સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઠપકાને સ્વીકારનાર એક આદર્શ પુરુષ

ઠપકાને સ્વીકારનાર એક આદર્શ પુરુષ

ઠપકાને સ્વીકારનાર એક આદર્શ પુરુષ

“ઝાંબિયાના મગર એક મહિનામાં ૩૦ લોકોને હજમ કરી જાય છે.” ઘણાં વર્ષો અગાઉ આફ્રિકાના એક વર્તમાનપત્રમાં આ અહેવાલ આવ્યો હતો. આ પેટે ચાલનાર પ્રાણીનો અભ્યાસ કરવા કેટલાક મગરને પકડી લેનાર એક પ્રાણીશાસ્ત્રી અનુસાર, “એક મગરને પકડી રાખવા ૧૨ માણસની જરૂર પડી.” એની શક્તિશાળી પૂંછડી અને સખત વિશાળ જડબાને લીધે, મગર ભયાનક પ્રાણી બની શકે!

દેખીતી રીતે, પોતાના સેવક અયૂબને મહત્ત્વનો બોધપાઠ શીખવવા, ઉત્પન્‍નકર્તાએ “મગરનો” ઉલ્લેખ કરીને, આ ‘સર્વ ગર્વિષ્ટ પ્રાણીઓના રાજાʼનો ઉપયોગ કર્યો. (અયૂબ ૪૧:૧, ૩૪) ઉત્તર અરેબિયાના ઉઝ દેશના એક વિસ્તારમાં, લગભગ ૩૫૦૦ વર્ષો અગાઉ આ બન્યું. આ પ્રાણીનું વર્ણન કરતા, દેવે અયૂબને જણાવ્યું: “તેને છંછેડીને ઉઠાડવાની હિમ્મત ધરે એવો કોઈ શૂરવીર નથી; તો મારી આગળ ઊભો રહી શકે એવો કોણ છે?” (અયૂબ ૪૧:૧૦) કેટલું સાચું! આપણે મગરથી જ બીતા હોઈએ તો, એને ઉત્પન્‍ન કરનાર વિરુદ્ધ કંઈક બોલતા આપણે કેટલો ભય રાખવો જોઈએ! અયૂબે પણ આ જ બાબતને ધ્યાનમાં રાખી પોતાની ભૂલોને કબૂલી અને આ ઠપકા માટે કદર બતાવી.—અયૂબ ૪૨:૧-૬.

અયૂબનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે, આપણે પરીક્ષણ સહન કરવામાં તેમનું વિશ્વાસુ ઉદાહરણ યાદ કરી શકીએ. (યાકૂબ ૫:૧૧) વાસ્તવમાં તો, અયૂબના વિશ્વાસની આકરી કસોટી થઈ એ પહેલા જ યહોવાહ અયૂબથી ખુશ હતા. દેવની નજરમાં, એ સમયે “તેના જેવો નિર્દોષ તથા પ્રામાણિક, ઈશ્વરભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ” ન હતો. (અયૂબ ૧:૮) એ કારણે આપણે અયૂબ વિષે વધુ શીખવા દોરાવા જોઈએ, કેમ કે આપણે એમ કરીશું તેમ એ આપણને પણ દેવને કઈ રીતે ખુશ કરી શકીએ એ જોવામાં મદદ કરશે.

દેવ સાથેના સંબંધને પ્રથમ સ્થાન

અયૂબ ધનવાન માણસ હતા. સોના ઉપરાંત, તેમની પાસે ૭૦૦૦ ઘેટાં, ૩૦૦૦ ઊંટો, ૫૦૦ ગધેડીઓ, ૧૦૦૦ બળદો તથા ઘણા બધા નોકર-ચાકરો હતા. (અયૂબ ૧:૩) પરંતુ અયૂબે યહોવાહ પર ભરોસો મૂક્યો, ધનદોલત પર નહિ. તેમણે વિચારદલીલ કરી: “જો મેં સોના પર ભરોસો રાખ્યો હોય, અને જો ચોખ્ખા સોનાને મેં મારો આધાર માન્યો હોય; જો મારૂં ધન ઘણું હોવાને લીધે, તથા મારે હાથે ઘણું મેળવ્યું તેને લીધે હું કદી હરખાયો હોઉં; . . . તો એ દોષ પણ ન્યાયાધીશોની શિક્ષાને પાત્ર હોત; કેમકે ઉચ્ચસ્થાનમાં રહેનાર દેવનો મેં ઇનકાર કર્યો હોત.” (અયૂબ ૩૧:૨૪-૨૮) અયૂબની જેમ, આપણે પણ ભૌતિક બાબતો કરતાં યહોવાહ દેવ સાથેના ગાઢ સંબંધને વધારે મહત્ત્વનો ગણવો જોઈએ.

સાથી માનવો સાથેનો વાજબી વ્યવહાર

અયૂબ પોતાના નોકર-ચાકરો સાથે કઈ રીતે વર્ત્યા હતા? તેઓને અયૂબ બિનપક્ષપાતી અને જેની સાથે સહેલાયથી વાત કરી શકાય એવા લાગ્યા, એનો ઉલ્લેખ અયૂબના પોતાના શબ્દોમાં જોવા મળે છે: “જ્યારે મારા દાસને કે મારી દાસીને મારી સાથે તકરાર થઈ હોય, ત્યારે મેં તેમનો દાવો તુચ્છ ગણ્યો હોય; તો, જ્યારે ઈશ્વર ઊભો થાય, ત્યારે હું શું કરૂં? અને તે મારી પાસે જવાબ માગે ત્યારે હું તેને શો ઉત્તર આપું?” (અયૂબ ૩૧:૧૩, ૧૪) અયૂબે યહોવાહની દયાનું મૂલ્યાંકન કર્યું અને તેથી પોતાના નોકરો સાથે પણ તે દયાળુ રીતે વર્ત્યા. આપણા માટે તથા ખાસ કરીને ખ્રિસ્તી મંડળમાં આગેવાની લેનારા નિરીક્ષકો માટે કેવું સુંદર ઉદાહરણ! તેઓ પણ ન્યાયી, નિષ્પક્ષ અને સહેલાયથી વાતચીત કરવા પહોંચી શકાય એવા હોવા જોઈએ.

અયૂબે પોતાના કુટુંબ સિવાયની વ્યક્તિઓ પ્રત્યે પણ રસ બતાવ્યો. બીજાઓ પ્રત્યે ચિંતા પ્રગટ કરતા, તેમણે કહ્યું: “જો ગરીબોને મેં આશાભંગ કર્યા હોય, અને વિધવાની આંખોને નિરાશ કરી હોય; . . . જો દરવાજામાં બેઠેલા ન્યાયાધીશોને મારા પક્ષના જાણીને મેં અનાથની વિરૂદ્ધ મારો હાથ ઉઠાવ્યો હોય; તો મારો ભુજ ખભામાંથી ખરી પડો, અને મારો હાથ ભાંગી જાઓ.” (અયૂબ ૩૧:૧૬-૨૨) ચાલો આપણે પણ મંડળની લાચાર વ્યક્તિઓ પ્રત્યે ધ્યાન આપીએ.

પોતાના સાથી માનવોમાં બિનસ્વાર્થી રસ ધરાવતા હોવાને કારણે, અયૂબ અજાણ્યાઓ પ્રત્યે પરોણાગત બતાવનાર હતા. તેથી તે કહી શક્યા: “પરદેશીને માર્ગમાં ઉતારો કરવો પડતો નહોતો; પણ મુસાફરને માટે મારાં બારણાં હમેશાં ઉઘાડાં હતા.” (અયૂબ ૩૧:૩૨) આજે દેવના સેવકો માટે એ કેવું સુંદર ઉદાહરણ છે! બાઇબલ સત્યમાં રસ ધરાવનાર કોઈ નવી વ્યક્તિ રાજ્યગૃહમાં આવે ત્યારે, તેઓનો સારી રીતે આવકાર કરવાથી, આપણે તેઓની આત્મિક પ્રગતિમાં ફાળો આપી શકીએ. ઉપરાંત, પ્રવાસી નિરીક્ષકો અને બીજા ખ્રિસ્તીઓને પણ આપણી પ્રેમાળ પરોણાગતની જરૂર છે.—૧ પીતર ૪:૯; ૩ યોહાન ૫-૮.

અયૂબ પોતાના દુશ્મનો પ્રત્યે પણ યોગ્ય દૃષ્ટિ રાખતા હતા. તેમને ધિક્કારનારાઓ પર મુશ્કેલી આવી પડતી ત્યારે એમાં તે આનંદ માણતા ન હતા. (અયૂબ ૩૧:૨૯, ૩૦) એને બદલે, તે આવા લોકોનું ભલું કરવા ઇચ્છતા હતા, એ પોતાને જૂઠો દિલાસો દેનાર, ત્રણ વ્યક્તિઓ માટે પ્રાર્થના કરવાની તેમની તૈયારી પરથી જોવા મળે છે.—અયૂબ ૧૬:૨; ૪૨:૮, ૯; સરખાવો માત્થી ૫:૪૩-૪૮.

નૈતિક રીતે શુદ્ધ

અયૂબ પોતાની પત્ની પ્રત્યે વફાદાર હતા, તેમણે પોતાના હૃદયમાં કદી બીજી સ્ત્રીઓ પ્રત્યે અયોગ્ય લાગણીઓ વિકસાવી ન હતી. અયૂબે કહ્યું: “મેં મારી આંખો સાથે કરાર કર્યો છે; મારે કુમારિકા પર નજર શા માટે કરવી જોઇએ? જો મારૂં મન કોઈ સ્ત્રી ઉપર લોભાયું હોય, જો હું મારા પડોશીના બારણા પાસે લાગ જોઈને છુપાઈ રહ્યો હોઉં; તો મારી વહુ બીજાનાં દળણાં દળે, અને તે બીજા પુરુષની થઈ જાય. કેમકે એ તો અઘોર કુકર્મ કહેવાય; હા, એ અન્યાય તો ન્યાયાધીશોને હાથે શિક્ષાપાત્ર છે.”—અયૂબ ૩૧:૧, ૯-૧૧.

આમ, અયૂબે પોતાના હૃદયને ભ્રષ્ટ કરનાર અનૈતિક ઇચ્છાઓ પર કાબૂ મેળવ્યો અને તે ઉન્‍નત કરતા માર્ગમાં ચાલ્યા. એમાં કંઈ આશ્ચર્યની બાબત નથી કે યહોવાહ દેવ આ વિશ્વાસુ માણસથી ખુશ હતા કે જેમણે અનૈતિકતાની લાલચો વિરુદ્ધ લડત આપી!—માત્થી ૫:૨૭-૩૦.

કુટુંબની આત્મિકતાની કાળજી લેનાર

ઘણી વખત, અયૂબના પુત્રો મિજબાનીની ગોઠવણ કરતા હતા કે જેમાં તેમના દરેક પુત્રો અને પુત્રીઓ હાજર રહેતા હતા. આ મિજબાનીના દિવસો પૂરા થયા પછી, અયૂબ ખૂબ ચિંતા કરતા હતા કે પોતાનાં બાળકોએ કોઈ પણ રીતે યહોવાહ વિરુદ્ધ પાપ તો નહિ કર્યું હોય ને. તેથી અયૂબે પગલાં લીધાં, જેમ શાસ્ત્રીય અહેવાલ જણાવે છે: “તેઓની ઉજાણીના દિવસો વીત્યા પછી અયૂબ તેમને તેડાવી ને પવિત્ર કરતો, અને પરોઢિયે ઊઠીને તે સર્વની ગણતરી પ્રમાણે દરેકને માટે દહનીયાર્પણ કરતો; તે કહેતો, કે કદાપી મારા પુત્રોએ પાપ કરીને પોતાના હૃદયમાં દેવનો ઇનકાર કર્યો હોય. અયૂબ એ પ્રમાણે હંમેશ કરતો હતો.” (અયૂબ ૧:૪, ૫) અયૂબના આ પગલાથી તેના કુટુંબના સભ્યોને ખબર પડી જ હશે કે અયૂબ ઇચ્છે છે કે પોતાનું કુટુંબ યહોવાહનો ભય રાખે અને તેમના માર્ગમાં ચાલે!

આજે, દરેક કુટુંબના શિરે પોતાના કુટુંબને, દેવના શબ્દ બાઇબલનું શિક્ષણ આપવાની જરૂર છે. (૧ તીમોથી ૫:૮) અને કુટુંબના સભ્યો માટે પણ પ્રાર્થના કરવી જરૂરી છે.—રૂમી ૧૨:૧૨.

વફાદારીપૂર્વક પરીક્ષણો સહન કર્યાં

મોટા ભાગના બાઇબલ વાચકો અયૂબ પર આવેલાં ભયંકર પરીક્ષણોથી વાકેફ છે. શેતાન, ડેવિલે દાવો કર્યો હતો કે જો અયૂબ પર પરીક્ષણો લાવવામાં આવે તો તે દેવને શાપ આપશે. યહોવાહે આ પડકારને સ્વીકારી લીધો અને બિલકુલ મોડું કર્યા વગર શેતાન અયૂબ પર વિપત્તિઓ લાવ્યો. એમાં અયૂબે પોતાનાં બધાં જ જાનવરો ગુમાવી દીધાં. એનાથી પણ વધુ પીડાકારક તો, તેમણે પોતાનાં બધાં જ બાળકોને મરણમાં ગુમાવી દીધાં. એ પછી તરત, શેતાને અયૂબના પગથી માથાની ટાલ સુધી ગૂમડાંનું દુઃખદાયક દરદ ઉત્પન્‍ન કર્યું.—અયૂબ, પ્રકરણ ૧,.

એનું પરિણામ શું આવ્યું? તેમની પત્નીએ તેમને દેવને શાપ આપવા જણાવ્યું ત્યારે, અયૂબે કહ્યું: “કોઇએક અધર્મી સ્ત્રીની પેઠે તું બોલે છે શું? આપણે દેવના હાથથી સુખ જ સ્વીકારીએ, અને દુઃખ ન સ્વીકારીએ?” બાઇબલ અહેવાલ ઉમેરે છે: “એ સર્વમાં અયૂબે પોતાના મોંથી પાપ ન કર્યું.” (અયૂબ ૨:૧૦) હા, અયૂબે વિશ્વાસુપણે સહન કર્યું અને ડેવિલને જૂઠો સાબિત કર્યો. ચાલો આપણે પણ એ જ પ્રમાણે પરીક્ષણો સહન કરીએ અને પુરવાર કરીએ કે આપણે દેવની સેવા યહોવાહ માટેના નિસ્વાર્થ પ્રેમને કારણે કરીએ છીએ.—માત્થી ૨૨:૩૬-૩૮.

નમ્રતાથી ઠપકાને સ્વીકાર્યો

અયૂબ ઘણી રીતોએ આદર્શરૂપ હતા છતાં, તે સંપૂર્ણ માણસ ન હતા. તેમણે પોતે કહ્યું: “જો અશુદ્ધમાંથી શુદ્ધ ઉત્પન્‍ન થાય તો કેવું સારૂં! પણ એવું બનવું અશક્ય છે.” (અયૂબ ૧૪:૪; રૂમી ૫:૧૨) તેથી દેવે કહ્યું કે અયૂબ નિર્દોષ હતા ત્યારે, તેમના કહેવાનો અર્થ એ હતો કે દેવ અપૂર્ણ અને પાપી માનવ સેવકો પાસે જેની અપેક્ષા રાખતા હતા એ પ્રમાણે અયૂબ જીવ્યા. કેવો ઉત્તેજનનો ઉદ્‍ભવ!

અયૂબે પરીક્ષણો સહન કર્યા, પરંતુ એ જ સમયે તેમનામાં એક ખામી પણ દેખાઈ આવી. તેમના પર આવેલી બધી આપત્તિઓ વિષે સાંભળીને, ત્રણ કહેવાતા દિલાસો દેનારાઓ મુલાકાતે આવ્યા. (અયૂબ ૨:૧૧-૧૩) તેઓએ દાવો કર્યો કે યહોવાહે તેમને તેમણે કરેલાં ભયંકર પાપો માટે સજા ફટકારી હતી. સ્વાભાવિક રીતે જ, આ ખોટા દોષારોપણોથી અયૂબને ખૂબ દુઃખ પહોંચ્યું અને તે બચાવ કરવા તરત બોલી ઊઠ્યા. પરંતુ તે પોતાને ન્યાયી ઠેરવવાના પ્રયત્નમાં અસમતોલ બન્યા. એટલા માટે કે, અયૂબે સૂચવ્યું તેમ તે દેવ કરતાં વધુ ન્યાયી હતા!—અયૂબ ૩૫:૨, ૩.

દેવ અયૂબને ચાહતા હોવાથી, તેમણે અયૂબની ભૂલને બતાવવા એક યુવાન માણસનો ઉપયોગ કર્યો. અહેવાલ કહે છે: “અલીહૂને અયૂબ પર ક્રોધ ચઢ્યો, કેમકે તેણે દેવ કરતાં પોતાને ન્યાયી ઠરાવ્યો.” અલીહૂએ જોયું તેમ: “અયૂબે કહ્યું છે, કે હું ન્યાયી છું, અને ઇશ્વરે મારો હક ડુબાવ્યો છે.” (અયૂબ ૩૨:૨; ૩૪:૫) તેમ છતાં, અલીહૂ ત્રણ “દિલાસો આપનાર” સાથે જૂઠો નિષ્કર્ષ કાઢવામાં જોડાયા નહિ કે દેવે અયૂબને તેમના પાપોની શિક્ષા કરી હતી. એને બદલે, અલીહૂએ અયૂબના વિશ્વાસુપણામાં ભરોસો વ્યક્ત કર્યો અને તેમને સલાહ આપી: “તારો દાવો તો [યહોવાહ] આગળ છે, માટે તું તેની વાટ જો.” ખરેખર, અયૂબે પોતાનો બચાવ કરવા અવિચારીપણે બોલવાને બદલે યહોવાહની વાટ જોવાની જરૂર હતી. અલીહૂએ અયૂબને ખાતરી આપી: “[દેવ] ઇન્સાફને ઊંધો વાળશે નહિ.”—અયૂબ ૩૫:૧૪; ૩૭:૨૩.

અયૂબને પોતાના વિચારો બદલવાની જરૂર હતી. તેથી, દેવની મહાનતા સાથે સરખાવતા માણસ કંઈ વિસાતમાં નથી એ વિષે યહોવાહે તેમને શિખામણ આપી. યહોવાહે પૃથ્વી, સમુદ્ર, તારાચ્છાદિત આકાશો, પ્રાણીઓ, અને સૃષ્ટિની બીજી ઘણી અદ્‍ભુત બાબતો વિષે જણાવ્યું. છેલ્લે, દેવે મગરની વાત કરી. અયૂબે નમ્રતાથી આ ઠપકાને સ્વીકાર્યો, અને આ રીતે તેમણે ફરીથી એક સારું ઉદાહરણ બેસાડ્યું.

આપણે યહોવાહની સેવામાં ગમે તેટલું સારું કરતા હોઈએ છતાં, આપણે ભૂલો તો કરીએ જ છીએ. આપણી ભૂલ ગંભીર હોય તો, યહોવાહ કોઈ પણ રીતે આપણને સુધારી શકે. (નીતિવચન ૩:૧૧, ૧૨) જેમ કે આપણા અંતઃકરણને સ્પર્શતું કોઈ શાસ્ત્રવચન આપણને યાદ આવી શકે. કદાચ ચોકીબુરજ કે વૉચટાવર સંસ્થાના કેટલાક બીજાં પ્રકાશનોમાં એવું કંઈક વાંચવામાં આવે કે જે આપણને આપણી ભૂલ વિષે ભાન કરાવે. અથવા શક્ય છે કે કોઈ સાથી ખ્રિસ્તી આપણે કોઈ બાઇબલ સિદ્ધાંત લાગુ પાડવામાં નિષ્ફળ ગયા હોય એ વિષે બતાવે. આવી શિખામણને આપણે કેવો પ્રત્યાઘાત પાડીશું? અયૂબે આમ કહેતા પશ્ચાત્તાપનો આત્મા બતાવ્યો: “તેથી હું મારી જાતથી કંટાળું છું, અને ધૂળ તથા રાખમાં બેસીને પશ્ચાત્તાપ કરૂં છું.”—અયૂબ ૪૨:૬.

યહોવાહે બદલો આપ્યો

યહોવાહે પોતાના સેવક, અયૂબને બીજા ૧૪૦ વર્ષ જીવવાની છૂટ આપીને, બદલો આપ્યો. એ સમય દરમિયાન, તેમણે જે ગુમાવ્યું હતું એ કરતાં કેટલુંય વધારે મેળવ્યું. અને છેવટે અયૂબ મરણ પામ્યા છતાં, તેમને દેવની નવી દુનિયામાં પુનરુત્થાનની ખાતરી છે.—અયૂબ ૪૨:૧૨-૧૭; હઝકીએલ ૧૪:૧૪; યોહાન ૫:૨૮, ૨૯; ૨ પીતર ૩:૧૩.

આપણે દેવની વફાદારીથી સેવા કરીએ અને આપણને મળતી બાઇબલ આધારિત દરેક શિખામણને સ્વીકારીએ તો, આપણે પણ દેવની કૃપા અને આશીર્વાદોની ખાતરી રાખી શકીએ. પરિણામે, આપણને દેવની નવી વસ્તુવ્યવસ્થામાં જીવવાની પાકી આશા હશે. એથી વધુ મહત્ત્વનું તો, આપણે દેવને આદર આપીશું. આમ, આપણી વિશ્વાસુ વર્તણૂકનો બદલો મળશે અને એ બાબત સાબિત થશે કે દેવના લોકો, સ્વાર્થી કારણોસર નહિ, પરંતુ હૃદયપૂર્વકના પ્રેમના કારણે તેમની સેવા કરે છે. નમ્રતાથી ઠપકાને સ્વીકારનાર વફાદાર અયૂબે કર્યું તેમ, યહોવાહના હૃદયને આનંદ પમાડવાનો આપણી પાસે કેવો સુંદર લહાવો છે!—નીતિવચન ૨૭:૧૧.

[પાન ૨૬ પર ચિત્રો]

અયૂબે અનાથો, વિધવાઓ અને બીજાઓ પ્રત્યે પ્રેમાળ ચિંતા બતાવી

[પાન ૨૮ પર ચિત્રો]

નમ્રતાથી ઠપકાને સ્વીકારવાને કારણે અયૂબને ઘણા બદલાઓ વાળવામાં આવ્યા