સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દેવ જરૂર પ્રાર્થના સાંભળે છે

દેવ જરૂર પ્રાર્થના સાંભળે છે

દેવ જરૂર પ્રાર્થના સાંભળે છે

ક રનેલ્યસે દેવની કૃપા મેળવવા વારંવાર, પૂરા દિલથી પ્રાર્થના કરી. વળી, તેણે એક સૂબેદાર તરીકે પોતાની સત્તાનો સદુપયોગ કર્યો. બાઇબલ અનુસાર, તેણે ગરીબોને “ઘણાં દાન” આપ્યાં.—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૧, ૨.

એસમયે, શરૂઆતનું ખ્રિસ્તી મંડળ ફક્ત યહુદીઓ, ધર્માંતર પામેલા બિન-યહુદીઓ, અને સમરૂનીઓથી બનેલું હતું. વળી, કરનેલ્યસ વિદેશી હોવાથી તે બેસુનતી હતા. તેથી, તે ખ્રિસ્તી મંડળના ભાગ ન હતા. શું એનો એવો અર્થ થાય કે, તેમની પ્રાર્થનાઓ વ્યર્થ હતી? ના. યહોવાહ દેવે કરનેલ્યસનાં કૃત્યો જોયાં અને તેની પ્રાર્થનાઓ સાંભળી.—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૪.

દૂતના માર્ગદર્શન દ્વારા, કરનેલ્યસને ખ્રિસ્તી મંડળના સંપર્કમાં લાવવામાં આવ્યો. (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૦-૩૩) પરિણામે, તેમનું કુટુંબ ખ્રિસ્તી મંડળમાં સ્વીકારવામાં આવેલું પ્રથમ બેસુનતી વિદેશી કુટુંબ હતું. તેથી, તેઓ આશીર્વાદિત હતા. યહોવાહ દેવે જોયું કે કરનેલ્યસનું ઉદાહરણ સારું છે. તેથી, તેનો અનુભવ બાઇબલમાં લખવામાં આવ્યો. દેવનાં ધોરણો પ્રમાણે જીવવા તેણે ફેરફારો કર્યા, એમાં કોઈ શંકા નથી. (યશાયાહ ૨:૨-૪; યોહાન ૧૭:૧૬) દરેક દેશોમાંથી જેઓ આજે દેવની કૃપા શોધી રહ્યા છે, તેઓ માટે કરનેલ્યસનો અનુભવ ઉત્તેજનભર્યો છે. અમુક ઉદાહરણોનો વિચાર કરો.

આજનાં ઉદાહરણો

ભારતમાં એક યુવતીને ખૂબ જ આશ્વાસનની જરૂર હતી. તેના લગ્‍ન ૨૧ વર્ષની ઉંમરે થયા, અને તે બે બાળકોની મા બની. પરંતુ, બીજા બાળકના જન્મ પછી થોડા સમયમાં જ તેના પતિનું અવસાન થયું. અચાનક, ૨૪ વર્ષની ઉંમરે તે વિધવા થઈ ત્યારે તેની પાસે બે બાળકો હતાં. એક બે મહિનાની દીકરી અને ૨૨ મહિનાનો પુત્ર હતો. તેથી, તેને દિલાસાની ખૂબ જરૂર હતી! તે દિલાસા માટે કોની પાસે જઈ શકે? એક રાત્રે, તેણે ખૂબ જ દુઃખી થઈ આ રીતે પ્રાર્થના કરી: “હે પ્રભુ, મને દિલાસો આપો.”

બીજી સવારે, તેના ઘરે એક મુલાકાતી આવ્યા. તે એક યહોવાહના સાક્ષી હતા. એ દિવસે, તેમનું ઘરઘરનું પ્રચારકાર્ય ખૂબ મુશ્કેલ હતું. એનું કારણ કે, અમુક જ લોકોએ દરવાજો ખોલ્યો હતો. તેથી, થાકેલા અને નિરાશ થયેલા, તે પાછા ઘરે જવાની તૈયારીમાં જ હતા. પરંતુ, છેવટે એક ઘર કરી લેવાનું તેમને મન થઈ આવ્યું. ત્યાં તે એ યુવાન વિધવાને મળ્યા. તેણે તેમને ઘરમાં બોલાવ્યા અને બાઇબલ વિષેનું પ્રકાશન લીધું. વળી, યહોવાહના સાક્ષી સાથે એ પ્રકાશનમાંથી વાંચીને ચર્ચા કરવાથી સ્ત્રીને ખૂબ દિલાસો મળ્યો. પોતે શીખી કે, દેવનું રાજ્ય પૃથ્વી પર આવશે ત્યારે, મૃત્યુ પામેલાઓને દેવ સજીવન કરશે અને જલદી જ પૃથ્વી પર સુખ શાંતિથી છવાઈ જશે. સૌથી મહત્ત્વનું તો એ કે, તે સાચા દેવનું નામ જાણી શકી, જેમણે તેની પ્રાર્થનાનો જવાબ આપ્યો અને તે હવે તેમને ચાહે છે.

નોરા, જે દક્ષિણ આફ્રિકાના જ્યોર્જ શહેરમાં રહે છે. તેણે એક મહિનો પૂરા સમયના સુવાર્તિક કામમાં ગાળવાનું નક્કી કર્યું. એ કામ શરૂ કરતા પહેલાં, તેણે યહોવાહને પ્રાર્થના કરી કે, જેઓ બાઇબલમાંથી શીખવા ઇચ્છતા હોય એવા લોકો શોધવા તેને મદદ મળે. નોરાને જે પ્રચાર વિસ્તાર સોંપવામાં આવ્યો હતો, તેમાં એક એવી વ્યક્તિનું ઘર પણ હતું, જેણે નોરાની અગાઉની મુલાકાતોમાં ખૂબ તોછડાઈથી વર્તન કર્યું હતું. હિંમતથી નોરાએ એ ઘરની ફરી મુલાકાત લીધી. એ ઘરમાં નોલેન નામની નવી ભાડૂતને મળવાથી તેને આશ્ચર્ય થયું. વળી, નોલેન અને તેની માતા બાઇબલ સમજવા મદદ માટે દેવને પ્રાર્થના કરી રહ્યા હતા. નોરા સમજાવે છે કે, “મેં તેઓને બાઇબલ અભ્યાસની ઑફર કરી ત્યારે, તેઓ ખૂબ ખુશ થયા.” નોલેન અને તેની માતાએ ખૂબ ઝડપથી પ્રગતિ કરી. સમય જતાં, તેઓ બંને જણ નોરા સાથે પ્રચારકાર્યમાં જવા લાગ્યાં.

એ દક્ષિણ આફ્રિકાના જોહાનીસબર્ગ શહેરમાં એક યુગલનો અનુભવ બતાવશે કે, પ્રાર્થનામાં કેટલી શક્તિ છે. ડેનિસ અને કોરલનું કૌટુંબિક જીવન ૧૯૯૬માં તૂટવાની અણી પર હતું. તેથી, એક શનિવારની રાત્રે છેલ્લા ઉપાય તરીકે, તેઓએ મદદ માટે પ્રાર્થના કરવાનું નક્કી કર્યું. વળી, તેઓએ મોડી રાત સુધી વારંવાર પ્રાર્થના કરી. બીજી સવારે ૧૧ વાગ્યે, બે યહોવાહના સાક્ષીઓએ તેઓનું બારણું ખખડાવ્યું. તેથી, ડેનિસે દરવાજો ખોલ્યો અને પોતાની પત્નીને બોલાવે ત્યાં સુધી તેઓને રાહ જોવાનું કહ્યું. પછી ડેનિસે કોરલને ચેતવી કે, તે સાક્ષીઓને અંદર બોલાવશે તો, તેઓથી છૂટવું મુશ્કેલ થશે. કોરલે ડેનિસને યાદ કરાવ્યું કે, આપણે મદદ માટે પ્રાર્થના કરી છે અને કદાચ તેઓ આપણી પ્રાર્થનાનો દેવનો જવાબ હોય શકે. તેથી, સાક્ષીઓને અંદર બોલાવવામાં આવ્યા, અને જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે એ પુસ્તકમાંથી બાઇબલ અભ્યાસ શરૂ થયો. ડેનિસ અને કોરલ જે શીખ્યા એનાથી તેઓ ખૂબ રોમાંચ પામ્યા. એ જ દિવસે બપોરે, તેઓએ યહોવાહના સાક્ષીઓના રાજ્યગૃહમાં તેઓની સાથે પ્રથમ વાર સભામાં ગયા. બાઇબલમાંથી તેઓ જે શીખ્યા એ લાગુ પાડવાથી, ડેનિસ અને કોરલના લગ્‍નની સમસ્યાઓ હલ થઈ. તેઓ હવે યહોવાહના સુખી ઉપાસકો છે. હવે તેઓની બાઇબલ આધારિત માન્યતાઓ વિષે તેઓના પડોશીઓને નિયમિત રીતે જણાવે છે.

પ્રાર્થના કરવાની હિંમત ન થાય તો શું?

અમુક લોકો પાપથી કચડાઈ ગયા હોવાથી પ્રાર્થના કરવા તેઓની હિંમત નથી ચાલતી. ઈસુ ખ્રિસ્તે આવા જ એક માણસ વિષે વાર્તા કહી હતી. તે એક દાણી વિષે છે. મંદિરમાં પ્રવેશતા આ માણસને પ્રાર્થનાના સ્થળે જવા માટે પોતે અયોગ્ય હોય એવું લાગ્યું. “[તેણે] વેગળે ઊભા રહીને પોતાની આંખો આકાશ તરફ ઊંચી કરવા ન ચાહતાં છાતી કુટીને કહ્યું, કે ઓ દેવ, હું પાપી છું, મારા પર દયા કર.” (લુક ૧૮:૧૩) ઈસુના કહ્યા પ્રમાણે, આ માણસની પ્રાર્થના સાંભળવામાં આવી. એ પુરવાર કરે છે કે, યહોવાહ દેવ ખરેખર કૃપાળુ છે. તેમ જ જેઓ સાચા દિલથી પાપનો પસ્તાવો કરે તેને દેવ મદદ કરવા તૈયાર છે.

પાઊલ જે દક્ષિણ આફ્રિકામાં રહે છે એનો વિચાર કરો. નાનપણમાં પાઊલ પોતાની માતા સાથે ખ્રિસ્તી સભાઓમાં જતો. પરંતુ, તે હાયસ્કૂલમાં જવા લાગ્યો પછી, દેવના માર્ગે ચાલતા ન હતા એવા યુવાનોની તેણે સંગત રાખી. ભણતર પૂરું કર્યા પછી, તે દક્ષિણ આફ્રિકાની અગાઉની સરકાર હેઠળ લશ્કરમાં જોડાયો. પછી, પોતે જે સ્ત્રી સાથે રહેતો હતો, તે અચાનક તેને છોડીને ચાલી ગઈ. તેથી, આવા અસંતોષી જીવનથી પાઊલ ખૂબ ઉદાસ હતો. તે યાદ કરે છે: “જોકે, ઘણા વર્ષોથી મેં પ્રાર્થના કરી ન હતી. છતાં, એક સાંજે મેં સાચા દિલથી યહોવાહ દેવ પાસેથી પ્રાર્થનામાં મદદ માંગી.”

પ્રાર્થનાના થોડા સમય પછી જ, પાઊલની માતાએ તેને ખ્રિસ્તના મરણના સ્મરણ પ્રસંગમાં જવા આમંત્રણ આપ્યું. (લુક ૨૨:૧૯) પોતાનું ખરાબ વર્તન હતું, અને બાઇબલમાં જરાય રસ ન હતો. છતાં, તેની માતાએ તેને આમંત્રણ આપ્યું એ વિચિત્ર લાગ્યું. “મને થયું કે, આ આમંત્રણ એ મારી પ્રાર્થનાનો યહોવાહ દેવ પાસેથી જવાબ હોય શકે. તેથી હું તેમનો ઋણી છું.” પછી, પાઊલ બધી જ ખ્રિસ્તી સભાઓમાં જવા લાગ્યો. બાઇબલનો ચાર મહિના અભ્યાસ કર્યા પછી, તે બાપ્તિસ્મા માટે લાયક થયો. પછી, તેણે પોતાનો ઇજનેરનો અભ્યાસ પડતો મૂકયો અને પૂરા સમયના સુવાર્તિક તરીકે કામ કરવું પસંદ કર્યું. આજે પાઊલ સુખી છે, અને અગાઉના જીવનની જેમ નિરાશ નથી. છેલ્લા ૧૧ વર્ષોથી તે દક્ષિણ આફ્રિકામાં વૉચટાવર સંસ્થામાં સેવા આપે છે.

ખરેખર, યહોવાહ પ્રાર્થનાનો જવાબ આપે છે અને “જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે.” (હેબ્રી ૧૧:૬) હવે, જલદી જ યહોવાહનો મહાન દિવસ આવશે અને દુષ્ટતાનો અંત લાવશે. હાલમાં, યહોવાહ પોતાના લોકોની પ્રાર્થનાઓ સાંભળે અને જવાબ આપે છે. તેઓ પ્રચારકાર્યમાં ઉત્સાહથી ભાગ લે છે તેમ, તેઓને શક્તિ અને માર્ગદર્શન પૂરું પાડે છે. આ રીતે બધા દેશોમાંથી લાખો લોકોને ખ્રિસ્તી મંડળના સંપર્કમાં લાવવામાં આવે છે, જેઓ અનંતજીવન તરફ દોરી જતા બાઇબલ જ્ઞાનથી આશીર્વાદિત છે.—યોહાન ૧૭:૩.

[પાન ૫ પર ચિત્ર]

કરનેલ્યસે પૂરા દિલથી પ્રાર્થના કરી. પ્રેષિત પીતરની મુલાકાતથી એનો જવાબ મળ્યો

[પાન ૬ પર ચિત્ર]

દુઃખના સમયે ઘણાને પ્રાર્થનાથી મદદ મળી છે

[પાન ૭ પર ચિત્રો]

બાઇબલ સમજવા પ્રાર્થના કરવી જરૂરી છે

પરિણીત યુગલો પણ લગ્‍નબંધન મજબૂત રાખવા પ્રાર્થના કરી શકે