સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

રોબીનસન ક્રૂસોમાં પ્રચારકાર્ય

રોબીનસન ક્રૂસોમાં પ્રચારકાર્ય

રોબીનસન ક્રૂસોમાં પ્રચારકાર્ય

ચીલી થી લગભગ ૬૪૦ કિલોમીટર દૂર, પૅસિફિક સમુદ્રમાં નાના નાના સંખ્યાબંધ ટાપુઓ જોવા મળે છે, એમાંના ત્રણ ટાપુઓનો એક સમૂહ જેને જોઆન ફર્નાન્ડીઝ કહેવામાં આવે છે. * વળી, એમાંના એકને રોબીનસન ક્રૂસો કહેવામાં આવે છે. અઢારમી સદીમાં દાનીયેલ ડીફોએ રોબીન ક્રૂસો નામની પ્રખ્યાત અંગ્રેજી નવલકથા લખી હતી. આ ૯૩ કિલોમીટર ચોરસ ટાપુને એના પરથી નામ આપવામાં આવ્યું છે. જોકે, એ નવલકથા સ્કોટિશ માણસ એલેક્ઝાંડર સેલકર્ક પર લખવામાં આવી છે. તે પોતે આ ટાપુ પર લગભગ ચાર વર્ષ સુધી એકલો હતો.

ટાપુ પરનું લાકડાનું પાટિયું બતાવે છે કે: “સ્કોટિશ નાવિક એલેક્ઝાંડર સેલકર્ક, તે આ જગ્યાએ ચાર વર્ષ સુધી એકલો રાહ જોઈ રહ્યો હતો. જેથી, કોઈક નાવડી દેખાય તો તેને આ એકલવાયા વિસ્તારમાંથી લઈ જાય.” છેવટે, સેલકર્કને પાછો પોતાના વતનમાં લઈ જવામાં આવ્યો. એ નાના બગીચા જેવા ટાપુ પર રહ્યા પછી તેને પોતાના વતનમાં જરાય ગમતું ન હતું. સમય જતાં તેણે આમ કહ્યું: “ઓહ, મારા પ્રિય ટાપુ! મેં તને છોડ્યો ન હોત તો સારૂ હોત!”

સમય જતાં એ ટાપુ પર ગુનેગારોને મોકલવામાં આવતા હતા. કૅથલિક ચર્ચની વિરુદ્ધ કોઈ પણ પાપ કરે તેઓને કાળાપાણીની સજા કરવા ત્યાં લઈ જવામાં આવતા. સેલકર્ક જે ટાપુને સુંદર બગીચા તરીકે જાણતા હતા એ હવે જેલમાં ફેરવાઈ ગયો હતો! છતાં, હાલમાં એ ટાપુના રહેવાસીઓ જે શાંતિનો આનંદ માણે છે, એ બીજે કયાંય નથી. બીજા ટાપુઓની જેમ અહીંનું જીવન આરામદાયક છે, તેથી સહેલાઈથી લોકો સાથે વાત થઈ શકે છે.

સરકારી નોંધ પ્રમાણે રોબીનસન ક્રૂસોમાં લગભગ ૫૦૦ લોકો રહે છે. પરંતુ, ત્યાં લગભગ વર્ષ દરમિયાન ફક્ત ૪૦૦ લોકો હોય છે. કારણ કે, કેટલીક માતાઓ અને તેઓનાં બાળકો શાળાનાં વર્ષો દરમિયાન ચિલીમાં રહે છે. તેઓ શાળાની રજાઓમાં કુટુંબ સાથે ટાપુ પર રહેવા આવે છે.

રોબીનસન ક્રૂસોમાં બગીચા જેવું રમણીય વાતાવરણ હોય છે. છતાં, ત્યાંના રહેવાસીઓ પરમેશ્વરના જ્ઞાનના ખૂબ જ ભૂખ્યા છે. તેથી, બીજાઓને લાગ્યું કે તેઓની પરમેશ્વરના જ્ઞાનની ભૂખ સંતોષવી જોઈએ.

ભૂખ દૂર કરવામાં આવી

વર્ષ ૧૯૭૯થી ત્યાં પ્રચારકાર્ય શરૂ થયું. ચિલી, સૅંટિયાગોમાં એક સ્ત્રી યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ વિષે શીખતી હતી. પછી તે આ ટાપુ પર રહેવા ગઈ અને ત્યાં બીજાઓને બાઇબલમાંથી શીખવવા લાગી. અમુક સમય પછી એક મંડળના વડીલ કંપનીના કોઈ કામ માટે એ ટાપુ પર આવ્યા. ત્યાં તેમને એ જાણીને આશ્ચર્ય થયું કે, એ સ્ત્રી એક નાના વૃંદને યહોવાહ પરમેશ્વર વિષે શીખવી રહી હતી. વડીલે ત્રણ મહિના પછી ફરી એ ટાપુની મુલાકાત લીધી ત્યારે, આ બાઇબલ શિક્ષક અને બીજી બે વ્યક્તિઓ બાપ્તિસ્મા માટે તૈયાર હતી. તેથી એ વડીલે તેઓને બાપ્તિસ્મા આપ્યું. થોડા સમય પછી બાપ્તિસ્મા પામેલા એક બહેને લગ્‍ન કર્યાં. પછી તે તેમના પતિ સાથે પરમેશ્વરનું જ્ઞાન બીજા ભૂખ્યા લોકોને પહોંચાડવા નીકળ્યા. તેમના પતિએ સભા માટે સાદો હોલ બાંધવામાં આગેવાની લીધી. હવે એ ટાપુ પરના યહોવાહના સાક્ષીઓ ત્યાં સભા માટે ભેગા મળે છે. સમય જતાં, આર્થિક કારણોસર તેઓ રોબીનસન ક્રૂસો ટાપુ છોડીને ચિલી સેન્ટ્રલ મંડળમાં ગયા.

ધીમે ધીમે બીજાઓની પરમેશ્વરના જ્ઞાન વિષેની ભૂખ સંતોષાતી ગઈ તેમ એ ટાપુ પરનું નાનું વૃંદ વધતું ગયું. છતાં, ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓને શહેરમાં જવું પડતું હતું. તેથી, વૃંદમાં ફક્ત બે બાપ્તિસ્મા પામેલી બહેનો અને એક નાની છોકરી રહી ગયા. શાળાની રજાઓમાં કેટલીક માતાઓ ટાપુ પર પાછી આવે ત્યારે વૃંદમાં વધારો થતો. તેથી, આખું વર્ષ એકલી રહેતી આ ત્રણ ખ્રિસ્તી બહેનોને બીજી બહેનો પાસેથી ઘણું ઉત્તેજન મળતું. આ બહેનોની સખત મહેનતથી આખા ટાપુ પર યહોવાહના સાક્ષીઓ જાણીતા બન્યા છે. જોકે, ટાપુના અમુક લોકોએ તેઓનો વિરોધ કર્યો. છતાં, નમ્ર લોકો સત્ય સ્વીકારી રહ્યા છે.

સત્યમાં દૃઢ કરવામાં આવ્યા

વર્ષમાં એક વાર પ્રવાસી નિરીક્ષક આ ટાપુની મુલાકાત લે છે. આ ટાપુ પરના થોડા સાક્ષીઓની મુલાકાતે જવું શાના જેવું છે? એક પ્રવાસી નિરીક્ષકે રોબીનસન ક્રૂસો ટાપુની પહેલી મુલાકાતનું આ રીતે વર્ણન કર્યું:

“આ મુલાકાત અદ્‍ભુત હતી. અમે વાલ્પારાઈસાથી સૅંટિયાગો સીરીઓસ હવાઇમથકે જવા નીકળ્યા ત્યારે સવારના સાત વાગ્યા હતા. સાત માણસો બેસી શકે એટલા નાના વિમાનમાં અમે બેઠા. બે કલાક અને પિસ્તાળીસ મિનિટ પછી અમે દૂર વાદળોમાં પહાડની ટોચ જોઈ. અમે નજીક આવતા ગયા તેમ સમુદ્રની વચ્ચે ખૂબ જ સુંદર પહાડીવાળો ટાપુ દેખાવા લાગ્યો. એ દરિયામાં ભૂલા પડેલા વહાણ જેવો લાગતો હતો.

“વિમાનમાંથી ઉતર્યા પછી, હોડીમાં બેસીને અમે ગામમાં ગયા. દરિયામાં જ્યાં ત્યાં નાના નાના ટાપુઓ આવેલા છે. ત્યાં વાન ફરનાડઝ સીલ રહે છે. આ સુંવાળી ચામડીવાળી સીલનો શિકાર કરવાની મનાઈ છે, કારણ કે એની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. નાવડી પાસેથી ઓચિંતું ઝડપથી કંઈક પસાર થઈને પાણીમાં પાછું ચાલ્યું ગયું. એ એક ઊડતી માછલી હતી, જેનાં પાંખિયાં પક્ષીની પાંખને મળતાં આવે છે. એવું લાગતું હતું કે, પાણી બહારના જીવજંતુઓને કૂદકો મારીને પકડવામાં એને આનંદ આવે છે. જોકે, કેટલીક વાર એ પાણીમાંથી બહાર જીવજંતુઓને પકડવા આવે છે ત્યારે બીજા શિકારીઓ તેનો શિકાર કરવા તૈયાર હોય છે.

“છેવટે, સેન જૂઆન બુટીસ્ટા જેને (સેન્ટ જોન ધ બાપ્ટિસ્ટ) કહેવાય છે ત્યાં અમે પહોંચ્યા. ત્યાંના ઘણા રહેવાસીઓ બંદર પર ઊભેલા હતા. તેઓ કદાચ કોઈ મહેમાનોની રાહ જોઈ રહ્યા હતા. એલ યુન્કા પર્વતનું સુંદર વિશાળ શિખરનું દૃશ્ય જોવામાં અમે મગ્‍ન થઈ ગયા હતા. એની પર જાણે ઘાટા લીલા રંગની મખમલની જાજમ પથરાયેલી હોય એમ લાગતું હતું. એ સમયે આસમાની આકાશ અને સફેદ વાદળો છવાયેલાં હતાં.

“અમે જોયું કે બંદર પર આપણી ખ્રિસ્તી બહેનો અને તેઓનાં બાળકો અમારી રાહ જોઈ રહ્યાં હતાં. એ રજાઓનો સમય હતો તેથી મોટું ટોળું હતું. તેઓને મળ્યા પછી અમને આકર્ષક કૅબિનમાં લઈ જવામાં આવ્યા, જ્યાં અમે એક અઠવાડિયા માટે રહેવાના હતા.

“એ અમારા માટે એક ખાસ સપ્તાહ હતું. અમે જાણતા હતા કે એ જલદી જ પસાર થઈ જશે. તેથી અમારે સમયનો સદુપયોગ કરવાની જરૂર હતી. ત્યાં પહોંચ્યા એ જ બપોરે ભોજન પછી અમે એક બાઇબલ વિદ્યાર્થીનીની મુલાકાત લીધી, જે જલદી જ એક યહોવાહની સાક્ષી બનવાની હતી. તે લાંબા સમયથી બાપ્તિસ્મા માટે રાહ જોઈ રહી હતી. હવે બાપ્તિસ્મા લેવા માટે સમય આવી રહ્યો હતો. પ્રથમ અમે તેની સાથે અમુક જરૂરી ચર્ચા કરી, જેથી તે પ્રચારકાર્યમાં ભાગ લઈ શકે. બીજા દિવસે, પહેલી વાર તે પ્રચારકાર્યમાં આવી. ત્રીજા દિવસે, બાપ્તિસ્માની લાયકાત વિષે તે બહેન સાથે અમે ચર્ચા કરી. પછી એ સપ્તાહના અંત પહેલાં તે બાપ્તિસ્મા પામી.

“સપ્તાહ અંતે રાખવામાં આવેલી સભામાં ૧૪ લોકો આવ્યા હતા. દરરોજ પ્રચારકાર્યમાં જવા અને ઉત્તેજન આપવા માટે ગોઠવણ કરવામાં આવી હતી. આખું વર્ષ એકલી બહેનો પોતાની જાતે પ્રચાર કરે છે. તેથી તેઓને આ ગોઠવણથી કેટલું ઉત્તેજન મળ્યું હશે!”

ટાપુ પરના પુરુષો માટે સત્ય સ્વીકારવું ખૂબ મુશ્કેલ છે. કારણ કે, તેઓને સખત કામ કરવું પડે છે. તેઓનું મૂળ કામ કરચલા પકડવાનું છે, એ ઘણો સમય માંગી લે છે. તેમ જ પૂર્વગ્રહણના કારણે તેઓ સત્યમાં રસ બતાવતા નથી. છતાં, એવી આશા રાખવામાં આવે છે કે, ભાવિમાં ટાપુ પરના બીજા સ્ત્રીપુરુષો પણ યહોવાહના સાક્ષીઓ બનશે.

એ ટાપુ પરથી અત્યાર સુધીમાં દસ વ્યક્તિઓએ યહોવાહ દેવના હેતુઓ વિષે જાણ્યા પછી સત્ય સ્વીકાર્યું છે. તેઓમાંના કેટલાક વિવિધ કારણોસર એ ટાપુને છોડીને બીજે રહેવા ગયા છે. પરંતુ, તેઓ હવે ગમે ત્યાં રહે એમાં કંઈ વાંધો નથી. કારણ કે તેઓ હવે જૂઠા ધર્મોમાંથી બહાર નીકળી આવ્યા છે. અને હવે તેઓ પરમેશ્વર યહોવાહની બગીચા જેવી આત્મિક સંસ્થામાં આનંદ માણે છે. ત્યાં બગીચા જેવા સુંદર ટાપુ પર બહેનો અને તેમનાં બાળકો હમણાં આનંદ માણી રહ્યા છે. પરંતુ, જ્યારે સમગ્ર પૃથ્વી પારાદેશ કે બગીચા જેવી બની જશે ત્યારે એનાથી પણ વધારે તેઓ આનંદ માણશે.

પ્રચારકાર્ય ચાલુ જ છે

ભૌગોલિક રીતે આ રોબીનસન ક્રૂસો ટાપુના યહોવાહના સાક્ષીઓનું નાનું વૃંદ પોતાના ખ્રિસ્તી ભાઈબહેનોથી ઘણું દૂર છે. છતાં, તેઓ સ્કોટિશ સેલકર્કની જેમ તરછોડાયેલા હોય એવું લાગતું નથી. વર્ષમાં ત્રણ વાર યહોવાહના સાક્ષીઓની ચિલીની શાખા તેઓને બાઇબલ આધારિત સાહિત્ય, સંમેલન અને મહાસંમેલનોની વિડિયો મોકલાવે છે. તેમ જ પ્રવાસી નિરીક્ષક વર્ષમાં એક વાર તેઓની મુલાકાત લે છે. તેથી, તેઓને યહોવાહના સંગઠન સાથે ગાઢ સંબંધ જાળવી રાખવા મદદ મળે છે. આમ તેઓ ‘પૃથ્વી પરના ભાઈઓ’ સાથે સંબંધ રાખી શકે છે.—૧ પીતર ૫:૯.

[ફુટનોટ]

^ ટાપુનું કાયદેસર નામ માસ અ ટેરા છે.

[નકશો/પાન ૯ પર ચિત્ર]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

ચિ લી

સૅંટિયાગો

રોબીનસન ક્રૂસો ટાપુ

સેન જૂઆન બુટીસ્ટા

એલ યુન્કા

પૅસિફિક મહાસાગર

સાન્તા ક્લારા ટાપુ

[ચિત્ર]

એલ યુન્કા નામનો ભવ્ય પહાડ

[ક્રેડીટ લાઈન]

Map of Chile: Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.

[પાન ૮, ૯ પર ચિત્ર]

અમે નજીક આવતા ગયા તેમ સમુદ્રની વચ્ચે ખૂબ જ સુંદર પહાડીવાળો ટાપુ દેખાવા લાગ્યો

[પાન ૯ પર ચિત્ર]

સેન જોઆન બુટીસ્ટા ગામ (સેન્ટ જોન ધ બાપ્ટિસ્ટ)

[પાન ૯ પર ચિત્ર]

જોઆન ફર્નાન્ડીઝ નાના ટાપુઓમાં રુંવાટીવાળી સીલ રહે છે

[પાન ૧૦ પર ચિત્ર]

અમે સૅંટિયાગો, ચિલીથી નાના વિમાનમાં ઊડ્યા

[પાન ૧૦ પર ચિત્ર]

રોબીનસન ક્રૂસો ટાપુનો ખરબચડો કિનારો

[પાન ૧૦ પર ચિત્ર]

સભા માટે ટાપુ પરનો સાદો હોલ