સુખી કૌટુંબિક જીવન જોઈને પણ બીજાઓ દેવની નજીક ખેંચાય છે
રાજ્ય પ્રચારકોના અનુભવો
સુખી કૌટુંબિક જીવન જોઈને પણ બીજાઓ દેવની નજીક ખેંચાય છે
યહોવાહે યુસફને ખૂબ ડહાપણ અને નિર્ણાયકતા આપીને આશીર્વાદિત કર્યા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૭:૧૦) પરિણામે, યુસફની અંતદૃષ્ટિ “ફારૂનને તથા તેના સર્વ દાસોને સારી લાગી.”—ઉત્પત્તિ ૪૧:૩૭.
એ જ રીતે આજે યહોવાહ દેવ, બાઇબલનો અભ્યાસ કરી રહેલા પોતાના લોકોને, એ અભ્યાસ દ્વારા અંતદૃષ્ટિ અને નિર્ણાયકતા આપે છે. (૨ તીમોથી ૩:૧૬, ૧૭) આ બાઇબલ આધારિત સલાહ અપનાવવાથી જે ડહાપણ અને નિર્ણાયકતા આવે છે, એનાથી સારાં ફળો પેદાં થાય છે. તેઓની સારી વર્તણૂકે અવલોકનારાઓ પર સારી છાપ પાડી છે, એ નીચેનો ઝીંબાબ્વેનો અનુભવ બતાવે છે.
• એક સ્ત્રીની પડોશમાં યહોવાહના સાક્ષીઓ રહેતા હતા. જો કે તે સ્ત્રીને આ સાક્ષીઓ પસંદ ન હતા, પરંતુ તેઓની વર્તણૂક અને ખાસ કરીને તેઓના કૌટુંબિક જીવનને તે વખાણતી હતી. તેણે જોયું કે તેની પડોશના સાક્ષી પતિ અને પત્નીને એકબીજા સાથે ખૂબ જ બનતું હતું અને તેઓનાં બાળકો પણ તેઓનું કહ્યું માનતા હતા. એમાંય તેણે ખાસ બાબત એ જોઈ કે પતિ તેની પત્નીને ખૂબ જ ચાહતો હતો.
આફ્રિકાના અમુક સમાજમાં એવી માન્યતા છે કે જો પતિ પોતાની પત્નીને ખૂબ જ ચાહતો હોય તો, એનો અર્થ એ થાય કે પત્નીએ તેને “વશ” કરવા ચોક્કસ જાદુમંત્ર કર્યો છે. એ કારણે તે સ્ત્રી સાક્ષી પત્ની પાસે ગઈ અને તેને પૂછ્યું: “શું તેં તારા પતિ પર જે જાદુ અજમાવ્યો છે એ મને આપીશ જેથી હું પણ મારા પતિ પર એ અજમાવું અને મારો પતિ પણ મને એવો જ પ્રેમ કરે?” સાક્ષી સ્ત્રીએ જવાબ આપ્યો: “હા, ચોક્કસ, કાલે બપોરે જ હું એ તારી પાસે લઈને આવીશ.”
બીજે દિવસે બહેન એ પડોશી સ્ત્રી પાસે પોતાનો “જાદુ” લઈને ગઈ. એ જાદુ શું હતો? એ બાઇબલ હતું અને સાથે જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તક પણ હતું. જ્ઞાન પુસ્તકમાંથી “દેવને આદર આપતા કુટુંબનું ઘડતર કરવું” વિષય પરની માહિતીની ચર્ચા કરીને, બહેને તે સ્ત્રીને કહ્યું: “આ જ “જાદુ” છે કે જે હું અને મારા પતિ એકબીજાને વશમાં રાખવા ઉપયોગ કરીએ છીએ અને એટલે જ અમે એકબીજાને ખૂબ ચાહીએ છીએ.” પછી તે સ્ત્રી સાથે બાઇબલ અભ્યાસ શરૂ થયો અને એટલે સુધી પ્રગતિ કરી કે તેણે સમર્પણ કરીને પાણીનું બાપ્તિસ્મા લીધું.
• બે ખાસ પાયોનિયરોને ઝીંબાબ્વે અને મોઝામ્બિકની ઉત્તરની સરહદ નજીકના એક નાના મંડળમાં સોંપણી આપવામાં આવી હતી. તેઓ બંને બે અઠવાડિયાથી ઘરઘરના પ્રચારમાં ગયા ન હતા. શા માટે? કારણ કે તેઓ જે કહેતા હતા એ સાંભળવા લોકો તેઓના ઘરે આવતા હતા. આ કઈ રીતે બન્યું એ વિષે એક પાયોનિયર જણાવે છે: “અમે એક રસ ધરાવનાર વ્યક્તિ સાથે બાઇબલ અભ્યાસ ચલાવવા ૧૫ કિલોમીટર મુસાફરી કરતા હતા. એ વિસ્તારમાં પહોંચવું એટલું સહેલું ન હતું. ત્યાં પહોંચવા અમારે કાદવમાં ચાલવું પડતું અને નદીઓ ઓળંગવી પડતી જેનું પાણી ગળા સુધી આવતું હતું. એ કારણે અમને નદી પાર કરતી વખતે અમારા કપડાં તથા બૂટ પલળે નહિ એ રીતે માથા પર મૂકીને ચાલવું પડતું અને પાર કર્યા પછી કપડાં બદલવા પડતા.
“રસ ધરાવનાર વ્યક્તિના પડોશીઓ અમારો ઉત્સાહ જોઈને ખૂબ જ પ્રભાવિત થઈ ગયા. તેઓમાં સ્થાનિક ધાર્મિક સંસ્થાના એક આગેવાને પણ એ જોયું. તેણે પોતાના અનુયાયીઓને કહ્યું: ‘શું તમે પણ આ યહોવાહના સાક્ષી બે પુરુષોની જેમ ઉત્સાહી બનવા નથી માંગતા?’ બીજા દિવસે, તેઓમાંના ઘણા અનુયાયીઓ એ જાણવા માટે અમારી પાસે આવ્યા કે શાને કારણે અમે સતત લાગુ રહીએ છીએ. વધુમાં, બે અઠવાડિયા કરતાં વધુ સમયથી, અમારા ઘરે એટલા બધા લોકો આવતા હતા કે અમારી પાસે પોતાના માટે ખાવાનું રાંધવાનો પણ સમય ન હતો!”
આ બે અઠવાડિયા દરમિયાન પાયોનિયરોના ઘરે મુલાકાત લેનાર લોકોમાં એ ધાર્મિક આગેવાન પણ હતો. તેણે બાઇબલ અભ્યાસ સ્વીકાર્યો ત્યારે પાયોનિયરો કેટલા ખુશ થયા હશે!