સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું હિંસક લોકોને તમે દેવ જુએ છે એવી દૃષ્ટિથી જુઓ છો?

શું હિંસક લોકોને તમે દેવ જુએ છે એવી દૃષ્ટિથી જુઓ છો?

શું હિંસક લોકોને તમે દેવ જુએ છે એવી દૃષ્ટિથી જુઓ છો?

શારીરિક રીતે ખૂબ જ શક્તિશાળી અને બહાદુર હોય એવા પુરુષોના લોકો વખાણ કરે છે અને આદર આપે છે. પ્રાચીન ગ્રીસની પૌરાણિક કથામાં એવો જ એક વીરપુરુષ હતો, જેને રોમનો હેરાક્લીસ અથવા હરક્યુલીસ તરીકે ઓળખતા હતા.

હરક્યુલીસ ખૂબ જ જાણીતો અતિવીર પુરુષ હતો, સૌથી શક્તિશાળી લડવૈયો. દંતકથા મુજબ, તે અર્ધ-દેવ-માનવ હતો, ગ્રીક દેવતા ઝ્યુસનો છોકરો અને આલ્કમેને તેની પાર્થિવ માતા હતી. હજુ તો તે પારણામાં હતો ત્યારથી જ તેનાં પરાક્રમો શરૂ થઈ ગયા. ઈર્ષાળુ દેવીએ તેને ખતમ કરી નાખવા માટે બે મોટા સાપ મોકલ્યા ત્યારે હરક્યુલીસે એઓને ખતમ કરી નાખ્યા. પાછલી જિંદગીમાં તેણે લડાઈઓ લડી, વિચિત્ર પ્રાણીઓને હરાવ્યાં અને મિત્રને બચાવવા માટે જીવનું જોખમ વહોર્યું. તેણે શહેરોનો નાશ કર્યો, સ્ત્રીઓ પર બળાત્કાર કર્યા, મિનારા પરથી એક છોકરાને ફેંકી દીધો અને પોતાની પત્ની તથા બાળકોને મારી નાખ્યા.

તે વાસ્તવિક વ્યક્તિ નહોતો, પરંતુ પુરાતન કાળથી દંતકથામય હરક્યુલીસને ગ્રીક નામે જાણીતા પ્રાચીન દેશમાંની વાર્તાઓમાં ચિત્રિત કરવામાં આવ્યો છે. રોમનો તેની દેવ તરીકે ઉપાસના કરતા હતા; વેપારીઓ અને પ્રવાસીઓ સુખાકારી મેળવવા અને જોખમથી બચવા તેને પ્રાર્થના કરતા હતા. તેના પરાક્રમની વાર્તાઓએ લોકોને હજારો વર્ષોથી મુગ્ધ કર્યા છે.

દંતકથાનું મૂળ

શું હરક્યુલીસ અને અન્ય પૌરાણિક વીરપુરુષો વાસ્તવમાં અસ્તિત્વ ધરાવતા હતા? કદાચ હોય શકે. કારણ કે બાઇબલ એવા સમય વિષે પણ જણાવે છે જ્યારે માનવ ઇતિહાસમાં “દેવો” અને “અર્ધ-દેવ-માનવો” પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા હતા.

એ સમયનું વર્ણન કરતા મુસાએ લખ્યું: “ભૂમિ પર માણસો વધવા લાગ્યાં, અને તેઓને દીકરીઓ થઈ, ત્યારે એમ થયું, કે દેવના દીકરાઓએ માણસોની દીકરીઓને જોઈ, કે તેઓ સુંદર છે; અને જે સર્વને તેઓએ પસંદ કરી તેઓમાંથી તેઓએ પત્નીઓ કરી.”—ઉત્પત્તિ ૬:૧, ૨.

તે “દેવદૂતો” માનવો નહોતા; તેઓ દેવના દૂતમય દીકરાઓ હતા. (સરખાવો અયૂબ ૧:૬; ૨:૧; ૩૮:૪,.) બાઇબલ લેખક યહુદા જણાવે છે કે કેટલાક “દૂતોએ પોતાની પદવી જાળવી રાખી નહિ, પણ પોતાનું સ્થાન છોડી દીધું.” (યહુદા ૬) બીજા શબ્દોમાં કહીએ તો, તેઓએ પૃથ્વીની સુંદર સ્ત્રીઓ સાથે રહેવાનું પસંદ કરીને દેવના આકાશી સંગઠનમાં પોતાને મળેલું સ્થાન તરછોડ્યું. યહુદા કહે છે કે તે બળવાખોર દૂતો સદોમ અને ગમોરાહના લોકોની જેમ “વ્યભિચારમાં અને અનુચિત દુરાચારમાં ગરક થઈ” ગયા હતા.—યહુદા ૭.

બાઇબલ આ અનાજ્ઞાંકિત દૂતોની પ્રવૃત્તિઓ વિષે પૂરી વિગતો પૂરી પાડતું નથી. તેમ છતાં, ગ્રીસ અને અન્ય પ્રાચીન દંતકથાઓ અસંખ્ય દેવી-દેવતાઓને માનવો મધ્યે દૃશ્ય કે અદૃશ્ય રીતે રહેતા હોય એ બાબત જણાવે છે. તેઓ અતિ સુંદર માનવ રૂપ ધારણ કરતા હતા. તેઓ ખાતા, પીતા અને એકબીજા વચ્ચે તથા માનવો સાથે જાતીય સમાગમ કરતા. પવિત્ર અને અમર હોવા છતાં, તેઓ જૂઠું બોલતા અને વિશ્વાસઘાત કરતા, ઝઘડો અને લડાઈ કરતા, દુષ્કર્મ અને બળાત્કાર કરતા હતા. આવો પૌરાણિક કથાનો અહેવાલ ઉત્પત્તિના બાઇબલ પુસ્તકમાં જણાવેલી પૂર પહેલાની પ્રવર્તમાન પરિસ્થિતિને મીઠું મરચું ભભરાવીને પ્રદર્શિત કરી શકે.

પુરાતન સમયના શક્તિશાળી, પ્રખ્યાત પુરુષો

અનાજ્ઞાંકિત ભૌતિક દૂતોએ સ્ત્રીઓ સાથે જાતીય સંબંધો બાંધ્યા અને એ સ્ત્રીઓને છોકરાં થયા. તેઓ સામાન્ય છોકરાં નહોતા. તેઓ મહાવીર અર્થાત્‌ નેફિલિમ હતા, અડધા માનવ અને અડધા દૂત. બાઇબલ અહેવાલ કહે છે: “તે દિવસોમાં પૃથ્વીમાં મહાવીર હતા, ને દેવના દીકરાઓ માણસની દીકરીઓની પાસે ગયા, ને તેઓથી છોકરાં થયાં, કે જેઓ પુરાતન કાળના બળવાનો, નામાંકિત પુરુષો હતા.”—ઉત્પત્તિ ૬:૪.

“નેફિલિમ” માટે વપરાયેલા હેબ્રી શબ્દનો શાબ્દિક અર્થ “પાડી નાખનારા” થાય છે, જે બીજાઓને પાડી નાખે છે, અથવા હિંસક કાર્યો દ્વારા બીજાઓને પાડી નાખવાનું કારણ બને છે. આમ, એમાં કંઈ આશ્ચર્ય નથી જેમ બાઇબલ અહેવાલ આગળ જણાવે છે: “પૃથ્વી જુલમથી ભરપૂર હતી.” (ઉત્પત્તિ ૬:૧૧) પૌરાણિક અર્ધ-દેવ-માનવો, હરક્યુલીસ અને બાબેલોની વીરપુરુષ ગિલ્ગામેશ, નેફિલિમને એકદમ મળતા આવે છે.

નોંધ લો કે નેફિલિમ “બળવાનો” અને “નામાંકિત પુરુષો” તરીકે ઓળખાતા હતા. એ જ સમયના ન્યાયી માણસ નુહની જેમ નેફિલિમ યહોવાહની કીર્તિ વધારવા માંગતા નહોતા. તેઓ પોતાની નામના, મહિમા અને શાખ વધારવામાં રસ ધરાવતા હતા. નિઃશંક હિંસા અને રક્તપાતવાળાં શક્તિશાળી કાર્યો દ્વારા, તેઓએ પોતાની ફરતેના અદૈવી જગત તરફથી નામના મેળવી. તેઓ એ સમયના અતિવીર પુરુષો હતા—ભયભીત, આદર પામેલા અને શક્યપણે અજેય.

નેફિલિમ અને તેમના હીન દૂતમય પિતાઓએ પોતાના સમકાલિનોની દૃષ્ટિએ નામનાનો આનંદ માણ્યો હોય શકે, પરંતુ નિશ્ચે તેઓ દેવની નજરમાં નામાંકિત નહોતા. તેઓનો જીવન માર્ગ તિરસ્કારપાત્ર હતો. છેવટે, દેવે પોતાનું સ્થાન છોડનાર દૂતોની વિરુદ્ધ પગલા ભર્યાં. પ્રેષિત પીતરે લખ્યું: “કેમકે જે દૂતોએ પાપ કર્યું તેઓને દેવે છોડ્યા નહિ, પણ તેઓને નરકમાં નાખીને ન્યાયકરણ થતાં સુધી અંધકારના ખાડાઓમાં રાખ્યા; તેમજ દેવે પુરાતન જગતને પણ છોડ્યું નહિ, પણ અધર્મી જગત પર જળપ્રલય લાવીને ન્યાયીપણાના ઉપદેશક નુહને તથા તેની સાથેનાં સાત માણસોને બચાવ્યાં.”—૨ પીતર ૨:૪, ૫.

ગોળાવ્યાપી પૂર વખતે, બળવાખોર દૂતો ભૌતિક શરીરનો ત્યાગ કરીને બદનામ થઈને આત્મિક પ્રદેશમાં પાછા ફર્યા. દેવે તેઓને પાછા ભૌતિક માનવ શરીરોમાં પાછા ન ફરવાની શિક્ષા ફટકારી. નેફિલિમ, અનાજ્ઞાંકિત દૂતોના સર્વ અલૌકિક માનવ બાળકો નાશ પામ્યા. ફક્ત નુહ અને તેમનું નાનું કુટુંબ પૂરમાંથી બચી ગયું.

આજના નામાંકિત પુરુષો

આજે, દેવો અને અર્ધ-દેવ-માનવો પૃથ્વી પર નથી. છતાં પણ, હિંસા વધતી જ જાય છે. આજના નામાંકિત પુરુષોની પુસ્તકો, ફિલ્મો, ટેલિવિઝન અને સંગીતમાં વાહ વાહ કરવામાં આવે છે. તેઓ પોતાના શત્રુઓને પ્રેમ કરવો, શાંતિ શોધવી, માફી આપવી અથવા હિંસાથી દૂર રહેવું જેવી સારી બાબતો કરવાનું કદી પણ વિચારતા નથી. (માત્થી ૫:૩૯, ૪૪; રૂમી ૧૨:૧૭; એફેસી ૪:૩૨; ૧ પીતર ૩:૧૧) એને બદલે, હાલના બળવાનો તેઓની શક્તિ અને લડાઈ કરવાની ક્ષમતા ઉપરાંત, બદલો લેવો અને વધારે હિંસા આચરવા માટે પ્રશંસા પામે છે. *

નુહના દિવસથી માંડીને અત્યાર સુધી આવા લોકો પ્રત્યેની દેવની દૃષ્ટિ કંઈ બદલાઈ નથી. યહોવાહ હિંસાના ચાહકોને વખાણતા નથી કે તેઓના પરાક્રમોથી આનંદ પામતા નથી. ગીતકર્તાએ ગાયું: “યહોવાહ ન્યાયીઓને પારખે છે; પણ દુષ્ટ તથા જુલમીથી તે કંટાળે છે.”—ગીતશાસ્ત્ર ૧૧:૫.

ભિન્‍ન પ્રકારની શક્તિ

હિંસાના શક્તિશાળી પુરુષોથી તદ્દન ભિન્‍ન, એક કદી પણ થયા હોય એવા સૌથી મોટા પુરુષ ઈસુ ખ્રિસ્ત હતા, એક શાંતિ ચાહક. પોતાના પાર્થિવ જીવન દરમિયાન તેમણે કોઈ “અપકાર કર્યો નહોતો.” (યશાયાહ ૫૩:૯) ગેથસેમાનેના બાગમાં તેમના શત્રુઓ તેમની ધરપકડ કરવા માટે આવ્યા ત્યારે, તેમના અનુયાયીઓ પાસે તલવારો હતી. (લુક ૨૨:૩૮, ૪૭-૫૧) યહુદીઓને સ્વાધીન કરવાથી ઈસુનો બચાવ કરવાના પ્રયત્નમાં તેઓ લડાઈ કરી શક્યા હોત.—યોહાન ૧૮:૩૬.

હકીકતમાં, પ્રેષિત પીતરે તો ઈસુનો બચાવ કરતા તલવારનો ઉપયોગ પણ કર્યો, પરંતુ ઈસુએ તેને કહ્યું: “તારી તરવાર તેના મ્યાનમાં પાછી ઘાલ; કેમકે જેટલા તરવાર પકડે છે તેઓ સર્વ તરવારથી નાશ પામશે.” (માત્થી ૨૬:૫૧, ૫૨) હા, હિંસાથી હિંસા ઉત્પન્‍ન થાય છે, જેમ માનવ ઇતિહાસમાં વારંવાર પ્રદર્શિત થયું છે. અહીં ઈસુ પોતાનો હથિયારોથી બચાવ કરવાની તક વિષે વાત કરી રહ્યા નથી. તેમણે પીતરને કહ્યું: “શું તું એવું ધારે છે કે હું એવો શક્તિમાન નથી કે જો મારા બાપની પાસે માગું, તો તે હમણાં જ દૂતોની બાર ફોજ કરતાં વધારે મારી પાસે નહિ મોકલી દે?”—માત્થી ૨૬:૫૩.

હિંસાનો સહારો અથવા દૂતોનું રક્ષણ લેવાને બદલે, ઈસુ પોતાને મારી નાખવા માંગતા લોકોના હાથે પકડાઈ ગયા. શા માટે? એક કારણ એ હતું કે તે જાણતા હતા કે દુરાચાર કરનારાઓનો પૃથ્વી પરથી અંત લાવવાનો તેમના આકાશી પિતાનો સમય હજુ આવ્યો નહોતો. બાબતો પોતાની રીતે હલ કરવાને બદલે ઈસુએ યહોવાહ પર ભરોસો મૂક્યો.

આ એક નબળાઈની બાબત નહોતી પરંતુ એક આંતરિક શક્તિની બાબત હતી. ઈસુએ મજબૂત વિશ્વાસ પ્રદર્શિત કર્યો કે યહોવાહ પોતાના સમયે અને પોતાની રીતે બાબતોને થાળે પાડશે. તેમની આજ્ઞાધીનતાને કારણે, ઈસુને યહોવાહ પછી બીજા જ ક્રમે ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું. પ્રેષિત પાઊલે ઈસુ વિષે લખ્યું: “વધસ્તંભના મરણને, આધીન થઈને, પોતાને નમ્ર કર્યો. એને લીધે, દેવે તેને ઘણો ઊંચો કર્યો, અને સર્વ નામો કરતાં તેણે તેને એવું શ્રેષ્ઠ નામ આપ્યું, કે આકાશમાંનાં, ભૂમિ પરનાં તથા ભૂમિ તળેનાં સર્વે ઈસુને નામે ઘૂંટણે પડીને નમે; અને દેવ બાપના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે.”—ફિલિપી ૨:૮-૧૧.

હિંસાનો અંત લાવવાનું દેવનું વચન

સાચા ખ્રિસ્તીઓ ઈસુના ઉદાહરણ અને શિક્ષણો પ્રમાણે પોતાનાં જીવન જીવે છે. તેઓ દુન્યવી નામાંકિત પુરુષો અને હિંસાની પ્રશંસા કરતા નથી કે એને અનુસરતા નથી. તેઓ જાણે છે કે દેવના નિયુક્ત સમયે, નુહના દિવસની જેમ આવા દુષ્ટ લોકોને હંમેશ માટે કાઢી નાખવામાં આવશે.

દેવ પૃથ્વી અને માણસજાતના ઉત્પન્‍નકર્તા છે. તે ખરા સર્વોપરી છે. (પ્રકટીકરણ ૪:૧૧) માનવ ન્યાયાધીશોને ન્યાયને લગતા નિર્ણયો કરવાનો કાયદેસર અધિકાર હોય તો, દેવને તો એમ કરવાને વધારે અધિકાર છે. પોતાના ન્યાયી સિદ્ધાંતો માટેનો પોતાનો આદર, ઉપરાંત પોતાને પ્રેમ કરનારાઓ પ્રત્યેનો પ્રેમ, તેમને સર્વ દુષ્ટતા અને એને આચરનારાઓનો નાશ કરવા ફરજ પાડશે.—માત્થી ૧૩:૪૧, ૪૨; લુક ૧૭:૨૬-૩૦.

આ બાબત પૃથ્વી પર કાયમી શાંતિ, ન્યાય અને ન્યાયીપણા પર આધારિત પુષ્કળ શાંતિ તરફ દોરી જશે. એ ઈસુ ખ્રિસ્ત વિષે ભાખવામાં આવેલી જાણીતી ભવિષ્યવાણી તરફ દોરી જાય છે: “આપણે સારૂ છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે; અને તેને અદ્‍ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા, ને શાંતિનો સરદાર, એ નામ આપવામાં આવશે. દાઊદના રાજ્યાસન ઉપર, ને તેના રાજ્ય ઉપર, તેને ઈન્સાફ તથા ન્યાયીપણાથી તે સમયથી તે સર્વકાળ સુધી સ્થાપવા તથા દૃઢ કરવા સારૂ તેની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ. સૈન્યોના દેવ યહોવાહની ઉત્કંઠાથી આ થશે.”—યશાયાહ ૯:૬, ૭.

તો પછી, સારા કારણોસર જ, ખ્રિસ્તીઓ લાંબા સમયથી પ્રેરિત સલાહને કાન ધરે છે: “તું જુલમી માણસની અદેખાઈ ન કર, અને તેનો એકે માર્ગ પસંદ ન કર. કેમકે આડા માણસોથી યહોવાહ કંટાળે છે; પણ પ્રામાણિક જનો તેનો મર્મ સમજે છે.”—નીતિવચન ૩:૩૧, ૩૨.

[ફુટનોટ]

^ કેટલીક વિડીયો ગેમ અને વિજ્ઞાનને લગતી ફિલ્મોમાં હિંસક પાત્રોને વધુ અસરકારક રીતે દર્શાવવામાં આવે છે.

[પાન ૨૯ પર બ્લર્બ]

હાલના શક્તિશાળી લોકો પોતાના બળ અને વધારે હિંસા કરવા માટેની પોતાની ક્ષમતાઓ માટે પ્રશંસાપાત્ર ગણાય છે

[પાન ૨૬ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Alinari/Art Resource, NY