એજીન સમુદ્રના વિસ્તારોમાં પ્રચારકાર્ય
એજીન સમુદ્રના વિસ્તારોમાં પ્રચારકાર્ય
એજીન સમદ્ર પૂર્વીય ભૂમધ્ય સમુદ્રના વિશાળ વિસ્તારનો સમાવેશ કરે છે. એની ઉત્તર અને પશ્ચિમમાં ગ્રીસ, દક્ષિણમાં ક્રેત ટાપુ અને પૂર્વમાં તુર્કસ્તાન છે. એજીન સમુદ્રની આજુબાજુ નાના મોટા ટાપુઓ આવેલા છે, અને કેટલીક પ્રાચીન સંસ્કૃતિનો એ ઉદ્ભવ છે. ટાપુઓના છૂટા છવાયા નાના સફેદ ઘરો પર સૂર્ય પ્રકાશ પડવાથી એઓ ઝગમગતા હોય છે, એથી એક કવિ ટાપુઓની આમ રૂપરેખા આપે છે: “વિખરાએલા લાંબા કેશવાળા પત્થરના સફેદ ઘોડા.”
આ ટાપુઓ જગતમાં પ્રવાસીઓ માટે સૌથી પ્રખ્યાત જગ્યા છે, એમાં કંઈ આશ્ચર્યની વાત નથી. આ ટાપુ સુંદર તો છે જ પરંતુ એમાં રહેનારા અને કામ કરનારા માણસો અને સ્ત્રીઓના ગુણોથી એની શોભામાં અભિવૃદ્ધિ થાય છે. વ્યવહારુ અને સ્વતંત્ર હોવા છતાં તેઓ નમ્ર અને પરોણાગત બતાવનારાઓ છે, તેથી ખાસ કરીને લોકોના આ ગુણો આ વિસ્તારને અજોડ બનાવે છે.
ઘણા ટાપુવાસીઓ એજીન સમુદ્રમાં મત્સ્ય ઉદ્યોગ કરીને પોતાના જીવન ગુજારે છે. તેમ છતાં, બીજા પ્રકારના ‘માછલી પકડવાના’ કાર્યનું આ વિસ્તારમાં ખૂબ જ સારું પરિણામ આવ્યું છે. એ છે ‘માણસોને પકડવાનું’ કાર્ય. દેવના રાજ્યના સુસમાચારના પ્રચારકો એજીન ટાપુઓને ઓળંગીને ખ્રિસ્તના શિષ્યો બનાવે છે.—માત્થી ૪:૧૮, ૧૯; લુક ૫:૧૦.
લગભગ ૧૯ સદીઓ અગાઉ, ખ્રિસ્તી સુવાર્તિકોએ એજીન ટાપુની મુલાકાત લીધી હતી. લગભગ ૫૬ સી.ઈ.માં પોતાના ત્રીજા મિશનરિ સેવાકાર્યમાંથી પાછા ફરતા પ્રેષિત પાઊલ લેસવોસ, ખીઅસ, સામોસે, કોસ અને રોડસ ટાપુઓમાં થોડો સમય રહ્યાં. ઉત્સાહી પ્રચારક હોવાને કારણે પાઊલે આ ટાપુવાસીઓમાંના કેટલાકને પ્રચાર કર્યો હોવો જોઈએ. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૧૪, ૧૫, ૨૪; ૨૧:૧, ૨) રોમની કેદમાં બે વર્ષ રહ્યાં પછી સંભવિતઃ તેમણે ક્રેતની મુલાકાત લીધી હોય શકે અને ત્યાં ખ્રિસ્તી પ્રવૃત્તિમાં પરોવાયા હશે. પ્રથમ સદીના અંતમાં પ્રેષિત યોહાનને “દેવના વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે,” પાત્મસ ટાપુમાં દેશનિકાલ કરવામાં આવ્યા. (પ્રકટીકરણ ૧:૯) આધુનિક-દિવસોમાં આ ટાપુઓમાં રાજ્યના સુસમાચાર જાહેર કરનારાઓને કેવો પ્રત્યુત્તર મળે છે?
પ્રચાર ઝુંબેશના ફળો
આ ટાપુઓમાં પ્રચારકાર્ય કરવું એ મુશ્કેલીભર્યું અને એક પડકાર છે. એમાં સખત પ્રયત્ન અને આત્મ-ત્યાગી આત્માની જરૂર પડે છે. અમુક ટાપુઓ એકબીજાથી ઘણા દૂર આવેલા છે. અમુક ટાપુઓમાં ખાસ કરીને શિયાળા દરમિયાન વહાણો અને વિમાનો માટેની વ્યવસ્થા અનિયમિત છે અને કેટલીક જગ્યાઓએ તો વ્યવસ્થા પણ નથી. ખાસ કરીને મેલ્ટેમી—મોસમનો ઉત્તરીય પવન—ફુંકાય છે ત્યારે સમુદ્ર તોફાની થઈ શકે છે. વધુમાં, ટાપુઓમાં ઘણાં છૂટાછવાયાં ગામડાંઓ આવેલા છે જેમાં પહોંચવું ખૂબ જ મુશ્કેલીભર્યું છે, કારણ કે રસ્તાઓ ધૂળવાળા અને ખાડાટેકરાવાળા છે અને આવા રસ્તાઓમાંથી ભાગ્યે જ જઈ શકાય. ઘણા ગામડાંઓમાં તો નાની હોડી દ્વારા જ પહોંચી શકાય છે.
દાખલા તરીકે, ઇકારીઆ ટાપુમાં, રાજ્ય સુસમાચારનું ૧૧ પ્રકાશકોનું નાનું મંડળ ત્યાંના નાના મોટા ટાપુઓના બધા જ ગામડાંઓને પ્રચારકાર્યથી આવરી શકતું ન હતું. તેથી સામોસેથી ખ્રિસ્તી ભાઈબહેનો ઇકારીઆ તેમ જ ફરની, પાત્મસ
અને લીપસાસ ટાપુના લોકોને પ્રચારકાર્યમાં મદદ કરવા માટે આવ્યા. તાજેતરમાં, બે-દિવસની ઝુંબેશ દરમિયાન સાક્ષીઓ ૬૫૦ સામયિકો, ૯૯ મોટી પુસ્તિકાઓ અને બાઇબલ આધારિત ૨૫ પુસ્તકોનું વિતરણ કરી શક્યા! યહોવાહ વિષે જાણતા પણ ન હતા એવા લોકોને મળીને તેઓને આશ્ચર્ય થયું અને લોકોએ તેઓને ત્યાં રહેવા તથા બાઇબલ વિષે વધારે શીખવવા માટે વિનંતી કરી. એક સ્ત્રીએ એક સાક્ષીને કહ્યું: “હમણા તમે જાવ છો તો ખરાં, પરંતુ મને બાઇબલ વિષે હજુ પણ ઘણા પ્રશ્નો છે. મને કોણ મદદ કરશે?” ખ્રિસ્તી બહેને કહ્યું કે ટેલિફોનનો ઉપયોગ કરીને તમે તમારો રસ જાળવી રાખો, અને આ રીતે તેણે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો.પ્રવાસી નિરીક્ષકે ઇકારીઆની મુલાકાત લીધી ત્યારે, તેમણે એક સપ્તાહ અંતે આખા ટાપુને આવરી લેવા માટેની ગોઠવણ કરી. તેમની યાદીમાં મદદ માટે સામોસેથી લગભગ ૩૦ રાજ્ય પ્રકાશકો હતા. મુલાકાતી ભાઈઓએ હોટલમાં બે રાત રહેવા ઉપરાંત કાર તથા બીજા મોટા વાહનનું ભાડું પણ ચૂકવવાનું હતું. ત્યાં બે દિવસ પુષ્કળ વરસાદ પડ્યો અને એ સપ્તાહ અંતે ઠંડા હવામાનની આગાહી કરવામાં આવી હતી. પરંતુ એનાથી ભાઈઓ પાછા હઠ્યા નહિ, એના બદલે તેઓએ સભાશિક્ષક ૧૧:૪ના શબ્દો યાદ કર્યાં: “જે માણસ પવન પર ધ્યાન રાખ્યા કરે છે તે વાવશે નહિ; અને જે માણસ વાદળ જોતો રહે છે તે કાપણી કરશે નહિ.” આખરે, હવામાનમાં થોડો સુધારો થયો અને આખા ટાપુને મહત્ત્વનો સંદેશ આપ્યા પછી ભાઈઓ આનંદિત અને સંતુષ્ટ થઈને ઘરે પાછા ફર્યાં.
એન્ડ્રોસ ટાપુમાં રહેતા ૧૬ પ્રકાશકોએ આખા ટાપુને સુસમાચાર આપવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યાં. બે ભાઈઓ એક દૂરના ગામડામાં પહોંચ્યા ત્યારે, તેઓએ સર્વ રહેવાસીઓને પ્રચાર કરવાનો નિર્ણય કર્યો. તેઓએ લોકો સાથે તેમના ઘરોમાં, રસ્તાઓ પર અને ખેતરોમાં વાત કરી. તેઓએ પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લીધી અને ત્યાં સાહિત્ય આપ્યું. ગામમાં સર્વ રહેવાસીઓને પ્રચાર કર્યાની ખાતરી થયા પછી તેઓએ જવાની તૈયારી કરી. તેઓ જઈ રહ્યા હતા ત્યારે, તેઓએ ગ્રીક ઑર્થોડૉક્સ પાદરીને આવતા જોયા. ભાઈઓને લાગ્યું કે તેમણે પાદરીને સાક્ષી આપી નથી ત્યારે, ભાઈઓએ તેમને એક નાના પ્રકાશનની ઑફર કરી કે જેને તેમણે ખુશીથી સ્વીકાર્યું. હવે ભાઈઓને ચોક્કસ ખાતરી થઈ કે ગામની સર્વ વ્યક્તિઓને પ્રચાર કરવામાં આવ્યો છે!
ગાવડૉસ (અથવા કૌદા)—આ ટાપુ ક્રેતની નીચાણમાં આવેલો છે અને ત્યાં ૩૮ રહેવાસીઓ છે—એ દક્ષિણ યુરોપના છેક છેવાડે આવેલો છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૭:૧૬) એક પ્રવાસી નિરીક્ષક તથા તેમના પત્ની અને તેઓની સાથે બીજા એક પરિણીત યુગલે ત્યાં ત્રણ દિવસ પ્રચારકાર્ય કર્યું. પૈસા બચાવવા તેઓ તંબુમાં સૂઈ જતા હતા. તેઓએ સર્વ રહેવાસીઓને સુસમાચાર આપ્યા, અને લોકોએ વિરોધ કર્યો ન હોવાથી ભાઈઓ આનંદિત હતા. એ લોકોએ યહોવાહના સાક્ષીઓ વિષે—સારું અથવા ખરાબ—કંઈ જ સાંભળ્યું ન હતું. સ્થાનિક લોકો તથા પાદરીએ ૧૯ પુસ્તકો અને ૧૩ મોટી પુસ્તિકાઓનો સ્વીકાર કર્યોં. સાક્ષીઓ નાની હોડીમાં ક્રેત પાછા જતા હતા ત્યારે સમુદ્ર તોફાની બન્યો અને તેઓનાં જીવનો જોખમમાં મૂકાયા હતા. તેઓએ કહ્યું, “અમે ઘરે સહીસલામત આવ્યા એ માટે યહોવાહનો આભાર માનીએ છીએ, પરંતુ અમે તેમનો એ માટે પણ આભાર માનીએ છીએ કે તેમણે દક્ષિણ યુરોપના છેક છેવાડે આવેલા ટાપુ પર તેમનું નામ પવિત્ર મનાવવા અમને પસંદ કર્યાં.”
પાત્મસ ટાપુમાં પ્રેષિત યોહાને બાઇબલનું સૌથી છેલ્લું પુસ્તક, પ્રકટીકરણ લખ્યું. અત્યાર સુધી પાત્મસ ટાપુ પર એક પણ યહોવાહનો સાક્ષી ન હતો. સામોસેના ભાઈઓએ આ ટાપુમાં પ્રચારકાર્યના ઝુંબેશની સંગઠિત થઈને ગોઠવણ કરી. તેઓ જાણતા હતા કે ટાપુ ગ્રીક ઑર્થોડૉક્સ ચર્ચના પ્રભાવ હેઠળ હોવાથી તેઓનો ઉગ્ર વિરોધ થશે. બે બહેનો સુસમાચારની રજૂઆત કરતી હતી ત્યારે એક સ્ત્રીએ તેમને
ઘરમાં આવવાનું આમંત્રણ આપ્યું. એ સ્ત્રીના પતિએ બહેનોને અવારનવાર પૂછ્યું કે તમને મારા ઘરે કોણે મોકલ્યા. બહેનોએ સમજાવ્યું કે તેઓ દરેક ઘરની મુલાકાત લે છે ત્યારે, તેમણે ફરીથી પૂછ્યું: “તમે સાચું કહો છો કે તમને મારા પડોશીએ નથી મોકલ્યા?” સ્ત્રીએ યહોવાહના સાક્ષીઓ વિષે ઝાઇરમાં સાંભળ્યું હતું, પછીથી તેણે બહેનોને સમજાવ્યું કે એ સવારે શું થયું હતું. તેણે કહ્યું: “બીજા દિવસોની જેમ હું યહોવાહને પ્રાર્થના કરતી હતી કે તે કેટલાક સાક્ષીઓને આ ટાપુ પર મોકલે. ત્યારે મારા પતિ મારા પર હસ્યા. મેં તમને મારા બારણે જોયા ત્યારે હું આશ્ચર્ય પામી. પરંતુ મારા પતિ તો માનવા તૈયાર જ નહોતા, એ કારણે તેમણે તમને વારંવાર પૂછ્યું કે તમને અમારા ઘરે કોણે મોકલ્યા.” સ્ત્રી સાથે તરત જ બાઇબલ અભ્યાસ શરૂ થયો. દસ મહિના સુધી ટેલિફોન પર અભ્યાસ ચાલ્યો, અને બંને વ્યક્તિઓ, રસ ધરાવનાર સ્ત્રી અને બહેનને એનો ઘણો ખર્ચ થયો. તે સ્ત્રીએ બાપ્તિસ્મા લીધું અને ૧૯૦૦ વર્ષ પહેલા પ્રેષિત પાઊલ હતા એ ટાપુમાં હવે ફક્ત તે એકલી સાક્ષી છે.બંદરોમાં પ્રચારકાર્ય
દરેક ઉનાળામાં એજીન સમુદ્રના અગણિત બંદરોએ વહાણો સંખ્યાબંધ મુલાકાતીઓને લઈને આવે છે. તેથી યહોવાહના સાક્ષીઓ પાસે દરેક દેશો અને ભાષાના લોકો સુધી પહોંચવા માટે એક તક છે. મંડળો જુદી જુદી ભાષામાં બાઇબલ સાહિત્યોનો સ્ટોક રાખે છે, અને પ્રકાશકો પ્રવાસીઓને હજારો સામયિકોનું વિતરણ કરે છે. ઘણાં વહાણો એ જ બંદરોની સપ્તાહમાં એક વાર મુલાકાત લેતા હોય છે, જેનાથી ભાઈઓને વહાણના કેટલાક સદસ્યો સાથે ફરી મુલાકાત કરવાની અને બાઇબલ અભ્યાસ હાથ ધરવાની સર્વોત્તમ તક મળે છે.
વર્ષ ૧૯૯૬ના ઉનાળા દરમિયાન રોડસમાં પૂરા-સમયની એક પ્રચારક બહેને જમૈકાના યુવાન માણસને સાક્ષી આપી. આ માણસ જે વહાણમાં કામ કરતો હતો એ વહાણ દર શુક્રવારે એ બંદરે આવતું હતું. એ માણસને પછીના શુક્રવારે ટાપુમાં રાખવામાં આવેલા ડિસ્ટ્રીક્ટ મહાસંમેલનમાં હાજરી આપવાનું આમંત્રણ આપવામાં આવ્યું. અંગ્રેજી બાઇબલનો ઉપયોગ કરીને પાયોનિયર બહેને તેમને કાર્યક્રમમાં રજૂ કરવામાં આવેલા કેટલાક બાઇબલ સત્યોને સમજવા મદદ કરી. મહાસંમેલનમાં સાક્ષીઓએ જે પ્રેમ અને લાગણીઓ બતાવી એનાથી યુવાન માણસ પ્રભાવિત થયો. એથી એ પછીના શુક્રવારે તેણે બે પાયોનિયરોને વહાણમાં આવવાનું આમંત્રણ આપ્યું. પાયોનિયરોએ તેમની સાથે અંગ્રેજી અને સ્પૅનિશ સાહિત્યો લીધા. ત્યાં સાક્ષીઓની બેગ એક કલાકની અંદર તો ખાલી થઈ ગઈ! જમૈકાના આ યુવાને એ
ઉનાળા દરમિયાન દર શુક્રવારે બાઇબલનો અભ્યાસ કર્યો. ત્યાર પછીના ઉનાળામાં તે ફરીથી અભ્યાસ શરૂ કરવાની તૈયારી સાથે પાછો આવ્યો. તેમ છતાં, આ વખતે આત્મિક પ્રગતિ કરવા માટે તેણે પોતાની નોકરી બદલવાનો નિર્ણય કર્યો. અને તેણે નોકરી છોડી દીધી. આ યુવાન માણસે ૧૯૯૮ની શરૂઆતમાં બાપ્તિસ્મા લીધુ એ સાંભળીને રોડસના ભાઈઓ કેટલા ખુશ થયા હશે!પ્રવાસીઓને પ્રચાર
એજીન સમુદ્રમાં બીજા દેશોમાંથી સાર્ડીન અને અસિમીન નામની માછલીઓ આવતી હોવાથી એ પ્રખ્યાત છે. આ માછલીઓ પોતાની હદ ઓળંગીને આવે છે અને નિષ્ણાત માછીમારોની જાળમાં પકડાઈ જાય છે. એવી જ રીતે, પૂર્વીય યુરોપના દેશોમાંથી ઘણા પરદેશીઓ ગ્રીસમાં વસી ગયા છે. રાજ્ય સુવાર્તિકો તેઓના ઉત્સુક હૃદયો પારખી શક્યા છે.
રેઝીએ આલ્બેનિયામાં ચોકીબુરજ અને સજાગ બનો!માં યહોવાહ અને તેમના હેતુઓ વિષે પહેલી વાર વાંચ્યું ત્યારે તે દસ વર્ષની હતી. ત્રણ વર્ષ પછી તે પોતાના કુટુંબ સાથે રોડસ ટાપુમાં રહેવા ગઈ. એક દિવસે રેઝીએ યહોવાહને પ્રાર્થના કરી કે તે તેને આ નવા ટાપુમાં સાક્ષીઓને શોધવા મદદ કરે. બીજા દિવસે તેના પિતા સુપરિચિત સામયિક ચોકીબુરજ અને સજાગ બનો! લઈને ઘરે આવ્યા, જે રેઝી માટે ખૂબ જ આનંદની બાબત હતી. જે બહેને પિતાને સામયિકો આપ્યા હતા તેના સંપર્કમાં રેઝી આવી, અને જલદી જ તેણે જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તકમાંથી અભ્યાસ શરૂ કર્યોં. કેટલીક વાર તો તેણે દિવસમાં ત્રણ વાર અભ્યાસ કરવા માટે પૂછ્યું! બે મહિના પછી તે બાપ્તિસ્મા ન પામેલી પ્રકાશક બની, અને માર્ચ ૧૯૯૮માં બાપ્તિસ્મા લીધુ ત્યારે તે ૧૪ વર્ષની હતી. એ જ દિવસે તેણે સહાયક પાયોનિયર ચાલુ કર્યું, અને છ મહિના પછી નિયમિત પાયોનિયર અથવા પૂરા-સમયની સેવક તરીકે નામ નોંધાવ્યું.
કોસ ટાપુના એક ભાઈ રશિયાના કેટલાક લોકો સાથે અભ્યાસ કરતા હતા. એ ભાઈએ તેઓને પૂછ્યું કે શું તમારા કોઈ મિત્રો છે જેઓને બાઇબલનો અભ્યાસ કરવો ગમે. તેઓ તેમને એક આર્મેનિયન યુગલને ત્યાં—લીઑનીડ્સ અને તેની પત્ની ઑફીલ્યા—ગામડામાં લઈ ગયા જે ત્યાંથી ૩૦ કિલોમીટર દૂર હતું. જ્યારે આર્મેનિયન યુગલે વૉચટાવર સોસાયટી દ્વારા પ્રકાશિત રશિયન અને આર્મેનિયન સાહિત્ય પૂરી પેટી ભરીને બતાવ્યું ત્યારે ભાઈઓ આશ્ચર્ય પામ્યા. યુગલે સમજાવ્યું કે યહોવાહના સાક્ષીઓ સાથે તેઓએ બાઇબલ અભ્યાસ કર્યો હતો અને બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક સુધી પ્રગતિ પણ કરી હતી. પરંતુ રાજકીય પરિવર્તન અને આર્થિક મુશ્કેલીઓને કારણે તેઓએ પોતાની માતૃભૂમિ છોડવી પડી. સાક્ષીઓ કોસ ટાપુમાં આવ્યા કે તરત જ તેમણે લીઑનીડ્સની માતા અને બહેન સાથે અભ્યાસ શરૂ કર્યો. તાત્કાલિક સાક્ષીઓએ ત્રણ બાઇબલ અભ્યાસ હાથ ધરવાના હતા—ઑફીલ્યા સાથે, લીઑનીડ્સ સાથે તથા તેમની માતા અને બહેન સાથે. એના માટે સપ્તાહમાં ત્રણ વાર મોટરસાયકલ પર ૩૦ કિલોમીટર મુસાફરી કરવી પડતી હતી. થોડા મહિના પછી લીઑનીડ્સ અને તેમના પત્ની બાપ્તિસ્મા પામ્યા. સ્થાનિક ભાઈઓના આત્મ-ત્યાગી આત્માનો કેવો બદલો!
યહોવાહ આશીર્વાદ આપે છે
એજીન સમુદ્રના ૨૦૦૦ સક્રિય રાજ્ય પ્રચારકોના પ્રયત્નોને યહોવાહ આશીર્વાદ આપે છે એ સ્પષ્ટ રીતે દેખાય છે. હવે ત્યાં ૪૪ મંડળો અને યહોવાહના સાક્ષીઓના ૨૫ વૃંદો છે. અલબત્ત, એમાંના ૧૭ પરદેશી ભાષાના છે, કારણ કે યહોવાહની ઇચ્છા એવી છે કે “સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય.” (૧ તીમોથી ૨:૪) વધુમાં, ૧૩ ખાસ પાયોનિયરો છૂટાછવાયા વિસ્તારોમાં વધુ લોકો સુધી પહોંચવા પ્રયત્નો કરે છે.
સદીઓથી એજીન સમુદ્ર સાંસ્કૃતિક વિકાસ અને વેપારનું કેન્દ્ર છે. કંઈક દસ વર્ષથી લાખો પ્રવાસીઓ માટે એ એક પ્રખ્યાત પર્યટક સ્થળ બની ગયું છે. પરંતુ વધુ મહત્ત્વનું તો આ ટાપુમાં “માણસો પકડનારા,” રાજ્ય પ્રચારકોને પ્રમાણિક હૃદયવાળા ઘણા લોકો જોવા મળ્યા છે જેઓ યહોવાહની સ્તુતિ કરવા આતુર છે. તેઓએ સાથે મળીને પ્રબોધકીય આમંત્રણને પ્રત્યુત્તર આપ્યો છે: “તેઓ યહોવાહને મહિમા આપે, ને ટાપુઓમાં તેની સ્તુતિ પ્રગટ કરે.”—યશાયાહ ૪૨:૧૨.
[પાન ૨૨ પર નકશા]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
એજીન સમુદ્ર
ગ્રીસ
લેસવોસ
ખીઅસ
સામોસે
ઈકોરીઆ
ફોરનીઑ
પાત્મસ
કોસ
રોડસ
ક્રેત
તુર્કસ્તાન
[પાન ૨૩ પર ચિત્ર]
લેસવોસ ટાપુ
[પાન ૨૪ પર ચિત્ર]
પાત્મસ ટાપુ
[પાન ૨૪ પર ચિત્ર]
ક્રેત ટાપુ