સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હું શરમાળપણામાંથી બહાર નીકળી શકી

હું શરમાળપણામાંથી બહાર નીકળી શકી

મારો અનુભવ

હું શરમાળપણામાંથી બહાર નીકળી શકી

રૂથ એલ. એલરિક ના જણાવ્યા પ્રમાણે

હું પાદરીના ઘરના પગથિયા પર રડી પડી હતી. કારણ કે તેમણે વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટીના પ્રથમ પ્રમુખ ચાર્લ્સ ટી. રસેલ પર ખોટા આરોપો મૂક્યા હતા. ચાલો તમને જણાવું કે યુવાન હતી ત્યારથી જ કઈ રીતે હું લોકોની મુલાકાત લેતી હતી.

મારો જન્મ ૧૯૧૦માં યુ.એસ.એના નેબારસ્કાની વાડીમાં થયો હતો. મારું કુટુંબ ઘણું ધાર્મિક હતું. દરરોજ સવારે અને સાંજે ભોજન કર્યા પછી અમે સૌ ભેગા મળીને બાઇબલ વાંચતા હતા. મારા પપ્પા અમારા ઘરથી છ કિલોમીટર દૂર આવેલા વિનસાઈડ નામના નાના શહેરમાં મેથોડિસ્ટ ચર્ચની સન્ડે સ્કૂલના અધિકારી હતા. અમારી પાસે પડદાવાળી ઘોડાગાડી હોવાથી ગમે તેવી ઋતુમાં પણ અમે રવિવારે ચર્ચમાં હાજરી આપતા હતા.

હું આઠ વર્ષની હતી ત્યારે મારા નાના ભાઈને લકવા થયો. મારી મમ્મી તેને લોવા શહેરની લકવાની હૉસ્પિટલમાં લઈ ગઈ. મમ્મીએ મારા ભાઈની ઘણી કાળજી રાખી હોવા છતાં તે મૃત્યુ પામ્યો. એ સમય દરમિયાન, લોવામાં મારી મમ્મી એક બાઇબલ વિદ્યાર્થીને મળી જે બાઇબલ વિદ્યાર્થીઓ પછીથી યહોવાહના સાક્ષીઓ તરીકે ઓળખાયા. તેઓએ ઘણી વાતચીત કરી, અને મારી મમ્મી એ બહેન સાથે બાઇબલ વિદ્યાર્થીઓની સભાઓમાં ગઈ.

મમ્મી ઘરે આવી ત્યારે પોતાની સાથે વૉચટાવર સોસાયટી દ્વારા પ્રકાશિત સ્ટડીઝ ઈન ધ સ્ક્રિપ્ચર્સના કેટલાક ગ્રંથો લાવી હતી. જલદી જ તેને સમજાયું કે યહોવાહના સાક્ષીઓ જે શીખવતા હતા એ જ સત્ય હતું. અને અમર આત્માનું શિક્ષણ કે દુષ્ટો માટે હંમેશની પીડા એ સાચું નથી.—ઉત્પત્તિ ૨:૭; સભાશિક્ષક ૯:૫, ૧૦; હઝકીએલ ૧૮:૪.

મમ્મી બાઇબલ વિદ્યાર્થીઓની સભાઓમાં હાજરી આપતી હોવાથી પપ્પાએ એનો વિરોધ કર્યો. તે મને અને મારા ભાઈ ક્લેરન્સને પોતાની સાથે ચર્ચમાં લઈ જતા હતા. પરંતુ પપ્પા ઘરે ન હોય ત્યારે મમ્મી અમારી સાથે બાઇબલનો અભ્યાસ કરતી હતી. પરિણામે, અમારી પાસે બાઇબલ વિદ્યાર્થીઓના અને ચર્ચના શિક્ષણને સરખાવવાની સરસ તક હતી.

ક્લેરન્સ અને હું ચર્ચની સન્ડે સ્કૂલમાં નિયમિત હાજરી આપતા હતા. તે શિક્ષકને કેટલાક પ્રશ્નો પૂછતો, પરંતુ તે જવાબ આપી શકતા નહોતા. અમે ઘરે આવીને મમ્મીને કહેતા ત્યારે એ વિષય પર અમારે લાંબી ચર્ચા ચાલતી. અંતે, મેં ચર્ચ છોડ્યું અને યહોવાહના સાક્ષીઓની સભાઓમાં મમ્મી સાથે હાજરી આપવાનું શરૂ કર્યું. પછીથી ક્લેરન્સ પણ અમારી સાથે જોડાયો.

શરમાળપણાનો સામનો

સપ્ટેમ્બર ૧૯૨૨માં મેં અને મારી મમ્મીએ સીદાર પોઈન્ટ, ઓહાયોમાં યહોવાહના સાક્ષીઓના મહાસંમેલનમાં હાજરી આપી. એ મહાસંમેલનને અમે હજુ પણ ભૂલ્યા નથી. મને સારી રીતે યાદ છે કે વૉચટાવર સોસાયટીના પ્રમુખ જોસેફ. એફ. રધરફોર્ડે ત્યાં હાજર રહેલા ૧૮૦૦૦ કરતાં વધારે લોકો સામે એક મોટું બેનર ખોલ્યું હતું. એમાં લખ્યું હતું: “રાજા અને તેમના રાજ્યને જાહેર કરો.” હું એનાથી ઘણી પ્રભાવિત થઈ હતી. અને મને સમજાયું કે મારે જલદી જ દેવના રાજ્યના સુસમાચાર વિષે બીજાઓને જણાવવાની જરૂર છે.—માત્થી ૬:૯, ૧૦; ૨૪:૧૪.

વર્ષ ૧૯૨૨થી ૧૯૨૮ સુધીના મહાસંમેલનોમાં કેટલાક ઠરાવો બહાર પાડવામાં આવ્યા. એને પછી પત્રિકાઓમાં છાપવામાં આવ્યા. બાઇબલ વિદ્યાર્થીઓએ આ પત્રિકાઓ દુનિયાભરમાં કરોડો લોકોને વહેંચી. હું લાંબી અને પાતળી હોવાથી આ છાપેલા સંદેશાને ઝડપથી ઘરે ઘરે આપતી હતી. એ કારણે તેઓ મને ગ્રેહોન્ડ કહીને (આ નામના કૂતરાની સ્પર્ધામાં સૌથી વધુ ઝડપ હોય છે) બોલાવતા હતા. અને મેં આ કામમાં ઘણો આનંદ મેળવ્યો. પરંતુ ઘરે ઘરે દેવના રાજ્ય વિષે વાત કરવાનો મને ઘણો ડર લાગતો હતો.

હું એટલી શરમાળ હતી કે વાત જ ન પૂછો! દર વર્ષે મારી મમ્મી અમુક સગાઓને એક સાથે ઘરે બોલાવતી, એ વખતે હું મારા રૂમમાં જ રહેતી. આવા જ એક પ્રસંગે, મમ્મી આખા કુટુંબનો ફોટોગ્રાફ લેવા ઇચ્છતી હોવાથી તેણે મને મારા રૂમની બહાર આવવા જણાવ્યું. પરંતુ હું બહાર ન આવી ત્યારે તે મને બધાની વચ્ચે ઘસડીને લઈ આવી, એ વખતે હું જોરથી ચીસો પાડતી હતી.

આખરે એ દિવસ આવ્યો જ્યારે મેં પ્રચારકાર્યમાં જવાનો નિર્ણય કર્યો. મેં મારા પ્રચારના પર્સમાં અમુક બાઇબલ સાહિત્ય મૂક્યું. ઘડીકમાં મને થતું હતું કે “હું નહિ કરી શકું,” અને પાછું તરત મારું હૃદય કહેતું કે “મારે કરવું જ જોઈએ.” આખરે હું પ્રચારમાં જવા નીકળી. પ્રચારકાર્યમાં જવા માટે ઘણી હિંમત મેળવી હોવાથી મને ખૂબ જ આનંદ થયો. હું પ્રચારમાં ગઈ એની મને સૌથી વધારે ખુશી હતી, પરંતુ કઈ રીતે કર્યો એ અલગ બાબત હતી. એ જ દિવસે શરૂઆતમાં બતાવ્યું તેમ હું પાદરીના ઘરના પગથિયે રડી હતી. સમય પસાર થયો તેમ, યહોવાહની મદદથી હું ઘરે ઘરે લોકો સાથે વાત કરી શકી. અને મને એમાં ઘણો આનંદ મળતો હતો. પછીથી, ૧૯૨૫માં મેં પાણીના બાપ્તિસ્માથી દેવને મારું સમર્પણ ચિહ્‍નિત કર્યું.

પૂરા સમયના સેવાકાર્યની શરૂઆત

હું ૧૮ વર્ષની હતી ત્યારે માસીએ આપેલા પૈસાથી મેં કાર ખરીદી અને પૂરા સમયના પાયોનિયર સેવાકાર્યની શરૂઆત કરી. બે વર્ષ પછી ૧૯૩૦માં મેં અને મારી પાયોનિયર સાથીદારે પ્રચારકાર્યની સોંપણી સ્વીકારી. પછીથી ક્લેરન્સે પણ પાયોનિયરીંગ કાર્ય શરૂ કર્યું. અને જલદી જ તેણે યહોવાહના સાક્ષીઓના મુખ્ય મથક, ન્યૂયૉર્ક, બ્રુકલિનના બેથેલ કુટુંબમાં કાર્ય કરવાનું આમંત્રણ સ્વીકાર્યું.

લગભગ એ જ સમયે મારાં માબાપ એકબીજાથી અલગ થઈ ગયા. એથી મેં અને મમ્મીએ રહેવા માટે એક ટ્રેઈલર (વાહન વડે ખેંચાતું પૈંડાવાળું નાનું ઘર) બનાવ્યું તથા સાથે પાયોનિયરીંગ કાર્ય કરવાનું શરૂ કર્યું. એ સમયે યુનાઈટેડ સ્ટેટ્‌સમાં આર્થિક મંદી આવી. એ મંદીમાં પાયોનિયર કાર્ય ચાલુ રાખવું અમારા માટે એક પડકાર હતો. છતાં, અમે પાયોનિયર કાર્ય ચાલુ રાખવાનો નિર્ણય લીધો. અમે બાઇબલ સાહિત્યના બદલામાં લોકો પાસેથી મરઘી, ઈંડા, અને શાકભાજી લેતા હતા. તેમ જ અમે જૂની બૅટરીઓ અને એલ્યુમિનિયમનો ભંગાર પણ લેતા હતા. એને વેચીને જે પૈસા મળતા એમાંથી અમે કારમાં પેટ્રોલ ભરતા, અને બીજા ખર્ચાઓને પહોંચી વળતા હતા. પૈસાની બચત કરવા માટે હું કારનું નાનું મોટું સમારકામ કરવાનું પણ શીખી ગઈ. અમે જોયું કે યહોવાહ કઈ રીતે પોતાનાં વચનો પાળે છે અને નડતરોમાંથી બહાર આવવા આપણા માટે માર્ગ ખોલે છે.—માત્થી ૬:૩૩.

મિશનરિ કાર્યની શરૂઆત

મને ૧૯૪૬માં ન્યૂયૉર્ક, દક્ષિણ લાંસિંગમાંની વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડના સાતમા વર્ગમાં હાજર રહેવાનું આમંત્રણ મળ્યું. ત્યાં સુધી મમ્મી અને મેં એક સાથે ૧૫ વર્ષ સુધી પાયોનિયરીંગ કર્યું હતું. તોપણ, તેણે મને મિશનરિ કાર્યની તાલીમ લેતા રોકી નહિ. તેણે મને આ લહાવાને સ્વીકારવા ઉત્તેજન આપ્યું. સ્નાતક થયા પછી પેઈરીઆ, ઈલીનોઈસની માર્થા હેસ મારી સાથીદાર બની. અમારી સાથે બીજી બે બહેનોને ક્લીવલૅન્ડ, ઓહાયોમાં સોંપણી મળી. પછી અમે પરદેશના સોંપણી કાર્યની એક વર્ષ સુધી રાહ જોઈ.

વર્ષ પછી માર્થા અને મને ૧૯૪૭માં હવાઈમાં એ સોંપણી કાર્ય મળ્યું. આ ટાપુઓમાં કાયમી વસવાટ કરવો સહેલો હોવાથી મારી મમ્મી અમારી નજીક હૉનૉલૂલૂ શહેરમાં રહેવા આવી. તેની તબિયત સારી ન હોવાથી હું મારા મિશનરિ કાર્યની સાથે સાથે તેને પણ મદદ કરતી હતી. મમ્મી ૭૭ વર્ષની વયે ૧૯૫૬માં મૃત્યુ પામી ત્યાં સુધી મેં તેની કાળજી રાખી. હવાઈમાં અમે આવ્યા ત્યારે લગભગ ૧૩૦ સાક્ષીઓ હતા. પરંતુ મમ્મી મૃત્યુ પામી ત્યાં સુધીમાં એક હજાર કરતાં વધારે સાક્ષીઓ થઈ ગયા હતા. હવે મિશનરિઓની ત્યાં પણ જરૂર ન હતી.

પછી મને અને માર્થાને જાપાનમાં કાર્ય કરવા માટે પૂછવામાં આવ્યું. અમારી પ્રથમ ચિંતા એ હતી કે આ ઉંમરે અમે જાપાની ભાષા શીખી શકીશું કે કેમ. એ વખતે હું ૪૮ વર્ષની અને માર્થા મારાથી ફક્ત ચાર વર્ષ નાની હતી. પરંતુ અમે બાબતોને યહોવાહના હાથમાં છોડી દઈને સોંપણી સ્વીકારી.

વર્ષ ૧૯૫૮માં ન્યૂ યૉર્ક શહેરના યાંકી સ્ટેડિયમ અને પૉલો ગ્રાઉન્ડમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય મહાસંમેલનમાં હાજરી આપ્યા પછી તરત જ અમે વહાણમાં ટોકિયો જવા નીકળ્યા. અમે યોકોહામા બંદર પર પહોંચવાની તૈયારીમાં જ હતા ને તોફાન આવ્યું. પરંતુ અમે સહીસલામત પહોંચી ગયા. ત્યાં અમને લેવા ડૉન અને માબલ હાસલટ, લોઈડ અને મેલ્બા બેરી તથા બીજા મિશનરિઓ આવ્યા હતા. એ સમયે જાપાનમાં ફક્ત ૧,૧૨૪ સાક્ષીઓ હતા.

તરત જ અમે જાપાની ભાષા શીખવાનું શરૂ કરી દીધું અને ઘર ઘરના પ્રચારકાર્યમાં જોડાયા. અંગ્રેજી અક્ષરોનો ઉપયોગ કરીને અમે જાપાની ભાષામાં રજૂઆત લખી લેતા. એ અમે ઘરમાલિક આગળ વાંચતા હતા. જવાબમાં ઘરમાલિક “યોરીસી ડેસુ” અથવા “કેકો ડેસુ” કહેતા, જેનો અર્થ “સારું છે” અથવા “સારી બાબત છે” થાય છે. પરંતુ અમે ઘરમાલિક રસ ધરાવે છે કે નહિ એ હંમેશા જાણી શકતા ન હતા. કારણ કે એ શબ્દોનો ઉપયોગ નકાર કરવા માટે પણ થતો હતો. એ શબ્દોનો સાચો અર્થ બોલવા અને મોઢાના હાવભાવ પરથી ખબર પડતો હતો. પરંતુ એ બધુ શીખવા માટે અમને ઘણો સમય લાગ્યો.

હૃદયસ્પર્શી અનુભવો

જાપાની ભાષા શીખતી હતી એ દરમિયાન એક દિવસે હું મીત્સુબીશી કંપનીનાં મકાનોમાં પ્રચારકાર્ય કરવા ગઈ. ત્યાં હું ૨૦ વર્ષની એક બહેનને મળી જેણે ખૂબ રસ બતાવ્યો. હું જાપાની ભાષામાં સારી રીતે શીખવી શકતી ન હોવા છતાં, તેણે સારી પ્રગતિ કરી અને ૧૯૬૬માં બાપ્તિસ્મા પામી. એક વર્ષ પછી તેણે પાયોનિયરીંગ કરવાનું શરૂ કર્યું, અને જલદી જ ખાસ પાયોનિયર તરીકે નિયુક્ત થઈ. આજે પણ તે ખાસ પાયોનિયર તરીકે સેવા આપે છે. યુવાનીથી જ તેણે પોતાનો બધો સમય અને શક્તિ યહોવાહની સેવામાં ઉપયોગ કર્યોં એ જોઈને મને પણ ઉત્તેજન મળતું હતું.

બિન-ખ્રિસ્તી લોકો માટે સત્ય સ્વીકારવું એક પડકાર છે. તોપણ, હજારોએ આ પડકારનો સામનો કર્યો છે, એમાં મારા બાઇબલ વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. તેઓએ પોતાના ઘરમાંથી બુદ્ધની વેદી અને શિન્ટોના પાટિયાનો નાશ કર્યો છે. આ વસ્તુઓ ઘણી જ મોંઘી હોય છે જેને જાપાનીઓના ઘરમાં રાખવાનો રિવાજ છે. એ ઘરમાં ન હોય તો સગાંવહાલાઓ એવું સમજે છે કે તેઓ મૃત પૂર્વજોનો અનાદર કરે છે. એથી એને ફેંકવા માટે હિંમતની જરૂર પડે છે. તેઓની આ હિંમત જોઈને આપણને પ્રથમ સદીના ભાઈઓની યાદ આવે છે કે જેઓએ જૂઠી ઉપાસનાને લગતી દરેક વસ્તુઓનો નાશ કર્યો હતો.—પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૧૮-૨૦.

મને મારી એક બાઇબલ વિદ્યાર્થીની યાદ આવે છે જે ગૃહિણી હતી. તે પોતાના કુટુંબ સાથે ટોકિયોની બહાર રહેવા જવાનું વિચારતી હતી. તે ઇચ્છતી હતી કે તેના નવા ઘરમાં જૂઠી ઉપાસનાને લગતી એક પણ વસ્તુ ન હોય. આ બાબત વિષે તેણે પોતાના પતિને કહ્યું અને તે પણ સહમત થયા. તેણે આ વાત મને કહી ત્યારે તે ખૂબ ખુશ હતી. પરંતુ ત્યારે જ તેને યાદ આવ્યું કે તેના સામાનમાં હજુ પણ એક કીમતી અને મોટી સંગેમરમરની ફુલદાની છે. એ તેણે પોતાના ઘરમાં હંમેશા શાંતિ રહે એવા અંધવિશ્વાસથી ખરીદી હતી. એ ફુલદાની રાખવાનું યોગ્ય ન લાગ્યું હોવાથી તેણે હથોડી લઈને એને તોડી નાખી અને ફેંકી દીધી.

આ બહેન અને બીજા ભાઈબહેનોએ જૂઠી ઉપાસનાને લગતી મોંઘામાં મોંઘી વસ્તુઓ ફેંકી દીધી છે. તેઓએ હિંમતથી યહોવાહની સેવા કરવામાં નવી જીંદગીની શરૂઆત કરી છે. આ બધું વિચારતા મને ઘણો સંતોષ થાય છે. મિશનરિ તરીકે જાપાનમાં ૪૦ કરતાં પણ વધારે વર્ષો આનંદથી પસાર કર્યા બદલ હું યહોવાહનો ખરેખર આભાર માનું છું.

આજના દિવસોમાં “ચમત્કારો”

પૂરા સમયની સેવામાં ૭૦ વર્ષો પસાર કર્યા એનો વિચાર કરતા આજે પણ મને આશ્ચર્ય થાય છે. મારા માટે એ એક ચમત્કાર જ હતો! યુવાનીમાં હું ખૂબ જ શરમાળ હતી અને મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે હું મારી આખી જીંદગી બીજાઓને રાજ્યના સુસમાચાર આપવામાં વીતાવીશ. એ પણ એવા સુસમાચાર કે જેને મોટાભાગના લોકો સાંભળવાનું પણ પસંદ કરતા નથી. ફક્ત મેં જ નહિ પરંતુ બીજા હજારોએ પણ પોતાનું શરમાળપણું દૂર કર્યું છે. આ લોકોએ જે મહેનત કરી એના ફળ સ્વરૂપે આજે જાપાનમાં ૨,૨૨,૦૦૦ કરતાં વધારે સાક્ષીઓ છે! હું ૧૯૫૮માં જાપાન આવી હતી ત્યારે ફક્ત હજાર કરતાં થોડા વધારે સાક્ષીઓ હતા.

હું અને માર્થા પહેલી વાર જાપાનમાં આવ્યા ત્યારે અમને ટોકિયોની શાખા કચેરીમાં રહેવાનું કહેવામાં આવ્યું. વર્ષ ૧૯૬૩માં ત્યાં છ માળની બિલ્ડિંગ બનાવવામાં આવી અને એ સમયથી અમે ત્યાં જ રહીએ છીએ. આ બિલ્ડિંગનો સમર્પણ વાર્તાલાપ અમારી શાખા કચેરીના નિરીક્ષક લોઈડ બેરીએ આપ્યો હતો. એ વખતે ત્યાં અમારી સાથે ૧૬૩ લોકો હાજર હતા. જાપાનમાં ત્યારે લગભગ ૩,૦૦૦ સાક્ષીઓ હતા.

રાજ્યના આ સુસમાચાર કેટલા ઝડપથી ફેલાય છે એ જોવું ખરેખર આનંદની બાબત છે. વર્ષ ૧૯૭૨માં નૂમાજુ શહેરમાં ૧૪,૦૦૦ કરતાં વધારે સાક્ષીઓ હતા. અને વર્ષ ૧૯૮૨માં જાપાનમાં ૬૮૦૦૦ સાક્ષીઓ થયા. એ કારણે ટોકિયોથી ૮૦ કિલોમીટર દૂર એબીના શહેરમાં નવી મોટી શાખા કચેરી બાંધવામાં આવી.

એ સમય દરમિયાન ટોકિયો શહેરની જૂની શાખા કચેરીનું નવીનીકરણ કરવામાં આવ્યું. પછીથી એનું મિશનરિ ઘરમાં રૂપાંતર કરવામાં આવ્યું. ત્યાં ૪૦ કે ૫૦ વર્ષથી પણ વધારે જાપાનમાં સેવા કરી હોય એવા મિશનરિ ભાઈબહેનો રહે છે. અહીંયા હું તથા મારી સાથીદાર માર્થા હેસ, બીજા ૨૦ કરતાં વધારે મિશનરિઓ સાથે રહીએ છીએ. અમારા મિશનરિ ઘરમાં એક ભાઈ ડૉક્ટર છે અને તેમની પત્ની નર્સ છે. તેઓ અમારી પ્રેમાળ રીતે સંભાળ રાખે છે. તાજેતરમાં, બીજી એક નર્સ પણ અમારી મદદ કરવા આવે છે. અને દિવસે નર્સને મદદ કરવા અમુક ખ્રિસ્તી બહેનો આવે છે. એબીના બેથેલ કુટુંબમાંથી વારાફરતી બે સભ્યો અમારા માટે ખાવાનું બનાવવા અને મિશનરિ ઘરની સાફ-સફાઈ કરવા માટે આવે છે. ખરેખર, યહોવાહ કેટલી કાળજી રાખે છે!—ગીતશાસ્ત્ર ૩૪:૮, ૧૦.

મિશનરિ ઘરનું સમર્પણ થયું એના ૩૬ વર્ષ પછી, ૧૩મી નવેમ્બર, ૧૯૯૯માં એબીના શાખા કચેરીમાં વિસ્તારવામાં આવેલી નવી બિલ્ડિંગોનું સમર્પણ કરવામાં આવ્યું. મારા મિશનરિ જીવનનો એ દિવસ હું ક્યારેય ભૂલીશ નહિ. એ દિવસે ૩૭ દેશોમાંથી ૪,૪૮૬ ભાઈબહેનો આવ્યા હતા. એમાંથી હજારો એવા હતા જેઓ વર્ષોથી દેવની પૂરા સમયની સેવા કરે છે. હાલમાં એબીના શાખા કચેરીમાં ૬૫૦ સભ્યો છે.

મેં ઘર ઘરના પ્રચારકાર્યમાં લગભગ ૮૦ વર્ષ પસાર કર્યાં છે. શરૂઆતમાં હું બીકણ અને શરમાળ હતી પરંતુ યહોવાહ પાસેથી મને હિંમત મળી. તેમણે મને શરમાળપણાનો સામનો કરવા મદદ કરી. હું ખાતરીપૂર્વક કહી શકું છું કે જે લોકો યહોવાહ પર ભરોસો રાખે છે તેઓનો તે પોતાના કાર્ય માટે જરૂર ઉપયોગ કરશે. પછી ભલેને તેઓ બીકણ અને શરમાળ હોય. યહોવાહ વિષે અજાણ્યાઓને બતાવવામાં મને જે સંતોષ અને આનંદ મળ્યો છે એનું હું વર્ણન કરી શકતી નથી!

[પાન ૨૧ પર ચિત્ર]

બેથેલ કુટુંબની મુલાકાત લેતા મારી મમ્મી અને ક્લેરન્સ સાથે

[પાન ૨૩ પર ચિત્ર]

ન્યૂયૉર્ક, દક્ષિણ લાંસિંગમાંની ગિલયડ શાળામાં અભ્યાસ કરતા સભ્યો

[પાન ૨૩ પર ચિત્ર]

ડાબી બાજુ: હવાઈમાં હું, માર્થા હેસ અને મમ્મી

[પાન ૨૪ પર ચિત્ર]

જમણી બાજુ: ટોકિયોના મિશનરિ ઘરના સભ્યો

[પાન ૨૪ પર ચિત્ર]

નીચે: મારી લાંબા સમયની સાથીદાર માર્થા હેસ સાથે

[પાન ૨૫ પર ચિત્ર]

એબીનામાં વિસ્તારવામાં આવેલી શાખા કચેરી, જેનું ગયા વર્ષે નવેમ્બરમાં સમર્પણ કરવામાં આવ્યું