ઇટાલીમાં દિલાસાનો સંદેશ આપવો
આપણે વિશ્વાસ રાખનારા છીએ
ઇટાલીમાં દિલાસાનો સંદેશ આપવો
બાઇબલમાં, યહોવાહને ‘સર્વ દિલાસાના દેવ’ કહ્યા છે. તેમનું અનુકરણ કરીને તેમના સેવકો પણ લોકો ‘ગમે તેવી વિપત્તિમાં હોય તેઓને દિલાસો આપવાને શક્તિમાન થયા’ છે. (૨ કોરીંથી ૧:૩, ૪; એફેસી ૫:૧) યહોવાહના સાક્ષીઓના પ્રચારકાર્યનો સૌથી મહત્ત્વનો હેતુ એ જ છે.
મુશ્કેલીમાં એક સ્ત્રીને મદદ કરવી
ખાસ કરીને તાજેતરનાં વર્ષોમાં ગરીબી, યુદ્ધ, અને સારું જીવન શોધવાની ઇચ્છાથી ઘણા લોકો વધારે ધનવાન હોય એવા દેશોમાં જાય છે. પરંતુ નવા વાતાવરણને અનુકૂળ થવું કંઈ સહેલું નથી. મોનયૉલા આલ્બેનિયાના લોકો સાથે બૉરગૉમેનરૉમાં રહેતી હતી. તે ઇટાલીમાં ગેરકાનૂની રીતે રહેતી હોવાથી, તે વેન્ડા નામની યહોવાહની સાક્ષી સાથે વાત કરતા અચકાતી હતી. જોકે, વેન્ડાએ મોનયૉલા સાથે મુલાકાત ગોઠવી, અને ભાષાની મુશ્કેલી હોવા છતાં, મોનયૉલાએ જલદી જ બાઇબલનો અભ્યાસ કરવાની ઇચ્છા બતાવી. તેમ છતાં, થોડી મુલાકાતો પછી, વેન્ડાને કોઈ ઘરે મળતું નહિ. શું થયું હતું? વેન્ડાને જાણવા મળ્યું કે, એ ઘરમાં રહેનારા સર્વ નાસી છૂટ્યા હતા, કારણ કે તેઓમાંનો એક, જે મોનયૉલાનો મિત્ર હતો, તેની ખૂન કરવાના ગુના હેઠળ શોધ ચાલતી હતી!
જોકે, ચાર મહિના પછી વેન્ડાને અચાનક મોનયૉલાનો ભેટો થયો. વેન્ડા યાદ કરે છે કે, “તે સાવ ફિક્કી અને પાતળી થઈ ગઈ હતી. તે ખરેખર મુશ્કેલીમાં હોય એમ દેખાઈ આવતું હતું.” મોનયૉલાએ સમજાવ્યું કે તેનો અગાઉનો મિત્ર જેલમાં હતો, અને તે બીજા મિત્રો પાસે મદદ માટે ગઈ, પણ તેને ફક્ત નિરાશા જ મળી. કોઈ આશા વિનાની, મોનયૉલાએ દેવને મદદ માટે પ્રાર્થના કરી. પછી તેને વેન્ડા યાદ આવી, જેણે તેને બાઇબલ વિષે જણાવ્યું હતું. મોનયૉલા તેને ફરીથી મળીને કેટલી ખુશ હતી!
જલદી જ, બાઇબલ અભ્યાસ ફરીથી શરૂ થયો, અને મોનયૉલા ખ્રિસ્તી સભાઓમાં આવવા લાગી. તેણે ઇટાલીમાં કાયદેસર રહેવાની મંજૂરી મેળવી. એક વર્ષ પછી, મોનયૉલા સાક્ષી તરીકે બાપ્તિસ્મા પામી. દેવના વચનોના દિલાસાથી પ્રેરાઈને, પોતાના દેશના લોકોને બાઇબલનો દિલાસો આપનારો સંદેશ આપવા તે આલ્બેનિયા પાછી ગઈ.
પરદેશીઓને સાક્ષી આપવી
ઇટાલીમાં ઘણાં મંડળોએ મોનયૉલા જેવા પરદેશીઓને સાક્ષી આપવા ગોઠવણો કરી છે. દાખલા તરીકે, ફ્લોરેન્સમાંના મંડળે છાવણીઓમાં રહેનારા પરદેશીઓની નિયમિતપણે
મુલાકાત લેવાની ગોઠવણ કરી. એ પરદેશીઓમાંના ઘણા પૂર્વીય યુરોપ, મેસીડોનિયા, અને કૉસવોનાથી આવ્યા હતા, જેઓએ ઘણી મુશ્કેલીઓ અનુભવી હતી. કેટલાકને કેફી પદાર્થ અને દારૂની સમસ્યા હતી. ઘણા નાની-મોટી ચોરીઓ કરીને જીવન જીવતા હતા.તેઓને બાઇબલનો દિલાસાનો સંદેશ આપવો પડકારરૂપ હતું. છતાં, એક પૂરા-સમયની સુવાર્તિક પાઑલા મેસીડોનિયાની એક સ્ત્રી જાકલીનાને મળી. થોડી મુલાકાતો પછી, જાકલીનાએ પોતાની મિત્ર સુસાનાને બાઇબલ તપાસવાનું ઉત્તેજન આપ્યું. પછી, સુસાનાએ બીજાં સગાઓ સાથે વાત કરી. જલદી જ, કુટુંબના પાંચ સભ્યોએ નિયમિતપણે બાઇબલનો અભ્યાસ કર્યો, ખ્રિસ્તી સભાઓમાં હાજરી આપી અને તેઓ જે શીખતા હતા એ પાળવા લાગ્યા. તેઓએ સામનો કરવી પડતી મુશ્કેલી છતાં, તેઓને યહોવાહ દેવ અને તેમના શબ્દ, બાઇબલમાંથી દિલાસો મળ્યો.
સાધ્વીએ યહોવાહનો દિલાસો મેળવ્યો
ફૉરમીઆ શહેરમાં, અસુન્તા નામની પૂરા-સમયની સુવાર્તિકે એક સ્ત્રી સાથે વાત કરી, જે માંડ માંડ ચાલી શકતી હતી. તે સ્ત્રી એક ધાર્મિક સંગઠનની સાધ્વી હતી, જે હૉસ્પિટલમાં તથા ઘરોમાં માંદા અને ઘરડાં લોકોને મદદ કરતું સંગઠન હતું.
અસુન્તાએ સાધ્વીને કહ્યું: “તમે બહુ દુઃખી લાગો છો, ખરું ને? દુઃખની વાત છે કે, આપણે સર્વને મુશ્કેલીઓ છે.” એ સાંભળીને સાધ્વી રડી પડી. તેણે જણાવ્યું કે તેની તંદુરસ્તી બહુ સારી રહેતી નથી. અસુન્તાએ એમ કહીને ઉત્તેજન આપ્યું કે બાઇબલના દેવ તેને દિલાસો આપી શકે. અસુન્તાએ રજૂ કરેલાં બાઇબલ આધારિત સામયિકો સાધ્વીએ સ્વીકાર્યા.
એ પછીની મુલાકાતમાં, એ સાધ્વી જેનું નામ પાલમીરા હતું, તેણે કબૂલ્યું કે તેને બહુ જ મુશ્કેલીઓ છે. સાધ્વીઓ દ્વારા ચલાવવામાં આવતી એક સંસ્થામાં તે લાંબા સમયથી રહેતી હતી. તંદુરસ્તીની મુશ્કેલીને કારણે અમુક સમય માટે તેને એ કાર્ય છોડવું પડ્યું, પણ પછી તેને એમાં પાછી ફરવાની મંજૂરી મળી નહિ. જોકે, પાલમીરાને લાગતું હતું કે, પોતે સાધ્વીની પ્રતિજ્ઞાઓથી દેવ સાથે બંધાયેલી હતી. “સારવાર” માટે તે સાજાપણું આપનાર પાસે ગઈ, પણ એનાથી તેને વધારે માનસિક આઘાત લાગ્યો. પાલમીરા બાઇબલ અભ્યાસ કરવા તૈયાર થઈ, અને એક વરસ સુધી ખ્રિસ્તી સભાઓમાં પણ આવી. પછી, તે જુદા વિસ્તારમાં રહેવા ગઈ, અને સાક્ષીઓ તેનો સંપર્ક સાધી ન શક્યા. બે વર્ષ પછી, અસુન્તા તેને ફરીથી મળી. પાલમીરાનો પોતાના કુટુંબ અને પાદરીઓ તરફથી સખત વિરોધ થયો હતો. છતાં, તેણે બાઇબલ અભ્યાસ ચાલુ રાખ્યો, પ્રગતિ કરી અને યહોવાહની સાક્ષી તરીકે બાપ્તિસ્મા પામી.
હા, ‘દિલાસાના દેવ’ જે સંદેશો આપે છે, એનાથી ઘણાને ઉત્તેજન મળ્યું છે. (રૂમી ૧૫:૪, ૬) તેથી, ઇટાલીના યહોવાહના સાક્ષીઓએ બીજાઓને દિલાસાનો સંદેશ આપીને સતત દેવને અનુસરવાનો નિર્ણય કર્યો છે.