સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું બાઇબલમાં રહસ્યમય સંદેશ છે?

શું બાઇબલમાં રહસ્યમય સંદેશ છે?

શું બાઇબલમાં રહસ્યમય સંદેશ છે?

વર્ષ ૧૯૯૫માં, ઇઝરાયેલના વડાપ્રધાન યિત્ઝાક રાબીનની હત્યાના લગભગ બે વર્ષ પછી, મીખાયેલ ડ્રોઝનીન નામના એક પત્રકારે એવો દાવો કર્યો કે કૉમ્પ્યુટર ટેક્નોલૉજીની સહાયથી તેણે મૂળ હેબ્રી બાઇબલ લખાણમાં છુપાયેલ એ બનાવની ભવિષ્યવાણી શોધી કાઢી હતી. એ પત્રકાર, મીખાયેલ ડ્રોઝનીને લખ્યું કે તેણે તેમની હત્યા થઈ એના એક વર્ષ પહેલા વડાપ્રધાનને ચેતવણી આપવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કોઈ ફાયદો ન થયો.

હાલમાં પ્રકાશિત કરવામાં આવેલ બીજાં પુસ્તકો અને લેખો દાવો કરે છે કે આ છૂપો સંદેશ, બાઇબલ દેવ પ્રેરિત છે એનો સંપૂર્ણ પુરાવો છે. શું આવો છૂપો સંદેશ અસ્તિત્વ ધરાવે છે? શું આ છૂપા સંદેશાને કારણે જ માનવું જોઈએ કે બાઇબલ દેવ તરફથી પ્રેરિત છે?

શું એક નવો વિચાર?

બાઇબલ લખાણમાં છૂપા સંદેશનો આ ખ્યાલ નવો નથી. એ છૂપો સંદેશો કબાલા, કે પરંપરાગત યહુદી અધ્યાત્મવિદ્યાનો મુખ્ય વિચાર છે. કબાલા ગુરૂઓ અનુસાર, બાઇબલ લખાણનો સાદો અર્થ એનો સાચો અર્થ નથી. તેઓ માને છે કે દેવે હેબ્રી બાઇબલ લખાણમાંના એકેએક અક્ષરનો ઉપયોગ નિશાની તરીકે કર્યો છે, કે જેને સાચી રીતે સમજતા મહાન સત્ય પ્રગટ થયું છે. તેઓની દૃષ્ટિએ, બાઇબલ પાઠમાંનો દરેક હેબ્રી અક્ષર અને એનું સ્થાન, દેવે મનમાં ચોક્કસ હેતુ સાથે બેસાડ્યું છે.

બાઇબલ સંદેશના સંશોધન કરનાર, જેફરી સેટીનોવરના કહેવા પ્રમાણે, આ યહુદી રહસ્યવાદીઓ માને છે કે ઉત્પત્તિના પુસ્તકમાં સર્વ સૃષ્ટ વસ્તુઓના અહેવાલની નોંધ કરવા જે હેબ્રી અક્ષરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ આશ્ચર્યકારક રહસ્યમય શક્તિ ધરાવે છે. તે લખે છે: “ટૂંકમાં કહીએ તો, ઉત્પત્તિ એ ફક્ત સાદું વર્ણન માત્ર નથી; એના અક્ષરોમાં જ સૃષ્ટિ કરવાની શક્તિ છે. એ સૃષ્ટિનો એક નકસો છે.”

સારાગોસા, સ્પેનના ૧૩મી સદીના એક કબાલા પાદરી, બાખ્યા બેન અશરએ કેટલીક છૂપી માહિતીઓ વિષે લખ્યું, જે તેમને બાઇબલના ઉત્પત્તિના એક ભાગને દર ૪૨ અક્ષરોને છોડીને વાંચતા જોવા મળી હતી. છૂપા સંદેશને શોધવાના પ્રયત્નમાં ચોક્કસ સંખ્યામાં અક્ષરોને છોડીને વાંચવાની પદ્ધતિ આધુનિક બાઇબલ-સંદેશના વિચારનો પાયો છે.

સંદેશને “પ્રગટ” કરતા કૉમ્પ્યુટરો

કૉમ્પ્યુટર યુગ પહેલાં, આ રીતે બાઇબલ પાઠને તપાસવાની માનવની ક્ષમતા ખૂબ જ મર્યાદિત હતી. તેમ છતાં, ઑગસ્ટ ૧૯૯૪માં આંકડાકીય વિજ્ઞાન (અંગ્રેજી) નામના સામયિકે એક લેખ પ્રકાશિત કર્યો હતો કે જેના વિષે યરૂશાલેમની હેબ્રુ વિશ્વવિદ્યાલયના એલીયાહુ રીપ્સ અને તેમના સાથી સંશોધનકર્તાઓએ કેટલીક ચોંકાવનારી હકીકતો બહાર પાડી. તેઓએ સમજાવ્યું કે ઉત્પત્તિના હેબ્રી પાઠના અક્ષરો વચ્ચેની બધી જ જગ્યાને કાઢી નાખીને ચોક્કસ સંખ્યામાં અક્ષરોને છોડીને, તેઓએ પાઠમાં નોંધેલા ૩૪ પ્રખ્યાત રાબ્બીઓનાં નામોને તથા બીજી માહિતીઓને શોધી કાઢી હતી, જેમ કે તેઓનાં નામની નજીક તેઓના જન્મની અથવા મરણની તારીખો મળી આવી. * ઉત્પત્તિના પાઠને વારંવાર તપાસ્યા પછી, સંશોધનકર્તાઓએ પોતાનો નિષ્કર્ષ આપ્યો કે ઉત્પત્તિમાં નોંધવામાં આવેલી માહિતી આંકડાકીય રીતે જોતા આકસ્મિક રીતે આવી ગઈ નથી, પરંતુ દેવે હજારો વર્ષ અગાઉ આ સંદેશ અક્ષરોમાં છુપાવીને રાખ્યો હતો.

હેબ્રી બાઇબલનાં પ્રથમ પાંચ પુસ્તકોમાંથી છૂપી માહિતી મેળવવા માટે, પત્રકાર ડ્રોઝનીને આ રીતનો ઉપયોગ કર્યો. ડ્રોઝનીને કહ્યું તેમ, તેણે બાઇબલ પાઠના દર ૪૭૭૨માં અક્ષરને એક સાથે જોડીને યિત્ઝાક રાબીનનું નામ શોધ્યું. કૉમ્પ્યુટરની મદદથી, તેણે બાઇબલ પાઠમાં દરેક લીટીને એ રીતે ગોઠવી કે જેનો છેલ્લો અક્ષર ૪૭૭૨મો આવે. આ રીતે ગોઠવીને, તેણે જોયું કે દરેક લીટીના છેલ્લા અક્ષરને ઉપરથી નીચે વાંચતા યિત્ઝાક રાબીનનું નામ સ્પષ્ટ વંચાય છે સાથે આ પાઠની વચ્ચે પુનર્નિયમ ૪:૪૨ના શબ્દો એક લીટીમાં આવે છે જેના અક્ષર એ નામ સાથે જોડાય છે. ડ્રોઝનીને પુનર્નિયમ ૪:૪૨ના શબ્દોનું ભાષાંતર આમ કર્યું: “એક ખૂની ખૂન કરશે.”

પુનર્નિયમ ૪:૪૨ ખરેખર એક મનુષ્યઘાતક વિષે જણાવે છે કે જે કોઈ પણ હેતુ વગર ખૂન કરે છે. તેથી, ઘણાએ ડ્રોઝનીનના આ તરંગી વિચારનું એમ દાવો કરીને ખંડન કર્યું કે તેની આ અવૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને કોઈપણ પુસ્તકમાંથી આવો જ સંદેશ શોધી કાઢી શકાય. પરંતુ ડ્રોઝનીન અડગ રહ્યો અને તેઓને પડકાર ફેંક્યો: “મારી ખોટી ટીકા કરનારાઓ મોબી ડીક નામની નોવેલમાં વડાપ્રધાનની હત્યા વિષે છૂપો સંદેશ શોધી બતાવે તો, હું તેઓની વાત માની લઈશ.”

પવિત્ર આત્માની પ્રેરણાનો પુરાવો?

ઑસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીમાં કૉમ્પ્યુટર સાયન્સ વિભાગના પ્રાધ્યાપક, બ્રેન્ડન મકેએ ડ્રોઝનીનનો પડકાર ઝીલી લીધો અને તેમણે કૉમ્પ્યુટરના ઉપયોગ દ્વારા ડ્રોઝનીનની જ રીત અપનાવીને મોબી ડિકના અંગ્રેજી પુસ્તકમાં સંશોધન કર્યું. * ડ્રોઝનીને વર્ણવેલી પદ્ધતિનો જ ઉપયોગ કરીને, મકેએ દાવો કર્યો કે તેમણે ઈન્દિરા ગાંધી, માર્ટિન લુથર કિંગ જુનિયર, જ્હોન ઍફ કેનેડી, અબ્રાહમ લિંકન અને બીજાઓની હત્યા વિષે પણ “ભવિષ્યવાણી” શોધી હતી. ઉપરાંત મકેએ કહ્યું, તેમણે મોબી ડીકમાં યિત્ઝાક રાબીનના ખૂન વિષે પણ “ભવિષ્યવાણી” શોધી.

રીપ્સ અને તેમના સાથીઓએ ઉત્પત્તિના હેબ્રુ પાઠમાંથી છૂપો સંદેશ શોધવાનો જે દાવો કર્યો હતો એને પ્રાધ્યાપક મકે અને તેમના સાથીઓએ પડકાર ફેંક્યો. એ પડકાર એ હતો કે છૂપા સંદેશની શોધ કરનારાઓ પોતાને ગમતું પરિણામ મેળવવા માટે કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ પાઠોમાં દેવે કોઈ છૂપો સંદેશ છુપાવ્યો નથી. આ બાબતમાં હજુપણ વિદ્વાનોમાં વિચારદલીલ ચાલુ જ છે.

કેટલાક લોકોએ દાવો કર્યો કે “પ્રમાણિત” કે “મૂળ” હેબ્રી પાઠમાં જાણી જોઈને છૂપા સંદેશ છૂપાવવામાં આવ્યા છે ત્યારે ફરી પાછો વાદવિવાદ શરૂ થયો. રીપ્સ અને તેમના સાથી સંશોધનકર્તાઓ કહે છે કે તેઓએ “ઉત્પત્તિના એ પાઠમાં તપાસ કરી હતી કે જેને સામાન્ય રીતે પ્રમાણિત ગણવામાં આવે છે.” ડ્રોઝનીન લખે છે: “આજે આપણી પાસે જે હેબ્રી બાઇબલો છે, તે બધામાં આપેલા અક્ષરો એક સરખા છે.” પરંતુ શું એ સાચું છે? હકીકત તો એ છે કે આજે “પ્રમાણિત”ને બદલે અલગ અલગ પ્રાચીન હસ્તપ્રતો પર આધારિત હેબ્રી બાઇબલની જુદા જુદા પ્રકારની આવૃત્તિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એ હસ્તપ્રતોમાં બાઇબલ સંદેશો એક છે, પરંતુ એના બધા અક્ષરો એકસરખા નથી.

આજના ઘણા હેબ્રી બાઇબલો લેનિનગ્રાડ કૉડેક્સ નામની હેબ્રી હસ્તપ્રત પર આધારિત છે, કે જે હસ્તપ્રત આજ સુધીની સૌથી જૂની મેસોરા હસ્તપ્રત છે, જેની નકલ લગભગ ૧૦૦૦ સી. ઈ.માં કરવામાં આવી હતી. પરંતુ રીપ્સ અને ડ્રોઝનીને કોરન નામની બીજી હસ્તપ્રતમાં તપાસ કરી. હાર્વર્ડ યુનિવર્સિટીના ગણિતના પ્રાધ્યાપક અને ઑર્થોડોક્ષ રાબ્બી, શ્લૉમો સ્ટર્નબર્ગ સમજાવે છે કે “ફક્ત પુનર્નિયમમાં જ જોવામાં આવે તો” લેનિનગ્રાડ હસ્તપ્રત અને “ડ્રોઝનીને ઉપયોગ કરેલ કોરન હસ્તપ્રતમાં ૪૧ અક્ષરોનો તફાવત છે.” મૃત સમુદ્રનાં વીંટાઓમાં લખવામાં આવેલ બાઇબલ પાઠનો કેટલોક ભાગ લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાનો છે. આ હસ્તપ્રતોના અક્ષરો મસોરા લેખકોની હસ્તપ્રતોના અક્ષરોથી ખૂબ અલગ છે. કેટલીક હસ્તપ્રતોમાં સ્વરોને બતાવવા માટે અમુક અક્ષરને જોડવામાં આવ્યા હતા, કારણ કે એ સ્વરો ક્યાં આવે એ શોધવામાં આવ્યું નહોતું. બીજી હસ્તપ્રતોમાં અક્ષરોનો ઓછો ઉપયોગ કરવામાં આવ્યો. અસ્તિત્વ ધરાવતી બધી હસ્તપ્રતોની સરખામણીમાં એ સ્પષ્ટ બતાવવામાં આવે છે કે બાઇબલ પાઠનો અર્થ એ જ રહ્યો છે. પરંતુ એ પણ સ્પષ્ટ બતાવવામાં આવે છે કે એ હસ્તપ્રતોના અક્ષરો અને તેની સંખ્યા એકબીજાથી ઘણી અલગ છે.

કોઈપણ છૂપા સંદેશને શોધવા માટે એ પાઠ બિલકુલ બદલાયેલો હોવો જોઈએ નહિ. કેમ કે જો પાઠમાં એક પણ અક્ષર બદલાઈ જાય તો, છૂપો સંદેશ યોગ્ય રીતથી શોધી ન શકાય અને ખોટો પડી શકે. દેવે બાઇબલ દ્વારા પોતાનો સંદેશ બચાવી રાખ્યો છે. પરંતુ સદીઓથી બાઇબલની કેટલીય પ્રતો બનાવવામાં આવી હોવાથી દેવે અક્ષરોને બદલાઈ જવાની ચિંતા ન કરી. તેથી અક્ષરોમાં છૂપો સંદેશ છુપાયેલ હશે એ માની જ ન શકાય. શું આ બાબત એમ દર્શાવતી નથી કે તેમણે બાઇબલમાં છૂપો સંદેશો છુપાવ્યો નથી?—યશાયાહ ૪૦:૮; ૧ પીતર ૧:૨૪, ૨૫.

શું આપણને છૂપા સંદેશની જરૂર છે?

પ્રેરિત પાઊલે સ્પષ્ટ લખ્યું કે “દરેક શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે; જેથી દેવનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારાં કામ કરવાને સારૂ તૈયાર થાય.” (૨ તીમોથી ૩:૧૬, ૧૭) બાઇબલનો એકદમ સ્પષ્ટ અને સમજી શકાય એવો સંદેશ, સમજવો કે લાગુ કરવો મુશ્કેલ નથી, છતાં કેટલાક લોકો એના પ્રત્યે ધ્યાન આપવા માંગતા નથી. (પુનર્નિયમ ૩૦:૧૧-૧૪) બાઇબલમાં આપવામાં આવેલી ખુલ્લી ભવિષ્યવાણી જ એ વાતનો પાક્કો પુરાવો છે કે બાઇબલ દેવની પ્રેરણાથી લખવામાં આવ્યું છે. * છૂપા સંદેશની જેમ બાઇબલ ભવિષ્યવાણી કોઈ તરંગી વિચાર નથી, એ “માણસની ઇચ્છા પ્રમાણે” આવ્યું નથી.—૨ પીતર ૧:૧૯-૨૧.

પ્રેરિત પીતરે લખ્યું કે “અમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય તથા તેના આગમનની વાત તમને જણાવી, ત્યારે અમે ચતુરાઈથી કલ્પેલી કહાણીઓને અનુસર્યા નહોતા.” (૨ પીતર ૧:૧૬) બાઇબલમાંથી છૂપો સંદેશ શોધી કાઢવાનો ખ્યાલ રહસ્યમય અધ્યાત્મવિદ્યા કરનાર યહુદી પંથ સાથે જોડાયેલો છે. તેઓ એને “ચતુરાઈથી કલ્પેલી કહાણીઓ” તરીકે અપનાવીને દેવની પ્રેરણાથી સ્પષ્ટ લખવામાં આવેલી બાઇબલની વાતોને મારીમચેડીને અવળો અર્થ કરે છે અને લોકોને ભરમાવે છે. આ રીતે છૂપો અર્થ કાઢવાની રીતને હેબ્રી શાસ્ત્ર પોતે જ મના કરે છે.—પુનર્નિયમ ૧૩:૧-૫; ૧૮:૯-૧૩.

આપણી પાસે બાઇબલનો સ્પષ્ટ સંદેશ અને નિર્દેશન છે કે જે આપણને દેવને જાણવામાં મદદ કરી શકે, એ માટે આપણે કેટલા ખુશ છીએ! લોકોની મનઘડિત કળા અને કૉમ્પ્યુટરની મદદથી અંદાજ કાઢીને બાઇબલમાં છૂપો સંદેશ શોધવાને બદલે, બાઇબલમાં સ્પષ્ટ રીતે બતાવવામાં આવેલી બાબતોથી ઉત્પન્‍નકર્તા વિષે જાણવું કેટલું સારું થશે.—માત્થી ૭:૨૪, ૨૫.

[ફુટનોટ્‌સ]

^ હેબ્રીમાં, આંકડાઓને પણ અક્ષરોમાં રજૂ કરવામાં આવ્યા છે. તેથી, આ તારીખો સંખ્યાને બદલે હેબ્રી પાઠમાં અક્ષરોમાં લખવામાં આવી છે.

^ હેબ્રી ભાષાના અક્ષરોને સ્વર હોતા નથી. તેથી વાચક પોતે સંદર્ભ પ્રમાણે એમાં સ્વર ઉમેરે છે. સંદર્ભ પ્રમાણે સ્વર ઉમેરવામાં ન આવે તો, અલગ સ્વર ઉમેરવાથી શબ્દનો સંપૂર્ણ અર્થ બદલાઈ શકે. અંગ્રેજી ભાષામાં સ્વર અક્ષરો ચોક્કસ હોય છે, તેથી અક્ષરનું સંશોધન કરવું ખૂબ મુશ્કેલ છે.

^ બાઇબલ દેવની પ્રેરણાથી લખાયેલ છે, એ વિષે અને એની ભવિષ્યવાણીઓ વિષે વધુ માહિતી માટે વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રેક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત મોટી પુસ્તિકા સર્વ લોકો માટેનું પુસ્તક જુઓ.