સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નાનું શરીર, મોટું હૃદય

નાનું શરીર, મોટું હૃદય

નાનું શરીર, મોટું હૃદય

તમારી ઊંચાઈ ત્રીસ જ ઈંચની હોય તો, અજાણ્યા લોકો સાથે દેવના રાજ્ય વિષે વાત કરવામાં તમે કેવું અનુભવશો? લારા તમને જણાવી શકે. તેત્રીસ વર્ષની ઉંમરે, તેની ઊંચાઈ ફક્ત ૩૦ ઈંચ છે. તે અને તેની ૨૪ વર્ષની, ૩૪ ઈંચ ઊંચી બહેન મારિયા, કિટો, એક્વાડૉરમાં રહે છે. ચાલો તેઓના ખ્રિસ્તી સેવાકાર્યમાં તેઓ જે નડતરોનો સામનો કરે છે એ વિષે તેઓને જ કહેવા દઈએ.

“અમારા ખ્રિસ્તી પ્રચાર વિસ્તાર અને ખ્રિસ્તી સભાઓમાં પહોંચવા માટે, બસ પકડવા અમે લગભગ અડધો કિલોમીટર ચાલીએ છીએ. બસ અમને જ્યાં ઉતારે છે ત્યાંથી બીજી બસ પકડવા અમે ફરી બીજો અડધો કિલોમીટર ચાલીએ છીએ. દુકાળમાં અધિક માસ આવી જાય તેમ, એ રસ્તે પાંચ વિકરાળ કૂતરાઓ છે. કૂતરાઓની અમને ખૂબ બીક લાગે છે કારણ કે એઓ અમને મોટા ઘોડા જેવા લાગે છે. એઓથી બચવા માટે, અમે અમારી સાથે લાકડી રાખીએ છીએ, અમે બસમાં ચઢીએ એ પહેલાં, એ લાકડીને રોડની નજીક ક્યાંક સંતાડી દઈએ છીએ. જેથી ઘરે પાછા ફરતી વખતે એ અમારા હાથમાં હોય.

“બસમાં ચઢવાનાં પગથિયા અમારા માટે ખૂબ જ ઊંચાં છે. અમે બસમાં સહેલાઈથી ચઢવા માટે બસ સ્ટેન્ડે માટીના ટેકરાની ટોચ પર ઊભા રહીએ છીએ. ઘણા ડ્રાયવરો ટેકરા પાસે બસ લઈ આવે છે જ્યારે ઘણા નથી લાવતા. એ સમયે, અમારા બંનેમાં મારિયા ઊંચી હોવાથી તે મને બસમાં ચઢવામાં મદદ કરે છે. બીજી બસ પકડવા માટે અમારે ગીચ હાઈવે પાર કરવો પડે છે—તેથી અમારા નાના પગોને ચાલવામાં ખૂબ તકલીફ પડે છે. અમારા ઠીંગણાં શરીરોને કારણે, પુસ્તકોથી ભરેલી બેગો ઊંચકવી એ પણ વધારાનો પડકાર છે. બેગોને હલકી બનાવવા માટે, અમે નાના-કદનું બાઇબલ અને અમે ઊંચકી શકીએ એટલું જ સાહિત્ય રાખીએ છીએ.

“અમે બાળપણથી જ ખૂબ અતડા છીએ. એ કારણે અમારા પડોશીઓ જાણે છે કે અજાણ્યાઓ સાથે વાત કરવામાં અમને ડર લાગે છે. તેથી અમે જ્યારે તેઓના દરવાજાઓને ખખડાવીએ છીએ ત્યારે તેઓ આશ્ચર્ય પામે છે અને પ્રભાવિત થઈને અમારું સાંભળે છે. પરંતુ જ્યાં અમને કોઈ ઓળખતું નથી ત્યાં લોકો હંમેશા અમને ઠીંગણા તરીકે જ જુએ છે; તેથી આપણા આ મહત્ત્વના સંદેશા પ્રત્યે તેઓ વધુ ધ્યાન આપતા નથી અને તેઓ અમારું વધુ સાંભળતા નથી. છતાં, યહોવાહનો પ્રેમ, સુવાર્તાનું કામ ચાલુ રાખવા અમારાં હૃદયોને પ્રેરણા આપે છે. નીતિવચન ૩:૫, ૬ પર મનન કરવાથી પણ અમને હિંમત મળે છે.”

લારા અને મારિયા બતાવે છે તેમ, શારીરિક નડતરો હોવા છતાં દેવના રાજ્યને જાહેર કરવામાં મંડ્યા રહેવું દેવને મહિમા આપી શકે છે. પ્રેષિત પાઊલે પ્રાર્થના કરી કે તેમના “દેહમાં કાંટો,” કે જે શક્યપણે શારીરિક પીડા છે એને દૂર કરવામાં આવે. પરંતુ દેવે તેમને જણાવ્યું: “તારે વાસ્તે મારી કૃપા બસ છે; કેમકે મારૂં સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે.” હા, દેવની સેવા કરવા માટે શારીરિક અપંગતાને દૂર કરવાની જરૂર નથી. દેવ પર પૂરો ભરોસો આપણા સંજોગોનો સૌથી સારો ઉપયોગ કરવામાં આપણને મદદ કરી શકે. કારણ કે પાઊલે પોતાના ‘દેહના કાંટાʼને આ રીતે જોયો, અને તે કહી શક્યા: “હું નિર્બળ છું, ત્યારે હું બળવાન છું.” (૨ કોરીંથી ૧૨:૭, ૯, ૧૦) કેટલાંક વર્ષો પછી પાઊલે લખ્યું: “જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું.”—ફિલિપી ૪:૧૩.

આધુનિક સમયમાં, દેવ પૂરેપૂરા સમર્પિત પુરુષો, સ્ત્રીઓ અને બાળકો દ્વારા શક્તિશાળી કાર્યો પૂરાં કરે છે. તેઓમાંના ઘણા કોઈને કોઈ રીતે અપંગ છે. તેઓમાંના બધા દેવના રાજ્ય હેઠળ દૈવી સાજાપણાની આશા રાખે છે, છતાં પણ, દેવ તેઓની સમસ્યાઓને હલ કરે ત્યાં સુધી રાહ જોવાને બદલે, તેઓ હમણાં દેવની સેવામાં પોતાનાથી બનતું બધુ જ કરવા પ્રયત્ન કરે છે.

શું તમે કોઈ શારીરિક અપંગતાથી પીડાવ છો? હિંમત રાખો! તમારા વિશ્વાસ દ્વારા તમે પાઊલ, લારા અને મારિયા જેવા લોકોની મધ્યે હોય શકો. પ્રાચીન સમયમાં વિશ્વાસુ પુરુષો અને સ્ત્રીઓના કિસ્સામાં કહેવામાં આવ્યું હતું તેમ તેઓ માટે એમ કહી શકાય કે: “નિર્બળતામાંથી [તેઓ] સબળ થયા.”—હેબ્રી ૧૧:૩૪.

[પાન ૮ પર ચિત્ર]

મારિયા

લારા

[પાન ૯ પર ચિત્ર]

મારિયા લારાને બસમાં ચઢવામાં મદદ કરે છે

[પાન ૯ પર ચિત્રો]

“કૂતરાઓની અમને ખૂબ બીક લાગે છે, કારણ કે એઓ અમને મોટા ઘોડા જેવા લાગે છે”

નીચે: લારા અને મારિયા, પોતાના અગાઉના બાઇબલ વિદ્યાર્થીઓ સાથે