સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સંપૂર્ણ જીવન - ફક્ત સ્વપ્ન નહિ!

સંપૂર્ણ જીવન - ફક્ત સ્વપ્ન નહિ!

સંપૂર્ણ જીવન - ફક્ત સ્વપ્ન નહિ!

સંપૂર્ણ જગતનો અર્થ શું થાય? એવા જગતની કલ્પના કરો કે જ્યાં ગુના, ડ્રગ્સ, ભૂખમરો અને ગરીબી ન હોય. જ્યાં દરેક જણ સારી તંદુરસ્તીનો આનંદ માણતું હોય. જ્યાં કોઈ પણ પ્રકારનો શોક કે દુઃખ ન હોય, કારણ કે મરણ પણ કાઢી નાખવામાં આવ્યું છે. શું ખરેખર આવા જગતની ઝંખના રાખી શકાય?

આજે ટેકનોલૉજીમાં ઘણી પ્રગતિ થઈ છે. છતાં મોટા ભાગના લોકો એમ માનતા નથી કે માણસ પોતાના જ્ઞાનથી સુખ શાંતિમાં રહે એવું જીવન લાવી શકે. જો કે મનુષ્ય હંમેશા સુધારો કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ફક્ત સ્વપ્નો જોવાથી ઘરની અછત, અપંગતા અને ગરીબી દૂર થઈ જતી નથી. માણસ પોતાની જાતે દુઃખ વગરનું જગત લાવી શકે એમ નથી. આજે ચારેબાજુ જોરજુલમ જોવા મળે છે, છતાં, શાંતિપૂર્ણ જગત જલદી જ આવશે એવું માનવા માટે યોગ્ય કારણ છે.

સંપૂર્ણ જીવનનો વિચાર કરતા જ આપણે મનમાં ઈસુ ખ્રિસ્ત વિષે વિચારી શકીએ. ઈસુ ખ્રિસ્ત એકલા જ કંઈ પૃથ્વી પર સંપૂર્ણ માણસ ન હતા. પરમેશ્વરે આદમ અને હવાને પોતાની પ્રતિમા પ્રમાણે બનાવ્યા પછી તેઓને એદન બાગમાં રાખ્યા હતા. પરંતુ તેઓએ ઉત્પન્‍નકર્તા વિરુદ્ધ બંડ પોકારીને એ સુંદર જીવન ગુમાવ્યું. (ઉત્પત્તિ ૩:૧-૬) તોપણ, ઉત્પન્‍નકર્તાએ મનુષ્યના હૃદયમાં હંમેશ માટે જીવવાની ઇચ્છા મૂકી છે. સભાશિક્ષક ૩:૧૧ પુરાવો આપતા કહે છે: “તેણે [પરમેશ્વરે] દરેક વસ્તુને તેને સમયે સુંદર બનાવી છે; વળી તેણે તેઓનાં હૃદયમાં સનાતનપણું એવી રીતે મૂક્યું છે કે અથથી તે ઈતિ સુધી ઇશ્વરે જે કંઈ કર્યું છે તેનો માણસ પાર પામી શકે નહિ.”

પાપ અને મરણ મનુષ્યને જીવનના “વ્યર્થપણા” અને “નાશના દાસત્વમાં” લઈ જઈ રહ્યાં છે. તેથી પ્રેષિત પાઊલ દિલાસો આપતા કહે છે: “કેમકે સૃષ્ટિની ઉત્કંઠા દેવનાં છોકરાંના પ્રગટ થવાની વાટ જોયાં કરે છે. કારણ કે સૃષ્ટિ પોતાની ઇચ્છાથી નહિ, પણ સ્વાધીન કરનારની ઇચ્છાથી વ્યર્થપણાને સ્વાધીન થઈ; પણ તે એવી આશાથી સ્વાધીન થઈ કે સૃષ્ટિ પોતે પણ નાશના દાસત્વમાંથી મુક્ત થઈને દેવનાં છોકરાંના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે.” (રૂમી ૮:૧૯-૨૧) બાઇબલ સ્પષ્ટપણે બતાવે છે કે, પરમેશ્વરે ઈસુ ખ્રિસ્તના બલિદાન દ્વારા આપણા માટે સંપૂર્ણ જીવનની વ્યવસ્થા કરી છે.—યોહાન ૩:૧૬; ૧૭:૩.

પરમેશ્વર વિષે શીખીને ભાવિની આ અદ્‍ભુત આશાનો આપણે હમણાં લાભ મેળવી શકીએ.

વાજબી બનો

ઈસુ ખ્રિસ્ત માનતા હતા કે સંપૂર્ણતા ખૂબ જ મહત્ત્વની છે. તેથી, તેમણે પોતાના શ્રોતાઓને કહ્યું: “એ માટે જેવો તમારો આકાશમાંનો બાપ સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થશો.” (માત્થી ૫:૪૮) શું ઈસુ એવી અપેક્ષા રાખતા હતા કે, હાલના દુષ્ટ જગતમાં આપણે સંપૂર્ણ બનીએ? ના, જરાય નહિ! આપણે દેવની આજ્ઞા પાળવામાં નિષ્ફળ જઈએ છીએ છતાં, આપણે લોકો પ્રત્યે ઉદારતા, માયાળુપણું અને પ્રેમ જેવા ગુણો વિકસાવવા જોઈએ. ઈસુના એક શિષ્યએ લખ્યું: “જો આપણે આપણાં પાપ કબૂલ કરીએ, તો આપણાં પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. આપણે પાપ કર્યું નથી, એવું જો આપણે કહીએ, તો આપણે તેને જૂઠો પાડીએ છીએ, અને તેનું વચન આપણામાં નથી.”—૧ યોહાન ૧:૯, ૧૦.

આપણે પોતાના કે બીજાઓ વિષે યોગ્ય રીતે વિચારતાં શીખવું જોઈએ. સમતોલ અને યોગ્ય વ્યક્તિત્વ વિકસાવવા બાઇબલ સિવાય બીજું કોણ સારી સલાહ આપી શકે? વિનય અને નમ્રતા જેવા ગુણો આપણને કામના સ્થળે, આપણા લગ્‍ન સાથી સાથે, માબાપ કે બાળકો સાથે સારો વ્યવહાર રાખવામાં મદદ કરી શકે છે. પ્રેષિત પાઊલે સલાહ આપી: “પ્રભુમાં સદા આનંદ કરો; હું ફરીથી કહું છું, કે આનંદ કરો. તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે, પ્રભુ પાસે છે.”—ફિલિપી ૪:૪, ૫.

વાજબી બનવાના લાભો

વાજબી બનવાથી તમે મોટી મોટી અપેક્ષાઓ નહિ રાખો, તેમ જ નિષ્ફળ જવાથી પોતાને જ દોષ નહિ આપો. તેથી, તમને તેમ જ બીજાઓને લાભ થશે. પોતાની ક્ષમતા જાણવાથી તમે વાજબી અને વાસ્તવિક બની શકશો. યાદ રાખો કે, દેવે આપણને પૃથ્વી પર રહેવા માટે બનાવ્યા છે, જેથી આપણે કામ કરીને સંતોષ માણીએ. અને પોતાને તથા બીજાઓને પણ લાભ કરીએ.—ઉત્પત્તિ ૨:૭-૯.

જો તમે પોતા પાસેથી વધારે પડતી અપેક્ષા રાખતા હોવ તો, શા માટે પરમેશ્વર યહોવાહને પ્રાર્થના કરી મદદ માંગતા નથી? પરમેશ્વરની કૃપાથી તમને ખરેખર રાહત મળશે. પરમેશ્વર યહોવાહ આપણું બંધારણ જાણે છે તેથી તેમને ખુશ કરવા એ કંઈ અઘરું નથી. ગીતકર્તા આપણને ખાતરી આપે છે: “જેમ બાપ પોતાનાં છોકરાં પર દયાળુ છે, તેમ યહોવાહ પોતાના ભક્તો પર દયાળુ છે. કેમકે તે આપણું બંધારણ જાણે છે; આપણે ધૂળનાં છીએ એવું તે સંભારે છે.” (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૩, ૧૪) તેથી, આપણે કેટલા આભારી છીએ કે યહોવાહ પરમેશ્વર આપણી સાથે માયાળુ રીતે વર્તે છે! તે આપણી મર્યાદાઓ જાણે છે. તેથી, આપણે તેમની નજરમાં પ્રિય બાળકો બની શકીએ છીએ.

ચડિયાતા બનવાને બદલે, ધાર્મિક સમજણ મેળવીને સમતોલ બનતા શીખવું એ કેટલુ મહત્ત્વનું છે! આપણે ખાતરી રાખી શકીએ કે પરમેશ્વર તેમના રાજ્ય દ્વારા મનુષ્ય માટે સંપૂર્ણતા લાવશે અને તેમના હેતુ પ્રમાણે કરશે. પરંતુ, સંપૂર્ણતા એટલે શું?

સંપૂર્ણ જીવન

સંપૂર્ણ થવાનો અર્થ એવો નથી થતો કે સૌથી ચડિયાતા બનવું. પરમેશ્વરના રાજ્ય હેઠળ ન્યાયી નવી દુનિયામાં રહેતા લોકો સ્વાર્થી કે વધારે પડતા ન્યાયી હોવાનો દેખાડો કરનારા નહિ હોય. મોટી વિપત્તિમાંથી બચવા માગે છે તેઓ, ઈસુની ખંડણીની પૂરા હૃદયથી કદર કરે એ મહત્ત્વનું છે. તેઓ વિષે પ્રેષિત યોહાને આ રીતે વર્ણન કર્યું: “અમારો દેવ, જે રાજ્યાસન પર બેઠેલો છે, તેને તથા હલવાનને તારણને માટે ધન્યવાદ હોજો.” (પ્રકટીકરણ ૭:૯, ૧૦, ૧૪) ઈસુ ખ્રિસ્તના બલિદાનમાં વિશ્વાસ કરી મોટી વિપત્તિમાંથી બચનારા સર્વ લોકો આભારી થશે કે તે સ્વેચ્છાથી આપણા માટે મરણ પામ્યા. ઈસુના બલિદાનના કારણે પાપ અને મરણમાંથી હંમેશ માટે છુટકારો આવશે.—યોહાન ૩:૧૬; રૂમી ૮:૨૧, ૨૨.

સંપૂર્ણ જીવન કેવું હશે? હરીફાઈ અને સ્વાર્થના બદલે સર્વ લોકોમાં પ્રેમ અને એકતા જોવા મળશે. વળી, ત્યાં ચિંતા નહિ હોય, તેથી જીવન આનંદભર્યું હશે. તોપણ, સંપૂર્ણ જીવન કંટાળાજનક નહિ હોય. બાઇબલ ન્યાયી નવી દુનિયા વિષે બધી જ માહિતી આપતું નથી. પરંતુ, આપણે કેવા જીવનની આશા રાખી શકીએ એ વિષે આમ કહે છે: “વળી તેઓ ઘરો બાંધીને તેઓમાં રહેશે, ને દ્રાક્ષાવાડીઓ રોપીને તેમનાં ફળ ખાશે. તેઓ બાંધશે ને તેમાં બીજો વસશે, એમ નહિ બને; તેઓ રોપશે ને તે બીજો ખાશે, એવું થશે નહિ; કેમકે ઝાડના આયુષ્ય જેટલું મારા લોકોનું આયુષ્ય થશે, ને મારા પસંદ કરાએલા પોતાના હાથોનાં કામોનાં ફળનો ભોગવટો લાંબા કાળ સુધી કરશે. તેઓ નકામી મહેનત કરશે નહિ, ને ત્રાસ પામવા સારૂ પ્રજા ઉત્પન્‍ન કરશે નહિ; કેમકે તેઓની પ્રજા સુદ્ધાં તેઓ યહોવાહના આશીર્વાદિતોનાં સંતાન છે.”—યશાયાહ ૬૫:૨૧-૨૩.

દેવના રાજ્યમાં કેવા પ્રકારનું મનોરંજન, દુકાનો, ટેકનોલૉજી અને વાહનવ્યવહાર હશે એ વિષે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ, એના બદલે યશાયાહ ૬૫:૨૫ના આ શબ્દો પૂરા થશે એની કલ્પના કરો: “વરુ તથા ઘેટાનું બચ્ચું સાથે ચરશે, ને સિંહ બળદની પેઠે કડબ ખાશે; અને ધૂળ સાપનું ભોજન થશે, મારા આખા પવિત્ર પર્વતમાં તેઓ ઉપદ્રવ કરશે નહિ ને વિનાશ કરશે નહિ, એવું યહોવાહ કહે છે.” આજના કરતાં જીવન કેટલું અલગ હશે! જો તમે એ દુનિયામાં જીવન મેળવવા માંગતા હોવ તો, તમે પરમેશ્વર યહોવાહમાં પૂરો ભરોસો રાખી શકો કે તે તમારા કુટુંબની પણ કાળજી લેશે. “તું યહોવાહમાં આનંદ કરીશ; અને તે તારા હૃદયની ઇચ્છાઓ પૂરી પાડશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૪.

સંપૂર્ણ જીવન એ કંઈ સ્વપ્ન નથી. માણસજાત માટેનો પરમેશ્વર યહોવાહનો હેતુ જરૂર પૂરો થશે. તમને અને તમારા કુટુંબને પણ દેવની નવી દુનિયામાં સંપૂર્ણ લોકો બનીને હંમેશ માટે જીવવાની તક રહેલી છે. બાઇબલ બતાવે છે: “ન્યાયીઓ દેશનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૨૯.

[પાન ૬ પર ચિત્ર]

આપણે પોતાના વિષે અને બીજાઓ વિષે સારું વિચારવું જોઈએ, તેમ જ વધારે પડતી ચોક્સાઈ રાખવાનું પણ ટાળવું જોઈએ

[પાન ૭ પર ચિત્ર]

તમે ન્યાયી નવી દુનિયામાં આનંદ માણી રહ્યા છો એની કલ્પના કરો