સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુ વિષેના લખાણો - સાચાં કે ખોટાં?

ઈસુ વિષેના લખાણો - સાચાં કે ખોટાં?

ઈસુ વિષેના લખાણો - સાચાં કે ખોટાં?

નાઝરેથના ઈસુએ સમગ્ર માનવ ઇતિહાસને એક નવું જ રૂપ આપ્યું, તેથી આખી દુનિયામાં તે જાણીતા છે. તે લોકોના શિક્ષણનો એક ભાગ બની ગયા છે. તેથી, ઘણા લોકો બાઇબલમાં આપેલા ઈસુ વિષેના અહેવાલને સનાતન સત્ય તરીકે માને છે. જેમ કે “તમારું બોલવું હાનું હા, ને નાનું ના હોય.” (માત્થી ૫:૩૭, ત્રાંસા અક્ષરો અમારા છે.) આ ઉપરાંત, તમારા માબાપ ખ્રિસ્તી હોય કે ન હોય, પરંતુ તેઓએ તેમને જે પાઠો શીખવ્યા છે એ વાસ્તવમાં ઈસુના શિક્ષણ પર જ આધારિત હોય શકે.

લાખો લોકો ઈસુ ખ્રિસ્તના શિષ્યો થયા છે. બાઇબલ તેમના વિષે તેઓને પૂરતી માહિતી આપે છે. તેથી, તેઓ દુઃખ સહન કરીને મરવા પણ તૈયાર છે. બાઇબલ લેખકોએ ઈસુ વિષેની માહિતી પૂરી પાડીને લોકોને હિંમત, ધીરજ, શ્રદ્ધા, અને આશા આપી છે. છતાં, કેટલાક લોકો દાવો કરે છે કે, ઈસુ વિષેના બાઇબલ લખાણો ખોટાં છે. તો શું તમને નથી લાગતું કે, એ સાબિત કરવા તેઓ પાસે ચોક્કસ પુરાવા હોવા જોઈએ? આપણે જોઈ શકીએ છીએ કે, બાઇબલમાં મળી આવતી ઈસુની સુવાર્તાથી લોકોના વાણી અને વર્તન પર ઊંડી અસર થઈ છે. તો પછી, કોઈ ઈસુના અહેવાલને જૂઠો સાબિત કરવા માગતું હોય તો, શું તમે તેઓ પાસેથી યોગ્ય કારણો નહિ માગો?

તેથી, અમે તમને એવું ઉત્તેજન આપીએ છીએ કે, બાઇબલમાં મળી આવતી ઈસુની સુવાર્તાને લગતા અમુક પ્રશ્નો પર તમે વિચાર કરો. તમે પોતે જુઓ કે અમુક બાઇબલના વિદ્યાર્થીઓ જેઓ ખ્રિસ્તી નથી, છતાં આ વાદવિવાદો વિષે શું કહે છે. પછી તમે પોતે એના પરથી નિર્ણય કરી શકશો કે, બાઇબલમાં મળી આવતી ઈસુની સુવાર્તાઓ સાચી છે કે ખોટી!

વિચારવા જેવા પ્રશ્નો

શું બાઇબલમાં મળી આવતી ઈસુની સુવાર્તા બનાવટી છે?

રોબર્ટ ફંકે ‘ઈસુને લગતા પ્રશ્નોની ચર્ચા કરવા’ માટે સંસ્થા શરૂ કરી છે. તેણે શંકા ઉઠાવી છે: “માત્થી, માર્ક, લુક અને યોહાને ઈસુના મરણ પછી જે બન્યું એ જ બાઇબલમાં લખ્યું કે પછી, ખ્રિસ્તી ધર્મની માન્યતા પ્રમાણે તેઓએ તેને ‘મસીહ તરીકે રજૂ’ કર્યા?” પરંતુ, ઈસુ વિષે હજી લખવામાં આવી રહ્યું હતું ત્યારે, નજરે જોએલા ઘણા સાક્ષીઓ જીવતા હતા. તેઓએ ઈસુના પ્રવચનો સાંભળ્યા હતા અને ચમત્કારો પણ જોયા હતા. વળી, ઈસુ સજીવન થયા પછી પણ તેઓએ તેમને જોયા હતા. તેથી, બાઇબલ લેખકો પર કોઈ જાતની છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો ન હતો.

ઈસુના મરણ અને પુનરુત્થાન અથવા સજીવન વિષે જરા વિચારો. માત્થી, માર્ક, લુક અને યોહાનના પુસ્તકોમાં ઈસુના મરણ અને પુનરુત્થાન વિષે ભરોસાપાત્ર અહેવાલો આપવામાં આવ્યા છે. તેમ જ પ્રેષિત પાઊલે પ્રાચીન કોરીંથીઓને લખેલા પોતાના પહેલા પત્રમાં પણ એનો ઉલ્લેખ કર્યો છે. પાઊલે લખ્યું: “જે મને પણ પ્રાપ્ત થયું તે મેં પ્રથમ તમને કહી સંભળાવ્યું, કે ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણાં પાપને સારૂ મરણ પામ્યો; અને ધર્મશાસ્ત્ર પ્રમાણે તેને દાટવામાં આવ્યો, અને ત્રીજે દહાડે તેનું ઉત્થાન થયું; અને કેફાસને તેનું દર્શન થયું, પછી બારેને થયું; ત્યાર પછી એકી વેળાએ પાંચસો કરતાં વધારે ભાઈઓને તેનું દર્શન થયું, જેઓમાંના ઘણા હજુ સુધી હયાત છે, પણ કેટલાએક ઊંઘી ગયા છે; ત્યાર પછી તેણે યાકૂબને દર્શન દીધું; પછી સર્વ પ્રેરિતોને દર્શન દીધું; અને જાણે હું અકાળે જન્મેલો હોઉં તેમ સર્વેથી છેલ્લે મને પણ તેનું દર્શન થયું.” (૧ કોરીંથી ૧૫:૩-૮) આવા ઈશ્વર ભક્તોએ ઈસુ વિષે જે બાઇબલમાં લખ્યું એ નજરે જોએલો અહેવાલ હતો.

આજે ટીકાકારોનું કહેવું છે કે ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો બનાવટી છે, પરંતુ એમાં એવું કંઈ જોવા મળ્યું નથી. જોકે, એવું તો ખરેખર બીજી સદી પછી થવા લાગ્યું. સાચા ખ્રિસ્તીઓથી અલગ થયેલા ધર્મત્યાગી લોકો ખ્રિસ્ત વિષે ખોટી વાર્તાઓ ફેલાવવા અને લખવા લાગ્યા હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮-૩૦.

શું ઈસુના પ્રવચનો દંતકથા છે?

લેખક સી. એસ. લુઈસ એમ માનવા તૈયાર નથી કે, બાઇબલમાં મળી આવતા ઈસુના પ્રવચનો દંતકથા છે. તે લખે છે: “સાહિત્યના ઇતિહાસકાર તરીકે મને પૂરેપૂરી ખાતરી છે કે, ઈસુના પ્રવચનો એ દંતકથાઓ નથી. . આ લખાણો દંતકથાઓની જેમ રોમાંચક નથી. . . . વળી, આપણે ઈસુના જીવનની મોટા ભાગની માહિતીથી અજાણ છીએ. તેથી, તેમના વિષે કોઈ દંતકથા લખે એમાં કંઈ તથ્ય નથી.” બીજા એક જાણીતા ઇતિહાસકાર એચ. જી. વેલ્સે જે કહ્યું એનો વિચાર કરો. પોતે ખ્રિસ્તી નથી છતાં, તેમણે કહ્યું: “માત્થી, માર્ક, લુક અને યોહાનના લેખકો આપણને ઈસુના સ્વભાવ વિષે એક ચોક્કસ ચિત્ર પૂરું પાડે છે. તેઓ પર શક કરવાનું કોઈ જ કારણ નથી.”

ઈસુને સજીવન કરવામાં આવ્યા પછી તેમના શિષ્યોને તે દેખાયા ત્યારે શું બન્યું એનો વિચાર કરો. જો એ દંતકથા હોત તો એના લેખકે ઈસુ મરણમાંથી સજીવન થયા એ બાબતને ભવ્ય રીતે રજૂ કરી હોત, એનું વર્ણન રોમાંચક હોત. જેમ કે, સજીવન થયા પછી ઈસુનું જોરદાર પ્રવચન સાંભળવા લાખો લોકો ભેગા થયા હતા. વળી, તે ખૂબ જ તેજસ્વી દેખાતા હતા. એને બદલે, એ લેખકો ઈસુને તેમના શિષ્યો આગળ એકદમ સાદી રીતે ઊભેલા વર્ણવે છે. ઈસુના શિષ્યો તેમને અડકી પણ શક્યા, પછી તેમણે તેઓને કહ્યું: “છોકરાઓ, તમારી પાસે કંઈ ખાવાનું છે?” (યોહાન ૨૧:૫) પંડિત ગ્રેગ ઈસ્ટરબ્રુકે છેવટે કહ્યું: “આવી માહિતી બતાવે છે કે, બાઇબલમાં ઈસુ વિષેના લખાણોમાં દંતકથાઓ નહિ પણ સત્ય હકીકતો છે.”

ઈસુની સુવાર્તા દંતકથા છે એવો આરોપ મૂકવામાં આવે છે. આ આરોપ ખોટો સાબિત થાય છે, કારણ કે એ સમયે ઈસુની સુવાર્તા હજી લખાઈ રહી હતી. રાબ્બીઓની મોઢે શીખવાની રીત ત્યારે ખૂબ જ લોકપ્રિય હતી. એ બતાવે છે કે ઈસુએ આપેલા પ્રવચનો અને તેમણે કરેલા ચમત્કારો સાચાં છે અને એને કાળજીપૂર્વક લખી લેવામાં આવ્યા છે. તેથી, એ પણ સાબિત થાય છે કે આ અહેવાલો બનાવટી નથી.

જો ઈસુની સુવાર્તા દંતકથા હોત તો, શું તેમના મરણ પછી એટલી જલદી લખી લેવામાં આવી હોત?

જે માહિતી છે એના પરથી એમ માનવામાં આવે છે કે, ઈસુની સુવાર્તા ૪૧થી ૯૮ની સાલમાં લખવામાં આવી હતી. ઈસુ તેત્રીસમી સાલમાં મૃત્યુ પામ્યા. આમ, ઈસુની સુવાર્તા તેમના મરણ પછીના થોડા જ સમયમાં લખવામાં આવી હતી. આનાથી એ સાબિત થાય છે કે, ઈસુની સુવાર્તામાં દંતકથા હોય જ ન શકે. કારણ કે, દંતકથા જાણીતી થવા માટે લાંબા સમયની જરૂર પડે છે. દાખલા તરીકે, પ્રાચીન ગ્રીક કવિ હોમરે લખેલા મહાકાવ્ય ઇલીયડ અને ઓડીસીને લો. અમુક લોકો માને છે કે એ બે મહાકાવ્યો જાણીતા થવા માટે લગભગ સેંકડો વર્ષો લાગ્યા હતા. તો પછી ઈસુના ઉપદેશ વિષે શું?

જાણીતા ઇતિહાસકાર વીલ ડ્યુરેન્ટે પોતાના પુસ્તક કાઈસાર અને ખ્રિસ્ત (અંગ્રેજી)માં લખ્યું: “જો થોડાક સામાન્ય માણસોએ ઈસુના અસરકારક વ્યક્તિત્વ વિષે, તેમના મુલાયમ અને ઉચ્ચ નૈતિક ધોરણોનું તથા માનવીય ભાઈચારાનું પ્રેરણાદાયક વિચારોમાં વર્ણન કર્યું હોય તો એ એક ચમત્કાર હશે. વળી, એમ હોય તો એ ઈસુની સુવાર્તામાંના કોઈપણ ચમત્કાર કરતાં મોટો ચમત્કાર હશે. બે સદીઓના ઊંડા અભ્યાસ પછી પણ આજે જોવા મળે છે કે ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ બદલાયું નથી. વળી એ પશ્ચિમના દેશોના ઇતિહાસમાં સૌથી લોકપ્રિય છે.”

શું પ્રથમ સદીના ખ્રિસ્તીઓએ ઈસુના પ્રવચનમાં પાછળથી ઉમેરો કર્યો હતો?

અમુક ટીકાકારો દલીલ કરે છે કે, પ્રથમ સદીના ખ્રિસ્તીઓએ પોતાની સગવડ માટે ઈસુની સુવાર્તાઓ મરીમસાલો ઉમેરીને લખી છે. છતાં, તેમના પ્રવચનોની ઝીણવટભરી તપાસ કર્યા પછી એવું કંઈ જોવા મળ્યું નથી. આવા કોઈ ફેરફારો થયા હોય તો શા માટે યહુદીઓ અને વિદેશીઓ બંને વિરૂદ્ધ લખાણો જોવા મળે છે?

દાખલા તરીકે માત્થી ૬:૫-૭માં ઈસુ આમ કહે છે: “જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે ઢોંગીઓના જેવા ન થાઓ; કેમકે માણસો તેઓને જુએ, માટે સભાસ્થાનોમાં તથા રસ્તાઓનાં નાકાંઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું તેમને પસંદ છે; હું તમને ખચીત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.” અહીં જોઈ શકાય છે કે, યહુદી ધાર્મિક ગુરુઓને દોષ દેવામાં આવ્યો હતો. ઈસુ કહેવાનું ચાલુ રાખે છે: “તમે પ્રાર્થના કરતાં વિદેશીઓની પેઠે અમથો લવારો ન કરો, કેમકે તેઓ ધારે છે કે અમારા ઘણા બોલવાથી અમારૂં સાંભળવામાં આવશે.” ઈસુ વિષે આમ લખવાથી શું તમને લાગે છે કે ખ્રિસ્તીઓ યહુદીઓનાં અને વિદેશીઓનાં મન જીતી શક્ત! બિલકુલ નહિ. પરંતુ, ઈસુએ જે કહ્યું એ જ તેઓએ લખ્યું હતું.

ઈસુની સુવાર્તામાં બે સ્ત્રીઓ વિષે કહેવામાં આવે છે, જેઓ ઈસુને જોવા તેમની કબર પાસે ગઈ હતી, ત્યારે કબર ખાલી હતી એનો વિચાર કરો. (માર્ક ૧૬:૧-૮) ગ્રેગ ઇસ્ટરબ્રુકના કહ્યા પ્રમાણે, “પ્રાચીન મધ્ય પૂર્વના સમાજમાં સ્ત્રીઓએ આપેલી સાક્ષી માનવામાં આવતી ન હતી. દાખલા તરીકે, જો કોઈ સ્ત્રીએ વ્યભિચાર કર્યો હોય અને બે પુરુષો સાક્ષી આપે તો એ માનવામાં આવી હોત. પરંતુ, જો કોઈ પુરુષે વ્યભિચાર કર્યો હોય અને બે સ્ત્રીઓ એના વિષે સાક્ષી આપે તો એ માનવામાં આવતી ન હતી.” જોકે, ઈસુના શિષ્યોએ પણ આ સ્ત્રીઓની વાત માની ન હતી! (લુક ૨૪:૧૧) આનાથી, એવું લાગતું નથી કે કોઈ આવી બનાવટી વાત કરે.

ધ્યાનમાં રાખવા જેવી બીજી એક બાબત ઈસુના પ્રવચનમાં આપેલા દૃષ્ટાંતો છે. પ્રેરિતોનાં કૃત્યોમાં એવાં કોઈ દૃષ્ટાંતો જોવા મળતાં નથી. તેથી, આ એક મજબૂત પુરાવો છે કે, દૃષ્ટાંતો પ્રથમ સદીના ખ્રિસ્તીઓએ ઉમેર્યા ન હતા પણ ઈસુએ કહ્યા હતા. જો તેમણે ઉમેર્યાં હોત તો ઈસુની સુવાર્તાઓમાં અને પાઊલ તથા બીજા લેખકોના પત્રોમાં સરખાપણું જોવા મળત. પરંતુ પાઊલના લખાણો અને ગ્રીક શાસ્ત્રવચનો ધ્યાનથી સરખાવવામાં આવ્યાં ત્યારે એવું કંઈ જોવા મળ્યું નહિ. એમાં જાણે ઈસુના જ શબ્દો હોય એમ, સુવાર્તાના લેખકોએ પોતાના વિચારો ચતુરાઈથી ઉમેર્યા ન હતા. તેથી, આપણે ખાતરીપૂર્વક કહી શકીએ કે ઈસુની સુવાર્તામાં કોઈ જાતનું મિશ્રણ થયું નથી અને તે ભરોસાપાત્ર છે.

ઈસુના પ્રવચનમાં મતભેદ જોવા મળે છે એના વિષે શું?

ઘણા વર્ષોથી ટીકાકારો દાવો કરતા આવ્યા છે કે, ઈસુની સુવાર્તામાં સુમેળ નથી. ઇતિહાસકાર ડયુરેન્ટ ઈસુની સુવાર્તાને એક ઐતિહાસિક દૃષ્ટિથી તપાસ્યા પછી કબૂલે છે કે અમુક મતભેદો જોવા મળે છે, તોપણ તે અંતમાં કહે છે: “મોટી મોટી બાબતોમાં એકતા ન હોય તો ખોટું કહેવાય. પરંતુ, નાની નાની બાબતોમાં તો મતભેદો હોવાનાં જ. તે સિવાય ઈસુની સુવાર્તામાં એકતા જોવા મળે છે, અને એ ઈસુના સ્વભાવ વિષે સુંદર ચિત્ર પૂરું પાડે છે.”

જોકે, ઈસુના પ્રવચનમાં અમુક મતભેદો જોવા મળે છે. પરંતુ, એ સહેલાઈથી થાળે પાડી શકાય એમ છે. દાખલા તરીકે, માત્થી ૮:૫ કહે છે: “જમાદારે તેની પાસે આવીને તેને વિનંતી કરી” કે તેના ચાકરને સાજો કરે. જ્યારે લુક ૭:૩ આમ કહે છે: “તેણે તેની પાસે યહુદીઓના વડીલોને મોકલીને તેને વિનંતી કરી, કે તું આવીને મારા ચાકરને બચાવ.” અહીં જમાદારે પોતાના પ્રતિનિધિ તરીકે વડીલોને મોકલ્યા હતા. પરંતુ, માત્થી કહે છે કે જમાદારે પોતે ઈસુને વિનંતી કરી, કારણ કે એક માણસે તેને એવું કહ્યું કે, વડીલો તારી માટે ઈસુને વિનંતી કરશે. વળી, આ તેણે પોતે કહ્યા બરાબર જ છે. આ તો ફક્ત એક જ ઉદાહરણ છે જે બતાવે છે કે ઈસુની સુવાર્તામાં મતભેદોને થાળે પાડી શકાય એમ છે.

ઉચ્ચ ટીકાકારો કહે છે કે, બાઇબલમાં મળી આવતી ઈસુની સુવાર્તા ઇતિહાસ પ્રમાણે નથી. તો એના વિષે શું? ડયુરેન્ટ કહેવાનું ચાલું રાખે છે: “ઉચ્ચ ટીકાકારોએ ઉત્સાહથી ગ્રીક શાસ્ત્રવચનો સાચા છે કે નહિ એ શોધવા અગ્‍નિપરીક્ષા કરી. જોકે, એવી જ પરીક્ષા હમ્મુરાબી, ડેવિડ કે સોક્રેટિસ જેવા લોકોની કરવામાં આવે તો તેઓનું નામ જ ઇતિહાસમાંથી ભૂંસી નાખવામાં આવે. આમ, પંડિતોએ બાઇબલના લેખકો વિરુદ્ધ ખોટી ધારણાઓ બાંધી લીધી હતી. છતાં, જો લેખકો સાચા ન હોત તો તેઓએ પ્રમાણિકપણે દરેક બાબતો નોંધી ન હોત. જેમ કે પ્રેષિતો વચ્ચેની તકરારો, દેવના રાજ્યમાં કોણ મુખ્ય બનશે, ઈસુની ધરપકડ પછી શિષ્યો ભાગી ગયા અને પીતર ઈસુનો નકાર કરશે. તેથી, આ બનાવો વિષે વાંચ્યા પછી કોઈ એમ ન કહી શકે કે આ દંતકથા છે.”

શું આજે કહેવાતા ખ્રિસ્તીઓ ઈસુની સુવાર્તા પ્રમાણે જીવે છે?

‘ઈસુને લગતા પ્રશ્નોની ચર્ચા’ કરવા ભેગા થએલા પંડિતો કહે છે કે, તેઓએ જે સંશોધન કર્યું એને “ચર્ચ સાથે કોઈ સંબંધ નથી.” પરંતુ ઇતિહાસકાર વેલ્સ જોઈ શક્યા કે, બાઇબલમાં આપેલા ઈસુના શિક્ષણ અને ખ્રિસ્તીરાષ્ટ્રના શિક્ષણ વચ્ચે આભ-જમીનનો ફરક છે. તેમણે લખ્યું: “એવો કોઈ પુરાવો નથી કે ઈસુએ પોતાના શિષ્યોને ક્યારેય પણ ત્રૈક્ય વિષે શીખવ્યું હોય. . . . તેમ જ ઈસુએ ક્યારેય એવું કહ્યું ન હતું કે સ્વર્ગની રાણી તરીકે મરિયમની પૂજા કરવી જોઈએ. તેમણે એવી કોઈ બાબતો શીખવી ન હતી જે આજે ખ્રિસ્તીરાષ્ટ્રમાં જોવા મળે છે.” તેથી, આજે ખ્રિસ્તીરાષ્ટ્રના શિક્ષણ પરથી કોઈપણ કહી ન શકે કે બાઇબલમાં મળી આવતી ઈસુની સુવાર્તાનું કંઈ મૂલ્ય નથી.

તમને શું લાગે છે?

ઉપર ચર્ચવામાં આવેલા મુદ્દાઓને ધ્યાનમાં લીધા પછી તમને શું લાગે છે? ઈસુની સુવાર્તા એ દંતકથા છે એમ માનવા માટે શું કોઈ પુરાવો છે? ઘણા લોકોને જોવા મળ્યું છે કે ઈસુની સુવાર્તા પર મૂકવામાં આવેલા આરોપમાં કોઈ દમ નથી. તમે પોતે નિર્ણય લો એ પહેલાં, કોઈ પણ મતભેદ વગર બાઇબલમાં મળી આવતી ઈસુની સુવાર્તા વાંચો. (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧૧) ઈસુની સુવાર્તાઓ વાંચશો તેમ તમને ખબર પડશે કે ઈસુનો સ્વભાવ અને વ્યક્તિત્વ કેવું છે. વળી, તમને એ પણ જોવા મળશે કે એ સાચો તેમ જ ચોક્સાઈભર્યો અહેવાલ છે, નહિ કે દંતકથા. *

જો તમે ધ્યાનથી બાઇબલનો અભ્યાસ કરશો અને એની સલાહ લાગુ પાડશો તો તમારા જીવનમાં તમે સાચું સુખ અનુભવશો. (યોહાન ૬:૬૮) ખાસ કરીને ઈસુના પ્રવચનો બાઇબલમાં નોંધવામાં આવ્યા છે જે ખરેખર મદદ કરી શકે છે. આટલું જ નહિ, પરંતુ તમે એ પણ શીખી શકશો કે કઈ રીતે ન્યાયી લોકો માટે સુંદર ભાવિ રહેલું છે.—યોહાન ૩:૧૬; ૧૭:૩, ૧૭.

[ફુટનોટ]

^ આ માટે બાઇબલ પરમેશ્વરનો શબ્દ કે માણસનો? (અંગ્રેજી) પુસ્તકનાં પ્રકરણ ૫-૭ અને સર્વ લોકો માટેનું પુસ્તક જુઓ. બંને વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યાં છે.

[પાન ૭ પર બોક્સ]

અહેવાલનો પુરાવો

થોડાંક વર્ષો અગાઉ ઑસ્ટ્રેલિયાના એક લેખક બાઇબલના ટીકાકાર હતા, એ કબૂલે છે: “મારા જીવનમાં પ્રથમવાર મેં પત્રકાર તરીકેની મારી ફરજ બજાવી: પ્રથમ મેં બધી હકીકતો તપાસી. . . . અને હું ઘણો નારાજ થયો, કારણ કે [ઈસુની સુવાર્તા] હું જેમ વાંચતો ગયો તેમ જોઈ શક્યો કે એ કંઈ દંતકથાઓ કે ફક્ત સારી વાર્તાઓ ન હતી. એ સાચા અહેવાલો હતા. વળી, એ નજરે જોયેલા અજોડ બનાવો હતા. . . કારણ કે એ અહેવાલો એકદમ અલગ તરી આવે છે.”

એ જ રીતે, ઑકલેન્ડ યુનિવર્સિટીના પ્રાચીન ગ્રીક અને રોમના લખાણોના પ્રાધ્યાપક, ઈ. એમ. બ્લીક્લોકે દલીલ કરી: “હું ઇતિહાસકાર છું. હું ગ્રીક અને રોમન લખાણોને ઐતિહાસિક ગણું છું. હું તમને સાચે જ કહું છું કે, બીજા કોઈ ઐતિહાસિક પુરાવાઓ કરતા ઈસુ ખ્રિસ્તના જીવન, મૃત્યુ અને સજીવન વિષેના પુરાવાઓ વધારે ભરોસાપાત્ર છે.”

[નકશા/પાન ૮, ૯ પર ચિત્રો]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

ફોનિસિયા

ગાલીલ

યરદન નદી

યહુદાહ

[ચિત્ર]

“બીજા કોઈ ઐતિહાસિક પુરાવાઓ કરતા ઈસુ ખ્રિસ્તના જીવન, મૃત્યુ અને સજીવન વિષેના પુરાવાઓ વધારે ભરોસાપાત્ર છે.”પ્રોફેસર ઈ. એમ. બ્લેઈકલોક

[ક્રેડીટ લાઈન]

Background maps: Based on a map copyrighted by Pictorial Archive (Near Eastern History) Est. and Survey of Israel.