સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઘણા દેશોમાં પ્રકાશ ફેલાવનાર

ઘણા દેશોમાં પ્રકાશ ફેલાવનાર

મારો અનુભવ

ઘણા દેશોમાં પ્રકાશ ફેલાવનાર

રૂથ યંગ નિકોલસનના જણાવ્યા પ્રમાણે જ્યોર્જ યંગનો અનુભવ

“શા માટે આપણા પાદરીઓએ સત્ય શીખવાડ્યું નહિ? . . . એ વિષે તેઓ કેમ ચૂપ રહ્યાં? આપણે લોકોને અજાણ ન રાખતા સત્ય બાબતો જણાવીએ.”

આ શબ્દો પપ્પાએ ચર્ચમાં રાજીનામું આપવા લખેલ ૩૩ પાનના પત્રમાં કહ્યાં હતા. એ પત્ર તેમણે વર્ષ ૧૯૧૩માં લખ્યો હતો. એ સમયથી તેમણે મહત્વપૂર્ણ જીવનની શરૂઆત કરી અને એ તેમને ઘણા દેશોમાં પ્રકાશ ફેલાવવા તરફ દોરી ગયું. (ફિલિપી ૨:૧૫) હું નાની હતી ત્યારથી જ અમારા સગાસંબંધીઓ પાસેથી અને ઐતિહાસિક માહિતીઓમાંથી મારા પપ્પાના અનુભવો વિષે માહિતી ભેગી કરતી હતી. મારા મિત્રો પણ પપ્પાના જીવન વિષેના અહેવાલોને મેળવવા મદદ કરતા હતા. ઘણી રીતોએ મને પપ્પાનું જીવન પ્રેષિત પાઊલની યાદ અપાવે છે. ‘વિદેશીઓના પ્રેરિતની’ જેમ દરેક દેશ અને ટાપુના લોકોને પ્રચારકાર્ય કરવા પપ્પા હંમેશા તૈયાર રહેતા. (રૂમી ૧૧:૧૩; ગીતશાસ્ત્ર ૧૦૭:૧-૩) ચાલો હું તમને મારા પપ્પા જ્યોર્જ યંગ વિષે કંઈક જણાવું.

શરૂઆતના વર્ષો

પપ્પા સ્કૉટલૅન્ડના પાદરી જૉન યંગ અને માર્ગરેટના સૌથી નાના દીકરા હતા. તેમનો જન્મ સપ્ટેમ્બર ૮, ૧૮૮૬માં થયો હતો. પપ્પાના જન્મ પછી જલદી જ આખું કુટુંબ એડિનબર્ગ, સ્કૉટલૅન્ડથી પશ્ચિમ કૅનેડાના બ્રિટીશ કોલંબિયામાં રહેવા ગયું. તેમના ત્રણ મોટા ભાઈઓ ઍલેક્ષાંડર, જૉન અને માલકૉમનો જન્મ સ્કૉટલૅન્ડમાં થયો હતો. પપ્પાના જન્મના બે વર્ષ પછી મારીઑન થઈ, જેને સૌ પ્રેમથી નેલી કહેતા હતા.

બ્રિટીશ કોલંબિયામાં વિક્ટોરીયાની નજીક સેનિક શહેરમાં અમારું ફાર્મ હતું. બધાં બાળકોએ આનંદથી પોતાનું બાળપણ ત્યાં વિતાવ્યું હતું. અને સાથે મોટા થતા ગયા તેમ તેઓ ઘરની જવાબદારીઓ ઉપાડવાનું પણ શીખ્યા. મારા દાદા-દાદી વિક્ટોરીયા શહેરથી પાછા આવે એ પહેલા તેઓ બધુ કામકાજ પૂરું કરી દેતા અને ઘરને એકદમ સુઘડ રાખતા.

સમય જતા, પપ્પા અને તેમના ભાઈઓએ ખાણનો અને લાકડાંનો વેપાર કરવાનું શરૂ કર્યું. તેમણે લાકડાંના વેપારમાં સારી શાખ મેળવી હતી. પપ્પા એનો નાણાંકીય હિસાબ રાખતા હતા.

પપ્પા આત્મિક બાબતોમાં ખૂબ રસ ધરાવતા હતા. એ કારણે આખરે તેમણે પાદરી બનવાનો નિર્ણય કર્યો. એ જ સમયે વર્તમાનપત્રોમાં ઝાયન્સ વૉચટાવર ટ્રૅક્ટ સોસાયટીના પ્રથમ પ્રમુખ, ચાર્લ્સ ટેઝ રસેલના જાહેર ભાષણ છાપવામાં આવતા હતા. ભાષણો વાંચીને પપ્પા પર એટલી અસર થઈ કે તે ઉપર ઉલ્લેખવામાં આવેલો રાજીનામાનો પત્ર લખવા પ્રેરાયા.

પપ્પાએ પત્રમાં નમ્રતાથી સ્પષ્ટપણે જણાવ્યું કે ચર્ચનું શિક્ષણ ખોટું છે. બાઇબલ કલમોને ટાંકીને તેમણે બતાવ્યું કે અમર આત્માનું શિક્ષણ તદ્દન ખોટું છે. અને એ પણ ખોટું છે કે પરમેશ્વર માનવોને અનંતકાળની પીડા આપે છે. તેમણે ત્રૈક્યના સિદ્ધાંતને પણ ખુલ્લો પાડ્યો અને એ બિન-ખ્રિસ્તી તથા શાસ્ત્રવચનોથી તદ્દન અલગ છે એમ સાબિત કર્યું. ત્યારથી માંડીને તેમણે ઈસુ ખ્રિસ્તને અનુસરવામાં ખ્રિસ્તી સેવાકાર્યને જીવનભર ચાલું રાખ્યું. અને યહોવાહ પરમેશ્વરને મહિમા આપવા તેમણે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું.

વર્ષ ૧૯૧૭માં વૉચટાવર સોસાયટીના નિર્દેશન હેઠળ પપ્પા પ્રવાસી નિરીક્ષક બન્યા. તે કૅનેડાના શહેરોમાં તથા નગરોમાં ભાષણો આપતા હતા તેમ જ “ફોટો-ડ્રામા ઑફ ક્રિએશન” તરીકે જાણીતા સ્લાઈડ શૉ બતાવતા હતા. પપ્પાની એ મુલાકાતો દરમિયાન થિયેટરોમાં એટલી ભીડ રહેતી કે પ્રવેશવાની પણ જગ્યા રહેતી ન હતી. પ્રવાસી નિરીક્ષક તરીકે તેમની મુલાકાતોનું સમયપત્રક ૧૯૨૧ સુધી વોચટાવર સામયિકમાં આવતું હતું.

એક વાર વીન પેગ નામના વર્તમાનપત્રે અહેવાલ આપ્યો કે જ્યોર્જ યંગના ભાષણમાં ૨,૫૦૦ વ્યક્તિઓ હાજર રહી હતી. એ વખતે ઘણા લોકોને પ્રવેશ મળ્યો ન હતો કારણ કે આખો હોલ ભરચક હતો. પછી ઑટવા શહેરમાં તેમણે “નર્કથી પાછા” વિષય પર ભાષણ આપ્યું. ત્યાં હાજર રહેલા એક વયોવૃદ્ધે જણાવ્યું: “ભાષણ આપ્યા બાદ જ્યોર્જ યંગે ઘણા પાદરીઓને સ્ટેજ પર આવીને એ વિષય પર તેમની સાથે ચર્ચા કરવા આમંત્રણ આપ્યું. પરંતુ કોઈ પણ આવ્યું નહિ, એથી મને ખાતરી થઈ ગઈ કે મેં સત્ય મેળવ્યું છે.”

પપ્પા પ્રવાસી નિરીક્ષક તરીકેની મુલાકાતોમાં લોકોને બની શકે એટલો આત્મિક ખોરાક આપવામાં મંડ્યા રહેતા હતા. પરિણામે તેમને ટ્રેન પકડવા ઘણી વાર દોડવું પડતું હતું. બીજી કાર્યસોંપણી માટે જતી વખતે તો તે વહેલી પરોઢિયે કારમાં મુસાફરી કરતા હતા. વધુમાં, ઉત્સાહી હોવાને કારણે પપ્પા પ્રત્યે દરેકને આદર હતો અને તે પોતાના ખ્રિસ્તી કાર્યો અને ઉદારતા માટે ખૂબ જાણીતા હતા.

તેમણે અગાઉ ઘણા મહાસંમેલનોમાં હાજરી આપી હતી. ખાસ કરીને ૧૯૧૮માં એડમોન્ટન, ઍલ્બર્ટામાં યોજાયેલ મહાસંમેલન તેમના માટે યાદગાર હતું. નેલીના બાપ્તિસ્મા વખતે કુટુંબના દરેક સભ્યો હાજર રહ્યા હતા. તેઓ ત્યારે એક સાથે છેલ્લી વાર મળ્યા હતા. કારણ કે બે વર્ષ પછી, માલકોમને ફેફસાંનો રોગ થવાથી તે મૃત્યુ પામ્યાં. પપ્પા અને તેમના ત્રણેય ભાઈઓને સ્વર્ગીય આશા હતી. તેઓ સર્વ મરણપર્યંત દેવને વિશ્વાસુ રહ્યા હતા.—ફિલિપી ૩:૧૪.

પરદેશમાં સેવા

કૅનેડામાં પ્રચારકાર્ય કર્યા બાદ, સપ્ટેમ્બર ૧૯૨૧માં પપ્પાને વૉચટાવર ટ્રૅક્ટ સોસાયટીના પ્રમુખ જોસફ. એફ. રધરફર્ડે કેરેબિયન ટાપુઓમાં કામ કરવાનું કહ્યું. દરેક જગ્યાએ પપ્પા “ફોટો-ડ્રામા ઑફ ક્રિએશન” બતાવતા હતા જેનો સારો પ્રત્યુત્તર મળ્યો. ત્રિનિદાદ ટાપુ પરથી તેમણે લખ્યું: “થિયેટર એટલું ભરચક હતું કે ઘણા લોકોને પાછા જવું પડ્યું કારણ કે ત્યાં જગ્યા જ ન હતી. બીજા દિવસે રાત્રે પણ થિયેટર લોકોથી ભરેલું હતું.”

વર્ષ ૧૯૨૩માં પપ્પાને બ્રાઝિલમાં કાર્યસોંપણી મળી. ત્યાં તેમણે સેંકડો લોકો સમક્ષ ભાષણ આપ્યું અને ભાડુતી ભાષાંતરકારે એનું ભાષાંતર કર્યું. ડિસેમ્બર ૧૫, ૧૯૨૩નું ધ વૉચટાવર અહેવાલ આપે છે: “જુન ૧થી સપ્ટેમ્બર ૩૦ સુધી જ્યોર્જ યંગે ૨૧ જાહેર સભાઓ ભરી જેની કુલ હાજરી ૩,૬૦૦ હતી; પછી તેમણે મંડળમાં ૪૮ સભાઓ ભરી, એની કુલ હાજરી ૧,૧૦૦ હતી; ત્યાં તેમણે પોર્ટુગીઝ સાહિત્યની ૫,૦૦૦ પ્રતો વિના મૂલ્યે વહેંચી.” પપ્પાએ “કરોડો અત્યારે જીવે છે એ ક્યારેય મરશે નહિ” વિષય પર વાર્તાલાપ આપ્યા પછી ઘણા લોકોએ સત્યમાં રસ બતાવ્યો.

માર્ચ ૮, ૧૯૯૭માં બ્રાઝિલ શાખાની નવી સવલતોનું સમર્પણ કરવામાં આવ્યું એ વખતે, સમર્પણ પત્રિકાએ અહેવાલ આપ્યો: “૧૯૨૩: જ્યોર્જ યંગ બ્રાઝિલમાં આવ્યા. તેમણે રીઓ ડી જાનેરોના કેન્દ્રમાં શાખા કચેરી બનાવવાની ગોઠવણ કરી.” સ્પેનિશ ભાષામાં બાઇબલ સાહિત્ય પ્રાપ્ય હોવા છતાં ત્યાં પોર્ટુગીઝ સાહિત્યની પણ જરૂર હતી, કારણ કે એ બ્રાઝિલની મુખ્ય ભાષા હતી. એથી ઑક્ટોબર ૧, ૧૯૨૩થી વૉચટાવર પોર્ટુગીઝ ભાષામાં પણ છાપવાનું શરૂ થયું.

બ્રાઝિલમાં પપ્પાએ ઘણા લોકોનો સંપર્ક સાધ્યો હતો. એમાંના એક જસીન્થો પીમેન્ટલ કાબ્રલ નામના પોર્ટુગીઝ માણસે પોતાના ઘરમાં સભાઓ ભરવાની ઑફર કરી હતી. જસીન્થો જલદી જ બાઇબલ અભ્યાસ કરવા લાગ્યા અને પછી ત્યાંની શાખા કચેરીના સભ્ય બન્યા. પછી પપ્પા બીજા એક યુવાન પોર્ટુગીઝ ભાઈ, મેનવેલ ડીસેલ્વા જોરડૉને મળ્યા જે માળી હતા. તેમણે પપ્પાએ આપેલા જાહેર ભાષણને સાંભળીને સત્યમાં ખૂબ રસ બતાવ્યો. પછી જલદી જ તે યહોવાહના સાક્ષીઓ જેને પૂરા-સમયનું સેવાકાર્ય કહે છે એ કરવા પોર્ટુગલમાં પાછા ફર્યા.

પપ્પા બ્રાઝિલમાં દરેક જગ્યાએ ટ્રેનમાં મુસાફરી કરતા હતા. અને તે રસ ધરાવતી વ્યક્તિઓને શોધી કાઢતા હતા. એક વાર મુસાફરી કરતા તે બૉની અને કાટારીનાને મળ્યા. તેઓના ઘરે બે સપ્તાહ રહીને પપ્પાએ તેઓને બાઇબલ સત્ય સમજાવ્યું. પછી, એ કુટુંબમાંથી લગભગ સાત વ્યક્તિઓએ યહોવાહ દેવને પાણીના બાપ્તિસ્માથી પોતાનું સમર્પણ પ્રદર્શિત કર્યું.

પછી ૧૯૨૩માં પપ્પા સારાહ બલોના ફરગ્યુસનને મળ્યા. વર્ષ ૧૮૬૭માં તે યુવાન હતી ત્યારે, પોતાના મોટા ભાઈ ઈરાસમ્યુ ફ્યુલટોન સ્મીથ અને કુટુંબ સાથે અમેરિકાથી બ્રાઝિલમાં રહેવા ગઈ હતી. તે ૧૮૯૯થી ટપાલ દ્વારા વૉચટાવરના અંકો નિયમિતપણે મેળવતી હતી. સારાહ, તેના ચાર બાળકો અને એક સંબંધી જેને પપ્પા સેલ્લી આન્ટી કહેતા હતા, આ બધાને તેમની મુલાકાતથી અભ્યાસ કરવાની તક મળી. તેઓ બધા જ માર્ચ ૧૧, ૧૯૨૪માં બાપ્તિસ્મા પામ્યા.

પછી પપ્પા જલદી જ દક્ષિણ અમેરિકાના દેશોમાં પ્રચાર કરવા નીકળી ગયા. નવેમ્બર ૮, ૧૯૨૪ના રોજ તેમણે પેરુથી લખ્યું: “મેં હમણાં જ લીમા અને કાયો શહેરમાં ૧૭,૦૦૦ પત્રિકાઓ વહેંચવાનું કાર્ય પૂરું કર્યું.” પછીથી તેમણે બોલિવિયામાં પત્રિકાઓ વહેંચવાનું શરૂ કર્યું. એ મુલાકાત વિષે તેમણે લખ્યું: “આપણા પ્રેમાળ પિતા અમારા પ્રયત્નોને આશીર્વાદ આપી રહ્યાં છે. મને દક્ષિણ અમેરિકાના એક રહેવાસીએ પત્રિકાઓ વહેંચવામાં ઘણી મદદ કરી હતી. તેનું ઘર એમેઝોન નદી પાસે હતું. તે પોતાના ઘરે પાછો ગયો ત્યારે મારી પાસેથી ૧,૦૦૦ પત્રિકાઓ અને અમુક પુસ્તકો ત્યાં વહેંચવા લઈ ગયો.”

પપ્પાના સખત પ્રયત્નોને કારણે બાઇબલ સત્યના બીજ મધ્ય અને દક્ષિણ અમેરિકાના ઘણા દેશોમાં ફેલાયા. ડિસેમ્બર ૧, ૧૯૨૪નું વૉચટાવર કહે છે: “ભાઈ યંગ જ્યોર્જ દક્ષિણ અમેરિકામાં બે વર્ષથી છે. . . . આ વહાલા ભાઈ પાસે સ્ટ્રેઈટ મેજલેનના પુન્ટા એરીઅન્સ શહેરમાં સત્યનો સંદેશો પહોંચાડવાનો લહાવો છે.” પપ્પાએ કોસ્ટા રીકા, પનામા અને વેનેઝુએલા દેશોમાં પણ પ્રચારકાર્ય કર્યું હતું. ત્યારે મલેરિયા થયો હોવાથી તેમનું સ્વાસ્થ્ય સારું ન હતું, છતાં તેમણે પ્રચારકાર્ય ચાલું રાખ્યું હતું.

યુરોપમાં મુલાકાત

માર્ચ ૧૯૨૫માં પપ્પા યુરોપ જવા માટે વહાણમાં બેઠા. ત્યાં તે સ્પેન અને પોર્ટુગલમાં ૩,૦૦,૦૦૦ પત્રિકાઓ વહેંચવાની આશા રાખતા હતા. અને ભાઈ રધરફર્ડ ત્યાં આવીને જાહેર ભાષણ આપે એવું ઇચ્છતા હતા. પરંતુ સ્પેન આવ્યા પછી પપ્પાને ખબર પડી કે અહીંના લોકો કટ્ટર ધાર્મિક વલણ ધરાવે છે. એ કારણે પપ્પાએ ભાઈ રધરફર્ડને જણાવ્યું કે તે ભાષણ આપે એ ડહાપણભર્યુ નથી.

પ્રત્યુત્તરમાં ભાઈ રધરફર્ડએ બાઇબલ કલમ ટાંકી: “મેં મારા શબ્દો તમારા મુખમાં મૂક્યાં છે. મેં મારા હાથોમાં તમને સલામત ઢાંકી રાખ્યા છે. મેં તારાઓને તેમના યોગ્ય સ્થાને આકાશમાં સ્થાપ્યા છે. પૃથ્વીની સર્વ વસ્તુઓને મેં ઘડી છે. ‘તું મારી પ્રજા છે’ એવું ઇઝરાયલને કહેનાર હું પોતે છું.” (યશાયાહ ૫૧:૧૬, IBSI.) એનો પપ્પાએ જવાબ આપ્યો: “સાચે જ એ પ્રભુની ઇચ્છા છે કે હું આગળ વધુ અને સારું કાર્ય કરું.”

મે ૧૦, ૧૯૨૫માં ભાઈ રધરફર્ડે બાર્સેલોનામાં નેવોડાડેશ થિયેટરમાં ભાષણ આપ્યું જેનું ભાષાંતરકારે ભાષાંતર કર્યું હતું. ત્યાં ૨,૦૦૦ કરતાં વધારે લોકોએ હાજરી આપી હતી, જેમાં સ્ટેજ પરના એક સરકારી અધિકારી અને તેમના અંગ-રક્ષકનો પણ સમાવેશ થતો હતો. એવી જ રીતે મેડ્રીડમાં પણ ૧,૨૦૦ જણાએ હાજરી આપી. આ ભાષણોથી લોકોમાં રસ જાગૃત થયો. પરિણામે ૧૯૭૮નું યહોવાહના સાક્ષીઓની યરબુક કહે છે કે “ભાઈ યંગ જ્યોર્જના માર્ગદર્શન હેઠળ” સ્પેનમાં શાખા કચેરી બાંધવામાં આવી.

મે ૧૩, ૧૯૨૫માં ભાઈ રધરફર્ડે લીબસોન, પોર્ટુગલમાં ભાષણ આપ્યું. એમાં પાદરીઓએ ધમાલ કરીને ખુરશીઓ ભાંગી નાખી છતાં તેમની એ મુલાકાત સફળ નીવડી. સ્પેન અને પોર્ટુગલમાં ભાઈ રધરફર્ડના ભાષણોની સાથે પપ્પા “ફોટો-ડ્રામા” પણ બતાવતા હતા. વધુમાં પપ્પાએ એ જગ્યાઓએ બાઇબલ સાહિત્યો છાપવાની અને વહેંચણી કરવાની પણ ગોઠવણ કરી. વર્ષ ૧૯૨૭માં તેમણે અહેવાલ આપ્યો કે “સ્પેનના દરેક શહેર અને નગર”માં સુસમાચારનો પ્રચાર કરવામાં આવ્યો છે.

રશિયામાં પ્રચારકાર્ય

પછી પપ્પાને રશિયામાં કાર્યસોંપણી મળી, જ્યાં તે ઑગસ્ટ ૨૮, ૧૯૨૮ના રોજ પહોંચ્યા. તેમણે ઑક્ટોબર ૧૦, ૧૯૨૮ના રોજ એક પત્ર લખ્યો, જેનો સારાંશ આ પ્રમાણે હતો:

“રશિયામાં આવતા હું હૃદયપૂર્વક પ્રાર્થના કરતો હતો કે ‘તેમનું રાજ્ય આવે.’ હું અહીંની ભાષા ધીમે ધીમે શીખી રહ્યો છું. મારો દુભાષિયો સારો માણસ છે. તે યહુદી હોવા છતાં ઈસુ ખ્રિસ્તને માને છે તથા બાઇબલને પ્રેમ કરે છે. અહીંયા મને ઘણા સારા અનુભવો થયા છે, પરંતુ મને ક્યાં સુધી રહેવાની પરવાનગી આપવામાં આવશે એ હું જાણતો નથી. ગયા અઠવાડિયે જ મને ૨૪ કલાકમાં રશિયા છોડવાનું કહેવામાં કહેવામાં આવ્યું હતું. પરંતુ બાબતો થાળે પડી ગઈ હોવાથી હું રહી શકું છું.”

હાલના યુક્રેઇનના મુખ્ય શહેર ખારકોવમાં કેટલાક બાઇબલ વિદ્યાર્થીઓને પપ્પા મળ્યા. તેઓ સાથે વાત કરવાથી બધાની આંખમાં હર્ષના આસું આવી ગયા હતા. ત્યાં દરરોજ રાત્રે નાનું સંમેલન ભરવામાં આવતું જે અડધી રાત સુધી ચાલતું હતું. ત્યાંની સભાઓ વિષે લખતા પપ્પાએ નોંધ્યું: “દુઃખની બાબત છે કે સત્તાધારીઓએ ભાઈઓનો વિરોધ કર્યો અને તેઓ પાસે જે થોડાં પુસ્તકો હતા એ પણ ઝુંટવી લીધા. પરંતુ ભાઈઓ હતાશ થયા નહિ.”

જૂન ૨૧, ૧૯૯૭માં સેન્ટ પીટ્‌સબર્ગ, રશિયામાં નવી શાખાનું સમર્પણ કરવામાં આવ્યું. એમાં પપ્પાએ રશિયામાં કરેલા સેવાકાર્યના મુખ્ય પાસાંઓને આવરી લેતી એક ખાસ મોટી પુસ્તિકા આપવામાં આવી. એ મોટી પુસ્તિકામાં બતાવ્યા પ્રમાણે પપ્પાને મૉસ્કો મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેમણે “લોકો માટે સ્વતંત્રતા અને મૂએલાઓ ક્યાં છે? (અંગ્રેજી) પુસ્તિકાઓની ૧૫,૦૦૦ પ્રતો છાપવા”ની પરવાનગી મેળવી.

રશિયામાંથી પાછા ફર્યા બાદ પપ્પાને અમેરિકા જવાની કાર્યસોંપણી મળી. દક્ષિણ ડાકોટામાં તેમણે નેલીના અને વરડા પૉલના ઘરની મુલાકાત લીધી. તેઓ બંને સગી બહેનો હતી અને એક વર્ષ પછી તેઓ પેરુમાં મિશનરિ બન્યા. તેઓએ પપ્પાના અથાક સેવાકાર્યની કદર કરતા નોંધ્યું: “એ સમયના ભાઈઓ ખરેખર પાયોનિયર આત્મા ધરાવતા હતા. તેઓ પાસે ભલે ભૌતિક સંપત્તિ ન હતી છતાં, તેઓનાં હૃદયો યહોવાહ દેવ માટેના પ્રેમથી ભરેલા હતા. અને આવા આત્માથી જ તેઓ પરદેશમાં પણ પોતાનું કાર્ય પૂરું કરવા પ્રેરાય છે.”

લગ્‍ન અને બીજી કાર્યસોંપણી

ઓન્ટારીકો, માનીટોલીન ટાપુની ક્લારા હબર્ટ સાથે પપ્પા વર્ષોથી પત્રવ્યવહાર કરતા હતા. જુલાઈ ૬, ૧૯૩૧ના કોલંબસ, ઓહાયોમાં યોજાયેલા મહાસંમેલનમાં તેઓએ સાથે હાજરી આપી હતી. અને એ જ વખતે બાઇબલ વિદ્યાર્થીઓએ યહોવાહના સાક્ષીઓ નવું નામ સ્વીકાર્યું હતું. (યશાયાહ ૪૩:૧૦-૧૨) સપ્તાહ પછી બન્‍નેએ લગ્‍ન કર્યું. જલદી જ પપ્પા કેરેબિયન ટાપુઓમાં તેમના બીજા મિશનરિ કાર્ય માટે પાછા ગયા. ત્યાં તેમણે સભાઓની ગોઠવણ કરવા મદદ કરી અને બીજાઓને ઘર-ઘરનું પ્રચારકાર્ય કઈ રીતે કરવું એની તાલિમ આપી.

પપ્પા સુરિનામ, સેંટ કિટ્‌સ અને બીજી જગ્યાઓએથી મમ્મીને ચિત્રો, પોસ્ટકાર્ડ અને પત્રો મોકલતા હતા. પત્રોમાં તે પ્રચારકાર્યની પ્રગતિ વિષેનો અહેવાલ અને કેટલીક વખત તે રહે છે એ દેશના પક્ષીઓ, પ્રાણીઓ અને વનસ્પતિઓ વિષેની માહિતી મોકલતા હતા. જૂન ૧૯૩૨માં પપ્પાએ કેરેબિયન ટાપુઓની પોતાની કાર્યસોંપણી પૂરી કરી. તે અગાઉની જેમ જ કૅનેડામાં પાછા ફર્યા. પછી પપ્પા-મમ્મીએ એક સાથે પૂરા સમયના પ્રચારકાર્યમાં કામ કર્યું. તેઓ ૧૯૩૨⁄૩૩ના શિયાળામાં ઑટવાના વિસ્તારોમાં, પૂરા-સમયના સેવકો સાથે કાર્ય કરતા હતા.

ટૂંકું કૌટુંબિક જીવન

મારા ભાઈ ડેવિડનો જન્મ ૧૯૩૪માં થયો. તે નાનો હતો ત્યારે, નાના ખોખાં પર ઊભો રહીને “ભાષણ” આપવાનો મહાવરો કરતો હતો. તેણે પોતાના જીવનમાં યહોવાહ દેવના કાર્ય માટે પપ્પાની જેમ જ ઉત્સાહ બતાવ્યો. કૅનેડાના પૂર્વ કિનારાથી લઈને પશ્ચિમ કિનારાના મંડળોની મુલાકાત લેવાની હોય ત્યારે તેઓ ત્રણે જણ કારમાં મુસાફરી કરતા હતા. કારની ઉપર તેઓ લાઉડસ્પીકર બાંધીને લઈ જતા હતા. મારો જન્મ ૧૯૩૮માં થયો ત્યારે પપ્પા બ્રિટીશ કોલંબિયામાં સેવાકાર્ય કરતા હતા. ડેવિડ યાદ કરે છે કે પપ્પાએ પહેલા મને પલંગ પર મૂકી, પછી પપ્પા, મમ્મી અને ડેવિડ મારી આજુ બાજુ ઘૂંટણિયે પડ્યા તથા પપ્પાએ મારા જન્મ બદલ પ્રાર્થનામાં દેવનો આભાર માન્યો હતો.

વર્ષ ૧૯૩૯ના શિયાળામાં અમે વૅન્કૂવરમાં રહેતા હતા જ્યાં પપ્પા મંડળોની મુલાકાત લેતા હતા. મેં પપ્પાના ઘણા પત્રો ભેગા કર્યા હતા. એમાંનો એક પત્ર, પપ્પા વેરનોન, બ્રિટીશ કોલંબિયામાં હતા ત્યારે જાન્યુઆરી ૧૪, ૧૯૩૯ના રોજ લખ્યો હતો. એમાં પપ્પાએ ક્લેરા, ડેવિડ અને રૂથને ઘણો પ્રેમ પાઠવ્યો હતો અને અમારા દરેક માટે સંદેશો હતો. એમાં તેમણે ફસલ ઘણી છે પરંતુ મજૂરો થોડા છે એ વિષે લખ્યું હતું.—માત્થી ૯:૩૭, ૩૮.

પપ્પા પોતાની કાર્યસોંપણીમાંથી વૅન્કૂવર પાછા ફર્યા એના અઠવાડિયા પછી તે એક વખતે સભામાં બેહોશ થઈ ગયા. તપાસ કર્યા બાદ ખબર પડી કે તેમને મગજમાં કેન્સરની ગાંઠ છે. મે ૧, ૧૯૩૯માં તે મરણ પામ્યા. એ સમયે હું નવ મહિનાની હતી અને ડેવિડ પાંચ વર્ષનો હતો. પપ્પાની જેમ મારી વહાલી મમ્મીને પણ સ્વર્ગીય જીવનની આશા હતી. તે જૂન ૧૯, ૧૯૬૩માં મૃત્યુ પામી ત્યાં સુધી દેવને વફાદાર રહી હતી.

પપ્પાએ ઘણા દેશોમાં સુસમાચારનો પ્રચાર કર્યો એ વિષે તે કેવું અનુભવતા હતા એ તેમણે મમ્મીને લખેલા એક પત્રમાં જોવા મળે છે. તેમણે આમ કહ્યું: “આ દેશોમાં રાજ્યનો પ્રકાશ ફેલાવવા યહોવાહે મને ઉત્તમ તક આપી છે. તેમનું નામ પવિત્ર મનાઓ. આપણે કમજોર કે નબળા હોવા છતાં, યહોવાહ તેમનો મહિમા પ્રકાશવા આપણો ઉપયોગ કરે છે.”

હવે જ્યોર્જ અને ક્લેરાનાં બાળકો, તેમનાં બાળકો અને પૌત્રો પણ આપણા પ્રેમાળ દેવ યહોવાહની સેવા કરે છે. પપ્પા વારંવાર હેબ્રી ૬:૧૦ ટાંકતા હતા જે કહે છે: “દેવ તમારા કામને તથા તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે, . . . તેને વિસરે એવો અન્યાયી નથી.” અમે પણ પપ્પાના કાર્યને ભૂલ્યા નથી.

[પાન ૨૩ પર ચિત્ર]

જમણી બાજુએ મારા પપ્પા તેમના ત્રણ ભાઈઓ સાથે

[પાન ૨૫ પર ચિત્રો]

ભાઈ વુડવર્થ, રધરફર્ડ અને મેકમીલન સાથે પપ્પા (ઊભા છે)

નીચે: ભાઈ રસેલ અને જુથ સાથે પપ્પા (એકદમ ડાબી બાજુએ) ઊભા છે

[પાન ૨૬ પર ચિત્રો]

પપ્પા અને મમ્મી

નીચે: તેમના લગ્‍ન દિવસે

[પાન ૨૭ પર ચિત્ર]

પપ્પાના મૃત્યુના કેટલાક વર્ષો પછી ડેવિડ અને મમ્મી સાથે