સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પરમેશ્વરના શિક્ષણથી ભ્રષ્ટાચારનો સામનો કરવો

પરમેશ્વરના શિક્ષણથી ભ્રષ્ટાચારનો સામનો કરવો

પરમેશ્વરના શિક્ષણથી ભ્રષ્ટાચારનો સામનો કરવો

“નવું માણસપણું જે દેવના મનોરથ પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સરજાએલું છે તે પહેરી લો.” —એફેસી ૪:૨૪.

આખા જગતમાં રૂમી સામ્રાજ્ય બીજી કોઈ માનવ સરકાર કરતાં ચડિયાતું હતું. કેમ કે એના કાયદાઓ ખૂબ જ કડક હતા, અને હજુ પણ કેટલાક દેશોમાં એના આધારે કાયદાઓ ઘડવામાં આવે છે. રૂમી સામ્રાજ્યએ ઘણી બધી સિદ્ધિઓ મેળવી હતી છતાં, તેનું લશ્કર એના એક દુશ્મનને હરાવી ન શક્યું. એ દુશ્મન ભ્રષ્ટાચાર હતો. છેવટે ભ્રષ્ટાચારના કારણે રૂમી સરકાર જલદી જ પડી ભાંગી.

એ જ રૂમી સરકારના અધિકારીઓએ પ્રેરિત પાઊલની પણ ઘણી સતાવણી કરી હતી. રૂમી ગવર્નર ફેલીક્સ જાણતો હતો કે પ્રેરિત પાઊલ નિર્દોષ છે, છતાં તેણે તેમની ધમકાવીને પૂછપરછ કરી. જોકે, એ સમયના ગવર્નરોમાં ફેલીકસ સૌથી ભ્રષ્ટ હતો. તેથી, તેણે પાઊલનો કેસ મુલતવી રાખ્યો હતો, કેમ કે તે ધારતો હતો કે પાઊલ છૂટવા માટે તેને લાંચ આપશે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૨૨-૨૬.

પરંતુ, ફેલીક્સની આશા પર પાણી ફરી વળ્યું, કારણ કે તેને કંઈ પણ લાંચ આપ્યા વગર, પાઊલ ખુલ્લા દિલથી “સદાચાર તથા સંયમ” વિષે શીખવવા લાગ્યા. પરંતુ, તેના પર જરાય અસર થઈ નહિ. પાઊલ કાયદેસર કામ કરવા માંગતા હતા એટલે જ તેમણે લાંચ આપી નહિ અને તે જેલમાં જ રહ્યાં. પાઊલ સત્ય અને પ્રમાણિકતાનો પ્રચાર કરતા હતા એટલું જ નહિ, પરંતુ એ પ્રમાણે પોતે જીવ્યા. તેમણે યહુદી ખ્રિસ્તીઓને લખ્યું: “અમારૂં અંતઃકરણ નિર્મળ છે, એવી અમને ખાતરી છે; અને અમે સઘળી બાબતોમાં પ્રમાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએ છીએ.”—હેબ્રી ૧૩:૧૮.

પાઊલે જે કર્યું એ તેમના સમયના સામાન્ય ધોરણો કરતાં એકદમ વિરુદ્ધ હતું. ફેલીક્સનો ભાઈ પલાશ એ સમયમાં સૌથી ધનવાન લોકોમાંનો એક હતો. તેણે લાંચ લઈને અને જોરજુલમથી ૧૯૩.૫ કરોડ રૂપિયા પડાવ્યા હતા. છતાં, તેની આ સંપત્તિ ૨૦મી સદીના ભ્રષ્ટ નેતાઓની સરખામણીમાં કંઈ જ નથી, જેઓએ ગુપ્ત બૅંકમાં પોતાના ખાતામાં કરોડો રૂપિયા જમા કરાવી દે છે. ફક્ત ભોળા લોકો જ માની લેશે કે, આજની સરકારોએ ભ્રષ્ટાચાર સામે જીતી મેળવી છે.

સદીઓથી ભ્રષ્ટાચારના મૂળ ઊંડે ઊતરેલા હોવાથી, શું આપણે એવું માની લેવું જોઈએ કે એ તો અથવા શું ભ્રષ્ટાચાર પર જીત મેળવવા કંઈ કરી શકાય?

કઈ રીતે ભ્રષ્ટાચાર દૂર થઈ શકે?

ભ્રષ્ટાચાર દૂર કરતાં પહેલાં એ સ્વીકારવું જોઈએ કે, લાંચની આપ-લે કરવી એ ગુનો છે અને બીજાઓને નુકશાન પહોંચાડે છે. એ પહેલું પગલું છે. કારણ કે, ભ્રષ્ટાચારીઓ જોરજુલમથી બીજાઓના પૈસા પડાવીને જલસા કરે છે. જોકે, એને દૂર કરવા થોડા પ્રમાણમાં જ પ્રગતિ થઈ છે. અમેરિકાના વિદેશી મંત્રીના સહાયકે કહ્યું: “આપણે સર્વ જાણીએ છીએ કે લાંચ આપવી ઘણી ભારે પડે છે. લાંચથી સારી સરકાર ભ્રષ્ટ થઈ જાય છે, અર્થતંત્ર સારી રીતે કામ કરતું નથી અને એનો વિકાસ પણ રૂંધાઈ જાય છે. તેમ જ, વેપાર-ધંધામાં નુકશાન પહોંચે છે, અને આખા જગતના લોકો પર એની અસર પડે છે.” ઘણા લોકો તેમની સાથે સહમત થશે. ડિસેમ્બર ૧૭, ૧૯૯૭ના રોજ આગળ પડતા ૩૪ દેશોએ “લાંચ દૂર કરવાના કોલકરાર પર” સહી કરી. જેથી “એક થઈને પૃથ્વી પર ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં લડવામાં આવે.” કોલકરારમાં જણાવવામાં આવ્યું કે, “કોઈ પણ વિદેશી સરકારી અધિકારીને આંતરરાષ્ટ્રીય ધોરણે વ્યાપારમાં કૉન્ટ્રેક્ટ મેળવવા કે, કૉન્ટ્રેક્ટ પોતાની પાસે જ રાખવા માટે લાંચ આપવી કે લાંચ આપવાનું વચન આપવું એ ગુનો છે.”

લાંચ આપીને કૉન્ટ્રેક્ટ મેળવવા એ ભ્રષ્ટ લોકો માટે તો રમત રમવા બરાબર છે. ભ્રષ્ટાચાર આખી પૃથ્વી પરથી સંપૂર્ણપણે દૂર કરવા એક બીજું પગલું ભરવાની જરૂર છે, એ છે સર્વ લોકોનું હૃદય પરિવર્તન. જોકે એ ઘણું અઘરું છે. એ માટે પહેલા સર્વ લોકોએ લાંચની આપ-લે કરવાનું ધિક્કારતા શીખવું જ જોઈએ, ત્યારે જ લાંચ દૂર થઈ શકશે. એમ કરવા માટે ન્યૂઝવીક સામયિકના કહ્યા પ્રમાણે અમુકનું માનવું છે સરકારોએ “નાગરિકોને દરેક રીતે પ્રમાણિક બનવા ઉત્તેજન આપવું જોઈએ.” ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલ નામની ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા પોતાને ટેકો આપતા દરેક લોકોને કહે છે કે ‘તેઓ ઑફિસમાં કે કામધંધાના કોઈ પણ સ્થળે ઈમાનદાર રહીને પ્રમાણિકતાના બીજ વાવે.’

ભ્રષ્ટાચાર એ નૈતિક સડો હોવાથી નિયમો બનાવીને અથવા સજા કરવાથી એ દૂર થઈ શકે એમ નથી. (રૂમી ૧૩:૪, ૫) એને દૂર કરવા માટે પ્રમાણિકતાના અને ઈમાનદારીના બીજ લોકોના હૃદયમાં વાવવા જ જોઈએ. એનો સામનો ફક્ત એ રીતે જ થઈ શકે, જેના વિષે પ્રેરિત પાઊલે દેવના શબ્દ, બાઇબલમાં “આત્માની તરવાર” તરીકે વર્ણન કર્યું છે.—એફેસી ૬:૧૭.

બાઇબલ ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં છે

શા માટે પાઊલે ભ્રષ્ટાચાર સામે આંખ આડા કાન ન કર્યા? કારણ કે, તે દેવની ઇચ્છા પ્રમાણે જીવવા માંગતા હતા. યહોવાહ દેવ ‘કોઈની આંખની શરમ રાખતા નથી, તેમ લાંચ પણ લેતા નથી.’ (પુનર્નિયમ ૧૦:૧૭) વળી, પાઊલને મુસાના નિયમમાં આપવામાં આવેલી સ્પષ્ટ આજ્ઞા યાદ હશે એમાં કોઈ શંકા નથી. જે કહે છે કે, “આંખની શરમ ન રાખ; તેમજ લાંચ ન લે; કેમકે લાંચ જ્ઞાની આંખોને આંધળી કરે છે, ને નેક જનોનાં વચનોને વિપરીત કરી નાખે છે.” (પુનર્નિયમ ૧૬:૧૯) એવી જ રીતે રાજા દાઊદ પણ જાણતા હતા કે યહોવાહ દેવ ભ્રષ્ટાચારને ધિક્કારે છે. તેથી, તેમણે યહોવાહ દેવને પ્રાર્થના કરી કે, તેમને પાપીઓની સાથે ન ગણે કેમ કે તેઓના “હાથ લાંચથી ભરેલા” છે.—ગીતશાસ્ત્ર ૨૬:૧૦.

દેવને પૂરા હૃદયથી ભજે છે તેઓ માટે ભ્રષ્ટાચાર ધિક્કારવાના બીજા ઘણા કારણો છે. રાજા સુલેમાને કહ્યું: “ન્યાયી રાજા રાજ્યમાં સ્થિરતા લાવે છે; પણ લાંચ લેનાર વિનાશ લાવે છે.” (નીતિવચન ૨૯:૪, સરળ ભાષાનું બાઇબલ) ખાસ કરીને માલિકથી માંડીને નોકર સુધીના બધા જ અધિકારીઓ ન્યાયથી વર્તે તો દેશમાં સ્થિરતા આવે છે. પરંતુ, જો તેઓ ભ્રષ્ટ હશે તો દેશ કંગાળ બની જશે. વળી, એના જ વિષે ન્યૂઝવીક સામયિક આમ કહે છે: “જ્યારે લાંચમાંથી દરેક વ્યક્તિ પોતાનો ભાગ પડાવવાની તક શોધતી હોય અને જાણતી હોય કે કઈ ભાગ પડાવવો ત્યારે એ દેશનું આર્થિકતંત્ર જલદી જ પડી ભાંગે છે.”

ભલેને પછી આર્થિક સ્થિતિ સાવ જ ભાંગી ન પડે તો પણ, ભ્રષ્ટાચાર વધતો જોઈને જેઓ પ્રમાણિકતાથી રહેવા ચાહે છે તેઓ નિરાશ થઈ જાય છે. (ગીતશાસ્ત્ર ૭૩:૩, ૧૩) વળી, ભ્રષ્ટાચાર ફૂલેફાલે છે ત્યારે આપણા ઉત્પન્‍નકર્તાનું અપમાન થાય છે. કેમ કે પોતે ન્યાયી હોવાથી તેમણે આપણને ન્યાય મેળવવાની સ્વાભાવિક ઇચ્છા આપેલી છે. ઘણી સદીઓ પહેલાં, યહોવાહ દેવે ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે કાઢી નાખવા માટે પગલાં લીધાં હતા. દાખલા તરીકે તેમણે યરૂશાલેમના રહેવાસીઓને સીધેસીધું જણાવ્યું કે, શા માટે તે તેઓને દુશ્મનોના હાથમાં સોંપી દેશે.

યહોવાહ દેવે પોતાના સેવક મીખાહ દ્વારા કહ્યું: “હે યાકૂબના વંશના નેતાઓ, ને ઈસ્રાએલના વંશના અધિકારીઓ, ન્યાયને ધિક્કારનારા તથા ઇન્સાફને ઊંધો વાળનારા, કૃપા કરીને આ સાંભળો. તેના નેતાઓ લાંચ લઈને ઇન્સાફ કરે છે, ને તેના યાજકો પગાર લઈને બોધ કરે છે, ને તેના પ્રબોધકો પૈસા લઈને જોષ જુએ છે; . . . એથી તમારે લીધે સિયોન ખેતરની પેઠે ખેડાશે, ને યરૂશાલેમના ઢગલા થઈ જશે.” મીખાહે લખેલા આ શબ્દોના લગભગ સો વર્ષ પછી, દેવની ચેતવણી અનુસાર યરૂશાલેમનો નાશ થયો. ઈસ્રાએલ જાતિના વિનાશનું કારણ ભ્રષ્ટાચાર હતું. એવી જ રીતે સદીઓ પછી એણે રૂમી સમાજને પણ કોરી ખાધું.—મીખાહ ૩:૯, ૧૧, ૧૨.

જોકે, કોઈને ભ્રષ્ટ થવાની કંઈ જ જરૂર નથી. દેવ પણ દુષ્ટોને પોતાનો માર્ગ છોડીને પોતાની વિચારસરણીમાં ફેરફાર કરવાનું ઉત્તેજન આપે છે. (યશાયાહ ૫૫:૭) તે ઇચ્છે છે કે આપણે સર્વ લોભને બદલે નિઃસ્વાર્થી અને અપ્રમાણિકને બદલે ન્યાયી બનીએ. યહોવાહ આપણને યાદ કરાવે છે કે, “ગરીબ પર જુલમ કરનાર પોતાના સરજનહારની નિંદા કરે છે; પણ દરિદ્રી ઉપર દયા રાખનાર તેને માન આપે છે.”—નીતિવચન ૧૪:૩૧.

બાઇબલ સત્યથી ભ્રષ્ટાચારનો સામનો કરવો

કોઈ વ્યક્તિને આ પ્રકારના ફેરફારો કરવા શું પ્રેરી શકે? જે શક્તિએ પ્રેષિત પાઊલને ફરોશી પંથ છોડીને ઈસુ ખ્રિસ્તના અનુયાયી બનવા મદદ કરી એ જ એવા ફેરફારો કરવા પ્રેરે છે. એ શક્તિ શું છે? પાઊલે લખ્યું કે “દેવનો શબ્દ જીવંત, સમર્થ” છે. (હેબ્રી ૪:૧૨) આજે પણ, બાઇબલ સત્ય પ્રમાણિક બનવા ઉત્તેજન આપે છે. પછી ભલેને, લોકો ભ્રષ્ટાચારમાં ઊંડા ડુબી ગયા હોય. એક ઉદાહરણનો વિચાર કરો.

પૂર્વીય યુરોપમાં સૈનિકનું કામ છોડી દીધા પછી એલેક્ઝાન્ડર ગુંડાઓની એક ટોળીમાં જોડાયો, જેઓ જોરજુલમથી પૈસા પડાવતા અને લાંચ લેતા. * તે જણાવે છે કે “ધનવાન વેપારીઓ પાસેથી પૈસા પડાવવાનું કામ મને સોંપવામાં આવ્યું હતું. પહેલા હું ગમે તે રીતે વેપારીનો વિશ્વાસ જીતી લેતો હતો. વેપારીને મારા પર ભરોસો આવી જતો પછી મારી જ ટોળીના ગુંડાઓ તેમને જઈને મારવાની ધમકી આપતા. ત્યારે હું તેમની સમસ્યા હલ કરવા ઘણા પૈસા માગતો. વેપારીઓ તેઓને મુસીબતમાંથી છોડાવવા બદલ મારો આભાર માનતા. પરંતુ, તેઓ જાણતા ન હતા કે વાસ્તવમાં તો હું જ ગુંડાઓ સાથે જોડાયેલો છું! જોકે, એ વિચિત્ર લાગશે, પરંતુ મને આ પ્રકારનું કામ ગમતું હતું.

“એ રીતે પૈસા પડાવીને જીવવાની મને બહુ જ મજા આવતી. હું મોંઘામાં મોંઘી કાર ચલાવતો અને આલીશાન ફ્લેટમાં રહેતો. મારી પાસે પુષ્કળ પૈસા હોવાથી, મનફાવે એ હું ખરીદી શકતો. લોકો મારાથી ડરતા તેથી હું મારી તાકાત પર અભિમાન કરતો હતો. વળી, અમુક રીતે એમ પણ થતું કે, મારા સુધી કાનૂન પણ પહોંચી શકે એમ નથી. પોલીસની સાથે કોઈ તકલીફ ઊભી થતી ત્યારે હું અનુભવી વકીલને રોકી લેતો અથવા યોગ્ય વ્યક્તિને લાંચ આપીને છટકી જતો.

“છતાં, ગુંડાગીરીના જીવનમાં ભાગ્યે જ વફાદારી જોવા મળે છે. મારી ટોળીના એક વ્યક્તિને હું જરાય ગમતો ન હતો. તેણે મારી સાથે ગદ્દારી કરી અને હું બરબાદ થઈ ગયો. હું ગાડી અને પૈસા વગરનો થઈ ગયો એટલું જ નહિ, મારી પ્રેમિકા પણ મને છોડીને જતી રહી. મારું આરામદાયક જીવન એકદમ બદલાઈ ગયું. વળી, મને સખત માર મારવામાં આવ્યો. હું રાજાથી રંક બની ગયો, તેથી હું વિચારમાં પડી ગયો કે જીવનનો હેતુ શું છે.

“થોડા મહિનાઓ પહેલાં જ મારી મમ્મી યહોવાહની સાક્ષી બની હતી અને મેં તેઓના સામયિકો વાંચવાનું શરૂ કર્યું. બાઇબલમાં નીતિવચન ૪:૧૪, ૧૫ની કલમે મને વિચારતો કરી દીધો: ‘દુષ્ટના માર્ગમાં પ્રવેશ ન કર; અને ભૂંડા માણસોના રસ્તામાં ન ચાલ. તેનાથી દૂર રહે, તેની પડખે ન જા; તેનાથી પાછો ફરી જઈને ચાલ્યો જા.’ આવી શાસ્ત્રકલમોથી મને મદદ મળી અને હું જોઈ શક્યો કે ગુંડાગીરીના જીવનમાં કદી ભલું નહિ થાય. તેથી, હું યહોવાહ દેવને પ્રાર્થના કરવા લાગ્યો કે મને સાચો માર્ગ બતાવે. મેં યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો અને છેવટે મારું જીવન યહોવાહ દેવને સમર્પિત કર્યું. ત્યારથી હું પ્રમાણિકપણે જીવી રહ્યો છું.

“જોકે, પ્રમાણિક રીતે જીવવું હોય તો એનો એવો અર્થ થાય કે, ઓછા પૈસાથી કામ કરવું. પરંતુ, હવે મને એવું લાગે છે કે મારા જીવનમાં હેતુ છે, તેમ જ સારુ ભાવિ પણ રહેલું છે. હવે હું અનુભવું છું કે, મારું અગાઉનું સુખ-સગવડવાળું જીવન રેતીના ઘર જેવું હતું જે એક પળમાં તૂટી જઈ શકે છે. પહેલાં મારું અંતઃકરણ લાગણી વિનાનું હતું. પરંતુ, હવે બાઇબલનો અભ્યાસ કર્યા પછી જ્યારે પણ હું નાની નાની બાબતોમાં અપ્રમાણિક બનવાનો પ્રયત્ન કરું ત્યારે મને એ ડંખે છે. હું ગીતશાસ્ત્ર ૩૭:૩ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, જે કહે છે: ‘યહોવાહ પર ભરોસો રાખ, અને ભલું કર; દેશમાં રહે, અને વિશ્વાસુપણાની પાછળ લાગુ’ રહે.”

“પ્રમાણિક લોકો જીવશે”

એલેક્ઝાન્ડરના કિસ્સામાં થયું તેમ, બાઇબલ સત્ય શીખવાથી વ્યક્તિનું જીવન સુધરી જાય છે. પ્રેષિત પાઊલે એફેસીઓને પત્રમાં લખ્યું હતું તેની સુમેળમાં તેમણે ફેરફારો કર્યા. જે કહે છે: “કપટવાસનાઓથી ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસપણું દૂર કરો, . . . તમારી મનોવૃત્તિઓમાં નવા થાઓ; અને નવું માણસપણું જે દેવના મનોરથ પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સરજાએલું છે તે પહેરી લો. એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સાચું બોલો; કેમકે આપણે એકબીજાના અવયવો છીએ. ચોરી કરનારે હવેથી ચોરી ન કરવી; પણ તેને બદલે પોતાને હાથે ઉદ્યોગ કરીને સુકૃત્યો કરવાં, જેથી જેને જરૂર છે તેને આપવાને પોતાની પાસે કંઈ હોય.” (એફેસી ૪:૨૨-૨૫, ૨૮) આ પ્રકારના ફેરફારો કરવા પર આપણું ભાવિ આધારિત છે.

તેથી, જો લોભ અને ભ્રષ્ટાચારને દૂર કરવામાં ન આવે તો, જેમ રૂમી સામ્રાજ્યનો નાશ થયો એવી જ રીતે એ આખી પૃથ્વીનો પણ નાશ કરી શકે. પરંતુ, આનંદની વાત છે કે, જલદી જ આપણા ઉત્પન્‍નકર્તા ભ્રષ્ટાચારનો અંત લાવશે. કેમ કે તેમણે નક્કી કર્યું છે કે તે ‘પૃથ્વીનો નાશ કરનારાઓનો નાશ કરશે.’ (પ્રકટીકરણ ૧૧:૧૮) જેઓ ન્યાયી જગતમાં રહેવાની ઝંખના રાખે છે તેઓને યહોવાહ વચન આપે છે કે તે જલદી જ “નવાં આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે,” એ લાવશે.—૨ પીતર ૩:૧૩.

એ સાચું છે કે આજના આ ભ્રષ્ટ જગતમાં પ્રમાણિકપણે રહેવું એ કંઈ સહેલી વાત નથી. છતાં, યહોવાહ આપણને ખાતરી અપાવે છે કે “દ્રવ્યલોભી પોતાના જ કુટુંબને હેરાન કરે છે; પણ લાંચને ધિક્કારનાર આબાદ થશે.” * (નીતિવચન ૧૫:૨૭) ભ્રષ્ટાચારને ધિક્કારવાથી આપણે સાચા દિલથી પ્રાર્થના કરી શકીશું કે: “તારૂં રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.”—માત્થી ૬:૧૦.

એ રાજ્ય આવે ત્યાં સુધી ચાલો આપણે દરેક જણ ભ્રષ્ટાચારથી દૂર રહીને ન્યાયીપણાના બીજ વાવીએ. (હોશીઆ ૧૦:૧૨) આપણે એનાથી દૂર રહીશું તો, આપણું જીવન પણ બતાવી આપશે કે, દેવનો પ્રેરિત શબ્દ બાઇબલ શક્તિશાળી છે. હા, પરમેશ્વરના જ્ઞાનથી ભ્રષ્ટાચારને હરાવી શકાય છે!

[ફુટનોટ્‌સ]

^ તેનું નામ બદલવામાં આવ્યું છે.

^ જોકે, લાંચ અને બક્ષિસ આપવામાં જમીન આસમાનનો ફરક છે. સજામાંથી છટકવા અથવા પોતાના લાભ માટે લાંચ આપવામાં આવે છે. જ્યારે કે બક્ષિસ કોઈ વ્યક્તિએ કામ કર્યું હોય એની કદર માટે આપવામાં આવે છે. આના વિષે ઑક્ટોબર ૧, ૧૯૮૭ના ચોકીબુરજના “વાચકો તરફથી પ્રશ્નો” માં વધુ સમજણ આપવામાં આવી છે.

[પાન ૭ પર ચિત્ર]

બાઇબલના શિક્ષણથી, આપણે “નવું માણસપણું” વિકસાવીને ભ્રષ્ટાચારથી દૂર રહી શકીએ છીએ