યહોવાહને માન આપતા - આનંદી લગ્નો
યહોવાહને માન આપતા - આનંદી લગ્નો
આજથી પંદર વર્ષ પહેલા દક્ષિણ આફ્રિકામાં વેલ્સ અને એલ્થીઆનું લગ્ન થયું હતું. તેઓ પોતાની પુત્રી ઝેન્ઝી સાથે અવારનવાર લગ્નનું આલ્બમ જોઈને એ દિવસ યાદ કરે છે. મમ્મીના સુંદર ફોટાઓ ઝેન્ઝીને ખૂબ જ ગમે છે. તે મહેમાનોને તરત જ ઓળખી બતાવે છે.
એ લગ્ન એક કૉમ્યુનિટી હૉલમાં રાખવામાં આવ્યું હતું. યુવાનોએ સુંદર ભક્તિગીતો ગાયા હતા. ત્યાર બાદ, મહેમાનો ભોજન કરતા હતા ત્યારે આપણી સંસ્થાની સંગીતની કૅસેટ પણ ધીમા અવાજે વાગતી હતી. ત્યાં નશો ચઢાવે એવા કોઈ પણ પીણાંઓ રાખ્યા નહોતા. અરે ઘોંઘાટિયું સંગીત કે નાચગાન પણ કરવામાં આવ્યું નહોતું! એને બદલે, તેઓએ સંગત માણી અને યુગલને અભિનંદન પાઠવ્યા. કાર્યક્રમ ત્રણ કલાક ચાલ્યો. એ લગ્ન રેમન્ડ નામના વડીલને હજુ પણ યાદ છે.
લગ્ન સમયે, વેલ્સ અને એલ્થીઆ આપણી સંસ્થાની શાખામાં સ્વયંસેવકો હતા. તેઓ પાસે ધામધૂમથી લગ્ન કરે એટલા પૈસા ન હતા. જોકે કેટલાક ખ્રિસ્તીઓ પૂરા-સમયનું સેવાકાર્ય છોડીને નોકરી કરે છે જેથી લગ્નનો ખર્ચ ઉપાડી શકે. પરંતુ વેલ્સ અને એલ્થીઆ સાદાઈથી લગ્ન કરવામાં ખુશ હતા. આમ તેઓ પોતાની બેબીનો જન્મ થતાં સુધી શાખામાં કામ કરી શક્યા.
પરંતુ આજે કોઈ યુગલ પોતાના લગ્નમાં નાચગાન રાખવા માંગતું હોય તો શું? તેઓ બીયર કે અન્ય પીણાં આપવા માંગતા હોય તો શું? તેઓ ધામધૂમથી લગ્ન કરવા ઇચ્છતા હોય તો શું? તેઓ સાચા ખ્રિસ્તીઓને શોભે એવું લગ્ન કઈ રીતે રાખી શકે? આ પ્રશ્નોનો વિચાર કરવો જોઈએ, કારણ કે બાઇબલ જણાવે છે: “તમે ખાઓ, કે પીઓ, કે જે કંઈ કરો તે સર્વ દેવના મહિમાને અર્થે કરો.”—૧ કોરીંથી ૧૦:૩૧.
વિલાસી જલસા ટાળો
લગ્ન એક આનંદિત પ્રસંગ હોવો જોઈએ. પરંતુ હદ બહાર જવાથી મુશ્કેલીઓ ઊભી થાય છે. આજે ઘણાં દુન્યવી લગ્નમાં લોકો પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે કરતાં નથી. દાખલા તરીકે, કેટલાક લોકો પુષ્કળ દારૂ પીવે છે. અને દુઃખની વાત છે કે, કેટલાક આપણા ભાઈબહેનોના લગ્નમાં પણ આવું બને છે.
તેથી, બાઇબલ ચેતવણી આપે છે કે શરાબ “ધાંધલ મચાવે છે.” (નીતિવચન ૨૦:૧, IBSI) અહીં “ધાંધલ” શબ્દનું મૂળ ભાષામાં “ઘોંઘાટ” ભાષાંતર કરવામાં આવ્યું છે. શરાબથી એક વ્યક્તિ ઘોંઘાટ મચાવતી હોય તો, ઘણા ભેગા મળીને પીવે તો શા હાલ કરી શકે! દેખીતી રીતે જ, આવી સ્થિતિમાં “દારૂડિયાપણું, ભોગવિલાસ અને બીજી એવી બાબતો” સહેલાઈથી થઈ શકે, જેની બાઇબલ મનાઈ કરે છે. આવા કૃત્યોમાં રચ્યાપચ્યા રહેનારાઓને અનંતજીવન મળશે નહિ.—ગલાતી ૫:૧૯-૨૧, IBSI.
“વિલાસ” માટેના ગ્રીક શબ્દનું ભાષાંતર નાચગાન કરતા શરાબી યુવાનિયાઓ માટે કરવામાં આવ્યું છે. લગ્નમાં છૂટથી શરાબ પીને જંગલી રીતે નાચવામાં આવે તો, સાચે જ એ પ્રસંગ વિલાસી કામો તરફ દોરી જશે. આવા વાતાવરણથી લલચાઈને અસંયમી ભાઈબહેનો “વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું [અને] ક્રોધ” જેવા ખરાબ કામો કરી શકે. લગ્નમાં આવી બાબતોને ટાળવા માટે શું કરી શકાય? એ જાણવા માટે, ચાલો આપણે બાઇબલ તપાસીએ.
ઈસુ લગ્નમાં જાય છે
ઈસુ અને તેમના શિષ્યોને કાના ગામમાં લગ્નનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. એ સ્વીકારીને તેઓ ત્યાં ગયા. લગ્નમાં દ્રાક્ષારસ ખૂટી પડ્યો ત્યારે, તેમણે ચમત્કાર કરીને સારો દ્રાક્ષારસ બનાવ્યો. આમ, તેમણે એ પ્રસંગને વધારે આનંદી બનાવ્યો. તેમણે બનાવેલો દ્રાક્ષારસ ઘણા દિવસો સુધી કુટુંબીજનોને ચાલ્યો.—યોહાન ૨:૩-૧૧.
આ બનાવમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ. અહેવાલ સ્પષ્ટ કરે છે કે ઈસુ અને તેમના શિષ્યો આમંત્રણ વિના ત્યાં ગયા નહોતા. તેઓને ત્યાં બોલાવવામાં આવ્યા હતા. (યોહાન ૨:૧, ૨) આ જરૂરિયાત વિષે ઈસુએ બીજા બે દૃષ્ટાંતોમાં પણ જણાવ્યું હતું.—માત્થી ૨૨:૨-૪, ૮, ૯; લુક ૧૪:૮-૧૦.
કેટલાક દેશોમાં તો લોકો આમંત્રણ વિના પણ લગ્નમાં જાય છે. આ અમુક યુગલ માટે એક મોટો ખર્ચો ઉભો કરી તેમને દેવામાં ડૂબાડી શકે. એ કારણે, એક ખ્રિસ્તી યુગલ થોડાંક લોકોને જ બોલાવે તો, બીજાઓએ ખોટું લગાડવું જોઈએ નહિ. એક કિસ્સામાં, દક્ષિણ આફ્રિકામાં ૨૦૦ માણસોને લગ્નમાં બોલાવવામાં આવ્યા હતા. પરંતુ ૬૦૦ મહેમાનો આવીને ભોજન પર તૂટી પડ્યા જેમાંનો એક કન્યાનો દૂરનો સગો હતો. તે ટૂરબસ લઈને શહેરમાં ફરતો હતો. લગ્ન વિષે જાણ્યું હોવાથી તે બસમાંના ટોળાને પણ લઈ ગયો હતો!
સાચા ખ્રિસ્તીઓએ આમંત્રણ વિના લગ્નમાં જવું જોઈએ નહિ. તેમ છતાં, કોઈ ભાઈબહેન લગ્નમાં જવા માગતુ હોય તો શું? તે પોતાને પૂછી શકે કે ‘શું મારું જવું યોગ્ય રહેશે? મારા જવાથી રંગમાં ભંગ તો નહિ પડે ને?’ આમ, તમને આમંત્રણ ન મળ્યું હોય તો ખોટું ન લગાડશો. તમે યુગલને કાર્ડ અથવા ભેટ મોકલી શકો. તમે કહી શકો કે યહોવાહ તેઓને સુખી કરે.—સભાશિક્ષક ૭:૯; એફેસી ૪:૨૮.
લગ્નનું આયોજન કોણ કરે છે?
આફ્રિકાના ઘણા દેશોમાં લગ્નની જવાબદારી કુટુંબના વડીલો ઊપાડી લે છે. ઘણા યુગલને આ ગમે છે કારણ કે તેઓનો ખર્ચ ઘટી જાય છે. તેઓને લાગે છે કે કંઈ પણ સમસ્યા થાય તો વડીલો સંભાળી લેશે. પરંતુ યુગલે ધ્યાનમાં રાખવું જોઈએ કે દરેક બાબત શોભતી રીતે કરવામાં આવે.
ઈસુ દેવના પુત્ર હોવા છતાં તેમણે કાના ગામમાં લગ્નની બધી જવાબદારીઓ પોતાના હાથમાં લઈ લીધી નહિ. (યોહાન ૬:૪૧) એને બદલે, અહેવાલ બતાવે છે કે “જમણના વ્યવસ્થાપક” તરીકે બીજા કોઈને નિમવામાં આવ્યા હતા. (યોહાન ૨:૮, IBSI) વધુમાં, આ માણસ વરરાજાને જવાબદાર હતો.—યોહાન ૨:૯, ૧૦.
ખ્રિસ્તીઓએ ભૂલવું ન જોઈએ કે દેવની ગોઠવણ પ્રમાણે વરરાજા નવા કુટુંબના વડા છે. (કોલોસી ૩:૧૮-૨૦) તે લગ્નની બધી બાબતો માટે જવાબદાર છે. * પણ જો, સગાંસંબંધી ઓ યુગલની ઇચ્છાઓને માન ન આપે તો, યુગલ જણાવી શકે કે તેઓ લગ્નનો ખર્ચ જાતે ઉપાડ શે. આ રીતે એવું કંઈ નહિ બને જે યુગલને જીવનભર યાદ રહી જાય. જેમ કે આફ્રિકામાં એક ખ્રિસ્તીના લગ્ન વખતે, એક સબંધીએ મૃત પૂર્વજોના નામે મહેમાનોને શરાબ પીવાનું કહ્યું.
કેટલાક નવયુગલો રિસૅપ્શન પૂરું થાય એ પહેલાં જ ફરવા ઊપડી જાય છે. આવા સમયે તેઓ બધી જ જવાબદારીઓ યોગ્ય વ્યક્તિને આપી શકે, જેથી કાર્યક્રમ શોભતી રીતે સમયસર પૂરો થઈ શકે.
સારી યોજના
અહેવાલ પ્રમાણે ઈસુ ગયા હતા એ લગ્નમાં ઘણું ખાવાપીવાનું હતું. સ્વાભાવિક રીતે ત્યાં યોગ્ય સંગીત અને ડાન્સ પણ રાખવામાં આવ્યો હશે. એ યહુદી સમાજમાં સામાન્ય હતું જેમ ઈસુએ ઉડાઉ દીકરાની વાર્તામાં જણાવ્યું. એમાં ધનવાન પિતા પોતાના પુત્રના પાછા ફરવાથી એટલા ખુશ હતા કે તેમણે કહ્યું: “આપણે ખાઈને આનંદ કરીએ.” ઈસુના કહ્યા મુજબ, ઊજવણીમાં ‘ગાયન અને નાચ’ પણ હતા.—લુક ૧૫:૨૩, ૨૫.
કાના ગામના લગ્નમાં નાચગાન હતું કે નહિ એ વિષે બાઇબલ કંઈ જણાવતું નથી. તેમ જ, બીજા કોઈ લગ્નમાં ડાન્સ કરવામાં આવ્યો હોય એવું બતાવવામાં આવ્યું નથી. એ દિવસોમાં અમુક લગ્નોમાં જ કે ખાસ પ્રસંગોએ જ ડાન્સ કરવામાં આવતો હતો. આનાથી આપણે શું શીખી શકીએ?
આફ્રિકામાંના કેટલાક ખ્રિસ્તી લગ્નોમાં એટલા મોટા અવાજે સંગીત વગાડવામાં આવે છે કે મહેમાનો એકબીજાને સાંભળી પણ નથી શકતા. આવા લગ્નોમાં ખાવાનું ભલે ખૂટે પણ નાચગાન તો ચાલુને ચાલુ જ રહેશે અને સમય જતાં બેકાબૂ બનશે. લગ્નના બહાને એ એક નાચગાનની પાર્ટી બની જાય છે. વધુમાં, ઘોંઘાટિયા સંગીતને લીધે ઘણી વાર નકામા અને અજાણ્યાઓ આવી પહોંચે છે.
લગ્નમાં નાચગાન કરવા વિષે બાઇબલ કંઈ ખાસ જણાવતું નથી. આ બાબત યુગલને યોગ્ય તૈયારી કરવા મદદ કરે છે. છતાં, દક્ષિણ આફ્રિકાના કેટલાક ખ્રિસ્તી યુવાનો લગ્નમાં ડાન્સ કરવાની તૈયારીઓમાં કલાકો ગાળે છે. પરંતુ ખ્રિસ્તીઓએ પ્રચારકાર્ય, વ્યક્તિગત અભ્યાસ અને સભાઓમાં હાજરી આપવા જેવી “શ્રેષ્ઠ” બાબતો માટે “સમયનો સદુપયોગ” કરવાની જરૂર છે.—ફિલિપી ૧:૧૦; એફેસી ૫:૧૬.
ઈસુએ બનાવેલા દ્રાક્ષારસથી જોવા મળે છે કે કાનામાંનું લગ્ન ધામધૂમવાળું હતું. તેમ છતાં, પ્રસંગ ધાંધલિયો નહોતો અને કેટલાક યહુદી લગ્નોની જેમ આલ્કોહોલનો દૂરુપયોગ થયો નહોતો. (યોહાન ૨:૧૦) આપણે એવું કઈ રીતે કહી શકીએ? કારણ કે ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે હાજર હતા. દેવની આજ્ઞાનું પાલન કરવામાં તે ખૂબ જ સાવધ હતા: ‘દારૂડિયા લોકો સાથે મિજબાનીમાં જોડાઈશ નહિ.’—નીતિવચન ૨૩:૨૦ IBSI.
એ કારણે, યુગલ આલ્કોહોલ આપવાનું નક્કી કરે તો, તેમણે જવાબદાર વ્યક્તિઓની યોગ્ય દેખરેખ હેઠળ એની વ્યવસ્થા કરવી જોઈએ. એ જ રીતે તેઓએ યોગ્ય સંગીત વગાડવા બાબતે પણ ધ્યાન આપવું જોઈએ. આ બધી વ્યવસ્થાને મહેમાનોએ માન આપવું જોઈએ. ડાન્સ રાખવામાં આવે તો, એ શોભતી રીતે કરવો જોઈએ. અને એમાં જરા પણ અયોગ્ય બાબત જોવા મળે તો, વરરાજા એને કુનેહપૂર્વક બંધ કરાવી શકે. નહિતર લગ્નમાં વિલાસી બાબતો કરવામાં આવી શકે અને ઠોકરનું કારણ બની શકે.—રૂમી ૧૪:૨૧.
કેટલાક ખ્રિસ્તી યુવાનોએ પોતાના લગ્નમાં હાલના અમુક પ્રકારના ડાન્સ, ઘોંઘાટિયું સંગીત અને વધારે પડતો આલ્કોહોલ નહિ રાખવાનો નિર્ણય કર્યો છે. એ માટે કેટલાકની ટીકા કરવામાં આવે છે, પરંતુ એમ કરવાને બદલે દેવનું નામ પવિત્ર રાખવાને કારણે તેઓની પ્રશંસા કરવી જોઈએ. બીજી તર્ફે, કેટલીક વ્યક્તિઓએ યોગ્ય સંગીત, ડાન્સ અને આલ્કોહોલ આપવાની વ્યવસ્થા કરી છે. આ બધી જ બાબતોમાં વરરાજા જવાબદાર હોય છે.
આફ્રિકામાંના કેટલાક અપરિપક્વ લોકોને ખ્રિસ્તી લગ્નો કંટાળાજનક લાગી શકે. પરંતુ એ યોગ્ય દૃષ્ટિ નથી. ખરાબ કૃત્યોથી હંગામી આનંદ મળી શકે. એ ખ્રિસ્તીઓના અંતઃકરણને ડંખતું કરી મૂકે છે અને દેવના નામને લાંછન લગાડે છે. (રૂમી ૨:૨૪) બીજી તર્ફે, દેવનો પવિત્ર આત્મા ખરેખરો આનંદ લાવે છે. (ગલાતી ૫:૨૨) કેટલાક ખ્રિસ્તીઓ પોતાના લગ્ન દિવસને યાદ કરીને આનંદ અનુભવે છે, કેમ કે એમાં કંઈ પણ બાબત ‘ઠોકરનું કારણ” ન હતી.—૨ કોરીંથી ૬:૩.
વેલ્સ અને એલ્થીઆ પોતાના લગ્નમાં હાજર રહેલા મહેમાનોએ આપેલી ટીકાઓને હજુ પણ યાદ કરે છે. એકે કહ્યું: “હાલમાં થઈ રહેલા ઘોંઘાટિયા લગ્નોથી અમે કંટાળી ગયા છીએ. આવા આદરણીય લગ્નમાં હાજરી આપીને અમને ઘણું સારું લાગ્યું.”
ખ્રિસ્તી લગ્નો આનંદી અને લગ્નના ઉદ્ભવ યહોવાહ દેવને ગૌરવયુક્ત આદર આપે છે.
[પાન ૨૨ પર બોક્સ/ચિત્ર]
રિસૅપ્શન વખતે યાદ રાખવાના મુદ્દા
• અવિશ્વાસુ સંબંધીને કોઈ પણ દુન્યવી રિવાજ અનુસરવા માટે મોકો ન મળે એની ખાતરી કરી લો.
• સંગીત વગાડવું હોય તો, શું તમે યોગ્ય ગીતોની પસંદગી કરી છે?
• શું સંગીત પ્રમાણસર અવાજમાં વગાડવામાં આવશે?
• ડાન્સ રાખવામાં આવે તો, શું એ શોભતી રીતે કરવામાં આવશે?
• શું આલ્કોહોલ યોગ્ય પ્રમાણમાં આપવામાં આવશે?
• શું જવાબદાર વ્યક્તિ એના વિતરણમાં કાળજી રાખશે?
• શું રિસૅપ્શનની સમાપ્તિનો સમય નક્કી કર્યો છે?
• શું જવાબદાર વ્યક્તિ છેલ્લી ઘડી સુધી ધ્યાન રાખશે?
[ફુટનોટ]
^ ભારતના અમુક ભાગોમાં વર પક્ષના કુટુંબો રિસૅપ્શન રાખે છે. તેમ છતાં તેઓએ યુગલની ઇચ્છાઓને માન આપવું જોઈએ.