સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એક માતાની શાણી સલાહ

એક માતાની શાણી સલાહ

એક માતાની શાણી સલાહ

“મારા દીકરા, તારા બાપની શિખામણ સાંભળ, અને તારી માનું શિક્ષણ તજીશ મા.”—નીતિવચન ૧:૮.

આપણાં માબાપ, એટલે આપણા પિતા અથવા માતા આપણને ઉત્તેજન, આશરો અને મૂલ્યવાન સલાહ પૂરી પાડે છે. બાઇબલનું નીતિવચનનું પુસ્તક આપણને એક યુવાન રાજા લમૂએલ વિષે જણાવે છે, જેણે પોતાની માતા પાસેથી ‘દેવવાણી’ અથવા મહત્ત્વની ‘શિખામણ’ મેળવી હતી. આ શબ્દો નીતિવચનના ૩૧માં અધ્યાયમાં મળી આવે છે, અને આપણને પણ આ માતાની સમયસરની સલાહથી લાભ થઈ શકે છે.—નીતિવચન ૩૧:૧.

રાજા માટે યોગ્ય સલાહ

લમૂએલની માતા અનેક પ્રશ્નો પૂછીને આપણો રસ જાગૃત કરે છે: “મારા દીકરા, હું શું કહું? હે મારા પેટના દીકરા, શું કહું? હે મારી માનતાઓના દીકરા, શું કહું?” પોતાના દીકરા પ્રત્યે ચિંતા હોવાથી તેણે ત્રણ વાર એકની એક અરજ કરી, જેથી તેનો પુત્ર તેની સલાહને ધ્યાન આપે. (નીતિવચન ૩૧:૨) વળી, પોતાના સંતાનની આધ્યાત્મિક બાબતો વિષે પણ તેણે ચિંતા બતાવી હતી. એ આજના ખ્રિસ્તી માબાપો માટે એક સારું ઉદાહરણ પૂરું પાડે છે.

દરેક માતાને પોતાના પુત્રની ચિંતા હોય છે. પોતાનો પુત્ર દારૂ, સ્ત્રીઓ, સંગીતના મોજશોખ અને ભોગવિલાસમાં પડી જશે તો, એના સિવાય તેને બીજી શાની ચિંતા હોય? લમૂએલની માતાએ મુદ્દાની વાત કરતા કહ્યું: “સ્ત્રીઓને તારૂં બળ” આપીશ નહિ. તેણે બતાવી આપ્યું કે છૂટછાટવાળુ વર્તન ‘રાજાઓનો નાશ કરે’ છે.—નીતિવચન ૩૧:૩.

માતાએ વધુ પડતું ન પીવા વિષે પણ સલાહ આપી. તેણે ચેતવણી આપતાં કહ્યું કે, “હે લમૂએલ, દ્રાક્ષારસ પીવો એ રાજાઓને ઘટારત નથી, એ રાજાઓને છાજતું નથી.” રાજા “પીને નિયમને વીસરી જાય, અને કોઈ દુઃખીનો ઈન્સાફ ઊંધો વાળે” તો તે કઈ રીતે ન્યાય કરી શકશે?—નીતિવચન ૩૧:૪-૭.

બીજી તર્ફે, આવી કુટેવથી દૂર રહેવાથી, રાજા ‘અદલ ઇન્સાફ કરીને, અને ગરીબ તથા દરિદ્રીને ન્યાય’ આપી શકશે.—નીતિવચન ૩૧:૮, ૯.

આજના ખ્રિસ્તી યુવાનો “રાજાઓ” નથી છતાં, લમૂએલની માતાએ જે ખરેખર વ્યવહારિક અને સમયસરની સલાહ આપી એ ધ્યાનમાં લેવી જ જોઈએ. આજે દારૂનો દુરુપયોગ, તમાકુનો ઉપયોગ, અને અનૈતિકતા યુવાનોમાં ખૂબ જ પ્રસરેલી છે. તેથી, ખ્રિસ્તી યુવાનોએ તેઓનાં માબાપ તેઓને ‘જરૂરી શિખામણ’ આપે ત્યારે એ ધ્યાનમાં લેવી જોઈએ.

સદ્‍ગુણી સ્ત્રી

દરેક માતાઓ પોતાના પુત્રો વિષે સ્વાભાવિક રીતે જ ચિંતાતુર હોય છે કે, તેઓના પુત્રો સાથે લગ્‍ન કરવા માટે કોણ યોગ્ય છે. ત્યાર પછી, લમૂએલની માતા યોગ્ય પત્નીના ગુણ લક્ષણો વિષે કહે છે. જોકે, કોઈ પણ પુરુષ લગ્‍નસાથીની શોધમાં હોય તો, આ મહત્ત્વની બાબત પર વિચારવાથી લાભ થશે.

દસમી કલમમાં ‘સદ્‍ગુણી સ્ત્રીને’ મૂલ્યવાન રત્નો સાથે સરખાવવામાં આવી છે, જે બાઇબલ સમયોમાં ઘણા પ્રયત્નોથી જ મળતી હતી. એ જ રીતે, સદ્‍ગુણી પત્ની મેળવવી હોય તો એ પ્રયત્ન માગી લે છે. ઉતાવળથી લગ્‍ન કરી લેવાને બદલે, પસંદગી કરવા માટે સમય લેવો જોઈએ. જેથી પોતે જેને પસંદ કરે તે પોતાના માટે મૂલ્યવાન રત્નો જેવી બને.

લમૂએલને સદ્‍ગુણી પત્ની વિષે કહેવામાં આવ્યું: “તેના પતિનું અંતઃકરણ તેના પર ભરોસો રાખે છે.” (કલમ ૧૧) બીજા શબ્દોમાં, પતિએ એટલા કડક ન બનવું જોઈએ કે, દરેક બાબતોમાં તેની પત્નીને તેની રજા લેવી પડે. જોકે એ જરૂરી છે કે, મોટા નિર્ણયો લેતા પહેલા પતિ અને પત્ની એકબીજાને પૂછે. જેમ કે કોઈ મોંઘી વસ્તુ ખરીદવાની હોય કે પછી પોતાનાં બાળકોને સારા સંસ્કાર શીખવવાને લગતી બાબત હોય. આવી બાબતો વિષે વાતચીત કરવાથી તેઓ એક સુખી કુટુંબ બનશે.

ખરેખર, સદ્‍ગુણી પત્ની માટે ઘણું કામ હોય છે. કલમ ૧૩થી ૨૭માં વ્યવહારુ સલાહ અને સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. એ કોઈ પણ ઉંમરની પત્ની પોતાના કુટુંબના ફાયદા માટે ઉપયોગમાં લઈ શકે. દાખલા તરીકે, મોંઘવારીના કારણે સદ્‍ગુણી પત્ની મહેનતુ બનશે, કપડાં સીવતા અને કરકસર કરતા શીખી શકે જેથી તેનું કુટુંબ પહેરવેશમાં હંમેશા શોભતું હોય. (કલમ ૧૩, ૧૯, ૨૧, ૨૨) કુટુંબના ખોરાકનો ખર્ચો ઘટાડવા માટે તે શાકભાજી ઉગાડે છે અને પૈસા સાચવીને વાપરે છે.—કલમ ૧૪, ૧૬.

દેખીતી રીતે, સ્ત્રી “આળસની રોટલી ખાતી નથી.” તે સખત કામ કરે છે, અને પોતાના કુટુંબની દેખરેખ રાખે છે. (કલમ ૨૭) વળી, તે “પોતાની કમરે બળરૂપી પટો” બાંધે છે, એટલે કે તે તનતોડ મહેનત કરવા તૈયાર છે. (કલમ ૧૭) સૂર્ય ઊગતાં પહેલા તે ઊઠીને કામ શરૂ કરે છે, અને મોડી રાત સુધી કામ કરે છે. જાણે કે, બળતા દીવાની જેમ તેની શક્તિ વાપરે છે.—કલમ ૧૫, ૧૮.

એ ઉપરાંત, સદ્‍ગુણી પત્ની આધ્યાત્મિક વ્યક્તિ છે. તે દેવનો ડર રાખીને ચાલે છે અને ઊંડા માનથી તેમની સેવા કરે છે. (કલમ ૩૦) એવી જ રીતે પોતાનાં બાળકોને તાલીમ આપવામાં પોતાના પતિને સહાય કરે છે. કલમ ૨૬ કહે છે: ‘જ્ઞાનથી’ તે પોતાનાં બાળકોને શીખવે છે, અને “તેની જીભનો નિયમ માયાળુપણું છે.”

સદ્‍ગુણવાળો પતિ

લમૂએલે જવાબદાર પતિ બનવાની જરૂર છે, જેથી તે સદ્‍ગુણી પત્ની માટે પ્રિય બને. લમૂએલની માતાએ અમુક જવાબદારીઓ વિષે તેને યાદ કરાવ્યું.

સદ્‍ગુણવાળો પતિ “ભાગળમાં બેસનાર આગેવાનો” પાસેથી સારી શાખ મેળવે છે. (નીતિવચન ૩૧:૨૩) એટલે કે, તે મહેનતુ, પ્રમાણિક, વિશ્વાસુ, અને દેવનો ડર રાખીને ચાલે છે. (નિર્ગમન ૧૮:૨૧; પુનર્નિયમ ૧૬:૧૮-૨૦) તેથી, જ્યાં શહેરના આગેવાનો ન્યાય કરવા ભેગા થાય ત્યાં ‘સર્વ ભાગળોમાં’ તે જાણીતો હશે. દેવનો ડર રાખનાર તરીકે ‘જાણીતા’ બનવા માટે તે સમજુ હોવો જોઈએ. તેથી, તે ‘ભાગળના’ આગેવાનો સાથે કામ કરનાર હોવો જોઈએ. વળી, ભાગળનો અર્થ કદાચ શહેર કે ગામ પણ થઈ શકે.

લમૂએલની મા પોતાના અનુભવથી તેના દીકરાને કહે છે કે, તારી પત્નીને માન આપતો રહેજે, તેના જેવું બીજું કોઈ તેને વહાલું નહિ હોય. તેથી, બીજાઓની આગળ તે કબૂલ કરે છે ત્યારે તેના અવાજમાં ઊંડી લાગણી દેખાઈ આવે છે એની કલ્પના કરો: “સદાચારી સ્ત્રીઓ તો ઘણી થઈ ગઈ છે, પણ તું તે સર્વ કરતાં ઉત્તમ છે.”—નીતિવચન ૩૧:૨૯.

એ જોઈ શકાય છે કે, લમૂએલે પોતાની માતાની વ્યવહારું સલાહની કદર કરી હતી. દાખલા તરીકે, આપણે પહેલી કલમમાં વાંચીએ છીએ કે, તે તેની માતાના શબ્દોને પોતાના શબ્દોમાં કહે છે. તેથી, તેણે પોતાની માતાની ‘શિખામણને’ હૃદયમાં ઉતારી અને તેની સલાહથી લાભ મેળવ્યો. તેથી, ચાલો આપણે પણ એ ‘દેવવાણીને’ અથવા સલાહ સિદ્ધાંતોને આપણાં જીવનોમાં લાગુ પાડીને લાભ ઉઠાવીએ.

[પાન ૩૧ પર ચિત્રો]

સદ્‍ગુણી પત્ની “આળસની રોટલી ખાતી નથી”