સતાવનાર મહાન પ્રકાશ જુએ છે
સતાવનાર મહાન પ્રકાશ જુએ છે
શાઊલ ઈસુના શિષ્યો પર ગુસ્સાથી ઉકળી ઊઠ્યો હતો. યરૂશાલેમમાં ખ્રિસ્તીઓની સતાવણી ચાલુ જ હતી, અને સ્તેફનને પથ્થરે મારવામાં આવ્યો. છતાં, એટલું પૂરતું ન હોય એમ, શાઊલ એ સતાવણી બીજી જગ્યાઓએ પણ કરવા માંગતો હતો. તે “હજુ સુધી પ્રભુના શિષ્યોને કતલ કરવાની ધમકીઓ આપતો હતો. પ્રમુખ યાજકની પાસે જઈને તેણે તેની પાસેથી દમસ્કમાંની સભાઓ પર પત્રો માંગ્યા કે જો તેને એ માર્ગનો કોઈ પણ પુરુષ કે સ્ત્રી મળે, તો તે તેઓને બાંધીને યરૂશાલેમ લઈ આવે.”—પ્રેરિતોનાં કૃત્યો ૯:૧, ૨.
શાઊલ દમસ્ક તરફ ચાલતા ચાલતા વિચારતો હશે કે, કઈ રીતે પોતાનું કાર્ય સારી રીતે પાર પાડશે. પ્રમુખ યાજક પાસેથી સત્તા મળી હોવાથી, એ શહેરના સર્વ યહુદીઓ આગેવાનો તો જરૂર પૂરેપૂરો સહકાર આપશે. શાઊલ તેઓની મદદ લેશે.
શાઊલ પોતાની મંજીલ તરફ નજીક પહોંચ્યો તેમ, તે વધુને વધુ ઉત્તેજિત થતો જતો હશે. યરૂશાલેમથી દમસ્કનું અંતર લગભગ ૨૨૦ કિલોમીટર હતું, અને ચાલીને જતા એ સાત-આઠ દિવસની થકવનારી મુસાફરી હતી. એક બપોરના સમયે અચાનક શાઊલની આસપાસ સૂરજના તેજ કરતાં પણ મોટો પ્રકાશ ઝબૂક્યો, અને તે ભોંય પર પડી ગયો. પછી, હેબ્રી ભાષામાં એક વાણી તેણે આમ બોલતી સાંભળી: “શાઊલ, શાઊલ, તું મને કેમ સતાવે છે? આરને લાત મારવી તને કઠણ છે.” “પ્રભુ, તું કોણ છે?” શાઊલે પૂછ્યું. “હું ઈસુ છું, જેને તું સતાવે છે,” જવાબ મળ્યો. “પણ ઊઠ, અને ઊભો થા; કેમકે હું તને સેવક ઠરાવું, તથા મારા વિષે જે જે તેં જોયું છે તથા જે દર્શન હું હવે પછી તને દઈશ, તે વિષે તને સાક્ષી ઠરાવું, એ હેતુથી મેં તને દર્શન દીધું છે. આ લોક તથા જે વિદેશીઓની પાસે હું તને મોકલું છું તેઓથી હું તારૂં રક્ષણ કરીશ.” “પ્રભુ, હું શું કરૂં?” શાઊલે પૂછ્યું. “ઊઠીને દમસ્કમાં જા; અને જે તારે કરવાનું નિર્માણ થયું છે તે સઘળા વિષે ત્યાં તને કહેવામાં આવશે.”—પ્રેરિતોનાં કૃત્યો ૯:૩-૬; ૨૨:૬-૧૦; ૨૬:૧૩-૧૭.
પ્રેરિતોનાં કૃત્યો ૯:૭-૯; ૨૨:૧૧.
શાઊલની સાથે ચાલનારાઓએ વાણી સાંભળી ખરી પણ તેઓએ કોઈને જોયા નહિ, અથવા એ વાણી સમજ્યા પણ નહિ. પ્રકાશના ઝબકારાને કારણે, શાઊલ ઊઠ્યો ત્યારે તે કંઈ જોઈ શક્યો નહિ, એટલે તેનો હાથ પકડીને તેને દોરવામાં આવ્યો. “ત્રણ દિવસ સુધી તે દેખી શક્યો નહિ, અને તેણે કંઈ ખાધું કે પીધું નહિ.”—મનનના ત્રણ દિવસ
યહુદાહ પાધરા નામના રસ્તા પર રહેતા હતા, તેમણે શાઊલને પરોણાગત બતાવી. * (પ્રેરિતોના કૃત્યો ૯:૧૧) આ રસ્તાને અરબીમાં દર્બ અલ-મુસ્તાકીમ કહેવામાં આવે છે, જે આજે પણ દમસ્કનો મુખ્ય રસ્તો છે. કલ્પના કરો કે, શાઊલ યહુદાહના ઘરમાં હતા ત્યારે, તેમના મનમાં કેવા કેવા વિચારો આવ્યા હશે. આ અનુભવે શાઊલને અંધાપો અને આઘાત આપ્યા હતા. હવે એના વિષે મનન કરવાનો સમય હતો.
એક વખતના સતાવનાર જેનો વિચાર કરવા પણ તૈયાર ન હતા, તેના વિષે વિચારવાની ફરજ પડી. યહુદી સત્તાધારીઓએ, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડાવ્યા અને ‘માણસોથી ધિક્કારાયેલા તથા તજાયેલા’ છતાં, તે જીવંત હતા. એટલું જ નહિ, પરંતુ જેની “પાસે જઈ શકાય નહિ એવા પ્રકાશમાં” તેમને દેવે જમણે હાથે રાખ્યા હતા! ઈસુ પોતે મસીહ હતા. સ્તેફન અને અન્યો સાચા હતા. (યશાયાહ ૫૩:૩; પ્રેરિતોનાં કૃત્યો ૭:૫૬; ૧ તીમોથી ૬:૧૬) શાઊલ તદ્દન ખોટા હતા, કારણ કે શાઊલ જેઓને સતાવતા હતા, તેઓની સાથે જ ઈસુએ પોતાને ઓળખાવ્યા હતા! બધા જ પુરાવા નજર સામે હોવાથી, શાઊલ કઈ રીતે ‘આરને લાત મારવાનું’ ચાલુ રાખી શકે? અરે, હઠીલા બળદને પણ માલિક ગોદા મારીને પોતાની ઇચ્છા પ્રમાણે ચલાવે છે. તેથી, ઈસુની વિરુદ્ધ જવાથી તો શાઊલ હાથે કરીને દુઃખી થાત.
ઈસુ, મસીહ હોવાથી, દેવ તેને દોષિત ન ઠરાવી શકે. છતાં, યહોવાહ દેવે તેમને નિયમ હેઠળ અપમાનજનક રીતે મરણ પામવા દીધા: “ટંગાએલો દરેક પુરુષ દેવથી શાપિત છે.” (પુનર્નિયમ ૨૧:૨૩) ઈસુ સ્તંભ પર મરણ પામ્યા. પોતે પાપી ન હતા, એટલે તે પોતાના પાપને સારૂ નહિ, પણ પાપી મનુષ્યો માટે શાપિત થયા. શાઊલે સમય જતાં સમજાવ્યું: “જેટલા નિયમની કરણીઓવાળા છે તેટલા શાપ તળે છે; કેમકે એમ લખેલું છે કે, ‘નિયમશાસ્રના પુસ્તકમાં જે આજ્ઞાઓ લખેલી છે તે બધી પાળવામાં જે કોઈ ટકી રહેતો નથી તે શાપિત છે.’ તો નિયમથી દેવની આગળ કોઈ પણ માણસ ન્યાયી ઠરતું નથી એ ખુલ્લું છે; . . . ખ્રિસ્તે આપણી વતી શાપિત થઈને, નિયમના શાપથી આપણને છોડાવી લીધા, કેમકે એમ લખેલું છે, કે ‘જે કોઈ ઝાડ ઉપર ટંગાએલો છે તે શાપિત છે.’”—ગલાતી ૩:૧૦-૧૩.
ઈસુનું બલિદાન પાપથી મુક્ત કરી શકે છે. યહોવાહ દેવે એ બલિદાનનો સ્વીકાર કરીને, તે નિયમ અને શાપને વધસ્તંભ પર ‘ટાંગી’ દીધા. શાઊલ એ સમજ્યા પછી, વધસ્તંભ વિષે ‘દેવના જ્ઞાનની’ કદર કરી શક્યા, જે “યહુદીઓને ઠોકરરૂપ” હતું. (૧ કોરીંથી ૧:૧૮-૨૫; કોલોસી ૨:૧૪) તેથી, નિયમશાસ્ત્રનાં કાર્યોથી નહિ, પણ દેવે શાઊલ જેવા પાપીઓને બતાવેલી પોતાની અપાત્ર કૃપાથી તારણ હતું તો, જેઓ નિયમ પાળતા ન હતા તેઓ માટે પણ એ માર્ગ ખુલ્લો હતો. ઈસુ હવે શાઊલને એ વિદેશીઓ પાસે મોકલે છે.—એફેસી ૩:૩-૭.
આપણે જાણતા નથી કે, શાઊલનું બદલાણ થયું ત્યારે એમાંથી તે કેટલું સમજી શક્યા હતા. પરંતુ, ઈસુ તેમની સાથે ફરીથી, એકથી વધુ વખત પ્રજાઓ પ્રત્યેના તેમના કાર્ય વિષે વાત કરવાના હતા. વધુમાં, ઘણાં વર્ષો પછી, શાઊલે દેવની પ્રેરણા હેઠળ આ સર્વ બાબતો લખી. (પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૧૭-૨૧; ગલાતી ૧:૧૫-૧૮; ૨:૧, ૨) છતાં, શાઊલે પોતાના નવા પ્રભુ પાસેથી થોડા જ દિવસોમાં વધારે માર્ગદર્શન મેળવ્યું.
અનાન્યાની મુલાકાત
ઈસુ શાઊલને દેખાયા પછી અનાન્યાને પણ દર્શન દીધા અને કહ્યું: “પાધરા નામના રસ્તામાં જા, ને શાઊલ નામે તાર્સસના એક માણસ વિષે યહુદાહના ઘરમાં ખબર કાઢ; કેમકે જો, તે પ્રાર્થના કરે છે; તેણે દર્શનમાં જોયું છે, કે અનાન્યા નામે એક માણસ માંહે આવીને તે દેખતો થાય માટે તેના પર હાથ મૂકે છે.”—પ્રેરિતોનાં કૃત્યો ૯:૧૧, ૧૨.
અનાન્યા શાઊલને જાણતો હોવાથી, ઈસુના શબ્દો સાંભળીને તેને નવાઈ લાગી એ સમજી શકાય. તેમણે કહ્યું: “પ્રભુ, યરૂશાલેમમાંના તારા સંતોને એ માણસે કેટલું બધું દુઃખ દીધું છે એ મેં ઘણાનાં મોંથી સાંભળ્યું છે; અને જેઓ તારે નામે પ્રાર્થના કરે છે તેઓ સર્વેને બાંધીને લઈ જવા સારૂ મુખ્ય યાજકો પાસેથી અહીં પણ તેને અધિકાર મળ્યો છે.” છતાં, ઈસુએ અનાન્યાને કહ્યું: “તું ચાલ્યો જા; કેમકે વિદેશીઓ, રાજાઓ તથા ઈસ્રાએલપુત્રોની આગળ મારૂં નામ પ્રગટ કરવા સારૂ એ મારૂં પસંદ કરેલું પાત્ર છે.”—પ્રેરિતોનાં કૃત્યો ૯:૧૩-૧૫.
આમ, આશ્વાસન મેળવીને, અનાન્યા ઈસુએ આપેલા સરનામે ગયા. શાઊલને મળીને નમસ્કાર કર્યા પછી અનાન્યાએ પોતાના હાથ તેના પર મૂક્યા. અહેવાલ જણાવે છે: “ત્યારે તેની [શાઊલની] આંખો પરથી તત્કાળ છાલાં જેવું કંઈ ખરી પડ્યું, એટલે તે દેખતો થયો.” શાઊલે પોતાની દૃષ્ટિ મેળવીને, હવે આગળ માર્ગદર્શન મેળવવા તૈયાર હતો. શાઊલે ઈસુના જે શબ્દો સાંભળ્યા હતા, એ જ વિષે અનાન્યાએ ખાતરી આપી: “તું તેની ઈચ્છા જાણે, અને તે ન્યાયીને જુએ, અને તેના મોંની વાણી સાંભળે, માટે આપણા પૂર્વજોના દેવે તને પસંદ કર્યો છે. કેમકે જે તેં જોયું છે, અને સાંભળ્યું છે, તે વિષે સર્વ લોકોની આગળ તું તેનો સાક્ષી થશે. હવે તું કેમ ઢીલ કરે છે? ઊઠ, અને તેના નામની પ્રાર્થના કરીને બાપ્તિસ્મા લે, અને તારાં પાપ ધોઈ નાખ.” તેથી, શાઊલ “ઊઠીને બાપ્તિસ્મા પામ્યો. તેણે ભોજન કર્યું એટલે તેને શક્તિ આવી.”—પ્રેરિતોનાં કૃત્યો ૯:૧૭-૧૯; ૨૨:૧૨-૧૬.
પોતાનું કાર્ય પૂરું કર્યા પછી, આ બનાવમાં અનાન્યા જેમ આવ્યા હતા, એટલી જ ઝડપથી ચાલ્યા પણ જાય છે. તેમના વિષે વધુ કંઈ જણાવવામાં આવતું નથી. પરંતુ, જેઓ શાઊલને સાંભળે છે, તેઓ માની શકતા નથી! આ અગાઉનો સતાવનાર, જે ઈસુના શિષ્યોને પકડી જવા છેક દમસ્ક આવ્યો હતો, તે પોતે જ હવે સભાસ્થાનોમાં પ્રચાર કરે છે. તેમ જ, ઈસુ ખરેખર ખ્રિસ્ત હતા એની સાબિતી આપે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૯:૨૦-૨૨.
“વિદેશીઓનો પ્રેરિત”
દમસ્ક જતા રસ્તે બનેલા આ બનાવને કારણે સતાવનાર શાઊલમાં મોટો ફેરફાર થયો. શાઊલે મસીહને ઓળખ્યા હોવાથી, તે હેબ્રી શાસ્ત્રવચનોમાંની ઘણી માન્યતા અને ભવિષ્યવાણીઓ ઈસુને લાગુ શક્યા. ઈસુએ તેમને દર્શન દઈને ‘પકડી લીધા’ અને ‘વિદેશીઓના પ્રેરિત’ તરીકે સોંપણી કરી, એ જાણીને શાઊલના જીવનમાં મહાન ફેરફારો થયા. (ફિલિપી ૩:૧૨; રૂમી ૧૧:૧૩) હવે પ્રેષિત પાઊલ તરીકે, તેમની પાસે સત્તા અને અદ્ભુત તક હતી, જેનાથી ફક્ત તેમને જ નહિ, પણ બાકીના ખ્રિસ્તી ઇતિહાસને પણ અસર થશે.
વર્ષો પછી, પાઊલના પ્રેષિતપણા વિષે વિવાદ ઊભો થયો ત્યારે, તેમણે બચાવમાં દમસ્કના માર્ગ પરના અનુભવ વિષે જણાવ્યું. “શું હું પ્રેરિત નથી? શું મને આપણા પ્રભુ ઈસુનું દર્શન થયું નથી?” તેમણે પૂછ્યું. પુનરુત્થાન પામેલા ઈસુ બીજાઓને દેખાયા, એ વિષે જણાવીને, શાઊલ (પાઊલ) આગળ જણાવે છે: “જાણે હું અકાળે જન્મેલો હોઉં તેમ સર્વેથી છેલ્લે મને પણ તેનું દર્શન થયું.” (૧ કોરીંથી ૯:૧; ૧૫:૮) ઈસુના સ્વર્ગીય મહિમાનું દર્શન દેખાડીને શાઊલને જાણે કે સમય અગાઉ સ્વર્ગીય જીવનમાં પુનરુત્થાન થયાનો અનુભવ કરાવવામાં આવ્યો હતો.
શાઊલે એની કદર બતાવી અને એ પ્રમાણે જીવવા સખત પ્રયાસ કર્યો. તેમણે લખ્યું: “પ્રેરિતોમાં હું સર્વેથી નાનો છું, અને પ્રેરિત ગણાવાને પણ યોગ્ય નથી, કારણ કે મેં દેવની મંડળીની સતાવણી કરી. પણ . . . [દેવની] જે કૃપા મારા પર થઈ તે નિષ્ફળ નીવડી નથી; પણ . . . [અન્ય બીજા પ્રેષિતો] કરતાં મેં વધારે મહેનત કરી.”—૧ કોરીંથી ૧૫:૯, ૧૦.
તમને એ સમય યાદ હશે જ્યારે શાઊલની જેમ દેવની કૃપા પામવા તમારે પણ તમારી ઊંડી ધાર્મિક માન્યતાઓમાં સુધારો કરવાની જરૂર જણાઈ હતી. એમાં કોઈ શંકા નથી કે, સત્ય શીખવા યહોવાહ દેવે તમને મદદ કરી એ માટે તમે ખૂબ જ આભારી થયા હશો. શાઊલે પ્રકાશ જોયો, અને સમજ્યા કે, તેમને શું કરવાની જરૂર છે. પછી, એ કરવામાં તેમણે ઢીલ કરી નહિ. પૃથ્વી પર જીવ્યા ત્યાં સુધી ઉત્સાહ અને હિંમતથી તેમણે એમ જ કર્યું. આજે યહોવાહની કૃપા ચાહનારા સર્વ માટે કેવું સુંદર ઉદાહરણ!
[ફુટનોટ]
^ એક તજજ્ઞના માનવા પ્રમાણે, યહુદાહ સ્થાનિક યહુદીઓનો એક આગેવાન હોય શકે, અથવા યહુદીઓ માટેની હોટેલના માલિક હતા.
[પાન ૨૭ પર ચિત્ર]
આજના દમાસ્કસમાં પાધરા નામનો માર્ગ
[ક્રેડીટ લાઈન]
Photo by ROLOC Color Slides