સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પવિત્ર આત્મા કહે છે એ સાંભળો

પવિત્ર આત્મા કહે છે એ સાંભળો

પવિત્ર આત્મા કહે છે એ સાંભળો

“જો તમે ઈશ્વરના માર્ગો છોડીને ભટકી જાઓ, તો તમારી પાછળથી તમે અવાજ સાંભળશો જે તમને કહેશે, ‘માર્ગ આ છે તે પર તમે ચાલો.’”—યશાયાહ ૩૦:૨૧, સરળ ભાષાનું બાઇબલ.

૧, ૨. યહોવાહ દેવે કઈ રીતે મનુષ્યો સાથે વાતચીત કરી છે?

 પોર્ટો રિકોમાં દુનિયાનું સૌથી મોટું રકાબી (ડીશ) જેવું રેડિયો દૂરબીન આવેલું છે. વર્ષોથી વૈજ્ઞાનિકો એની મદદથી અવકાશમાંથી સંદેશા મેળવવાની આશા રાખે છે. પરંતુ તેઓએ એવા કોઈ સંદેશા મેળવ્યા નથી. જોકે, નવાઈની વાત તો એ છે કે, એવા કોઈ પણ સાધન વગર, આપણે ગમે ત્યારે પૃથ્વીની બહારથી સંદેશા મેળવી શકીએ છીએ. એ ધારી લીધેલા અવકાશ કરતાં પણ ઊંચી જગ્યાથી આવે છે. એ ક્યાંથી આવે છે અને કોણ એ સંદેશા મેળવે છે? એ સંદેશા શું જણાવે છે?

બાઇબલમાં એવા ઘણા અહેવાલો જોવા મળે છે, જેમાં આપણા પરમેશ્વરે પોતાનો સંદેશ મનુષ્યોને આપ્યો હતો. ત્રણ પ્રસંગોએ યહોવાહ દેવ પોતે જ બોલ્યા હતા. (માત્થી ૩:૧૭; ૧૭:૫; યોહાન ૧૨:૨૮, ૨૯) અમુક વખતે દેવના દૂતોએ તેમનો સંદેશો આપ્યો. (ઉત્પત્તિ ૨૨:૧૧, ૧૫; ઝખાર્યાહ ૪:૪, ૫; લુક ૧:૨૬-૨૮) તેમ જ, યહોવાહ દેવે પોતાના ભક્તોનો પણ ઉપયોગ કર્યો, જેઓમાંથી ઘણાએ દેવનાં વચનો લખી લીધાં. એ લખાણ આજે બાઇબલમાં જોવા મળે છે, જેમાં ઈસુ અને તેમના શિષ્યોનાં શિક્ષણનો પણ સમાવેશ થાય છે. (હેબ્રી ૧:૧, ૨) શું આ બતાવી નથી આપતું કે યહોવાહ દેવ ખરેખર આપણને સંદેશા મોકલી રહ્યા છે?

૩. દેવનો સંદેશા શાના વિષે જણાવે છે, અને એ વિષે આપણે શું કરવું જોઈએ?

આપણા પરમેશ્વર તરફથી આવતા સંદેશા વિશ્વ વિષે થોડું જ જણાવે છે. પરંતુ, એ હમણાંના અને ભાવિના આપણા જીવનને અસર કરતી મહત્ત્વની બાબતો વિષે વધુ જણાવે છે. (ગીતશાસ્ત્ર ૧૯:૭-૧૧; ૧ તીમોથી ૪:૮) એ આપણને યહોવાહ દેવની ઇચ્છા અને તેમનો માર્ગ બતાવે છે. એનાથી ઈશ્વર ભક્ત યશાયાહે જણાવેલા શબ્દો એક રીતે પૂરા થાય છે: “જો તમે ઈશ્વરના માર્ગો છોડીને ભટકી જાઓ, તો તમારી પાછળથી તમે અવાજ સાંભળશો જે તમને કહેશે, ‘માર્ગ આ છે તે પર તમે ચાલો.’” (યશાયાહ ૩૦:૨૧, સરળ ભાષાનું બાઇબલ.) પરમેશ્વર યહોવાહ પોતાના માર્ગમાં ચાલવા આપણને દબાણ કરતા નથી. પરંતુ, આપણે પોતે પસંદગી કરવાની છે. આપણે તેમના માર્ગમાં ચાલવું હોય તો, પવિત્ર શાસ્ત્ર જણાવે છે કે આપણે યહોવાહ દેવનું સાંભળીએ. તેથી, બાઇબલના છેલ્લા પુસ્તકમાં સાત વાર ઉત્તેજન આપવામાં આવ્યું છે: ‘આત્મા . . . જે કહે છે . . . તે સાંભળો.’—પ્રકટીકરણ ૨:૭, ૧૧, ૧૭, ૨૯; ૩:૬, ૧૩, ૨૨.

૪. શું યહોવાહ સ્વર્ગમાંથી સીધેસીધા આપણી સાથે વાત કરે છે?

યહોવાહ દેવ આજે સ્વર્ગમાંથી આપણી સાથે વાતચીત કરતા નથી. અગાઉના સમયમાં પણ એમ વારંવાર બનતું નહિ, અને ઘણી વખત તો સદીઓ વીતી જતી. મોટા ભાગે યહોવાહ દેવે પોતાના લોકો સાથે સીધેસીધી વાત કરી નથી. યહોવાહ દેવ આજે પણ અલગ અલગ ત્રણ રીતોથી આપણી સાથે વાત કરે છે. ચાલો આપણે જોઈએ કે એ ત્રણ રીતો કઈ છે.

બાઇબલ યહોવાહ દેવ તરફથી છે

૫. આજે યહોવાહ આપણી સાથે કઈ મુખ્ય રીતે બોલે છે, અને આપણે એનો કેવી રીતે લાભ લઈ શકીએ?

યહોવાહ દેવ આપણી સાથે મુખ્ય રીતે બાઇબલ દ્વારા બોલે છે. એ પરમેશ્વરની પ્રેરણાથી લખાયું હોવાથી એનું શિક્ષણ આપણા માટે લાભદાયી છે. (૨ તીમોથી ૩:૧૬) બાઇબલમાં એવા ઘણાં લોકોના દાખલાઓ છે, જેઓએ યહોવાહ દેવનું માનવું કે નહિ, એની પસંદગી કરી. એવા દાખલા આપણને જણાવે છે કે આપણે શા માટે દેવનું સાંભળવું જોઈએ. (૧ કોરીંથી ૧૦:૧૧) વળી, જીવનમાં ખરા નિર્ણયો લેવા માટે પણ બાઇબલ સમયસરની શાણી સલાહ પૂરી પાડે છે. જાણે દેવ આપણા કાનમાં કહી રહ્યા હોય કે “માર્ગ આ છે, તે પર તમે ચાલો.”

૬. બીજાં બધા પુસ્તકો કરતાં બાઇબલ શા માટે ઉત્તમ છે?

દેવની વાણી સાંભળવા માટે આપણે નિયમિત રીતે બાઇબલ વાંચવું જોઈએ. બાઇબલ ફક્ત સુંદર લખાણવાળું, લોકપ્રિય પુસ્તક જ નથી, કેમ કે એવા તો ઘણાં પુસ્તકો છે. પરંતુ બાઇબલ તો ખુદ પરમેશ્વરના વિચારો ધરાવે છે. હેબ્રી ૪:૧૨ કહે છે કે, “ઈશ્વરનાં વચન જીવંત અને પરાક્રમથી ભરપૂર છે, અતિ તીક્ષ્ણ હથિયાર કરતાં પણ તે વધુ તીક્ષ્ણ છે. આપણાં હૃદયના ઊંડામાં ઊંડા વિચારો તથા ઇચ્છાઓને તે આરપાર વીંધી શકે છે.” (સરળ ભાષાનું બાઇબલ.) આપણે બાઇબલ વાંચીએ તેમ, આપણે પોતે કેવા છીએ એ જોઈ શકીએ છીએ. આપણે કેટલી હદે દેવનું કહ્યું માનીએ છીએ એ જાણી શકીએ છીએ.

૭. બાઇબલ વાંચવું કેમ મહત્ત્વનું છે, અને આપણને શું ઉત્તેજન આપવામાં આવે છે?

વખત જતા, જીવનના સારા અને ખરાબ અનુભવોની અસરથી આપણું મન અને હૃદય બદલાઈ શકે છે. નિયમિત રીતે બાઇબલ વાંચીને, એની સલાહ લાગુ ન પાડીએ તો, આપણી વાણી, વર્તન, અને વિચાર પરમેશ્વરની ઇચ્છા મુજબ નહિ હોય. તેથી, બાઇબલ સલાહ આપે છે: “તમારામાં વિશ્વાસ છે કે નહિ, તેની પરીક્ષા તમે પોતે કરો; તમારી પોતાની પરીક્ષા કરો.” (૨ કોરીંથી ૧૩:૫) આપણે પરમેશ્વરની વાણી સાંભળવા દરરોજ બાઇબલ વાંચવું જોઈએ.—ગીતશાસ્ત્ર ૧:૨.

૮. પ્રેષિત પાઊલના શબ્દો બાઇબલ વાંચનમાંથી પૂરો લાભ લેવા કઈ રીતે મદદ કરશે?

બાઇબલ વાચકો એમાંથી પૂરો લાભ મેળવે એ માટે એક મહત્ત્વનું સૂચન છે કે, તમે જે વાંચો એને સમજીને હૃદયમાં ઉતારો! દરરોજ બાઇબલ વાંચવાની સલાહ લાગુ પાડવા ઉત્સાહી બની જઈને, આપણે ફક્ત અમુક અધ્યાયો સડસડાટ વાંચી ન જઈએ. ખરું કે નિયમિત બાઇબલ વાંચવું અગત્યનું છે, પણ વાંચવા ખાતર વાંચીને એનો અર્થ ન સમજીએ તો શું ફાયદો થશે? એને બદલે, આપણને યહોવાહ દેવ અને તેમના હેતુઓ વિષે શીખવાની ધગશ હોવી જોઈએ. એ વિષે, પ્રેષિત પાઊલે સાથી ખ્રિસ્તીઓને લખેલા શબ્દો પર મનન કરીએ: “બાપની આગળ હું ઘૂંટણે પડીને વિનંતી કરૂં છું, કે . . . વિશ્વાસથી તમારાં હૃદયોમાં ખ્રિસ્ત વસે; જેથી તમારાં મૂળ પ્રીતિમાં ઘાલીને અને તેમાં પાયો નાખીને, તમે સર્વ સંતોની સાથે ખ્રિસ્તની પ્રીતિની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ તથા ઊંડાઈ કેટલી છે તે સમજી શકો, અને ખ્રિસ્તની પ્રીતિ જે માણસની સમજશક્તિની બહાર છે, તે તમે સમજી શકો, કે તમે દેવની સર્વ સંપૂર્ણતા પ્રમાણે સંપૂર્ણ થાઓ.”—એફેસી ૩:૧૬-૧૯.

૯. આપણે યહોવાહ દેવ પાસેથી શીખવાની ઇચ્છા કઈ રીતે કેળવી શકીએ?

અમુકને વાંચવામાં રસ જ હોતો નથી જ્યારે કે બીજાઓ વાંચવા માટે ઉત્સુક હોય છે. ભલે વાંચવામાં રસ હોય કે ન હોય, આપણે યહોવાહ દેવ પાસેથી શીખવાની ઇચ્છા જરૂર કેળવી શકીએ છીએ. પ્રેષિત પીતરે સમજાવ્યું કે આપણે બાઇબલમાંથી શીખવા આતુર બનવું જોઈએ, અને જણાવ્યું કે એવું વલણ કેળવી શકાય છે. તેમણે લખ્યું કે “જેમ નવું જન્મેલું બાળક દૂધ માટે ઝંખે છે તેમ તમે ઇશ્વરનાં વચન ગ્રહણ કરો.” (૧ પીતર ૨:૨, સરળ ભાષાનું બાઇબલ.) બાઇબલમાંથી શીખવા માટે, આપણે વારંવાર પ્રયત્ન કરવાની જરૂર છે. કોઈ નવી વાનગી એક જ વાર ચાખીને કહી શકાતું નથી કે એ ભાવે છે કે નહિ. એ જ પ્રમાણે નિયમિત, વારંવાર બાઇબલ વાંચન અને મનન કરવું જોઈએ. જેનાથી, ધીમે ધીમે આપણે શિક્ષણ લેવા વાંચન કરવાની ટેવ કેળવી શકીશું.

સમયસરનો ‘ખોરાક’

૧૦. “વિશ્વાસુ અને શાણો ચાકર” કોણ છે, અને યહોવાહ દેવ તેઓનો કઈ રીતે ઉપયોગ કરે છે?

૧૦ આજે આપણી સાથે વાત કરવા યહોવાહ દેવ જે બીજી રીતનો ઉપયોગ કરે છે, એ ઈસુએ માત્થી ૨૪:૪૫-૪૭માં જણાવી. એમાં તે દેવના પવિત્ર આત્માથી અભિષિક્ત ખ્રિસ્તી મંડળ એટલે કે “વિશ્વાસુને શાણો ચાકર” વિષે વાત કરતા હતા, જેને સમયસરનો આત્મિક ‘ખોરાક’ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. વ્યક્તિગત રીતે આ મંડળના સભ્યો ઈસુના ‘ઘરનાં’ સભ્ય છે. તેઓ અને “બીજાં ઘેટાં”ની “મોટી સભા” એ સમયસરનો ‘ખોરાક’ લઈ ઉત્તેજન અને માર્ગદર્શન મેળવે છે. (યોહાન ૧૦:૧૬; પ્રકટીકરણ ૭:૯) મોટા ભાગે સમયસરનો ‘ખોરાક’ ચોકીબુરજ, સજાગ બનો! અને બીજાં પ્રકાશનો વડે આપવામાં આવે છે. દરેક સંમેલનો અને મંડળની સભાઓમાં પ્રવચનો તથા દૃશ્યોથી હજુ વધારે ‘ખોરાક’ આપવામાં આવે છે.

૧૧. “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા મળતી શિખામણ પ્રત્યે આપણું વલણ કેવું હોવું જોઈએ?

૧૧ “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” આપણને જે માહિતી આપે છે, એનાથી આપણો વિશ્વાસ દૃઢ થાય છે અને ખરું ખોટું પારખી શકીએ છીએ. (હેબ્રી ૫:૧૪) એ શિખામણ દરેક વ્યક્તિ પોતાને લાગુ પાડી, લાભ ઉઠાવી શકે છે. કોઈક વાર આપણી વર્તણૂકના અમુક ખાસ પાસા પર શિખામણ મળે છે. આમ, ચાકર વર્ગ દ્વારા મળતી યહોવાહ દેવની શિખામણ સાંભળવા માટે આપણું વલણ કેવું હોવું જોઈએ? પ્રેષિત પાઊલ જવાબ આપે છે: “તમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાળીને તેઓને આધીન રહો.” (હેબ્રી ૧૩:૧૭) આ આગેવાનો કંઈ સંપૂર્ણ નથી. છતાં, જગતના અંતના સમયે, યહોવાહ દેવ પોતાના લોકોને માર્ગદર્શન આપવા આ અપૂર્ણ સેવકોનો ખુશીથી ઉપયોગ કરે છે.

આપણા અંતઃકરણની પ્રેરણા

૧૨, ૧૩. (ક) યહોવાહ દેવ આપણને બીજી કઈ રીતે દોરે છે? (ખ) બાઇબલમાં ન માનનારા લોકોનું અંતઃકરણ પણ શું પારખી શકે છે?

૧૨ યહોવાહ દેવ જે ત્રીજી રીતે આપણને દોરે છે, એ આપણું અંતઃકરણ છે. તેમણે માનવીઓને એ રીતે ઘડ્યા છે કે તેઓ ખરુંખોટું પારખી શકે. પ્રેષિત પાઊલે રૂમીઓને લખેલા પત્રમાં સમજાવ્યું: “વિદેશીઓની પાસે નિયમશાસ્ત્ર નથી, તેઓ જ્યારે સ્વાભાવિક રીતે નિયમશાસ્ત્ર પ્રમાણે વર્તે છે, ત્યારે તેઓને નિયમશાસ્ત્ર હોવા ન છતાં તેઓ પોતે પોતાને સારૂ નિયમરૂપ છે; તેઓના અંતઃકરણમાં નિયમ લખેલો છે તે તેઓનાં કામ દેખાડી આપે છે. તેઓની પ્રેરકબુદ્ધિ તે વિષે સાક્ષી આપે છે; અને તેઓના વિચાર એકબીજાને દોષિત અથવા નિર્દોષ ઠરાવે છે.”—રૂમી ૨:૧૪, ૧૫.

૧૩ યહોવાહ દેવને જાણતા ન હોય, તેઓ પણ અમુક હદે દેવના નિયમો પ્રમાણે જીવી શકે છે. જાણે કે તેઓને પોતાની અંદરથી અવાજ કહેતો હોય કે આ ખરો માર્ગ છે. બાઇબલનું જ્ઞાન ન હોય, એવા લોકો વિષે આ સાચું હોય તો, યહોવાહ દેવના ભક્તોના અંતઃકરણ વિષે આ કેટલું વધારે સાચું હોવું જોઈએ! ખરેખર, બાઇબલના જ્ઞાનથી કેળવાયેલું અને પરમેશ્વર યહોવાહનું સાંભળનાર અંતઃકરણ ભરોસાપાત્ર માર્ગદર્શન આપે છે.—રૂમી ૯:૧.

૧૪. બાઇબલથી કેળવાયેલું અંતઃકરણ કઈ રીતે યહોવાહ દેવના માર્ગે ચાલવા મદદ કરે છે?

૧૪ બાઇબલથી તાલીમ પામેલું અંતઃકરણ આપણને યહોવાહ દેવના માર્ગ પર ચાલવા મદદ કરે છે. આપણે એવી કોઈ બાબતનો સામનો કરતા હોય જે વિષે બાઇબલ કે બાઇબલને લગતા પુસ્તકોમાં કંઈ જણાવ્યું ન હોય. છતાં, આપણું અંતઃકરણ આપણને ચેતવતું હોય કે આગળ જોખમ રહેલું છે. એવા કિસ્સામાં, આપણે અંતઃકરણનું ન માનીએ તો, આપણે યહોવાહનું સાંભળતા નથી. વળી, કોઈ બાબતની પસંદગી કરવાની હોય, ત્યારે પણ લેખિત માહિતી ન હોવા છતાં, બાઇબલથી કેળવાયેલું અંતઃકરણ ખરા નિર્ણયો લેવા મદદ કરશે. જોકે, યાદ રાખો કે કોઈ વિષય પર દેવના સિદ્ધાંતો કે નિયમો ન હોય ત્યારે, પોતાના અંતઃકરણ પ્રમાણે લીધેલા નિર્ણયો બીજા પર ઠોકી બેસાડવા યોગ્ય નથી.—રૂમી ૧૪:૧-૪; ગલાતી ૬:૫.

૧૫, ૧૬. આપણું અંતઃકરણ કઈ રીતે બુઠ્ઠું બની શકે અને એમ થતા કઈ રીતે અટકાવી શકાય?

૧૫ શુદ્ધ અને બાઇબલથી તાલીમ પામેલું અંતઃકરણ ખરેખર પરમેશ્વર તરફથી ઉત્તમ ભેટ છે. (યાકૂબ ૧:૧૭) પરંતુ, એ સલામતીના ઍલાર્મની જેમ કામ કરે, એ માટે આપણે ખરાબ અસરોથી એનું રક્ષણ કરવું જોઈએ. એમ ન કરીએ તો, દેવનાં ધોરણોથી વિરુદ્ધ જતા દુનિયાના રિવાજો અને આદતો આપણા અંતઃકરણની અણીને બૂઠ્ઠી કરી નાખશે. પછી, આપણને જરૂર હોય ત્યારે, ખરું માર્ગદર્શન મળશે નહિ. તેથી, આપણે ખરું ખોટું પારખી શકીશું નહિ અને ખોટું હોય એને પણ ખરું માનવા લાગીશું.—સરખાવો યોહાન ૧૬:૨.

૧૬ અંતઃકરણની ચેતવણીને ધ્યાન ન આપવાથી, એક દિવસ એવો આવશે કે એ ચેતવણી આપવાનું બંધ કરી દેશે. આવા લોકો વિષે ગીતકર્તા કહે છે કે, તેઓનું અંતઃકરણ ચરબીના થરની જેમ જામી ગયું છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૭૦) અંતઃકરણની ચેતવણીને ધ્યાન ન આપનાર કેટલાક ખરું ખોટું પારખી શકતા નથી. તેઓને દૈવી સિદ્ધાંતોનું માર્ગદર્શન ન મળવાને કારણે યોગ્ય નિર્ણયો લઈ શકતા નથી. એમ ન થાય માટે, નાની-નાની વાતમાં પણ આપણે તાલીમ પામેલા ખ્રિસ્તી અંતઃકરણનું સાંભળવું જ જોઈએ.—લુક ૧૬:૧૦.

સાંભળો અને પાળો તો સુખી થશો

૧૭. ‘આપણી પાછળથી આવતો અવાજ,’ અને બાઇબલથી કેળવાયેલા અંતઃકરણનું કહેવું માનીશું તો, કેવા આશીર્વાદો મળશે?

૧૭ આપણે બાઇબલ, તથા વિશ્વાસુ અને શાણા ચાકર દ્વારા મળતા સંદેશાને સાંભળવાની ટેવ પાડીએ, જે ‘આપણી પાછળથી આવતો અવાજ’ છે. તેમ જ, બાઇબલથી તાલીમ પામેલા અંતઃકરણનું પણ જરૂર સાંભળીએ. એ સાંભળીને પાળવાથી, પરમેશ્વર યહોવાહ આપણને જરૂર આશીર્વાદ આપશે. વળી, યહોવાહ દેવ જે જણાવે છે, એ સાંભળીને સમજવા તેમનો પવિત્ર આત્મા આપણને મદદ કરશે.

૧૮, ૧૯. પ્રચારકાર્યમાં અને જીવનમાં યહોવાહ દેવનું માર્ગદર્શન આપણને કઈ રીતે લાભ કરી શકે?

૧૮ યહોવાહ દેવનો પવિત્ર આત્મા આપણને હિંમતથી સમજી-વિચારીને મુશ્કેલીઓનો સામનો કરવા મદદ કરશે. પ્રેષિતોની જેમ, દેવ આપણને મદદ કરી શકે, જેથી આપણી વાણી અને વર્તન યહોવાહની ઇચ્છા પ્રમાણે હોય. (માત્થી ૧૦:૧૮-૨૦; યોહાન ૧૪:૨૬; પ્રેરિતોનાં કૃત્યો ૪:૫-૮, ૧૩, ૩૧; ૧૫:૨૮) આમ, આપણા જીવનના મહત્ત્વના નિર્ણયોમાં, યહોવાહ દેવનો પવિત્ર આત્મા તથા આપણી મહેનત સફળતા અપાવશે, અને એ નિર્ણયોને વળગી રહેવાની હિંમત આપશે. દાખલા તરીકે, દેવની સેવાને પ્રથમ મૂકવા તમે તમારા જીવનમાં ફેરફાર કરવા ચાહો છો. તમારે લગ્‍ન સાથીની પસંદગી, નોકરીની ઑફરની પસંદગી કે ઘર ખરીદવાના જેવા મહત્ત્વના નિર્ણયો લેવાના હોય. આવા સમયે લાગણીઓના –તણાવમાં તણાઈ જવાને બદલે, આપણે દેવનો પવિત્ર આત્મા જે કહે છે એ સાંભળીને નિર્ણયો લેવા જોઈએ.

૧૯ આપણા વડીલો અને ભાઈબહેનો જે સલાહ-સૂચનો આપે છે એની આપણે ખરેખર કદર કરીએ છીએ. છતાં, હંમેશા બીજાઓ આપણી ભૂલો બતાવે ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી. યહોવાહ દેવને ખુશ કરવા આપણા વાણી-વર્તનમાં કેવા ફેરફારોની જરૂર છે, એ આપણે જાણતા જ હોઈએ તો, કેમ નહિ કે આપણે એમ કરવા માંડીએ. ઈસુએ કહ્યું: “જો તમે એ વાતો જાણીને તેઓને પાળો, તો તમને ધન્ય છે.”—યોહાન ૧૩:૧૭.

૨૦. દેવને ખુશ કરવા આપણે શું કરવું જોઈએ, અને એનાથી ક્યા આશીર્વાદો મળશે?

૨૦ દેવને ખુશ કરવા માટે, આપણે કંઈ સ્વર્ગમાંથી અવાજ સાંભળવાની કે દૂત આવીને સંદેશો આપે એની રાહ જોવાની જરૂર નથી. પરંતુ, આપણી પાસે યહોવાહ દેવ તરફથી બાઇબલ અને ‘વિશ્વાસુ તથા શાણો ચાકર’ છે, જે દોરવણી આપે છે. આપણે તેઓનું સાંભળીશું, અને બાઇબલથી કેળવાયેલા અંતઃકરણ પ્રમાણે ચાલીશું તો, ખરેખર પરમેશ્વરને ખુશ કરી, તેમની કૃપા મેળવીશું. આમ, આપણે પ્રેષિત યોહાને લખેલું વચન પૂરું થતા જોઈ શકીશું: “જે દેવની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.”—૧ યોહાન ૨:૧૭.

આપણે શું શીખ્યા?

• યહોવાહ દેવ શા માટે આપણી સાથે વાતચીત કરે છે?

• નિયમિત બાઇબલ વાંચનથી આપણે કેવી રીતે લાભ મેળવી શકીએ?

• ‘ચાકર’ વર્ગના માર્ગદર્શન પ્રત્યે આપણું વલણ કેવું હોવું જોઈએ?

• શા માટે આપણે બાઇબલથી તાલીમ પામેલા અંતઃકરણનું સાંભળવું જ જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૩ પર ચિત્ર]

આપણે દેવ પાસેથી સંદેશા મેળવવા કોઈ જટિલ સાધનની જરૂર નથી

[ક્રેડીટ લાઈન]

Courtesy Arecibo Observatory/David Parker/Science Photo Library

[પાન ૧૫ પર ચિત્ર]

યહોવાહ આપણી સાથે બાઇબલ અને “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા બોલે છે