સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યિઝ્રએલમાં તેઓને શું મળ્યું?

યિઝ્રએલમાં તેઓને શું મળ્યું?

યિઝ્રએલમાં તેઓને શું મળ્યું?

સદીઓથી પ્રાચીન યિઝ્રએલ શહેર વેરાન પડ્યું છે. બાઇબલ ઇતિહાસમાં એક વખત એ ખૂબ જ આગળ પડતું શહેર હતું. હવે, એનો અગાઉનો મહિમા રહ્યો નથી પરંતુ એક જર્જરિત હાલતમાં પડ્યું છે. તાજેતરના વર્ષોમાં પુરાતત્ત્વશાસ્ત્રીઓએ હાલના જર્જરિત યિઝ્રએલ પર શોધખોળ કરવાનું શરૂ કર્યું. એના ખંડેરો બાઇબલ અહેવાલ વિષે શું પ્રગટ કરે છે?

બાઇબલ સમયનું યિઝ્રએલ

યિઝ્રએલ ખીણના પૂર્વીય ભાગમાં આવેલું આ શહેર, પ્રાચીન ઈસ્રાએલ રાષ્ટ્રના સૌથી ફળદ્રુપ વિસ્તારમાં હતું. આ શહેર ન્યાયાધીશ ગિદઓન અને તેના સૈન્ય પર હુમલો કરવાની તૈયારી કરતી વખતે મોરેહ પર્વતની પાસે ઉત્તર ગમની ખીણમાં મિદ્યાનીઓએ જે છાવણી કરી હતી એની બરાબર સામે આવેલું હતું. પૂર્વ તરફ જતા, ગિલ્બોઆ પર્વત * પાસે હારોદનો ઝરો જોવા મળે છે. આ એ જગ્યા છે જ્યાં યહોવાહે ગિદઓનના સૈન્યના હજારો માણસોમાંથી કેવળ ૩૦૦ને પસંદ કર્યા હતા, જેથી તે શક્તિશાળી સૈન્ય બળ વગર પોતાના લોકોને છોડાવવા શક્તિમાન છે એ બતાવી શકે. (ન્યાયાધીશો ૭:૧-૨૫; ઝખાર્યાહ ૪:૬) પાસેના ગિલ્બોઆ પર્વત પર ઈસ્રાએલનો પ્રથમ રાજા શાઊલ એક નાટકીય યુદ્ધમાં પલિસ્તીઓ દ્વારા હારી ગયો. એ દરમિયાન યોનાથાન અને શાઊલના અન્ય પુત્રોમાંના બેને મારી નાખવામાં આવ્યા, અને શાઊલે પોતે આત્મહત્યા કરી.—૧ શમૂએલ ૩૧:૧-૫.

પ્રાચીન યિઝ્રએલ શહેરના બાઇબલ સંદર્ભો નોંધપાત્ર તફાવતો બતાવે છે. એમાં સત્તાના દુરુપયોગ વિષે અને ઈસ્રાએલી શાસકોના ધર્મત્યાગ વિષે જણાવવામાં આવ્યું છે સાથો સાથ યહોવાહના સેવકોના પક્ષે વિશ્વાસુ અને ઉત્સાહી લોકો વિષે પણ જણાવેલું છે. સમરૂન રાજધાની હોવા છતાં, રાજા આહાબે—દસમી સદી બી.સી.ઈ.ના સમાપ્તિ સમયમાં થઈ ગયેલ ઈસ્રાએલના ઉત્તરીય દશ-કુળીય રાજ્યનો શાસક—પોતાનો મહેલ યિઝ્રએલમાં બનાવ્યો હતો. (૧ રાજા ૨૧:૧) આ એ યિઝ્રએલ હતું જ્યાંથી આહાબની વિદેશી પત્નીએ યહોવાહના પ્રબોધક એલીયાહને મારી નાખવાની ધમકી આપી હતી. તે ખૂબ જ ગુસ્સે ભરાઈ હતી કારણ કે એલીયાહે નિર્ભયપણે કાર્મેલ પહાડ પર બઆલના પ્રબોધકો સામે સાચા દેવ કોણ છે એની કસોટીનો અમલ કર્યો હતો.—૧ રાજા ૧૮:૩૬-૧૯:૨.

પછી યિઝ્રએલમાં એક દુષ્કૃત્ય આચરવામાં આવ્યું. નાબોથ એક યિઝ્રએલીનું ખૂન કરવામાં આવ્યું. રાજા આહાબે નાબોથની દ્રાક્ષાવાડીની લાલસા રાખી. રાજાએ એ જમીનની માગણી કરી ત્યારે, નાબોથે વફાદારીપૂર્વક પ્રત્યુત્તર આપ્યો: “હું મારા પિતૃઓનું વતન તને આપું એવું યહોવાહ ન થવા દો.” આ સૈદ્ધાંતિક જવાબે આહાબને નાખુશ કર્યો. રાજાને ઉદાસ જોતા, રાણી ઈઝેબેલે ઢોંગી મુકદ્દમો ઊભો કરીને નાબાથ પર દુર્ભાષણ કર્યાનું તહોમત મૂક્યું. નિર્દોષ નાબોથને દોષિત ઠરાવીને પથ્થરથી મારી નાખવામાં આવ્યો અને રાજાએ તેની દ્રાક્ષાવાડી પોતાની કરી લીધી.—૧ રાજા ૨૧:૧-૧૬.

આ દુષ્કૃત્યને કારણે, એલીયાહે ભવિષ્યવાણી કરી હતી કે: “યિઝ્રએલના કોટ પાસે કુતરાં ઈઝેબેલને ખાશે.” વધુમાં પ્રબોધક જણાવે છે: “નગરમાં આહાબનું જે કોઇ મરશે તેને કુતરાં ખાશે . . . પણ આહાબ, જેણે પોતાની સ્ત્રી ઈઝેબેલના ઉશ્કેર્યાથી યહોવાહની દૃષ્ટિમાં જે ભૂંડું હતું તે કરવા સારૂ પોતાને વેચ્યો હતો, તેના જેવો તો કોઈ જ નહોતો.” તેમ છતાં, એલીયાહે યહોવાહના ન્યાયકરણની જાહેરાત કરી ત્યારે આહાબે પોતાને નમ્ર કર્યો હોવાથી, યહોવાહે જાહેર કર્યું કે એ શિક્ષા આહાબના જીવનકાળમાં આવશે નહિ. (૧ રાજા ૨૧:૨૩-૨૯) બાઇબલ અહેવાલ જણાવે છે કે એલીયાહના અનુગામી એલીશાના દિવસોમાં, યેહૂને ઈસ્રાએલના રાજા તરીકે અભિષિક્ત કરવામાં આવ્યો. યિઝ્રએલમાં આવતી વખતે, યેહૂએ આજ્ઞા કરી કે ઈઝેબેલને તેના મહેલની બારીમાંથી નીચે ફેંકી દેવામાં આવે અને તેને ઘોડાઓના પગ તળે ખૂંદવામાં આવે. પછીથી, જોવા મળ્યું કે વાંટામાંના કૂતરાઓએ તેની ખોપરી, પગ તથા હથેળીઓ સિવાય અન્ય કંઈ રહેવા દીધું નહોતું. (૨ રાજા ૯:૩૦-૩૭) છેલ્લો બાઇબલ બનાવ સીધેસીધો યિઝ્રએલ સાથે સંબંધિત છે જેમાં આહાબના ૭૦ પુત્રોનો ન્યાય કરવામાં આવે છે. યેહૂએ યિઝ્રએલના દરવાજાના નાકા આગળ આહાબના ઘરનાં પુરુષોના માથાંઓના બે મોટા ઢગલા કર્યા, ત્યાર પછી બાકી રહેલા સર્વ મુખ્ય પુરુષોને અને યાજકોને મારી નંખાવ્યા.—૨ રાજા ૧૦:૬-૧૧.

પુરાતત્ત્વશાસ્ત્રીઓને શું જોવા મળ્યું?

વર્ષ ૧૯૯૦માં યિઝ્રએલની જગ્યાએ ખોદકામની સંયુક્ત યોજના કરવામાં આવી. એ યોજનામાં ટેલ એવીવ યુનિવર્સિટીની (ડેવિડ યુસીસકીનના પ્રતિનિધિત્વ હેઠળ) સંસ્થાએ અને યરૂશાલેમમાંની બ્રિટીશ સ્કૂલ ઑફ આર્ક્યોલૉજીએ (જોન વુડહેડના પ્રતિનિધિત્વ હેઠળ) ભાગ લીધો. વર્ષ ૧૯૯૦-૯૬ દરમિયાન સાત સમયગાળા (છ સપ્તાહનો એક સમયગાળો) માટે, ૮૦થી ૧૦૦ સ્વયંસેવકોએ અહીં કામ કર્યું.

પુરાતત્ત્વશાસ્ત્રનો આધુનિક અભિગમ એ છે કે અગાઉથી કોઈ પણ વિચારો કે થીયરીની કલ્પના કર્યા વિના મળેલ સ્થાન પર પુરાવાની તપાસ કરવી. એ કારણે, શાસ્ત્રીય અહેવાલને પ્રમાણભુત ગણ્યા વિના પુરાતત્ત્વશાસ્ત્રીઓ આ બાઇબલ પ્રદેશમાં સંશોધન કરે છે. અન્ય સર્વ ઉદ્‍ભવો અને ભૌતિક પુરાવાની વિચારણા કરીને એને કાળજીપૂર્વક મૂલવવી જોઈએ. તેમ છતાં, જોન વુડહેડે જણાવ્યું તેમ, બાઇબલમાં થોડાંક પ્રકરણો સિવાય યિઝ્રએલ વિષે અન્ય કોઈ પ્રાચીન લેખિત પુરાવા નથી. એથી બાઇબલ અહેવાલો અને કાળવૃત્તાંતોને તપાસવા જ જોઈએ. પુરાતત્ત્વશાસ્ત્રીઓના સંશોધને શું પ્રગટ કર્યું?

કિલ્લેબંધી અને માટીકામ શોધી કાઢવામાં આવ્યું તેમ, એ ખંડેરની શરૂઆત કહેવાતા લોખંડી યુગ તરફ દોરી ગઈ, અને એણે બરાબર બાઇબલના યિઝ્રએલ સમયમાં લાવીને મૂક્યા. પરંતુ ખોદકામ ચાલુ રહ્યું તેમ, અનેક આશ્ચર્યકારક બાબતો જોવા મળી. પ્રથમ તો એ જગ્યાનું કદ અને એની જબરજસ્ત કિલ્લેબંધી હતી. પુરાતત્ત્વશાસ્ત્રીઓ આશા રાખતા હતા કે એ જગ્યાએ ઈસ્રાએલ રાજ્યની રાજધાની પ્રાચીન સમરૂનની જેમ કિલ્લેબંધી જોવા મળશે. છતાં, ખોદકામ ચાલું રહ્યું તેમ, સ્પષ્ટ થયું કે યિઝ્રએલ તો એકદમ મોટું હતું. એની દિવાલની કંઈક ૩૦૦ મીટર લંબાઈ ૧૫૦ મીટર પહોળાઈ હતી, એ સમયના ઈસ્રાએલમાં શોધી કાઢવામાં આવેલા અન્ય કોઈ પણ શહેર કરતાં ત્રણ ગણી મોટી કિલ્લેબંધી હતી. એની ફરતે સૂકી ખાઈ હતી, જે કિલ્લેબંધીથી ૧૧ મીટર ઊંડી હતી. પ્રાધ્યાપક યુસીસકીન અનુસાર, આ ખાઇ બાઇબલ સમયનું અપવાદરૂપ પાસું હતું. તેમણે કહ્યું “ધર્મયોદ્ધાઓના સમય સુધી ઈસ્રાએલમાં અમે આના જેવું કંઈ શોધી શક્યા નહોતા.”

બીજું એક અનપેક્ષિત પાસું એ હતું કે શહેરની વચ્ચોવચ્ચ મોટા બાંધકામ થયા નહોતા. શહેરના બાંધકામ સમયે મોટા પ્રમાણમાં લાલાશ પડતી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેથી સપાટી ઊંચી—મોટા પાયા કે ઓટલાની જેમ—કરવામાં આવે. ટેલ યિઝ્રએલમાંના ખોદકામ પરના સેકન્ડ પ્રિલીમિનરી રિપોર્ટએ ટીકા કરી કે આ આગળ પડતો પાયો પુરાવો આપી શકે કે યિઝ્રએલ કેવળ રાજાનું નિવાસસ્થાન જ નહોતું. એણે કહ્યું: “અમને એમ લાગે છે કે યિઝ્રએલ ઓમ્રીડ [ઓમ્રી અને તેના વંશજો] રાજાઓના સમયમાં રાજવી ઈસ્રાએલી સૈન્ય માટેનું કેન્દ્ર હતું . . . જ્યાં રાજવી રથો અને ઘોડેસવારો રાખવામાં આવતા હતા અને તાલીમ આપવામાં આવતી હતી.” આ ઊંચા કરવામાં આવેલા પાયાની સાથો સાથ એની કિલ્લેબંધીને જોતાં, વુડહેડ વિચારે છે કે એ સમયે મધ્યપૂર્વમાં સૌથી મોટા સૈન્ય બળની શક્તિ બતાવવા માટે એ પરેડ માટેનું મેદાન પણ હોય શકે.

શહેરના દરવાજાની ખોદી કાઢેલ અન્ય વસ્તુઓ પણ પુરાતત્ત્વશાસ્ત્રીઓ માટે ખાસ રસનો વિષય હતી. એ બતાવે છે કે પ્રવેશદ્વારે ચાર દેવડીઓવાળા દરવાજા હતા. તેમ છતાં, સદીઓ અગાઉ ત્યાંના ઘણાં પથ્થરો લૂંટી લેવામાં આવ્યા હોવાથી, યોગ્ય નિર્ણય કરી શકાયો નથી. વુડહેડ વિચારે છે કે મગિદ્દો, હાઝોર અને ગેઝારમાં મળી આવ્યા છે એવા એ કદના છ દરવાજા હતા. *

શક્તિશાળી સૈન્યબળ અને ભૌતિક રીતે સમૃદ્ધ હોવા છતાં શા માટે એ થોડો જ સમય ટક્યું એ બાબતે પુરાતત્ત્વશાસ્ત્રીઓ આશ્ચર્ય વ્યક્ત કરે છે. વુડહેડ ભાર મૂકે છે કે જબરજસ્ત કિલ્લેબંધીવાળા શહેર તરીકે, યિઝ્રએલનું ફક્ત થોડાક દાયકાઓ સુધી જ અસ્તિત્વ રહ્યું. એ ઈસ્રાએલમાંના અન્ય મહત્ત્વના ઘણા બાઇબલ પ્રદેશોથી એકદમ અલગ પડે છે, જેમ કે મગિદ્દો, હાસોર અને પાટનગર સમરૂન કે જેઓનું ભિન્‍ન સમયગાળાઓમાં અવારનવાર પુનઃબાંધકામ, વિસ્તૃતીકરણ અને વસાવવામાં આવ્યું. તો પછી શા માટે આ આદર્શ સ્થળ આટલું જલદી પડી ભાંગ્યું? વુડહેડ અનુમાન કરે છે કે આહાબ અને તેના વંશજો રાષ્ટ્રની સંપત્તિ ઉડાવી દઈને આર્થિક રીતે ખરાબ દશામાં આવી ગયા હશે. એ બાબત યિઝ્રએલના મોટા કદ અને શક્તિથી જોઈ શકાય છે. યેહૂના નવા રાજ્યશાસન હેઠળ શક્યપણે આહાબની યાદગીરીને દૂર કરવામાં આવી હશે અને એ કારણે લોકોએ શહેરને છોડી દીધું હશે.

ખોદી કાઢેલા સર્વ પુરાવાઓએ સાબિતી આપી કે લોખંડીયુગના સમયગાળામાં યિઝ્રએલ, ઈસ્રાએલીઓ માટે કેન્દ્ર સમાન હતું. એનું કદ અને કિલ્લેબંધી બાઇબલમાં બતાવવામાં આવેલા વર્ણન સાથે બંધબેસે છે જ્યાં આહાબ અને ઇઝેબેલનો શાહી મહેલ હતો જેમાં તેઓ રહેતા હતા. આ સમયગાળા દરમિયાન એની ઓછી વસ્તી વિષેનો બાઇબલ અહેવાલ શહેર સાથે મેળ ખાય છે: આહાબના શાસનકાળ દરમિયાન એ પ્રતિષ્ઠિત થયું, પરંતુ યહોવાહની આજ્ઞાને કારણે એણે પોતાની પ્રતિષ્ઠા ગુમાવી જ્યારે યેહૂએ “યિઝ્રએલમાં આહાબના ઘરનાં બાકી રહેલાં સર્વને, તેના સર્વ મુખ્ય પુરુષોને, તેના પરિચિત મિત્રોને, તથા તેના યાજકોને એક પણ માણસ બાકી ન રહે ત્યાં સુધી મારી નાખ્યા.”—૨ રાજા ૧૦:૧૧.

યિઝ્રએલનો કાળવૃત્તાંત

“પુરાતત્ત્વશાસ્ત્રમાં તારીખ માટે એક નિશ્ચિત આધાર મેળવવો ખૂબ જ મુશ્કેલ છે,” જોન વુડહેડ સ્વીકારે છે. સાત વર્ષના ખોદકામના પરિણામે પુરાતત્ત્વશાસ્ત્રીઓએ સર્વેક્ષણ કર્યું તેમ, તેઓ આની અન્ય પુરાતત્ત્વીય જગ્યાઓની શોધખોળ સાથે સરખામણી કરે છે. એ પુનઃમૂલ્યાંકન અને ચર્ચા તરફ દોરી ગયું. શા માટે? કારણ કે ઈસ્રાએલી પુરાતત્ત્વશાસ્ત્રી યીગાએલ યાડીને ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકાની શરૂઆત દરમિયાન મગિદ્દોમાં ખોદકામ કર્યું ત્યારે, પુરાતત્ત્વીય જગતના ઘણા લોકો પાકી ખાતરીપૂર્વક માનતા હતા કે તેણે શોધેલ કિલ્લેબંધી અને શહેરના દરવાજાઓ રાજા સુલેમાનના સમયગાળાના હતા. હવે યિઝ્રએલમાં શોધી કાઢવામાં આવેલ કિલ્લેબંધી, માટીકામ અને દરવાજાઓ કેટલાક માટે છેવટે આ ગૂંચવણો ઊભી થવાનું કારણ બન્યું છે.

દાખલા તરીકે, યિઝ્રએલમાં મળી આવેલ માટીકામ મગિદ્દોમાંના ખડકને મળતું આવે છે જેને યાદિન સુલેમાનના શાસન સાથે સાંકળે છે. બંને જગ્યાઓના બારણાની રચના અને માપ સરખા હોય એમ લાગે છે. વુડહેડ કહે છે: “સર્વ પુરાવાઓ સુલેમાનના સમયગાળામાં અથવા તો આહાબના સમયગાળા [મગિદ્દો અને હાસોર] તરફ ધ્યાન દોરે છે.” બાઇબલ યિઝ્રએલની જગ્યાને આહાબના સમય સાથે સાંકળે છે ત્યારે, વુડહેડ એ સ્વીકારવું વ્યાજબી સમજે છે કે ખોદકામ દ્વારા મળી આવેલી વસ્તુઓ આહાબના શાસનકાળ તરફ આંગળી ચીંધે છે. ડેવિડ યુસીસકીન સહમત થાય છે: “બાઇબલ કહે છે કે સુલેમાને મગિદ્દો બાંધ્યું—એણે એમ ન કહ્યું કે તેણે એ જ દરવાજાઓ બાંધ્યા હતા.”

શું યિઝ્રએલનો ઇતિહાસ જાણી શકાય?

શું આ પુરાતત્ત્વીય શોધખોળ અને પછીથી કરવામાં આવેલી ચર્ચાઓ બાઇબલના યિઝ્રએલ અથવા સુલેમાનના અહેવાલ પર શંકા લાવે છે? વાસ્તવમાં, પુરાતત્ત્વીય વાદવિવાદ બાઇબલ અહેવાલ પર થોડુંક જ ધ્યાન દોરે છે. પુરાતત્ત્વશાસ્ત્ર બાઇબલમાં જણાવેલી બાબતો કરતાં ભિન્‍ન આધાર પર શોધખોળ કરે છે. એ ભિન્‍ન પ્રશ્નો અને ભિન્‍ન મહત્ત્વ પર ભાર મૂકે છે. કોઈક વ્યક્તિ બાઇબલ વિદ્યાર્થી અને પુરાતત્ત્વશાસ્ત્રીની સમાન માર્ગે જતા પ્રવાસીઓ સાથે સરખામણી કરી શકે. એક પ્રવાસી ફળિયામાં વાહન ચલાવે છે, જ્યારે બીજો ફૂટપાથ પર ચાલે છે. તેઓનું ધ્યાન અને વિચાર ભિન્‍ન હોય છે. છતાં, તેઓના વિચારો ઘણી વાર વિરોધાભાસીને બદલે પૂરક હોય છે. બંને પ્રવાસીઓની સરખામણી આકર્ષક અંતદૃષ્ટિ તરફ દોરી જાય છે.

બાઇબલ પ્રાચીન બનાવો અને લોકોનો લેખિત અહેવાલ ધરાવે છે; પુરાતત્ત્વશાસ્ત્રીઓ પેટાળમાં હજુ પણ રહેલી વસ્તુઓને તપાસીને આ બનાવો અને લોકો વિષેની માહિતીને તાજી કરવાનો પ્રયાસ કરે છે. તેમ છતાં, આ સામાન્ય રીતે એકદમ અધૂરું અને ભિન્‍ન અર્થ ધરાવે છે. આ સંબંધી, પોતાના પુસ્તક આર્કીઓલૉજી ઑફ ધ લૅન્ડ ઑફ ધ બાઇબલ—૧૦,૦૦૦-૫૮૬ બી.સી.ઈ.માં આમીહી મઝર ટીકા કરે છે: “પુરાતત્ત્વ ક્ષેત્ર . . . એક કળા ઉપરાંત તાલીમ અને ધંધાકીય આવડત સંબંધી ખૂબ જ વિશાળ છે. કોઈ પણ પદ્ધતિ સફળતાની ખાતરી આપતું નથી પરંતુ એ ક્ષેત્રના નિર્દેશકો દ્વારા મળતા લવચીક તથા સર્જનાત્મક વિચાર માત્ર છે. પુરાતત્ત્વશાસ્ત્રીની લાક્ષણિકતા, સમજણ તથા બુદ્ધિ તેમની તાલીમ અને ઉપલબ્ધ સાધનો કરતાં ઓછા મહત્ત્વના નથી.”

પુરાતત્ત્વખાતાને યિઝ્રએલની મુખ્ય રાજશાહી અને સૈન્યબળના અસ્તિત્વની ખાતરી છે, જેનો આહાબના રાજ્યકાળ દરમિયાન આશ્ચર્યકારક રીતે ટૂંક જ સમયમાં નાશ થયો હતો—જેમ બાઇબલ જણાવે છે. અન્ય ઘણા ગૂંચવણભર્યા પ્રશ્નો પણ ઊભા થયા છે જેનો અભ્યાસ પુરાતત્ત્વશાસ્ત્રીઓ વર્ષો સુધી કરશે. છતાં, દેવનો શબ્દ બાઇબલ સ્પષ્ટ રીતે કહેવાનું ચાલુ રાખે છે અને આપણને એવી હકીકત જણાવે છે જે પુરાતત્ત્વખાતું પણ કદી જણાવી શકશે નહિ.

[ફુટનોટ્‌સ]

^ ગુજરાતી બાઇબલમાં “ગિલઆદ પર્વત” જણાવ્યું છે.

^ ઑગસ્ટ ૧૫, ૧૯૮૮ના ધ વૉચટાવરમાં “દરવાજાઓનું રહસ્ય” લેખ જુઓ.

[પાન ૨૬ પર ચિત્રો]

યિઝ્રએલમાં પુરાતત્ત્વીય ખોદકામ

[પાન ૨૮ પર ચિત્ર]

યિઝ્રએલમાં મળી આવેલ કનાની મૂર્તિ