સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે નાસ્તિક છો?

શું તમે નાસ્તિક છો?

શું તમે નાસ્તિક છો?

કો ઈ એમ કહે કે ‘હું ફક્ત દૃશ્ય બાબતોમાં જ વિશ્વાસ કરું છું’ તો, તે સાચું બોલતો નથી. કેમ કે આપણે સર્વ અદૃશ્ય બાબતોમાં વિશ્વાસ કરીએ છીએ.

દાખલા તરીકે, તમે શાળામાં ચુંબકના આકર્ષણને સાબિત કરવા પ્રયોગ કર્યો હશે. કદાચ પ્રયોગ આ પ્રમાણે હતો: તમે લોખંડના ભૂક્કાને કાગળ પર પાથર્યો. ત્યાર પછી કાગળ નીચે ચુંબકને ફેરવ્યું. તમે જોયું કે કાગળના હલવાથી લોખંડનો ભૂક્કો ચુંબકવાળી જગ્યાએ ભેગો થઈ જાય છે. શું આ પ્રયોગ દરમિયાન ખરેખર તમે ચુંબકના આકર્ષણને જોયું હતું? ના, પરંતુ લોખંડનો ભૂક્કો ભેગો થયો ત્યારે તમે એનું પરિણામ જોયું. આનાથી તમે ચુંબકના આકર્ષણ વિષેની સાબિતી મેળવો છો.

એવી જ રીતે ઘણી બાબતોને આપણે જોયા વગર જ માનીએ છીએ. આપણે કોઈ સુંદર ચિત્ર કે શિલ્પકૃતિ જોઈએ છીએ ત્યારે એને બનાવનાર ચિત્રકાર કે શિલ્પકાર છે કે નહિ એ વિષે શંકા કરતા નથી. એથી આપણે પાણીનો ધોધ કે સૂર્યાસ્ત જોઈએ ત્યારે શું એમ વિચારવું ન જોઈએ કે એ પણ કોઈ મહાન ચિત્રકાર કે શિલ્પકારની કળા છે?

શા માટે ઘણા માનતા નથી

ચર્ચમાં શીખવવામાં આવતી માન્યતાઓને લીધે ઘણા લોકો પરમેશ્વરમાં માનવાનું છોડી દે છે. નૉર્વેમાં રહેતા એક માણસ સાથે પણ એમ જ થયું. તેને શીખવવામાં આવ્યું હતું કે દુષ્ટ લોકોને પરમેશ્વર ધગધગતા નર્કમાં નાખે છે. આ માણસ સમજી શકતો ન હતો કે પરમેશ્વર લોકોને કેમ રિબાવે છે. પરિણામે તે નાસ્તિક થઈ ગયો.

પછી આ માણસે યહોવાહના એક સાક્ષી સાથે બાઇબલમાંથી આ વિષય પર ઝીણવટભરી તપાસ કરવાનું શરૂ કર્યું. તેને ખબર પડી કે દુષ્ટોને ધગધગતા નર્કમાં નાખવામાં આવશે એમ બાઇબલ શીખવતું નથી, ત્યારે તેને ખૂબ આશ્ચર્ય થયું. બાઇબલ બતાવે છે કે આપણું મરણ થવું એ ગાઢ નિંદ્રા જેવું છે. કબરમાં આપણને કોઈ પ્રકારનું દુઃખ થતું નથી; આપણે કંઈ પણ જાણતા નથી. (સભાશિક્ષક ૯:૫, ૧૦) આ માણસને એ પણ શીખવા મળ્યું કે જે લોકો પરમેશ્વરની દૃષ્ટિમાં દુષ્ટ છે તેઓનો તે હંમેશ માટે નાશ કરશે. (માત્થી ૧૨:૩૧, ૩૨) બાકી રહેલા મૃતજનોને પરમેશ્વર પોતાના નિયત સમયે સજીવન કરશે. અને તેઓને બગીચા જેવી પૃથ્વી પર હંમેશ માટે જીવવાની તક આપવામાં આવશે. (યોહાન ૫:૨૮, ૨૯; ૧૭:૩) આ ખુલાસાથી તેને સમજણ પડી કે “દેવ પ્રેમ છે.” (૧ યોહાન ૪:૮) આ નમ્ર હૃદયના માણસે બાઇબલનો અભ્યાસ કરવાનું ચાલું રાખ્યું. અને આગળ જતા પરમેશ્વરને પ્રેમ કરવા લાગ્યો.

બીજા ઘણા લોકો બગડતી જતી પરિસ્થિતિ અને અન્યાયને કારણે પરમેશ્વરમાં માનતા નથી. તેઓ સ્વિડનના માણસ સાથે સહમત થઈ શકે કે જેણે આકાશ તરફ જોઈને કહ્યું: “જગતમાં આટલી બધી ભ્રષ્ટતા અને દુષ્ટતા છે તો ત્યાં કેવી રીતે સર્વશક્તિમાન પરમેશ્વર હોઈ શકે?” કોઈ તેના પ્રશ્નનો જવાબ આપી શક્યું નહિ એથી તે પણ નાસ્તિક થઈ ગયો. પછી તેણે યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. લોકો સદીઓથી પૂછે છે એ પ્રશ્નનો જવાબ તેને બાઇબલમાંથી મળ્યો કે શા માટે દેવે યાતનાને પરવાનગી આપી છે? *

આ માણસને સમજાયું કે દુષ્ટતા હોવાનો અર્થ પરમેશ્વર છે જ નહિ એમ થતો નથી. દાખલા તરીકે: એક માણસ માંસ કાપવાના હેતુથી છરી બનાવે છે. ગ્રાહક આવીને એ છરી ખરીદે છે, પરંતુ એનો ઉપયોગ તે માંસ કાપવાને બદલે ખૂન કરવા કરે છે. આમ, છરીના કરવામાં આવેલા દુરુપયોગથી આપણે એમ નહિ કહીએ કે છરીને કોઈએ બનાવી જ નથી. એવી જ રીતે, પૃથ્વીને એક હેતુપૂર્વક બનાવવામાં આવી હતી. પરંતુ એનો હેતુ પ્રમાણે ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેથી એનો અર્થ એમ થતો નથી કે પૃથ્વીના કોઈ ઉત્પન્‍નકર્તા નથી.

બાઇબલ શીખવે છે કે દેવનું કામ સંપૂર્ણ છે. “તેના સર્વ માર્ગો ન્યાયરૂપ છે; . . . તે ન્યાયી તથા ખરો છે.” (પુનર્નિયમ ૩૨:૪) દેવે માણસને ઉત્તમ ભેટો આપી છે. પરંતુ અમુક ભેટોનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાથી આટલી બધી યાતનાઓ છે. (યાકૂબ ૧:૧૭) તેમ છતાં, દેવ યાતનાઓનો અંત લાવશે. ત્યાર પછી, “નમ્ર લોકો દેશનું વતન પામશે; . . . અને તેમાં તેઓ સદાકાળ રહેશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૧૧, ૨૯.

અગાઉ ઉલ્લેખવામાં આવેલા સ્વિડનના માણસને સાથી માનવીઓની યાતનાઓ જોઈને તેઓ પર દયા આવી. ખરેખર, તેની બીજાઓ પ્રત્યેની લાગણીઓ બતાવે છે કે દેવ અસ્તિત્વ ધરાવે છે. કઈ રીતે?

પરમેશ્વરમાં નહિ માનનારા મોટા ભાગના લોકો ઉત્ક્રાંતિમાં માનતા હોય છે. ઉત્ક્રાંતિવાદ શીખવે છે કે સૌથી શક્તિશાળી વ્યક્તિ બચે છે. એથી માનવીઓ અને પ્રાણીઓ પોતાની જાતે બચવાનો પ્રયાસ કરે છે. આમ, શક્તિશાળી જીવે છે; અને નબળાઓ મૃત્યુ પામે છે. તેઓ કહે છે કે એ સ્વાભાવિક પ્રક્રિયા છે. પરંતુ શક્તિશાળીઓ માટે જગ્યા બનાવવા નબળાઓનું મરવું “સ્વાભાવિક” હોય તો, સ્વિડનના એ માણસની જેમ અમુક શક્તિશાળી માનવો બીજાઓને તકલીફમાં જોઈને દુઃખી થાય છે એ બાબતને કઈ રીતે સમજાવી શકાય?

પરમેશ્વરને ઓળખવા

આપણે પરમેશ્વરને જોઈ શકતા નથી, કારણ કે તેમને આપણી જેમ શરીર નથી. તોપણ, પરમેશ્વર ઇચ્છે છે કે આપણે તેમને ઓળખીએ. તેમને ઓળખવા આપણે તેમનાં અદ્‍ભુત કાર્યો, જેમ કે તેમની ઉત્પત્તિનાં “ચિત્રો” અને “શિલ્પકૃતિઓ”નું અવલોકન કરી શકીએ. બાઇબલ રૂમી ૧:૨૦માં જણાવે છે: “તેના [દેવના] અદૃશ્ય ગુણો, એટલે તેનું સનાતન પરાક્રમ અને દેવત્વ, જગત ઉત્પન્‍ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે.” એક ચિત્ર અને એક શિલ્પકૃતિનો ધ્યાનથી અભ્યાસ કર્યા પછી કલાકારના વ્યક્તિત્વ વિષે જાણી શકાય છે. એ જ રીતે પરમેશ્વરનાં અદ્દભુત કાર્યોને ધ્યાનથી જોવાથી આપણને તેમના વ્યક્તિત્વ વિષે જાણવામાં મદદ મળે છે.

એ સાચું છે કે પરમેશ્વરે બનાવેલી સૃષ્ટિને ધ્યાનથી જોવાથી આપણે બધા પ્રશ્નોના જવાબ મેળવી શકતા નથી. પરંતુ આપણે આવા પ્રશ્નોના જવાબ બાઇબલનો અભ્યાસ કરીને મેળવી શકીએ છીએ. અગાઉ ઉલ્લેખ કરવામાં આવેલા બે માણસો એ નિષ્કર્ષ પર આવ્યા કે બાઇબલને પૂર્વગ્રહ રાખ્યા વગર વાંચવાથી એ જાણી શકાય છે કે પરમેશ્વર અસ્તિત્વ ધરાવે છે, તે આપણી નાનામાં નાની બાબતોની પણ કાળજી રાખે છે.

[ફુટનોટ]

^ શા માટે દેવે યાતનાને પરવાનગી આપી છે એ વિષે વધારાની માહિતી મેળવવા વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત શું આપણી કાળજી લે એવા કોઈ ઉત્પન્‍નકર્તા છે? (અંગ્રેજી) પુસ્તકનું પ્રકરણ ૧૦ જુઓ.

[પાન ૨૮ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

J. Hester and P. Scowen (AZ State Univ.), NASA