સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માન આપવું—સાચા ખ્રિસ્તીઓની ફરજ

માન આપવું—સાચા ખ્રિસ્તીઓની ફરજ

માન આપવુંસાચા ખ્રિસ્તીઓની ફરજ

ઉચ્ચ પદવીવાળી કોઈ વ્યક્તિ તરફ ખાસ ધ્યાન આપવું કે તેને માન આપવામાં તેના ગુણો, સિદ્ધિઓ, પદવી, સ્થાન કે તેની સત્તાનો સ્વીકાર કરવો એ બધું સમાયેલું છે. આ રીતે તેને આદર આપવામાં આવે છે. બાઇબલ જે મૂળ ભાષામાં લખાયું હતું એમાં પણ આના સંબંધિત શબ્દો મળી આવે છે, જેનો અર્થ પણ બીજાઓને માન આપવું કે હિતકર ભય બતાવવો થાય છે. શાસ્ત્રવચનો સ્પષ્ટ રીતે જણાવે છે કે માન આપવું એ ખ્રિસ્તીઓની ફરજ છે. પરંતુ કોને માન આપવું જોઈએ?

યહોવાહને માન આપવું

યહોવાહ દેવ આપણા ઉત્પન્‍નકર્તા હોવાથી પોતે સૃષ્ટ કરેલા દરેક સર્જન પાસેથી સૌથી વધુ માન અને ઊંડો આદર મેળવવાને યોગ્ય છે. (પ્રકટીકરણ ૪:૧૧) આ માટે આપણે તેમને વફાદારીપૂર્વક આજ્ઞાધીન રહેવું જોઈએ. આ આજ્ઞાધીનતા તેમના પ્રત્યેના પ્રેમ પર આધારિત હોવી જોઈએ. આમ, આપણા માટે દેવે જે કર્યું છે એની આપણે કદર બતાવવી જ જોઈએ. (૧ યોહાન ૫:૩) યહોવાહે ઈસ્રાએલ રાષ્ટ્રને પૂછ્યું હતું કે “જો હું પિતા હોઉં, તો મારૂં સન્માન ક્યાં છે? અને જો હું ધણી હોઉં, તો મારો ડર ક્યાં છે?” આ બાબત દર્શાવે છે કે યહોવાહ પ્રત્યે આદરપૂર્ણ માન બતાવવામાં તેમને નાખુશ કરવાનો દૈવી, હિતકર ભય પણ સમાયેલો છે.—માલાખી ૧:૬.

પ્રમુખયાજક એલીના દીકરા હોફની તથા ફીનહાસે આવો દૈવી ભય રાખ્યો ન હતો. પોતાના મહાન શિક્ષક યહોવાહના નિયમોનું ઉલ્લંઘન કરીને તેઓ યહોવાહની ઉપાસનાના મંડપમાંથી, બલિદાન કરેલા પ્રાણીઓનો સૌથી સારો ભાગ ઝૂંટવી લેતા હતા. ઉત્પન્‍નકર્તા માટે જે યોગ્ય હોય એને પોતાના માટે લઈ લેવું એ પવિત્ર વસ્તુઓ પ્રત્યેનો અનાદર સૂચવે છે. એલી પણ પોતાના પુત્રો વિરુદ્ધ નક્કર પગલાં લેવામાં નિષ્ફળ જાય છે અને પોતાના પુત્રોને યહોવાહ કરતાં વધુ આદર આપે છે. છેવટે, યહોવાહને જે માન મળવું જોઈએ એ બતાવવામાં નિષ્ફળ જવાથી એલીના કુટુંબે ભયાનક પરિણામો ભોગવવાં પડે છે.—૧ શમૂએલ ૨:૧૨-૧૭, ૨૭-૨૯; ૪:૧૧, ૧૮-૨૧.

યહોવાહ દેવ પ્રત્યે વફાદારીપૂર્વકની આજ્ઞાધીનતા અને આદરપૂર્ણ ભય બતાવવાનો બીજો એક માર્ગ છે આપણી ભૌતિક માલમિલકત. આપણે નીતિવચન ૩:૯માં વાંચીએ છીએ: “તારા દ્રવ્યથી . . . યહોવાહનું સન્માન કર.” વ્યક્તિના સમય, શક્તિ અને ભૌતિક સંપત્તિનો પણ યહોવાહની ઉપાસના આગળ વધારવા માટે ઉપયોગ થઈ શકે છે.

દેવના પ્રાચીન અને આધુનિક સમયના પ્રતિનિધિઓને માન

પ્રબોધકો યહોવાહના પ્રવક્તાઓ હોવાથી માનને લાયક હતા. પરંતુ તેઓને માન આપવાને બદલે ઈસ્રાએલીઓએ મૌખિક અને શારીરિક રીતે તેઓ પર અત્યાચાર કર્યો. એટલું જ નહિ, તેઓમાંના કેટલાકને મારી પણ નાખ્યા. યહોવાહના પ્રતિનિધિઓ પ્રત્યેનો ઈસ્રાએલીઓનો અનાદર એની પરાકાષ્ઠાએ પહોંચ્યો જ્યારે તેઓએ દેવના પુત્રને મારી નાખ્યો. ઈસુએ કહ્યું હતું: “દીકરાને જે માન નથી આપતો, તે તેના મોકલનાર બાપને પણ માન નથી આપતો.” (યોહાન ૫:૨૩) છેવટે, તેઓના ઘોર અનાદરને ધ્યાનમાં લઈને યહોવાહે બિનવફાદાર યરૂશાલેમનો ૭૦ સી.ઈ.માં નાશ કર્યો.—માર્ક ૧૨:૧-૯.

ખ્રિસ્તી મંડળોમાં જેઓને શિક્ષકો તરીકેની ખાસ જવાબદારીઓ સોંપવામાં આવી છે તેઓ સાથી વિશ્વાસીઓના ટેકા અને માનને યોગ્ય છે. (હેબ્રી ૧૩:૭, ૧૭) તીમોથીને પત્ર લખતાં પ્રેષિત પાઊલે આ બાબતનો ઉલ્લેખ કરીને કહ્યું કે આ નિરીક્ષકો “બમણા માનપાત્ર” હતા. આમાં મંડળ માટે તેઓએ કરેલા ભારે પરિશ્રમમાં સહાયરૂપ બનવા સ્વેચ્છાથી ભૌતિક બાબતો પૂરી પાડવાનો પણ સમાવેશ થાય છે. (૧ તીમોથી ૫:૧૭, ૧૮) તેમ છતાં, બધા ખ્રિસ્તીઓ પણ સાથી વિશ્વાસીઓ દ્વારા માન મેળવવાને યોગ્ય છે. પાઊલે સલાહ આપી હતી: “માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો.” (રૂમી ૧૨:૧૦) દરેક ખ્રિસ્તી પોતાની ખામીઓ, બીજાઓ કરતાં સારી રીતે જાણતા હોવાથી તેઓએ બીજાઓને પ્રથમ મૂકવા જોઈએ. તેઓની ઊંડી કદર કરવી જોઈએ અને હંમેશા તેઓને માન આપવું જોઈએ.—ફિલિપી ૨:૧-૪.

કુટુંબના સભ્યોએ એકબીજાને માન આપવું

પતિ કુટુંબનું શિર હોવાથી પત્નીએ પોતાના પતિનો હિતકર ભય રાખીને ઊંડુ માન આપવું જોઈએ. (એફેસી ૫:૩૩) આ બાબત દૈવી ગોઠવણમાં પુરુષને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે એની સુમેળમાં છે. શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કે સ્ત્રી નહિ પણ પુરુષને પ્રથમ બનાવવામાં આવ્યો હતો અને તે “દેવની પ્રતિમા તથા મહિમા છે.” (૧ કોરીંથી ૧૧:૭-૯; ૧ તીમોથી ૨:૧૧-૧૩) સ્ત્રીઓમાં સારાહ એક નોંધપાત્ર ઉદાહરણ છે જેને પોતાના પતિ પ્રત્યે ઊંડુ માન હતું. પોતાના પતિને સારાહ હૃદયથી માન આપતી હતી. અને એટલે જ તે પોતાના પતિને “સ્વામી” કહેતી હતી. લોકોને સંભળાવવા માટે નહિ પણ ‘મનથી’ તે કહેતી હતી.—૧ પીતર ૩:૧, ૨, ૫, ૬; ઉત્પત્તિ ૧૮:૧૨.

બીજી બાજુ, પતિઓને પણ ચેતવણી આપવામાં આવી છે: “સ્ત્રી નબળું પાત્ર છે એમ જાણીને, તેની સાથે સમજણપૂર્વક રહો, અને તમે તેઓની સાથે જીવનની કૃપાના સહવારસ છો એમ ગણીને, તેને માન આપો; કે જેથી તમારી પ્રાર્થનાઓ અટકાવવામાં ન આવે.” (૧ પીતર ૩:૭) આમ આત્માથી અભિષિક્ત ખ્રિસ્તી પતિઓએ એ સત્યને ધ્યાનમાં રાખવાનું હતું કે તેઓ પોતે જેમ ખ્રિસ્તની સંઘાતે વારસાના ભાગીદાર છે એટલા જ મહત્ત્વની તેમની પત્નીઓ પણ છે. અહીં પતિઓએ પત્નીઓ સાથે એ જાણીને આદરપૂર્વક વર્તવાનું છે કે તેઓ પુરુષો કરતાં નબળી છે.—ગલાતી ૩:૨૮.

બાળકો માટે માબાપો દેવના પ્રતિનિધિઓ છે. બાળકોને તાલીમ, શિસ્ત અને માર્ગદર્શન આપવાની તેઓને સત્તા આપવામાં આવી છે. તેથી માબાપો આદર અને માન પામવાને યોગ્ય છે. (એફેસી ૬:૧-૩) આમાં એવું નથી કે બાળપણમાં જ બાળકોએ માબાપને આધીન રહેવું અને આદર આપવો, પરંતુ તેઓ મોટા થાય ત્યારે પણ વૃદ્ધ માબાપની પ્રેમાળ રીતે કાળજી લેવી જોઈએ જેમાં જરૂર પડ્યે ભૌતિક રીતે મદદ કરવાનો પણ સમાવેશ થાય છે. પ્રાચીન ખ્રિસ્તી મંડળમાં, પોતાના વૃદ્ધ અને જરૂરિયાતમંદ માબાપની કાળજી લેવામાં ઉદાસીનતા દાખવીને માન આપવામાં નિષ્ફળ જનારાઓને અવિશ્વાસુ કરતાં પણ ખરાબ ગણવામાં આવતા હતા. (૧ તીમોથી ૫:૮) જેમ પ્રેષિત પાઊલ તીમોથીના ધ્યાન પર લાવે છે કે એવી વિધવાઓ જેઓને છોકરાં કે છોકરાંનાં છોકરાં હોય, જે તેમની ભૌતિક રીતે સહાય કરી શકે એમ હોય તો એવી વિધવાઓની જવાબદારી મંડળની નથી.—૧ તીમોથી ૫:૪.

અધિકારીઓ અને મંડળ બહારના લોકો પ્રત્યે માન

ઉચ્ચ સરકારી અધિકારીઓ પણ આદર કે માનને યોગ્ય છે. એથી ખ્રિસ્તી આવું માન તરફદારી મેળવવા નહિ પણ એ દેવની ઇચ્છા છે એટલા માટે આપે છે. બની શકે કે માન મેળવનાર વ્યક્તિગત રીતે ભ્રષ્ટ હોય. (સરખાવો પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૨૪-૨૭.) પરંતુ તેઓને જે સત્તાની જવાબદારી સોંપવામાં આવી છે એને કારણે તેઓને માન આપવામાં આવે છે. (રૂમી ૧૩:૧, ૨, ૭; ૧ પીતર ૨:૧૩, ૧૪) એ જ રીતે, દાસોએ પોતાના માલિકને પૂરેપૂરા આદરને યોગ્ય ગણવા. જે કામ પોતાને સોંપવામાં આવે એને વફાદારપૂર્વક કરીને અને દેવના નામ પર કલંક નહિ લાવીને તેઓ આમ કરી શકે.—૧ તીમોથી ૬:૧.

કોઈ વ્યક્તિ જ્યારે ખ્રિસ્તીઓને તેમની આશાનું કારણ પૂછે છે ત્યારે ખ્રિસ્તીઓ “નમ્રભાવે અને આદરસહિત” જવાબ આપે છે. ભલે પ્રશ્નો અપમાનજનક રીતે પૂછવામાં આવે, પણ એક ખ્રિસ્તી ચિડાઈને, ગુસ્સાથી કે રોષથી નહિ પરંતુ શાંતિથી પોતાની વાત જણાવશે. એ વાત ખરી છે કે માણસનો ભય રાખવો જોઈએ નહિ પરંતુ એક સાચો ખ્રિસ્તી યહોવાહ દેવ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત હાજર છે એમ વિચારીને સામેની વ્યક્તિ પ્રત્યે ઊંડો આદર બતાવશે.—૧ પીતર ૩:૧૪, ૧૫, સરળ ભાષાનું ગુજરાતી બાઇબલ.

માન આપવાથી મળતા બદલાઓ

જેઓ દૈવી માન બતાવે છે તેઓની કદરરૂપે યહોવાહ દેવ તેઓને આશીર્વાદ અને બદલાઓ આપે છે. તે કહે છે: “જેઓ મને માન આપે છે તેઓને હું પણ માન આપીશ.” (૧ શમૂએલ ૨:૩૦) રાજા દાઊદે પોતાના જીવનપર્યંત પોતાની પૂરેપૂરી શક્તિથી વફાદારીપૂર્વક યહોવાહની સેવા કરી. ઉપરાંત સાચી ઉપાસના માટે પોતાની કીમતી વસ્તુઓ પણ વાપરી. યહોવાહે દાઊદના વફાદાર જીવનથી ખુશ થઈને તેમને માન આપ્યું અને રાજ્યના કરારથી તેમને આશીર્વાદિત કર્યા.—૨ શમૂએલ ૭:૧-૧૬.

ખ્રિસ્તી મંડળમાંના દેવના પ્રતિનિધિઓને જેઓ માન આપે છે તેઓ તેમના પ્રેમાળ પ્રતિપાલનથી લાભ મેળવે છે અને તેઓને ખાતરી છે કે આ નિરીક્ષકો ‘હિસાબ આપનારાઓની પેઠે આનંદથી કામ કરે છે.’ (હેબ્રી ૧૩:૧૭) વફાદારીથી યહોવાહની સેવા કરનાર જરૂરિયાતમંદ વિધવાઓને મંડળમાં માન આપવામાં આવે છે અને તેઓને ભૌતિક રીતે સહાયની જરૂર હોય તો પૂરી પાડવામાં આવે છે. (૧ તીમોથી ૫:૩, ૯, ૧૦) પતિ-પત્ની એકબીજાને માન આપે છે ત્યારે તેઓ આનંદી અને ફળદાયી લગ્‍નજીવનનો આનંદ માણે છે અને દેવ તથા માણસોને પ્રસન્‍ન કરે એવા આદરણીય બાળકો પ્રાપ્ત કરે છે. (લુક ૨:૫૧, ૫૨) અધિકારીઓ અને વિરોધીઓને પણ માન આપવાથી એક ખ્રિસ્તી સારું અંતઃકરણ વિકસાવે છે અને યહોવાહના નામને આદર લાવે છે. આ સર્વ ઉપરાંત, પોતાના મહાન ઉત્પન્‍નકર્તાની ઇચ્છાઓ અને હેતુઓ પ્રત્યે ઊંડુ માન બતાવનારા આજ્ઞાધીન લોકો માટે સંપૂર્ણ પરિસ્થિતિમાં સદાકાળ માટે યહોવાહની સેવા કરવાનું ભાવિ રાહ જુએ છે.