સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મંડ્યા રહો, સફળ થાઓ

મંડ્યા રહો, સફળ થાઓ

મંડ્યા રહો, સફળ થાઓ

આજે બહું જ થોડા લોકો મંડ્યા રહેવા માગે છે. ઘણા લોકો એમ માનતા નથી કે મંડ્યા રહેવાથી સફળતા મળે છે. તેઓ માને છે કે, તમે કયા સમયે કયાં છો એના પર સફળતા આધારિત છે. પરંતુ એમાં તેઓનો શું દોષ? સમાચાર માધ્યમની જાહેરાતમાં તમને યાદ રહી જાય એવા શબ્દો વાપરવામાં આવે છે. તમને જે કંઈ જોઈતું હોય એ તમે ઓછામાં ઓછા પૈસાથી ચપટી વગાડતા મેળવી શકો છો. અભ્યાસ પૂરો કર્યા પછી જાણે રાતોરાત યુવાનો ધંધામાંથી લાખોપતિ થઈ ગયા હોય એવી ખબરો હંમેશાં છાપાઓમાં જોવા મળે છે.

શોક વ્યક્ત કરતા તંત્રી લીઓનાર્ડ પીટ્‌સે કહ્યું: “ઘણા લોકો મહાન બનવાનાં સ્વપ્નાં જોતા હોય છે, તેથી તેઓને એ રમત વાત લાગે છે. . . જાણે તમારી પાસે આવડત, ચતુરાઈ અથવા દેવની કૃપા હોય તો, કોઈ પણ ચપટી વગાડતા મહાન બની શકે એવું લોકો માને છે.”

મંડ્યા રહેવું એટલે શું?

મંડ્યા રહેવું એટલે, ‘અમુક હેતુ સિદ્ધ કરવા તૈયાર રહેવું, અથવા ગમે તેવા સંજોગો અને અડચણો આવે છતાં એમ કરતા રહેવું.’ એટલે કે, મુશ્કેલીઓ હોય છતાં એમ કરવામાં હિંમત ન હારવી જોઈએ અને પડતું ન મૂકવું. એ કેટલું મહત્ત્વનું છે એ બાઇબલ જણાવે છે. દાખલા તરીકે, દેવનો શબ્દ આપણને સલાહ આપે છે: ‘પહેલાં તેના રાજ્યને શોધો,’ “ઠોકો, તો તમારે સારૂ ઉઘાડવામાં આવશે,” “પ્રાર્થનામાં લાગુ રહો,” અને “જે સારૂં છે તે ગ્રહણ કરો.”—માત્થી ૬:૩૩; લુક ૧૧:૯; રૂમી ૧૨:૧૨; ૧ થેસ્સાલોનીકી ૫:૨૧.

સૌથી મહત્ત્વની બાબત એ છે કે, અનિવાર્ય મુશ્કેલી આવે છતાં મંડ્યા રહીએ. નીતિવચન ૨૪:૧૬ કહે છે: “નેક માણસ સાતવાર પડી પડીને પણ પાછો ઊઠે છે.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) મુશ્કેલીઓ આવે અથવા નિષ્ફળ જઈએ ત્યારે ‘પડતું મૂકવાને બદલે’, મંડ્યા રહીએ તો ‘પાછા ઊઠીને’ વારંવાર પ્રયત્ન કરતા જ રહીશું.

જોકે, મુશ્કેલીઓના કારણથી તેઓ નિષ્ફળ પણ જઈ શકે એવું માનવા ઘણા લોકો આજે તૈયાર નથી. મંડ્યા રહેવાનું લોકો શીખ્યા નથી, તેથી તેઓ સહેલાઈથી પડતું મૂકે છે. “ઘણા લોકો નિષ્ફળ જવાથી પોતાને જ દુઃખ આપવા લાગે છે,” એવું લેખક મોરલી કાલેગાને નોંધ્યું છે. “તેઓ દુઃખથી પડી ભાગે છે, બીજાઓને દોષ દે છે, ફુંગરાઈ જાય છે, અને . . . પડતું મૂકે છે.”

એ દુઃખદ બાબત છે. પીટ્‌સ જણાવે છે, “આપણે ભૂલી જઈએ છીએ કે, કસોટીમાંથી પસાર થવાનું પણ એક કારણ હોય છે અને એમાંથી આપણે કંઈક મહત્ત્વની બાબત શીખી શકીએ.” એ મહત્ત્વની બાબત શું છે? તેમણે અંતમાં કહ્યું: “નિષ્ફળ જવાથી [વ્યક્તિ] શીખે છે કે એનાથી જીવનો કે જગતનો અંત આવ્યો નથી. પરંતુ, એક અનુભવ થયો છે. તે જીવનની કસોટીઓ માટે તૈયાર થાય છે.” બાઇબલ એને સાદા શબ્દોમાં જણાવે છે: “સર્વ પ્રકારના ઉદ્યોગમાં લાભ છે.”—નીતિવચન ૧૪:૨૩.

જોકે, નિષ્ફળ ગયા પછી ફરીથી શરૂ કરવું એ હંમેશા સહેલું હોતું નથી. કોઈક વખત આપણી આગળ અમુક મુસીબતો ઊભી હોય ત્યારે એ દૂર કરવાની હિંમત પણ ન ચાલે. આપણો ધ્યેય સિદ્ધ ન થાય ત્યારે એવું લાગી શકે કે, જાણે હવે આપણે ધ્યેયો ભૂલી ગયા છીએ. તેથી, આપણે કદાચ નારાજ, નિરુત્સાહી અને ઉદાસીન પણ બની જઈએ. (નીતિવચન ૨૪:૧૦) છતાં, બાઇબલ આપણને ઉત્તેજન આપે છે: “તો સારૂં કરતાં આપણે થાકવું નહિ; કેમકે જો કાયર ન થઈએ, તો યોગ્ય સમયે લણીશું.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.)—ગલાતી ૬:૯.

મંડ્યા રહેવા આપણને કઈ બાબત મદદ કરી શકે?

સૌ પ્રથમ આપણે ખંતીલા બનવું હોય તો, પહોંચી શકાય એવા યોગ્ય ધ્યેયો બનાવવા જોઈએ. પ્રેષિત પાઊલ એ ખરેખર સમજી શક્યા. તેમણે કોરીંથીઓને કહ્યું: “હું એવી રીતે દોડું છું, પણ સંશય રાખનારની પેઠે નહિ; હું મુક્કીઓ મારૂં છું, પણ પવનને મારનારની પેઠે નહિ.” પાઊલ જાણતા હતા કે પોતે સફળ બનવું હોય તો, જેમ સ્પર્ધામાં દોડનારનું ધ્યાન અંતિમ રેખા પાર કરવા પર હોય છે તેમ, પોતાનો ધ્યેય પણ સ્પષ્ટ હોવો જોઈએ. “શું તમે નથી જાણતા કે શરતમાં દોડનાર સર્વે તો ઈનામ મેળવવા દોડે છે, તો પણ એકને જ ઇનામ મળે છે? એમ દોડો કે તમને મળે,” તેમણે ભારપૂર્વક જણાવ્યું. (૧ કોરીંથી ૯:૨૪, ૨૬) આપણે એ કઈ રીતે કરી શકીએ?

નીતિવચન ૧૪:૧૫ કહે છે કે, “ડાહ્યો પુરુષ પોતાની વર્તણૂક બરાબર ચોક્કસ રાખે છે.” તેથી આપણે વખતોવખત પોતાના ધ્યેયો તપાસવા જોઈએ જેથી પોતાને પૂછી શકાય કે, હું જે સિદ્ધ કરવા ચાહું છું એમાં મને ફેરફાર કરવાની જરૂર છે કે કેમ. હું શું સિદ્ધ કરવા ચાહું છું અને શા માટે, એ મનમાં સ્પષ્ટ હોવું જરૂરી છે. આપણે શું સિદ્ધ કરવા ઇચ્છીએ છીએ એ આપણા મનમાં સ્પષ્ટ હશે તો આપણે જલદી હિંમત નહિ હારીએ. વળી, નીતિવચન સલાહ આપે છે: “તારી આંખો સામી નજરે જુએ,” જેથી “તારા સર્વ રસ્તા નિયમસર થાય.”—નીતિવચન ૪:૨૫, ૨૬.

મનમાં ધ્યેય રાખ્યા પછી એ વિચારવું જરૂરી છે કે, હું એ કઈ રીતે સિદ્ધ કરીશ. ઈસુએ પૂછ્યું: “તમારામાં એવો કોણ છે કે જે બુરજ બાંધવા ચાહે, પણ પહેલવહેલાં બેસીને ખરચ નહિ ગણે?” (લુક ૧૪:૨૮) આ સિદ્ધાંતના સુમેળમાં માનસિક-રોગના એક ડૉક્ટરે કહ્યું: “જેઓ સફળ થાય છે તેઓ વિષે મેં જોયું છે કે, તેઓ પરિણામો મેળવવાનું જાણે છે. તેથી, સફળ થતા લોકો જાણે છે કે તેઓને કંઈક પણ જોઈતું હોય તો, એ મેળવવા તેઓએ બનતું બધું જ કરવું પડશે.” આપણો ધ્યેય સિદ્ધ કરવા આપણે જે કરવા માંગતા હોય એની સ્પષ્ટ સમજણ હોય તો, એ ધ્યેય સુધી પહોંચવામાં આપણને મદદ મળશે. વળી, આપણે જો નિષ્ફળ જઈએ તો, ફરીથી શરૂ કરવું પણ સહેલું થશે. ઓલ્વીલ અને વિલ્બર રાઈટ ભાઈઓ પાસે પણ પોતાના ધ્યેયની સ્પષ્ટ સમજણ હોવાથી તેઓ સફળ થયા.

તેથી, જો તમે નિષ્ફળ જાવ તો, નારાજ ન થશો પણ એમાંથી કંઈક શીખવા બનતું બધુ જ કરો. તમારા સંજોગો ફરી તપાસો, અને જુઓ કે, તમે ક્યાં ભૂલ કરી છે. એ પારખ્યા પછી ભૂલ સુધારો અથવા ઉપાય શોધો. “દરેક મનોરથ સલાહથી પૂરો પડે છે,” તેથી એના વિષે બીજાઓ સાથે વાત કરવાથી મદદ મળશે. (નીતિવચન ૨૦:૧૮) સ્વાભાવિક રીતે જ, પ્રયત્ન કરતા રહેવાથી તમારી આવડતો વધશે અને અનુભવી થશો જેથી છેવટે તમે સફળ થશો.

ધ્યેયના સુમેળમાં વર્તવું એ ત્રીજું મહત્ત્વનું પાસું છે. પ્રેષિત પાઊલે સલાહ આપતાં કહ્યું: “જે ધોરણ સુધી આપણે પહોંચ્યા છીએ તેજ ધોરણ પ્રમાણે આપણે ચાલીએ.” (ફિલિપી ૩:૧૬) એક શિક્ષકે આમ કહ્યું કે, “વાજબી અને વ્યવસ્થિત રીતે કામ કરવાથી સમય જતાં સારાં પરિણામો આવી શકે.” એ કાચબા અને સસલાની જાણીતી વાર્તામાં સારી રીતે ઉદાહરણ આપવામાં આવ્યું છે. કાચબાની ચાલ સસલા કરતાં એકદમ ધીમી હોવા છતાં, કાચબો જીતી ગયો. શા માટે? એનું કારણ એ છે કે, કાચબો પોતાની ક્ષમતા પ્રમાણે ધીમેધીમે ચાલતો હતો. તેણે હાર ન માની, પરંતુ જે વેગમાં તે ચાલી શકે એ વેગમાં ચાલવાનું તેણે પસંદ કર્યું અને સ્પર્ધાની અંતિમ રેખા પાર કરે ત્યાં સુધી લાગુ રહ્યો. આમ, એક યોગ્ય અને સ્થિર વ્યક્તિ ઉતાવળી નહિ બને પરંતુ પોતાની ક્ષમતા પ્રમાણે તે પ્રગતિ કરશે. તેથી, તે જાણે હરીફાઈમાં હોય તેમ ઉત્સાહી રહેશે અને હાર નહિ માને. હા, ‘એવી રીતે દોડો’ કે તમે તમારો ધ્યેય સિદ્ધ કરી શકો.

યોગ્ય ધ્યેય પસંદ કરો

જોકે, આપણે ધ્યેય સિદ્ધ કરવો હોય તો, એ યોગ્ય ધ્યેય હોવો જોઈએ. ઘણા લોકો એવી વસ્તુઓ પાછળ પડે છે જેનાથી સુખ મળતું નથી. પરંતુ, બાઇબલ કહે છે: “જે છૂટાપણાના સંપૂર્ણ નિયમમાં નિહાળીને જુએ છે, અને તેમાં રહે છે, . . . તે જ માણસ પોતાના વ્યવહારમાં ધન્ય થશે.” (યાકૂબ ૧:૨૫) દેવના નિયમો બાઇબલમાં આપવામાં આવ્યા છે, એનો અભ્યાસ કરીને સમજણ મેળવવી એ ખૂબ જ મહત્ત્વનો ધ્યેય છે. શા માટે? એનું કારણ એ છે કે, દેવનો નિયમ તેમના સંપૂર્ણ, ન્યાયી ધોરણો પર આધારિત છે. તે ઉત્પન્‍નકર્તા હોવાથી, પોતે જાણે છે કે મનુષ્ય માટે સૌથી સારું શું છે. વળી, જો આપણે દેવનું જ્ઞાન શીખતા રહીએ અને આપણા જીવનમાં લાગુ પાડીએ તો, આમ લાગુ પાડતા રહેવાથી આપણે ચોક્કસ સુખી થઈશું. નીતિવચન ૩:૫, ૬ વચન આપે છે કે, “તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, . . . તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે.”

તે ઉપરાંત ઈસુએ કહ્યું કે, દેવ અને ઈસુનું જ્ઞાન લેવાથી “અનંતજીવન” મળી શકે છે. (યોહાન ૧૭:૩) બાઇબલ ભવિષ્યવાણી દર્શાવે છે કે આપણે ‘છેલ્લા દિવસોમાં’ જીવી રહ્યા છીએ. (૨ તીમોથી ૩:૧-૫; માત્થી ૨૪:૩-૧૩) જલદી જ દેવની ન્યાયી સરકાર, પૃથ્વીના રહેવાસીઓ પર રાજ કરશે. (દાનીયેલ ૨:૪૪; માત્થી ૬:૧૦) આ સરકાર આજ્ઞાંકિત મનુષ્ય માટે પુષ્કળ શાંતિ, સમૃદ્ધિ અને સલામતી લાવશે. (ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧; પ્રકટીકરણ ૨૧:૪) પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪ કહે છે, “દેવ પક્ષપાતી નથી.” હા, સર્વ લોકો એનો આનંદ માણે અને લાભ લે એવું આમંત્રણ આપવામાં આવે છે!

બાઇબલ ડહાપણનું એક પ્રાચીન પુસ્તક છે. એ સમજવા માટે સમય અને મહેનતની જરૂર છે. પરંતુ, આપણે એ જ્ઞાન શોધતા રહીશું તો, આપણને જોઈએ ત્યારે મળી શકશે. (નીતિવચન ૨:૪, ૫; યાકૂબ ૧:૫) જોકે, આપણે જે શીખીએ છીએ એ બધું જ લાગુ પાડવું સહેલું નથી. કદાચ આપણા વિચારોમાં આપણને ફેરગોઠવણ કરવાની જરૂર હોય શકે. આપણે બાઇબલ અભ્યાસ કરીએ છીએ તેથી કદાચ આપણા મિત્રો અથવા કુટુંબના સભ્યોને એ ન પણ ગમે. છતાં, એ ચાલુ રાખવો જરૂરી છે. પ્રેષિત પાઊલ આપણને યાદ દેવડાવે છે કે, જેઓ “ધીરજથી સારા કામ” કરે છે તેઓને દેવ અનંતજીવન આપશે. (રૂમી ૨:૭) તમે એ ધ્યેય સિદ્ધ કરી શકો એ માટે યહોવાહના સાક્ષીઓ ખુશીથી તમને મદદ કરવા ઇચ્છે છે.

તમે દેવ વિષે જે શીખો છો એ લાગુ પાડશો તો સાચે જ તમે સફળ થશો એમાં કોઈ શંકા નથી.—ગીતશાસ્ત્ર ૧:૧-૩.

[પાન ૬ પર ચિત્ર]

તમે દેવ અને તેમના હેતુ વિષે શીખવામાં મંડ્યા રહેશો તો તમે સફળ થશો

[પાન ૪ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Culver Pictures