સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહ મારો આશરો અને બળ છે

યહોવાહ મારો આશરો અને બળ છે

મારો અનુભવ

યહોવાહ મારો આશરો અને બળ છે

માર્શલ ફીલેટોના જણાવ્યા પ્રમાણે

“તું તેને પરણીશ તો, તું પણ જેલમાં જઈશ.” હું જેની સાથે પરણવાનો હતો, એ છોકરીને લોકો એમ કહેતા. પરંતુ, ચાલો હું તમને સમજાવું કે લોકો શા માટે આમ કહેતા હતા.

મારો જન્મ કૅનેડાના ક્વિબેકમાં ૧૯૨૭માં થયો. એ સમયે ત્યાં કૅથલિક ધર્મની ઊંડી અસર હતી. એ સમયે અમે મૉંટ્રિઑલ શહેરમાં રહેતા હતા. લગભગ ચાર વર્ષ પછી, સિશલી ડ્યુફોર નામની એક યહોવાહની સાક્ષીએ અમારા કુટુંબની મુલાકાત લીધી. એ માટે, અમારા પડોશીઓ એ બહેનને ઘણી વાર ધમકાવતા. બાઇબલનો પ્રચાર કરવાને લીધે તેમને ઘણી વાર પકડવામાં આવતા અને તેમની સાથે ક્રૂર વર્તાવ પણ કરવામાં આવતો. અમે જલદી જ ઈસુના શબ્દો સાચા પડતા જોયા: “મારા નામને લીધે સર્વ પ્રજાઓ તમારો દ્વેષ કરશે.”—માત્થી ૨૪:૯.

એ સમયે ફ્રાન્સ અને કૅનેડાનાં કુટુંબો કૅથલિક ધર્મ છોડે, એમ વિચારવું પણ ઘણા માટે પાપ હતું. મારાં માબાપ કદી યહોવાહના સાક્ષીઓ બન્યા નહિ, છતાં, તેઓ ઝડપથી જોઈ શક્યા કે, કૅથલિક ધર્મનું શિક્ષણ બાઇબલ પ્રમાણે નથી. તેથી, તેઓએ અમને આઠ બાળકોને યહોવાહના સાક્ષીઓનું સાહિત્ય વાંચવા ઉત્તેજન આપ્યું. વળી, અમારામાંથી બાઇબલ સત્ય સ્વીકારનારને પણ તેઓએ સાથ આપ્યો.

મુશ્કેલ સમયોમાં સત્ય સ્વીકારવું

હું ૧૯૪૨માં હજુ શાળામાં જતો હતો ત્યારે, બાઇબલ અભ્યાસમાં મને ખૂબ જ રસ જાગ્યો. એ સમયે કૅનેડામાં યહોવાહના સાક્ષીઓના કાર્ય પર પ્રતિબંધ હતો. એનું કારણ એ હતું કે, તેઓ શરૂઆતના ખ્રિસ્તીઓનું ઉદાહરણ અનુસરીને યુદ્ધમાં ભાગ લેતા નહિ. (યશાયાહ ૨:૪; માત્થી ૨૬:૫૨) મારા મોટા ભાઈ રોલૅનને સખત મજૂરી કરવા જેલમાં મોકલવામાં આવ્યા, કેમ કે, તેમણે એ સમયે ચાલી રહેલા યુદ્ધમાં જોડાવાની ના પાડી.

લગભગ એ સમયે મારા પિતાએ મને ફ્રેન્ચ ભાષામાં એક પુસ્તક આપ્યું. એ જણાવતું હતું કે, એડોલ્ફ હિટલરના લશ્કરને ટેકો ન આપવાને કારણે જર્મન યહોવાહના સાક્ષીઓની સતાવણી થઈ રહી હતી. * મને પણ તેઓ જેવા જ હિંમતવાન અને સાચા ભક્ત બનવાની પ્રેરણા મળી. તેથી, યહોવાહના સાક્ષીઓ પોતાના ઘરોમાં સભાઓ રાખતા, એમાં હું જવા લાગ્યો. જલદી જ, મને પ્રચારકાર્યમાં ભાગ લેવાનું કહેવામાં આવ્યું. હું જાણતો હતો કે, એમ કરવાથી મને જેલ પણ થઈ શકે, છતાં હું એમાં ભાગ લેવા લાગ્યો.

હું પ્રચારકાર્યમાં પહેલીવાર ગયો. મેં પ્રાર્થનામાં યહોવાહ દેવની મદદ માંગી, અને બારણું ખખડાવ્યું. એક માયાળુ સ્ત્રીએ બારણું ઉઘાડ્યું. મેં મારી ઓળખ આપ્યા પછી, ૨ તીમોથી ૩:૧૬ વાંચ્યું: ‘દરેક શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત અને ઉપયોગી છે.’

મેં પૂછ્યું, “શું તમને બાઇબલ વિષે વધુ જાણવું ગમશે?”

સ્ત્રીએ કહ્યું, “હા.”

મેં કહ્યું કે, હું બીજી વાર મારી સાથે એક બહેનને લઈને આવીશ, જે વધારે સારી રીતે બાઇબલ જાણે છે. પછીના સપ્તાહે મેં એમ જ કર્યું. આ પહેલા અનુભવથી મને ઘણી હિંમત મળી, અને હું જોઈ શક્યો કે આપણે પોતાની શક્તિથી આ કાર્ય કરી રહ્યા નથી. પ્રેષિત પાઊલે કહ્યું તેમ, આપણે યહોવાહ દેવની મદદથી આ કામ કરીએ છીએ. ખરેખર, આપણે એ સ્વીકારવું મહત્ત્વનું છે કે, ‘પરાક્રમની અધિકતા દેવથી છે અને આપણામાંથી નથી.’—૨ કોરીંથી ૪:૭.

એ પછી પ્રચારકાર્ય મારા જીવનનો ભાગ બની ગયું, અને એ કારણે પકડાવું તથા જેલમાં જવું પણ સામાન્ય બની ગયું. તેથી, એમાં કંઈ આશ્ચર્ય નથી કે, હું પરણવાનો હતો એ છોકરીને કહેવામાં આવ્યું કે, “તું તેને પરણીશ તો તું પણ જેલમાં જઈશ”! છતાં, આવા અનુભવો એટલા અઘરા ન હતા. એક રાત જેલમાં પસાર કર્યા પછી, આપણા ભાઈઓ અમને જામીન પર છોડાવતા.

મહત્ત્વના નિર્ણયો

એપ્રિલ ૧૯૪૩માં, મેં યહોવાહને મારું સમર્પણ કર્યું, અને બાપ્તિસ્મા લીધું. પછી, ઑગસ્ટ ૧૯૪૪માં, યુ.એસ.એ., ન્યૂયૉર્ક, બફેલોમાં યોજાયેલા મહાસંમેલનમાં મેં પહેલી વાર હાજરી આપી, જે કૅનેડાની સરહદની નજીક હતું. એમાં ૨૫,૦૦૦ લોકો આવ્યા હતા. એ કાર્યક્રમથી મને પાયોનિયર બનવાની પ્રેરણા મળી, જે નામથી યહોવાહના સાક્ષીઓના પૂરા સમયના સેવકો ઓળખાય છે. કૅનેડામાં મે ૧૯૪૫માં યહોવાહના સાક્ષીઓ પરથી પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો, અને મેં જૂનથી પાયોનિયર કાર્ય શરૂ કર્યું.

હું વધારે પ્રચાર કરવા લાગ્યો તેમ, જેલની મારી મુલાકાતો પણ વધી ગઈ. ભાઈ માઈક મિલર, જે લાંબા સમયથી યહોવાહના વિશ્વાસુ સેવક હતા, તેમની સાથે એક વાર મને કોટડીમાં પૂરવામાં આવ્યો. અમે સિમેન્ટના ભોંયતળિયા પર બેસીને ઘણી વાતો કરી. એ વિશ્વાસ દૃઢ કરતી વાતચીતથી મને ઘણું જ ઉત્તેજન મળ્યું. પછી, મારા મનમાં એક પ્રશ્ન ઊભો થયો, ‘જો અમારું એકબીજા સાથે બનતું ન હોત તો, શું અમે આ રીતે વાતો કરી શક્યા હોત?’ આ વહાલા ભાઈ સાથે જેલમાં પસાર કરેલા સમયે મને એ મહત્ત્વનો બોધપાઠ શીખવ્યો કે, આપણા ભાઈઓની આપણને ખૂબ જ જરૂર છે. તેથી, આપણે એકબીજા પ્રત્યે માયાળુ બનીને માફ કરતા શીખવું જોઈએ. એમ નહિ કરીએ તો, પ્રેષિત પાઊલે લખ્યું: “જો તમે એક બીજાને કરડો તથા ફાડી ખાઓ, તો સાવધ રહો, રખેને કદાચ તમે એકબીજાથી નાશ પામો.”—ગલાતી ૫:૧૫.

સપ્ટેમ્બર ૧૯૪૫માં, મને કૅનેડા, ટોરન્ટોની વૉચ ટાવર શાખા, જેને બેથેલ કહેવાય છે, ત્યાં આમંત્રણ આપવામાં આવ્યું. બેથેલમાંની શૈક્ષણિક તાલીમ ખરેખર વિશ્વાસ દૃઢ કરનારી અને ઉત્તેજન આપનારી હતી. પછી, મને શાખાની ઉત્તરે લગભગ ૪૦ કિલોમીટર દૂર આવેલી વાડીમાં કામ સોંપવામાં આવ્યું. હું ત્યાં એન વોલનેક સાથે સ્ટ્રોબૅરી વીણતો હતો ત્યારે, મેં તેનું સૌંદર્ય જોયું એટલું જ નહિ, પરંતુ યહોવાહ દેવ માટેનો તેનો પ્રેમ અને ઉત્સાહ પણ જોયો. અમારા બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને અમે જાન્યુઆરી ૧૯૪૭માં લગ્‍ન કર્યાં.

અઢી વર્ષ સુધી, અમે લંડન, ઓન્ટેરીઓમાં પૂરા સમયના પ્રચારક તરીકે કામ કર્યું, અને પછી કેપ બ્રેટન ટાપુમાં મંડળ સ્થાપવામાં મદદ કરી. પછી, ૧૯૪૯માં વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડના ૧૪મા વર્ગમાં અમને બોલાવવામાં આવ્યા. એમાં અમને મિશનરિ કાર્ય માટેની તાલીમ આપવામાં આવી.

ક્વીબેકમાં મિશનરિ કાર્ય

અમારી અગાઉના ગિલયડ વર્ગમાંથી આવેલા કૅનેડાના ભાઈ-બહેનોને ક્વિબેકમાં પ્રચારકાર્ય શરૂ કરવા મોકલવામાં આવ્યા હતા. પછી ૧૯૫૦માં, ૧૪મા વર્ગમાંથી અમે અને બીજા ૨૫ ભાઈ-બહેનો પણ તેઓની સાથે જોડાયા. આ મિશનરિઓના વધતા જતા પ્રચારકાર્યને લીધે કૅથલિક ચર્ચના આગેવાનોએ ટોળાઓને ઉશ્કેરીને મારપીટની સાથે સખત સતાવણી શરૂ કરી.

અમારી પહેલી મિશનરિ સોંપણી રુવીનમાં થઈ, એના ફક્ત બે દિવસ પછી, એનને પકડવામાં આવી અને પોલીસે તેઓની ગાડીમાં બેસાડી. આ તેના માટે નવો અનુભવ હતો, કેમ કે તે કૅનેડાના નાનકડા ગામ, માનિટોબાથી આવી હતી. તેણે ત્યાં ભાગ્યે જ પોલીસને જોયા હતા. તેથી, તેને ડર લાગ્યો, અને તેને આ શબ્દો યાદ આવ્યા, “તું તેને પરણશે તો, તું પણ જેલમાં જઈશ.” જોકે, ત્યાંથી નીકળતા પહેલાં, પોલીસે મને પણ શોધી કાઢ્યો અને એન સાથે ગાડીમાં બેસાડ્યો. તે બોલી ઊઠી, “હાશ! હવે મને શાંતિ થઈ.” છતાં, નવાઈની વાત હતી કે, તે એકદમ શાંત હતી. તેણે કહ્યું, “ઈસુના વિષે પ્રચાર કરનારા પ્રેષિતોની પણ આ જ હાલત થઈ હતી.” (પ્રેરિતોનાં કૃત્યો ૪:૧-૩; ૫:૧૭, ૧૮) એ દિવસે મોડેથી અમને જામીન પર છોડવામાં આવ્યા.

એના લગભગ એક વર્ષ પછી, મૉંન્ટ્રિઅલની અમારી નવી સોંપણીમાં ઘર-ઘરના પ્રચારકાર્યમાં અમે ભાગ લઈ રહ્યા હતા ત્યારે, રસ્તાના બીજા છેડે ધમાલ થતી હોય એવો અવાજ સંભળાયો. મેં જોયું કે ગુસ્સે ભરાયેલું એક ટોળું પથ્થરો ફેંકતું હતું. હું એન અને તેની સાથે કામ કરી રહેલા બહેનને મદદ કરવા ગયો, તેવામાં પોલીસ આવી પહોંચી. તોફાની ટોળાને પકડવાને બદલે પોલીસે એન અને તેના સાથી બહેનને પકડ્યા! જેલમાં, એને નવી બહેનને ઉત્તેજન આપ્યું કે તેઓના કિસ્સામાં ઈસુના શબ્દો સાચા ઠરી રહ્યા હતા: “મારા નામને સારૂ સહુ તમારો દ્વેષ કરશે.”—માત્થી ૧૦:૨૨.

કયૂબેકમાં એક સમયે લગભગ ૧,૭૦૦ જેટલા કેસ યહોવાહના સાક્ષીઓ વિરુદ્ધ નોંધવામાં આવ્યા હતા. મોટા ભાગે, અમારા પર એવા આરોપ મૂકવામાં આવતા કે, અમે સાહિત્યથી લોકોને ઉશ્કેરી રહ્યા છીએ અથવા તો લાઇસન્સ વગર સાહિત્ય વહેંચી રહ્યા છીએ. તેથી, વૉચ ટાવર સોસાયટીના વકીલોએ કયૂબેકની સરકાર સામે પગલાં લીધાં. ઘણાં વર્ષો સુધી કેસ ચાલ્યા પછી, યહોવાહ દેવે કૅનેડાની સર્વોચ્ચ અદાલતમાં બે મોટી જીત અપાવી. ડિસેમ્બર ૧૯૫૦માં, અમે ઉશ્કેરણી કરતું સાહિત્ય આપતા હતા, એવો જૂઠો આરોપ ઉઠાવી લેવામાં આવ્યો. ઑક્ટોબર ૧૯૫૩માં લાઇસન્સ વગર સાહિત્યનું વિતરણ કરવાનો અમને હક્ક મળ્યો. એ રીતે અમે જોયું કે, યહોવાહ દેવ ખરેખર “આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે, સંકટને સમયે તે હાજરાહજૂર મદદગાર છે.”—ગીતશાસ્ત્ર ૪૬:૧.

મેં ૧૯૪૫માં પાયોનિયરીંગ શરૂ કર્યું ત્યારે, કયૂબેકમાં ફક્ત ૩૫૬ યહોવાહના સાક્ષીઓ હતા. પરંતુ, આજે એની સંખ્યા ૨૪,૦૦૦થી પણ વધારે છે! ખરેખર, બાઇબલે ભાખ્યું હતું એમ જ બન્યું છે: “તારી વિરૂદ્ધ વાપરવા સારૂ ઘડેલું કોઈ પણ હથિયાર સાર્થક થશે નહિ; ન્યાયસભામાં જે કોઈ જીભ તારી વિરૂદ્ધ બોલશે, તેને તું દોષિત ઠરાવીશ.”—યશાયાહ ૫૪:૧૭.

ફ્રાંસમાં અમારું કાર્ય

સપ્ટેમ્બર ૧૯૫૯માં મને અને એનને ફ્રાંસ, પેરિસના બેથેલમાં બોલાવવામાં આવ્યા, જ્યાં મને છાપકામની દેખરેખ રાખવાની જવાબદારી આપવામાં આવી. અમે જાન્યુઆરી ૧૯૬૦માં ફ્રાંસ બેથેલમાં પહોંચ્યા ત્યાં સુધી, છાપકામ દુન્યવી લોકો કરતા હતા. એ સમયે ચોકીબુરજ પર પ્રતિબંધ હોવાથી, અમે દર મહિને ૬૪-પાનની પુસ્તિકા છાપતા. એ પુસ્તિકા યહોવાહના સાક્ષીઓનું છાપું કહેવાતી. એમાં મંડળના અભ્યાસ માટે એક મહિના પૂરતા લેખો છાપવામાં આવતા. ફ્રાંસમાં ૧૯૬૦થી ૧૯૬૭માં યહોવાહના સાક્ષીઓની સંખ્યા ૧૫,૪૩૯થી વધીને ૨૬,૨૫૦ થઈ.

છેવટે, મોટા ભાગના મિશનરિઓને બીજી જગ્યાઓએ સોંપણી કરવામાં આવી. કેટલાકને આફ્રિકાના ફ્રેન્ચ બોલતા દેશોમાં અને બીજાને ક્વિબેક પાછા મોકલવામાં આવ્યા. એનને ઑપરેશનની જરૂર હોવાથી, અમે ક્વિબેકમાં પાછા ફર્યા. ત્રણ વર્ષ સારવાર મળ્યા પછી, એનની તબિયત સારી થઈ. પછી, મને સરકીટ નિરીક્ષક તરીકેની સોંપણી મળી, જેમાં દર સપ્તાહે અલગ અલગ મંડળોની મુલાકાત લઈને, તેઓને દૃઢ કરવાના હતા.

આફ્રિકામાં મિશનરિ કાર્ય

થોડાં વર્ષો પછી, ૧૯૮૧માં અમને મિશનરિ તરીકે નવી સોંપણી મળી ત્યારે, અમારો આનંદ સમાયો નહિ. એ સોંપણી ઝાઇર, જે હાલમાં કૉંગોનું લોકશાહી પ્રજાસત્તાક છે, ત્યાં હતી. લોકો ત્યાં ખૂબ જ ગરીબ હતા અને તેઓએ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો. અમે ત્યાં પહોંચ્યાં ત્યારે, ૨૫,૭૫૩ યહોવાહના સાક્ષીઓ હતા. પરંતુ, આજે એ સંખ્યા વધીને ૧,૧૩,૦૦૦ થઈ છે. વળી, ૧૯૯૯માં ખ્રિસ્તના સ્મરણ પ્રસંગમાં ૪,૪૬,૩૬૨ લોકો આવ્યા હતા!

અમે ૧૯૮૪માં નવી શાખા બાંધવા માટે સરકાર પાસેથી લગભગ ૫૦૦ એકર જમીન વેચાતી લીધી. પછી, ડિસેમ્બર ૧૯૮૫માં, કિન્શાસા શહેરમાં આંતરરાષ્ટ્રીય મહાસંમેલન રાખવામાં આવ્યું અને દુનિયાના ઘણા ભાગોમાંથી ૩૨,૦૦૦ યહોવાહના સાક્ષીઓ એમાં આવ્યા હતા. પછી, ઝાઇરમાં પાદરીઓની ઉશ્કેરણીથી આપણા કાર્યનો વિરોધ શરૂ થયો. માર્ચ ૧૨, ૧૯૮૬ના રોજ જવાબદાર ભાઈઓને પત્રથી જણાવવામાં આવ્યું કે, ઝાઇરમાંનું યહોવાહના સાક્ષીઓનું સંગઠન હવે ગેરકાયદેસર છે. એ સમયે એ દેશના પ્રમુખ, મોબુટુ સાસા સાકોએ આપણી સર્વ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકતા સહી કરી.

એ અણધાર્યાં બનાવના સમયે, અમે બાઇબલની આ સલાહ લાગુ પાડી: “ડાહ્યો માણસ હાનિ આવતી જોઈને સંતાઈ જાય છે.” (નીતિવચન ૨૨:૩) આપણાં પ્રકાશનો કિન્શાસામાં છાપવા માટે અમે કાગળ, સહી, ફિલ્મ, છાપકામની પ્લેટો અને એને લગતી વસ્તુઓ બહારથી કઈ રીતે મંગાવવી એ શોધી કાઢ્યું. એનું વિતરણ કરવાની પણ અમે ગોઠવણ કરી લીધી હતી. એક વાર અમારી ગોઠવણ બરાબર ચાલુ થઈ ગઈ પછી, એ સરકારી ટપાલ કરતાં વધારે સારી રીતે ચાલતી હતી!

હજારો યહોવાહના સાક્ષીઓને પકડવામાં આવ્યા, અને ઘણાની સખત રીતે રિબામણી પણ થઈ. છતાં, મોટા ભાગના ભાઈ-બહેનો એકના બે ન થયા, અને આકરી સજાનો સામનો કર્યો. મને પણ પકડવામાં આવ્યો, અને મેં જોયું કે જેલમાંના આપણા ભાઈઓની હાલત બહુ જ ખરાબ હતી. ઘણી વાર છૂપી પોલીસ અને સરકારી માણસો ચોતરફથી અમારા પર દબાણ લાવ્યા, છતાં યહોવાહે અમને હંમેશા મદદ કરી.—૨ કોરીંથી ૪:૮.

અમે એક વેપારીના ગોદામમાં પ્રકાશનોના લગભગ ૩૦૦૦ બૉક્સ સંતાડ્યા હતાં. જોકે, તેના એક કર્મચારીએ છૂપી પોલીસને એના વિષે જણાવી દીધું, અને વેપારીને ગિરફતાર કરવામાં આવ્યો. હવે બન્યું એવું કે હું કારમાં જઈ રહ્યો હતો અને તેઓ તેને જેલમાં લઈ જતા હતા, ત્યારે અમે ભેગા થઈ ગયા. વેપારીએ તેઓને કહી દીધું કે, સાહિત્ય તેના ગોદામમાં રાખવાની ગોઠવણ મેં કરી હતી. પોલીસે મને રોક્યો અને પૂછપરછ કરવા લાગ્યા. તેઓએ મારા પર આરોપ મૂક્યો કે, તે વેપારીના ગોદામમાં મેં ગેરકાયદેસરનું સાહિત્ય રાખ્યું છે.

મેં પૂછ્યું, “એમાંનું એકાદ પુસ્તક તમારી પાસે છે?”

તેઓએ કહ્યું, “હા, છે જ ને.”

ફરીથી મેં પૂછ્યું, “શું હું એ જોઈ શકું?”

તેઓએ મને એક પ્રત બતાવી ત્યારે, મેં તેઓને અંદરના પાનની માહિતી બતાવી: “વૉચ ટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા યુનાઈટેડ સ્ટેટ્‌સ ઑફ અમેરિકામાં મુદ્રિત.”

મેં તેઓને જણાવ્યું કે, “તમારા હાથમાં જે પુસ્તક છે એ અમેરિકાનું છે ઝાઇરનું નથી. તમારી સરકારે ઝાઇરમાં યહોવાહના સાક્ષીઓના સંગઠન પર પ્રતિબંધ મૂક્યો છે, યુનાઈટેડ સ્ટેટ્‌સની વૉચ ટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી પર નહિ. તેથી, તમે આ પ્રકાશનોનું કંઈ કરો એ પહેલાં બે વાર વિચારજો.”

મને પકડી જવાનો તેઓ પાસે કૉર્ટ ઑર્ડર ન હોવાથી તેઓએ મને જવા દીધો. એ જ રાત્રે અમે બે ટ્રક લઈને ગોદામ પર ગયા, અને ત્યાંથી બધા જ પ્રકાશનો લઈ લીધાં. બીજા દિવસે અધિકારીઓ ગોદામ પર ગયા ત્યારે, તેઓ ખાલી ગોદામ જોઈને બહુ જ ચીડાયા. પછી, તેઓ મારી શોધ કરવા લાગ્યા કારણ કે, હવે મારી ધરપકડ કરવા માટે તેઓ પાસે કૉર્ટ ઑર્ડર હતો. છેવટે તેઓએ મને શોધી કાઢ્યો. પરંતુ, તેઓની પાસે કાર ન હોવાથી હું પોતે મારી કાર ચલાવીને જેલમાં ગયો! મારી સાથે બીજા એક ભાઈ પણ આવ્યા જેથી તેઓ મારી કારને જપ્ત ન કરી લે.

મારી આઠ કલાક સુધી પૂછપરછ કર્યા પછી, તેઓએ મને દેશનિકાલ કરવાનું નક્કી કર્યું. પરંતુ મેં તેઓને સરકારી પત્ર બતાવ્યો જે ઝાઇરમાં પ્રતિબંધ મૂકાયેલા યહોવાહના સાક્ષીઓના સંગઠનની મિલકત ઠેકાણે પાડવાની મને મંજૂરી આપતો હતો. આમ, હું મારી બેથેલ પ્રવૃત્તિ ચાલુ રાખી શક્યો.

ઝાઇરમાં પ્રચારકાર્યના પ્રતિબંધના દબાણ હેઠળ અમે ચાર વર્ષ સેવા કરી. પછી, મને પેટમાં ચાંદુ પડ્યું, જેમાંથી લોહી પડતું હોવાથી જીવનો ખતરો હતો. એવું નક્કી કરવામાં આવ્યું કે, મારે દક્ષિણ આફ્રિકામાં સારવાર લેવા જવું, જ્યાં શાખામાં ભાઈઓએ મારી બહુ જ સંભાળ લીધી અને મને સારૂ થઈ ગયું. ઝાઇરમાં યાદગાર અને આનંદિત અનુભવોથી ભરેલાં આઠ વર્ષનો આનંદ માણ્યા પછી, ૧૯૮૯માં અમે દક્ષિણ આફ્રિકાની શાખામાં ગયા. પછી, ૧૯૯૮માં અમે અમારા દેશ પાછા ફર્યા અને ત્યારથી અમે કૅનેડાના બેથેલમાં સેવા કરી રહ્યા છીએ.

સેવા માટે આભારી

યહોવાહની સેવામાં ગાળેલા ૫૪ વર્ષ પર હું નજર કરું છું ત્યારે, મારી યુવાનીના વર્ષો તેમની સેવામાં પસાર કર્યા, એ માટે હું ખૂબ જ ખુશ છું. જોકે, એનને કપરા સંજોગો સહન કરવા પડ્યા છતાં, તેણે કદી કોઈ ફરિયાદ કરી નહિ, અને દરેક રીતે મને સાથ આપ્યો. અમે બંને મળીને ઘણા લોકોને યહોવાહ દેવ વિષે શીખવી શક્યા એ અમારો સુંદર લહાવો હતો. એમાંના ઘણા હવે પૂરા સમયના સેવકો છે. તેઓનાં અમુક બાળકો અને તેઓના પૌત્રપૌત્રીઓને આપણા મહાન દેવ, યહોવાહની સેવા કરતા જોવાથી ખરેખર ખૂબ જ આનંદ થાય છે!

મને પાક્કી ખાતરી થઈ છે કે, યહોવાહની સેવાના આશીર્વાદોની સરખામણીમાં આ જગતની બધી ચીજ ઝાંખી પડે છે. ખરૂં, અમે ઘણી કસોટીઓ સહન કરી, પણ એનાથી તો યહોવાહ દેવમાં અમારો ભરોસો વધ્યો. તે ખરેખર દુઃખના સમયમાં મદદ આપી બળ અને આશરો આપનાર બન્યા.

[ફુટનોટ]

^ ખ્રિસ્તીઓ વિરુદ્ધ ધર્મયુદ્ધ વિષય પરનું આ પુસ્તક મૂળ જર્મન ભાષામાં જ છપાયું હતું. પછી, એનું ફ્રેન્ચ અને પૉલિશમાં ભાષાંતર થયું, પણ અંગ્રેજીમાં નહિ.

[પાન ૨૬ પર ચિત્રો]

એનની સાથે ૧૯૪૭માં પાયોનિયર કાર્યમાં; અને આજે

[પાન ૨૯ પર ચિત્ર]

ઝાઇરમાંના લોકોને બાઇબલનું સત્ય ગમતું હતું