શું તમે બીજાઓ માટે - ઉદાહરણરૂપ છો?
શું તમે બીજાઓ માટે - ઉદાહરણરૂપ છો?
‘તમે કદાચ ગુસ્સા કે હતાશાની પળોમાં તોછડાઈપૂર્વક આમ કહ્યું હશે: ‘બીજાઓ મારા વિષે કંઈપણ વિચારે એની મને કોઈ પરવા નથી!’ પરંતુ ગુસ્સો શમી ગયા પછી તમને તોછડાઈપૂર્વક વર્ત્યા બદલ ચિંતા થવા લાગે છે. શા માટે? કારણ કે આપણામાંના મોટા ભાગના લોકો ખરેખર એ બાબતની કાળજી રાખતા હોય છે કે બીજાઓ આપણા વિષે શું વિચારે છે.
ખરેખર, આપણે બીજાઓની લાગણીઓની કાળજી રાખવી જોઈએ. ખાસ કરીને ખ્રિસ્તીઓ તરીકે આપણને યહોવાહના સેવક તરીકે નિમવામાં આવ્યા હોવાથી, આપણે બીજાઓની યોગ્ય ચિંતા કરવી જોઈએ. સર્વ ઉપરાંત, આપણે ‘જગતની નજરે તમાશા જેવા છીએ.’ (૧ કોરીંથી ૪:૯) બીજો કોરીંથી ૬:૩, ૪માં આપણને પ્રેષિત પાઊલની યોગ્ય સલાહ જોવા મળે છે જે કહે છે: “અમારી સેવાનો દોષ કાઢવામાં ન આવે, માટે અમે કોઈ પણ બાબતમાં કોઈને ઠોકર ખાવાનું કારણ આપતા નથી; પણ સર્વ વાતે અમે દેવના સેવકોને શોભે એવી રીતે વર્તીએ છીએ.”
તો પછી, બીજાઓ માટે ઉદાહરણરૂપ બનવાનો શું અર્થ થાય છે? શું એનો અર્થ એ છે કે આપણે પોતાને જ મહત્ત્વ આપવું જોઈએ અને આપણા પ્રત્યે કે આપણી ક્ષમતાઓ પ્રત્યે બીજાઓનું અઘટિત ધ્યાન દોરવું જોઈએ? ના. પરંતુ એમાં ૧ પીતર ૨:૧૨ના શબ્દોને લાગુ કરવાનો સમાવેશ થાય છે જે કહે છે: “અને વિદેશી લોકોમાં તમે તમારાં આચરણ સારાં રાખો; જેથી તેઓ . . . તમારાં રૂડાં કામ જોઈને . . . દેવની સ્તુતિ કરે.” સાચા ખ્રિસ્તીઓ પોતાના આચરણ એવા રાખે છે કે એ જોઈને લોકો તેઓની પ્રસંશા કરે છે અને આ રીતે તેઓ પોતે ઉદાહરણરૂપ બને છે. છેવટે તો આ બાબત પોતાને નહિ પણ દેવને સ્તુતિ લાવે છે. તથાપિ, બીજાઓ માટે સારું ઉદાહરણરૂપ બનવાથી વ્યક્તિગત લાભ પણ થાય છે. ચાલો આપણે એવા ત્રણ ક્ષેત્રો તપાસીએ જેમાં કદાચ તમારા માટે પણ આ સાચું હોય શકે.
ગુણિયલ લગ્નસાથી તરીકે
ઉદાહરણ તરીકે, લગ્ન વિષે વિચાર કરો. એ યહોવાહ દેવ તરફથી ભેટ છે “જેના નામ પરથી આકાશમાંના તથા પૃથ્વી પરના દરેક કુટુંબને નામ આપવામાં આવે છે.” (એફેસી ૩:૧૫) કદાચ તમે લગ્ન કરવાનું ઇચ્છતા હોવ. જો એમ હોય તો તમે કેટલી હદ સુધી ઉદાહરણરૂપ બનો છો કે કોઈ તમને એક સંભવિત લગ્નસાથી તરીકે જુએ? હા, તમે અપરિણીત યુવક કે યુવતી તરીકે કેવી પ્રતિષ્ઠા ઊભી કરી છે?
કેટલાક દેશોમાં કુટુંબો પ્રતિષ્ઠાને બહુ ગંભીર ગણે છે. ઉદાહરણ તરીકે, ઘાનામાં બે વ્યક્તિઓ એકબીજા સાથે લગ્ન કરવા માગતી હોય તો ત્યાંની પ્રણાલી પ્રમાણે સંભવિત યુગલે તેમના માબાપને જાણ કરવી પડે છે. પછી તેઓ કુટુંબના બીજા સભ્યોને એની જાણ કરે છે. ત્યાર બાદ છોકરા પક્ષનું કુટુંબ છોકરી જ્યાં રહે છે ત્યાં આસપાસ છોકરીની પ્રતિષ્ઠા વિષે તપાસ કરે છે. જ્યારે માબાપને ખાતરી થાય છે કે યુવતી યોગ્ય છે, ત્યારે તેઓ યુવતીના કુટુંબને જાણ કરે છે કે તેમનો પુત્ર તે યુવતી સાથે લગ્ન કરવા માંગે છે. હવે યુવતીનું કુટુંબ હા પાડતાં પહેલાં યુવકની પ્રતિષ્ઠા વિષે તપાસ કરે છે. ઘાનાની એક કહેવત આ પ્રમાણે કહે છે, “લગ્ન કરતાં પહેલાં તમારા સંભવિત લગ્નસાથીને જેઓ ઓળખતા હોય તેઓ પાસેથી તેના વિષે જાણકારી મેળવો.”
પશ્ચિમના દેશો વિષે શું, જ્યાં સામાન્ય રીતે વ્યક્તિ પોતે જ પોતાના લગ્નસાથી પસંદ કરતા હોય છે? ત્યાં પણ, પરિપક્વ ખ્રિસ્તી યુવક યુવતી સંભવિત લગ્નસાથી વિષે પોતાના માબાપ કે પરિપક્વ મિત્રો પાસેથી જાણકારી મેળવી શકે જે ડહાપણભર્યો નિર્ણય હશે. કૌટુંબિક સુખનું રહસ્ય પુસ્તક અનુસાર એક યુવતી આ પ્રકારના પ્રશ્નો પૂછી શકે: “‘આ માણસની શાખ કેવી છે? તેના મિત્રો કોણ છે? શું તે આત્મસંયમ બતાવે છે? તે વયોવૃદ્ધ વ્યક્તિઓ સાથે કેવો વ્યવહાર રાખે છે? તે કેવા કુટુંબમાંથી આવે છે? તે તેઓ સાથે પરસ્પર કેવી અસર પાડે છે? પૈસા પ્રત્યે તેનું વલણ કેવું છે? શું તે દારૂમય પીણાઓનો દુરુપયોગ કરે છે? શું તે અતિશય ક્રોધાવેશી છે, અરે હિંસક પણ બને છે? તેની પાસે મંડળની કઈ જવાબદારીઓ છે, અને તે એ કઈ રીતે હાથ ધરે છે? શું હું તેને ઊંડું માન આપી શકું?’—લેવીય ૧૯:૩૨; નીતિવચન ૨૨:૨૯; ૩૧:૨૩; એફેસી ૫:૩-૫, ૩૩; ૧ તીમોથી ૫:૮; ૬:૧૦; તીતસ ૨:૬, ૭.” *
આજ રીતે એક યુવક પણ જેની સાથે લગ્ન કરવા માગતો હોય તે ખ્રિસ્તી યુવતી વિષે તપાસ કરી શકે છે. બાઇબલમાં આપેલા અહેવાલ પ્રમાણે, બોઆઝે રૂથમાં આવો જ રસ લીધો હતો જેની સાથે તેણે પછી લગ્ન કર્યા હતા. રૂથે જ્યારે આમ પૂછ્યું કે: “હું એક પરદેશી છતાં તું મારા પર એટલી બધી કૃપા કરી મારી કાળજી કેમ રાખે છે?” ત્યારે બોઆઝે કહ્યું: “તેં જે જે વર્તણૂક ચલાવી છે . . . તે સર્વની મને સંપૂર્ણ માહિતી મળી છે.” (રૂથ ૨:૧૦-૧૨) હા, બોઆઝે વ્યક્તિગતપણે તેનું નિરીક્ષણ કર્યું કે રૂથ વફાદાર, મન લગાડીને કામ કરનારી અને મહેનતુ છે એટલું જ નહિ તેણે બીજાઓ પાસેથી રૂથ વિષે સંતોષજનક ટીકાઓ પણ મેળવી.
એ જ રીતે, તમારા આચરણ પર એ વાતનો આધાર રહે છે કે બીજાઓ તમને યોગ્ય લગ્નસાથી તરીકે જુએ છે કે નહિ. તો પછી આ બાબતે તમે કેવું ઉદાહરણ બેસાડો છો?
એક કર્મચારી તરીકે
નોકરીની જગ્યાએ સારી વર્તણૂક જાળવી રાખવાથી પોતાને લાભ થાય છે. નોકરી મેળવવા માટે તીવ્ર હરીફાઈ ચાલતી હોય છે. આવા સમયે જે લોકો અનાજ્ઞાધીન હોય છે, જેઓને મોડા આવવાની ટેવ હોય છે અને જેઓ
અપ્રમાણિક તરીકે પંકાયેલા હોય છે તેઓને નોકરીમાંથી બરતરફ કરવામાં આવે છે. કંપનીઓ પણ આર્થિક નુકશાન ન થાય માટે ભલેને તે અનુભવી કામદારો હોય, પણ જો તેઓમાં ઉપર બતાવેલી કુટેવો હોય તો તેઓને થોડા સમય માટે નોકરીમાંથી કાઢી મૂકે છે. ઉપરાંત બેકાર લોકો નોકરી શોધતા હોય છે ત્યારે જે તે કંપની બીજી કંપનીઓમાં જ્યાં તેઓએ કામ કર્યું હોય ત્યાં તેઓની કામ કરવાની ટેવ, વલણ અને અનુભવની ચકાસણી કરે છે. પરંતુ ઘણા સાચા ખ્રિસ્તીઓએ પોતાના આદરપૂર્ણ વ્યવહાર, વિનયી પહેરવેશ, બીજાઓ સાથે આનંદી વ્યવહાર અને વિશિષ્ટ ખ્રિસ્તી ગુણો દ્વારા કંપનીઓમાં સારું ઉદાહરણ બેસાડ્યું છે અને નોકરી મેળવવામાં તેઓ સફળ થયા છે.પ્રમાણિકતા એવો ગુણ છે જેને ઘણી કંપનીઓ ખૂબ જ મહત્ત્વ આપતી હોય છે. પ્રેષિત પાઊલની જેમ આપણે ‘સઘળી બાબતોમાં પ્રમાણિકપણે વર્તવું’ જોઈએ. (હેબ્રી ૧૩:૧૮) ઘાનાની એક ખાણ કંપનીમાં એક વાર ચોરીની ફરિયાદ કરવામાં આવી. ત્યાંના સુપરવાઈઝર એક યહોવાહના સાક્ષી હતા. તેમના સિવાય બાકીના બધા લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. શા માટે? કારણ કે વ્યવસ્થાપકો વર્ષોથી તે સાક્ષીની વફાદારી જોતા આવ્યા હતા. ઉપરાંત તે ભાઈ મહેનતુ હતા તેમ જ અધિકારીઓ સાથે માનપૂર્વક વર્તતા હતા. ખરેખર, તેમના સારા વ્યવહારે તેમની નોકરી બચાવી!
બીજી એવી કઈ બાબતો છે જેમાં એક સાચો ખ્રિસ્તી ઉદાહરણરૂપ બની શકે કે જેથી તે નોકરી મેળવી શકે? એક બાબત છે કે કોઈ પણ કામ સોંપવામાં આવે તો એને કુશળતાપૂર્વક કરતા શીખો. (નીતિવચન ૨૨:૨૯) ઉપરાંત ખંત અને નિષ્ઠાપૂર્વક કામ કરો. (નીતિવચન ૧૦:૪; ૧૩:૪) માલિક તેમજ સુપરવાઈઝર સાથે આદરપૂર્વક વર્તો. (એફેસી ૬:૫) આ ઉપરાંત સમયપાલન, પ્રમાણિકતા, કુશળતા અને સખત મહેનત એ એવા ગુણો છે જેનું મૂલ્ય કંપનીઓમાં ઘણું જ હોય છે અને આવા ગુણો તમને પણ નોકરીની અછતની જગ્યાએ નોકરી મેળવવા મદદ કરી શકે છે.
મંડળકીય લહાવાઓ
પહેલા કરતાં અત્યારે ખ્રિસ્તી મંડળોમાં આગેવાની લેવા પરિપક્વ ભાઈઓની વધારે જરૂર છે. શા માટે? યશાયાહે ભવિષ્યવાણી કરી હતી: “તારા તંબુની જગા વિશાળ કર, અને તેઓ તારાં રહેઠાણોના પડદા પ્રસારે.” (યશાયાહ ૫૪:૨) આ ભવિષ્યવાણીની પરિપૂર્ણતા જોઈએ તો અત્યારે યહોવાહના જગતવ્યાપી મંડળોમાં દિનપ્રતિદિન વૃદ્ધિ થતી જોવા મળે છે.
તેથી જો તમે એક ખ્રિસ્તી યુવક હોવ તો તમે કઈ રીતે ઉદાહરણરૂપ બની શકો કે જેથી મંડળમાં તમને કોઈ જવાબદારી સોંપવામાં આવે? એ માટે યુવાન તીમોથીનું ઉદાહરણ વિચારો. લુકનો અહેવાલ કહે છે કે “લુસ્ત્રા તથા ઈકોનીમાંના ભાઈઓમાં તેની શાખ સારી હતી.” હા, પોતાના સારા આચરણ દ્વારાઆ યુવાન બે શહેરોમાં ઉદાહરણરૂપ બની શક્યો. એ માટે પાઊલે તીમોથીને પોતાની સાથે મુસાફરીમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું.—પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧-૪.
કઈ રીતે એક વ્યક્તિ યોગ્ય રીતે એટલે કે દૈવી રીતે ‘અધ્યક્ષપદની ઇચ્છા રાખી શકે?’ તે ફક્ત અધ્યક્ષપદની ઇચ્છા જ નહિ રાખે પરંતુ આવી જવાબદારીઓ નિભાવવા માટે જરૂરી આત્મિક ગુણો પણ વિકસાવશે. (૧ તીમોથી ૩:૧-૧૦, ૧૨, ૧૩; તીતસ ૧:૫-૯) પ્રચારમાં અને શિષ્ય બનાવવાના કામમાં પૂરેપૂરો ભાગ લઈને પણ તે બતાવી શકે છે કે તે ‘ઉમદા કામની ઇચ્છા રાખે છે.’ (માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) જેઓ આવા લહાવાઓ મેળવવા ઇચ્છે છે તેઓ પોતાના આત્મિક ભાઈઓની ભલાઈમાં ગંભીરતાથી રસ લે છે. તેઓ પ્રેષિત પાઊલની સલાહને અનુસરે છે: “સંતોની જરૂરિયાતો પૂરી પાડો; પરોણાગત કરવામાં તત્પર રહો.” (રૂમી ૧૨:૧૩) આમ કરીને એક સાચી ખ્રિસ્તી વ્યક્તિ ‘દેવના સેવક તરીકે ઉદાહરણરૂપ બની શકે છે.’
સર્વ સમયે ઉદાહરણરૂપ રહેવું
બીજાઓ માટે ઉદાહરણરૂપ બનવાનો અર્થ એમ નથી થતો કે આપણે એ માટેનો દેખાવ કરીએ કે “માણસોને પ્રસન્ન કરનારા” બનીએ. (એફેસી ૬:૬) છેવટે તો એનો અર્થ એ થાય છે કે આપણે આપણા ઉત્પન્નકર્તા, યહોવાહ દેવ સમક્ષ ઉદાહરણરૂપ બનીએ. એ માટે આપણે તેમના નિયમો અને સિદ્ધાંતોને અનુસરીને એમ કરી શકીએ. જો તમે આત્મિકતા વિકસાવશો અને યહોવાહ દેવ સાથેનો તમારો સંબંધ મજબૂત બનાવશો તો તમારા કુટુંબીજનો સાથે, સાથી કર્મચારીઓ સાથે અને સાથી ખ્રિસ્તી ભાઈબહેનો સાથેના તમારા વ્યવહારની અને તમારામાં જે સુધારો આવશે એની બીજા લોકો નોંધ લેશે. તમારી સ્થિરતા અને સંતુલન, નિર્ણય લેવાની સારી સમજ, જવાબદારી નિભાવવાની તમારી ક્ષમતા અને તમારી નમ્રતાનું પણ તેઓ નિરીક્ષણ કરશે. આનાથી તેઓ તમને પ્રેમ અને આદર આપશે, અને વધુ મહત્ત્વનું તો એનાથી તમને યહોવાહની મંજૂરી મળશે કારણ કે તમે બીજાઓ માટે ઉદાહરણરૂપ બન્યા હતા!
[ફુટનોટ]
^ વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત.
[પાન ૧૯ પર ચિત્ર]
ઘણાં માબાપો પોતાના પુત્ર કે પુત્રી જેની સાથે લગ્ન કરવા માગતા હોય તેના વિષે ડહાપણભરી રીતે તપાસ કરે છે
[પાન ૨૦ પર ચિત્ર]
અધ્યક્ષ થવાની ઇચ્છા રાખનાર ભાઈ બીજાઓમાં ગંભીરતાપૂર્વક રસ લે છે.