યહોવાહ વિલંબ કરશે નહિ
યહોવાહ વિલંબ કરશે નહિ
“જોકે તેને [સંદર્શનને] વિલંબ થાય, તોપણ તેની વાટ જો; કેમકે તે નક્કી આવશે, તે વિલંબ કરશે નહિ.”—હબાક્કૂક ૨:૩.
૧. યહોવાહના લોકોએ કયો નિર્ણય લીધો, અને એનાથી તેઓ શું કરવા પ્રેરાયા?
“હું મારી ચોકી પર ઊભો રહીશ,” યહોવાહના પ્રબોધક હબાક્કૂકનો આ નિર્ણય હતો. (હબાક્કૂક ૨:૧) વીસમી સદીના યહોવાહના લોકોએ પણ એવો જ નિર્ણય કર્યો. સપ્ટેમ્બર ૧૯૨૨ના એ યાદગાર મહાસંમેલનમાં તેઓએ જે સાંભળ્યું, એ તરત જ લાગુ પાડ્યું. તેઓને એક યાદગાર પ્રવચનમાં કહેવામાં આવ્યું: “આ મહાન દિવસ છે. જુઓ, રાજા રાજ કરે છે! તમે એ જાહેર કરનારા છો. તેથી, રાજા અને તેમના રાજ્યને જાહેર કરો, જાહેર કરો, જાહેર કરો.”
૨. અભિષિક્ત ખ્રિસ્તીઓ પહેલા વિશ્વ યુદ્ધ પછી શું કહી શક્યા?
૨ પહેલા વિશ્વ યુદ્ધ પછી, યહોવાહ દેવે વિશ્વાસુ અભિષિક્ત શેષભાગને પુષ્કળ કાર્ય સોંપ્યું. તેથી, હબાક્કૂકની જેમ તેઓમાંના સર્વ કહી શક્યા: “બુરજ પર ખડો રહીને જોયાં કરીશ કે તે મારી સાથે શું બોલે છે.” ‘જોવું’ અને ‘ચોકી કરવી’ માટેના હેબ્રી શબ્દો ઘણી ભવિષ્યવાણીમાં જોવા મળે છે.
“તે વિલંબ કરશે નહિ”
૩. શા માટે આપણે જાગતા રહેવું જ જોઈએ?
૩ યહોવાહના સાક્ષીઓ દેવના ન્યાયદંડ વિષે જણાવે છે તેમ, તેઓ ઈસુની ભવિષ્યવાણીના શબ્દો પાળવા સદા તૈયાર રહે છે: “તમે જાગતા રહો; કેમકે તમે જાણતા નથી કે ઘરનો ધણી ક્યારે આવશે, સાંજે, કે મધરાતે, કે મરઘો બોલતી વખતે, કે સવારે; રખેને તે અચાનક આવીને તમને ઊંઘતા જુએ. અને જે હું તમને કહું છું તે સર્વને કહું છું, કે જાગતા રહો.” (માર્ક ૧૩:૩૫-૩૭) હબાક્કૂક જેવા બનવા, અને ઈસુના શબ્દો પાળવા આપણે પણ જાગતા રહેવું જ જોઈએ!
૪. કઈ રીતે આપણી સ્થિતિ હબાક્કૂક જેવી જ છે?
૪ હબાક્કૂકે લગભગ ૬૨૮ બી.સી.ઈ.માં પોતાનું પુસ્તક પૂરું કર્યું હોય શકે, જ્યારે બાબેલોન હજુ જગત સત્તા બન્યું પણ ન હતું. ઘણાં વર્ષો સુધી ધર્મભ્રષ્ટ યરૂશાલેમ વિરૂદ્ધ યહોવાહનો ન્યાયદંડ જાહેર કરવામાં આવ્યો. છતાં, સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું ન હતું કે, એનો અમલ ક્યારે થશે. કોને ખબર હતી કે ફક્ત ૨૧ વર્ષમાં જ યહોવાહ બાબેલોનનો ઉપયોગ કરી તેઓનો ન્યાય કરશે? એમ જ, આજે આપણે પણ આ જગતના અંતનો ‘દહાડો તથા ઘડી’ જાણતા નથી. પરંતુ, ઈસુએ ચેતવણી આપી: “તમે પણ તૈયાર રહો; કેમકે જે ઘડીએ તમે ધારતા નથી તેજ ઘડીએ માણસનો દીકરો આવશે.”—માત્થી ૨૪: ૩૬, ૪૪.
૫. હબાક્કૂક ૨:૨, ૩માંના યહોવાહના શબ્દો કયું ઉત્તેજન આપે છે?
૫ યહોવાહે હબાક્કૂકને હેતુસર મહત્ત્વનું કાર્ય સોંપ્યું: “સંદર્શન લખ, ને તેને પાટીઓ પર એવું સ્પષ્ટ લખ કે જે તે વાંચે તે દોડે. કેમકે એ સંદર્શન હજી નીમેલા વખતને માટે છે, કેમકે તે પૂર્ણ થવાને તલપાપડ કરી રહ્યું છે, તે ખોટું પડશે નહિ; જોકે તેને વિલંબ થાય, તોપણ તેની વાટ જો; કેમકે તે નક્કી આવશે, તે વિલંબ કરશે નહિ.” (હબાક્કૂક ૨:૨, ૩) આજે, આખી પૃથ્વી પર દુષ્ટતા અને હિંસા વધતી જ જઈ રહી છે. એ બતાવે છે કે “યહોવાહનો મોટો તથા ભયંકર દિવસ” બારણે આવી ઊભો છે. (યોએલ ૨:૩૧) “તે વિલંબ કરશે નહિ,” યહોવાહના એ શબ્દો કેટલા ઉત્તેજન આપનારા છે!
૬. આપણે કઈ રીતે દેવના ન્યાયના દિવસે બચી શકીએ?
૬ જોકે, આપણે દેવના ન્યાયના દિવસે કઈ રીતે બચી શકીએ? યહોવાહ એનો જવાબ ન્યાયી અને અન્યાયી વચ્ચેનો તફાવત બતાવીને આપે છે: “જુઓ, તેનું મન ગર્વિષ્ઠ થયું છે. તેની અંદર સરળતા નથી; પણ ન્યાયી પોતાના વિશ્વાસથી જીવશે.” (હબાક્કૂક ૨:૪) અન્યાયીઓ એટલે કે ઘમંડી અને લોભી શાસકો તથા લોકોએ આજે બે વિશ્વ યુદ્ધો સહિત, લડાઈઓમાં લાખો લોકોના લોહીની નદીઓ વહેવડાવી છે. પરંતુ, બીજી બાજુ ન્યાયીઓ એટલે કે શાંતિ ચાહનારા દેવના અભિષિક્ત સેવકો વિશ્વાસથી ટકી રહેશે. તેઓ “સત્યનું પાલન કરનારી ન્યાયી પ્રજા” છે. એ પ્રજા અને એના સંગાથી, “બીજાં ઘેટાં” આ સલાહને અનુસરે છે: “યહોવાહ પર સદા ભરોસો રાખો; કેમકે યહોવાહ દેવ સનાતન ખડક છે.”—યશાયાહ ૨૬:૨-૪; યોહાન ૧૦:૧૬.
૭. પાઊલે ઉલ્લેખ કરેલા હબાક્કૂક ૨:૪ પ્રમાણે, આપણે શું કરવું જોઈએ?
૭ હબાક્કૂક ૨:૪માં યહોવાહના લોકોને જે કહેવામાં આવ્યું હતું, એનો ઉલ્લેખ કરીને, પ્રેરિત પાઊલે હેબ્રી ખ્રિસ્તીઓને લખ્યું: “કેમકે દેવની ઇચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને વચનનું ફળ મળે, માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે. કેમકે જે આવવાનો છે. તે છેક થોડીવારમાં આવશે, તે વિલંબ કરશે નહિ. પણ મારો ન્યાયી સેવક વિશ્વાસથી જીવશે; જો તે પાછો હઠે, તો તેનામાં મારા જીવને આનંદ થશે નહિ.” (હેબ્રી ૧૦:૩૬-૩૮) હમણાં કંઈ પગ પર પગ ચડાવીને બેસી રહેવાનો સમય નથી. તેમ જ, શેતાનના આ જગતના ધનદોલત, મોજશોખ અને એશઆરામી પાછળ પડી જવાનો સમય પણ નથી. તેથી, આ “થોડીવાર” પૂરી થાય ત્યાં સુધી આપણે શું કરવું જોઈએ? પાઊલની જેમ, યહોવાહના પવિત્ર રાષ્ટ્ર તરીકે ‘જે આગળ છે તેની તરફ લક્ષ રાખીને ઇનામ મેળવવા આગળ’ વધવું જોઈએ, જે ઇનામ અનંતજીવન છે. (ફિલિપી ૩:૧૩, ૧૪, સરળ ભાષાનું બાઇબલ.) તેમ જ, ઈસુની જેમ ‘આપણી આગળ મૂકેલા આનંદના લીધે સહન’ કરીએ.—હેબ્રી ૧૨:૨.
૮. હબાક્કૂક ૨:૫નો ‘મગરૂર’ માણસ કોણ છે, અને શા માટે તે નિષ્ફળ જશે?
૮ બીજી બાજુ, હબાક્કૂક ૨:૫ એવા “મગરૂર” માણસનું વર્ણન કરે છે, જે યહોવાહના ભક્તો જેવો નથી. જોકે, તે “પોતાની લાલસા વધારીને શેઓલ જેવી કરે છે,” છતાં સફળ થશે નહિ. તે કોણ છે જે “તૃપ્ત થઈ શકતો નથી”? હબાક્કૂકના સમયના લોભી બાબેલોનની જેમ, આ જૂથ જેવો ‘માણસ’ સર્વ પ્રકારની સરકારોને રજૂ કરે છે. એમાં ફાશીવાદી, નાઝીવાદી, સમાજવાદી, અથવા કહેવાતી લોકશાહી સરકારોનો સમાવેશ થાય છે. તે લોભી બની પોતાનો દેશ વધારવા લડે છે. એ ‘માણસ’ નિર્દોષ લોકોને મારીને કબરો ભરે છે. પરંતુ, શેતાનના જગતનો આ કપટી ‘માણસ’ પોતાના અભિમાનથી પીધેલો થયો છે. તે ‘સર્વ દેશના લોકોને પોતાની પાસે ભેગા કરીને, સર્વ પ્રજાઓના પોતાની પાસે ઢગલા વાળવામાં’ સફળ થતો નથી. ફક્ત યહોવાહ દેવ જ સર્વ લોકોને ભેગા કરી શકે, અને તે મસીહી રાજ્યથી એ જરૂર કરશે.—માત્થી ૬:૯, ૧૦.
પાંચ અફસોસમાંનો પહેલો
૯, ૧૦. (ક) યહોવાહ હબાક્કૂક દ્વારા શું જાહેર કરે છે? (ખ) આજે લોકો કઈ રીતે પારકું ધન પડાવે છે?
૯ યહોવાહ હબાક્કૂક દ્વારા પાંચ અફસોસ, આવનાર ન્યાયદંડ જાહેર કરે છે. એ બધા ન્યાયદંડ આવશે પછી જ, પૃથ્વી દેવના વિશ્વાસુ ભક્તો માટે તૈયાર થઈ શકશે. એ ન્યાયી ભક્તો યહોવાહે કહેલાં ‘મહેણાં મારશે’. આપણે હબાક્કૂક ૨:૬માં વાંચીએ છીએ: “જે પોતાનું નથી તેનો સંગ્રહ કરનારને અફસોસ! ક્યાં સુધી? તે તો હડપોથી પોતાને લાદે છે!”
૧૦ અહીં પારકું ધન પડાવી લેવા વિષે વાત થાય છે. આજે, જગતમાં ધનવાનો વધારે ધનવાન અને ગરીબો વધારે ગરીબ બનતા જાય છે. ડ્રગ્સના વેપારીઓ અને ધુતારાઓ કાળાધોળા કરીને એટલું કમાય છે કે તેઓની સાત પેઢી બેસીને ખાય શકે. બીજી બાજુ, જગતની વસ્તીનો ચોથો ભાગ એટલો ગરીબ છે કે તેઓને એક ટંક પૂરતુ ખાવા પણ મળતું નથી. ઘણા દેશોમાં લોકો સાવ કંગાળ હાલતમાં જીવે છે. તેથી, પૃથ્વી પર ન્યાયની ઝંખના રાખનારા પોકારી ઊઠે છે: “ક્યાં સુધી” આ અન્યાય ચાલતો રહેશે! જોકે, એનો અંત દૂર નથી! ખરેખર, આ સંદર્શન “વિલંબ કરશે નહિ.”
૧૧. હબાક્કૂક મનુષ્યોના રક્તપાત વિષે શું કહે છે, અને આજે ઘણો જ રક્તદોષ છે એમ શા માટે કહી શકાય?
૧૧ પ્રબોધક હબાક્કૂક દુષ્ટ જનને કહે છે: “તેં ઘણા દેશોના લોકોને લૂંટ્યા છે, તે માટે તે પ્રજાઓના બાકી રહેલા સર્વ તને લૂંટશે; માણસોના રક્તપાતને લીધે, અને દેશ પર, નગર પર તથા તેના સર્વ રહેવાસીઓ ઉપર ગુજારેલા ગજબને લીધે એ પ્રમાણે થશે.” (હબાક્કૂક ૨:૮) આજે આખી પૃથ્વી પર કેટલો બધો રક્તદોષ જોવા મળે છે! ઈસુએ જણાવ્યું: “જેટલા તરવાર પકડે છે તેઓ સર્વ તરવારથી નાશ પામશે.” (માત્થી ૨૬:૫૨) તોપણ, આ ૨૦મી સદીમાં જ, લોહી તરસ્યા દેશો અને જાતિઓ કરોડો મનુષ્યોની કતલ માટે જવાબદાર છે. આ રક્તદોષમાં ભાગ લેનારાઓને અફસોસ!
બીજો અફસોસ
૧૨. હબાક્કૂકે જણાવેલો બીજો અફસોસ શું છે, અને અન્યાયથી મેળવેલો પૈસો શા માટે કંઈ કામ આવશે નહિ?
૧૨ હબાક્કૂક ૨:૯-૧૧માં બીજો અફસોસ નોંધેલો છે. જે કહે છે: “હાનિના પંજામાંથી ઉગરવાને સારૂ, પોતાનો માળો ઊંચે બાંધવાને સારૂ, પોતાના કુટુંબને માટે જે અન્યાયથી દ્રવ્ય મેળવે છે તેને અફસોસ!” ગીતશાસ્ત્રના લેખક કહે છે તેમ, અન્યાયથી મેળવેલો પૈસો કંઈ કામ આવવાનો નથી: “જ્યારે કોઈ ધનવાન થાય છે, જ્યારે તેના ઘરનો વૈભવ વધી જાય છે, ત્યારે તું ગભરાતો નહિ; કેમકે તે મરી જશે ત્યારે તે પોતાની સાથે કંઈ લઈ જવાનો નથી; તેનો વૈભવ તેની પાછળ જવાનો નથી.” (ગીતશાસ્ત્ર ૪૯: ૧૬, ૧૭) તેથી, પાઊલ શાણી સલાહ આપે છે: “આ સમયના ધનવાનોને તું આગ્રહપૂર્વક કહે, કે તેઓ અહંકાર ન કરે, અને દ્રવ્યની અસ્થિરતા પર નહિ, પણ જે દેવ આપણા ઉપભોગને સારૂ ઉદારતાથી સર્વ આપે છે તેના પર આશા રાખે.”—૧ તીમોથી ૬:૧૭.
૧૩. શા માટે આપણે દેવની ચેતવણી જણાવતા રહેવું જોઈએ?
૧૩ દેવના આવનાર ન્યાયદંડ વિષે લોકોને જણાવવું આજે કેટલું બધુ મહત્ત્વનું છે! ઈસુ યરૂશાલેમમાં આવી રહ્યા હતા ત્યારે, લોકોએ સ્વાગત કરતા કહ્યું કે ‘પ્રભુને નામે રાજા આવે છે.’ પરંતુ, ફરોશીઓએ વાંધો ઉઠાવ્યો ત્યારે, ઈસુએ કહ્યું: “હું તમને કહું છું કે જો એઓ છાના રહેશે તો પથરા પોકારી ઊઠશે.” (લુક ૧૯:૩૮-૪૦) એ જ રીતે, આજે દેવના લોકો જગતની દુષ્ટતા ખુલ્લી પાડવામાં નિષ્ફળ જશે તો, “ભીંતમાંથી પથ્થર બૂમ પાડશે.” (હબાક્કૂક ૨:૧૧) તેથી, ચાલો આપણે હિંમતથી દેવની ચેતવણી જાહેર કરતા રહીએ!
ત્રીજો અફસોસ અને રક્તદોષ
૧૪. જગતના ધર્મો શાને માટે રક્તદોષી છે?
૧૪ હબાક્કૂકે જણાવેલો ત્રીજો અફસોસ રક્તદોષ વિષે છે. હબાક્કૂક ૨:૧૨ કહે છે: “જે જન રક્તપાત કરીને નગર બાંધે છે, ને અન્યાયથી નગર વસાવે છે તેને અફસોસ!” હા, આજે આખી દુનિયા અન્યાયના કારણે લોહીના દરિયામાં ડૂબતી જઈ રહી છે. ખરું જોતા, આ લોહી ભરેલા ઇતિહાસ માટે, મોટે ભાગે દુનિયાના ધર્મો જવાબદાર છે. ફક્ત થોડાં જ ઉદાહરણોનો વિચાર કરો. કહેવાતા ખ્રિસ્તીઓ અને મુસલમાનો વચ્ચે થયેલાં ધર્મયુદ્ધો; સ્પેન અને લૅટિન અમેરિકામાંની રિબામણી કરતી કૅથલિક ન્યાયસભાઓ; પ્રોટેસ્ટંટ અને કૅથલિકો વચ્ચે ત્રીસ વર્ષ ચાલેલું યુરોપનું યુદ્ધ; અને આપણી સદીના બે મહા યુદ્ધો, જે બંને ખ્રિસ્તીરાષ્ટ્રમાંથી શરૂ થયાં.
૧૫. (ક) ચર્ચની મદદથી કે સંમતિથી દેશો શું કરવાનું ચાલુ રાખે છે? (ખ) શું યુનાઈટેડ નેશન્સ વધતા જતા હથિયારો અટકાવી શકે?
૧૫ બીજા વિશ્વ યુદ્ધની સૌથી દુષ્ટ બાબત નાઝીઓએ કરેલી કતલ હતી. એમાં લાખો યહુદીઓ અને બીજા નિર્દોષ લોકો માર્યા ગયા. જોકે, ફ્રાંસમાંના રોમન કૅથલિક પાદરીઓ હવે કબૂલે છે કે, લાખો લોકોને નાઝીઓએ રિબાવી રિબાવીને મારી નાખ્યા ત્યારે, ચર્ચોએ એનો જરાય વિરોધ કર્યો નહિ. છતાં, આજે પણ દેશો લોહી તરસ્યા છે, અને ચર્ચો હજુ પણ તેઓને ટેકો આપે છે, કે હામાં હા ભણે છે. તાજેતરમાં જ, રશિયાના ઑર્થોડૉક્સ ચર્ચ વિષે ટાઈમ સામયિકે (આંતરરાષ્ટ્રીય આવૃત્તિમાં) કહ્યું: “એ ચર્ચ એવી બાબતોમાં માથું મારે છે, જેનો થોડાં વર્ષો પહેલાં વિચાર પણ કર્યો ન હોત, જે છે રશિયાના યુદ્ધનાં સાધનો. . . . યુદ્ધનાં વિમાનો અને હથિયારોને આશીર્વાદ આપવું તો જાણે રોજનું થઈ ગયું છે. નવેમ્બરમાં, રશિયન ચર્ચે એક પગલું આગળ ભર્યું, અને રશિયાનાં અણુ હથિયારોને આશીર્વાદ આપ્યો. આ બનાવ મોસ્કોના દાનીલોવસ્કી આશ્રમમાં બન્યો કે જે રશિયન ચર્ચનું મુખ્ય સ્થાન છે.” આ જગત પર સવાર થયેલા વિનાશક હથિયારોના ભૂતને શું યુનાઈટેડ નેશન્સ રોકી શકે છે? ના! શાંતિ માટે નોબલ ઇનામ જીતેલા એક વ્યક્તિ, લંડનના ધ ગાર્ડિયન સમાચારપત્રમાં જણાવે છે: “ખરેખર મોટી ચિંતા તો એ છે કે, યુએનની સલામતી સમિતિના પાંચ કાયમી સભ્યો પોતે જ દુનિયામાં સૌથી વધારે હથિયારો વેચનારા છે.”
૧૬. લડાઈમાં ડૂબેલા દેશોનું યહોવાહ શું કરશે?
૧૬ લડાઈમાં ડૂબેલા દેશો પર શું યહોવાહ ન્યાયદંડ નહિ લાવે? હબાક્કૂક ૨:૧૩ બતાવે છે: “લોકો અગ્નિને સારૂ શ્રમ કરે છે, ને લોકો નજીવી બાબતોને સારૂ તૂટી મરે છે, તે શું સૈન્યોના યહોવાહની આજ્ઞાથી નથી થતું?” ‘સૈન્યોના યહોવાહ’! હા, યહોવાહ દેવ પાસે સ્વર્ગદૂતોની સેના છે. યહોવાહ તેઓનો ઉપયોગ કરીને લડાઈમાં ડૂબેલા લોકો અને દેશોનો નાશ કરશે.
૧૭. ખૂની દેશોનો નાશ કર્યા પછી, યહોવાહના જ્ઞાનથી પૃથ્વી કેટલી હદ સુધી ભરાઈ જશે?
૧૭ યહોવાહ દેવ એ ખૂની દેશોનો નાશ કરશે, પછી શું બનશે? હબાક્કૂક ૨:૧૪ જવાબ આપે છે: “જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તેમ યહોવાહના મહિમાના જ્ઞાનથી પૃથ્વી ભરપૂર થઈ જશે.” ખરેખર, એ કેવું સુંદર ભાવિ હશે! આર્માગેદનમાં, યહોવાહ દેવની સર્વોપરિતા હંમેશ માટે દોષમુક્ત થશે. (પ્રકટીકરણ ૧૬:૧૬) યહોવાહ દેવ આપણને ખાતરી આપે છે કે, તે ‘તેમના પગોનું ઠેકાણું મહિમાવાન’ કરશે. (યશાયાહ ૬૦:૧૩) પછી, સર્વ મનુષ્યો યહોવાહના મહાન હેતુઓ વિષે શીખશે. જેથી, સમુદ્ર પાણીથી ભરપૂર છે તેમ, આખી પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થાય.
ચોથો અને પાંચમો અફસોસ
૧૮. હબાક્કૂકે કયો ચોથો અફસોસ જણાવ્યો, અને આજનું જગત કઈ રીતે એવું જ છે?
૧૮ હબાક્કૂક ૨:૧૫માં ચોથો અફસોસ જોવા મળે છે: “તું પોતાના પડોશીને મદ્ય પાય છે અને તેની નગ્નતા જોવા સારૂ ઝેર ઉમેરીને તેને છાકટો પણ બનાવે છે, તે તને અફસોસ!” આ આજના જગતની હાલતનું સ્પષ્ટ વર્ણન કરે છે. એમાં આજે કોઈ નીતિનિયમ રહ્યા નથી. અરે ઘણા ધર્મોએ પણ એ ચાલવા દેવા ‘નવા નિયમ’ બનાવ્યા છે. એ કારણે આજે આપણે બધે જ એઈડ્સ અને એવા જાતીયતાથી ફેલાતા ઘણા રોગો જોઈએ છીએ. ‘યહોવાહના મહિમામાં’ વધવાને બદલે, આજના સ્વાર્થી લોકો વધારેને વધારે ખરાબ થતા જાય છે, અને પૂરઝડપે યહોવાહના ન્યાયદંડ તરફ વધતા જાય છે. આ અધર્મી જગત “કીર્તિને બદલે લજ્જાથી ભરપૂર છે.” તેથી, તેઓએ યહોવાહના કોપનો પ્યાલો પીવો પડશે, જે તેમનો ન્યાયદંડ છે. એનાથી તેઓની “કીર્તિને ભારે કલંક લાગશે.”—હબાક્કૂક ૨:૧૬.
૧૯. પાંચમા અફસોસની શરૂઆત શાને વિષે છે, અને આજે એ શબ્દોનો શું અર્થ થાય છે?
૧૯ પાંચમા અફસોસની શરૂઆત મૂર્તિઓની ઉપાસના વિરુદ્ધ કડક ચેતવણીથી થાય છે. યહોવાહ પ્રબોધકને આ શબ્દો કહેવા પ્રેરે છે: “જે જન લાકડાને કહે છે, કે જાગ; તથા મૂંગા પથ્થરને કહે છે, કે ઊઠ, તેને અફસોસ! એ શું શીખવી શકે? જુઓ, તે તો સોનારૂપાથી મઢેલું છે, ને તેની અંદર શ્વાસ બિલકુલ નથી.” (હબાક્કૂક ૨:૧૯) આજે પણ આખા જગતમાં કહેવાતા ખ્રિસ્તીઓ હોય કે બીજા કોઈ ધર્મના લોકો હોય, તેઓ ક્રોસની, મરિયમની, માનવ અને પશુની મૂર્તિઓની ભક્તિ કરે છે. યહોવાહ પોતાનો ન્યાયદંડ લાવશે ત્યારે, એ મૂર્તિઓમાંની એક પણ પોતાના ભક્તોને બચાવી શકશે નહિ. મૂર્તિને મઢેલું સર્વ સોનું ચાંદી જીવંત યહોવાહ દેવ અને તેમની જીવંત ઉત્પત્તિના મહિમાની સરખામણીમાં કંઈ જ નથી. તેથી, ચાલો આપણે સર્વ અજોડ યહોવાહ દેવને મહિમા આપીએ!
૨૦. આપણને કેવી ગોઠવણમાં યહોવાહની ભક્તિ આનંદથી કરવાની તક મળી છે?
૨૦ ખરેખર, આપણા દેવ યહોવાહ જ સર્વ મહિમાને યોગ્ય છે. તેથી, આપણે તેમનામાં ઊંડી શ્રદ્ધા રાખીને, મૂર્તિપૂજા વિરુદ્ધ આપેલી કડક ચેતવણી પાળીએ. પરંતુ સાંભળો, યહોવાહ આગળ કહે છે: “યહોવાહ પોતાના પવિત્ર મંદિરમાં છે; આખી પૃથ્વી તેની આગળ ચૂપ રહો.” (હબાક્કૂક ૨:૨૦) ખરું કે, અહીં યરૂશાલેમના મંદિર વિષે વાત કરવામાં આવી છે. છતાં, આપણને એનાથી વધારે મહાન મંદિર જેવી ગોઠવણમાં ઉપાસના કરવાની તક છે, જેના પ્રમુખ યાજક પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. યહોવાહના ભવ્ય નામને આદર આપવા, એ મંદિરના આંગણામાં, એટલે કે, પૃથ્વી પર આપણે ભેગા મળીને પ્રાર્થના અને ભક્તિ કરીએ છીએ. આપણા પ્રેમાળ દેવની પૂરા દિલથી ભક્તિ કરવાનો કેવો મોટો આનંદ આપણને મળ્યો છે!
શું તમને યાદ છે?
• “તે વિલંબ કરશે નહિ,” યહોવાહના આ શબ્દોનો તમારા માટે શું અર્થ થાય?
• હબાક્કૂક દ્વારા જાહેર થયેલા અફસોસનું આજે શું મહત્ત્વ છે?
• શા માટે આપણે યહોવાહની ચેતવણી જણાવતા રહેવું જોઈએ?
• આપણને કેવી ગોઠવણમાં યહોવાહની ભક્તિ કરવાની તક છે?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૫ પર ચિત્રો]
હબાક્કૂકની જેમ, આજે યહોવાહના ભક્તો જાણે છે કે યહોવાહ વિલંબ કરશે નહિ
[પાન ૧૮ પર ચિત્રો]
શું તમે યહોવાહની ભક્તિ કરવાનો આનંદ માણો છો?
[પાન ૧૬ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
U.S. Army photo