સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“તમે સઘળા ભાઈઓ છો”

“તમે સઘળા ભાઈઓ છો”

“તમે સઘળા ભાઈઓ છો”

“તમે રાબ્બી ન કહેવાઓ; કેમકે એક જ તમારો ગુરુ છે, ને તમે સઘળા ભાઈઓ છો.”—માત્થી ૨૩:૮.

૧. કઈ બાબત વિચારવા જેવી છે?

 “કોને વધારે માન આપવું જોઈએ, મિશનરિને કે બેથેલમાં કામ કરનારને?” આ પ્રશ્ન એશિયાની એક બહેને ઑસ્ટ્રેલિયાના મિશનરિ બહેનને ભોળપણથી પૂછ્યો. તેને જાણવું હતું કે કોને વધારે માન આપવું જોઈએ. બીજા દેશોમાંથી આવતા મિશનરિને કે પછી વૉચટાવર સોસાયટીના સ્થાનિક બેથેલમાં કામ કરનારને? એનાથી મિશનરિને ખૂબ આશ્ચર્ય થયું. કારણ કે જે સમાજમાં હોદ્દાને મહત્ત્વ અપાતું હોય, ત્યાં જ મોટા ભાગે આવો પ્રશ્ન ઊભો થાય છે. જો કે એનાથી એ પણ જાણવા મળે છે કે એ વ્યક્તિ પાસે કેટલી સત્તા છે, અને લોકો પર એનો કેટલો પ્રભાવ છે.

૨. સાથી ભક્તો વિષે આપણે કેવું વલણ રાખવું જોઈએ?

જો કે આ કંઈ નવી બાબત નથી. અરે, ઈસુના શિષ્યો વચ્ચે પણ ગરમાગરમ દલીલો ચાલતી હતી કે તેઓમાં કોણ મોટું છે. (માત્થી ૨૦:૨૦-૨૪; માર્ક ૯:૩૩-૩૭; લુક ૨૨:૨૪-૨૭) તેઓ પ્રથમ સદીના યહુદી સમાજમાંથી આવ્યા હતા જ્યાં હોદ્દાને ખૂબ મહત્ત્વ આપવામાં આવતું હતું. ઈસુ ખ્રિસ્ત આ જાણતા હતા, માટે તેમણે શિષ્યોને સલાહ આપી: “તમે રાબ્બી ન કહેવાઓ; કેમકે એક જ તમારો ગુરુ છે, ને તમે સઘળા ભાઈઓ છો.” (માત્થી ૨૩:૮) એ સમાજમાં જે “શિક્ષક” હોય તેને “રાબ્બી” કહેવામાં આવતા. બાઇબલના એક પંડિત આલ્બર્ટ બાર્ન્ઝે જણાવ્યું કે, “એ પદવી ધરાવનાર પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ગણે છે અને તેઓ અભિમાન કરવા લાગે છે; જે લોકો પાસે એ પદવી નથી, તેઓમાં અદેખાઈ અને નાનમ પેદા થાય છે; આ બધુ જ ‘ખ્રિસ્તની સાદાઈની’ વિરુદ્ધ જાય છે.” પરંતુ, ખ્રિસ્તીઓએ આમ કરવાનું ટાળવું જ જોઈએ. તેઓએ જવાબદાર ભાઈઓને ખુશામત કરવા “ફલાણા ફલાણા વડીલ” કહેવું જોઈએ નહિ. (અયૂબ ૩૨:૨૧, ૨૨) એ જ સમયે, ઈસુની સલાહ માનનારા વડીલોએ મંડળમાં બધાને માન આપવું જોઈએ, જેમ યહોવાહ પરમેશ્વર પોતાના વફાદાર ભક્તોને અને ઈસુ ખ્રિસ્ત પોતાના વફાદાર શિષ્યોને માન આપે છે.

યહોવાહ દેવ અને ઈસુનું ઉદાહરણ

૩. યહોવાહ દેવે કઈ રીતે પોતાના સ્વર્ગદૂતોને માન આપ્યું?

યહોવાહ “પરાત્પર” પરમેશ્વર હોવા છતાં, શરૂઆતથી જ તેમણે પોતાનાં કાર્યોમાં સ્વર્ગદૂતોનો ઉપયોગ કરીને તેઓને માન આપ્યું. (ગીતશાસ્ત્ર ૮૩:૧૮) તેમણે પ્રથમ માણસને ઉત્પન્‍ન કર્યો ત્યારે, તેમણે પોતાના એકના એક પુત્રનો “કુશળ કારીગર” તરીકે ઉપયોગ કર્યો. (નીતિવચન ૮:૨૭-૩૦; ઉત્પત્તિ ૧:૨૬) અરે, યહોવાહે દુષ્ટ રાજા આહાબનો નાશ કરવાનું નક્કી કર્યું ત્યારે, તેમણે સ્વર્ગદૂતોને પણ તેઓના વિચારો જણાવવા ભેગા કર્યા.—૧ રાજા ૨૨:૧૯-૨૩.

૪, ૫. યહોવાહ પોતાના ભક્તોને કઈ રીતે માન આપે છે?

યહોવાહ પરમેશ્વર આખા વિશ્વના માલિક છે. (પુનર્નિયમ ૩:૨૪) તેથી, તેમને મનુષ્યની કોઈ જરૂર નથી. તોપણ, તે તેઓનું સાંભળવા જાણે પોતાને નીચા નમાવે છે. ગીતકર્તા કહે છે, “આપણા પરમેશ્વર યહોવાહ જેવો કોણ છે? તે પોતાનું રહેઠાણ ઉચ્ચસ્થાનમાં રાખે છે. આકાશમાં તથા પૃથ્વીમાં જે છે તે જોવાને તે પોતાને દીન કરે છે. તે ધૂળમાંથી રાંકને ઉઠાવી લે છે.”—ગીતશાસ્ત્ર ૧૧૩:૫-૮.

સદોમ અને ગમોરાહનો નાશ કરતા પહેલાં, યહોવાહ દેવે ધ્યાનથી ઈબ્રાહીમનું સાંભળ્યું, અને તેમને સંતોષ થયો ત્યાં સુધી એ વિષે વાતચીત કરી. (ઉત્પત્તિ ૧૮:૨૩-૩૩) પરમેશ્વર યહોવાહ જાણતા હતા કે ઈબ્રાહીમની વિનંતીનું પરિણામ શું આવશે. તોપણ, તેમણે ઈબ્રાહીમનું કહેવું માન્યું.

૬. યહોવાહ દેવે હબાક્કૂકને કઈ રીતે માન આપ્યું, અને એનું શું પરિણામ આવ્યું?

પરમેશ્વર યહોવાહે હબાક્કૂકની પ્રાર્થના પણ સાંભળી, જેમણે કહ્યું કે, “હે યહોવાહ, ક્યાં સુધી હું પોકાર કરીશ, ને તું સાંભળશે નહિ?” એ સાંભળીને યહોવાહ પરમેશ્વરને કેવું લાગ્યું? પોતાને આ રીતે પૂછનાર હબાક્કૂક કોણ છે, એમ વિચારીને શું તેમણે ન સાંભળ્યું? બિલકુલ નહિ. યહોવાહ પરમેશ્વરે તેમની વિનંતી સાંભળી અને જણાવ્યું કે પોતે ન્યાય લાવવા માટે ખાલદીઓને ઊભા કરશે. તેમણે પોતાના સેવકને ખાતરી આપી કે ‘એ ભાખેલો ન્યાયદંડ નક્કી આવશે.’ (હબાક્કૂક ૧:૧, ૨, ૫, ૬, ૧૩, ૧૪; ૨:૨, ૩) આમ, હબાક્કૂકની ચિંતાને ધ્યાનમાં લઈ, તેમને યોગ્ય જવાબ આપીને યહોવાહ દેવે માન આપ્યું. તેથી, તે ઉદાસ સેવક આનંદિત થયો અને ઉદ્ધારના પરમેશ્વરમાં પૂરેપૂરો ભરોસો મૂક્યો. આ અહેવાલ પરમેશ્વરના પ્રેરિત પુસ્તક, હબાક્કૂકમાં મળે છે, જેનાથી યહોવાહ પરમેશ્વરમાં આપણો વિશ્વાસ મજબૂત થાય છે.—હબાક્કૂક ૩:૧૮, ૧૯.

૭. પેન્તેકોસ્ત ૩૩ સી.ઈ.ની પીતરની ભૂમિકા કઈ રીતે નોંધપાત્ર હતી?

ઈસુ ખ્રિસ્તે પણ બીજાઓને માન આપીને સુંદર દાખલો બેસાડ્યો છે. ઈસુએ પોતાના શિષ્યોને જણાવ્યું કે, “જે કોઈ મારો નકાર કરશે, તેનો નકાર હું પણ મારા આકાશમાંના બાપની આગળ કરીશ.” (માત્થી ૧૦:૩૨, ૩૩) તેમનો વિશ્વાસઘાત થયો, એ રાત્રે બધા જ શિષ્યો તેમને છોડીને નાસી ગયા, અને પ્રેષિત પીતરે ત્રણ વાર તેમનો નકાર કર્યો. (માત્થી ૨૬:૩૪, ૩૫, ૬૯-૭૫) પરંતુ, શું ઈસુએ પીતરનો નકાર કર્યો? ના. ઈસુએ પીતરનો બહારનો દેખાવ જોયો નહિ. તેમણે પીતરનું હૃદય જોયું, તેમણે કરેલો હૃદયપૂર્વકનો પસ્તાવો જોયો. (લુક ૨૨:૬૧, ૬૨) ફક્ત ૫૧ દિવસ પછી, પેન્તેકોસ્ત ૩૩ સી.ઈ.ના રોજ, પશ્ચાત્તાપી પીતરને ઈસુએ પોતાના ૧૨૦ શિષ્યોની આગેવાની લેવા દઈને માન આપ્યું. તેમ જ, ‘રાજ્યની કૂંચીઓમાંથી’ પ્રથમનો તેમને ઉપયોગ કરવા દીધો. (માત્થી ૧૬:૧૯; પ્રેરિતોનાં કૃત્યો ૨:૧૪-૪૦) આમ, પીતરને ‘પાછા ફરીને ભાઈઓને સ્થિર કરવાની’ તક આપવામાં આવી.—લુક ૨૨:૩૧-૩૩.

કુટુંબના સભ્યોને માન આપવું

૮, ૯. પત્નીને માન આપવામાં, પતિ કઈ રીતે યહોવાહ પરમેશ્વર અને ઈસુ ખ્રિસ્તનું અનુકરણ કરી શકે?

પરિવારમાં યહોવાહ દેવે પતિને અને માબાપને અધિકાર આપ્યો છે. એ લાગુ પાડવા તેઓએ યહોવાહ પરમેશ્વર અને ઈસુ ખ્રિસ્તનું ઉદાહરણ અનુસરવું જોઈએ. પીતરે સલાહ આપી: “એજ પ્રમાણે પતિઓ, સ્ત્રી નબળું પાત્ર છે એમ જાણીને, [તમારી પત્નીઓએ] સાથે સમજણપૂર્વક રહો.” (૧ પીતર ૩:૭) ધારો કે તમારા હાથમાં કાચનું વાસણ છે. શું તમે એને બહુ જ સંભાળીને નહિ વાપરો, કે પછી કોઈ સ્ટીલના વાસણની જેમ મન ફાવે તેમ વાપરશો? એ જ પ્રમાણે, પતિએ પણ પત્નીની સંભાળ રાખવામાં યહોવાહ પરમેશ્વરનું અનુકરણ કરવું જોઈએ. કુટુંબમાં નિર્ણયો લેવાના હોય ત્યારે પત્નીના વિચારો પતિએ સાંભળવા જ જોઈએ. યાદ કરો કે યહોવાહ દેવે ઈબ્રાહીમ સાથે વાત કરવા સમય ફાળવ્યો હતો. જો કે અપૂર્ણ માનવી તરીકે પતિ બધી બાબતો પૂરેપૂરી જાણી શકતા નથી. તેથી, શું પતિએ પત્નીના વિચારોને વધારે ધ્યાનથી સાંભળીને તેને માન ન આપવું જોઈએ?

જે દેશોમાં પુરુષોનું જ રાજ ચાલતું હોય, ત્યાં પતિ ખાસ ધ્યાન રાખશે. જેથી, પત્ની પોતાની લાગણી જણાવતા અચકાશે નહિ. પતિએ ઈસુનું અનુકરણ કરવું જોઈએ. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, તેમણે પોતાના શિષ્યોની એટલે કે તેમના ભાવિ ‘કન્યા’ વર્ગની કેવી સંભાળ લીધી એનો વિચાર કરો. તેમણે તેઓ પર ખૂબ પ્રેમ વરસાવ્યો. શિષ્યો કંઈ કહે એ પહેલાં, તેમણે તેઓની શારીરિક અને આત્મિક જરૂરિયાતો પૂરી પાડી. (માર્ક ૬:૩૧; યોહાન ૧૬:૧૨, ૧૩; એફેસી ૫:૨૮-૩૦) એ જ રીતે તમારી પત્ની તમારા કુટુંબ માટે જે કંઈ કરે છે, એનો વિચાર કરવા સમય કાઢો. એ માટે તેના વખાણ કરો અને પ્રેમ બતાવો. યહોવાહ પરમેશ્વર અને ઈસુ ખ્રિસ્તે પોતાના વફાદાર સેવકોની કદર કરી, પ્રશંસા કરી અને તેઓને આશીર્વાદ આપ્યો. (૧ રાજા ૩:૧૦-૧૪; અયૂબ ૪૨:૧૨-૧૫; માર્ક ૧૨:૪૧-૪૪; યોહાન ૧૨:૩-૮) પૂર્વના દેશમાં રહેતી એક બહેન તેમના પતિ યહોવાહના સેવક બન્યા પછી આમ કહે છે, “પહેલા અમે બંને બહાર જતા ત્યારે, મારા પતિ હંમેશા મારાથી ત્રણ-ચાર પગલાં આગળ ચાલતા. બધો સામાન પણ મારે જ ઉઠાવવો પડતો. પરંતુ હવે તે બદલાઈ ગયા છે. તે પોતે સામાન ઉઠાવે છે અને હું જે કંઈ કરું છું, એની કદર બતાવે છે!” આમ, પત્નીની કદર કરીને પ્રશંસા કરવામાં આવે તો, તેને ખૂબ ગમે છે અને તે સલામતી અનુભવે છે.—નીતિવચન ૩૧:૨૮.

૧૦, ૧૧. યહોવાહ પરમેશ્વર કઈ રીતે ઈસ્રાએલના હઠીલા લોકો સાથે વર્ત્યા, અને એનાથી માબાપ શું શીખી શકે?

૧૦ બાળકો સાથેના વર્તનમાં, ખાસ કરીને તેઓને ઠપકો આપતા હોય ત્યારે, માબાપે યહોવાહ પરમેશ્વરનું અનુકરણ કરવું જોઈએ. ‘યહોવાહે દરેક પ્રબોધક મારફતે ઈસ્રાએલ તથા યહુદાહને દુષ્ટ માર્ગોથી પાછા ફરવા’ જણાવ્યા કર્યું, પરંતુ તેઓ હઠીલા થઈ ગયા હતા. (૨ રાજા ૧૭:૧૩-૧૫) ઈસ્રાએલીઓએ ‘પોતાના શબ્દોથી પરમેશ્વરની ખુશામત કરી, અને પોતાની જીભે તેની આગળ જૂઠું બોલ્યા.’ તેઓએ ‘પરમેશ્વરની પરીક્ષા કરી’ અને યહોવાહ પરમેશ્વરને માઠું લગાડ્યું, તેમનું દિલ દૂભાવ્યું. આજે ઘણાં માબાપને પણ આવો જ અનુભવ થાય છે. તોપણ, યહોવાહ દેવે “દયા દર્શાવી તેઓનાં પાપોની ક્ષમા આપી અને તેઓનો નાશ કર્યો નહિ.”—ગીતશાસ્ત્ર ૭૮:૩૬-૪૧, IBSI.

૧૧ યહોવાહ દેવે ઈસ્રાએલીઓને વિનંતી કરી: “આવો, આપણે વિવાદ કરીએ: તમારાં પાપ જોકે લાલ વસ્ત્રના જેવાં હોય, તો પણ તેઓ હિમ સરખાં શ્વેત થશે.” (યશાયાહ ૧:૧૮) યહોવાહે કોઈ જ ભૂલ કરી ન હતી, છતાં તેમણે મામલો થાળે પાડવા પહેલ કરી. માબાપ માટે કેવું સુંદર ઉદાહરણ! માબાપો, આવા કોઈ સંજોગો ઊભા થાય ત્યારે તમે પહેલ કરો. બાળકોની વાત પૂરેપૂરી સાંભળીને તેઓને માન આપો. પછી તેઓને શાંતિથી સમજાવો કે ક્યાં સુધારો કરવાની જરૂર છે.

૧૨. (ક) શા માટે આપણે યહોવાહ પરમેશ્વર કરતાં બાળકોને વધારે માન ન આપવું જોઈએ? (ખ) બાળકોને ઠપકો આપતી વખતે તેઓનું માન જાળવી રાખવા શું ધ્યાનમાં રાખવાનું છે?

૧૨ ઘણી વાર બાળકોને સખત ઠપકો આપવાની જરૂર હોય છે. એ સંજોગોમાં માબાપે એલી જેવા બનવું ન જોઈએ, જેણે ‘યહોવાહ પરમેશ્વર કરતાં દીકરાઓનું વધારે માન રાખ્યું.’ (૧ શમૂએલ ૨:૨૯) એ જ સમયે, માબાપ બાળકોને સુધારવા ઠપકો આપે છે ત્યારે, બાળકોને એ દેખાઈ આવવું જોઈએ કે એ તેઓના લાભમાં છે અને માબાપ તેઓને ચાહે છ. એટલે જ માબાપ બાળકમાં સુધારો લાવવા સલાહ કે ઠપકો આપે છે. છતાં, પાઊલ પિતાઓને સલાહ આપે છે: “પિતાઓ, તમારાં છોકરાંને ચીડવો નહિ; પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો.” (એફેસી ૬:૪) એ સાચું છે કે માબાપને બાળકો પર અધિકાર આપવામાં આવ્યો છે. પરંતુ પિતાએ આ સલાહ ધ્યાનમાં રાખવાની છે કે, તે કદી હદ ઉપરાંત કઠોર બનીને બાળકોને ચીડવશે નહિ. બાળકો સાથે માનથી વર્તવા માબાપે વધારે સમય ફાળવવો પડે કે પ્રયત્ન પણ કરવો પડે. છતાં, એ મહેનત પાણીમાં નહિ જાય, એનાં ફળ જરૂર મળશે.

૧૩. કુટુંબના વૃદ્ધ પ્રિયજનો વિષે બાઇબલ શું જણાવે છે?

૧૩ કુટુંબના સભ્યોને માન આપવામાં ફક્ત પત્ની અને બાળકોનો જ સમાવેશ થતો નથી. એક જાપાની કહેવત છે કે, “ઘડપણમાં તમારા બાળકોનું સાંભળો.” એટલે કે ઘડપણમાં માબાપે પોતાનાં ‘બાળકો’ પર વધારે પડતો અધિકાર જમાવવો જોઈએ નહિ. પરંતુ, તેઓનું સાંભળવું જોઈએ. બાઇબલ પણ માબાપને બાળકોની વાત સાંભળીને તેઓને માન આપવાનું કહે છે. છતાં એનો અર્થ એવો નથી કે, બાળકો કુટુંબના ઘરડા સભ્યો સાથે મન ફાવે એવું વર્તન કરે. નીતિવચન ૨૩:૨૨ કહે છે, “તારી મા વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ.” આ લખનાર રાજા સુલેમાન પણ પોતાની માતાને માન આપતા હતા. સુલેમાનની માતા બાથ-શેબા તેમને વિનંતી કરવા આવી ત્યારે, તેમણે પોતાના રાજ્યાસનની બાજુમાં જ રાજમાતાને સારું એક આસન મૂકાવ્યું. તેમ જ, વૃદ્ધ માતાએ જે કહ્યું એ ધ્યાનથી સાંભળ્યું.—૧ રાજા ૨:૧૯, ૨૦.

૧૪. મંડળના વૃદ્ધ સભ્યોને આપણે કઈ રીતે માન આપી શકીએ?

૧૪ પરમેશ્વર યહોવાહના ભક્તોનું મંડળ એક મોટા પરિવાર જેવું છે. એમાં પણ આપણે મોટી ઉંમરના ભાઈ-બહેનોને માન આપવામાં પહેલ કરવી જોઈએ. (રૂમી ૧૨:૧૦) તેઓ જે કરવા ચાહે છે, એ ઘડપણને કારણે કરી શકતા નથી. તેથી, તેઓ બહુ જ નિરાશ થઈ શકે. (સભાશિક્ષક ૧૨:૧-૭) એક મોટી ઉંમરના અભિષિક્ત બહેન ખૂબ બીમાર હતા. તેમણે કહ્યું કે, “હું જલદી જ મરવા માંગુ છું, જેથી સ્વર્ગમાં જઈને ફરીથી કામ શરૂ કરી શકું.” આવા ભાઈ-બહેનોને આપણે આદર અને માન આપીએ, તો તેઓને ઘણી જ મદદ મળે છે. ઈસ્રાએલીઓને આજ્ઞા આપવામાં આવી હતી: “તું પળિયાંવાળા માથાની સમક્ષ ઊભો થા, ને વૃદ્ધ માણસના મોંને માન આપ.” (લેવીય ૧૯:૩૨) વૃદ્ધ ભાઈ-બહેનો સાથે આપણે એવી રીતે વર્તીએ, જેથી તેઓ અનુભવી શકે કે આપણને તેઓની જરૂર છે, અને આપણે તેઓની કદર કરીએ છીએ. તેઓ ‘સમક્ષ ઊભા થવાનો’ અર્થ એમ પણ થાય છે કે તેઓની પાસે બેસીને તેઓના અનુભવો સાંભળવા. એનાથી તેઓને માન મળશે, અને આપણે પણ એ અનુભવોમાંથી ઘણું શીખી શકીશું.

માન આપવામાં પહેલ કરો

૧૫. મંડળના સર્વ ભાઈ-બહેનોને માન આપવા વડીલો શું કરી શકે?

૧૫ વડીલો સારું ઉદાહરણ બેસાડે છે ત્યારે મંડળમાં પ્રગતિ થાય છે. (૧ પીતર ૫:૨, ૩) એ સાચું છે કે વડીલો પાસે હંમેશા ઘણું કામ હોય છે. છતાં, પ્રેમાળ વડીલો પહેલ કરીને મંડળના નાના-મોટા સર્વની સાથે મિત્રતા બાંધશે. તેઓને કોઈ મુશ્કેલી હોય તો વડીલો ધ્યાનથી સાંભળશે. આ ઉપરાંત, ભાઈ-બહેનો પોતાના સંજોગો પ્રમાણે જે કરે છે, એની વડીલો ખરેખર પ્રશંસા કરશે. આમ, વડીલ કોઈ ભાઈ-બહેનની સેવાની કદર કરીને પ્રશંસા કરે છે ત્યારે, તે યહોવાહ પરમેશ્વરને અનુસરે છે, જે પોતાના સેવકોની કદર કરે છે.

૧૬. મંડળમાં વડીલો અને બીજાઓને શા માટે એકસરખું માન આપવું જોઈએ?

૧૬ યહોવાહ પરમેશ્વરનું અનુકરણ કરવાથી, વડીલો પાઊલની આ સલાહ લાગુ પાડવામાં સુંદર નમૂનો પૂરો પાડે છે: “ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે છે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો; માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો.” (રૂમી ૧૨:૧૦) જે દેશોમાં હોદ્દાને માન આપવામાં આવતું હોય, ત્યાં વડીલોએ આ સલાહ પાળવા વધારે મહેનત કરવી પડશે. દાખલા તરીકે, પૂર્વના એક દેશમાં “ભાઈ” માટે બે શબ્દો છે. એક બહુમાન માટે, અને બીજો સામાન્ય રીતભાતમાં ઉપયોગ કરવામાં આવે છે. લગભગ અત્યાર સુધી મંડળના ભાઈ-બહેનો, વડીલો તથા બીજા જવાબદાર ભાઈઓને બહુમાનથી બોલાવતા હતા, જ્યારે બાકીના ભાઈઓને સામાન્ય રીતે બોલાવતા હતા. પછી તેઓને ઉત્તેજન આપવામાં આવ્યું કે, બધા ભાઈઓને સામાન્ય રીતભાતથી બોલાવવામાં આવે, જેમ ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું કે “તમે સઘળા ભાઈઓ છો.” (માત્થી ૨૩:૮) જો કે બીજા દેશોમાં આવું જોવા મળતું નથી છતાં, મંડળમાં આવો ભેદભાવ રાખવામાં ન આવે માટે આપણે હંમેશા સાવધ રહેવું જોઈએ.—યાકૂબ ૨:૪.

૧૭. (ક) શા માટે વડીલોએ ભાઈ-બહેનો સાથે મિત્રતા બાંધવી જોઈએ? (ખ) મંડળના ભાઈ-બહેનો સાથેના વર્તનમાં વડીલો કઈ રીતે યહોવાહ પરમેશ્વરનું અનુકરણ કરી શકે?

૧૭ પાઊલે અમુક વડીલોને “બમણા માનપાત્ર” ગણવા જણાવ્યું. છતાં, તેઓ પણ આપણા ભાઈઓ જ છે. (૧ તીમોથી ૫:૧૭) આપણે વિશ્વના સર્વોપરી, યહોવાહ પરમેશ્વર પાસે હિંમતથી પહોંચી જતા હોય તો, તેમને અનુસરનારા વડીલો પાસે કેમ ન જઈ શકીએ? (હેબ્રી ૪:૧૬; એફેસી ૫:૧) એ જ સમયે, નિરીક્ષકોએ પણ પોતાને પૂછવાની જરૂર છે કે, પોતે કેટલા પ્રેમાળ છે. તેઓ પ્રેમાળ હશે તો ભાઈ-બહેનો સરળતાથી તેમની પાસે જઈને સલાહ માંગી શકશે કે કોઈ સૂચન આપી શકશે. યહોવાહ પરમેશ્વર પોતાના કાર્યમાં બીજાઓનો જે રીતે ઉપયોગ કરે છે એમાંથી વડીલો ઘણું શીખી શકે. યહોવાહ પરમેશ્વર બીજાને જવાબદારી સોંપીને માન આપે છે. કોઈ ભાઈ-બહેને કરેલાં સૂચન એટલાં મદદરૂપ ન હોય, તોપણ એ સૂચનો માટે વડીલોએ તેઓની પ્રશંસા કરવી જોઈએ. યાદ કરો કે ઈબ્રાહીમે પ્રશ્નો પૂછયા અને હબાક્કૂકે કાલાવાલા કર્યા ત્યારે, પરમેશ્વર યહોવાહ તેઓ સાથે કઈ રીતે વર્ત્યા હતા.

૧૮. ભાઈ-બહેનોને સુધારો કરવા મદદ કરતી વખતે વડીલો કઈ રીતે યહોવાહનું અનુકરણ કરી શકે?

૧૮ એ ખરું છે કે કેટલાક ભાઈ-બહેનોને સુધારો કરવાની જરૂર હોય છે. (ગલાતી ૬:૧) છતાં, યહોવાહ પરમેશ્વરની નજરમાં તેઓ કીમતી છે અને આપણે તેઓને માન આપવું જોઈએ. યહોવાહ પરમેશ્વરનો એક સેવક કહે છે, “સલાહ આપનારી વ્યક્તિ મારી સાથે માનથી વર્તે છે ત્યારે, હું સહેલાઈથી એ સ્વીકારી શકુ છું.” આમ, સલાહ આપતી વખતે આદરપૂર્વક વર્તવામાં આવે તો, મોટા ભાગના લોકો એને સ્વીકારે છે. જો કે એમાં વધારે સમય લાગી શકે, પરંતુ ભૂલ કરનારની પૂરેપૂરી વાત સાંભળવામાં આવે તો, તેમને જરૂરી સલાહ સ્વીકારવી સહેલી લાગી શકે. ઈસ્રાએલીઓ પર કૃપા રાખીને યહોવાહ દેવે તેઓને પણ વારંવાર સમજાવ્યા હતા. (૨ કાળવૃત્તાંત ૩૬:૧૫; તીતસ ૩:૨) આમ, માનપૂર્વક અને પ્રેમથી આપવામાં આવેલી સલાહ વ્યક્તિના હૃદય સુધી પહોંચશે.—નીતિવચન ૧૭:૧૭; ફિલિપી ૨:૨, ૩; ૧ પીતર ૩:૮.

૧૯. યહોવાહ પરમેશ્વરના ભક્તો નથી એવા લોકો સાથે પણ આપણે કેવું વર્તન રાખવું જોઈએ?

૧૯ મંડળમાં આવનારી નવી વ્યક્તિઓને પણ આપણે આદર આપવો જોઈએ. કદાચ તેઓ પણ ભવિષ્યમાં આપણા ભાઈ-બહેન બને. તેઓ ઝડપથી પ્રગતિ કરી રહ્યા ન હોય તોપણ, આપણે ધીરજ રાખીને તેઓને માન આપવું જોઈએ. યહોવાહ ચાહે છે કે “કોઈનો નાશ ન થાય પણ સઘળાં પશ્ચાતાપ કરે.” (૨ પીતર ૩:૯) શું આપણે પણ એમ જ ન વિચારવું જોઈએ? આપણે લોકો સાથે હળીમળીને રહીશું તો, તેઓને યહોવાહ પરમેશ્વર વિષે શીખવી શકીશું. પરંતુ એ પણ ધ્યાનમાં રાખીશું કે આપણે ખરાબ સંગત ન કરીએ. (૧ કોરીંથી ૧૫:૩૩) છતાં, જેઓ યહોવાહ પરમેશ્વરના ભક્તો નથી, તેઓ પ્રત્યે “માયાળુ” બનીને તેઓને માન આપીએ.—પ્રેરિતોનાં કૃત્યો ૨૭:૩, પ્રેમસંદેશ.

૨૦. યહોવાહ અને ઈસુનું ઉદાહરણ આપણને શું કરવા પ્રેરે છે?

૨૦ ખરેખર, યહોવાહ પરમેશ્વર અને ઈસુ ખ્રિસ્ત આપણને દરેકને માન આપે છે. આપણે હંમેશા યાદ રાખીએ કે તેઓ સર્વની સાથે કઈ રીતે વર્તે છે. તેમ જ, આપણે બધાને માન આપવામાં પહેલ કરીએ. ચાલો આપણે પ્રભુ ઈસુના શબ્દો કદી ન ભૂલીએ: “તમે સઘળા ભાઈઓ છો.”—માત્થી ૨૩:૮.

તમારો જવાબ શું છે?

• મંડળના ભાઈ-બહેનો પ્રત્યે તમે કેવું વલણ રાખો છો?

• યહોવાહ પરમેશ્વર અને ઈસુ ખ્રિસ્ત તમને કઈ રીતે બીજાઓને માન આપવા પ્રેરે છે?

• કઈ રીતે પતિ અને માબાપ બીજાઓને આદર આપી શકે?

• વડીલો મંડળના ભાઈ-બહેનો સાથે કેવો વ્યવહાર રાખશે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૮ પર ચિત્ર]

તમારી પત્નીના વખાણ કરીને તેને માન આપો

[પાન ૧૮ પર ચિત્ર]

બાળકોને ધ્યાનથી સાંભળીને તેઓને માન આપો

[પાન ૧૮ પર ચિત્ર]

મંડળના ભાઈ-બહેનોનું માન જાળવવાથી, તેઓ સહેલાઈથી સલાહનો સ્વીકાર કરે છે