સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહના વચનોમાં ભરોસો રાખો

યહોવાહના વચનોમાં ભરોસો રાખો

યહોવાહના વચનોમાં ભરોસો રાખો

“અમારી પાસે એથી વધારે ખાતરીપૂર્વક વાત, એટલે ભવિષ્યવચન, છે.”—૨ પીતર ૧:૧૯.

૧, ૨. સૌથી પહેલી ભવિષ્યવાણી કઈ હતી અને એનાથી કયો પ્રશ્ન ઊભો થયો?

 સૌથી પહેલું ભવિષ્યવચન યહોવાહ દેવ પાસેથી આવ્યું. આદમ અને હવાએ પાપ કર્યા પછી, દેવે સર્પને કહ્યું કે “તારી ને સ્ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ; તે તારૂં માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.” (ઉત્પત્તિ ૩:૧-૭, ૧૪, ૧૫) આ ભવિષ્યવચનની પૂરેપૂરી સમજણ સદીઓ પછી મળી.

એ પહેલી ભવિષ્યવાણી પાપી મનુષ્યો, એટલે આપણને સર્વને આશા આપે છે. બાઇબલમાં શેતાનને “જૂનો સર્પ” કહેવામાં આવે છે. (પ્રકટીકરણ ૧૨:૯) પરંતુ, દેવે વચન આપેલું સંતાન કોણ છે?

સંતાનની ઓળખ

૩. હાબેલે કઈ રીતે પ્રથમ ભવિષ્યવચનમાં વિશ્વાસ બતાવ્યો?

હાબેલ પોતાના પિતા જેવા ન હતા. તેમણે પહેલી ભવિષ્યવાણીમાં ભરોસો મૂક્યો. હાબેલ સમજી શક્યા કે પાપ દૂર કરવા લોહીનું અર્પણ જરૂરી હતું. તેથી, તેમના વિશ્વાસથી પ્રેરાઈને તેમણે દેવ સ્વીકારે એવું બલિદાન આપ્યું. (ઉત્પત્તિ ૪:૨-૪) છતાં, હજુ એ સંતાનની ઓળખ આપણને મળતી નથી.

૪. યહોવાહે ઈબ્રાહીમને કયું વચન આપ્યું, અને એ વચનના સંતાન વિષે શું બતાવે છે?

હાબેલથી કંઈક ૨,૦૦૦ વર્ષ પછી, યહોવાહે કુટુંબ વડા ઈબ્રાહીમને આ વચન આપ્યું: “તે માટે ખચીત હું તને આશીર્વાદ પર આશીર્વાદ દઇશ, ને આકાશના તારા જેટલાં . . . તારાં સંતાન વધારીશ જ વધારીશ; . . . અને તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે; કેમકે તેં મારૂં કહ્યું માન્યું છે.” (ઉત્પત્તિ ૨૨:૧૭, ૧૮) આ બતાવે છે કે પહેલી ભવિષ્યવાણી પૂરી થવામાં ઈબ્રાહીમનો પણ સમાવેશ થાય છે. એ બતાવે છે કે ‘શેતાનનાં કામનો નાશ કરનાર’ સંતાન ઈબ્રાહીમના વંશમાંથી આવશે. (૧ યોહાન ૩:૮) “દેવનું વચન ધ્યાનમાં રાખીને, તેણે [ઈબ્રાહીમે] અવિશ્વાસથી સંદેહ આણ્યો નહિ.” તેમ જ, ખ્રિસ્ત અગાઉના યહોવાહના સેવકોને ‘પણ વચનનું ફળ મળ્યું નહિ.’ (રૂમી ૪:૨૦, ૨૧; હેબ્રી ૧૧:૩૯) છતાં, તેઓએ યહોવાહનાં વચનમાં પોતાનો વિશ્વાસ જાળવી રાખ્યો.

૫. યહોવાહ દેવના વચન પ્રમાણે સંતાન કઈ રીતે આવ્યું?

પ્રેષિત પાઊલે દેવના વચન પ્રમાણેના સંતાનની ઓળખ આપતા કહ્યું કે, “હવે ઈબ્રાહીમને તથા તેના સંતાનને વચનો આપવામાં આવ્યાં હતાં. તેમાં સંતાનોને, જાણે ઘણાં વિષે બોલતો હોય એમ દેવ બોલતો નથી; પણ એક વિષે બોલતો હોય તેમ બોલે છે, કે ‘તારા સંતાનને,’ એટલે તે ખ્રિસ્ત વિષે બોલે છે.” (ગલાતી ૩:૧૬) પૃથ્વીના લોકો માટે આશીર્વાદ લાવનાર ઈબ્રાહીમના બધા જ સંતાન ન હતાં. ઈશ્માએલ અને કટૂરાહના સંતાનનો ઉપયોગ મનુષ્યોને આશીર્વાદ આપવા થયો ન હતો. વચનનું સંતાન ઈબ્રાહીમના પુત્ર ઈસ્હાક અને તેમના પૌત્ર યાકૂબથી આવ્યું. (ઉત્પત્તિ ૨૧:૧૨; ૨૫:૨૩, ૩૧-૩૪; ૨૭:૧૮-૨૯, ૩૭; ૨૮:૧૪) યાકૂબે બતાવ્યું કે યહુદાહના કુળના શીલોહને “લોકો” આધીન થશે, પણ છેવટે સંતાન દાઊદના વંશમાંથી આવશે. (ઉત્પત્તિ ૪૯:૧૦; ૨ શમૂએલ ૭:૧૨-૧૬) પ્રથમ સદીમાં યહુદીઓ મસીહ એટલે ખ્રિસ્તની રાહ જોતા હતા. (યોહાન ૭:૪૧, ૪૨) યહોવાહ દેવની સંતાન વિષેની ભવિષ્યવાણી તેમના દીકરા, ઈસુ ખ્રિસ્તમાં પૂરી થઈ.

મસીહ દેખાયા!

૬. (ક) સિત્તેર અઠવાડિયાંની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ? (ખ) ઈસુ ખ્રિસ્ત ક્યારે અને કઈ રીતે ‘પાપનો અંત લાવ્યા’?

પ્રબોધક દાનીયેલે મસીહ વિષે મહત્ત્વની ભવિષ્યવાણી નોંધી. માદી રાજા દાર્યાવેશના પહેલા વર્ષમાં, દાનીયેલને સમજણ પડી કે, યરૂશાલેમનો ૭૦ વર્ષનો અંત એકદમ નજીક છે. (યિર્મેયાહ ૨૯:૧૦; દાનીયેલ ૯:૧-૪) દાનીયેલ પ્રાર્થના કરતા હતા ત્યારે, ગાબ્રીએલ દૂતે આવીને સમજાવ્યું કે, ‘પાપનો અંત લાવવાને સિત્તેર અઠવાડિયાં નિર્માણ કરેલાં છે.’ મસીહને સિત્તેરમાં અઠવાડિયામાં મારી નાખવામાં આવશે. ઈરાની રાજા, પહેલા આર્તાહશાસ્તાએ ૪૫૫ બી.સી.ઈ.માં ‘યરૂશાલેમ ફરી બાંધવાનો હુકમ કર્યો’ ત્યારે, “સિત્તેર અઠવાડીઆં” શરૂ થયા. (દાનીયેલ ૯:૨૦-૨૭; નહેમ્યાહ ૨:૧-૮) મસીહ ૭ વત્તા ૬૨ અઠવાડીઆં પછી આવશે. એ ૬૯ અઠવાડિયાના ૪૮૩ દિવસ થયા. સાંકેતિક રીતે, એક દિવસ બરાબર એક વર્ષની ગણતરી કરતા, એ ૪૫૫ બી.સી.ઈ.થી ૨૯ સી.ઈ.ની સાલમાં લઈ આવે છે. એ જ વર્ષે ઈસુ બાપ્તિસ્મા પામ્યા, અને યહોવાહ દેવે તેમને મસીહ કે ખ્રિસ્ત તરીકે નીમ્યા. (લુક ૩:૨૧, ૨૨) ઈસુએ ૩૩ સી.ઈ.માં પોતાના જીવનની ખંડણી આપીને મનુષ્યોને પાપમાંથી છુટકારો અપાવ્યો. (માર્ક ૧૦:૪૫) ખરેખર, પરમેશ્વર યહોવાહના વચનોમાં પૂરો ભરોસો રાખવા માટે આ કેવા યોગ્ય કારણો છે! *

૭. ઈસુએ કઈ રીતે મસીહ વિષેની ભવિષ્યવાણીઓ પૂરી કરી?

દેવના વચનોમાં ભરોસો રાખવાથી, આપણે મસીહને ઓળખી શકીએ છીએ. મસીહ વિષેની ઘણી ભવિષ્યવાણી હેબ્રી શાસ્ત્રમાં લખાયેલી છે. ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રના લેખકોએ એમાંની ઘણી સીધેસીધી ઈસુને લાગુ પાડી છે. દાખલા તરીકે, ઈસુ બેથલેહેમમાં કુંવારીના પેટે જન્મ્યા. (યશાયાહ ૭:૧૪; મીખાહ ૫:૨; માત્થી ૧:૧૮-૨૩; લુક ૨:૪-૧૧) તેમને મિસરમાંથી બોલાવવામાં આવ્યા, અને તેમના જન્મ પછી બાળકો મારી નંખાયાં. (યિર્મેયાહ ૩૧:૧૫; હોશીઆ ૧૧:૧; માત્થી ૨:૧૩-૧૮) ઈસુએ બીમાર લોકોને સાજા કર્યા. (યશાયાહ ૫૩:૪; માત્થી ૮:૧૬, ૧૭) ભવિષ્યવાણી પ્રમાણે, તે યરૂશાલેમમાં ગધેડીના વછેરા પર બેસીને આવ્યા. (ઝખાર્યાહ ૯:૯; યોહાન ૧૨:૧૨-૧૫) ગીતશાસ્ત્ર પ્રમાણે, ઈસુને વધસ્તંભે જડ્યા પછી, સૈનિકોએ તેમના કપડાં વહેંચી લીધાં, અને તેમના ઝભ્ભા માટે ચિઠ્ઠી નાખી. (ગીતશાસ્ત્ર ૨૨:૧૮; યોહાન ૧૯:૨૩, ૨૪) ઈસુના હાડકાં ભાંગવામાં આવ્યાં નહિ, અને તેમને ભાલો ભોંકવામાં આવ્યો, એનાથી પણ ભવિષ્યવાણી પૂરી થઈ. (ગીતશાસ્ત્ર ૩૪:૨૦; ઝખાર્યાહ ૧૨:૧૦; યોહાન ૧૯:૩૩-૩૭) યહોવાહ દેવથી પ્રેરાયેલા બાઇબલ લેખકોએ ઈસુને લાગુ પાડેલી મસીહની ભવિષ્યવાણીના આ તો થોડા જ દાખલા છે. *

મસીહી રાજાનો જયજયકાર!

૮. વયોવૃદ્ધ પુરુષ કોણ છે, અને દાનીયેલ ૭:૯-૧૪માંની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ?

બાબેલોનના રાજા બેલ્શાસ્સારને પહેલે વર્ષે, યહોવાહે પોતાના પ્રબોધક દાનીયેલને સ્વપ્ન અને સંદર્શન બતાવ્યાં. પ્રબોધકે પહેલા તો ચાર મોટાં જાનવરો જોયાં. યહોવાહ દેવના દૂતે એને “ચાર રાજાઓ” તરીકે ઓળખાવ્યાં. તેથી, તેઓ આવનાર જગત સત્તાને દર્શાવતા હતા. (દાનીયેલ ૭:૧-૮, ૧૭) પછી દાનીયેલ પરમેશ્વર યહોવાહને મહિમાવંત રાજ્યાસન પર બેઠેલા જુએ છે. જાનવરો વિરુદ્ધ ન્યાય કરીને, તે તેઓની પાસેથી સત્તા લઈ લે છે, અને ચોથા જાનવરનો નાશ કરે છે. એ પછી, “બધા લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનાર માણસો” પર ‘મનુષ્યપુત્રના જેવા એક પુરુષને’ કાયમી સત્તા આપવામાં આવી. (દાનીયેલ ૭:૯-૧૪) ‘માણસના દીકરા’ ઈસુ ખ્રિસ્તને ૧૯૧૪માં, સ્વર્ગમાં રાજા બનાવાયા, એ વિષેની આ કેવી સુંદર ભવિષ્યવાણી છે!—માત્થી ૧૬:૧૩.

૯, ૧૦. (ક) સ્વપ્નની મૂર્તિના જુદા જુદા ભાગો શું બતાવે છે? (ખ) દાનીયેલ ૨:૪૪ની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થશે?

દાનીયેલ જાણતા હતા કે યહોવાહ દેવ “રાજાઓને પદભ્રષ્ટ કરે છે, ને રાજાઓને ગાદીએ બેસાડે છે.” (દાનીયેલ ૨:૨૧) તેમને “મર્મો પ્રગટ કરનાર” યહોવાહમાં પૂરેપૂરો ભરોસો હતો. તેથી, યહોવાહના ભક્ત દાનીયેલ રાજા નબૂખાદનેસ્સારે સ્વપ્નમાં જોયેલી કદાવર મૂર્તિનો અર્થ બતાવી શક્યા. એ મૂર્તિના ભાગો બાબેલોન, માદાય-ઈરાન, ગ્રીસ અને રોમ જેવી જુદી જુદી જગત સત્તાની ચઢતી અને પડતી બતાવતા હતા. પરંતુ, યહોવાહ દેવે દાનીયેલને એવા બનાવો લખી લેવા પ્રેરણા આપી, જે આપણા સમય અને હજુ ભાવિને રજૂ કરે છે.—દાનીયેલ ૨:૨૪-૩૦.

૧૦ એક ભવિષ્યવાણી કહે છે કે, “તે રાજાઓની કારકિર્દીમાં આકાશનો દેવ એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહિ, ને તેની હકુમત અન્ય પ્રજાના કબજામાં સોંપાશે નહિ; પણ તે આ સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો ક્ષય કરશે, ને તે સર્વકાળ ટકશે.” (દાનીયેલ ૨:૪૪) “વિદેશીઓના સમયો” ૧૯૧૪માં પૂરા થયા ત્યારે, યહોવાહ દેવે ખ્રિસ્ત દ્વારા સ્વર્ગના રાજ્યની શરૂઆત કરી. (લુક ૨૧:૨૪; પ્રકટીકરણ ૧૨:૧-૫) યહોવાહ દેવની વિશ્વ સર્વોપરિતાના “પર્વતમાંથી” તેમની શક્તિથી મસીહનું રાજ્ય, “શિલા” કાપવામાં આવી. આર્માગેદનમાં એ શિલા પેલી મૂર્તિનો ભૂક્કો બોલાવી દેશે. પછી એ શિલાનો મોટો પર્વત બની જશે. “આખી પૃથ્વી” પર આ પર્વતરૂપી સરકારની અસર થશે, અને એ મસીહી રાજ્ય કાયમ ટકી રહેશે.—દાનીયેલ ૨:૩૫, ૪૫; પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬. *

૧૧. ઈસુનું રૂપાંતર શું બતાવે છે, અને પીતર પર એની કેવી અસર થઈ?

૧૧ ઈસુએ પોતાની રાજ્ય સરકાર ધ્યાનમાં રાખીને શિષ્યોને જણાવ્યું કે, “અહીં જેઓ ઊભા છે તેઓમાંના કેટલાએક એવા છે કે માણસના દીકરાને તેના રાજ્યમાં આવતો દેખશે ત્યાં સુધી મરણ પામશે જ નહિ.” (માત્થી ૧૬:૨૮) છ દિવસ પછી, ઈસુ તેમની સાથે પીતર, યાકૂબ અને યોહાનને ઊંચા પહાડ પર લઈ ગયા, અને ત્યાં તેઓની સામે તેમનું રૂપાંતર થયું. એક ચળકતું વાદળ પ્રેષિતો પર છવાઈ ગયું, અને યહોવાહ દેવે કહ્યું કે, “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્‍ન છું, તેનું સાંભળો.” (માત્થી ૧૭:૧-૯; માર્ક ૯:૧-૯) ખ્રિસ્તના મહિમાવંત રાજ્યનું કેવું ભવ્ય દૃશ્ય! તેથી, એમાં કંઈ શંકા નથી કે એનાથી ઊંડી અસર પામેલા પ્રેષિત પીતરે કહ્યું કે, “વળી અમારી પાસે એથી વધારે ખાતરીપૂર્વક વાત, એટલે ભવિષ્યવચન, છે.”—૨ પીતર ૧:૧૬-૧૯. *

૧૨. શા માટે આપણે યહોવાહના વચનોમાં ભરોસો રાખવો જ જોઈએ?

૧૨ ‘ભવિષ્યવચનમાં’ ફક્ત હેબ્રી શાસ્ત્રનાં મસીહી વચનો જ નથી. પરંતુ, એમાં ઈસુના શબ્દો પણ સમાયેલા છે કે, તે “પરાક્રમ તથા મોટા મહિમા સહિત” આવશે. (માત્થી ૨૪:૩૦) રૂપાંતરે એ ભવિષ્યવાણીની પણ ખાતરી આપી કે, જલદી જ ખ્રિસ્ત રાજ્ય સત્તામાં મહિમાવંત રીતે આવશે. અવિશ્વાસી લોકો માટે એનો અર્થ નાશ થશે, પણ વિશ્વાસુ માટે એ આશીર્વાદ લાવશે. (૨ થેસ્સાલોનીકી ૧:૬-૧૦) બાઇબલની ભવિષ્યવાણીઓ પૂરી થઈ રહી છે, એ જ બતાવે છે કે આ ‘છેલ્લો સમય’ છે. (૨ તીમોથી ૩:૧-૫, ૧૬, ૧૭; માત્થી ૨૪:૩-૧૪) યહોવાહ દેવના ન્યાયનો અમલ કરનાર મીખાએલ, ઈસુ ખ્રિસ્ત છે. તે “મોટી વિપત્તિ” વખતે આ દુષ્ટ જગતનો નાશ કરવા તૈયાર છે. (માત્થી ૨૪:૨૧; દાનીયેલ ૧૨:૧) તેથી, આપણે દેવના ભવિષ્યવચનમાં ભરોસો રાખીને જીવીએ તો, આપણું જ ભલું થશે.

યહોવાહના વચનોમાં ભરોસો જાળવો

૧૩. યહોવાહ દેવ માટેનો પ્રેમ અને બાઇબલમાં વિશ્વાસ જાળવવા આપણને શું મદદ કરી શકે?

૧૩ આપણે પહેલી વાર દેવનાં વચનો પૂરા થવા વિષે શીખ્યા ત્યારે, કેટલા રોમાંચિત થઈ ઊઠ્યા હતા. પરંતુ, હવે શું આપણો વિશ્વાસ ઘટી ગયો છે કે આપણો પ્રેમ ઠંડો પડી ગયો છે? આપણે કદી પણ એફેસસના ખ્રિસ્તીઓ જેવા ન બનીએ, જેઓએ “પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો” હતો. (પ્રકટીકરણ ૨:૧-૪) આપણે ઘણા લાંબા સમયથી યહોવાહ દેવની સેવા કરતા હોય શકીએ. છતાં, ‘પહેલાં દેવના રાજ્યને તથા ન્યાયીપણાને શોધીને,’ સ્વર્ગમાં ખજાનો ભેગો ન કરીએ તો, આપણે બધુ ગુમાવી બેસીશું. (માત્થી ૬:૧૯-૨૧, ૩૧-૩૩) આપણે ઊંડો બાઇબલ અભ્યાસ કરીએ, ખ્રિસ્તી સભાઓ, અને પ્રચાર કાર્યમાં ભાગ લઈએ. એનાથી, આપણને યહોવાહ દેવ, તેમના પુત્ર અને બાઇબલ માટે પ્રેમ જાળવી રાખવા મદદ મળશે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫; માર્ક ૧૩:૧૦; હેબ્રી ૧૦:૨૪, ૨૫) આ રીતે, યહોવાહ દેવના શબ્દ, બાઇબલમાં આપણો વિશ્વાસ જીવંત રહેશે.—ગીતશાસ્ત્ર ૧૦૬:૧૨.

૧૪. અભિષિક્ત ખ્રિસ્તીઓએ યહોવાહના વચનોમાં ભરોસો રાખ્યો, એનો કેવો બદલો મળ્યો?

૧૪ અગાઉના જેમ, ભાવિ માટેનાં યહોવાહ દેવનાં વચનો પણ જરૂર પૂરાં થશે. દાખલા તરીકે, દેવના રાજ્યમાં ખ્રિસ્તની ભવ્ય હાજરી હવે થઈ ચૂકી છે. વળી, મરણ સુધી વિશ્વાસુ રહેલા અભિષિક્ત ખ્રિસ્તીઓએ આ વચન પૂરું થતા અનુભવ્યું છે કે, “જે જીતે છે તેને દેવના પારાદૈસમાંના જીવનના ઝાડ પરનું ફળ હું ખાવાને આપીશ.” (પ્રકટીકરણ ૨:૭, ૧૦; ૧ થેસ્સાલોનીકી ૪:૧૪-૧૭) ઈસુ આ વિજેતાઓને યહોવાહ દેવના સ્વર્ગીય પારાદેશના ‘જીવનના ઝાડ પરનું ફળ ખાવાનો’ લહાવો આપે છે. “સનાતન યુગોનો રાજા, અવિનાશી, અદ્રશ્ય તથા એકાકી દેવ,” યહોવાહ તેઓને ફરીથી સજીવન કરે છે. તેમ જ, તે તેઓને ઈસુ ખ્રિસ્ત દ્વારા અમર અને અવિનાશી જીવન આપે છે. (૧ તીમોથી ૧:૧૭; કોરીંથી ૧૫:૫૦-૫૪; ૨ તીમોથી ૧:૧૦) તેઓએ યહોવાહ દેવ માટે અમર પ્રેમ રાખ્યો, અને ભાવિના તેમના વચનોમાં અડગ વિશ્વાસ રાખ્યો, એનો કેવો મોટો બદલો મળ્યો!

૧૫. “નવી પૃથ્વી” માટેનો પાયો કોનામાં નંખાયો, અને તેઓ સાથે કોણ જોડાય છે?

૧૫ વિશ્વાસુ અભિષિક્ત સેવકો સ્વર્ગમાં “દેવના પારાદૈસમાં” ફરીથી સજીવન થવાનું શરૂ થયા પછી, પૃથ્વી પરનો આત્મિક શેષભાગ “મહાન બાબેલોન” એટલે કે, જૂઠા ધર્મોમાંથી મુક્ત થયો. (પ્રકટીકરણ ૧૪:૮; ગલાતી ૬:૧૬) તેઓમાં “નવી પૃથ્વી” માટેનો પાયો નંખાયો. (પ્રકટીકરણ ૨૧:૧) આમ, “દેશનો” જન્મ થયો, અને ‘દેવનો પારાદેશ’ બન્યો, જે આજે આખી પૃથ્વી પર વધતો જ જાય છે. (યશાયાહ ૬૬:૮) એમાં આત્મિક ઈસ્રાએલ સાથે ઘેટાં જેવા પુષ્કળ લોકો ભેગા મળે છે, જેઓ “છેલ્લા કાળમાં” પ્રવાહની પેઠે આવી રહ્યા છે.—યશાયાહ ૨:૨-૪; ઝખાર્યાહ ૮:૨૩; યોહાન ૧૦:૧૬; પ્રકટીકરણ ૭:૯.

આપણા ભાવિ માટે યહોવાહનું વચન

૧૬. અભિષિક્ત સેવકોના વફાદાર મિત્રોને કઈ આશા છે?

૧૬ આ અભિષિક્ત સેવકોના વફાદાર મિત્રોનું ભાવિ શું છે? તેઓને પણ દેવનાં વચનોમાં વિશ્વાસ છે, અને તેઓ પૃથ્વી પર બગીચા જેવી સુખી દુનિયામાં જીવવાની આશા રાખે છે. (લુક ૨૩:૩૯-૪૩) તેઓ ત્યાં ‘જીવનના પાણીની નદીનું’ પાણી પીશે અને એની આસપાસ ઊગેલા “ઝાડનાં પાંદડાં” વડે નિરોગી થશે. (પ્રકટીકરણ ૨૨:૧, ૨) તમને એવી જ આશા હોય તો, યહોવાહ દેવ માટે ઊંડો પ્રેમ બતાવવાનું અને તેમના વચનોમાં પૂરો વિશ્વાસ રાખવાનું ચાલુ રાખો. તમે પણ એ સુખી દુનિયામાં કાયમ માટે જીવવાનો પુષ્કળ આનંદ માણો.

૧૭. સુખી પૃથ્વી પરના જીવનમાં કેવા આશીર્વાદો હશે?

૧૭ આપણે આવનાર સુંદર, સુખી દુનિયાનું સારી રીતે વર્ણન ન પણ કરી શકીએ. પરંતુ, યહોવાહ પરમેશ્વર બાઇબલમાં જણાવે છે કે, એ સમયે તેમના ભક્તો કેવા કેવા આશીર્વાદોનો આનંદ માણશે. યહોવાહ દેવનું રાજ્ય કોઈ વિરોધ વિના, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ચાલશે. એ સમયે કોઈ વ્યક્તિ અરે પ્રાણીઓ પણ ‘કોઈ ઉપદ્રવ કરશે નહિ, તેમ વિનાશ કરશે નહિ.’ (યશાયાહ ૧૧:૯; માત્થી ૬:૯, ૧૦) નમ્ર જનો પૃથ્વી પર જીવશે, અને “પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૧૧) વળી, કોઈ પણ વ્યક્તિ ભૂખે નહિ મરે, કેમ કે “દેશમાં પર્વતોનાં શિખરો પર પણ પુષ્કળ ધાન્ય પાકશે; તેનાં ફળ લબાનોનની પેઠે ઝૂલશે.” (ગીતશાસ્ત્ર ૭૨:૧૬) કોઈ પણ દુઃખ કે આંસુ હશે નહિ. માંદગી જતી રહેશે અને મરણ પણ હશે નહિ. (યશાયાહ ૩૩:૨૪; પ્રકટીકરણ ૨૧:૪) શું તમે એવા જગતની કલ્પના કરી શકો જ્યાં ડૉક્ટર, દવાઓ, દવાખાના કે ગાંડાઓની હોસ્પિટલો નહિ હોય! અરે મરણ પણ નહિ હોય! એ કેવી ભવ્ય આશા છે!

૧૮. (ક) દાનીયેલને કઈ ખાતરી આપવામાં આવી? (ખ) દાનીયેલનો “વારસો” શું હશે?

૧૮ હજુ એક અદ્‍ભુત આશીર્વાદ એ છે કે, મરણ પામેલા પ્રિયજનોને ફરીથી સજીવન કરવામાં આવશે. ઈશ્વરભક્ત અયૂબને એ જ આશા હતી. (અયૂબ ૧૪:૧૪, ૧૫) તેમ જ પરમેશ્વર યહોવાહના સેવક દાનીયેલને પણ એ જ આશા હતી, કેમ કે દેવદૂતે તેમને દિલાસો આપતા કહ્યું કે, “અંત આવે ત્યાં સુધી તું તારે માર્ગે ચાલ્યો જા; કેમકે તું વિશ્રામ પામશે, ને તે મુદ્દતને અંતે તું તારા હિસ્સાના વતનમાં ઊભો રહેશે.” (દાનીયેલ ૧૨:૧૩) દાનીયેલે આખું જીવન યહોવાહ દેવની વફાદારીથી સેવા કરી. હવે તે મરણની ઊંઘમાં છે. પરંતુ, તે ખ્રિસ્તના હજાર વર્ષના રાજમાં ‘ન્યાયીઓનું પુનરુત્થાન’ પામશે. (લુક ૧૪:૧૪) દાનીયેલનો “વારસો” શું હશે? હઝકીએલની ભવિષ્યવાણી સુખી દુનિયા વિષે જણાવતા કહે છે કે, યહોવાહના ભક્તો ત્યાં રહેશે. એટલું જ નહિ, પણ દરેકને યોગ્ય રીતે જમીનનો વારસો પણ મળશે. (હઝકીએલ ૪૭:૧૩–૪૮:૩૫) તેથી, દાનીયેલ જરૂર નવી દુનિયામાં હશે, પણ તેમનો વારસો ફક્ત જમીન કરતાં વધારે હશે. હા, યહોવાહના હેતુમાં પણ તેમનો હિસ્સો હશે.

૧૯. નવી દુનિયામાં જીવવા માટે શાની જરૂર છે?

૧૯ તમારા વિષે શું? તમને યહોવાહ દેવના વચનોમાં વિશ્વાસ હોય તો, તમે પણ એ નવી દુનિયામાં જરૂર જીવવા ચાહશો. તમે કલ્પના પણ કરતા હોય શકો કે, તમે આર્શીવાદોની મઝા માણતા, પૃથ્વીની દેખભાળ રાખતા, ફરીથી સજીવન થયેલાં પ્રિયજનોને આવકારી રહ્યા છો. ખરેખર, પરમેશ્વર યહોવાહે પ્રથમ સ્ત્રી-પુરુષને બનાવ્યા ત્યારે, તેમનો મૂળ હેતુ એવી દુનિયાનો જ હતો. (ઉત્પત્તિ ૨:૭-૯) તેથી, તે ચાહે છે કે, તેમના સર્વ ભક્તો એવી જ સુખી પૃથ્વી પર હંમેશ માટે જીવે. શું તમે હમણાં એ રીતે જીવશો, જેથી લાખો લોકોની સાથે તમે પણ નવી દુનિયામાં હંમેશ માટે જીવી શકો? તમને યહોવાહ પરમેશ્વર માટે સાચો પ્રેમ હોય તો, તમે જરૂર ત્યાં હશો. તેમ જ, યહોવાહના વચનોમાં ભરોસો જાળવી રાખશો.

[ફુટનોટ્‌સ]

^ વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત દાનીયેલની ભવિષ્યવાણીને ધ્યાન આપો! પુસ્તકના પ્રકરણ ૧૧, અને ઇન્સાઈટ ઓન ધ સ્ક્રિપ્ચર્સમાં “સિત્તેર અઠવાડિઆં” જુઓ.

^ વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત “ઓલ સ્ક્રિપ્ચર્સ ઈઝ ઇન્સ્પાયર્ડ ઓફ ગોડ એન્ડ બેનીફિસીયલ” પુસ્તકના પાન ૩૪૩-૪ પર જુઓ.

^ દાનીયેલની ભવિષ્યવાણીને ધ્યાન આપો! પુસ્તકના પ્રકરણ ૪ અને ૯ જુઓ.

^ એપ્રિલ ૧, ૨૦૦૦ના ચોકીબુરજના અંકમાં “દેવના પ્રબોધકીય શબ્દ પર ધ્યાન આપો”, લેખ જુઓ.

તમારો જવાબ શું છે?

• પહેલી ભવિષ્યવાણી કઈ હતી, અને વચન આપેલું સંતાન કોણ હતું?

• ઈસુમાં પૂરા થયેલાં કેટલાંક મસીહી વચનો કયાં છે?

દાનીયેલ ૨:૪૪, ૪૫ કેવી રીતે પૂરું થશે?

• યહોવાહ દેવ બાઇબલમાં પોતાના ભક્તોને કઈ આશા આપે છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૮ પર ચિત્ર]

શું તમે નવી દુનિયામાં હંમેશા જીવવાની આશા રાખો છો?