સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નમ્રતા - શાંતિ લાવતો ગુણ

નમ્રતા - શાંતિ લાવતો ગુણ

નમ્રતા - શાંતિ લાવતો ગુણ

દરેક વ્યક્તિ નમ્રતા બતાવે તો, આજની દુનિયા કેવી આનંદદાયક હોત? વ્યક્તિઓ સંતોષી હોત, કુટુંબના સભ્યો એકતામાં રહેતા હોત, કંપનીઓ વચ્ચે ઓછી સ્પર્ધા હોત, અને રાષ્ટ્રો યુદ્ધ ન કરતા હોત. શું તમને આવી પરિસ્થિતિમાં રહેવાનું ન ગમે?

હા, એસાચું છે કે યહોવાહ દેવના સાચા સેવકો નવી દુનિયાની તૈયારી કરે છે કે જેમાં નમ્રતાને ધીરજ અને સદ્‍ગુણ તરીકે જોવામાં આવશે. પરંતુ એનાથી ભિન્‍ન આજે દુનિયાના લોકો નમ્રતાને એક નબળાઈ તરીકે જુએ છે. (૨ પીતર ૩:૧૩) હકીકતમાં, તેઓ હમણાંથી જ નમ્રતાનો ગુણ વિકસાવે છે. શા માટે? કારણ કે યહોવાહ તેઓ પાસેથી નમ્રતા માગે છે. તેમના પ્રબોધક મીખાહે લખ્યું: “હે મનુષ્ય, સારૂં શું છે તે તેણે તને બતાવ્યું છે; ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો, તથા તારા દેવની સાથે નમ્રતાથી ચાલવું, એ સિવાય યહોવાહ તારી પાસે બીજું શું માગે છે?”—મીખાહ ૬:૮.

નમ્રતા બતાવવાના ઘણા જુદા જુદા અર્થ થાય છે, જેમ કે ઘમંડ કે મિથ્યાભિમાન ન કરવું અને પોતાની ક્ષમતાઓ, સિદ્ધિ કે માલમિલકતની બડાઈ ન મારવી. એક સંદર્ભ પ્રમાણે નમ્રતાનો અર્થ “પોતાની મર્યાદામાં રહેવું” પણ થાય છે. નમ્ર વ્યક્તિ સારું વર્તન કરતી હોય છે. અને નમ્ર વ્યક્તિ એ પણ જાણતી હોય છે કે તે અમુક મર્યાદાઓમાં રહી શકે છે અને તે રહે પણ છે. ઉપરાંત, કઈ બાબતો ન કરવી જોઈએ એ પણ તે જાણતી હોય છે. એથી જ આપણે નમ્ર વ્યક્તિ તરફ ખેંચાઈએ છીએ. અંગ્રેજ કવિ જોસફ એડીસને લખ્યું: “સાચી નમ્રતા સિવાય કંઈ જ પ્રશંસનીય નથી.”

અપૂર્ણ માનવ તરીકે નમ્રતા બતાવવી એ આપણા માટે સહેલું નથી. એથી આપણે આ ગુણને વિકસાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ. આપણને પ્રોત્સાહન મળે માટે દેવનો શબ્દ ઘણા બનાવો વર્ણવે છે જે નમ્રતાને જુદા જુદા રૂપમાં ચિત્રિત કરે છે.

બે નમ્ર રાજાઓ

યહોવાહના સૌથી વફાદાર સેવકોમાં એક હતા, રાજા દાઊદ. તે યુવાન વયે જ ઈસ્રાએલના ભાવિ રાજા તરીકે નિયુક્ત થયા હતા. એ પછી, શાઊલ રાજાએ દાઊદને મારી નાખવાના અનેક પ્રયત્નો કર્યા અને આમ તેમના પર એટલી બધી સતાવણી લાવ્યા કે તેમણે સંતાઈને રહેવું પડ્યું.—૧ શમૂએલ ૧૬:૧, ૧૧-૧૩; ૧૯:૯, ૧૦; ૨૬:૨, ૩.

આવા સંજોગોમાં પણ દાઊદ પોતાના જીવનનું રક્ષણ કરવા શું કરવું જોઈએ એનાથી સારી રીતે વાકેફ હતા. એક પ્રસંગે અરણ્યમાં શાઊલ રાજા સુતા હોય છે ત્યારે દાઊદનો સાથીદાર અબીશાય તેમને મારી નાખવાનો સારો લાગ જુએ છે. એ વખતે દાઊદે અબીશાયને કહ્યું: “યહોવાહ એવું ન થવા દો કે હું મારો હાથ યહોવાહના અભિષિક્ત પર ઉગામું.” (૧ શમૂએલ ૨૬:૮-૧૧) દાઊદ જાણતા હતા કે શાઊલને રાજાની પદવીમાંથી હટાવવા એ તેમનું કામ ન હતું. આમ, દાઊદે આ પ્રસંગે પોતાની મર્યાદામાં રહીને યોગ્ય વર્તણુક કરી નમ્રતા બતાવી. એવી જ રીતે, આજે દેવના સેવકો જાણે છે કે પોતાનું જીવન મુશ્કેલીમાં હોય તો પણ તેઓ ‘યહોવાહની દૃષ્ટિએ’ અમુક બાબતો કરી શકતા નથી.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯; ૨૧:૨૫.

રાજા દાઊદના પુત્ર સુલેમાને પણ પોતાની યુવાનીમાં નમ્રતા બતાવી, છતાં તેની રીત થોડી જુદી હતી. સુલેમાન રાજા રાજગાદીએ હતા ત્યારે, તેમને લાગ્યું કે પોતે રાજા તરીકેની જવાબદારીઓને ઉઠાવવા માટે સક્ષમ નથી. એથી તેમણે પ્રાર્થના કરી: “હવે હે યહોવાહ મારા દેવ, તેં આ તારા દાસને મારા પિતા દાઊદને ઠેકાણે રાજા કર્યો છે; હું તો કેવળ નાનું બાળક છું; કેમ બહાર જવું કે અંદર આવવું તે હું જાણતો નથી.” સ્પષ્ટપણે, સુલેમાન પોતાની ક્ષમતા અને અનુભવની ખામીથી વાકેફ હતા. તે ઘમંડ અને મિથ્યાભિમાન ન બતાવવાને કારણે નમ્ર હતા. આથી સુલેમાને યહોવાહ પાસેથી વિવેકી હૃદયની માંગણી કરી ત્યારે તેમની એ વિનંતી સ્વીકારવામાં આવી.—૧ રાજા ૩:૪-૧૨.

મસીહ અને તેમના પુરોગામી

સુલેમાનના સમયને ૧,૦૦૦ વર્ષ પછી યોહાન બાપ્તિસ્મકે મસીહ માટે માર્ગ તૈયાર કરવાનું કાર્ય કર્યું. આમ, અભિષિક્ત ઈસુ ખ્રિસ્તના પુરોગામી તરીકે યોહાને બાઇબલ ભવિષ્યવાણી પરિપૂર્ણ કરી. આથી યોહાન પોતાના લહાવા વિષે બડાઈ મારી શકતા હોત. અને તે એ વાતની પણ બડાઈ મારી શક્યા હોત કે પોતે મસીહના સગા હતા. પરંતુ યોહાન બીજાઓને કહેતા હતા કે તે ઈસુના પગરખાં કાઢવાને પણ યોગ્ય નહોતા. અને ઈસુ યરદન નદીએ બાપ્તિસ્મા લેવા માટે આવ્યા ત્યારે યોહાને નમ્રપણે કહ્યું: “તારાથી મારે બાપ્તિસ્મા પામવું જોઈએ, ને શું તું મારી પાસે આવે છે?” આ બતાવે છે કે યોહાન બડાઈ મારનાર વ્યક્તિ ન હતા, પરંતુ નમ્ર હતા.—માત્થી ૩:૧૪; માલાખી ૪:૫, ૬; લુક ૧:૧૩-૧૭; યોહાન ૧:૨૬, ૨૭.

ઈસુએ બાપ્તિસ્મા લીધા પછી પૂરા-સમયનું સેવાકાર્ય, દેવના રાજ્યના સુસમાચારના પ્રચારની શરૂઆત કરી. ઈસુ સંપૂર્ણ માણસ હોવા છતાં તેમણે કહ્યું: “હું મારી મેળે કંઈ કરી શકતો નથી; . . . હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેણે મને મોકલ્યો છે, તેની ઇચ્છા પૂરી કરવા ચાહું છું.” વધુમાં, ઈસુએ માણસો પાસેથી માન મેળવવાનો પ્રયાસ ન કર્યો, પરંતુ તેમણે જે કંઈ કર્યું એનો મહિમા યહોવાહને આપ્યો. (યોહાન ૫:૩૦, ૪૧-૪૪) કેવી નમ્રતા!

આમ, આપણને સ્પષ્ટ જોવા મળે છે કે યહોવાહના વફાદાર સેવકોએ—જેમ કે દાઊદ, સુલેમાન, યોહાન બાપ્તિસ્મક અને સંપૂર્ણ માણસ ઈસુ ખ્રિસ્ત—નમ્રતા બતાવી. તેઓએ બડાઈ, અહંકાર, કે ઘમંડ ન કર્યું, પણ પોતાની મર્યાદામાં રહ્યાં. તેઓનાં ઉદાહરણો આજે યહોવાહના સેવકોને નમ્ર બનીને નમ્રતા બતાવવા ઉત્તેજન આપે છે. તેમ છતાં, આમ કરવાનાં બીજા કારણો પણ છે.

આ માનવ ઇતિહાસના આ મુશ્કેલીભર્યા સમયમાં સાચા ખ્રિસ્તીઓ માટે નમ્રતા એ સૌથી મુલ્યવાન ગુણ છે. આ ગુણ વ્યક્તિને યહોવાહ સાથે, સાથી માનવીઓ પ્રત્યે, અને પોતાનામાં શાંતિ અનુભવવા મદદ કરી શકશે.

યહોવાહ દેવ સાથે શાંતિ

યહોવાહ દેવે સાચી ઉપાસના કરવા માટે જે નિયમો આપ્યા છે એને વળગી રહેવાથી જ આપણે યહોવાહ સાથે શાંતિમાં રહી શકીએ છીએ. આપણા પ્રથમ માબાપ, આદમ અને હવા દેવના નિયમો પાળવામાં નિષ્ફળ ગયા ત્યારે તેઓ પોતાની મર્યાદામાં રહ્યા નહિ અને અહંકારનો ભોગ બન્યા. આમ, તેઓએ યહોવાહ સાથેનો પોતાનો સંબંધ, તેમ જ તેઓનું ઘર, ભવિષ્ય અને જીવન ગુમાવી દીધા. (ઉત્પત્તિ ૩:૧-૫, ૧૬-૧૯) તેઓએ કેવી ભારે કિંમત ચૂકવવી પડી!

ચાલો આપણે આદમ અને હવાની ભૂલમાંથી કંઈક બોધપાઠ શીખીએ, કારણ કે આપણને પણ સાચી ઉપાસના કરવા માટે અમુક નિયમો આપવામાં આવ્યા છે. દાખલા તરીકે, બાઇબલ જણાવે છે કે “વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, વિષયીઓ, પુંમૈથુનીઓ, ચોરો, લોભીઓ, છાકટા, નિંદકો તથા જુલમથી પૈસા પડાવનારા, એઓને દેવના રાજ્યનો વારસો મળશે નહિ.” (૧ કોરીંથી ૬:૯, ૧૦) યહોવાહે આપણને આપણા સારા માટે આ નિયમો આપ્યા છે અને આપણે એ નિયમો પાળીને ડહાપણ બતાવીએ એમાં જ આપણું ભલું છે. (યશાયાહ ૪૮:૧૭, ૧૮) નીતિવચન ૧૧:૨ આપણને કહે છે: “નમ્ર જનો પાસે જ્ઞાન હોય છે.”

કોઈ ધાર્મિક સંસ્થા આપણને એવું કહે કે આપણે આ નિયમોને તોડીને પણ દેવ સાથે શાંતિનો આનંદ માણી શકીએ છીએ તો શું? એવી સંસ્થાઓ આપણને ગેરમાર્ગે દોરવા માટે પ્રયત્ન કરે છે. બીજી બાજું, નમ્રતા આપણને યહોવાહ સાથે ગાઢ સંબંધ વિકસાવવા મદદ કરે છે.

સાથી માનવો સાથે શાંતિ

નમ્રતા બીજાઓ સાથે શાંતિપૂર્ણ સંબંધ રાખવા પણ મદદ કરે છે. દાખલા તરીકે, માબાપ પોતાની જરૂરિયાતોથી સંતુષ્ટ રહેશે અને આત્મિક બાબતોને પ્રથમ સ્થાન આપશે તો, તેમનાં બાળકો પણ શક્યપણે એવું જ વર્તન કરશે. એથી, બાળકોને પોતાને જોઈતી વસ્તુ હંમેશા નહિ મળે ત્યારે પણ તેઓ માટે સંતુષ્ટ રહેવું સહેલું બનશે. આ તેમને નમ્રતાથી જીવવા મદદ કરશે અને તેઓનું કૌટુંબિક જીવન પણ સુખી થશે.

ખાસ કરીને નિરીક્ષકોએ નમ્રતા બતાવવાની જરૂર છે, તેઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરવો જોઈએ નહિ. દાખલા તરીકે, ખ્રિસ્તીઓને આજ્ઞા આપવામાં આવી છે: “લખેલું છે તેની હદ ઓળંગીને જવું નહિ.” (૧ કોરીંથી ૪:૬) મંડળના વડીલો જાણે છે કે પોતાના હોદ્દાનો ઉપયોગ બીજાઓ પર વ્યક્તિગત નિયમો લાદવા માટે કરવો જોઈએ નહિ. એના બદલે તેઓ વર્તન, પહેરવેશ, શણગાર કે મનોરંજનની બાબતમાં સાચું માર્ગદર્શન મેળવવા દેવના શબ્દનો ઉપયોગ કરે છે. (૨ તીમોથી ૩:૧૪-૧૭) અને મંડળના સભ્યો જુએ છે કે વડીલો આત્મિક મર્યાદામાં રહે છે ત્યારે, તેઓને વડીલો પ્રત્યે માન થશે અને મંડળમાં માયાળું, પ્રેમાળ અને શાંતિપૂર્ણ આત્મા જળવાઈ રહેશે.

હૃદયમાં શાંતિ અનુભવવી

જે લોકો નમ્રતાથી વ્યવહાર કરે છે તેઓને આંતરિક શાંતિ મળે છે. નમ્ર વ્યક્તિ મોટી મોટી મહત્વાકાંક્ષા રાખતી નથી. એનો અર્થ એ નથી કે તેના જીવનનો કોઈ ધ્યેય નથી. દાખલા તરીકે, તે સેવામાં વધારાના લહાવાની આશા રાખે છે ત્યારે ધીરજથી દેવની રાહ જુએ છે અને તેને કોઈ પણ લહાવો મળે છે એનો મહિમા તે યહોવાહને આપે છે. તેઓ એ લહાવાઓ માટે પોતાને મહત્ત્વ આપતી નથી. આમ, નમ્ર વ્યક્તિ યહોવાહ, ‘શાંતિના દેવʼની નિકટ જાય છે.—ફિલિપી ૪:૯.

ધારો કે અમુક સમયે આપણને એવું લાગે કે બીજાઓ આપણી અવગણના કરે છે. એવા સમયે આપણી મર્યાદાઓમાંથી બહાર જઈને લોકોનું ધ્યાન ખેંચવું એના કરતાં નમ્ર રહીને કોઈ આપણી અવગણના કરે એ તરફ ધ્યાન ન આપવું સારું નહિ થાય? નમ્રજનો વ્યક્તિગત રીતે કોઈ પણ મોટી મોટી મહત્વાકાંક્ષા રાખતા નથી. આમ, તેઓ પોતાનામાં શાંતિનો અનુભવ કરે છે જે લાગણીમય અને શારીરિક રીતે લાભદાયી છે.

નમ્રતા વિકસાવીને જાળવી રાખવી

આદમ અને હવાએ નમ્રતા ન બતાવી—તેઓએ એ જ ગુણ પોતાના સંતાનોને વારસામાં આપ્યો. આપણા પ્રથમ માબાપે કરેલી ભૂલને ટાળવા માટે આપણે શું કરવું જોઈએ? આપણે નમ્રતાનો ગુણ કઈ રીતે વિકસાવી શકીએ?

સૌ પ્રથમ આપણે એ જાણવાની જરૂર છે કે યહોવાહ, આખા વિશ્વના ઉત્પન્‍નકર્તા સાથેનો આપણો સબંધ કેવો છે. શું આપણે આપણા કોઈ પણ કામની સરખામણી દેવના કામો સાથે કરી શકીએ છીએ? યહોવાહે પોતાના વિશ્વાસુ સેવક અયૂબને પૂછ્યું: “જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? જો તને સમજણ હોય, તો કહી દે.” (અયૂબ ૩૮:૪) અયૂબ જવાબ આપી શક્યો નહિ. શું આપણે પણ એવી જ રીતે જ્ઞાન, સામર્થ્ય અને અનુભવમાં મર્યાદિત નથી? શું એ આપણા માટે લાભદાયી નહિ થશે કે આપણે આપણી મર્યાદાઓનો સ્વીકાર કરીએ?

વધુમાં બાઇબલ આપણને કહે છે: “પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાહનાં છે; જગત તથા તેમાં રહેનારાં પણ તેનાં છે.” એમાં ‘અરણ્યના દરેક પશુનો તથા હજાર ડુંગરો ઉપરના જનાવરોનો’ સમાવેશ થાય છે. યહોવાહ કહી શકે: “રૂપું મારૂં છે, ને સોનું પણ મારૂં છે.” (ગીતશાસ્ત્ર ૨૪:૧; ૫૦:૧૦; હાગ્ગાય ૨:૮) પરંતુ શું આપણી પાસે એવું કંઈક છે જેની સરખામણી આપણે યહોવાહ સાથે કરી શકીએ? ધનવાનોને પણ પોતાની સંપત્તિ પર ઘમંડ કરવાનો કોઈ હક્ક નથી! એથી, રોમના ખ્રિસ્તીઓને આપેલી પાઊલની સલાહને અનુસરવું સાચે જ ડહાપણભર્યું છે: “વળી મને આપેલા કૃપાદાનને આશરે હું તમારામાંના દરેક જણને કહું છું, કે પોતાને જેવો ગણવો જોઈએ, તે કરતાં વિશેષ ન ગણવો.”—રૂમી ૧૨:૩.

દેવના સેવકો તરીકે નમ્ર બનવાની ઇચ્છા ધરાવીએ છીએ ત્યારે, આપણે પવિત્ર આત્માના ફળો—પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ વિકસાવવા પ્રાર્થના કરવી જોઈએ. (લુક ૧૧:૧૩; ગલાતી ૫:૨૨, ૨૩) શા માટે? કારણ કે આ દરેક ગુણોથી આપણને નમ્ર થવું સહેલું લાગશે. દાખલા તરીકે, સાથી માનવો પ્રત્યેનો પ્રેમ આપણને ઘમંડ અને આપવડાઈના વલણનો સામનો કરવા મદદ કરશે. આપણામાં આત્મ-સંયમ હશે તો ખરાબ કૃત્ય કરતા પહેલા આપણે વિચાર કરીશું.

ચાલો આપણે સાવધાન રહીએ! નમ્ર ન રહેવાના ફાંદામાં ન ફસવા આપણે સતત સાવચેતી રાખવાની જરૂર છે. અગાઉ ચર્ચવામાં આવેલા બે રાજાઓ દરેક પ્રસંગે નમ્ર ન હતા. એક પ્રસંગે દાઊદ રાજાએ ઈસ્રાએલની ગણતરી કરાવડાવી જે યહોવાહની ઇચ્છા વિરુદ્ધ હતું. સુલેમાન રાજાએ પણ જૂઠી ઉપાસનામાં ભાગ લીધો હોવાથી તે નમ્ર સાબિત ન થયા.—૨ શમૂએલ ૨૪:૧-૧૦; ૧ રાજા ૧૧:૧-૧૩.

આ વસ્તુવ્યવસ્થાના અંતમાં નમ્ર રહેવાનો અર્થ સતત સજાગ રહેવું થાય છે. હા, એ સહેલું નથી છતાં, પ્રયત્ન કરવો ખૂબ જ જરૂરી છે. કારણ કે દેવની નવી દુનિયામાં ફક્ત નમ્ર વ્યક્તિઓ જ હશે. એ સમયે તેઓ નમ્રતાને સામર્થ્ય તરીકે જોશે, નબળાઈ તરીકે નહિ. વ્યક્તિગત અને કૌટુંબિક રીતે નમ્રતા સાથે શાંતિનો આશીર્વાદ આપવામાં આવશે એ કેવું અદ્‍ભુત હશે!

[પાન ૨૩ પર ચિત્ર]

ઈસુએ જે કંઈ કર્યું એનો મહિમા નમ્રતાથી યહોવાહને આપ્યો