સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સારી સલાહ - ક્યાંથી મેળવી શકાય?

સારી સલાહ - ક્યાંથી મેળવી શકાય?

સારી સલાહ - ક્યાંથી મેળવી શકાય?

આજે લોકોને ખરેખર મદદની જરૂર છે. આથી તેઓ મદદ મેળવવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે. હાઇન્ટ્‌સ લેમાન નામના એક ડૉક્ટર કહે છે: “[આજે] પહેલાના જેવી સંસ્કૃતિ રહી નથી. પહેલાની જેમ લોકો ધર્મમાં પણ માનતા નથી. દિવસે દિવસે કુટુંબો ભાંગી રહ્યાં છે . . . એના લીધે સમસ્યાઓ પણ વધી ગઈ છે અને લોકોને ખબર નથી કે આ સમસ્યાઓને કેવી રીતે હલ કરવી.” એક લેખક ઍરિક માઇસેલ કહે છે: “એક સમયે લોકો પોતાની કોઈ પણ સમસ્યા હલ કરવા પૂજારી, પાદરી કે સરપંચો પાસે જતા હતા. પરંતુ આજે લોકો પોતાની સમસ્યાઓ હલ કરવા સ્વ-મદદ પુસ્તકોનો સહારો લે છે.”

અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન અનુસાર, આવા પુસ્તકોથી “લોકોને પોતાના વિષે અને બીજા લોકો વિષે વધારે સમજ મેળવવા મદદ મળતી હોય શકે. . . પરંતુ એની જાહેરાતોમાં મસાલો ઉમેરીને કહેવામાં આવે છે.” ટોરન્ટો સ્ટાર નામના એક સમાચારપત્રમાં એક લેખક કહે છે: “એ લોકોની ધાર્મિક પ્રવૃત્તિઓનો લાભ ઉઠાવે છે, તેથી એનાથી સાવધ રહો. . . . ખાસ કરીને સ્વ-મદદ કરે એવા પુસ્તકો, ટેપ કે પ્રવચનો, જે ઓછા સમયમાં અને થોડા પ્રયત્નથી ઘણી બધી મદદ પૂરી પાડવાનો દાવો કરે છે એઓથી પણ દૂર રહો.” પરંતુ એવા ઘણા બધા લોકો છે કે જેઓ ખરેખર મદદ કરવા ઇચ્છે છે. પરંતુ દુઃખદ બાબત છે કે લાલચીઓ એકલતા, દુઃખ અને પીડામાંથી રાહત આપવાના બહાને લોકોને લૂંટી લે છે.

આ બાબતને ધ્યાનમાં રાખતા, આપણે ભરોસાપાત્ર મદદ ક્યાંથી મેળવી શકીએ? આપણે દરેક પરિસ્થિતિમાં વ્યવહારુ સલાહ ક્યાંથી મેળવી શકીએ?

સાચા માર્ગદર્શનનો ઉદ્દભવ

ઓગણીસમી સદીના અમેરિકન પ્રચારક હેનરી વૉડ બીચરે કહ્યું: “બાઇબલ એ દેવે આપણને આપેલો નકશો છે. એનાથી તમે મુશ્કેલીઓ આંબીને તમારી મંઝિલે પહોંચો છો.” બીજા એક લેખકે બાઇબલ વિષે આમ કહ્યું: “કોઈ પણ વ્યક્તિ બાઇબલ કરતાં વધારે સારી સલાહ આપી શકે નહિ. અને સમય પસાર થતા એમાંથી આપણે વધારેને વધારે સમજણ અને લાભ મેળવીએ છીએ.” શા માટે તમારે બાઇબલમાં પૂરેપૂરો ભરોસો મૂકવો જોઈએ?

બાઇબલમાં લખવામાં આવ્યું છે: “દરેક શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે; જેથી દેવનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારાં કામ કરવાને સારૂ તૈયાર થાય.” (૨ તીમોથી ૩:૧૬, ૧૭) બાઇબલનો ઉદ્દભવ જીવન આપનાર યહોવાહ દેવ તરફથી છે. (ગીતશાસ્ત્ર ૩૬:૯) તે આપણું બંધારણ જાણે છે, ગીતશાસ્ત્ર ૧૦૩:૧૪ આપણને યાદ કરાવે છે: “કેમકે તે આપણું બંધારણ જાણે છે; આપણે ધૂળનાં છીએ એવું તે સંભારે છે.” તેથી આપણે બાઇબલમાં પૂરેપૂરો ભરોસો રાખી શકીએ.

બાઇબલમાં અઢળક પ્રમાણમાં સિદ્ધાંતો અને માર્ગદર્શન જોવા મળે છે. આપણે ગમે એવી પરિસ્થિતિમાં હોઈએ ત્યારે, એને લાગુ પાડવાથી લાભ મેળવી શકીએ છીએ. બાઇબલ દ્વારા દેવ આપણને કહે છે: “માર્ગ આ છે, તે પર તમે ચાલો.” (યશાયાહ ૩૦:૨૧) શું બાઇબલ ખરેખર આપણી જરૂરિયાતોને પૂરી કરી શકે છે? ચાલો આપણે જોઈએ.

બાઇબલ આપણી જરૂરિયાતો પૂરી કરે છે. . .

ચિંતાઓનો સામનો કરવો. બાઇબલ આપણને કહે છે: “કશાની ચિંતા ન કરો; પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકારસ્તુતિસહિત તમારી અરજો દેવને જણાવો. અને દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.” (ફિલિપી ૪:૬, ૭) આ પ્રાર્થના ગમે તેવી પરિસ્થિતિમાં અસરકારક પુરવાર થઈ છે. નીચેના અનુભવનો વિચાર કરો.

જેકી નામની એક બહેનની દીકરી પર જાતીય અત્યાચાર કરવામાં આવ્યો હતો. જેકી કહે છે: “હું મારી દીકરીને બચાવી શકી નહિ એનો મને ઘણો અફસોસ છે. એ વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. હું મારો ગુસ્સો અને કડવાશ ગળી ગઈ. કારણ કે એણે ધીમે ધીમે મારા જીવનને કોરી ખાવાનું શરૂ કર્યું હતું. યહોવાહ દેવ મારા હૃદયનું રક્ષણ કરે એ ખૂબ જ જરૂરી હતું.” ફિલિપી ૪:૬, ૭ વારંવાર વાંચ્યા પછી, જેકીએ એની સલાહ લાગુ પાડવા સખત મહેનત કરી. તે બતાવે છે, “હું દરરોજ યહોવાહને પ્રાર્થના કરતી હતી કે નિરુત્સાહ કરતી લાગણીઓ મને કોરી ન ખાય. અને ખરેખર યહોવાહ દેવે મને શાંત અને આનંદિત હૃદય કેળવવા મદદ કરી. હવે હું શાંતિ અનુભવું છું.”

તમે પણ સહન ન કરી શકો અને લાગણીમય રીતે તૂટી જાવ એવી પરિસ્થિતિમાં આવી શકો. પરંતુ પ્રાર્થના કરવાની સલાહ લાગુ પાડવાથી તમે એનો અસરકારક રીતે સામનો કરી શકશો. ગીતકર્તા આપણને આ શબ્દોથી ઉત્તેજન આપે છે: “તારા માર્ગો યહોવાહને સોંપ; તેના પર ભરોસો રાખ, અને તે તને ફળીભૂત કરશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૫.

ઉત્તેજન માટે. ગીતકર્તાએ પોતાની કદર આ રીતે વ્યક્ત કરી: “હે યહોવાહ, તારા મંદિરનું આંગણું તથા તારા ગૌરવવાળી જગા મને પ્રિય લાગે છે. મારો પગ મેં સપાટ જગા પર મૂકેલો છે; જનસમૂહમાં હું યહોવાહને ધન્યવાદ આપીશ.” (ગીતશાસ્ત્ર ૨૬:૮, ૧૨) આપણને બાઇબલમાં નિયમિતપણે યહોવાહની ઉપાસના કરવા ભેગા મળવાનું ઉત્તેજન આપવામાં આવ્યું છે. આ સંગત કઈ રીતે તમારી જરૂરિયાતો પૂરી કરી શકે? બીજાઓ એમાંથી શું મેળવી શકે?

બેકી બતાવે છે: “હું યહોવાહ દેવની સેવાને લગતી કંઈ પણ પ્રવૃત્તિ કરું ત્યારે મારા માબાપ મારો વિરોધ કરે છે, કારણ કે તેઓ તેમની ઉપાસના કરતા નથી. તેથી મારે ખ્રિસ્તી સભાઓમાં હાજરી આપવા માટે ઘણો પ્રયત્ન કરવો પડે છે.” બેકીને એવું લાગે છે કે ખ્રિસ્તી સભાઓમાં નિયમિત હાજરી આપવાને કારણે તેને ઘણા આશીર્વાદો મળ્યા છે. તે વધુમાં બતાવે છે, “સભાઓએ મારો વિશ્વાસ દૃઢ કર્યો જેથી હું એક વિદ્યાર્થી, દીકરી અને યહોવાહની સેવક તરીકેના રોજબરોજના દબાણોનો સામનો કરી શકું. રાજ્યગૃહના લોકો શાળાના વિદ્યાર્થીઓ કરતાં ઘણા અલગ હોય છે. તેઓ કાળજી રાખનારા અને મદદરૂપ હોય છે. તેઓ સાથેની વાતચીત હંમેશા ઉત્તેજન આપનારી હોય છે. તેઓ સાચા મિત્રો છે.”

નિયમિત ભેગા મળવાની બાઇબલની સલાહને અનુસરીને, આપણે યહોવાહ પાસેથી ઉત્તેજન મેળવીશું. અહીં આપણને ગીતકર્તાના શબ્દોની સત્યતા જોવા મળે છે: “દેવ આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે, સંકટને સમયે તે હાજરાહજૂર મદદગાર છે.”—ગીતશાસ્ત્ર ૪૬:૧.

યોગ્ય અને સંતોષપ્રદ કાર્ય. બાઇબલ સલાહ આપે છે, “તમે સ્થિર તથા દૃઢ થાઓ, અને પ્રભુના કામમાં સદા મચ્યા રહો, કેમકે તમારૂં કામ પ્રભુમાં નિરર્થક નથી એ તમે જાણો છો.” (૧ કોરીંથી ૧૫:૫૮) શું ‘પ્રભુનું કામ’ સાચે જ સંતોષપ્રદ છે? શું ખ્રિસ્તી સભાઓમાં આપણે કંઈ મેળવી શકીએ છીએ?

અમીલ્યા પોતાની લાગણી આ રીતે વ્યક્ત કરે છે: “મેં એક એવા યુગલ સાથે બાઇબલ અભ્યાસ કરવાનું શરૂ કર્યું જેઓનું લગ્‍ન તૂટવાની અણી પર હતું. મેં એવી એક બહેનને પણ મદદ કરી કે જેની પુત્રીને હિંસક રીતે મારી નાખવામાં આવી હતી. મરણ પછી શું થાય છે એ વિષે એ બહેનને કંઈ ખબર ન હતી. આ બંને કિસ્સાઓમાં, બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડવાથી તેઓ પોતાના જીવનમાં સુખ-શાંતિ લાવ્યા. તેઓને મદદ કરવા બદલ મને ખૂબ સંતોષ અને આનંદ મળ્યો.” બીજા એક ભાઈ સ્કોટ કહે છે: “તમને ક્ષેત્રસેવામાં સારો અનુભવ થયો હોય કે નવો બાઇબલ અભ્યાસ શરૂ કર્યો હોય અથવા અવિધિસરની સાક્ષી આપવામાં સફળતા મેળવી હોય તો તમે આવનાર વર્ષોમાં પણ એ યાદ રાખશો. આવા અનુભવોથી આપણે ઉત્તેજન અને સેવાકાર્યમાં કાયમી આનંદ મેળવીએ છીએ.”

સાચે જ, સક્રિય સેવક બનવા માટે બાઇબલ સલાહ લાગુ પાડીને આ વ્યક્તિઓ સંતોષપ્રદ અને યોગ્ય કામ કરી શક્યા છે. તમને પણ દેવના માર્ગો અને સિદ્ધાંતો વિષે બીજાઓને શીખવવાનું આમંત્રણ આપવામાં આવે છે જે તમને પોતાને પણ લાભ કરશે.—યશાયાહ ૪૮:૧૭; માત્થી ૨૮:૧૯, ૨૦.

દેવના શબ્દમાંથી લાભ મેળવો

નિઃશંક, બાઇબલ આજના જગતમાં ભરોસાપાત્ર માર્ગદર્શન પૂરું પાડે છે. એમાંથી લાભ મેળવવા માટે, આપણે સતત પ્રયત્નો કરતા રહેવાની જરૂર છે. આપણે એને નિયમિતપણે વાંચવું જોઈએ. એનો અભ્યાસ કરીને એના પર મનન કરવું જોઈએ. પાઊલે સલાહ આપી: “એ વાતોની ખંત રાખજે; તેઓમાં તલ્લીન રહેજે, કે તારી પ્રગતિ સર્વેના જાણવામાં આવે.” (૧ તીમોથી ૪:૧૫; પુનર્નિયમ ૧૧:૧૮-૨૧) યહોવાહ દેવ ખાતરી આપે છે કે આપણે બાઇબલમાં આપેલી તેમની સલાહને લાગુ પાડીશું તો જરૂર સફળતા મેળવીશું. તે વચન આપે છે: “તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, . . . તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે.”—નીતિવચન ૩:૫, ૬.

[પાન ૩૧ પર ચિત્રો]

બાઇબલ સલાહ લાગુ પાડવાથી આપણું જીવન સંતોષપ્રદ અને સફળ બને છે