દેવનો પ્રબોધકીય શબ્દ ભાવિની આશા આપે છે
દેવનો પ્રબોધકીય શબ્દ ભાવિની આશા આપે છે
યહોવાહ દેવના શબ્દ, બાઇબલ માટે આપણે ખૂબ જ આભારી છીએ. એ આજે સાચા ખ્રિસ્તીઓને વિશ્વાસ અને હિંમતથી ભાવિની આશા રાખવા મદદ કરે છે. યહોવાહના ઉપાસકો તરીકે તેઓ ભાવિની આતુરતાથી રાહ જુએ છે. “દેવનો પ્રબોધકીય શબ્દ” મહાસંમેલનના પ્રથમ ભાષણે સમજાવ્યું તેમ, યહોવાહના ઉપાસકો વર્ષોથી બાઇબલ ભવિષ્યવાણીનો ઊંડો અભ્યાસ કરી રહ્યા છે. યહોવાહ પોતાના ઉપાસકોને આ મહાસંમેલનમાં શું શીખવવાના હતા? હાજર રહેલા સર્વ પોતાના બાઇબલમાંથી એ જાણવા આતુર હતા. મહાસંમેલનના દરેક દિવસના અલગ અલગ વિષય મથાળા તરીકે રાખવામાં આવ્યા છે.
પ્રથમ દિવસ: દેવના પ્રકાશમાં ચાલવું
“દેવનો શબ્દ આપણને દોરે છે,” એ વાર્તાલાપે સમજાવ્યું કે, યહોવાહના ઉપાસકો એવા માણસ જેવા છે, જે રાતના મુસાફરી શરૂ કરે છે. સૂર્ય ઊગે છે તેમ, તેને ઝાંખું ઝાંખું દેખાય છે. પરંતુ, સૂર્ય ઉપર આવે છે તેમ, તેને ધીમે ધીમે એકદમ સાફ દેખાતું જાય છે. નીતિવચન ૪:૧૮માં ભાખવામાં આવ્યું છે તેમ, યહોવાહના ઉપાસકો દેવના પ્રબોધકીય સત્યના પ્રકાશમાં પોતાનો માર્ગ સ્પષ્ટ જોઈ શકે છે. તેઓને અંધકારમાં ફાંફાં મારવા પડતા નથી.
ચાવીરૂપ વાર્તાલાપનો વિષય હતો, “દેવના પ્રબોધકીય શબ્દને ધ્યાન આપો.” એ વાર્તાલાપે શ્રોતાઓને યાદ કરાવ્યું કે, તેઓનો ભરોસો યહોવાહમાં હોવાથી, તેઓ ભ્રમમાં રહીને નિરાશ થતા નથી. જ્યારે કે, બીજા લોકો જૂઠા મસીહો અને પ્રબોધકોને અનુસરીને પસ્તાય છે. એની સરખામણીમાં, ઈસુ ખ્રિસ્ત સાચા મસીહ છે, તેના પુષ્કળ પુરાવા જોવા મળે છે! દાખલા તરીકે, ઈસુનું ચમત્કારિક રૂપાંતરનું દૃશ્ય, જાણે તે દેવના રાજ્યના રાજા હોય એની પૂર્વઝાંખી આપતું હતું. ઈસુ ૧૯૧૪માં રાજ્યસત્તામાં આવ્યા ત્યારથી, ૨ પીતર ૧:૧૯માં કહે છે તેમ, હવે તે “સવારનો તારો” પણ છે. વક્તાએ કહ્યું કે, “મસીહી સવારના તારા તરીકે, તેમણે સર્વ આજ્ઞાંકિત લોકો માટે નવો દિવસ અથવા નવો યુગ શરૂ કર્યો.”
બપોરના કાર્યક્રમની શરૂઆત, “જ્યોતિઓ જેવા પ્રકાશવું” વાર્તાલાપથી કરવામાં આવી. એમાં એફેસી ૫:૮ પર સમજણ આપવામાં આવી, જ્યાં પ્રેષિત પાઊલ આપણને “પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો” એવી સલાહ આપે છે. સાચા ખ્રિસ્તીઓ પ્રકાશરૂપ છે. તેઓ દેવના શબ્દમાંથી બીજાને શીખવે છે એટલું જ નહિ, પરંતુ ઈસુનું અનુકરણ કરીને બાઇબલના સિદ્ધાંતો પોતાના જીવનમાં લાગુ પાડે છે.
આ પ્રમાણે પ્રકાશ આપનાર બનવા માટે, આપણને “દેવનો શબ્દ વાંચવામાં હર્ષ થવો જોઈએ.” એ ત્રણ ભાગના વાર્તાલાપમાં ચર્ચવામાં આવ્યું. પ્રથમ વક્તાએ બાઇબલ વિષે ઈબ્રાહીમ લિંકનના શબ્દો ટાંકતા કહ્યું કે, બાઇબલ “દેવે મનુષ્યને આપેલી સર્વોત્તમ ભેટ” છે. પછી, વક્તાએ શ્રોતાઓને પૂછયું કે, બાઇબલ વાંચનની તેઓની ટેવ કેવી છે, જે બતાવશે કે તેઓ યહોવાહ દેવના શબ્દ, બાઇબલ માટે કેટલી ઊંડી કદર ધરાવે છે? શ્રોતાઓને ઉત્તેજન આપવામાં આવ્યું કે તેઓ ધ્યાન આપીને બાઇબલ વાંચન કરે. તેઓ જે બનાવો વાંચે એ જાણે જોતા હોય, એમ એના પર મનન કરે, અને જે જાણતા હોય એની સાથે નવા મુદ્દાઓ સરખાવે.
વાર્તાલાપના બીજા ભાગમાં ભાર મૂકવામાં આવ્યો કે, આપણે “ભારે ખોરાક” લેવા માગતા હોઈએ તો, ફક્ત વાંચવા પૂરતુ વાંચી જવાથી નહિ, પણ ઊંડો અભ્યાસ કરવાથી મદદ મળશે. (હેબ્રી ૫:૧૩, ૧૪) વક્તાએ કહ્યું કે, આપણે ઈસ્રાએલી યાજક એઝરાની જેમ અભ્યાસ કરવામાં ‘મન લગાડીશું’ તો, એ ખાસ કરીને ઉત્તેજન આપનારો બનશે. (એઝરા ૭:૧૦) પરંતુ, અભ્યાસ શા માટે આટલો મહત્ત્વનો છે? એનું કારણ એ કે, યહોવાહ દેવ સાથેનો આપણો સંબંધ એના પર આધારિત છે. તેથી, ભલે બાઇબલ અભ્યાસ કરવામાં શિસ્ત અને પ્રયત્નની જરૂર પડે, પણ એ મૂલ્યવાન છે, અને એ આનંદ તથા તાજગી આપનારો હોવો જોઈએ. જોકે, સારી રીતે અભ્યાસ કરવા આપણે કઈ રીતે સમય મેળવી શકીએ? એ વાર્તાલાપના છેલ્લા વક્તાએ કહ્યું કે, ઓછી મહત્ત્વની પ્રવૃત્તિઓમાં ભાગ ન લેવાથી “સમયનો સદુપયોગ” થઈ શકે. (એફેસી ૫:૧૬) હા, આપણી પાસે જે સમય રહેલો છે તેનો સદુપયોગ કરીને સમય મેળવી શકીએ.
“થાકેલાઓને દેવ શક્તિ આપે છે” વાર્તાલાપમાં સ્વીકારવામાં આવ્યું કે, આજે ઘણા લોકો થાકી ગયા છે. તેથી, ખ્રિસ્તી સેવામાં આપણને “પરાક્રમની અધિકતા” જરૂરી છે. એ માટે આપણે યહોવાહ દેવ પર આધારિત રહેવું જોઈએ, જે “નબળાને બળ આપે છે.” (૨ કોરીંથી ૪:૭; યશાયાહ ૪૦:૨૯) દેવનો શબ્દ બાઇબલ, પ્રાર્થના, ખ્રિસ્તી મંડળ, પ્રચારકાર્યમાં નિયમિત રીતે ભાગ લેવો, ખ્રિસ્તી નિરીક્ષકો, અને વફાદાર ભાઈ-બહેનોનાં ઉદાહરણ આપણને બળ આપી શકે છે. “સમય ધ્યાનમાં રાખીને, શિક્ષક બનો” વાર્તાલાપમાં જણાવવામાં આવ્યું કે, ખ્રિસ્તીઓએ પ્રચારકો તથા શિક્ષકો બનવું જોઈએ. તેઓએ શીખવવાની કળા વિકસાવવા સખત મહેનત કરવી જોઈએ.—૨ તીમોથી ૪:૨.
પહેલા દિવસનો છેલ્લો વાર્તાલાપ હતો, “દેવની વિરુદ્ધ લડનારાઓ ટકશે નહિ.” એમાં જણાવવામાં આવ્યું કે, અમુક દેશોમાં યહોવાહના સાક્ષીઓ પર જૂઠા આરોપો મૂકીને તેઓને ખતરનાક પંથ તરીકે બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. પરંતુ, આપણે બીવાની જરૂર નથી, કારણ કે યશાયાહ ૫૪:૧૭ કહે છે: “તારી વિરૂદ્ધ વાપરવા સારૂ ઘડેલું કોઈ પણ હથિયાર સાર્થક થશે નહિ; ન્યાયસભામાં જે કોઈ જીભ તારી વિરૂદ્ધ બોલશે, તેને તું દોષિત ઠરાવીશ. એ યહોવાહના સેવકોનો વારસો છે, તેમનું ન્યાયીપણું મારાથી છે, એમ યહોવાહ કહે છે.”
બીજો દિવસ: પ્રબોધકીય શાસ્ત્રવચનોનું જ્ઞાન
દરરોજના બાઇબલ વચનની ચર્ચા પછી, મહાસંમેલનમાં ભેગા થયેલાઓને ત્રણ ભાગમાં બીજો એક વાર્તાલાપ સાંભળવાની મજા આવી. જેનો વિષય હતો: “પ્રકાશ
ફેલાવનારા તરીકે યહોવાહને મહિમાવંત કરવા.” પ્રથમ વાર્તાલાપે જણાવ્યું કે, ખ્રિસ્તીઓનો ધ્યેય સર્વત્ર પ્રચાર કરીને યહોવાહ દેવને મહિમાવંત કરવાનો છે. વાર્તાલાપના બીજા ભાગે જણાવ્યું કે, જેઓ સત્ય શીખી રહ્યા છે તેઓને દેવના સંગઠન તરફ દોરવા જોઈએ. કઈ રીતે? બાઇબલ અભ્યાસ ચલાવીએ ત્યારે, એ પહેલાં અથવા એના પછી પાંચ-દસ મિનિટ સમય કાઢીને તેઓને દેવના સંગઠન વિષે જણાવી શકાય. વાર્તાલાપના ત્રીજા ભાગે આપણા સારાં કાર્યોથી દેવને મહિમા આપવાની જરૂર પર ભાર મૂક્યો.“યહોવાહની સલાહને ચાહતા રહો” વાર્તાલાપમાં, ગીતશાસ્ત્ર ૧૧૯માંની અમુક કલમો પર ચર્ચા કરવામાં આવી. ખરેખર, આપણને વારંવાર સલાહની જરૂર છે કારણ કે આપણે સર્વ ભૂલકણા છીએ. તેથી, આપણે ગીતકર્તાની જેમ યહોવાહની સલાહ ચાહતા શીખીએ એ કેટલું મહત્ત્વનું છે!
એના પછી બાપ્તિસ્માનો ખાસ વાર્તાલાપ આવ્યો. જેનો વિષય હતો: “પ્રબોધકીય શબ્દને ધ્યાન આપવું બાપ્તિસ્મા તરફ દોરી જાય છે.” ઉમેદવારોને યાદ દેવડાવવામાં આવ્યું કે, ફક્ત બાપ્તિસ્મા પામવાથી જ નહિ, પણ ખ્રિસ્તને પગલે ચાલવાથી તેમનું અનુકરણ થઈ શકે છે. (૧ પીતર ૨:૨૧) આ નવા ઉપાસકોને યોહાન ૧૦:૧૬ની પરિપૂર્ણતામાં ભાગ લેવાનો કેટલો મહાન લહાવો છે. જેમાં ઈસુએ ભાખ્યું હતું કે, પવિત્ર આત્માથી અભિષિક્ત થયેલા શિષ્યો સાથે સેવા કરવા તે ‘બીજાં ઘેટાંને’ ભેગા કરશે!
બપોરના કાર્યક્રમની શરૂઆતનો વાર્તાલાપ હતો: “આત્મા જે કહે છે તે સાંભળો.” એમાં સમજાવવામાં આવ્યું કે, યહોવાહનો પવિત્ર આત્મા આપણી સાથે બાઇબલ, “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર,” અને બાઇબલથી તાલીમ પામેલા આપણા અંતઃકરણ વડે વાત કરે છે. (માત્થી ૨૪:૪૫) તેથી, સાચા ખ્રિસ્તીઓએ દેવની સ્તુતિ કરવા સ્વર્ગમાંથી સીધેસીધો કોઈ અવાજ માર્ગદર્શન આપે, એની રાહ જોવાની જરૂરી નથી. એના પછી, “દૈવી ભક્તિભાવ પ્રમાણેના શિક્ષણ માટે દૃઢ” રહેવા વિષે ચર્ચા કરવામાં આવી. જેમાં ખ્રિસ્તીઓને ઉત્તેજન આપવામાં આવ્યું કે, આ જગતના વિચારોમાં ફાંફાં મારીને બંને બાજુ પગ રાખવાની જરૂર નથી. આપણે જગતના વિચારોમાં વધારે પડતી જિજ્ઞાસા રાખીશું તો, ધર્મત્યાગીઓ અને શેતાનના ચેલાઓની જાળમાં ફસાઈ જઈશું. એના કરતાં, નિયમિત રીતે બાઇબલ તથા ચોકીબુરજ અને સજાગ બનો!ના બધા જ લેખો કેમ ન વાંચવા! એ જ સૌથી લાભદાયી છે!
એના પછી, ‘સત્ય વચનોનું ખરૂં સ્વરૂપ પકડી રાખો’ વિષય પર વાર્તાલાપ હતો. એમાં ભાર મૂકવામાં આવ્યો કે, બાઇબલના સત્યના “સ્વરૂપ,” અથવા બંધારણથી આપણે પૂરેપૂરા પરિચિત થવું ખૂબ જ મહત્ત્વનું છે. (૨ તીમોથી ૧:૧૩) આ સ્વરૂપ સમજવું ફક્ત દૈવી ભક્તિભાવની જ નહિ, પણ એ સત્ય સાથે બંધબેસે છે કે નહિ, એ ઓળખી કાઢવાની પણ ચાવી છે.
યહોવાહની નજરમાં આપણે કિંમતી છીએ એનો વિચાર કરો. કેટલો મોટો લહાવો! હાગ્ગાયની ભવિષ્યવાણી પર આધારિત વાર્તાલાપ, “યહોવાહ કિંમતી વસ્તુઓથી પોતાનું મંદિર ભરે છે,” ખરેખર ઉત્તેજનકારક હતો. એણે શ્રોતાઓને ખાતરી કરાવી કે યહોવાહને મન મોટા સમુદાયમાંના દરેક જણ પ્રિય છે. (પ્રકટીકરણ ૭:૯) તેથી, યહોવાહ આવી રહેલી “મહાન વિપત્તિ” વખતે દેશોને “હલાવી” નાખશે ત્યારે તેઓને બચાવશે. (હાગ્ગાય ૨:૭, ૨૧, ૨૨; માત્થી ૨૪:૨૧) એ દરમિયાન, યહોવાહના ભક્તોએ આત્મિક રીતે જાગતા રહેવાની જરૂર છે. એ વિષે, “પ્રબોધકીય શાસ્ત્રવચનો આપણને જાગતા રહેવા મદદ કરે છે,” વાર્તાલાપમાં સમજાવવામાં આવ્યું. વક્તાએ ઈસુના આ શબ્દો ટાંક્યા: “માટે જાગતા રહો, કેમકે તમે જાણતા નથી કે કયે દિવસે તમારો પ્રભુ આવશે.” (માત્થી ૨૪:૪૨) આપણે કઈ રીતે ‘જાગતા રહી’ શકીએ? યહોવાહની સેવામાં વ્યસ્ત રહીને, પ્રાર્થનામાં મંડયા રહીને, અને યહોવાહ દેવના મહાન દિવસની અપેક્ષા રાખીને આપણે એમ કરી શકીએ.
એ દિવસનો છેલ્લો વાર્તાલાપનો વિષય હતો, “અંતના સમયમાં પ્રબોધકીય શબ્દ.” વર્ષો સુધી આ વાર્તાલાપ યાદ રહેશે. શા માટે? એનું કારણ એ કે, વક્તાએ દાનીયેલની ભવિષ્યવાણીને ધ્યાન આપો! નવા પુસ્તકની જાહેરાત કરી. વક્તાએ કહ્યું કે, “આ ૩૨૦ પાનના પુસ્તકમાં સુંદર ચિત્રો છે, અને એ દાનીયેલના પુસ્તકના દરેક ભાગની સમજણ આપે છે.” ખરેખર એ વિશ્વાસ દૃઢ કરે છે કે, યહોવાહ પોતાના પ્રબોધકીય શબ્દ પર પ્રકાશ પાડે છે!
ત્રીજો દિવસ: દેવનો પ્રબોધકીય શબ્દ કદી નિષ્ફળ જતો નથી
મહાસંમેલનના છેલ્લા દિવસે પણ ત્રણ ભાગના વાર્તાલાપથી શરૂઆત થઈ, જેનો વિષય હતો “નિયુક્ત સમય માટેના પ્રબોધકીય શબ્દો.” એ ત્રણ ભાગમાં, પ્રબોધક હબાક્કૂકે કરેલી યહોવાહના ન્યાય વિષેની ત્રણ જાહેરાતોની
ચર્ચા કરવામાં આવી. પ્રથમ દુષ્ટ યહુદાહ અને બીજી જુલમી બાબેલોન વિરુદ્ધની જાહેરાત હતી. છેલ્લી જાહેરાત હજુ પૂરી થવાની બાકી છે, જે સર્વ દુષ્ટ માનવીઓના ઝડપથી આવનાર વિનાશને લાગુ પડે છે. એ વાર્તાલાપનો છેલ્લો ભાગ આપનાર ભાઈએ આર્માગેદ્દોન વિષે વાત કરતા શ્રોતાઓના મનમાં દેવનો યોગ્ય ભય જગાડતા કહ્યું: “સાચે જ, યહોવાહ પોતાની શક્તિનો પૂરો ઉપયોગ કરશે ત્યારે એ ભયાનક હશે.”મહાસંમેલનના હૃદય સ્પર્શી જનાર નાટકનો વિષય હતો, “આપણા આત્મિક વારસાની કદર કરવી.” આત્મિક બાબતો વિષે યાકૂબ અને એસાવના વલણની સરખામણી કરવામાં આવી. જે આપણને પોતાની સ્વ-તપાસ કરવા ઉત્તેજન આપતી હતી. એસાવને આત્મિક વારસાની જરાય પડી ન હતી, જ્યારે કે યાકૂબને મન એ બહુ જ કિંમતી હતો. તેથી, એ વારસો તેને આપવામાં આવ્યો. મહાસંમેલનના શ્રોતાઓને પૂછવામાં આવ્યું કે “યહોવાહે આપણને શું [આત્મિક વારસા તરીકે] આપ્યું છે?” પછી વક્તાએ જવાબ આપતા કહ્યું કે, “દેવના શબ્દ, બાઇબલનું સત્ય; અનંતજીવનની આશા; અને તેમના પ્રતિનિધિ તરીકે સુસમાચાર પ્રચાર કરવાની સુંદર તક.”
પછીના વાર્તાલાપનો વિષય હતો, “આપણા મૂલ્યવાન વારસાનો તમારા માટે શું અર્થ થાય છે?” આપણે ધનદોલત વગેરે નહિ, પણ યહોવાહની સેવા અને આત્મિક લહાવાઓને જીવનમાં પ્રથમ મૂકીને આત્મિક વારસા પ્રત્યે ખરું વલણ રાખી શકીશું. આ રીતે આપણે આદમ, એસાવ અને અવિશ્વાસુ ઈસ્રાએલીઓના માર્ગે નહિ જઈએ, પણ યહોવાહ દેવની સાથે કાયમી સંબંધ બાંધીશું.
પછી, જાહેર વાર્તાલાપ હતો: “ભાખવામાં આવ્યા પ્રમાણે, સઘળું નવું બનાવવું.” એમાં “નવા આકાશ” અને “નવી પૃથ્વી” વિષે ચાર ચાવીરૂપ ભવિષ્યવાણીઓનો સમાવેશ થતો હતો. (યશાયાહ ૬૫:૧૭-૨૫; ૬૬:૨૨-૨૪; ૨ પીતર ૩:૧૩; પ્રકટીકરણ ૨૧:૧, ૩-૫) દેખીતી રીતે જ, ૫૩૭ બી.સી.ઈ.માં ફરીથી સ્થાયી કરાયેલા પોતાના લોકો કરતાં, યહોવાહના મનમાં આ ભવિષ્યવાણીની મહાન પરિપૂર્ણતા રહેલી હતી. હા, તેમના મનમાં તેમની આકાશી સરકાર (“નવાં આકાશ”) અને એની પ્રજા (“નવી પૃથ્વી”) હતા, જે ભવ્ય નવી દુનિયામાં રહેશે.
રોમાંચક અને પ્રેરણા આપનાર મહાસંમેલનની સમાપ્તિ “દેવનો શબ્દ માર્ગદર્શન આપે છે, તેમ આપણી અપેક્ષાઓ” વિષય પરના વાર્તાલાપથી થઈ. એમાં સર્વને યાદ કરાવવામાં આવ્યું કે, રાજ્ય પ્રચારનું કામ પૂરું કરવા માટે “સમય થોડો રહેલો છે.” (૧ કોરીંથી ૭:૨૯) હા, યહોવાહ દેવ જલદી જ શેતાન અને તેના દુષ્ટ જગતનો અંત લાવશે, એ સમયમાં આપણે આવી પહોંચ્યા છીએ. ચાલો આપણે પણ ગીતકર્તા જેવું જ વલણ બતાવીએ: “આપણા આત્માએ યહોવાહની વાટ જોઈ છે; તે આપણો સહાયકારી તથા આપણી ઢાલ છે.” (ગીતશાસ્ત્ર ૩૩:૨૦) યહોવાહ દેવના પ્રબોધકીય શબ્દ પર અપેક્ષા રાખનારાઓ માટે સુંદર ભાવિ રહેલું છે!
[પાન ૭ પર ચિત્ર]
ઉત્તેજનભર્યા નાટકે યહોવાહના ભક્તોને આત્મિક વારસાની કદર કરવાનું ઉત્તેજન આપ્યું
[પાન ૭ પર ચિત્ર]
દેવના પ્રબોધકીય શબ્દને ધ્યાન આપનારા ઘણા બાપ્તિસ્મા પામ્યા