સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દેવના મંદિરમાં લીલાં જેતુન વૃક્ષ

દેવના મંદિરમાં લીલાં જેતુન વૃક્ષ

દેવના મંદિરમાં લીલાં જેતુન વૃક્ષ

ઈસ્રાએલ રાષ્ટ્રમાં એક વૃક્ષ ઊગતું હતું જે અવિનાશી હતું. એને કાપી નાખવામાં આવતું ત્યારે પણ, એના બાકી રહેલા મૂળથી નવા ફણગા ફૂટી નીકળતા. અને એના ફળમાંથી અઢળક પ્રમાણમાં તેલ પ્રાપ્ત થતું હતું જેનો રાંધવામાં, પ્રકાશ માટે, સ્વાસ્થ્ય અને સૌંદર્ય પ્રસાધનો માટે ઉપયોગ કરી શકાતો.

બાઇબલ પુસ્તક ન્યાયાધીશોમાં નોંધવામાં આવેલા એક દૃષ્ટાંત અનુસાર, “એક સમયે વૃક્ષો અભિષેકક્રિયા વડે પોતા ઉપર એક રાજા નીમવાને ગયાં.” શું તમને ખબર છે કે વનમાંના કયા વૃક્ષની પ્રથમ પસંદગી કરવામાં આવી હતી? હા, એ વિશાળ જેતુન વૃક્ષની પસંદગી કરવામાં આવી હતી.—ન્યાયાધીશ ૯:૮.

કંઈક ૩,૫૦૦ કરતાં વધુ વર્ષો અગાઉ, પ્રબોધક મુસાએ ઈસ્રાએલનું ‘ઉત્તમ દેશ, જૈતતેલનો દેશ’ તરીકે વર્ણન કર્યું. (પુનર્નિયમ ૮:૭, ૮) આજે પણ, જેતુન વૃક્ષ ઉત્તરના હેર્મોન પર્વતના કિનારાઓથી દક્ષિણના બેરશેબાના સીમાડા સુધી હારબંધ નજરે પડે છે. એ આજે શેરોનના દરિયાકાંઠે, સમરૂનની ખડકાળ ટેકરીઓમાં અને ગાલિલની ફળદ્રુપ ખીણોમાં પણ જોવા મળે છે.

બાઇબલ લેખકોએ જેતુન વૃક્ષનો ઘણી વાર રૂપકાત્મક અર્થમાં ઉપયોગ કર્યો છે. આ વૃક્ષનાં વિશિષ્ટ લક્ષણોને દેવની દયા, પુનરુત્થાનનું વચન અને સુખી કૌટુંબિક જીવન માટે પણ ચિતરવામાં આવ્યા છે. જેતુનને ધ્યાનથી તપાસવાથી એને લગતા શાસ્ત્રવચનો સમજવામાં આપણને મદદ મળશે અને એ અજોડ વૃક્ષ માટે આપણી કદર ઊંડી કરશે. એ વૃક્ષ પણ સર્વ સૃષ્ટ વસ્તુઓ સાથે પોતાના ઉત્પન્‍નકર્તાની સ્તુતિમાં જોડાય છે.—ગીતશાસ્ત્ર ૧૪૮:૭,.

બરછટ જેતુન વૃક્ષ

જેતુન વૃક્ષ જોતાની સાથે જ કંઈ આકર્ષક લાગતું નથી. એ લબાનોનના દેવદારની જેમ આકાશ સુધી સીધું પણ નથી પહોંચતું. એનું લાકડું બારેમાસ લીલા રહેતા ઝાડની જેમ મોંઘુ નથી અને એના ફૂલો બદામના ઝાડની જેમ આનંદ આપતા નથી. (ગીતોનું ગીત ૧:૧૭; આમોસ ૨:૯) જેતુન વૃક્ષનો સૌથી મહત્ત્વનો ભાગ જમીનમાં હોવાથી એને આપણે જોઈ શકતા નથી. એના વિસ્તૃત મૂળ સપાટીથી છ મીટર ઊંડે, એકદમ સીધી રીતે વધે છે જે ઝાડના વિકાસ અને અસ્તિત્વ માટે ઉપયોગી છે.

વરસાદ ન હોય ત્યારે પણ પોતાના મૂળને કારણે જેતુન વૃક્ષ, પથરીલી ટેકરીઓ પર જીવંત રહે છે જ્યારે કે ખીણમાંના અન્ય ઝાડ પાણી વગર સુકાઈ જાય છે. મૂળને કારણે જેતુન સદીઓ સુધી ફળ આપવાનું ચાલુ જ રાખે છે. એના ગાંઠોવાળા થડીયા આપણને કદાચ બાળવા માટેના લાકડા જેવા લાગી શકે. આ બરછટ ઝાડને વધવા માટે ફક્ત મોટી જગ્યા અને માટીની જરૂર પડે છે. એનાથી વૃક્ષને હવાઉજાસ મળે છે, એની આજુબાજુ ઘાસચારો કે અન્ય વનસ્પતિ નહિ હોવાથી જંતુઓથી રાહત મળે છે. વૃક્ષનો આ રીતે વિકાસ થયો હોય તો, એક વૃક્ષ વર્ષમાં ૫૭ લીટર તેલ આપી શકે.

નિઃશંક એના કીમતી તેલ માટે ઈસ્રાએલીઓને જેતુન ઘણું ગમતું હતું. જૈતતેલથી સળગતી વાટવાળા દીવા તેઓના ઘરને પ્રકાશિત કરતા હતા. (લેવીય ૨૪:૨) જૈતતેલ રાંધવામાં કામ લાગે છે. એ સૂર્ય પ્રકાશથી ચામડીને રક્ષણ આપે છે અને એ ઈસ્રાએલીઓને કપડાં ધોવા માટે સાબુ તરીકે કામ લાગતું હતું. ધાન્ય, દ્રાક્ષારસ અને જેતુન રાષ્ટ્રનો મુખ્ય પાક હતો. જેતુનના પાકની નિષ્ફળતા એક ઈસ્રાએલી કુટુંબ માટે આફત સમાન હતી.—પુનર્નિયમ ૭:૧૩; હબાક્કૂક ૩:૧૭.

તેમ છતાં, સામાન્ય રીતે જૈતતેલ પુષ્કળ પ્રમાણમાં મળતું હતું. મુસાએ વચનના દેશને ‘જૈતતેલનો દેશ’ કહ્યો કારણ કે ત્યાં જૈતવૃક્ષો એકદમ સામાન્ય હતા. ઓગણીસમી સદીના પ્રકૃતિશાસ્ત્રી એચ. બી. ટ્રીસટ્રામ જેતુનને “દેશનું એક વિશેષ વૃક્ષ તરીકે ઓળખાવે છે.” એની કિંમત અને પુષ્કળતાને કારણે, જૈતતેલ આખા ભૂમધ્ય પ્રદેશમાં આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે ઉપયોગી હતું. ખુદ ઈસુએ પણ “સો માપ [જૈત] તેલ”ના દેવા વિષે વાત કરી.—લુક ૧૬:૫, ૬.

“જૈતુનવૃક્ષના રોપ જેવાં”

ઉપયોગી જેતુન વૃક્ષને દૈવી આશીર્વાદ સાથે સરખાવવામાં આવે છે. દેવનો ભય રાખતા એક માણસને કઈ રીતે બદલો મળી શકે? “તારી સ્ત્રી તારા ઘરના અંતઃપુરમાં ફળવંત દ્રાક્ષવેલાના જેવી થશે,” ગીતકર્તાએ લખ્યું. “તારાં છોકરાં તારી મેજની આસપાસ જૈતુનવૃક્ષના રોપ જેવાં થશે.” (ગીતશાસ્ત્ર ૧૨૮:૩) આ “જૈતવૃક્ષના રોપ” શું છે અને શા માટે ગીતકર્તાએ એની છોકરાં સાથે સરખામણી કરી?

જેતુન વૃક્ષ અસાધારણ છે, એના થડમાંથી નવાં નવાં ડાળખાં ફૂટ્યા જ કરે છે. * જૂના ઝાડ ઘણાં વર્ષો સુધી વધારે ફળ ન આપે તો, એમાં નવી કલમો રોપી શકાય અથવા નવા ડાળખા ફૂટે એની રાહ જોઈ શકાય. સમય જતાં, ટેબલ ફરતે છોકરાં બેઠા હોય એવા ત્રણ ચાર મજબૂત થડ બનશે અને એનાથી સારો પાક પેદા થશે.

આ સાંકેતિક જેતુન વૃક્ષ વિશ્વાસ મજબૂત કરી રહેલા છોકરાં અને છોકરીઓને ચિત્રિત કરે છે જેઓ પોતાના માબાપના આત્મિક મૂળ માટે આભારી છે. બાળકો મોટાં થાય છે તેમ, તેઓ પણ ફળ આપવા અને પોતાના માબાપને ટેકો આપવામાં સહભાગી થાય છે. માબાપ બાળકોને પોતાની સાથે યહોવાહની સેવા કરતા જોઈને હર્ષ પામે છે.—નીતિવચન ૧૫:૨૦.

“ફરી ફૂટશે એવી આશા”

યહોવાહની સેવા કરતા એક વૃદ્ધ પિતા પોતાના આત્મિક બાળકોમાં ગર્વ અનુભવે છે. પરંતુ એજ બાળકો પોતાના પિતા મૃત્યુ પામે છે ત્યારે વિલાપ કરે છે. (૧ રાજા ૨:૨) એ કૌટુંબિક દુઃખનો સામનો કરવા મદદ માટે બાઇબલ આપણને ખાતરી આપે છે કે પુનરુત્થાનની આશા રહેલી છે.—યોહાન ૫:૨૮, ૨૯; ૧૧:૨૫.

ઘણાં બાળકોના પિતા અયૂબ, માણસના ટૂંકા જીવનથી સારી રીતે વાકેફ હતા. તે એને ફૂલ સાથે સરખાવે છે જે જલદી જ સૂકાઈ જાય છે. (અયૂબ ૧:૨; ૧૪:૧, ૨) અયૂબ દુઃખથી છૂટકારો મેળવવા માટે મરણની આશા રાખતા હતા, કબરને સંતાવાની જગ્યા તરીકે જોતા હતા જ્યાંથી તે પાછા ફરી શકે. “શું મૂએલો માણસ સજીવન થાય?” અયૂબે પૂછ્યું. પછી તેમણે ભરોસાપૂર્વક જવાબ આપ્યો: “મારો છૂટકો થાત ત્યાં સુધી હું મારા યુદ્ધના સઘળા દિવસો પર્યંત વાટ જોત. તું [યહોવાહ] મને બોલાવત, તો હું તને ઉત્તર આપત; તારા હાથનાં કામો પર તું મમતા રાખત.”—અયૂબ ૧૪:૧૩-૧૫.

અયૂબે પોતાનો વિશ્વાસ કઈ રીતે બતાવ્યો કે દેવ તેમને કબરમાંથી બોલાવી શકે છે? ઝાડ વિષેના વર્ણનથી એમ લાગે છે કે જાણે તેમણે જેતુન વિષે વાત કરી હતી. અયૂબે કહ્યું કે “જો ઝાડ કાપી નાખવામાં આવે તો તે ફરી ફૂટશે.” (અયૂબ ૧૪:૭) આમ આપણને પણ ‘ઝાડની જેમ આશા રહેલી છે.’ જેતુન વૃક્ષને કાપી નાખવામાં આવે તો પણ તેનો નાશ થતો નથી. કેવળ એને મૂળમાંથી ઉખાડી નાખવામાં આવે તો જ તે નાશ પામે છે. જમીનમાં મૂળ રહેલું હોય તો, ઝાડ ફરીથી ફૂટી નીકળે છે, નવેસરથી વિકાસ પામે છે.

વર્ષો પુરાણા જેતુન વૃક્ષને ટીપુંયે પાણી ન મળે તો પણ એ જીવતું રહે છે, સુકાઈ ગયેલું ઠૂંઠું પણ ફરીથી ફૂટી નીકળે છે. “જોકે તેનું મૂળ જમીનમાં જૂનું થાય, અને તેનું થડ જમીનમાં સુકાઈ જાય; તોપણ પાણીની ફોરથી તે ખીલશે, અને રોપાની પેઠે તે ડાળીઓ કાઢશે.” (અયૂબ ૧૪:૮, ૯) અયૂબ એવા દેશમાં રહેતા હતા જે સૂકો અને ધૂળિયો હતો. ત્યાં તેમણે શક્યપણે જૂના જૈતવૃક્ષોના ઠૂંઠા જોયા હશે જે સૂકાઈ ગયેલા અને નિર્જીવ લાગી શકે. તેમ છતાં, વરસાદ આવે છે ત્યારે આવાં “મૃત” વૃક્ષ પાછા સજીવન થાય છે અને નવાં ડાળખાં એના મૂળને કારણે ‘નવા છોડʼની જેમ ઊગી નીકળે છે. આ સર્વ અભ્યાસ પછી એક તુનીશીયન બાગાયત નિષ્ણાત જણાવે છે કે “જેતુન વૃક્ષને આપણે અવિનાશી કહી શકીએ.”

એક ખેડૂત સૂકાઈ ગયેલા જેતુન વૃક્ષની ફૂટી નીકળવાની આશા રાખે છે તેમ, યહોવાહ પોતાના વિશ્વાસુ સેવકોનું પુનરુત્થાન કરવાની આશા રાખે છે. તે ઈબ્રાહીમ અને સારા, ઈસ્હાક અને રીબેકા, તથા અન્ય ઘણાંની ફરીથી જીવી ઊઠવાના સમયની વાટ જોઈ રહ્યા છે. (માત્થી ૨૨:૩૧, ૩૨) મૂએલાંઓને ફરીથી આવકારવાનો અને તેઓને ફરીથી જીવતા જોવાં કેટલું અદ્‍ભુત હશે!

સાંકેતિક જૈતવૃક્ષ

દેવની દયા, તેમની નિષ્પક્ષતા તેમ જ પુનરુત્થાન માટેની તેમની જોગવાઈમાં પણ જોવા મળે છે. પ્રેષિત પાઊલે જેતુન વૃક્ષનો, યહોવાહની દયા ભિન્‍ન જાતિ અથવા પાર્શ્વભૂમિકાના લોકો સુધી વિસ્તરી છે એ ચિત્રિત કરવા ઉપયોગ કર્યો છે. સદીઓથી યહુદીઓ દેવના પસંદ પામેલા લોકો એટલે કે ઈબ્રાહીમના વંશજો બનવાને કારણે અભિમાન કરતા હતા.—યોહાન ૮:૩૩; લુક ૩:૮.

યહુદી રાષ્ટ્રમાં જન્મવું એ દૈવી કૃપા મેળવવાની કોઈ માંગ નહોતી. તેમ છતાં, ઈસુના શરૂઆતના બધા શિષ્યો યહુદી હતા અને તેઓને ઈબ્રાહીમના વચનના સંતાન બનીને દેવ દ્વારા પસંદ પામેલા પ્રથમ માનવો બનવાનો લહાવો હતો. (ઉત્પત્તિ ૨૨:૧૮; ગલાતી ૩:૨૯) પાઊલ આ યહુદી શિષ્યોને સાંકેતિક જેતુન વૃક્ષની ડાળીઓ સાથે સરખાવે છે.

અસલ યહુદીઓમાં મોટા ભાગનાઓએ ઈસુનો નકાર કરીને “નાની ટોળી” અથવા “દેવના ઈસ્રાએલ”ના ભાવિ સભ્યો તરીકે પોતાને અયોગ્ય સાબિત કર્યા. (લુક ૧૨:૩૨; ગલાતી ૬:૧૬) આમ, તેઓ સાંકેતિક જેતુનની એ ડાળીઓ બની જેને કાપી નાખવામાં આવી હતી. તેઓનું સ્થાન કોણ લેશે? વર્ષ ૩૬ સી.ઈ.માં વિદેશીઓને ઈબ્રાહીમના સંતાનનો ભાગ બનવા પસંદ કરવામાં આવ્યા હતા. આ એવી બાબત હતી જાણે યહોવાહે જેતુન વૃક્ષના બગીચામાં જંગલી ડાળીઓ રોપી હોય. હવે ઈબ્રાહીમના વચનના સંતાનનો ભાગ બનવાનો મોકો બીજી જાતિઓને પણ મળ્યો. વિદેશી ખ્રિસ્તીઓ હવે ‘જૈતુનની રસ ભરેલી જડના સહભાગી’ થઈ શકતા હતા.—રૂમી ૧૧:૧૭.

એક ખેડૂતને જેતુનના બગીચામાં જંગલી જૈતુનની ડાળી રોપવાની વાત વિચિત્ર લાગી શકે કારણ કે એ “કુદરતથી વિરૂદ્ધ” છે. (રૂમી ૧૧:૨૪) ધ લૅન્ડ ઍન્ડ ધ બુકમાં આરબો કહે છે કે “સારાં જેતુન વૃક્ષમાં જંગલી ડાળી લગાવવામાં આવે તો, એ સારાં ફળ આપે છે; પરંતુ જંગલી વૃક્ષમાં સારી ડાળી લગાવવામાં આવે તો એ સારાં ફળ આપશે નહિ.” યહોવાહે ‘વિદેશીઓમાંથી પોતાના નામની ખાતર એક પ્રજાને પસંદ કરી’ ત્યારે, યહુદી ખ્રિસ્તીઓને એકદમ આશ્ચર્ય થયું. (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૪૪-૪૮; ૧૫:૧૪) એ સ્પષ્ટ હતું કે દેવનો હેતુ પૂરો કરવો એ કોઈ એક રાષ્ટ્ર પર આધારિત નહોતું. કારણ કે “દરેક દેશમાં જે કોઈ તેની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેને માન્ય છે.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૫.

પાઊલે જણાવ્યું કે અવિશ્વાસુ યહુદી “ડાળીઓને” કાપી નાખવામાં આવી તેમ, અભિમાની અને અનાજ્ઞાધીનો યહોવાહની કૃપા પામશે નહિ. (રૂમી ૧૧:૧૯, ૨૦) એ સ્પષ્ટપણે ચિત્રિત કરે છે કે દેવની કૃપાને એક સામાન્ય બાબત ગણી લેવાની નથી.—૨ કોરીંથી ૬:૧.

તેલ ચોપડવું

જૈતતેલના ઉપયોગ વિષે શાસ્ત્રવચનોમાં શાબ્દિક અને રૂપકાત્મક સંદર્ભ આપવામાં આવ્યો છે. પ્રાચીન સમયમાં, ઘા કે ઉઝરડા પર જલદી રૂઝ આવી જાય માટે ઘાને “તેલથી નરમ” કરવામાં આવતો. (યશાયાહ ૧:૬) ઈસુના એક દૃષ્ટાંતમાં, સમરૂનીએ યરીખો જતા માર્ગ પર મળેલા માણસના ઘા પર જૈતતેલ અને દ્રાક્ષારસ રેડ્યો.—લુક ૧૦:૩૪.

કોઈના માથા પર જૈતતેલ લગાડવામાં આવે તો, એ તાજગી અને ઠંડક આપે છે. (ગીતશાસ્ત્ર ૧૪૧:૫) અને આત્મિક બીમારીના કિસ્સાઓને હાથ ધરતી વખતે, ખ્રિસ્તી વડીલો “પ્રભુના નામથી તેને તેલ ચોળીને તેને માટે પ્રાર્થના” કરી શકે. (યાકૂબ ૫:૧૪) આત્મિક રીતે બીમાર ભાઈ માટે વડીલો દ્વારા આપવામાં આવેલી પ્રેમાળ શાસ્ત્રીય સલાહ અને હૃદયપૂર્વકની પ્રાર્થનાની સરખામણી ઠંડક આપનાર જૈતતેલ સાથે કરવામાં આવી છે. રસપ્રદપણે, હેબ્રી ભાષાના રૂઢિપ્રયોગમાં સારા માણસની “શુદ્ધ જૈતતેલ” સાથે સરખામણી કરવામાં આવે છે.

“દેવના મંદિરના લીલા જૈતવૃક્ષ”

આ સર્વ બાબતોને કારણે, એમાં કંઈ આશ્ચર્ય નથી કે દેવના સેવકોની જેતુનના વૃક્ષ સાથે સરખામણી કરવામાં આવે. દાઊદ પોતે “દેવના મંદિરના લીલા જૈતવૃક્ષ”ની જેમ બનવા માંગતા હતા. (ગીતશાસ્ત્ર ૫૨:૮) ઈસ્રાએલી કુટુંબો પોતાના ઘરની આજુબાજુ જેતુન વૃક્ષો રોપતા હતા તેમ, દાઊદ યહોવાહની નજીક રહીને તેમની સ્તુતિના ફળ ઉત્પન્‍ન કરવા માંગતા હતા.—ગીતશાસ્ત્ર ૫૨:૯.

યહુદાના બે-કુળીય રાજ્ય યહોવાહને વિશ્વાસુ રહ્યા ત્યાં સુધી તેઓ “લીલું, સુશોભિત તથા ફળ આપનારૂં જૈતવૃક્ષ” જેવા હતા. (યિર્મેયાહ ૧૧:૧૫, ૧૬) પરંતુ તેઓએ ‘યહોવાહનું વચન સાંભળવાની ના પાડી, અને અન્ય દેવોની સેવા કરવા સારૂ તેમની પાછળ ગયા’ ત્યારે, યહુદાના લોકોએ પોતાનો લહાવો ગુમાવ્યો.—યિર્મેયાહ ૧૧:૧૦.

દેવના મંદિરના લીલા જૈતવૃક્ષ જેવા બનવા માટે, આપણે યહોવાહને આધીન રહેવું જોઈએ અને તેમની શિક્ષાને સ્વીકારવી જોઈએ જેથી આપણે વધારે ખ્રિસ્તી ફળ ઉત્પન્‍ન કરી શકીએ. (હેબ્રી ૧૨:૫, ૬) ઉપરાંત, દુકાળના સમયમાં જીવંત રહેવા માટે જૈતવૃક્ષને વિસ્તૃત મૂળની જરૂર પડે છે તેમ, આપણે પરીક્ષણો અને સતાવણી સહેવા માટે આપણા આત્મિક મૂળને બચાવવાની જરૂર છે.—માત્થી ૧૩:૨૧; કોલોસી ૨:૬, ૭.

જેતુન વૃક્ષની વિશ્વાસુ ખ્રિસ્તીઓ સાથે સરખામણી કરવામાં આવી છે, જેઓને જગત ભલે ન ઓળખતું હોય પરંતુ દેવ તેઓને ઓળખે છે. આવી વ્યક્તિ આજે મરી જાય તો પણ તેને નવી દુનિયામાં ફરીથી ઊઠાડવામાં આવશે.—૨ કોરીંથી ૬:૯; ૨ પીતર ૩:૧૩.

અવિનાશી જેતુન વૃક્ષ વર્ષો વર્ષ ફળ આપ્યા કરે છે તેમ એ આપણને દેવના વચનની યાદ અપાવે છે: “ઝાડના આયુષ્ય જેટલું મારા લોકોનું આયુષ્ય થશે, ને મારા પસંદ કરાએલા પોતાના હાથોનાં કામોનાં ફળનો ભોગવટો લાંબા કાળ સુધી કરશે.” (યશાયાહ ૬૫:૨૨) દેવનું આ વચન નવી દુનિયામાં ચોક્કસ પૂરું થશે.—૨ પીતર ૩:૧૩.

[ફુટનોટ]

^ સામાન્ય રીતે આ નવાં ડાળખાં દર વર્ષે કાપી નાખવામાં આવે છે જેથી મુખ્ય વૃક્ષનો વિકાસ રૂંધાય નહિ.

[પાન ૨૫ પર ચિત્ર]

સ્પેનના જાકેયા, એલિકેન્ટ વિસ્તારમાં મળી આવેલું એક પ્રાચીન થડીયું

[પાન ૨૬ પર ચિત્ર]

સ્પેનના ગ્રાનાડા વિસ્તારમાંની જેતુનની વાડી

[પાન ૨૬ પર ચિત્ર]

યરૂશાલેમની દીવાલોની બહાર એક જૂનું જેતુન વૃક્ષ

[પાન ૨૬ પર ચિત્ર]

બાઇબલે જેતુન વૃક્ષમાં કલમ કરવા વિષે જણાવ્યું હતું

[પાન ૨૬ પર ચિત્ર]

આ જૂના જેતુનની આજુબાજુ નાની નાની ડાળીઓ