સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘પોતાને અને બીજાઓને બચાવો’

‘પોતાને અને બીજાઓને બચાવો’

‘પોતાને અને બીજાઓને બચાવો’

“તારે પોતાને વિષે તથા તારા ઉપદેશ વિષે સાવધ રહેજે. . . . કેમકે આ પ્રમાણે કરવાથી તું પોતાને તેમજ તારાં સાંભળનારાંઓને પણ તારીશ.”—૧ તીમોથી ૪:૧૬.

૧, ૨. શા માટે યહોવાહના ભક્તો પ્રચાર કરવા ઇચ્છે છે?

 ઉત્તર થાઈલૅન્ટના એક ગામમાં પહાડી જાતિના લોકો રહેતા હતા. તેઓની સાથે એક પતિ-પત્ની નવી શીખેલી ભાષામાં વાત કરી રહ્યા હતા. તેઓ યહોવાહના સાક્ષીઓ હતા. અહીં ગામડામાં પરમેશ્વરના રાજ્ય વિષે જણાવવા તેઓ લાહુ ભાષા શીખતા હતા.

પતિ જણાવે છે કે, “લોકોએ જે રસ બતાવ્યો, એ જોઈને અમને એટલી ખુશી અને સંતોષ મળ્યા કે એનું વર્ણન કરવું અઘરું છે. પ્રકટીકરણ ૧૪:૬, ૭ પ્રમાણે, ‘સર્વ રાજ્ય, જાતિ, ભાષા’ પાસે પરમેશ્વરનો સંદેશો લઈ જવામાં અમે ભાગ લઈ રહ્યા હતા, એ ખરેખર રોમાંચક હતું. આ એવી જગ્યા છે જ્યાં સંદેશો પહોંચ્યો જ ન હતો. અહીં એટલા બધા લોકોને યહોવાહ દેવ વિષે જાણવું છે કે, અમે પહોંચી વળી શકતા નથી.” દેખીતી રીતે જ, આ પતિ-પત્ની ફક્ત પોતાને જ નહિ, પણ પોતાના સાંભળનારાને પણ બચાવવા ચાહે છે. યહોવાહ પરમેશ્વરના ભક્તો તરીકે, આપણે સર્વ પણ એમ જ ચાહીએ છીએ, ખરું ને?

‘પોતાને વિષે સાવધ રહો’

૩. બીજાઓને બચાવવા, આપણે પોતે શું કરવાની જરૂર છે?

પ્રેષિત પાઊલે તીમોથીને સલાહ આપી કે, “તારે પોતાને વિષે તથા તારા ઉપદેશ વિષે સાવધ રહેજે.” આ સલાહ બધા ખ્રિસ્તીઓને લાગુ પડે છે. (૧ તીમોથી ૪:૧૬) બીજાને તારણ મેળવવામાં મદદ કરવા, પહેલા આપણે પોતે સાવધ રહેવું જોઈએ. એમ કઈ રીતે કરી શકાય? પહેલી વાત તો એ છે કે, આપણે જે સમયમાં જીવીએ છીએ, એ વિષે સાવધ રહેવાની જરૂર છે. ઈસુએ પોતાના શિષ્યોને નિશાની આપી, જેથી તેઓ જાણી શકે કે “જગતના અંતની” ઘડી આવી ચૂકી છે. જોકે, ઈસુએ એમ પણ કહ્યું કે આપણે ચોક્કસ દિવસ જાણી શકીશું નહિ. (માત્થી ૨૪:૩, ૩૬) તેથી, એ વિષે આપણું વલણ કેવું હોવું જોઈએ?

૪. (ક) આ જગતના અંત વિષે આપણે કેવું વલણ રાખવું જોઈએ અને (ખ) કેવું વલણ ટાળવું જોઈએ?

આપણે દરેક પોતાને પૂછી શકીએ કે, ‘આ જગતની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે, શું હું પોતાને અને મારું સાંભળનારને બચાવવા બનતું બધુ જ કરું છું? આપણે એવું વલણ નહિ રાખીએ કે, “મને અંત આવવાનો ચોક્કસ સમય ખબર નથી તો, હું શું કામ માથાકૂટ કરું”?’ એવું વલણ ઈસુની સલાહ વિરુદ્ધ લઈ જાય છે: “તમે પણ તૈયાર રહો; કેમકે જે ઘડીએ તમે ધારતા નથી તેજ ઘડીએ માણસનો દીકરો આવશે.” (માત્થી ૨૪:૪૪) ખરેખર, આ કંઈ યહોવાહની સેવામાં ધીમા પડી જવાનો કે સુખ-શાંતિ માટે જગત પાસે આશા રાખવાનો સમય નથી.—લુક ૨૧:૩૪-૩૬.

૫. યહોવાહના અગાઉના ભક્તોએ કેવો દાખલો બેસાડ્યો?

સારા અને ખરાબ સંજોગોમાં પરમેશ્વર યહોવાહની ભક્તિ કરીને પણ આપણે સાવધ રહી શકીએ. યહોવાહ દેવના અગાઉના ભક્તોએ પણ એમ જ કર્યું, ભલે છુટકારો જલદી આવે કે ન આવે. હાબેલ, હનોખ, નુહ, ઈબ્રાહીમ અને સારાહ જેવા અગાઉના ભક્તોના દાખલા જણાવીને પાઊલે કહ્યું કે, “તેમને વચનોનાં ફળ મળ્યાં નહિ, પણ તેમને વેગળેથી જોઈને તેમનું અભિવંદન કર્યું, ને પોતા વિષે કબૂલ કર્યું કે અમે પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી છીએ.” તેઓએ સુખ-સાહ્યબીવાળા જીવનની કોઈ ઇચ્છા ન રાખી, કે તેઓ આજુબાજુના અનૈતિક વાતાવરણમાં ફસાયા નહિ. પરંતુ, તેઓએ “વચનોનાં ફળ” મેળવવાની આતુરતાથી રાહ જોઈ.—હેબ્રી ૧૧:૧૩; ૧૨:૧.

૬. પહેલી સદીના ભક્તો કઈ રીતે જીવન જીવતા હતા?

પહેલી સદીના યહોવાહના ભક્તો પોતાને આ જગતમાં “પરદેશી” ગણતા હતા. (૧ પીતર ૨:૧૧) પહેલી સદીની સીત્તેરની સાલમાં યરૂશાલેમના વિનાશમાંથી બચી ગયા પછી પણ, તેઓએ ના તો પ્રચાર કરવાનું બંધ કર્યું કે ના તો પાછા દુનિયાદારીમાં પડી ગયા. તેઓ જાણતા હતા કે, વિશ્વાસુ લોકો માટે મહાન ઉદ્ધાર રાહ જુએ છે. અરે, પહેલી સદીની અઠ્ઠાણુની સાલમાં પ્રેષિત યોહાને લખ્યું: “જગત તથા તેની લાલસા જતાં રહે છે; પણ જે દેવની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.”—૧ યોહાન ૨:૧૭, ૨૮.

૭. આજે, યહોવાહના ભક્તો કઈ રીતે ભક્તિ કરે છે?

આજે પણ યહોવાહ દેવના ભક્તો પૂરા દિલથી તેમની ભક્તિ કરે છે. જોકે, તેઓને સખત સતાવણી સહેવી પડે છે. શું એ બધા પર પાણી ફરી વળ્યું છે? ના, ભલે પહેલા જગતનો અંત આવે કે આપણો અંત આવે, ઈસુએ ખાતરી આપી: “અંત સુધી જે કોઈ ટકશે તેજ તારણ પામશે.” મરણ પામેલા લોકોને ફરીથી સજીવન કરાશે ત્યારે, યહોવાહ દેવ પોતાના સર્વ વિશ્વાસુ ભક્તોને યાદ કરશે.—માત્થી ૨૪:૧૩; હેબ્રી ૬:૧૦.

૮. યહોવાહના ભક્તોની મહેનતની આપણે કઈ રીતે કદર કરી શકીએ?

ખરેખર, યહોવાહ દેવના આ વિશ્વાસુ ભક્તો ફક્ત પોતાનો જ નહિ બીજાઓનો પણ ઉદ્ધાર થાય એમ ઇચ્છતા હતા. એ માટે તેઓએ સખત મહેનત કરીને આપણને દેવના રાજ્ય વિષે શીખવ્યું છે. તેથી, શું આપણે ખુશ નથી? ઈસુએ સોંપેલું કામ તેઓએ વફાદારીથી કર્યું: “એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; . . . મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.” (માત્થી ૨૮:૧૯, ૨૦) આપણે પણ જ્યાં તક મળે ત્યાં સર્વને દેવના રાજ્ય વિષે જણાવીને એની કદર કરીએ. જોકે, પ્રચાર કરવો એ તો શિષ્યો બનાવવા તરફનું પહેલું પગથિયું છે.

‘તમારા ઉપદેશ વિષે સાવધ રહો’

૯. શા માટે પ્રચારકાર્ય વિષે યોગ્ય વલણ રાખવું જોઈએ?

આપણું કાર્ય પ્રચાર કરવાનું અને શિક્ષણ આપવાનું પણ છે. ઈસુએ આપણને આજ્ઞા આપી હતી કે, તેમણે શીખવેલી સર્વ વાતો પાળવાનું આપણે લોકોને શીખવીએ. એ સાચું છે કે અમુક જગ્યાએ બહુ ઓછા લોકો યહોવાહ પરમેશ્વર વિષે જાણવા ચાહે છે. પરંતુ, આપણે જ પ્રચારકાર્ય વિષે એવું વિચારીશું તો, આપણો ઉત્સાહ મંદ પડી જશે. ઈવેટ નામના એક પાયોનિયર બહેન એવા વિસ્તારમાં હતા, જ્યાં કેટલાકના કહેવા પ્રમાણે, કોઈને યહોવાહ વિષે જાણવું ન હતું. પરંતુ, તેમણે જોયું કે ત્યાં મુલાકાતે આવનાર ભાઈ-બહેનોને એવા લોકો મળતા હતા, જેઓને યહોવાહ વિષે જાણવું હતું. તેથી, ઈવેટે પોતાનું વલણ બદલ્યું, અને જલદી જ તેમને રસ ધરાવનાર લોકો મળ્યા.

૧૦. બાઇબલના શિક્ષક તરીકે, આપણું કામ શું છે?

૧૦ અમુક ભાઈ-બહેનો લોકોને બાઇબલનો અભ્યાસ કરવાની ઑફર કરતા નથી, કેમ કે તેઓને લાગે છે કે પોતે અભ્યાસ ચલાવી શકશે નહિ. ખરું કે આપણને બધાને એકસરખી આવડત હોતી નથી. પરંતુ, યહોવાહ દેવનાં વચનો શીખવવા આપણે પ્રોફેસર બનવાની જરૂર નથી. બાઇબલનો સંદેશો બહુ જ અસરકારક છે, અને ઈસુએ કહ્યું કે, ઘેટાં પોતાના માલિકનો અવાજ ઓળખે છે. “ઉત્તમ ઘેટાંપાળક” ઈસુ આપણને સંદેશો આપે છે. આપણે તો માત્ર એક સાધન છીએ, જે લોકો સુધી એ સંદેશો લઈ જઈએ છીએ. તેથી, બની શકે એટલી સરળ રીતે આપણે લોકોને એ પહોંચાડીએ છીએ.—યોહાન ૧૦:૪, ૧૪.

૧૧. તમે કઈ રીતે લોકોને શીખવામાં મદદ કરી શકો?

૧૧ તમે ઈસુનો સંદેશો આપવામાં કઈ રીતે અસરકારક બની શકો? પહેલા તો જે વિષય પર વાતચીત કરવાના હો, એ વિષે બાઇબલ શું કહે છે, એ તમે પોતે જાણો. કોઈ પણ વિષય પર બીજાને શીખવતા પહેલાં, તમને એની સારી સમજણ હોવી જોઈએ. તેમ જ, ચર્ચા કરતી વખતે માનયોગ્ય અને મૈત્રીપૂર્ણ વાતાવરણ રાખવું જોઈએ. શીખવા ચાહનારા નિરાંત અનુભવે, અને શીખવનાર તેઓ સાથે પ્રેમભાવથી વર્તે તો, નાના-મોટા બધા જ ઝડપથી શીખે છે.—નીતિવચન ૧૬:૨૧.

૧૨. શીખનાર વ્યક્તિ બરાબર સમજે છે કે નહિ એ કઈ રીતે કહી શકાય?

૧૨ શિક્ષક તરીકે તમે એમ ચાહતા નથી કે, શીખનાર વ્યક્તિ પોપટની જેમ ગોખેલું બોલી જાય. પરંતુ તમારી મદદથી તે સમજી શકશે કે પોતે શું શીખે છે. તમે જે શીખવો, એ વ્યક્તિ કેટલી હદે સમજી શકે છે, એનો આધાર અલગ અલગ બાબતો પર રહેલો છે. જેમ કે, તેઓનું શિક્ષણ, અનુભવ, અને તેઓ બાઇબલ જાણે છે કે કેમ. તેથી, તમે પોતે વિચારી શકો કે, ‘વ્યક્તિ સાથે તમે જેની ચર્ચા કરી રહ્યા છો, એમાંના શાસ્ત્રવચનોનું મહત્ત્વ તે સમજે છે કે કેમ?’ તમે તેમને એવા પ્રશ્નો પૂછી શકો, જેનો જવાબ ફક્ત હા કે ના નહિ પણ સમજણ માંગી લે. (લુક ૯:૧૮-૨૦) એ જ સમયે, અમુક શીખનાર પોતાના શીખવનારને પ્રશ્ન પૂછતા અચકાતા હશે. આમ, જે શીખવવામાં આવે, એ પૂરેપૂરું સમજ્યા વિના તેઓ હામાં હા ભણશે. તેમને ઉત્તેજન આપો કે તે પ્રશ્નો પૂછે, અને સમજણ ન પડે ત્યારે, તરત જ જણાવે.—માર્ક ૪:૧૦; ૯:૩૨, ૩૩.

૧૩. તમે કોઈ વ્યક્તિને શિક્ષક બનવા કઈ રીતે મદદ કરી શકો?

૧૩ કોઈ વ્યક્તિ સાથે બાઇબલની ચર્ચા કરવાનો આપણો મુખ્ય હેતુ એ છે કે તે પણ શિક્ષક બને. (ગલાતી ૬:૬) ચર્ચાને અંતે, તમે વ્યક્તિને જણાવી શકો કે, તે તમને કોઈ અજાણી વ્યક્તિ સમજીને પોતે જે શીખી હોય એ બાબતો, સાદા શબ્દોમાં તમને જણાવે. પછી, તે પ્રચારકાર્યમાં ભાગ લેવા તૈયાર હોય ત્યારે, તેમને તમારી સાથે પ્રચારમાં લઈ જાવ. મોટે ભાગે, તેમને તમારી સાથે રહેવાનું ગમશે. એ અનુભવ તેમને પ્રચાર કરવા હિંમત આપશે.

વ્યક્તિને યહોવાહના મિત્ર બનવા મદદ કરો

૧૪. શિક્ષક તરીકે તમારો ધ્યેય શું છે, અને તમે એ કઈ રીતે પૂરો કરી શકો?

૧૪ દરેક ખ્રિસ્તી શિક્ષકનો સૌથી મહત્ત્વનો ધ્યેય એ છે કે, શીખનાર પોતે યહોવાહ દેવના મિત્ર બને. તમે એ કંઈ ફક્ત શબ્દોથી જ નહિ, પણ તમારા સારા ઉદાહરણથી કરી શકશો. આપણા ઉદાહરણથી તેઓના હૃદય પર ઊંડી અસર પડે છે. ખાસ કરીને તેઓમાં સદ્‍ગુણો અને ઉત્સાહ વધારવા હોય તો, આપણે જે કરીએ છીએ એની તેઓ પર સારી અસર થશે. આમ, તેઓ જોઈ શકશે કે, તમે જે કંઈ કહો કે કરો છો એ યહોવાહ સાથેની મિત્રતાને કારણે છે. તેથી, તેઓ પણ એવી જ મિત્રતા બાંધવા પ્રેરાશે.

૧૫. (ક) શા માટે એ મહત્ત્વનું છે કે, શીખનાર વ્યક્તિ ખરા હેતુથી યહોવાહની સેવા કરે? (ખ) તમે કઈ રીતે શીખનાર વ્યક્તિને પ્રગતિ કરવા મદદ કરી શકો?

૧૫ તમે ચાહો છો કે, શીખનાર વ્યક્તિ યહોવાહની ભક્તિ કરે. એટલા માટે નહિ કે આર્માગેદનમાં પોતાનો નાશ થશે પણ તે યહોવાહને પ્રેમ કરે છે માટે. તમે તેમને ખરા હેતુથી યહોવાહની ભક્તિ કરવા મદદ કરો. આથી, તેમનો વિશ્વાસ એવો મજબૂત થશે કે, તે કસોટીમાં પણ ટકી રહેશે. (૧ કોરીંથી ૩:૧૦-૧૫) પરંતુ, આ વ્યક્તિ તમને કે કોઈ બીજાને ખુશ કરવા જેવા ખોટા ધ્યેયો રાખતી હશે તો, તે લાંબું ટકી શકશે નહિ. વળી, તેમને ખરું કરવાની હિંમત પણ મળશે નહિ. યાદ રાખો કે, તમે કંઈ હંમેશા તેમના શિક્ષક રહેવાના નથી. તમને તક છે ત્યાં સુધી, તેમને ઉત્તેજન આપો કે તે દરરોજ બાઇબલ વાંચે, અને એના પર મનન કરે. એ રીતે તે યહોવાહ દેવની વધુને વધુ નજીક જશે. આમ, તે બાઇબલ અભ્યાસ પૂરો થઈ ગયા પછી પણ, બાઇબલ અને એ વિષેના પ્રકાશનોમાંથી “સત્ય વચનો” શીખવાનું ચાલુ જ રાખશે.—૨ તીમોથી ૧:૧૩.

૧૬. તમે શીખનાર વ્યક્તિને કઈ રીતે પ્રાર્થના કરતા શીખવી શકો?

૧૬ તમે શીખનારને હૃદયથી પ્રાર્થના કરતા શીખવીને પણ યહોવાહ દેવ પાસે જવા મદદ કરી શકો. એ કઈ રીતે કરી શકાય? તમે તેમને ઈસુની નમૂનાની પ્રાર્થના બતાવી શકો. તેમ જ, ગીતશાસ્ત્રમાં છે, એવી ઘણી સાચા દિલથી કરેલી પ્રાર્થના બતાવી શકો. (ગીતશાસ્ત્ર ૧૭, ૮૬, ૧૪૩; માત્થી ૬:૯, ૧૦) વળી, શીખનાર જ્યારે ચર્ચાની શરૂઆતમાં અને અંતે તમને પ્રાર્થના કરતા સાંભળે, ત્યારે તે યહોવાહ પ્રત્યેની તમારી લાગણી પારખશે. તેથી, તમારી પ્રાર્થના હંમેશા સાદી, પણ ખરા દિલથી હોવી જોઈએ.

તમારાં બાળકોના ભલા માટે મહેનત કરો

૧૭. કઈ રીતે માબાપ પોતાનાં બાળકોને યહોવાહના માર્ગમાં રહેવા મદદ કરી શકે?

૧૭ ખરેખર, આપણે ચાહીએ છીએ કે, આપણા કુટુંબનું તારણ થાય. મોટા ભાગે, યહોવાહ દેવને ભજનારા લોકોનાં બાળકો “વિશ્વાસમાં દૃઢ” હોય છે. પરંતુ, કેટલાંક બાળકોનાં હૃદયમાં સત્યનાં મૂળ ઊંડા ન પણ હોય. (૧ પીતર ૫:૯; એફેસી ૩:૧૭; કોલોસી ૨:૭) એમાંના ઘણા યુવાનો મોટા થતા પરમેશ્વર યહોવાહનો માર્ગ છોડી જાય છે. તમે માબાપ હોવ તો, આવું ન બને એ માટે શું કરી શકો? સૌથી પહેલા તો, તમારે ઘરનું વાતાવરણ ‘મધુર ઘર’ જેવું બનાવવાનું છે. હળીમળીને રહેતા કુટુંબમાં મોટાને માન આપવું, સારા સંસ્કારની કદર કરવી, અને બીજાઓ સાથે સારા સંબંધો બાંધવાનું સહેલું બને છે. (હેબ્રી ૧૨:૯) આવા એકતાવાળા કુટુંબમાં બાળકની યહોવાહ દેવ સાથેની મિત્રતા ફૂલેફાલે છે. (ગીતશાસ્ત્ર ૨૨:૧૦) એવાં કુટુંબો જે કંઈ કરવાનું હોય એ સંપીને કરે છે, પછી ભલેને માબાપે સમયનો ભોગ આપવો પડે, જે કદાચ તેઓએ પોતાના વ્યક્તિગત લાભમાં ગાળ્યો હોત. આ રીતે તમે બાળકોને તમારા ઉદાહરણથી જીવનમાં ખરા નિર્ણયો લેવા મદદ કરી શકો. માબાપો, તમારાં બાળકોને સૌથી વધારે બીજા કશાની નહિ, પણ તમારી જરૂર છે, તમારા સમય, શક્તિ અને પ્રેમની જરૂર છે. શું તમે તમારાં વહાલા બાળકોને એ આપો છો?

૧૮. માબાપ પોતાનાં બાળકોને કેવા પ્રશ્નોના જવાબ મેળવવા મદદ કરી શકે?

૧૮ ખ્રિસ્તી માબાપોએ કદી પણ એવું ધારી લેવું ન જોઈએ કે, તેઓના બાળકો પણ યહોવાહના ભક્તો બની જશે. પાંચ બાળકોના પિતા દાનીયેલ કહે છે: “માબાપે પોતાના બાળકોને કોઈ પણ શંકા દૂર કરવા મદદ કરવી જ જોઈએ, જે તેઓને શાળામાં કે બીજી કોઈ રીતે ઊભી થઈ હોય. તેઓએ બાળકોને આવા પ્રશ્નોના જવાબ મેળવવા મદદ કરવી જોઈએ: ‘શું આપણે ખરેખર અંતના સમયમાં જીવીએ છીએ? શું એક જ સાચો ધર્મ છે? શા માટે શાળાના સારા જણાતા વિદ્યાર્થીઓ સાથે પણ સંગત કરવી ન જોઈએ? શું લગ્‍ન પહેલાં જાતીય સંબંધ બાંધવો ખરેખર ખોટું છે?’” માબાપો, તમારા પ્રયત્નમાં યહોવાહ દેવનો સાથ છે એ ભૂલશો નહિ, કેમ કે તે તમારાં બાળકોનું ભલું જ ચાહે છે.

૧૯. માબાપ પોતે પોતાનાં બાળકો સાથે અભ્યાસ કરે, એ શા માટે જરૂરી છે?

૧૯ કેટલાંક માબાપને લાગે છે કે, પોતાનાં બાળકો સાથે પોતે બાઇબલ અભ્યાસ કરી શકશે નહિ. જરા વિચારો કે, બાળકોને તમારા કરતાં કોણ વધારે સારી રીતે જાણે છે? તેઓને તમારી જેમ બીજું કોણ શીખવી શકશે? (એફેસી ૬:૪) તમારાં બાળકો સાથે અભ્યાસ કરવાથી, તમે જાણી શકશો કે તેઓનાં મન અને હૃદયમાં શું છે. શું તેઓ ફક્ત કહેવા ખાતર કહે છે કે દિલ ખોલીને વાતચીત કરે છે? તેઓ જે શીખે છે, એમાં ખરેખર માને છે? યહોવાહ ખરેખર છે, એ વિષે તેઓને શું લાગે છે? આના જેવા મહત્ત્વના પ્રશ્નો વિષે તમારાં બાળકો શું માને છે, એ તમે તેઓ સાથે બાઇબલ અભ્યાસ કરશો તો જ જાણી શકશો.—૨ તીમોથી ૧:૫.

૨૦. માબાપ કુટુંબના અભ્યાસને કઈ રીતે આનંદી અને લાભદાયી બનાવી શકે?

૨૦ એકવાર કૌટુંબિક અભ્યાસ શરૂ કર્યા પછી, કઈ રીતે એને નિયમિત રાખી શકાય? બે નાનાં બાળકોના પિતા જોસેફ કહે છે: “બીજા બાઇબલ અભ્યાસોની જેમ, કૌટુંબિક અભ્યાસ પણ મઝા આવે અને દરેક એની રાહ જુએ, એવો હોવો જોઈએ. એ માટે અમારા કુટુંબમાં અમે સમય વિષે કોઈ નિયમ બનાવ્યા નથી. અમારો અભ્યાસ એક કલાકનો હોય શકે, અથવા કોઈ વાર ફક્ત દસ મિનિટનો જ હોય, છતાં અમે નિયમિત અભ્યાસ રાખીએ છીએ. અમારાં બાળકો દર સપ્તાહે અભ્યાસની રાહ જુએ છે, એનું એક કારણ એ છે કે, અમે બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તકમાંથી અમુક દૃશ્યો ભજવી બતાવીએ છીએ. * એનાથી તેઓ પર જે અસર થાય છે, અને તેઓ જે સમજી શકે છે, એ જોતા અમે કેટલા ફકરા વાંચીએ છીએ એની ચિંતા કરતા નથી.”

૨૧. માબાપ પોતાનાં બાળકોને ક્યારે શીખવી શકે?

૨૧ જોકે તમારાં બાળકોને કુટુંબના અભ્યાસમાં જ શીખવવું, એવું કંઈ જરૂરી નથી. (પુનર્નિયમ ૬:૫-૭) આ લેખની શરૂઆતમાં જે યહોવાહના સાક્ષી વિષે જણાવ્યું, તે કહે છે: “મને બરાબર યાદ છે કે મારા પિતા મને સાથે પ્રચારમાં લઈ જતા. અમે બંને પોતપોતાની સાયકલ પર પ્રચારકાર્યમાં દૂર દૂર સુધી જતા. સાચું કહું તો, અમારાં માબાપના સુંદર નમૂનાથી અને તેઓએ દરેક સંજોગોમાં અમને જે શિક્ષણ આપ્યું, એનાથી અમને પૂરા સમયનું સેવાકાર્ય પસંદ કરવામાં મદદ મળી છે. ખરેખર, એ શિક્ષણ બહુ જ અસરકારક હતું, કેમ કે હું હજુ પણ દૂર દૂર સુધી પ્રચાર કરું છું!”

૨૨. આપણે ‘પોતાને વિષે અને ઉપદેશ વિષે સાવધ રહીએ’ તો, શું પરિણામ આવશે?

૨૨ જલદી જ, નક્કી કરેલા સમયે ઈસુ આ જગત પર યહોવાહ દેવનો ન્યાયદંડ લઈ આવશે. પછી, એ મહાન બનાવ ઇતિહાસ બની જશે, પણ યહોવાહના વિશ્વાસુ ભક્તો તેમની ભક્તિ કરતા રહેશે, અને હંમેશ માટેનું જીવન મેળવશે. શું તમે તમારાં બાળકો અને તમારી સાથે બાઇબલ શીખનાર સાથે એવું જીવન મેળવવા ચાહો છો? એમ હોય તો, આ ભૂલશો નહિ: “તારે પોતાને વિષે તથા તારા ઉપદેશ વિષે સાવધ રહેજે. આ બાબતોમાં ચુસ્ત રહેજે, કેમકે આ પ્રમાણે કરવાથી તું પોતાને તેમજ તારાં સાંભળનારાંઓને પણ તારીશ.”—૧ તીમોથી ૪:૧૬.

[ફુટનોટ]

^ વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રેક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત.

તમે સમજાવશો?

• જગતના અંતનો સમય જાણતા ન હોવા છતાં, આપણું વલણ કેવું હોવું જોઈએ?

• આપણે કઈ રીતે ‘આપણા ઉપદેશ વિષે સાવધ રહી’ શકીએ?

• તમે કઈ રીતે બાઇબલ શીખનારને યહોવાહના મિત્ર બનવા મદદ કરી શકો?

• માબાપ પોતે બાળકોને શિક્ષણ આપે, એ શા માટે જરૂરી છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૫ પર ચિત્ર]

યોગ્ય અને મૈત્રીપૂર્ણ વાતાવરણમાં શીખવાનું સહેલું બને છે

[પાન ૧૮ પર ચિત્ર]

સુલેમાન બે સ્ત્રીઓનો ન્યાય કરતા હોય, એવા બાઇબલનાં દૃશ્યો ભજવી બતાવવાથી કુટુંબનો અભ્યાસ આનંદી બને છે