સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શા માટે આપણને મદદની જરૂર છે?

શા માટે આપણને મદદની જરૂર છે?

શા માટે આપણને મદદની જરૂર છે?

‘હું દુર્ભાષણ કરનાર તથા સતાવનાર હતો.’ એક માણસે કબૂલ્યું, ‘પહેલાં હું ગર્વિષ્ઠ અને હિંસક હતો.’ આ માણસે દેવનો ભય રાખનાર ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓને સતાવ્યા, તેઓ પર હુમલો કર્યો અને અપમાનજનક રીતે તેઓનું દુર્ભાષણ કર્યું. પછી તેણે ઊંડી કદર વ્યક્ત કરતા જણાવ્યું, “તોપણ મારા પર દયા કરવામાં આવી.” કદાચ એ માનવામાં ન પણ આવે છતાં, આ ક્રૂર સતાવનાર પ્રેષિત પાઊલ વિશ્વાસુ ખ્રિસ્તી બન્યો.—૧ તીમોથી ૧:૧૨-૧૬; પ્રેરિતોનાં કૃત્યો ૯:૧-૧૯.

પાઊલે જેવા ખરાબ કામો કર્યા હતા એવા દરેકે કર્યા નથી. છતાં, આપણે સર્વ દેવનાં ધોરણો પ્રમાણે જીવી શકતા નથી. શા માટે? કારણ કે, “સઘળાએ પાપ કર્યું છે, અને દેવના મહિમા વિષે સઘળા અધૂરા રહે છે.” (રૂમી ૩:૨૩) વળી, કદાચ આપણે એવા વિચારોમાં ડૂબી જઈ શકીએ કે, આપણે દેવની કૃપા મેળવવાને યોગ્ય નથી. પોતાના પાપી જીવન વિષે વિચારતાં પાઊલે કહ્યું: “હું કેવો દુર્ભાગ્ય માણસ છું! મને આ મરણના શરીરથી કોણ મુક્ત કરશે?” પોતાના જ પ્રશ્નોના જવાબ આપતા તેમણે લખ્યું: “આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે હું દેવની ઉપકારસ્તુતિ કરૂં છું.”—રૂમી ૭:૨૪, ૨૫.

કઈ રીતે ન્યાયી ઉત્પન્‍નકર્તા પાપીઓ સાથે વ્યવહાર રાખી શકે? (ગીતશાસ્ત્ર ૫:૪) પાઊલે જે કહ્યું એની નોંધ લો: “આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે હું દેવની ઉપકારસ્તુતિ કરૂં છું.” બીજા એકે દેવની દયાની કદર કરતાં આમ સમજાવ્યું: “જો કોઈ પાપ કરે તો બાપની પાસે આપણો મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે; અને તે આપણાં પાપનું પ્રાયશ્ચિત્ત છે; અને કેવળ આપણાં જ નહિ પણ આખા જગતનાં પાપનું તે પ્રાયશ્ચિત્ત છે.”—૧ યોહાન ૨:૧, ૨.

શા માટે ઈસુ ખ્રિસ્તને “બાપની પાસે આપણા મધ્યસ્થ” તરીકે કહેવામાં આવે છે? વળી, કઈ રીતે ઈસુ “પાપનું પ્રાયશ્ચિત્ત” છે?

મદદની કેમ જરૂર પડી

ઈસુ પૃથ્વી પર “ઘણા લોકની ખંડણીને સારૂ પોતાનો જીવ આપવાને” આવ્યા હતા. (માત્થી ૨૦:૨૮) કોઈક વ્યક્તિ અથવા વસ્તુને છોડાવવા માટે ભરપાઈ કરેલી રકમને ખંડણી કહેવામાં આવે છે. “ખંડણી” ભાષાંતર પામેલા હેબ્રુ શબ્દનો અર્થ ઢાંકી દેવું અથવા પાપનું પ્રાયશ્ચિત્ત થાય છે. (ગીતશાસ્ત્ર ૭૮:૩૮) માત્થી ૨૦:૨૮માં જોવા મળતા ખંડણીના મૂળ ગ્રીક શબ્દનો અર્થ ખાસ કરીને કિંમત ચૂકવીને લશ્કરી કેદીઓને અથવા ગુલામોને છોડાવવા થતો હતો. આમ ઇન્સાફ કરવા માટે એક વસ્તુને બદલે એ જ કિંમતની બીજી વસ્તુ આપવામાં આવે છે.

પ્રથમ માણસે દેવ વિરુદ્ધ બળવો પોકાર્યો હોવાથી સર્વ મનુષ્યો દાસત્વમાં આવ્યા. એ આપણને ઉત્પત્તિના ત્રીજા અધ્યાયમાં જોવા મળે છે કે, સંપૂર્ણ માણસ આદમે યહોવાહ દેવને આજ્ઞાધીન રહેવાનો માર્ગ પસંદ ન કર્યો. વળી, દેવને અનાજ્ઞાધીન રહેવાથી, તે તથા તેના વંશજો પાપ અને મરણના દાસત્વમાં આવી પડ્યા. આમ, આદમે પોતાના સર્વ સંતાનો માટે સંપૂર્ણ માનવ જીવનની ભેટ ગુમાવી.—રૂમી ૫:૧૨, ૧૮, ૧૯; ૭:૧૪.

પ્રાચીન ઈસ્રાએલમાં પાપોનું પ્રાયશ્ચિત્ત કરવા માટે પ્રાણીઓનાં બલિદાન ચઢાવવાની ગોઠવણ કરવામાં આવી હતી. (લેવીય ૧:૪; ૪:૨૦, ૩૫) હકીકતમાં, પાપીના બદલે પ્રાણીનું બલિદાન ચઢાવવામાં આવતું હતું. (લેવીય ૧૭:૧૧) તેથી, ‘પ્રાયશ્ચિત્તના દિવસને ખંડણીનો દિવસ’ પણ કહી શકાતો હતો.—લેવીય ૨૩:૨૬-૨૮.

છતાં, મનુષ્યો પ્રાણીઓ કરતાં શ્રેષ્ઠ ગણાતા હોવાથી “ગોધાઓનું તથા બકરાઓનું રક્ત [સંપૂર્ણપણે] પાપો દૂર કરવાને સમર્થ નથી.” (હેબ્રી ૧૦:૧-૪) આદમે જે ગુમાવ્યું હતું એ પાછું મેળવવા અથવા મનુષ્યના પ્રાયશ્ચિત્ત માટે પૂરતી કિંમત ચૂકવવી જ જોઈએ. જેથી, પાપને સંપૂર્ણપણે કાઢી નાખવામાં આવે. સંપૂર્ણ માણસ (આદમે) જે ગુમાવ્યું એને સમતોલ કરવા માટે ન્યાયના ત્રાજવામાં બીજા એક સંપૂર્ણ માણસ (ઈસુ ખ્રિસ્ત)ની જરૂર હતી. આમ, ફક્ત ખંડણીરૂપી સંપૂર્ણ માનવનું જીવન જ આદમના સંતાનોને દાસત્વમાંથી છૂટકારો અપાવી શકે. જેમાં તેઓના પ્રથમ પિતા આદમે તેઓને વેચી દીધા હતા. આમ, સાચો ઇન્સાફ “જીવને બદલે જીવ” માંગે છે. નિર્ગમન ૨૧:૨૩-૨૫.

આદમે પાપ કર્યું અને તેને મરણની સજા થઈ ત્યારે તેના સંતાનો હજી જન્મ્યા ન હતા. તેઓને પણ વારસામાં મૃત્યુ મળ્યું. સંપૂર્ણ માણસ ઈસુ, ‘છેલ્લા આદમે’ સ્વેચ્છાથી પોતાનું કુટુંબ બનાવ્યું નહિ. (૧ કોરીંથી ૧૫:૪૫) તેમને સંતાનો થઈ શક્યા હોત, પરંતુ તેમણે સંપૂર્ણ માણસ તરીકે પોતાનું બલિદાન આપ્યું. તેથી, માનવામાં આવે છે કે ઈસુની સાથે તેમના એ સંતાનો પણ મૃત્યુ પામ્યા જેઓનો જન્મ થયો ન હતો. આમ, ઈસુએ આદમના મરણ તરફ જઈ રહેલા પાપી કુટુંબને પોતાનું કરી લીધું. તેથી, તેમણે પોતાના કુટુંબને ઉછેરવાનો હક્ક જતો કર્યોં. વળી, ઈસુએ પોતાના સંપૂર્ણ માનવ જીવનનું બલિદાન આપીને આદમના સર્વ વંશજોને ખરીદી લીધા. તેથી ઈસુ તેઓના “સનાતન પિતા” કહેવાયા.—યશાયાહ ૯:૬, ૭.

ઈસુના ખંડણીમય બલિદાને આજ્ઞાંકિત મનુષ્ય માટે દેવની દયા અને અનંતજીવન પ્રાપ્ત કરવાનો માર્ગ ખુલ્લો કર્યો. તેથી, પ્રેષિત પાઊલે લખ્યું: “પાપનો મૂસારો મરણ છે; પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંતજીવન છે.” (રૂમી ૬:૨૩) ખંડણી પૂરી પાડવા માટે યહોવાહ દેવે પોતાના એકાકીજનિત દીકરાનું બલિદાન આપીને મોટી કિંમત ચૂકવી. આમ, યહોવાહ દેવે આપણને જે પ્રેમ બતાવ્યો અને દયા કરી એની આપણે ફક્ત ઉપકારસ્તુતિ જ કરી શકીએ. (યોહાન ૩:૧૬) આ રીતે, ખંડણીમય બલિદાન આપ્યા બાદ પુનરુત્થાન થયા પછી સાચે જ ઈસુ આકાશમાં “બાપની પાસે આપણા મધ્યસ્થ” સાબિત થયા. * (હેબ્રી ૯:૧૧, ૧૨, ૨૪; ૧ પીતર ૩:૧૮) પરંતુ, હવે કઈ રીતે ઈસુ ખ્રિસ્ત આકાશમાં આપણા મધ્યસ્થી છે એમ સાબિત કરે છે?

[ફુટનોટ]

^ વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તકના પ્રકરણ ૪ અને ૭ જુઓ.

[પાન ૪ પર ચિત્ર]

આદમના સંતાનો માટે ઈસુનું સંપૂર્ણ જીવન ખંડણીરૂપ હતું