સંવેદનશીલ હોય છે. એટલે કે સ્પર્શની સરખામણીમાં એ મનુષ્યની આંગળીઓ કરતાં પણ વધારે સંવેદનશીલ છે. મગરની બખતર જેવી જાડી ચામડીને ધ્યાનમાં રાખતા, એ કઈ રીતે શક્ય છે?
મગરના જડબાની ચારેય બાજુ હજારો ઇન્દ્રિયો છે. એનો અભ્યાસ કર્યા પછી સંશોધક ડ્યૂકન લિચે જણાવ્યું કે, ‘તેની ખોપરીમાં નાનાં નાનાં કાણાં હોય છે જેમાંથી, જ્ઞાનતંતુઓ કે નસો બહાર આવે છે.’ એ કાણાંને લીધે જડબામાં આવેલી નસોને રક્ષણ મળે છે. અમુક નસો એટલી સંવેદનશીલ હોય છે કે એને કોઈ સાધન પૂરી રીતે માપી શકતું નથી. પરિણામે, મગર પોતાના મોંમાં આવી ગયેલા કચરા અને ખોરાક વચ્ચેનો ફરક પારખી શકે છે. એના લીધે જ એક માદા પોતાના બચ્ચાને મોંમાં ઊંચકી શકે છે અને ભૂલથી પણ એને કચડી નાખતી નથી. મગરના જડબામાં સાચે જ તાકાત અને સંવેદનશીલતાનું એક અનોખું સંગમ છે.
વિચારવા જેવું: મગરનું જડબું શું પોતાની મેળે આવી ગયું કે પછી એનો કોઈ રચનાર છે? (g૧૫-E ૦૭)