દાનીયેલના પુસ્તકે સમજાવ્યું!
દાનીયેલના પુસ્તકે સમજાવ્યું!
મહાસંમેલનમાં હાજર રહેનારાઓ ૩૨૦-પાનનું નવું પુસ્તક, દાનીયેલની ભવિષ્યવાણીને ધ્યાન આપો! મેળવવા ઘણા જ આતુર હતા. આ પુસ્તક વિષે કેટલાકે જે કહ્યું એનો વિચાર કરો.
“મોટા ભાગના યુવાનોની જેમ, મને પણ પ્રાચીન ઇતિહાસનો અભ્યાસ કરવો જરાય ગમતું નહિ. તેથી, મેં જ્યારે દાનીયેલની ભવિષ્યવાણીને ધ્યાન આપો! પુસ્તક મેળવ્યું ત્યારે, હું કંઈ એ વાંચવા બહુ ઉત્સાહી ન હતી, પણ વિચાર્યું કે, જોઈએ, વાંચીએ. ખરેખર, મારું વલણ જ સાવ ખોટું હતું! એના જેવું પુસ્તક મેં ક્યારેય જોયું નથી. એ છોડવાનું મન જ થતું ન હતું! મને એવું જરાય લાગતું નથી કે, હું સદીઓ પહેલાંનો ઇતિહાસ વાંચી રહી છું. આ પહેલી વાર હું દાનીયેલની લાગણીઓ સમજી શકી. હું ખરેખર કલ્પના કરી શકું છું કે, મને મારા કુટુંબ પાસેથી બળજબરીથી પરદેશમાં લઈ જવામાં આવે અને ત્યાં વારંવાર મારા વિશ્વાસની કસોટી કરવામાં આવે તો મને કેવું લાગે. આ પુસ્તકની હું ખરેખર કદર કરું છું.”—એન્યા.
“મારા મનમાં એક વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ કે, યહોવાહ પોતાના ઉપાસકોને અસર કરતી બાબતો વિષે પૂરેપૂરા જાણકાર છે, અને એના પર કાબૂ ધરાવે છે. દાનીયેલે સમજાવેલાં સંદર્શનો અને સ્વપ્નો જે તેમને પોતાને અને બીજાઓને થયાં હતાં, એના પરથી એક જ નિર્ણય કરી શકાય. આપણા દેવ સઘળું પોતાના હેતુ મુજબ જ કરશે, એનાથી જરાય વધારે નહિ, અને ઓછું પણ નહિ. તેથી, તેમની નવી દુનિયા વિષે બાઇબલમાં મળી આવતા પ્રબોધકીય સંદેશાની આશામાં આપણો વિશ્વાસ હજુ પણ વધારે દૃઢ થાય છે.”—ચેસ્ટર.
“દાનીયેલનું જીવંત વર્ણન મને ખૂબ ગમ્યું. તેમનું દુઃખ અને ચિંતાઓ એ રીતે જણાવવામાં આવી હતી, જેથી હું તેમને વધુ સારી રીતે ઓળખતી થઈ. હું હવે સમજી શકું છું કે, તે યહોવાહ દેવને કેમ અતિ પ્રિય હતા. કસોટીઓ અને સતાવણી દરમિયાન તેમને પોતાની પડી ન હતી. તેમને તો ફક્ત યહોવાહ દેવ અને તેમના નામની જ ચિંતા હતી. તમે આ મુદ્દા પર ભાર મૂક્યો એ માટે તમારો ખુબ જ આભાર.”—જોય.
“અમે એની જ રાહ જોઈ રહ્યા હતા! દાનીયેલના પુસ્તકમાંથી આટલું બધુ આપણને લાગુ પડે છે, એ વિષે પહેલાં ક્યારેય જણાવવામાં આવ્યું ન હતું. મોટા ભાગે, એ નવું પુસ્તક મેં એ જ રાત્રે વાંચી કાઢ્યા પછી, પ્રાર્થનામાં યહોવાહનો આભાર માન્યો.”—માર્ક.
“અમે ધારતા ન હતા કે, અમારાં બાળકો પર આટલી ઊંડી અસર પડશે. તેઓ ત્રણ અને પાંચ વર્ષનાં જ છે. . . બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તક દાનીયેલ, હનાન્યાહ, મીખાએલ અને અઝાર્યાહની વાર્તા જણાવે છે, જે તેઓની પ્રિય વાર્તા છે. પરંતુ, દાનીયેલની ભવિષ્યવાણી પુસ્તકમાં જે રીતે આપવામાં આવ્યું છે એનાથી તેઓ પર એવી અસર થઈ કે, અમે તો જોતા જ રહી ગયા. આટલી નાની ઉંમરે પણ તેઓ આ ન્યાયી યુવાનો જેવા બનવા ચાહે છે. અમારાં બાળકો માટે તેઓ સુંદર ઉદાહરણ પૂરું પાડે છે! તમે અમને એક અદ્ભુત સાધન આપ્યું છે! તમારો ખૂબ ખૂબ આભાર!”—બેથેલ.
“મને એવું લાગતું હતું કે, હું તે હેબ્રીઓની સાથે જ હતી જ્યારે તેઓના વિશ્વાસની કસોટી થઈ; એનાથી મને મારો વિશ્વાસ ચકાસવા ઉત્તેજન મળ્યું. “આપણે શું શીખ્યા?” એ પુનરાવર્તનના બૉક્સથી અધ્યાયની માહિતીની હૃદય પર ઊંડી અસર પડે છે. આ અજોડ પુસ્તક માટે તમારો ફરીથી આભાર.”—લીદિયા.