સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સેનેગલમાં ખ્રિસ્તી આશાના સહભાગી થવું

સેનેગલમાં ખ્રિસ્તી આશાના સહભાગી થવું

આપણે વિશ્વાસ રાખનારા છીએ

સેનેગલમાં ખ્રિસ્તી આશાના સહભાગી થવું

પ્રાચીન સમયથી જ માછલી લોકોનો મુખ્ય ખોરાક રહ્યો છે. હજારો વર્ષોથી, લોકો દરિયા, સરોવરો અને નદીઓમાંથી માછલીઓ પકડે છે. ઈસુ ખ્રિસ્તના કેટલાક પ્રેષિતો પણ ગાલિલી સમુદ્ર પાસેના માછીમારો હતા. તેમ છતાં, ઈસુએ તેઓને અન્ય પ્રકારની માછલી પકડવાનું શીખવ્યું. એ આત્મિક માછલી પકડવાની બાબત હતી જે કેવળ માછીમારને જ નહિ પરંતુ માછલીને પણ લાભ પહોંચાડે છે!

આ સંબંધી, ઈસુએ માછીમાર પીતરને જણાવ્યું: “હવેથી તું માણસો પકડનાર થશે.” (લુક ૫:૧૦) આ પ્રકારનું માછલી પકડવાનું કાર્ય આજે સેનેગલ સહિત કંઈક ૨૩૦ કરતાં વધારે દેશોમાં કરવામાં આવી રહ્યું છે. (માત્થી ૨૪:૧૪) આ દેશમાં અત્યારે “માણસોને પકડનારા” બીજાઓ સાથે પોતાની ખ્રિસ્તી આશાના હિંમતથી સહભાગી થાય છે.—માત્થી ૪:૧૯.

સેનેગલ આફ્રિકાના એકદમ પશ્ચિમી છેડે આવેલું છે. એ ઉત્તરમાંના સહારાના રેતાળ પ્રદેશની સરહદથી દક્ષિણના કાઝામાસના ભેજવાળા જંગલ સુધી વિસ્તરેલું છે. સેનેગલ એક એવો દેશ છે જ્યાં રણપ્રદેશના સૂકા પવનોની સાથોસાથ ઍટલૅન્ટિક મહાસાગરના ઠંડા તાજગીભર્યા પવનો આવે છે. અહીં ૯૦ લાખ કરતાં વધારે લોકો રહે છે. સેનેગલવાસીઓ પરોણાગત માટે ખૂબ જ જાણીતા છે. ત્યાં ખ્રિસ્તીઓની સંખ્યા ઓછી છે. ઘણા ભરવાડો છે, જ્યારે અન્ય ઢોરઢાંખર, ઊંટ અને બકરાંના ગોવાળિયાઓ છે. ત્યાં મગફળી, કપાસ અને ડાંગર પકવતા ખેડૂતો પણ છે. અને હા, ત્યાં માછીમારો પણ છે જે ઍટલૅન્ટિક મહાસાગર અને આખા દેશમાં આવેલ અનેક મહાનદીઓમાંથી જાળો ભરીને માછલાં પકડી લાવે છે. મત્સ્ય ઉદ્યોગ સેનેગલ અર્થતંત્રમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ દેશની ભાત, મચ્છી અને શાકભાજીઓવાળી ચીબ જેન થાળી ખૂબ જ પ્રખ્યાત છે.

“માણસોને પકડનારા”

સેનેગલમાં દેવના રાજ્યના ૮૬૩ ઉત્સાહી પ્રચારકો છે. આત્મિક માછીમારીનું કામ અહીં ૧૯૫૦ના દાયકાની શરૂઆતમાં શરૂ થયું. વર્ષ ૧૯૬૫માં રાજધાની ડાકારમાં વૉચ ટાવર સોસાયટીની શાખા કચેરી ખોલવામાં આવી. દૂર દૂરના દેશોમાંથી “માણસોને પકડનારા” મિશનરિઓ આવવાના શરૂ થયા. આમ “માછલી પકડવાનું” કાર્ય શરૂ થયું અને સેનેગલમાં ખ્રિસ્તી આશાના સહભાગી થવાનું કાર્ય એકધારું આગળ વધતું ગયું. છેવટે, આલમાડાઈસમાં નવી શાખા સવલતો બાંધવામાં આવી જે ડાકારના સીમાડે છે અને જૂન ૧૯૯૯માં યહોવાહને સમર્પિત કરવામાં આવી. કેવો હર્ષનો સમય!

સત્ય સ્વીકારવાના પડકારો

આ દેશમાં જુદી જુદી સંસ્કૃતિના લોકોને દરરોજ મળવામાં આવે છે અને કેટલાક દેવના શબ્દમાં મળી આવતા આશાના સંદેશાને સારી રીતે સ્વીકારે છે. ઘણાને બાઇબલનું જ્ઞાન નથી છતાં, તેઓ યહોવાહ દેવે પ્રાચીન વિશ્વાસુ પ્રબોધકોને આપેલાં વચનો જે નજીકના ભાવિમાં જ પરિપૂર્ણ થવાના છે એ શીખવાનો આનંદ માણે છે.

ખાસ કરીને કૌટુંબિક રૂઢિઓ અને રિવાજો સમાયેલા હોય છે ત્યારે, ઘણી વાર ખ્રિસ્તી સિદ્ધાંતો માટે દૃઢ સ્થાન લેવા હિંમતની જરૂર પડે છે. દાખલા તરીકે, સેનેગલમાં બહુપત્નીત્વ એકદમ સામાન્ય ગણવામાં આવે છે. એક માણસનો વિચાર કરો જેણે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો ત્યારે તેને બે પત્ની હતી. શું તેની પાસે ખ્રિસ્તી સત્યનો સ્વીકાર કરવાની અને એક જ સ્ત્રીનો વર બનવાની શાસ્ત્રીય જરૂરિયાતનું પાલન કરવાની હિંમત હતી? (૧ તીમોથી ૩:૨) અને શું તેણે પોતાની જુવાનીની પત્ની, જેને તે સૌ પ્રથમ પરણ્યો હતો તેને રાખી? તેણે એમ જ કર્યું અને તે હવે ડાકાર વિસ્તારમાંના એક મોટા મંડળમાં ઉત્સાહી વડીલ તરીકે સેવા કરી રહ્યો છે. તેની પ્રથમ પત્નીએ પણ પોતાના ૧૨ બાળકો સહિત બાપ્તિસ્મા લીધું, જેમાંના ૧૦ પ્રથમ પત્નીના હતા અને ૨ અગાઉની બીજી પત્નીના હતા.

ખ્રિસ્તી આશાને સ્વીકારવાની બીજી એક અડચણ નિરક્ષરતા હોય શકે. શું એનો અર્થ એવો થાય કે નિરક્ષર વ્યક્તિ સત્યને સ્વીકારી કે એને અપનાવી ન શકે? જરા પણ નહિ. આઠ નાનાં બાળકોની મહેનતુ માતાના ઉદાહરણનો વિચાર કરો. પોતાના નાનાં બાળકો દરરોજ શાળામાં જાય અને પોતે નોકરીએ જાય એ અગાઉ તે તેઓની સાથે બાઇબલ વચનની ચર્ચાના મહત્ત્વને જલદી જ સમજી શકી. પરંતુ તેને તો વાંચતા પણ નહોતું આવડતું તો પછી તે આમ કઈ રીતે કરી શકી? રોજ સવારે, તે શાસ્ત્રવચનો તપાસવાં પુસ્તિકા લઈને પોતાના ઘરની સામેના ફળિયામાં ઊભી રહેતી. લોકો ત્યાંથી પસાર થતા તેમ, તે તેઓને વાંચી શકે છે કે નહિ એ પૂછી જોતી. કોઈ વ્યક્તિ વાંચી શકતી તો, તે તેમના હાથમાં પુસ્તિકા આપી દેતી અને આતુરતાથી કહેતી: “હું વાંચી શકતી નથી, કૃપા કરીને શું તમે મારા માટે એ વાંચશો?” તે વાંચનને ધ્યાનપૂર્વક સાંભળતી. પછી તે વટેમાર્ગુઓનો આભાર માનતી અને તરત જ પોતાના ઘરમાં જઈને પોતાનાં બાળકો શાળા માટે જતા રહે એ અગાઉ તેઓ સાથે વચનની ઉત્સાહપૂર્વક ચર્ચા કરતી!

સર્વ જાતિના લોકો પ્રત્યુત્તર આપે છે

સેનેગલમાં લોકો ફળિયાઓમાં બેસેલા અને બજારમાં મચ્છી, શાકભાજી કે ફળફળાદી વેચતા અથવા ગોરખ આંબલીના ઘટાદાર ઝાડ નીચે આરામ કરતા કરતા અટાયાની કોઈક પ્રકારની લીલી ચા પીતા જોવા મળી શકે. પોતાને મળે છે એ સર્વને પ્રચાર કરવાના કૃતનિશ્ચયથી બે ભાઈઓએ ફળિયાના એક ભિખારી સાથે વાત કરી. તેનું અભિવાદન કરી, તેઓએ કહ્યું: “ઘણા લોકો તમને પૈસા તો આપે છે પરંતુ તમારી સાથે વાત કરવા માટે ઊભા રહેતા નથી. અમે તમારી સાથે એક એવી મહત્ત્વની વાત કરવા માટે આવ્યા છીએ કે જે તમારા ભવિષ્યને અસર કરશે.” ભિખારી આશ્ચર્ય પામ્યો. “અમે તમને એક પ્રશ્ન પૂછવા માંગીએ છીએ” ભાઈઓએ જણાવવાનું ચાલુ રાખ્યું. “તમને એવું શા માટે લાગે છે કે દુનિયામાં પુષ્કળ યાતનાઓ છે?” “એ તો ભગવાનને જે ગમે તે ખરું,” ભિખારીએ જવાબ આપ્યો.

પછી ભાઈઓએ શાસ્ત્રવચનોમાંથી તે ભીખારી સાથે વિચારદલીલ કરી અને પ્રકટીકરણ ૨૧:૪માંથી સમજાવ્યું. આશાના આ સંદેશાથી અને કોઈક પોતાનામાં રસ ધરાવીને ઊભા રહીને ચર્ચા કરવા માટે ઇચ્છુક છે એ હકીકત જાણીને ભિખારી ખૂબ જ પ્રભાવિત થયો. તેની આંખો આંસુથી છલકાઈ ગઈ. પૈસા માંગવાને બદલે, તેણે ભાઈઓને પોતાના કટોરામાં જે સિક્કા પડ્યા હતા એ સર્વ લઈ લેવા માટે જણાવ્યું! તેણે એટલો બધો આગ્રહ કર્યો કે પસાર થતા દરેકનું ધ્યાન ભાઈઓ તરફ દોરાવા લાગ્યું. મહાપરાણે ભાઈઓ તે ભીખારીને પૈસા પોતાની પાસે જ રાખવા સમજાવી શક્યા. છેવટે તે સહમત તો થયો પરંતુ વિનંતી કરી કે તેઓ તેની ફરીથી મુલાકાત કરે.

ડાકારમાંની મોટી યુનિવર્સિટીમાંથી પણ આત્મિક જાળમાં માછલી પકડવાનું કામ ચાલી રહ્યું છે. ઝાલ્વી નામના મેડિકલ વિદ્યાર્થીએ બાઇબલનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. તેણે જલદી જ સત્ય સ્વીકારીને યહોવાહને પોતાનું સમર્પણ કર્યું અને બાપ્તિસ્મા પામ્યો. તે પૂરા સમયની પાયોનિયર સેવામાં આવવા ઇચ્છતો હતો, પરંતુ તેને પોતાનો મેડીસિન અભ્યાસ પણ ગમતો હતો. પોતાના દેશના કરારને કારણે, તેણે પોતાનો અભ્યાસ પૂરો કરવાનો હતો. છતાં, તેણે એ જ સમયે સહાયક પાયોનિયર તરીકે સેવા શરૂ કરી. તે ફિઝીશીયન તરીકે લાયકાત કેળવીને ડિપ્લોમા થયો એના થોડા જ સમયમાં, તેને આફ્રિકાના બેથેલ કુટુંબમાં ડૉક્ટર તરીકે સેવા આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું. ડાકાર યુનિવર્સિટીમાં સંપર્ક થયેલ બીજો એક યુવાન પણ પોતાના દેશમાં બેથેલ કુટુંબમાં સેવા આપી રહ્યો છે.

સેનેગલમાં આત્મિક માછીમારીના કામમાં નિશ્ચે જ બદલાઓ મળી રહ્યા છે. યહોવાહના સાક્ષીઓના બાઇબલ સાહિત્યની ખૂબ જ કદર કરવામાં આવે છે અને હવે સ્થાનિક વૉલોફ ભાષામાં પણ સાહિત્ય બહાર પાડવામાં આવે છે. પોતાની માતૃભાષામાં સુસમાચાર સાંભળીને ઘણા ઘરમાલિક એટલા બધા પ્રભાવિત થાય છે કે તેઓ જલદી જ પ્રત્યુત્તર આપે છે. યહોવાહના આશીર્વાદથી, નિઃશંક હજુ તો ઘણી સાંકેતિક માછલીઓ પકડાશે, જેમ “માણસોને પકડનારા” ઉત્સાહી સેનેગલવાસીઓ વિશ્વાસપૂર્વક અને હિંમતપૂર્વક ખ્રિસ્તી આશામાં સહભાગી થવાનું ચાલુ રાખે છે.

[નકશા/પાન ૩૧ પર ચિત્ર]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

સેનેગલ

[ચિત્ર]

સેનેગલમાં ખ્રિસ્તી આશાના સહભાગી થવું

[ક્રેડીટ લાઈન]

Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.