યહોવાહની સેવા કરવા સાદું જીવન જીવવું
મારો અનુભવ
યહોવાહની સેવા કરવા સાદું જીવન જીવવું
ક્લારા ગર્બર મોયર ના જણાવ્યા પ્રમાણે
હું ૯૨ વર્ષની છું અને માંડ ચાલી શકું છું. પરંતુ હજુ પણ હું બાબતોને યાદ રાખી શકું છું. નાનપણથી જ યહોવાહની સેવા કરવાનો મને લહાવો મળ્યો હતો. આથી હું યહોવાહની કેટલી આભારી છું! મારા સાદા જીવને એ અમૂલ્ય ખજાનામાં ફાળો આપ્યો છે.
મારો જન્મ ઑગસ્ટ ૧૮, ૧૯૦૭ના રોજ યુ.એસ.એ. ઓહાયોના એલાયન્સ શહેરમાં થયો હતો. હું પાંચ બાળકોમાં સૌથી મોટી હતી. હું આઠ વર્ષની હતી ત્યારે, યહોવાહના સાક્ષીઓના એ સમયે કહેવાતા બાઇબલ વિદ્યાર્થીઓના પૂરા સમયના સેવકો અમારા દુગ્ધાલયમાં સાયકલ લઈને આવ્યા. તે મારી મમ્મી લુરા ગર્બરને મળ્યા. તેમણે મારી મમ્મીને પ્રશ્ન પૂછ્યો કે શા માટે દુષ્ટતાને પરવાનગી આપવામાં આવી રહી છે, એ વિષે તમને કંઈ ખબર છે? મારી મમ્મીને હંમેશા એ બાબત વિષે જાણવામાં રસ હતો.
તેઓની ચર્ચા ચાલી રહી હતી ત્યારે મારા પપ્પા અમારા તબેલામાં હતા. આથી તેમને પૂછ્યા પછી મારી મમ્મીએ સ્ટડીઝ ઇન ધ સ્ક્રિપ્ચર્સના છ ગ્રંથોનો સેટ મંગાવ્યો. તે આનાથી ઘણી પ્રભાવિત થઈ અને તે જે બાઇબલ સત્ય શીખી રહી હતી એની તેના પર ઊંડી અસર પડી. તેણે ગ્રંથ ૬, ધ ન્યૂ ક્રિએશનનો અભ્યાસ કર્યો. અભ્યાસ કર્યા પછી મારી મમ્મીને સ્પષ્ટ રીતે સમજણ પડી કે ખ્રિસ્તીઓએ પાણીમાં ડૂબકી મારી બાપ્તિસ્મા લેવું બહુ જરૂરી છે. આથી તેણે મારા પપ્પાને ખેતરમાંની સાંકળી નહેરમાં બાપ્તિસ્મા આપવાનું કહ્યું, કેમકે તેને ખબર ન હતી કે બાઇબલ વિદ્યાર્થીઓનો સંપર્ક કઈ રીતે સાધવો. એ સમય માર્ચ ૧૯૧૬નો ઠંડીનો મહિનો હતો.
થોડા સમય પછી જ મારી મમ્મીએ વર્તમાનપત્રમાં એલાયન્સ શહેરના એક હોલમાં વાર્તાલાપ વિષેની જાહેરાત જોઈ. વાર્તાલાપનો વિષય હતો “ધ ડિવાઈન પ્લાન ઓફ ધ એજીસ.” તેણે તરત જ ત્યાં જવાનો નિર્ણય લીધો કેમ કે સ્ટડીઝ ઈન ધ સ્ક્રિપ્ચર્સના ગ્રંથ ૧નો વિષય પણ વાર્તાલાપના વિષયના જેવો જ હતો. બગી તૈયાર કરીને અમારું આખું કુટુંબ અમારી પહેલી સભામાં હાજરી આપવા ગયું. ત્યારથી
માંડીને, અમે ભાઈઓના ઘરમાં રવિવાર અને બુધવારની સાંજે સભાઓમાં હાજરી આપતા હતા. થોડા જ સમય પછી, ખ્રિસ્તી મંડળના પ્રતિનિધિ દ્વારા તે ફરીથી બાપ્તિસ્મા પામી. ખેતીકામમાં હંમેશા વ્યસ્ત રહેવા છતાં મારા પપ્પાએ છેવટે બાઇબલ અભ્યાસમાં રસ લીધો અને તે થોડાં વર્ષો પછી બાપ્તિસ્મા પામ્યા.પ્રતિનિધિ સાથેની મુલાકાત
જૂન ૧૦, ૧૯૧૭ના રોજ એ સમયના વૉચટાવર સોસાયટીના પ્રમુખ જે. એફ. રધરફર્ડે એલાયન્સની મુલાકાત લીધી. અને તેમણે “શા માટે રાષ્ટ્રો યુદ્ધો કરે છે?” વિષય પર વાર્તાલાપ આપ્યો. હું નવ વર્ષની હતી અને મેં મારા માબાપ તેમ જ મારા બે ભાઈઓ વેલી અને ચાર્લ્સ સાથે હાજરી આપી. લગભગ સો કરતાં વધારે વ્યક્તિઓ ત્યાં હાજર રહી હતી. ભાઈ રધરફર્ડના વાર્તાલાપ પછી, બધાનો ફોટો લેવા માટે અમે બધા કોલંબિયા થીયેટરમાંથી બહાર આવ્યા. આ થીયેટરમાં વાર્તાલાપ આપવામાં આવ્યો હતો. બીજા સપ્તાહે એ જ જગ્યાએ એ. એચ. મૅકમિલને વાર્તાલાપ આપ્યો. એ વાર્તાલાપનો વિષય હતો, “દેવનું આવનાર રાજ્ય.” આ ભાઈઓ અમારા નાના ગામડાંની મુલાકાત લે એ અમારા માટે ખરેખર એક લહાવો હતો.
શરૂઆતના યાદગાર મહાસંમેલનો
એલાયન્સથી થોડા કિલોમીટર દૂર એટવોટર, ઓહાયોમાં ૧૯૧૮માં મેં પ્રથમ મહાસંમેલનમાં હાજરી આપી હતી. મારી મમ્મીએ સંસ્થાના પ્રતિનિધિને પૂછ્યું કે હું બાપ્તિસ્મા લઈ શકું કે કેમ. મને લાગ્યું કે મેં તો દેવની ઇચ્છા પ્રમાણે કરવા મારું સમર્પણ કરી દીધું છે. અને હું સમર્પણ કરું એ યોગ્ય જ હતું. તેથી એ દિવસે મને સફરજનની મોટી વાડીની નજીક એક નાની નહેરમાં પાણીનું બાપ્તિસ્મા આપવામાં આવ્યું. ભાઈઓએ બાપ્તિસ્મા પામનાર પોતાનાં કપડાં બદલે એ હેતુથી બનાવેલા તંબુમાં મેં કપડાં બદલ્યા. મેં જૂનું, જાડું નાઈટગાઉન પહેરીને બાપ્તિસ્મા લીધું.
સપ્ટેમ્બર ૧૯૧૯માં, મારા માબાપ અને હું સેન્ડસ્કી, ઓહાયો, લેક ઈરીમાં ટ્રેન દ્વારા ગયા. ત્યાં અમે એક હોડીમાં બેસીને થોડી વારમાં જ સીડર પોઈન્ટ આવી પહોંચ્યા. અહીં અમારું યાદગાર મહાસંમેલન રાખવામાં આવ્યું હતું. અમે હોડીમાંથી નીચે ઉતર્યા ત્યારે, બહાર સ્ટેન્ડ પર બપોરનું ભોજન રાખવામાં આવ્યું હતું. મને હેમબર્ગર મળી. એ જમાનામાં હેમબર્ગર ખાવી મારા માટે એક મોટી બાબત હતી. એ એકદમ સ્વાદિષ્ટ હતી! અમારા આઠ દિવસના મહાસંમેલનની શિખર હાજરી ૭,૦૦૦ની હતી. એ સમયે કોઈ સાઉન્ડની વ્યવસ્થા ન હતી આથી હું વધારે ધ્યાનપૂર્વક સાંભળતી હતી.
આ મહાસંમેલનમાં ચોકીબુરજનું સાથી સામયિક ધ ગોલ્ડન ઍજ (હમણાંનું સજાગ બનો!) બહાર પાડવામાં આવ્યું હતું. એ મહાસંમેલનમાં હાજરી આપવા માટે, મેં શાળાના પ્રથમ અઠવાડિયે રજા પાડી હતી અને એ યથાયોગ્ય હતું. સીડર પોઈન્ટ એક પર્યટક સ્થળ હતું. અને તેઓના પોતાના રસોઈયા હતા કે જેઓ હાજર રહેનાર વ્યક્તિઓ માટે ખોરાક બનાવતા હતા. પરંતુ અમુક કારણોસર, રસોઈયા અને વેઇટરની હડતાલ હતી. આથી જાણકાર ભાઈઓએ સંમેલનમાં હાજરી આપનાર વ્યક્તિઓ માટે ખોરાક તૈયાર કર્યો. પછીથી ઘણા દાયકાઓ સુધી, યહોવાહના લોકોએ સંમેલનો અને મહાસંમેલનોમાં જાતે પોતાનો ખોરાક તૈયાર કર્યો.
અમે સીડર પોઈન્ટ સપ્ટેમ્બર ૧૯૨૨માં પણ પાછા ફર્યા. આ મહાસંમેલન નવ દિવસનું હતું અને એની શિખર હાજરી ૧૮,૦૦૦ કરતાં વધારે હતી. આ જ મહાસંમેલનમાં ભાઈ રધરફર્ડે અમને ઉત્તેજન આપ્યું હતું કે “રાજા અને તેમના રાજ્યને જાહેર કરો, જાહેર કરો, જાહેર કરો.” તેમ છતાં, મારું વ્યક્તિગત સેવાકાર્ય મેં ઘણાં વર્ષો અગાઉ પત્રિકાઓ અને ધ ગોલ્ડન ઍજના વિતરણથી શરૂ કરી દીધું હતું.
ક્ષેત્રસેવા માટેની કદર
વર્ષ ૧૯૧૮ની શરૂઆતમાં, મેં બાબેલોનની પડતી (અંગ્રેજી) પત્રિકાથી પડોશના ખેતરના લોકો સાથે સહભાગી થવાનું શરૂ કરી દીધું હતું. એ ઠંડીનો સમય હતો, અમે અમારા ઘરને ગરમ રાખવા સગડીમાં લાકડાં સળગાવતા હતા અને એ સગડીને અમે અમારા પગ ગરમ રાખવા માટે બગીમાં લઈ લેતા. અમે ગરમ કોટ અને ટોપી પહેરતા હતા કારણ કે બગીની બંને બાજુએ પડદા હતા અને હીટર નહોતું. પરંતુ અમારા એ સમયો ખરેખર આનંદદાયક હતા.
વર્ષ ૧૯૨૦માં ધ ફિનિશ્ડ મિનિસ્ટ્રી *ની ખાસ આવૃત્તિ બહાર પાડવામાં આવી જેને ઝેડજી કહેવામાં આવતું હતું. આ પુસ્તકને સામયિકના રૂપમાં તૈયાર કરવામાં આવ્યું હતું. હું અને મારા માબાપ આ પ્રકાશન લઈને એલાયન્સમાં ગયા. એ સમયોમાં દરેક જણ એકલા એકલા પ્રચાર કરતા હતા. તેથી હું હિંમતપૂર્વક એક ઓટલા પાસે ગઈ કે જ્યાં ઘણા લોકો બેઠેલા હતા. મેં મારી પ્રસ્તાવના પૂરી કરી, પછી એક સ્ત્રીએ કહ્યું: “શું એવું નથી લાગતું કે તેણે એક સરસ નાનો વાર્તાલાપ આપ્યો હોય?” અને તેણે પ્રકાશન લીધું. મેં એ દિવસે ૧૩ ઝેડજી આપ્યા, અને વિધિસરના ઘરઘરના પ્રચાર કાર્યમાં સૌથી લાંબુ સરમન આપ્યું એનો પ્રથમ રેકોર્ડ હતો.
હું લગભગ પંદર વર્ષની હતી ત્યારે, મારી મમ્મીને ફેફસાંના સોજાનો રોગ થયો અને તેને એક કરતાં વધારે મહિના સુધી આરામની જરૂર હતી. મારી સૌથી નાની બહેન હાઝલ બહુ નાની હતી. તેથી મેં ખેતીકામમાં મદદ કરવા અને નાના ભાઈબહેનોની કાળજી રાખવા શાળા છોડી દીધી. અમારું કુટુંબ હજુ પણ બાઇબલ સત્યને ગંભીરતાપૂર્વક લેતું હતું. અમે નિયમિતપણે મંડળની સર્વ સભાઓમાં હાજરી આપતા હતા.
વર્ષ ૧૯૨૮માં ખ્રિસ્તના મરણના સ્મરણપ્રસંગે હાજર રહેનાર સર્વને “બીજા નવ ક્યાં છે?” શિર્ષકવાળી પત્રિકા આપવામાં આવી. એમાં લુક ૧૭:૧૧-૧૯ની ચર્ચા કરવામાં આવી હતી. એ બાઇબલ અહેવાલ બતાવે છે કે દસમાંથી ફક્ત એક જ રક્તપિત્તીઆએ પોતાને ચમત્કારિકપણે સાજા કર્યા બદલ ઈસુનો નમ્રપણે આભાર વ્યક્ત કર્યો. એ અહેવાલે મારા હૃદય પર ઊંડી અસર કરી. મેં પોતાને પૂછ્યું, ‘હું દેવે કરેલી બધી જોગવાઈઓ માટે કેટલી કદર બતાવું છું?’
હવે મારા ઘરની પરિસ્થિતિ સારી હતી અને હું તંદુરસ્ત હતી તેમ જ મારા પર કોઈ ભારે જવાબદારીઓ ન હતી. આથી, મેં ઘર છોડી પૂરા સમયના સેવકોને કહેવામાં આવતા પાયોનિયર તરીકે સેવા કરવાનું નક્કી કર્યું. મારા માબાપે પણ મને એમ કરવાનું ઉત્તેજન આપ્યું. તેથી, મેં મારી સાથી એગ્નેસ ઍલેટ સાથે અમારી સોંપણી મેળવી. અને ઑગસ્ટ ૨૮, ૧૯૨૮ના રોજ અમે રાત્રે નવ વાગ્યે ટ્રેનમાં ચઢ્યા. અમારી પાસે એક સૂટકેસ અને અમારા બાઇબલ સાહિત્યની એક બેગ હતી. સ્ટેશન પર મારી બહેનો, મારા માબાપ અને અમે બંને રડતા હતા. મને લાગ્યું કે હું તેમને ક્યારેય પાછી નહિ મળી શકું. કેમ કે અમે માનતા હતા કે આર્માગેદ્દોન એકદમ નજીક છે. બીજા દિવસે સવારે, અમે અમારા સોંપણીકાર્ય, કેન્ટકીના બ્રોક્સવિલ શહેરમાં આવ્યા.
અમે લોજમાં એક નાનો રૂમ ભાડે રાખ્યો. અને અમે સ્ફગેટી તથા સેન્ડવીચ અમારા માટે લઈ આવ્યા. દરરોજ અમે અલગ અલગ જગ્યાઓએ જતા અને એકલા કામ કરતા હતા. અમે ઘરમાલિકને ૧.૯૮ ડૉલરના પ્રદાન પેટે પાંચ પુસ્તકોનો સેટ આપતા હતા. ધીમે ધીમે અમે આખું ગામ પ્રચાર કાર્યથી આવરી લીધું. અમે બાઇબલમાં રસ ધરાવતા ઘણા લોકોને મળ્યા.
લગભગ ત્રણ મહિનામાં, અમે બ્રૂક્સવિલ્લે તેમ જ ઑગસ્ટાની આસપાસના ગામડાંના દરેક જણની મુલાકાત લીધી. ત્યાર પછી અમે મેઝવિલ, પેરિસ અને રીચમોન્ડના ગામડાંઓમાં પ્રચાર કાર્ય કરવા માટે ગયા. ત્રણ વર્ષમાં, અમે કેન્ટુકીના ઘણા ગામડાંઓને આવરી લીધા કે જ્યાં કોઈ મંડળો ન હતા. અમે અવારનવાર ઓહાયોમાંથી મિત્રો અને કુટુંબના સભ્યોની મદદ મેળવતા કે જેઓ એક અઠવાડિયું કે એથી વધારે સમય અહીં આવીને અમારી સાથે ક્ષેત્રસેવામાં જોડાતા હતા.
બીજા યાદગાર મહાસંમેલનો
કોલંબસ, ઓહાયોમાં જુલાઈ ૨૪-૩૦, ૧૯૩૧નું મહાસંમેલન ખરેખર યાદગાર હતું. એ સંમેલનમાં જાહેરાત કરવામાં આવી હતી કે હવે આપણે બાઇબલ આધારિત નામ, યહોવાહના સાક્ષીઓથી ઓળખાઈશું. (યશાયાહ ૪૩:૧૨) આ નામ સ્વીકારવામાં આવ્યું એ પહેલાં, લોકો અમને પૂછતા કે તમે કયા ધર્મના છો ત્યારે, અમે કહેતા, “આંતરરાષ્ટ્રીય બાઇબલ વિદ્યાર્થી.” પરંતુ એ નામ અમારી અલગ ઓળખાણ કરાવતું ન હતું. કેમ કે એ સમયે બાઇબલ વિદ્યાર્થીઓ વિવિધ ધાર્મિક વૃંદોના લોકોથી અસર પામેલા હતા.
મારી સાથે કામ કરનાર એગ્નેસે લગ્ન કર્યું, તેથી હું એકલી પડી. જ્યારે મેં સાંભળ્યું કે પાયોનિયર સાથીની જરૂર હોય તેઓએ અમુક જગ્યાએ પોતાના નામ જણાવવા ત્યારે મને બહુ આનંદ થયો. ત્યાં હું બર્થા, એલસી ગાર્ટી અને બૅસી એન્સમીંગરને મળી. તેઓ પાસે બે મોટરગાડી હતી અને પોતાની સાથે કામ કરવા ચોથા બહેનને શોધી રહ્યાં હતા. અમે એકબીજાને પહેલીવાર સંમેલનમાં મળ્યા.
ઉનાળામાં અમે પેન્સિલ્વેનિયાના આખા રાજ્યમાં કામ કર્યું. ત્યાર પછી, શિયાળામાં અમે ઉત્તરીય કેરોલીના, વર્જિનિયા અને મેરીલૅન્ડના હૂંફાળા વિસ્તારમાં કામ કરવાની વિનંતી કરી. વસંતઋતુમાં અમે પાછા યુનાઈટેડ સ્ટેટ્સના ઉત્તરમાં પાછા ફર્યા. એ સમયમાં પાયોનિયરો એમ જ કરતા હતા. વર્ષ ૧૯૩૪માં જોન બુથ અને રુડોલ્ફ અબ્બુલે પણ અમારી જેમ જ કર્યું. તેઓ રેલ્ફ મોયર અને તેમના નાના ભાઈ વિલર્ડને તેમની સાથે કેન્ટકી રાજ્યના હઝાર્ડ શહેરમાં લઈ ગયા.
હું અને રેલ્ફ ઘણા પ્રસંગોએ એકબીજાને મળતા. અમે મે ૩૦-જૂન ૩, ૧૯૩૫માં વૉશિંગ્ટન રાખવામાં આવેલા મોટા મહાસંમેલન દરમિયાન એકબીજાથી વધુ સારી રીતે પરિચિત બન્યા. “મોટી સભા” કે “મોટા સમુદાય” પર વાર્તાલાપ પ્રકટીકરણ ૭:૯-૧૪) ત્યાં સુધી અમે એમ માનતા હતા કે મોટી સભાના સભ્યો આકાશમાં જનારા ૧,૪૪,૦૦૦ જેટલા વિશ્વાસુ હોતા નથી. (પ્રકટીકરણ ૧૪:૧-૩) તેથી હું તેઓમાંની એક બનવા માંગતી ન હતી!
આપવામાં આવ્યો ત્યારે હું અને રેલ્ફ બાલ્કનીમાં સાથે બેઠા હતા. (પરંતુ ભાઈ રધરફર્ડે સમજાવ્યું કે મોટા સમુદાયના પૃથ્વી પરના વિશ્વાસુજનો આર્માગેદોનમાંથી બચી જશે. આ સાંભળીને ઘણા લોકોને આશ્ચર્ય થયું. ત્યાર પછી તેમણે મોટા ટોળાના સભ્ય હોય એ સર્વને ઊભા થવાનું જણાવ્યું. હું ઊભી ન થઈ, પરંતુ રેલ્ફ ઊભા થયા. ત્યાર પછી, બાબતો મારા મનમાં સ્પષ્ટ થઈ. તેથી ૧૯૩૫માં છેલ્લી વાર મેં ખ્રિસ્તના સ્મરણપ્રસંગમાં રોટલી અને દારૂના પ્રતીકોમાં ભાગ લીધો. તેમ છતાં, મારી મમ્મીએ નવેમ્બર ૧૯૫૭માં મરણ પામ્યા ત્યાં સુધી પ્રતીકોમાં ભાગ લેવાનું ચાલુ રાખ્યું.
કાયમી સાથી
મેં અને રેલ્ફે પત્રવ્યવહાર ચાલુ રાખ્યો. હું ન્યૂયૉર્ક, લેક પ્લેસીડમાં અને રેલ્ફ પેન્સિલ્વેનિયામાં પાયોનિયરીંગ કરતા હતા. વર્ષ ૧૯૩૬માં તેમણે એક નાનું ટ્રેલર (ગાડી-ઘર) બાંધ્યું કે જેને તે પોતાની મોટરગાડીથી ખેંચી શકે. તે એને પોટ્સટાઉન, પેન્સિલ્વેનિયાથી નેવાર્ક, ન્યૂ જર્સીમાં લઈ આવ્યા. કેમ કે એ સમયે ઑક્ટોબર ૧૬-૧૮માં ત્યાં મહાસંમેલન રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમ પછી એક સાંજે, અમે કેટલાક પાયોનિયરો રેલ્ફનું નવું ટ્રેલર જોવા ગયા. તે અને હું ટ્રેલરની અંદર બનાવેલા સીંક પાસે ઊભા રહ્યા. ત્યારે તેમણે મને પૂછ્યું, “શું તને આ ટ્રેલર ગમે છે?”
મેં હકારાત્મક પ્રત્યુત્તરમાં માથુ હલાવ્યું ત્યારે, તેમણે પૂછ્યું, “શું તને એમાં રહેવાનું ગમશે?”
મેં જવાબ આપ્યો, “હા.” અને તેમણે મને એક પ્રેમાળ ચુંબન કર્યું કે જે હું કદી ભૂલીશ નહિ. થોડા દિવસો પછી, અમે લગ્ન કરવાનો પરવાનો મેળવ્યો. મહાસંમેલનના બીજા દિવસે અર્થાત્ ઑક્ટોબર ૧૯ના રોજ અમે બ્રુકલિન ગયા અને વૉચટાવર સોસાયટીની છાપકામ સગવડની મુલાકાત લીધી. ત્યાર પછી અમારી પ્રચારકાર્યની સોંપણી માટે પૂછ્યું. એ વખતે ગ્રાન્ટ સૂઈટર પ્રચારવિસ્તારની દેખરેખ રાખતા હતા, તેમણે પૂછ્યું કે ત્યાં કોણ કામ કરશે. રેલ્ફે કહ્યું, “અમે લગ્ન કરી શકીએ તો, અમે કરીશું.”
ભાઈ સૂઈટરે પ્રત્યુત્તર આપ્યો કે “તમે સાંજના ૫ વાગ્યે પાછા આવો તો, અમે એની ગોઠવણ કરી શકીએ.” તેથી એ સાંજે અમે એક સાક્ષી ભાઈના ઘરમાં બ્રુકલિન હાઇટ્સમાં લગ્ન કર્યું. અમે સ્થાનિક ભોજનાલયમાં કેટલાક મિત્રો સાથે સાંજનું ભોજન લીધું. અને ત્યાર પછી અમે સાર્વજનિક વાહનમાં ન્યૂઅર્ક, ન્યૂ જર્સીમાં ગયા, જ્યાં રેલ્ફનું ટ્રેલર હતું.
ત્યાર પછી થોડા દિવસમાં, અમે હીત્સવિલ્લે, વર્જિનિયામાં ગયા જે અમારી પહેલી પાયોનિયર સોંપણી હતી. અમે પ્રથમ નોર્ધમ્બરલેન્ડ દેશ અને ત્યાર પછી પેન્સિલ્વેનિયાના ફૂલટોન અને ફ્રેન્કલીનના શહેરોમાં ગયા. વર્ષ ૧૯૩૯માં રેલ્ફને ઝોન કાર્ય કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું. એવી પ્રવૃત્તિ કે જેમાં અમારે વારાફરતી અસંખ્ય મંડળોની મુલાકાત લેવાની હતી. એ દરમિયાન અમે ટેનિસી રાજ્યનાં મંડળોમાં સેવા કરી. બીજા વર્ષે અમારા દીકરા એલનનો જન્મ થયો અને ૧૯૪૧માં અમે ઝોન કાર્ય બંધ કર્યું. ત્યાર પછી અમને મારીયોન, વર્જિનિયામાં ખાસ પાયોનિયર તરીકે સોંપણી આપવામાં આવી. એ દિવસોમાં, ખાસ પાયોનિયરને દર મહિને ક્ષેત્રસેવામાં ૨૦૦ કલાક આપવાના હતા.
ફેરગોઠવણો કરવી
વર્ષ ૧૯૪૩માં, મારે ખાસ પાયોનિયર સેવા છોડી દેવી પડી. કારણ કે નાના ટ્રેલરમાં રહીને નાના બાળકને ઉછેરવું, રાંધવું, કપડાં ધોવા એ બધા સાથે પાયોનિયરીંગ કરવું શક્ય ન હતું. અને હું દર મહિને ફક્ત ૬૦ જ કલાક કરી શકતી હતી. પરંતુ રેલ્ફે ખાસ પાયોનિયરીંગ ચાલુ રાખ્યું.
અમે ૧૯૪૫માં ઓહાયોના એલાયન્સ શહેરમાં પાછા ફર્યા. અમે અમારું ટ્રેલર વેચી દીધું કે જેનો અમે નવ વર્ષથી ઘર તરીકે ઉપયોગ કરતા હતા. એ વેચી અમે અમારા માબાપ સાથે વાડીના ઘરે પાછા ફર્યા. ત્યાં અમારી દીકરી રબેકાનો જન્મ થયો. રેલ્ફે શહેરમાં પાર્ટ ટાઇમ નોકરી કરવાનું શરૂ કર્યું અને નિયમિત પાયોનિયર તરીકે કાર્ય કરવાનું ચાલુ રાખ્યું. હું વાડીમાં કામ કરતી અને તે પાયોનિયરીંગ ચાલુ રાખી શકે એ માટે મારાથી બનતી બધી મદદ કરતી. મારા માબાપે વિનામૂલ્યે જમીન અને ઘર આપવાનું કહ્યું છતાં, રેલ્ફે એનો નકાર કર્યો. તે તેમના પર બોજરૂપ બનવા માંગતા ન હતા જેથી અમે રાજ્યહિતોને વધારે સારી રીતે કરી શકીએ.
વર્ષ ૧૯૫૦માં અમે પોટ્સટાઉન, પેન્સિલ્વેનિયામાં પાછા ફર્યા અને ઘર ભાડે રાખ્યું. જેનું અમે દર મહિને ૨૫ ડૉલર ભાડું ચૂકવતા હતા. ત્યાર પછી ૩૦ વર્ષમાં ઘરનું ભાડું વધીને ફક્ત ૭૫ ડૉલર થયું. અમને લાગ્યું કે અમારું જીવન સાદું રાખવા યહોવાહ અમને મદદ કરી રહ્યાં હતા. (માત્થી ૬:૩૧-૩૩) રેલ્ફ એક અઠવાડિયામાં ત્રણ દિવસ વાળંદ તરીકે કામ કરતા હતા. દર અઠવાડિયે અમે અમારાં બે બાળકો સાથે બાઇબલ અભ્યાસ કરતા, મંડળકીય સભાઓમાં હાજરી આપતા અને કુટુંબ તરીકે રાજ્યના સુસમાચાર પ્રચાર કરતા હતા. રેલ્ફ સ્થાનિક મંડળમાં પ્રમુખ નિરીક્ષક તરીકે કામ કરતા હતા. અમારું જીવન સાદું રાખીને, અમે યહોવાહની સેવામાં વધુ બાબતો કરી શક્યા.
વહાલા સાથીને ગુમાવ્યો
મે ૧૭, ૧૯૮૧ના રોજ, અમે રાજ્યગૃહમાં બેસીને જાહેર ભાષણ સાંભળી રહ્યાં હતા. રેલ્ફને સારું લાગતું ન હતું, તેથી તે રાજ્યગૃહની બહાર ગયા. અને એટેન્ડન્ટે આવીને મને એક ચિઠ્ઠી આપી, જેમાં લખેલું હતું કે એ ઘરે જાય છે. રેલ્ફે કદી પણ આવું કર્યું ન હતું, આથી મેં કોઈકને મને ઘરે મૂકી જવાનું કહ્યું. રેલ્ફ એક જ કલાકમાં સખત સ્ટ્રોકના કારણે મૃત્યુ પામ્યા. એ સવારે ચોકીબુરજ અભ્યાસના અંતે, મંડળમાં એવી જાહેરાત કરવામાં આવી કે તેમનું મરણ થયું છે.
એ મહિને તેમણે ૫૦ કરતાં વધારે કલાકો ક્ષેત્રસેવામાં કર્યા હતા. તેમની પાયોનિયર તરીકેની પૂરા સમયની કારકિર્દી ૪૬ કરતાં વધારે વર્ષની હતી. તેમણે સો કરતાં વધારે વ્યક્તિઓ સાથે બાઇબલ અભ્યાસ ચલાવ્યો હતો જેઓ છેવટે યહોવાહના બાપ્તિસ્મા પામેલા સાક્ષી બન્યા. ખરેખર, અમે જે આશીર્વાદો મેળવ્યા એની સામે આપેલા બલિદાનો કોઈ જ વિસાતમાં નથી.
મારા લહાવા માટે આભારી
છેલ્લા ૧૮ વર્ષોથી, હું એકલી રહું છું. હું સભાઓમાં હાજરી આપું છું. મારાથી બની શકે એટલો હું બીજાઓને પ્રચાર કરું છું અને દેવના શબ્દનો અભ્યાસ કરું છું. હવે હું વયોવૃદ્ધોના એપાર્ટમેન્ટમાં રહું છું. મારું પોતાનું થોડું ફર્નિચર છે અને ટૅલિવિઝન નહિ ખરીદવાનું મેં પસંદ કર્યું છે. પરંતુ મારું જીવન આત્મિકતાની સમૃદ્ધિથી ભરપૂર છે. મારા માબાપ અને મારા બે ભાઈઓ તેમના મરણ સુધી વિશ્વાસુ હતા. અને મારી બે બહેનો સત્યના માર્ગમાં વિશ્વાસુપણે ચાલી રહી છે.
મને આનંદ છે કે મારો દીકરો એલન ખ્રિસ્તી અધ્યક્ષ તરીકે સેવા કરી રહ્યો છે. ઘણાં વર્ષો તેણે રાજ્યગૃહ અને સંમેલનગૃહ બાંધવામાં કામ કર્યું છે. તેમ જ ઉનાળાના મહાસંમેલનોમાં સાઉન્ડ સીસ્ટમમાં કામ કર્યું છે. તેની પત્ની દેવની એક વફાદાર સેવિકાછે, અને તેમના બંને દીકરાઓ પણ અધ્યક્ષ તરીકે સેવા કરે છે. મારી દીકરી રીબેકા કારાસે પૂરા સમયના સેવાકાર્યમાં ૩૫ કરતાં વધારે વર્ષ પસાર કર્યા છે. તેણે બ્રુકલિનમાં યહોવાહના સાક્ષીઓના જગત મુખ્યમથકમાં ચાર વર્ષ કામ પણ કર્યું છે. તેણે અને તેના પતિએ યુનાઈટેડ સ્ટેટ્સના વિવિધ ભાગોમાં ૨૫ કરતાં વધારે વર્ષો પ્રવાસી કાર્યમાં પસાર કર્યા છે.
ઈસુએ કહ્યું કે રાજ્ય એક સંતાડેલા ખજાના જેવું છે કે જે શોધી શકાય છે. (માત્થી ૧૩:૪૪) હું બહુ આભારી છું કે મારા કુટુંબે ઘણાં વર્ષો પહેલાં આ ખજાનો શોધ્યો છે. કોઈ પણ પ્રકારના પસ્તાવા વગર ૮૦ વર્ષથી દેવની સમર્પિત સેવા કરવાનો કેવો લહાવો! હું મારું જીવન ફરીથી જીવી શકું એમ હોય તો, મને ફરીથી એ જ રીતે જીવવાનું ગમશે કારણે કે ખરેખર ‘દેવની કૃપા જીવન કરતાં ઉત્તમ છે.’—ગીતશાસ્ત્ર ૬૩:૩.
[ફુટનોટ]
^ ધ ફિનિશ્ડ મિનિસ્ટ્રી એ સ્ટડીઝ ઇન ધ સ્ક્રિપ્ચર્સનો સાતમો ગ્રંથ હતો, એમાંના છ ગ્રંથ ચાર્લ્સ ટેઝ રસેલ દ્વારા લખવામાં આવ્યા હતા. ધ ફિનિશ્ડ મિનિસ્ટ્રી પુસ્તક ભાઈ રસેલના મરણ પછી પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
[પાન ૨૩ પર ચિત્ર]
વર્ષ ૧૯૧૭માં અમે ઓહાયો, એલાયન્સમાં ભાઈ રધરફર્ડનો વાર્તાલાપ સાંભળ્યો
[પાન ૨૩ પર ચિત્ર]
રેલ્ફ સાથે તેણે બાંધેલા ટ્રેલર સામે
[પાન ૨૪ પર ચિત્ર]
આજે મારા બે બાળકો સાથે