સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રેમાળ દેવને ઓળખવા

પ્રેમાળ દેવને ઓળખવા

રાજ્ય પ્રચારકોના અનુભવ

પ્રેમાળ દેવને ઓળખવા

બ્રાઝિલનો રહેવાસી એન્ટોનિયો ૧૬ વર્ષની ઉંમરે જ જીવનથી નિરાશ થઈ ગયો હતો, અને તેને લાગતું હતું કે પોતે કોઈ જ કામનો નથી. આને લીધે તે ડ્રગ્સ અને શરાબનો બંધાણી બની ગયો. અવારનવાર એ આત્મહત્યા કરવાનું વિચારતો હતો. એક વખતે તે આત્મહત્યા કરવાનું વિચારતો હતો ત્યારે તેને યાદ આવ્યું કે મમ્મી તો કહેતી હતી: “દેવ પ્રેમ છે.” (૧ યોહાન ૪:૮) તો પછી આ પ્રેમાળ દેવ છે ક્યાં?

નશાની લતથી છૂટવા માટે એન્ટોનિયો ચર્ચના એક પાદરી પાસે જવા લાગ્યો. સમય જતા તે કૅથલિક ચર્ચનો એક ઉત્સાહી સભ્ય બની ગયો. પરંતુ હજુ પણ તેના મનમાં ઘણા સવાલો ઊઠતા હતા જેના તેને જવાબ મળતા ન હતા. ઉદાહરણ તરીકે, ઈસુના આ શબ્દો તેને સમજાતા ન હતા કે “તમે સત્યને જાણશો, અને સત્ય તમને મુક્ત કરશે.” (યોહાન ૮:૩૨) અહીં ઈસુ કેવા પ્રકારની સ્વતંત્રતાનું વચન આપતા હતા? ચર્ચમાંથી કોઈ પણ તેના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપી શક્યું નહિ. છેવટે, નિરાશ થઈને એન્ટોનિયોએ ચર્ચ છોડી દીધું અને ફરીથી નશામાં ડૂબી ગયો. આ વખતે હાર્યો જુગારી બમણું રમે તેમ તેણે બમણા જોરથી વ્યસન ચાલુ કર્યું.

લગભગ એ જ સમયે, એન્ટોનિયોની પત્ની મેરીએ યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો હતો. જો કે એન્ટોનિયોએ બાઇબલ અભ્યાસનો કોઈ વિરોધ કર્યો નહિ, પણ તેને સાક્ષીઓ ગમતા ન હતા. તે માનતો હતો કે સાક્ષીઓ “અમેરિકા માટે કામ કરી રહ્યા છે અને તેઓનો ધર્મ ફેલાવી રહ્યા છે.”

મેરીએ પડતું મૂક્યું નહિ. જ્યારે પણ તે ઘરની બહાર નીકળતી, ચોકીબુરજ અને સજાગ બનો!ની પ્રતો એન્ટોનિયોની નજરે પડે એ રીતે મૂકીને જતી. એમાં તે એવા લેખો પસંદ કરતી કે જે એન્ટોનિયોને ગમે. અને ખરેખર એન્ટોનિયોને એ સામયિકો વાંચવામાં રસ પડતો હતો. તેની પત્ની ઘરમાં ન હોય ત્યારે તે અવારનવાર એ સામયિક પર નજર ફેરવી લેતો. તેણે એ સામયિકો વાંચ્યાં તો એને ખૂબ જ આશ્ચર્ય થયું. જીવનમાં પહેલી વાર તેને બાઇબલ વિષેના પોતાના પ્રશ્નોના જવાબો મળ્યા. તે કહે છે, “મારી પત્ની અને સાક્ષીઓ મારા પ્રત્યે જે પ્રેમ અને દયા બતાવતા હતા એ હજુ પણ મને યાદ છે.”

વર્ષ ૧૯૯૨ની મધ્યમાં એન્ટોનિયોએ પણ યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરવાનો નિર્ણય લીધો. જોકે, હજુ પણ તેણે નશો કરવાનું છોડ્યું ન હતું. એક મોડી રાત્રે તે તેના મિત્ર સાથે ઝૂંપડપટ્ટીમાંથી ઘરે આવી રહ્યો હતો. અચાનક, પોલીસે તેઓને અટકાવ્યા. તપાસ કરતા એન્ટોનિયો પાસેથી કોકેઈન મળી આવ્યું અને પોલીસોએ તેને ફટકાર્યો. પછી એક પોલીસવાળાએ તેને કાદવમાં નાખી દીધો અને પિસ્તોલનું નાળચું તેના લમણા પર ધરી દીધું. બીજાએ બૂમ પાડીને કહ્યું કે “મારી નાખ તેને!”

એન્ટોનિયો કાદવમાં પડ્યો, ત્યારે થોડી ક્ષણોમાં જ તેને પોતાનું આખું જીવન યાદ આવી ગયું. એમાં તેને જો કોઈ સારી વાત યાદ આવી હોય તો એ તેનું કુટુંબ અને યહોવાહ દેવ હતા. તેણે મનમાંને મનમાં યહોવાહને પ્રાર્થના કરી કે તેને બચાવી લે. અચાનક, કોણ જાણે શું થયું કે પોલીસો તેને છોડીને જતા રહ્યા. પછી એન્ટોનિયો ઘરે ગયો ત્યારે તેને ખાતરી થઈ કે યહોવાહે જ તેને બચાવ્યો હતો.

એન્ટોનિયોને નવજીવન મળ્યું હતું માટે તેણે ફરીથી બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. ધીરે ધીરે તે પોતાના જીવનમાં ફેરફાર કરવા લાગ્યો જેથી યહોવાહ દેવને ખુશ કરી શકે. (એફેસી ૪:૨૨-૨૪) આત્મસંયમ વિકસાવીને તેણે નશાની આદત સામે લડવાનું ચાલુ કર્યું. આ ઉપરાંત તેને તબીબી સહાયની પણ જરૂર હતી. તેથી વ્યસનમુક્તિ સારવાર કેન્દ્રમાં તે બે મહિના રહ્યો. એ દરમિયાન તેને ઘણાં બાઇબલ આધારિત પ્રકાશનો વાંચવાની તક મળી. તેણે જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તક આખું વાંચી નાખ્યું. વાંચ્યા પછી એન્ટોનિયોએ પોતે જે જાણ્યું એ બીજા દર્દીઓને પણ જણાવ્યું.

વ્યસનમુક્તિ સારવાર કેન્દ્રમાંથી ઘરે આવ્યા બાદ, એન્ટોનિયોએ યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ ચાલુ રાખ્યો. આજે, એન્ટોનિયો, મેરી, તેમના બે બાળકો અને એન્ટોનિયોની માતા યહોવાહની સેવા કરે છે. તેનું કુટુંબ આજે ઘણું જ સુખી છે. એન્ટોનિયો કહે છે: “‘દેવ પ્રેમ છે’ એનો સાચો અર્થ હવે હું સમજ્યો.”

[પાન ૮ પર ચિત્ર]

રીઓ ડી જાનેરીઓમાં પ્રચાર