સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘તમારા હૃદયની સંભાળ રાખો’

‘તમારા હૃદયની સંભાળ રાખો’

‘તમારા હૃદયની સંભાળ રાખો’

યહોવાહ દેવે પોતાના સેવક શમૂએલને કહ્યું: “માણસ જેમ જુએ છે તેમ યહોવાહ જોતો નથી; કેમકે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવાહ હૃદય તરફ જુએ છે.” (૧ શમૂએલ ૧૬:૭) ગીતકર્તા દાઊદ પણ હૃદય વિષે જણાવે છે: “તેં [યહોવાહે] મારી પરીક્ષા કરી છે, અને મારામાં તને કંઈ દોષ માલૂમ પડ્યો નહિ; મારે મોઢે હું અપરાધ કરીશ નહિ.”—ગીતશાસ્ત્ર ૧૭:૩.

ખરેખર, યહોવાહ આપણા હૃદયને જાણે છે. (નીતિવચન ૧૭:૩) તેથી જ ઈસ્રાએલના રાજા સુલેમાન સલાહ આપે છે: “પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ; કેમકે તેમાંથી જ જીવનનો ઉદ્‍ભવ છે.” (નીતિવચન ૪:૨૩) આપણે કઈ રીતે હૃદયની સંભાળ રાખી શકીએ? એનો જવાબ નીતિવચનનો ચોથો અધ્યાય આપે છે.

શિખામણ સાંભળો

નીતિવચનના ચોથા અધ્યાયની શરૂઆતમાં કહેવામાં આવ્યું છે: “દીકરાઓ, બાપની શિખામણ સાંભળો, અને બુદ્ધિ મેળવવાને ધ્યાન દો; કેમકે હું તમને ઉત્તમ બોધ આપું છું; મારા શિક્ષણનો ત્યાગ ન કરો.” (આ લેખમાં શાસ્ત્રવચનોનાં અક્ષરો અમે ત્રાંસા અક્ષરો કર્યા છે.)—નીતિવચન ૪:૧, ૨.

યુવાનોને માબાપના અને ખાસ કરીને પિતાના શિક્ષણને ધ્યાન આપવાની સલાહ આપવામાં આવી છે. કારણ કે બાઇબલમાં તેમને કુટુંબની આધ્યાત્મિક અને ભૌતિક જરૂરિયાતો પૂરી પાડવાની જવાબદારી સોંપવામાં આવી છે. (પુનર્નિયમ ૬:૬, ૭; ૧ તીમોથી ૫:૮) શું આવા શિક્ષણ વગર યુવાનો સમજણા બની શકે? બાળકો પિતાની શિખામણને આદરથી સ્વીકારે એ કેટલું જરૂરી છે!

તેમ છતાં, કોઈ યુવાનના પિતા ન હોય તો શું? દાખલા તરીકે, ૧૧ વર્ષના જેસનનો * વિચાર કરો. તે ચાર વર્ષનો હતો ત્યારે જ તેના પિતા મરી ગયા. એક ખ્રિસ્તી વડીલે તેને પૂછ્યું કે તને જીવનમાં સૌથી વધારે કઈ બાબતનું દુઃખ થાય છે. જેસને તરત જ જવાબ આપ્યો: “મને મારા પિતાની ખોટ સાલે છે. એ કારણે ઘણી વાર હું ઉદાસ થઈ જઉં છું.” તોપછી, આવા યુવાનો ઉત્તેજન આપનારી સલાહ ક્યાંથી મેળવી શકે? જેસન અને તેના જેવા બીજા ઘણા યુવાનો ખ્રિસ્તી મંડળમાં અનુભવી વ્યક્તિઓ અને વડીલો પાસેથી સલાહ મેળવી શકે છે.—યાકૂબ ૧:૨૭.

સુલેમાન રાજા કહેવાનું ચાલુ રાખે છે: “હું મારા બાપનો માનીતો દીકરો હતો, મારી માની દૃષ્ટિમાં હું સુકુમાર તથા એકનોએક હતો.” (નીતિવચન ૪:૩) આમ તે પોતાના બાળપણની મધુર યાદો તાજી કરે છે. ‘માનીતા દીકરા’ હોવાને કારણે તેમણે પિતાની સલાહને પાળી. તેથી યુવાન સુલેમાન અને તેમના પિતા દાઊદ વચ્ચે ગાઢ સંબંધ હતો. વધુમાં, સુલેમાન રાજા ‘એકનાએક’ પુત્ર હોવાથી ખૂબ જ વહાલા હતા. આમ, બાળકોના ઉછેર માટે ઘરનું વાતાવરણ ઉષ્માભર્યું હોવું કેટલું જરૂરી છે! અને માબાપ સાથે ખુલ્લા દિલથી વાતચીત કરવા માટે એ ખૂબ જ મહત્ત્વનું છે.

ડહાપણ અને સમજણ મેળવો

સુલેમાન તેમના પિતાની પ્રેમાળ સલાહને યાદ કરે છે: “તેણે મને શિક્ષણ દેતાં કહ્યું, કે તારા અંતઃકરણમાં મારા શબ્દો સંઘરી રાખ; મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે: જ્ઞાન [ડહાપણ] મેળવ, બુદ્ધિ સંપાદન કર; ભૂલીશ મા, અને મારા મુખના શબ્દ ભૂલીને આડે માર્ગે વળીશ મા; તેને તું ન તજ, એટલે તે તારૂં રક્ષણ કરશે; તેના પર પ્રીતિ કર, ને તે તને સંભાળશે. જ્ઞાન [ડહાપણ] એજ મુખ્ય વસ્તુ છે; તેથી તે પ્રાપ્ત કર; તારી સઘળી કમાણી ઉપરાંત બુદ્ધિ પ્રાપ્ત કર.”નીતિવચન ૪:૪-૭.

શા માટે ડહાપણ “મુખ્ય વસ્તુ” છે? ડહાપણનો અર્થ સારું પરિણામ આવે એમ જ્ઞાન અને સમજણનો ઉપયોગ કરવો થાય છે. જ્ઞાનનો અર્થ, કોઈ વિષયની જાણકારી મેળવવી થાય છે. એ જાણકારી આપણે પુસ્તકો વાંચીને અથવા પોતાના અનુભવથી મેળવી શકીએ છીએ. પરંતુ આપણે જ્ઞાનનો યોગ્ય ઉપયોગ ન કરીએ તો એનું કંઈ મહત્ત્વ રહેશે નહિ. આથી, આપણે બાઇબલ અને “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” વર્ગે પૂરા પાડેલા બાઇબલ આધારિત પ્રકાશનોને નિયમિતપણે વાંચીએ એટલું જ પૂરતું નથી. પરંતુ આપણે જે શીખીએ છીએ એને લાગુ પાડવું જ જોઈએ.—માત્થી ૨૪:૪૫.

સમજણ મેળવવી પણ જરૂરી છે. એના વગર આપણે કઈ રીતે જાણી શકીએ કે હકીકત શું છે અને કઈ રીતે બાબતો એકબીજા સાથે સંકળાયેલી છે? આપણામાં સમજણની ખામી હશે તો, આપણે કોઈ પણ વિષય પર યોગ્ય જવાબ આપી શકીશું નહિ. અને એ વિષયને આપણે સમજી પણ નહિ શકીએ. હા, હકીકતને સમજવા અને ખરો નિર્ણય લેવા માટે આપણને સમજણની જરૂર છે.—દાનીયેલ ૯:૨૨, ૨૩.

પિતાએ આપેલી સલાહ વિષે સુલેમાન આગળ કહે છે: “તું જ્ઞાનનું [ડહાપણ] બહુમાન કરશે તો તે તને ગૌરવ અપાવશે. તું તેને દૃઢતાથી વળગી રહે તો તે તને મોટું માન અપાવશે. તે તારે માથે સુંદર મુગટ પહેરાવશે.” (નીતિવચન ૪:૮, ૯, IBSI) આમ, દેવનું ડહાપણ સ્વીકારનારનું એ રક્ષણ કરે છે. વધુમાં, એનાથી તેમને માન અને મહિમા પણ મળે છે. તેથી ચાલો આપણે ડહાપણ મેળવીએ.

“શિખામણને મજબૂત પકડી રાખ”

પોતાના પિતાની સલાહનું પુનરાવર્તન કરતા સુલેમાન કહે છે: “હે મારા દીકરા, મારી વાતો સાંભળીને સ્વીકાર; એટલે તારા આવરદાનાં વર્ષો ઘણાં થશે. મેં તને જ્ઞાનના માર્ગમાં કેળવ્યો છે; મેં તને પ્રામાણિકપણાને રસ્તે દોર્યો છે. તું ચાલશે ત્યારે તારાં પગલાં સંકોચ પામશે નહિ; અને તું દોડશે ત્યારે તને ઠોકર વાગશે નહિ. શિખામણને મજબૂત પકડી રાખ; તેને છોડતો નહિ; તેને સંઘરી રાખ; કેમકે તે તારૂં જીવન છે.”નીતિવચન ૪:૧૦-૧૩.

સુલેમાન માનીતા પુત્ર હોવાથી પિતાની આજ્ઞાઓ પાળતા હતા. તે જાણતા હતા કે પ્રેમાળ શિખામણ કેટલી જરૂરી છે. તો પછી, યોગ્ય શિખામણ વિના આપણે કઈ રીતે આત્મિકતા વધારી શકીએ? આપણે આપણી ભૂલોમાંથી નહિ શીખીએ તો આપણી આત્મિકતામાં પ્રગતિ કરી શકીશું નહિ. યોગ્ય શિખામણ આપણને દૈવી માર્ગદર્શન તરફ દોરી જાય છે. અને એનાથી આપણને “ઠોકર લાગશે નહિ.”

બીજા પ્રકારની શિખામણ સાંભળવાથી પણ આપણા “આવરદાનાં વર્ષો ઘણાં થશે.” કઈ રીતે? ઈસુ ખ્રિસ્તે કહ્યું: “જે બહુ થોડામાં વિશ્વાસુ છે તે ઘણામાં પણ વિશ્વાસુ છે; અને જે બહુ થોડામાં અન્યાયી છે તે ઘણામાં પણ અન્યાયી છે.” (લુક ૧૬:૧૦) આપણે નાની નાની બાબતોમાં શિખામણ સાંભળીશું તો, મોટી બાબતોમાં પણ એ સાંભળવું સહેલું થશે કે જેના પર આપણું આખું જીવન આધારિત છે. દાખલા તરીકે, આપણે આંખોને કાબૂમાં રાખીને ‘સ્ત્રી ઉપર ખોટી નજર’ નહિ કરીએ તો, વ્યભિચારના ફાંદાથી બચી જઈશું. (માત્થી ૫:૨૮) દેખીતી રીતે જ આ સિદ્ધાંત પુરુષ અને સ્ત્રી બંનેને લાગુ પડે છે. આપણે “દરેક વિચારને વશ”માં રાખીને ખરાબ કાર્યોથી દૂર રહી શકીએ છીએ.—૨ કોરીંથી ૧૦:૫.

સ્વાભાવિક રીતે શિખામણ સાંભળવી મુશ્કેલ છે. અને એ કદાચ અઘરી પણ લાગી શકે. (હેબ્રી ૧૨:૧૧) તોપણ, સુલેમાન રાજા ખાતરી આપે છે કે આપણે શિખામણ સ્વીકારીશું તો, જીવનમાં પ્રગતિ કરીશું. દાખલા તરીકે, એક દોડવીર યોગ્ય તાલીમ મેળવીને પડ્યા વગર ઝડપથી દોડી શકે છે. એ જ રીતે આપણે શિસ્ત સ્વીકારીશું તો જીવનના માર્ગ પર ઠોકર ખાધા વિના દોડી શકીશું. તેથી, આપણે કાળજીપૂર્વક માર્ગની પસંદગી કરવી જોઈએ.

“દુષ્ટના માર્ગ”થી દૂર રહે

સુલેમાન રાજા તાકીદની ચેતવણી આપે છે: “દુષ્ટના માર્ગમાં પ્રવેશ ન કર; અને ભૂંડા માણસોના રસ્તામાં ન ચાલ. તેનાથી દૂર રહે, તેની પડખે ન જા; તેનાથી પાછો ફરી જઈને ચાલ્યો જા. કેમકે તેઓ નુકસાન કર્યા વગર ઊંઘતા નથી; અને કોઇને ફસાવ્યા વગર તેમની ઊંઘ ઊડી જાય છે. કેમકે તેઓ દુષ્ટતાને અન્‍ન તરીકે ખાય છે, અને જોરજુલમને દ્રાક્ષારસની પેઠે પીએ છે.”નીતિવચન ૪:૧૪-૧૭.

સુલેમાન રાજા ઇચ્છે છે કે આપણે દુષ્ટ વ્યક્તિઓના માર્ગથી દૂર રહીએ. તેઓ માટે દુષ્ટ કૃત્યો કરવા રોજીંદુ બની ગયું છે. હિંસા ન કરે ત્યાં સુધી તેઓને ઊંઘ આવતી નથી. તેઓનું આખું વ્યક્તિત્વ જ ખરાબ છે! આપણે હિંસક ટીવી કાર્યક્રમો અને ફિલ્મો જોતા હોઈએ તો આપણે કેવી રીતે નમ્ર બની શકીએ? આવા લોકોની મિત્રતા કરીને શું આપણે આપણા હૃદયની સંભાળ રાખી શકીએ?

પ્રકાશમાં રહો

સુલેમાન જાહેર કરે છે: “સદાચારીનો માર્ગ પ્રભાતના પ્રકાશ જેવો છે, જે મધ્યાહ્‍ન થતાં સુધી વધતો તે વધતો જાય છે.” (નીતિવચન ૪:૧૮) બાઇબલનો અભ્યાસ કરી એને લાગુ પાડવું એ વહેલી સવારે મુસાફરીએ જવા જેવું છે. કેમ કે વહેલી સવારે અંધારું હોય છે ત્યારે આપણે આસપાસની વસ્તુઓ જોઈ શકતા નથી. પરંતુ ધીમે ધીમે અજવાળું થાય છે તેમ આપણે આસપાસની વસ્તુઓને ઝાંખી ઝાંખી જોઈ શકીએ છીએ. અને સૂર્ય ઊગતા તેના પ્રકાશમાં આપણે બધુ જ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. એવી જ રીતે, આપણે બાઇબલનો ખંતથી અભ્યાસ કરવામાં મચ્યા રહીશું તો સત્ય વધારે સ્પષ્ટ રીતે સમજી શકીશું. એ માટે આપણે આપણા હૃદયને આત્મિક બાબતોથી ભરવું જોઈએ. એમ કરીને આપણે આપણા હૃદયનું રક્ષણ કરી શકીશું.

હવે આપણને બાઇબલ ભવિષ્યવાણીઓની ધીરે ધીરે સમજણ પડે છે. ભવિષ્યવાણીઓ જગતના બનાવોમાં પરિપૂર્ણ થવા લાગે છે તેમ યહોવાહનો પવિત્ર આત્મા એ સમજવામાં આપણને મદદ કરે છે. તેથી, આપણે ભવિષ્યવાણી ક્યારે પૂરી થશે એ જોવા અધીરા બનીને દિવસો ગણવાની જરૂર નથી. પરંતુ એને સમજવા ‘પ્રકાશ વધતોને વધતો જાય’ ત્યાં સુધી રાહ જોવાની જરૂર છે.

પરંતુ પ્રકાશમાં ચાલવાનો નકાર કરીને દેવના માર્ગદર્શનને તુચ્છ ગણતા લોકો વિષે શું? સુલેમાન કહે છે, “દુષ્ટોનો માર્ગ અંધકારરૂપ છે; તેઓ શાથી ઠેસ ખાય છે, તે તેઓ જાણતા નથી.” (નીતિવચન ૪:૧૯) દુષ્ટો અંધકારમાં ઠોકર ખાઈને પડી જનારા જેવા છે. દુષ્ટ માણસ પોતાના અન્યાયીપણાથી સફળતા મેળવે છે, પરંતુ એ ફક્ત થોડા સમય માટે જ હોય છે. આવા લોકો વિષે ગીતકર્તા જણાવે છે: “નિશ્ચે તમે તેઓને લપસણી જગ્યાએ મૂકો છો, અને તમે [યહોવાહ] તેઓને નાશમાં ફેંકી દો છો.”—ગીતશાસ્ત્ર ૭૩:૧૮, IBSI.

જાગૃત રહો

સુલેમાન કહેવાનું ચાલુ રાખે છે: “મારા દીકરા, મારા શબ્દો પર લક્ષ આપ; મારી વાતો પર કાન ધર. તેઓને તારી આંખ આગળથી દૂર થવા ન દે; તેઓને તારા હૃદયમાં રાખ. તે જેઓને મળે છે, તેઓને તે જીવનરૂપ છે, અને તેમના આખા શરીરને આરોગ્યરૂપ છે, પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ; કેમકે તેમાંથી જ જીવનનો ઉદ્‍ભવ છે.”નીતિવચન ૪:૨૦-૨૩.

સુલેમાનનું પોતાનું ઉદાહરણ બતાવે છે કે હૃદયની સંભાળ રાખવાની સલાહ કેટલી મહત્ત્વની છે. તે યુવાનીમાં પોતાના પિતાના “માનીતા દીકરા” હતા, અને વૃદ્ધ થતાં સુધી તે યહોવાહને વિશ્વાસુ રહ્યાં. તોપણ, બાઇબલ જણાવે છે: “સુલેમાનની વૃદ્ધાવસ્થામાં એમ થયું કે તેની [વિધર્મી] સ્ત્રીઓએ તેનું હૃદય અન્ય દેવો તરફ ફેરવી નાખ્યું; અને તેનું હૃદય તેના બાપ દાઊદના હૃદયની પેઠે તેના દેવ યહોવાહ પ્રત્યે સંપૂર્ણ ન હતું.” (૧ રાજા ૧૧:૪) પોતાના હૃદયની હંમેશા સંભાળ ન રાખવાથી કોઈ પણ વ્યક્તિ લલચાઈ શકે છે. (યિર્મેયાહ ૧૭:૯) એથી આપણે બાઇબલમાંથી મળતી સલાહને હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. એમાં નીતિવચનના ચોથા અધ્યાયમાં આપવામાં આવેલી સલાહોનો પણ સમાવેશ થાય છે.

તમારા હૃદયની તપાસ કરો

શું આપણે હૃદયની સંભાળ રાખીએ છીએ? આપણે પોતાને કઈ રીતે ઓળખી શકીએ? ઈસુ ખ્રિસ્તે કહ્યું, “માણસના હૃદયની વાત તેની વાણી દ્વારા પ્રગટ થાય છે.” (માત્થી ૧૨:૩૪, IBSI) તેમણે એમ પણ કહ્યું: “ભૂંડી કલ્પનાઓ, હત્યાઓ, વ્યભિચારો, જારકર્મો, ચોરીઓ, જૂઠી સાક્ષીઓ, તથા નિંદાઓ હૃદયમાંથી નીકળે છે.” (માત્થી ૧૫:૧૯, ૨૦) આમ, આપણી વાતચીત અને કાર્યો બતાવે છે કે આપણે કેવા પ્રકારની વ્યક્તિ છીએ.

સુલેમાને આપણને ચેતવણી આપી: “આડું મોઢું તારી પાસેથી દૂર કર, અને હઠીલા હોઠ તારાથી વેગળા રાખ. તારી આંખો સામી નજરે જુએ, અને તારાં પોપચાં તારી આગળ સીધી નજર નાખે. તારા પગનો માર્ગ સપાટ કર, અને તારા સર્વ રસ્તા નિયમસર થાય. જમણે કે ડાબે હાથે મરડાઈને જતો નહિ; દુષ્ટતાથી તારો પગ દૂર કર.”નીતિવચન ૪:૨૪-૨૭.

આપણે સુલેમાનની આ સલાહને ધ્યાન આપીને આપણી વાણી અને કાર્યો તપાસવાં જોઈએ. દેવને ખુશ કરવા અને આપણા હૃદયની સંભાળ રાખવા ઇચ્છતા હોઈએ તો, ખરાબ વાણી અને વર્તન ટાળવા જ જોઈએ. (નીતિવચન ૩:૩૨) એ માટે, આપણે વર્તન અને વાણી સારી રાખવા હંમેશા પ્રાર્થના કરવી જોઈએ. તોપછી, ચાલો આપણે આપણી નબળાઈઓને દૂર કરવા માટે યહોવાહ દેવ પાસે મદદ માંગીએ.—ગીતશાસ્ત્ર ૧૩૯:૨૩, ૨૪.

ચાલો ‘આપણી આંખો સામી નજરે રાખીએ,’ પૂરા હૃદયથી યહોવાહ દેવની સેવા કરવાનો ધ્યેય બેસાડીએ. (કોલોસી ૩:૨૩) આપણે શિખામણને ધ્યાન આપીશું અને ‘આપણા હૃદયની સંભાળ’ રાખીશું તો, યહોવાહ દેવ આપણને સર્વ માર્ગમાં સફળતા અને આશીર્વાદ આપશે.

[ફુટનોટ]

^ નામ બદલવામાં આવ્યું છે.

[પાન ૨૨ પર બ્લર્બ]

શું તમે હિંસક કાર્યક્રમો જોવાનું ટાળો છો?

[પાન ૨૧ પર ચિત્ર]

અનુભવી વ્યક્તિઓની શિખામણમાંથી લાભ ઉઠાવો

[પાન ૨૩ પર ચિત્ર]

શિસ્ત પાળવાથી તમારી પ્રગતિ થશે

[પાન ૨૪ પર ચિત્ર]

બાઇબલનો અભ્યાસ કરવામાં મંડ્યા રહો