પોતાને વિશેષ ન ગણો!
પોતાને વિશેષ ન ગણો!
તે બહુ અભિમાની અધિકારી હતો. રાજાના દરબારમાં તેનું માન-સન્માન થતું. લોકો તેની વાહ વાહ કરી, તેને સલામ ભરતા, એ તેને બહુ ગમતું. પરંતુ, એક માણસ તેને સલામ ભરતો નહિ, જેનાથી તે ખૂબ જ ગુસ્સે થતો. તેથી, એ અભિમાની અધિકારીએ બદલો લેવાનું કાવતરું ઘડ્યું. એ કાવતરું સલામ ન ભરનાર માણસ, અને તેની સમગ્ર જાતિનું નામનિશાન મીટાવી દેવાનું હતું. પોતે કંઈક છે એવું ધારી લેવાનું કેવું ખરાબ પરિણામ!
એ કાવતરું ઘડનાર હામાન હતો. તે ઈરાની રાજા અહાશ્વેરોશના મહેલમાં એક ઉચ્ચ અધિકારી હતો. તેની દુશ્મની યહુદી મોર્દખાય સાથે હતી. જોકે, હામાને ઘડેલું કાવતરું વધારે પડતું કહી શકાય. પરંતુ, એ અભિમાનના વિનાશક અને માઠાં પરિણામ બતાવે છે. તેના ઘમંડના કારણે ફક્ત બીજાઓને જ સહેવું ન પડ્યું. પરંતુ, તેને પોતાને પણ નીચું જોવું પડયું અને છેવટે તેણે પોતાનો જીવ ગુમાવ્યો.—એસ્તેર ૩:૧-૯; ૫:૮-૧૪; ૬:૪-૧૦; ૭:૧-૧૦.
દેવના સેવકોને પણ અભિમાન અસર કરી શકે
યહોવાહ ચાહે છે કે આપણે ‘આપણા દેવની સાથે નમ્રતાથી ચાલીએ.’ (મીખાહ ૬:૮) બાઇબલમાં, નમ્રતા ન બતાવનાર વ્યક્તિઓના અનુભવ આપવામાં આવ્યા છે. એનાથી, તેઓ ઘણા દુઃખી થયા. એમાંના કેટલાક અનુભવો આપણને શીખવશે કે, પોતાના વિષે વધુ પડતું વિચારવામાં કેટલી મૂર્ખાઈ અને જોખમ રહેલા છે.
યહોવાહ દેવે પ્રબોધક યૂનાને જણાવ્યું કે, તે નીનવેહના દુષ્ટ લોકોને જઈને આવનાર વિનાશ વિષે ચેતવણી આપે. પરંતુ, યૂનાએ નાસી છૂટવાનો પ્રયત્ન કર્યો. (યૂના ૧:૧-૩) આખરે, તે નીનવેહ ગયા. તેમની ચેતવણી સાંભળીને નીનવેહના લોકોએ પસ્તાવો કર્યો. પણ યૂનાને એ ગમ્યું નહિ. તેમને પોતાની જ પડી હતી, નીનવેહના હજારો લોકોની નહિ. (યૂના ૪:૧-૩) આપણે નમ્ર નહિ બનીએ તો, આપણી ફરતે જે બની રહ્યું છે, એ વિષે વાજબી બનવું અઘરું બનશે.
વળી, ઉઝ્ઝીયાહનો વિચાર કરો, જે યહુદાહનો એક સારો રાજા હતો. પરંતુ, એક સમયે તેણે ઘમંડી બનીને યાજકોની ફરજો છીનવી લેવાનો પ્રયત્ન કર્યો. તેના તોછડા વર્તનને લીધે, તેણે દેવની કૃપા ગુમાવી, અને મર્યો ત્યાં સુધી કોઢિયો રહ્યો.—૨ કાળવૃત્તાંત ૨૬:૩, ૧૬-૨૧.
ઈસુના શિષ્યો પણ મુખ્ય થવા ચાહતા હતા. તેઓને પોતાની વધુ પડતી ચિંતા હતી. પરંતુ, જ્યારે કટોકટીનો સમય આવ્યો, ત્યારે તેઓ ઈસુને છોડીને નાસી છૂટ્યા. (માત્થી ૧૮:૧; ૨૦:૨૦-૨૮; ૨૬:૫૬; માર્ક ૯:૩૩, ૩૪; લુક ૨૨:૨૪) તેઓ પોતામાં જ એટલા ડૂબી ગયા હતા કે, યહોવાહનો હેતુ અને તેમની ઇચ્છા પૂરી કરવાની તેઓની જવાબદારી લગભગ ભૂલી ગયા.
સ્વાર્થી બનવાનાં ફળો
સ્વાર્થી બનવાથી આપણે દુઃખી થઈ શકીએ, અને એનાથી આપણા સંબંધો પણ બગડી શકે. કલ્પના કરો કે, આપણે એક રૂમમાં બેઠા હોઈએ અને એક યુગલને ગુસપુસ કરતા અને હસતા જોઈએ. આપણે પોતાનો જ વિચાર કરતા હોઈશું તો, એમ માની લઈશું કે તેઓ આપણા પર હસે છે. તેઓ બીજા કોના વિષે વાત કરતા
હોય શકે? એ સિવાય આપણને બીજું કશું સૂઝશે નહિ. આપણે ખીજાઈને એ યુગલ સાથે ક્યારેય વાત નહિ કરવાનો ઉતાવળો નિર્ણય પણ લઈ બેસીએ. એ રીતે પોતા વિષે વધુ પડતું વિચારવાથી ગેરસમજણ ઊભી થઈ શકે. તેમ જ, મિત્રો, કુટુંબના સભ્યો, અને બીજાઓ સાથેના આપણા સંબંધો બગડી શકે.પોતાને વિશેષ માનનારાઓ પોતે જે કંઈ કરે એની ડંફાસ મારતા હોય છે. તેમ જ, પોતાની ધનદોલત તરફ ધ્યાન ખેંચતા હોય છે. વળી, વાતચીતમાં હંમેશા પોતાનો જ કક્કો ખરો કરતા હોય શકે. એવી વાણીમાં ઢોંગ દેખાઈ આવે છે, જે ચીડ ચઢાવી શકે. આમ, એવા લોકોથી બીજાઓ દૂર રહેશે.—૧ કોરીંથી ૧૩:૪.
યહોવાહના સાક્ષીઓ તરીકે, પ્રચારકાર્યમાં કોઈ સાંભળે નહિ અને મશ્કરી કરે ત્યારે, આપણને દુઃખ થાય છે. આપણે યાદ રાખવું જોઈએ કે, એમ કરીને તેઓ યહોવાહનો વિરોધ કરે છે, કેમ કે સંદેશો તેમનો છે. છતાં, પોતાને વધુ મહત્ત્વ આપવાના માઠાં પરિણામ આવી શકે. વર્ષો અગાઉ, પ્રચારકાર્યમાં એક માણસ એક ભાઈને ગમે તેવું બોલી ગયા, તેથી ભાઈને ખોટું લાગ્યું. તે ભાઈ પણ તેની સાથે મન ફાવે તેમ બોલ્યા. (એફેસી ૪:૨૯) પછી, એ ભાઈએ પ્રચારકાર્યમાં ભાગ લેવાનું બંધ કર્યું. ખરું, પ્રચાર કરીએ ત્યારે, અહંકાર આપણને ગુસ્સો ચડાવી શકે. ચાલો આપણે સખત પ્રયત્ન કરીએ કે ક્યારેય એવું ન બને. એના બદલે, આપણને પ્રચારકાર્યમાં ભાગ લેવાનો લહાવો મળ્યો છે, એની ઊંડી કદર બતાવીને નમ્રપણે યહોવાહની મદદ માગતા રહીએ.—૨ કોરીંથી ૪:૧, ૭; ૧૦: ૪, ૫.
ઘમંડી વલણ આપણને જરૂરી સલાહ સ્વીકારવાથી પણ રોકી શકે. અમુક વર્ષો પહેલાં મધ્ય અમેરિકાના એક દેશમાં, એક યુવાને ખ્રિસ્તી મંડળમાં દેવશાહી સેવા શાળામાં ભાષણ આપ્યું. શાળા નિરીક્ષકે તેને જરા કડક સલાહ આપી ત્યારે, એ યુવાને ગુસ્સે થઈને પોતાનું બાઇબલ નીચે ફેંકી દીધું. તે સભાઓમાં ક્યારેય પાછો નહિ ફરે, એવું વિચારીને પગ પછાડતો ચાલી નીકળ્યો. પરંતુ, થોડા દિવસો પછી, તેનું અભિમાન ઓગળ્યું, તેણે શાળા નિરીક્ષક સાથે સુલેહ-શાંતિ કરી, અને તેમની સલાહ સ્વીકારી. સમય જતાં, એ યુવાન પરિપકવ ખ્રિસ્તી બન્યો.
સૌથી મહત્ત્વનું તો, પોતાના વિષે વધુ પડતું વિચારવાથી, દેવ સાથેનો આપણો સંબંધ પણ બગડી શકે છે. નીતિવચન ૧૬:૫ ચેતવણી આપે છે: “દરેક અભિમાની અંતઃકરણવાળાથી યહોવાહ કંટાળે છે.”
મનમાં ફૂલાઈ ન જાવ
ખરેખર, આપણે પોતાના વિષે વધુ પડતું વિચારવું ન જોઈએ. જોકે, એનો અર્થ એ નથી કે આપણી વાણી અને વર્તનમાં ધ્યાન ન આપીએ. ખરું જોતાં, બાઇબલ જણાવે છે કે નિરીક્ષકો, સેવકાઈ ચાકરો, અરે મંડળના દરેક જણે જવાબદાર બનવું જોઈએ. (૧ તીમોથી ૩:૪, ૮, ૧૧; તીતસ ૨:૨) તેથી, ખ્રિસ્તીઓ કઈ રીતે નમ્ર અને જવાબદાર બની શકે?
બાઇબલમાં, આપણે દેવના નમ્ર હૃદયના સેવકો વિષે વાંચીએ છીએ. તેઓમાં સૌથી સુંદર ઉદાહરણ ઈસુ ખ્રિસ્ત છે. તે પોતાના પિતાની ઇચ્છા પૂરી કરવા, અને આપણને તારણ મળે એ માટે, પોતે આકાશી મહિમા છોડીને પૃથ્વી પર આવ્યા. અહીં તે દાસ બન્યા, અને નિંદા તથા અપમાન છતાં, મૌન રહ્યા. તેમ જ, પીડા સહન કરીને મરણ પામ્યા છતાં, તેમણે ગૌરવ જાળવી રાખ્યું. (માત્થી ૨૦:૨૮; ફિલિપી ૨:૫-૮; ૧ પીતર ૨:૨૩, ૨૪) ઈસુ કઈ રીતે એમ કરી શક્યા? તેમણે યહોવાહ પર પૂરેપૂરો ભરોસો રાખ્યો અને તેમની ઇચ્છા પૂરી કરવાનો મક્કમ નિર્ણય કર્યો. ઈસુએ દેવના શબ્દનો ઊંડો અભ્યાસ કર્યો, પ્રાર્થનામાં દેવને હૃદય ઠાલવ્યું, અને પ્રચારકાર્યમાં મહેનત કરતા રહ્યા. (માત્થી ૪:૧-૧૦; ૨૬:૩૬-૪૪; લુક ૮:૧; યોહાન ૪:૩૪; ૮:૨૮; હેબ્રી ૫:૭) ઈસુના પગલે ચાલવાથી, આપણને પણ નમ્રતા કેળવવા મદદ મળશે.—૧ પીતર ૨:૨૧.
રાજા શાઊલના પુત્ર યોનાથાન વિષે વિચારો. તેમના પિતા શાઊલે દેવની આજ્ઞા માની નહિ. તેથી, યોનાથાને રાજા બનવાની તક ગુમાવી. (૧ શમૂએલ ૧૫:૧૦-૨૯) શું યોનાથાન એ માટે ગુસ્સે થયા? શું તેમણે દાઊદની અદેખાઈ કરી, કેમ કે તે તેની જગ્યાએ રાજ કરવાના હતા? યોનાથાન દાઊદ કરતાં ઉંમરમાં મોટા અને વધારે અનુભવી હતા. છતાં, તેમણે નમ્રતાથી યહોવાહની પસંદગી સ્વીકારી, અને દાઊદને પૂરેપૂરો સાથ આપ્યો. (૧ શમૂએલ ૨૩:૧૬-૧૮) આપણે પણ દેવની ઇચ્છા સારી રીતે સમજીને, એ જ પ્રમાણે કરીએ. આમ, આપણે ‘પોતાને જેવા ગણવા જોઈએ, તે કરતાં વિશેષ ન ગણીએ.’—રૂમી ૧૨:૩.
ઈસુએ નમ્રતા અને દીનતા વિષે બોધ આપ્યો. તેમણે લગ્નનું ઉદાહરણ આપતા શિષ્યોને કહ્યું કે, તેઓ જમણમાં જાય ત્યારે, “મુખ્ય આસન” પર ન બેસે. એનું કારણ એ કે કોઈ વધારે માનીતા મહેમાન આવે અને શરમાઈને તેઓએ સૌથી નીચી જગ્યાએ બેસવું પડે. એના પર બોધ આપતા ઈસુએ કહ્યું: “જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે; અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.” (લુક ૧૪:૭-૧૧) આપણે ઈસુની સલાહ ધ્યાનમાં રાખીને ‘નમ્રતા પહેરી’ લઈએ, એમાં જ આપણું ભલું છે.—કોલોસી ૩:૧૨; ૧ કોરીંથી ૧:૩૧.
નમ્ર રહેવાના આશીર્વાદો
યહોવાહના સેવકોમાં નમ્રતા હોય તો, તેઓ ભક્તિમાં સાચો આનંદ માણી શકશે. વડીલો ઈસુની જેમ ‘ટોળા પર દયા રાખે’ તો, તેમની પાસે પહોંચી જવામાં કોઈ અચકાશે નહિ. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮, ૨૯) મંડળમાં સર્વ તેઓની સાથે વાત કરવામાં અને મદદ લેવામાં હળવાશ અનુભવશે. આમ, મંડળના ભાઈ-બહેનોમાં પ્રેમ, શાંતિ, અને ભરોસો હોવાથી એકતા વધશે.
પોતાના વિષે વધુ પડતું ન વિચારવાથી મિત્રો બનાવવા સહેલું બનશે. આપણે નમ્ર હોઈશું તો, જીવનમાં કોઈ પણ રીતે બીજાઓ કરતાં ચડિયાતા દેખાવાનો પ્રયત્ન નહિ કરીએ. નમ્રતા જેવા ગુણો આપણને બીજાઓની કાળજી રાખવા પ્રેરશે. જેથી, આપણે બીજાઓને દિલાસો અને સહાય આપી શકીએ. (ફિલિપી ૨:૩, ૪) ભાઈઓ પ્રેમ અને દયા અનુભવે છે ત્યારે, તેઓ પર સારી અસર થાય છે. શું આવા સુંદર ગુણો પર જ દોસ્તી બંધાતી નથી? નમ્ર રહેવાના કેવા આશીર્વાદ!—રૂમી ૧૨:૧૦.
આપણે કોઈકને દુઃખ પહોંચાડ્યું હોય તો, નમ્રતા આપણી ભૂલ કબૂલવા મદદ કરશે. (માત્થી ૫:૨૩, ૨૪) એનાથી સારા સંબંધો બંધાશે અને એકબીજા સાથે દોસ્તી તથા માન પણ વધશે. ખ્રિસ્તી વડીલો જેવા જવાબદાર ભાઈઓ નમ્ર રહીને બીજાઓનું ભલું કરી શકે છે. (નીતિવચન ૩:૨૭; માત્થી ૧૧:૨૯) આપણે નમ્ર રહીશું તો, બીજાઓને માફ કરવું સહેલું બનશે. (માત્થી ૬:૧૨-૧૫) આપણે બાબતને રજની ગજ નહિ બનાવીએ, અને એનો ઉકેલ ન આવે તો, એ યહોવાહ દેવ પર પૂરેપૂરા ભરોસાથી છોડી દઈશું.—ગીતશાસ્ત્ર ૩૭:૫; નીતિવચન ૩:૫, ૬.
નમ્ર બનવાનો સૌથી મોટો આશીર્વાદ તો યહોવાહની કૃપા છે. “દેવ ગર્વિષ્ઠોની વિરૂદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે.” (૧ પીતર ૫:૫) આપણે મોટાઈ બતાવવાના ફાંદામાં ક્યારેય ન પડીએ. એના બદલે, ચાલો આપણે નમ્રતાથી યહોવાહની સેવા કરતા રહીએ. ‘દેવની સાથે નમ્રતાથી ચાલનારા’ સર્વ માટે મહાન આશીર્વાદો રહેલા છે.
[પાન ૨૨ પર ચિત્ર]
નમ્ર યોનાથાને દાઊદને ટેકો આપ્યો