સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહની શક્તિમાંથી દિલાસો મેળવવો

યહોવાહની શક્તિમાંથી દિલાસો મેળવવો

યહોવાહની શક્તિમાંથી દિલાસો મેળવવો

“મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે ત્યારે તારા દિલાસાઓ મારા આત્માને ખુશ કરે છે.”—ગીતશાસ્ત્ર ૯૪:૧૯.

આશ્વાસન કે દિલાસાની જેઓ ઝંખના રાખે છે તેઓ સર્વને બાઇબલ દિલાસો આપે છે. તેથી ધ વર્લ્ડ બુક એન્સાઇક્લોપેડિયા આમ કહે છે એમાં કંઈ નવાઈ નથી કે, “અનેક લોકો મુશ્કેલીમાં, અઘરા સમયમાં દિલાસો, આશા અને માર્ગદર્શન માટે બાઇબલ વાંચે છે.” એનું શું કારણ છે?

એનું કારણ એ છે કે, તે આપણા ઉત્પન્‍નકર્તા અને ‘દિલાસાના દેવ’ હોવાથી તેમણે આપણા માટે બાઇબલ લખ્યું છે. તેથી, ‘આપણે ગમે તેવી વિપત્તિમાં હોઈએ ત્યારે તે દિલાસો આપે છે.’ (૨ કોરીંથી ૧:૩, ૪) તે દિલાસો આપનાર દેવ છે. (રૂમી ૧૫:૬) યહોવાહ દેવે આપણે સર્વ ઉદાર બનીએ માટે સારું ઉદાહરણ બેસાડ્યું છે. તેમણે પોતાના એકાકીજનિત દીકરા, ઈસુ ખ્રિસ્તને પૃથ્વી પર મોકલ્યા જેથી આપણને દિલાસો અને આશા મળે. ઈસુએ શીખવ્યું: “કેમકે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ સારૂ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.” (યોહાન ૩:૧૬) બાઇબલ યહોવાહ દેવ વિષે આમ કહે છે: “જે રોજ આપણો બોજો ઊંચકી લે છે, તે આપણા તારણનો દેવ છે.” (ગીતશાસ્ત્ર ૬૮:૧૯) દેવના ભક્તો પૂરા દિલથી કહી શકે છે કે “મેં મારી સંમુખ યહોવાહને નિત્ય રાખ્યો છે; તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઇ નથી.”—ગીતશાસ્ત્ર ૧૬:૮.

આ રીતે બાઇબલ બતાવે છે કે, યહોવાહ દેવને મનુષ્ય માટે કેટલો ઊંડો પ્રેમ છે. એ સ્પષ્ટરીતે જોવા મળે છે કે, આપણે જ્યારે મુશ્કેલીઓમાં દુઃખ અનુભવતા હોઈએ ત્યારે તે આપણને તેમના પૂરા હૃદયથી પુષ્કળ દિલાસો આપવા ઇચ્છે છે. વળી, તે એમ કરી પણ શકે છે. “નબળાને તે બળ આપે છે; અને કમજોરને તે પુષ્કળ જોર આપે છે.” (યશાયાહ ૪૦:૨૯) તો પછી, આપણે કઈ રીતે યહોવાહની શક્તિમાંથી દિલાસો મેળવી શકીએ?

યહોવાહની પ્રેમાળ કાળજી

ગીતકર્તાએ લખ્યું: “તારો બોજો યહોવાહ પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે; તે કદી ન્યાયીને ઠોકર ખાવા દેશે નહિ.” (ગીતશાસ્ત્ર ૫૫:૨૨) હા ખરેખર, યહોવાહ દેવ આપણી ચિંતા કરે છે. પ્રેરિત પીતરે પ્રથમ સદીના ખ્રિસ્તીઓને ઉત્તેજન આપતા કહ્યું કે “તે [દેવ] તમારી સંભાળ રાખે છે.” (૧ પીતર ૫:૭) ઈસુ ખ્રિસ્તે ભાર આપતા જણાવ્યું કે યહોવાહ દેવની નજરમાં આપણે કેટલા મૂલ્યવાન છે: “શું પાંચ ચકલી બે પૈસે વેચાતી નથી? તો પણ દેવની દૃષ્ટિમાં તેઓમાંની એકે વિસારેલી નથી. પરંતુ તમારા માથાના નિમાળા પણ સઘળા ગણાએલા છે. બીહો મા, ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.” (લુક ૧૨:૬, ૭) તેમની નજરમાં આપણે એટલા કીમતી છીએ કે, તે આપણા વિષે દરેક બાબતો જાણે છે. વળી, આપણે પોતા વિષે જે જાણતા નથી એ સર્વ તે જાણે છે. કારણ કે તે દરેક જણ વિષે ચિંતા કરે છે.

આગળના લેખમાં ઉલ્લેખ કરવામાં આવેલી સેવલાના નામની વેશ્યા યહોવાહના સાક્ષીઓના સંપર્કમાં આવ્યા પહેલા આત્મહત્યા કરવાની અણી પર હતી. જ્યારે તેણે જાણ્યું કે યહોવાહ દેવ દરેકની ચિંતા કરે છે ત્યારે તેને ખૂબ જ દિલાસો મળ્યો. તેથી, તે બાઇબલમાંથી શીખવા તૈયાર હતી. એમ કરવાથી તે પોતે યહોવાહ દેવને ઓળખતી થઈ અને જોઈ શકી કે તેમને આપણી ચિંતા છે. એ શીખવાથી તે પોતે બહુ જ ખુશ થઈ અને જીવનમાં મોટા ફેરફારો કર્યા પછી, તેણે યહોવાહ દેવને પોતાનું સમર્પણ કર્યું. પોતે મુશ્કેલીઓમાં હોવા છતાં, બાઇબલના જ્ઞાનથી સેવલાનાને સ્વ-માન અને જીવનનો હેતુ મળ્યો. તે હવે કહે છે, “મને ખાતરી છે કે યહોવાહ કદી મને છોડી દેશે નહિ. જોકે, ૧ પીતર ૫:૭માં જે લખવામાં આવ્યું છે એ મારા માટે એકદમ સાચું છે. જે કહે છે: ‘તમારી સર્વ ચિંતા તેના [યહોવાહ] પર નાખો, કેમકે તે તમારી સંભાળ રાખે છે.’”

બાઇબલનો સંદેશો દિલાસો આપે છે

યહોવાહ દેવ બાઇબલમાંથી ખાસ દિલાસો પૂરો પાડે છે, જેમાં ભાવિની અદ્‍ભુત આશા રહેલી છે. પ્રેરિત પાઊલે લખ્યું: “કેમકે જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું, તે આપણને શિખામણ મળવાને માટે લખવામાં આવ્યું હતું, કે ધીરજથી તથા પવિત્ર શાસ્ત્રમાંના દિલાસાથી આપણે આશા રાખીએ.” (રૂમી ૧૫:૪) પ્રેરિત પાઊલે આશા અને દિલાસા વચ્ચેનો સંબંધ સ્પષ્ટ રીતે બતાવ્યો. તેથી તેમણે લખ્યું: “આપણો બાપ [યહોવાહ દેવ], જેણે આપણા પર પ્રેમ રાખ્યો, ને કૃપા કરીને આપણને સર્વકાળનો દિલાસો ને સારી આશા આપ્યાં, તે તમારાં હૃદયોને દિલાસો આપો, ને દરેક સારા કામમાં તથા વચનમાં તમને દૃઢ કરો.” (૨ થેસ્સાલોનીકી ૨:૧૬, ૧૭) વળી, આ ‘આશામાં’ ન્યાયી નવી દુનિયામાં સુખી, સંપૂર્ણ અને અનંતજીવન જીવવાનો પણ સમાવેશ થાય છે.—૨ પીતર ૩:૧૩.

આપણે આગળના લેખમાં જોયું કે, લીમેન્સીસ અપંગ હતો છતાં દારૂની લતે ચડી ગયા હતો. તેને આશાભર્યો સંદેશો સાંભળવાથી ખરેખર હિંમત મળી. યહોવાહના સાક્ષીઓનું બાઇબલ આધારિત સાહિત્ય વાંચીને, તથા દેવના રાજ્યના નવા જગત વિષે શીખીને તેને ખૂબ જ આનંદ થયો. જ્યાં તે સંપૂર્ણ તંદુરસ્તીનો આનંદ માણશે. તેણે બાઇબલમાં રોમાંચભરી આશા વિષે વાંચ્યું કે સાજાપણું કરવામાં આવશે. જે આમ કહે છે: “ત્યારે આંધળાઓની આંખો ઉઘાડવામાં આવશે, ને બહેરાઓના કાન પણ ઉઘાડવામાં આવશે. લંગડો હરણની પેઠે કૂદશે, ને મૂંગાની જીભ ગાયન કરશે; કારણ કે અરણ્યમાં પાણી, અને વનમાં નાળાં ફૂટી નીકળશે.” (યશાયાહ ૩૫:૫, ૬) એ ન્યાયી નવી દુનિયામાં જીવવા લાયક બનવા, લીમેન્સીસે પોતાના જીવનમાં મોટા ફેરફારો કર્યા. તેણે દારૂ પીવાનું છોડી દીધું. તેણે મોટા ફેરફારો કર્યા એ તેના પડોશીઓ અને સંબંધીઓ જોઈ રહયા હતા. હવે તે પોતે ઘણા લોકોને બાઇબલની દિલાસો આપતી આશા વિષે શીખવે છે.

પ્રાર્થનાની ભૂમિકા

કોઈ કારણોસર આપણને અતિશય દુઃખ થયું હોય ત્યારે, આપણે યહોવાહને પ્રાર્થના કરીને દિલાસો મેળવી શકીએ છીએ. એમ કરવાથી આપણો બોજો હલકો થશે. આપણે પ્રાર્થના કરતા હોઈએ ત્યારે બાઇબલમાં લખેલું છે એના પર મનન કરવાથી દિલાસો મેળવી શકીએ. બાઇબલમાં સૌથી લાંબો ગીતશાસ્ત્રનો એક અધ્યાય સુંદર પ્રાર્થના જેવો છે. એના રચનારે ગાયું: “હે યહોવાહ, પુરાતન કાળથી તારાં જે ન્યાયવચનો છે તેમને મેં સંભાર્યાં; મને દિલાસો મળ્યો છે.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૫૨) ખાસ કરીને જ્યારે તમે બીમાર હોવ અને એનો કોઈ ઉપાય જ ન હોય, ત્યારે આપણને કંઈ સુઝે પણ નહિ કે હવે કોની પાસેથી મદદ માગવી જોઈએ. આવા વખતે ઘણા લોકોએ અનુભવ્યું છે કે, પોતાનાથી બનતું બધુ જ કર્યા પછી તેઓ પરમેશ્વરને પ્રાર્થના કરે છે ત્યારે તેઓને ખરેખર દિલાસો મળે છે. વળી, ઘણી વખતે કોઈ ઉપાય ન હોય ત્યારે તેઓની પ્રાર્થનાનો જવાબ મળે છે.—૧ કોરીંથી ૧૦:૧૩.

પેટ્રિશાને જ્યારે હોસ્પિટલમાં તાત્કાલિક લઈ જવામાં આવી ત્યારે પોતે પ્રાર્થના કરી હોવાથી તેને દિલાસો મળ્યો. સારું થયા પછી તેણે કહ્યું: “યહોવાહને પ્રાર્થના કરવાથી હું શીખી કે, મને મારું જીવન તેમના હાથમાં છોડી દેવું જોઈએ. તેમની પછી ભલે ગમે એ ઇચ્છા હોય, પરંતુ તેમનામાં જ મારે ભરોસો મૂકવો જોઈએ. હું એ સમયમાં શાન્ત રહી શકી. વળી, હું ફિલિપી ૪:૬, ૭માં બતાવવામાં આવેલી દેવની શાંતિ અનુભવી શકતી હતી.” સર્વને દિલાસો આપનારી કેવી સુંદર કલમ! ત્યાં પાઊલ આપણને ઉત્તેજન આપે છે: “કશાની ચિંતા ન કરો; પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકારસ્તુતિસહિત તમારી અરજો દેવને જણાવો. અને દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.”

દિલાસો આપનાર પવિત્ર આત્મા

ઈસુએ પોતાના મરણની આગલી રાત્રે તેમના શિષ્યોને સ્પષ્ટપણે જણાવ્યું કે, તે તેઓને થોડા જ સમયમાં છોડી જવાના છે. ત્યારે, તેઓને ઘણું દુઃખ થયું. (યોહાન ૧૩:૩૩, ૩૬; ૧૪:૨૭-૩૧) તેઓને સતત દિલાસાની જરૂર છે એ જોઈને ઈસુએ શિષ્યોને વચન આપ્યું: “હું બાપને વિનંતી કરીશ, ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે.” (યોહાન ૧૪:૧૬) ઈસુ અહીં પવિત્ર આત્મા વિષે વાત કરી રહ્યાં હતા. તે ઉપરાંત, દેવના પવિત્ર આત્માએ તેઓના પરીક્ષણમાં દિલાસો આપ્યો અને દૃઢ કર્યા જેથી તેઓ દેવની ઇચ્છા પ્રમાણે જીવી શકે.—પ્રેરિતોનાં કૃત્યો ૪:૩૧.

ઍક્સિડન્ટ પછી એન્જીના પતિ મરણની અણી પર હતા. છતાં, એન્જી પોતાનું દુઃખ સહન કરી શકી. તેને શામાંથી મદદ મળી? તે કહે છે: “યહોવાહના પવિત્ર આત્માની મદદ વિના, અમે પરિસ્થિતિનો સામનો કરી શક્યા ન હોત. પરંતુ પવિત્ર આત્માની મદદથી અમે દૃઢ રહી શક્યા. ખરેખર, અમારી નબળાઈમાં અમે યહોવાહની શક્તિ જોઈ શક્યા, અને અમારા દુઃખદ સમયમાં તે અમારો સહારો હતા.”

દિલાસો આપનાર ભાઈબહેનો

આપણા જીવનમાં ભલેને ગમે તેવા દુઃખદ સંજોગો ઊભા થાય, આપણને યહોવાહના સંગઠનમાં ભાઈબહેનો પાસેથી દિલાસો જરૂર મળશે. ભાઈબહેનો સાથે સંગત રાખવાથી આપણને આત્મિક ઉત્તેજન અને મદદ મળી શકે છે. મંડળમાં, દિલાસો આપનાર પ્રેમાળ મિત્રો જોવા મળે છે. જેઓ બીજાઓને તકલીફમાં મદદ કરવા હંમેશા તૈયાર હોય છે.—૨ કોરીંથી ૭:૫-૭.

ખ્રિસ્તી મંડળોના સભ્યોને ‘પ્રસંગ મળે તેમ બધાંઓનું, અને વિશેષે કરીને વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારૂં કરવાનું’ શીખવવામાં આવે છે. (ગલાતી ૬:૧૦) તેઓ બાઇબલમાંથી એવું શિક્ષણ મેળવે છે, જેનાથી તેઓ એકબીજાને પ્રેમ અને લાગણી બતાવવા માટે પ્રેરાય છે. (રૂમી ૧૨:૧૦; ૧ પીતર ૩:૮) આમ, મંડળના ભાઈબહેનો દયા, દિલાસો અને કોમળ પ્રેમ બતાવવા માટે હંમેશા તૈયાર હોય છે.—એફેસી ૪:૩૨.

આપણે આગળના લેખમાં જોયું હતું તેમ, જૉ અને રીબેકાના દીકરાનું ઍક્સિડન્ટમાં મરણ થયું ત્યારે, ખ્રિસ્તી મંડળમાંથી તેઓને આ પ્રકારનો દિલાસો મળ્યો હતો. તેઓ કહે છે: “યહોવાહ દેવ અને તેમના મંડળે અમને દુઃખદ સમયમાં મદદ પૂરી પાડી છે. ગણી ન શકાય એટલા કાર્ડ અને પત્રો દ્વારા કેટલાક ભાઈબહેનોએ અમને દિલાસો પૂરો પાડ્યો છે. વળી, બીજાઓએ અમને ફોન પર સાંત્વના આપી. એના પરથી જોઈ શકાય છે કે, આપણા ભાઈબહેનો કેટલા પ્રિય છે. અમે અમારા દીકરાના ગમમાં એટલા ડૂબેલા હતા કે અમને કંઈ જ સૂઝતું ન હતું ત્યારે આજુબાજુના મંડળમાંથી ભાઈબહેનોએ આવીને અમને ઘણી મદદ કરી. તેઓ અમારા ઘરની સાફસફાઈ કરી જતા અને અમારા માટે ખાવાનું પણ બનાવી લાવતા.”

દિલાસો મેળવો!

દુઃખના ડુંગરો તૂટી પડે છે ત્યારે, દેવ આપણને દિલાસાનું રક્ષણ પૂરું પાડવા તૈયાર હોય છે. ગીતકર્તા તેમના વિષે આ રીતે વર્ણન કરે છે: “તે પોતાનાં પીંછાથી તને ઢાંકશે, અને તેની પાંખો તળે તને આશ્રય મળશે; તેની સત્યતા ઢાલ તથા બખતર છે.” (ગીતશાસ્ત્ર ૯૧:૪) અહીં કદાચ ગરુડનું ઉદાહરણ વાપરવામાં આવ્યું હોય શકે. દાખલા તરીકે, એ એવું પક્ષી છે જે જોઈ શકે કે જોખમ ઝઝૂમી રહ્યું છે, ત્યારે એ પોતાનાં બચ્ચાંને પોતાની પાંખો તળે રક્ષણ આપે છે. એથી પણ વધુ, યહોવાહમાં જેઓ રક્ષણ શોધે છે તેઓ માટે તે સાચે જ રક્ષણહાર સાબિત થયા છે.—ગીતશાસ્ત્ર ૭:૧.

તમે દેવનો સ્વભાવ, તેમનો હેતુ જાણવા, અને તે દિલાસો આપે છે કે નહિ એના વિષે વધારે શીખવા ઇચ્છતા હોવ તો, તમને બાઇબલ અભ્યાસ કરવાનું ઉત્તેજન આપવામાં આવે છે. યહોવાહના સાક્ષીઓને ખુશીથી તમને તમારા પ્રયત્નમાં મદદ કરવી ગમશે. હા, તમે પણ યહોવાહની શક્તિમાં દિલાસો મેળવી શકો!

[પાન ૭ પર ચિત્રો]

ભાવિ વિષે બાઇબલમાંથી શીખવાથી દિલાસો મળે છે