તમે કોને ખ્રિસ્તી કહેશો?
તમે કોને ખ્રિસ્તી કહેશો?
ખ્રિસ્તી હોવાનો શું અર્થ થાય છે? તમે એનો જવાબ કઈ રીતે આપશો? જુદા જુદા દેશના લોકોને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેઓએ જે કહ્યું એ નીચે પ્રમાણે છે:
“ઈસુના શિક્ષણ પ્રમાણે ચાલવું અને તેમના જેવા થવું.”
“સારી વ્યક્તિ બનવું અને બીજાઓને મદદ કરવી.”
“ઈસુ ખ્રિસ્તને પ્રભુ તથા ઉદ્ધાર આપનાર તરીકે સ્વીકારવા.”
“ચર્ચમાં જવું, ધાર્મિક વિધિઓમાં ભાગ લેવો અને માળા જપવી.”
“હું નથી માનતો કે, ચર્ચમાં જવાથી જ ખ્રિસ્તી બની શકાય.”
શબ્દકોષ પણ એની ગૂંચવણભરી વ્યાખ્યા આપે છે. એક શબ્દકોષમાં “ખ્રિસ્તી” શબ્દની દસ વ્યાખ્યાઓ આપવામાં આવી છે. એમાં “ખ્રિસ્તી ધર્મમાં માનનાર કે ખ્રિસ્તી ધર્મના અનુયાયીથી લઈને એક માયાળું અને પ્રેમાળ વ્યક્તિ” સુધીની વ્યાખ્યાઓ આપવામાં આવી છે. તેથી ખરેખર એમાં કંઈ નવાઈ નથી કે, ખ્રિસ્તી ધર્મ પ્રમાણે જીવવાનો શું અર્થ થાય છે એ ઘણા લોકો સમજાવી શકતા નથી.
સ્વતંત્ર વર્તન
આજે કહેવાતા ખ્રિસ્તીઓ એક જ ચર્ચમાં જતા હશે છતાં, તેઓ ઘણા વિષયો પર અલગ અલગ વિચારો ધરાવે છે. જેમ કે, બાઇબલ ઇશ્વરપ્રેરિત છે કે કેમ, ઉત્ક્રાંતિમાં માનવું કે ન માનવું, શું ચર્ચે રાજકારણમાં ભાગ લેવો જોઈએ, અને પોતાના ધર્મનો પ્રચાર કરવો કે કેમ. એ ઉપરાંત, ગર્ભપાત, સજાતીય સંબંધ, અને લગ્ન કર્યા વિના સાથે રહેવું કે નહિ, એવી બાબતો પર પણ તેઓ વચ્ચે ગરમાગરમ વિવાદ થાય છે. ખરેખર, જેને જેમ મન ફાવે એમ કરો, એવું વર્તન દેખાઈ આવે છે.
દાખલા તરીકે, ખ્રિસ્તી સદી (અંગ્રેજી) છાપા પ્રમાણે તાજેતરમાં એક પ્રોટેસ્ટંટ ચર્ચની ન્યાયકોર્ટે એવું કહ્યું કે, “સજાતીય સંબંધ રાખનારને પણ ચર્ચની સંચાલન સમિતિમાં” ચૂંટી શકાય. વળી, અમુક ધર્મગુરુઓનું એવું કહેવું છે કે, તારણ મેળવવા ઈસુને માનવા જોઈએ, એ જરૂરી નથી. ધ ન્યૂ યૉર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, તેઓ માને છે કે યહુદી, મુસલમાન અને બીજા ધર્મોના લોકો “પણ [ખ્રિસ્તીઓની જેમ] સ્વર્ગમાં જાય પણ ખરા.”
કલ્પના કરો કે, માર્ક્સવાદી વ્યક્તિ મૂડીવાદીને સાથ આપતી હોય, લોકશાહીમાં માનતી વ્યકિત સરમુખત્યારશાહીને મત આપતી હોય અથવા પર્યાવરણવાદી વ્યક્તિ જંગલનો નાશ કરવા માટે ઉત્તેજન આપતી હોય તો તમે શું કહેશો? શું તમે એવું કહેશો કે, “એ વ્યક્તિ ખરેખર માર્ક્સવાદી, લોકશાહીને ચાહનાર કે પર્યાવરણવાદી નથી”? ખરું જોતાં, તમે સાચું જ કહો છો. જોકે, ખ્રિસ્તી ધર્મની સ્થાપના ઈસુ ખ્રિસ્તે કરી હતી. પરંતુ, આજે કહેવાતા ખ્રિસ્તીઓ જે માને છે એમાં અને ખ્રિસ્તના શિક્ષણમાં આભ-જમીનનો ફેર છે. એ આજના કહેવાતા ખ્રિસ્તીઓ વિષે શું બતાવે છે?—૧ કોરીંથી ૧:૧૦.
આપણને જોવા મળે છે કે, સદીઓથી તેઓએ પોતાને અનુકૂળ હોય એ રીતે ખ્રિસ્તના શિક્ષણમાં મરિમસાલો ઉમેર્યો છે. યહોવાહ પરમેશ્વર અને ઈસુ ખ્રિસ્તને એ ફેરફારો વિષે શું લાગે છે? આજે ખ્રિસ્તના શિક્ષણ પ્રમાણે ન ચાલનારાં ચર્ચને ખરા ખ્રિસ્તીઓ કહી શકાય? આ પ્રશ્નનો જવાબ આપણે હવે પછીના લેખમાં જોઈશું.