સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પરમેશ્વરના રાજ્યનો ઉત્સાહથી પ્રચાર કરો

પરમેશ્વરના રાજ્યનો ઉત્સાહથી પ્રચાર કરો

પરમેશ્વરના રાજ્યનો ઉત્સાહથી પ્રચાર કરો

“આત્મામાં ઉત્સાહી થાઓ; પ્રભુની સેવા કરો.”રૂમી ૧૨:૧૧.

૧, ૨. દેવના રાજ્યનો પ્રચાર કરવા વિષે આપણે કેવું વલણ રાખવું જોઈએ?

 એક યુવાન નવી નોકરીએ જવા ઘણો ઉત્સાહી છે. તે પહેલા દિવસે, તેના માલિકની સૂચનાઓ ધ્યાનથી સાંભળે છે. તે પોતાનું પહેલું કાર્ય કરવા ખૂબ જ ઉત્સાહી છે, અને પોતાનાથી બનતું બધું જ કરવાનો પ્રયત્ન કરે છે.

એવી જ રીતે, ખ્રિસ્તી તરીકે આપણે પણ પોતાને નવા કામદાર તરીકે જોવા જોઈએ. આપણી આશા હંમેશ માટે જીવવાની હોવાથી, કહી શકીએ કે આપણે યહોવાહ પરમેશ્વર માટે હમણાં જ કામ શરૂ કર્યું છે. એમાં કોઈ શંકા નથી કે, યહોવાહ પરમેશ્વરે આપણા માટે ઘણું કામ રાખ્યું છે, જેમાં આપણો સમય ક્યાં જશે એની ખબર પણ નહિ પડે. પરંતુ, એ બધા કામોમાં પ્રથમ, આપણે તેમના રાજ્ય વિષે લોકોને જણાવવાનું છે. (૧ થેસ્સાલોનીકી ૨:૪) પરમેશ્વરે સોંપેલા આ કામ વિષે આપણને કેવું લાગે છે? પેલા યુવાનની જેમ, આપણે પણ એ ઉત્સાહ અને આનંદથી કરવા આતુર છીએ, ખરું ને!

૩. સેવાકાર્યમાં સફળ થવા શું જરૂરી છે?

ખરું કે, એવું વલણ હંમેશા જાળવી રાખવું સહેલું નથી. પ્રચારકાર્યની સાથે સાથે, આપણી પાસે બીજી ઘણી જવાબદારીઓ છે. એમાંની કેટલીક આપણને શારીરિક અને લાગણીમય રીતે થકવી નાખી શકે. મોટા ભાગે આપણે સેવાકાર્યમાં પૂરતું ધ્યાન આપીને એ જવાબદારી નિભાવી શકીએ છીએ. છતાં, એ માટે સતત લડત પણ લડવી પડે. (માર્ક ૮:૩૪) ઈસુએ ભાર મૂક્યો કે આપણે સાચા ખ્રિસ્તી તરીકે જીવવા સખત પ્રયત્ન કરવો પડશે.—લુક ૧૩:૨૪.

૪. સંસારી ચિંતાઓ આપણને કઈ રીતે અસર કરી શકે?

આપણે હંમેશા ઘણું કામ કરવાનું હોય છે. તેથી, ઘણી વખત આપણે ચિંતામાં ડૂબી જઈ શકીએ. “સંસારી ચિંતા” યહોવાહ પરમેશ્વરની ભક્તિમાં આપણો ઉત્સાહ અને કદર ઘટાડી શકે. (લુક ૨૧:૩૪, ૩૫; માર્ક ૪:૧૮, ૧૯) અને આપણે “પ્રથમના પ્રેમનો” ત્યાગ કરી શકીએ છીએ. (પ્રકટીકરણ ૨:૧-૪) આમ, આપણે યહોવાહ પરમેશ્વરની સેવા દિલથી નહિ પરંતુ નામ પૂરતી જ કરીશું. તો પછી, સેવાકાર્ય માટેનો આપણો ઉત્સાહ જાળવી રાખવા, બાઇબલ કઈ રીતે ઉત્તેજન આપે છે?

આપણાં હૃદયમાં “બળતો અગ્‍નિ”

૫, ૬. પ્રેષિત પાઊલે પ્રચાર કરવા વિષે કેવું વલણ બતાવ્યું?

યહોવાહ દેવે આપણને આપેલું સેવાકાર્ય ઘણું જ મૂલ્યવાન છે. તેથી એને સામાન્ય ગણી લેવું જોઈએ નહિ. પ્રેષિત પાઊલે સુસમાચાર જણાવવાના કાર્યને એટલું મહત્ત્વનું ગણ્યું કે પોતાને એને યોગ્ય ગણ્યા નહિ. તેમણે કહ્યું કે, “હું વિદેશીઓમાં ખ્રિસ્તની અખૂટ સંપત્તિની સુવાર્તા પ્રગટ કરૂં, અને સર્વેને સરજનહાર દેવમાં યુગોના યુગોથી ગુપ્ત રહેલા મર્મનો વહીવટ શો છે તે હું સઘળાંને જણાવું, એ માટે હું સંતોમાં નાનામાં નાનો છતાં આ કૃપાદાન મને આપવામાં આવેલું છે.”—એફેસી ૩:૮, ૯.

સેવાકાર્ય વિષે પાઊલનું આવું સુંદર વલણ આપણા માટે સરસ નમૂનો છે. રૂમીઓના પત્રમાં તેમણે લખ્યું: હું ‘મારી શક્તિ પ્રમાણે સુવાર્તા પ્રગટ કરવાને ઉત્સુક છું.’ આમ, દેવના રાજ્યનો પ્રચાર કરતા તે શરમાતા ન હતા. (રૂમી ૧:૧૫, ૧૬) તેમનું વલણ યોગ્ય હતું, અને તે પોતાનું સેવાકાર્ય કરવા ઉત્સાહી હતા.

૭. પાઊલે રોમના ખ્રિસ્તી ભાઈઓને કઈ સલાહ આપી?

પ્રેષિત પાઊલ સમજતા હતા કે સેવાકાર્યમાં ઉત્સાહી બનવું મહત્ત્વનું છે. એથી, તેમણે રોમના ખ્રિસ્તી ભાઈઓને સલાહ આપી: “ઉદ્યોગમાં આળસુ ન થાઓ; આત્મામાં ઉત્સાહી થાઓ; પ્રભુની સેવા કરો.” (રૂમી ૧૨:૧૧) “આળસુ” ભાષાંતર થતા ગ્રીક શબ્દનો અર્થ “સુસ્ત, મંદ” થવું પણ થાય છે. આપણે સેવાકાર્યમાં આળસુ ન પણ હોઈએ, છતાં આપણે હંમેશા સાવધ રહેવું જોઈએ. જેથી આપણને આળસુ વલણની કોઈ પણ નિશાની જોવા મળે તો, એને દૂર કરવા તરત જ યોગ્ય પગલાં લઈ શકીએ.—નીતિવચન ૨૨:૩.

૮. (ક) યિર્મેયાહના હૃદયમાં “બળતા અગ્‍નિ” જેવું શું હતું, અને શા માટે? (ખ) યિર્મેયાહના અનુભવમાંથી આપણે શું શીખી શકીએ?

આપણે નિરુત્સાહી બની જઈએ ત્યારે પણ યહોવાહ દેવ આપણને મદદ કરે છે. દાખલા તરીકે, એક પ્રસંગે ઈશ્વરભક્ત યિર્મેયાહ એટલા નિરુત્સાહી થઈ ગયા કે તેમણે પરમેશ્વરનો સંદેશો આપવાનું બંધ કરવાનું વિચાર્યું. તેમણે તો યહોવાહ વિષે એમ પણ કહ્યું કે “તેને વિષે હું વાત કરીશ નહિ, ને તેને નામે ફરી બોલીશ નહિ.” શું એનો અર્થ એવો હતો કે યિર્મેયાહે યહોવાહ પરમેશ્વરની ભક્તિ કરી, એમાં ખામી હતી? ના, જરાય નહિ. એને બદલે, યહોવાહની ભક્તિ કરવાની ધગશ, તેમના માટેનો પ્રેમ, અને સત્ય માટેના ઉત્સાહે યિર્મેયાહને તેમનું કામ ઉત્સાહથી ચાલુ રાખવા મદદ કરી. તે જણાવે છે: “જાણે મારા હાડકાંમાં બળતો અગ્‍નિ [યહોવાહનો શબ્દ] સમાએલો હોય, એવી મારા હૃદયમાં પીડા થાય છે, અને મુંગા રહેતાં મને કંટાળો આવે છે: હું બોલ્યા વગર રહી શકતો નથી.” (યિર્મેયાહ ૨૦:૯) પરમેશ્વરના સેવકો અમુક સમયે નિરુત્સાહી બની જાય, એમાં કંઈ નવાઈ નથી. પરંતુ, તેઓ યહોવાહની મદદ માટે પ્રાર્થના કરે છે ત્યારે, તે તેઓનું હૃદય જુએ છે. તેઓનાં હૃદય પણ યિર્મેયાહ જેવા હશે તો, યહોવાહ પરમેશ્વર તેઓને પવિત્ર આત્માથી મદદ પૂરી પાડશે.—લુક ૧૧:૯-૧૩; પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૮.

‘પવિત્ર આત્માના પ્રકાશને ન હોલવો’

૯. આપણે કઈ રીતે પવિત્ર આત્માના પ્રકાશને હોલવી શકીએ?

પ્રેષિત પાઊલે થેસ્સાલોનીકાના ભાઈઓને સલાહ આપી: “પવિત્ર આત્માના પ્રકાશને હોલવશો નહિ.” (૧ થેસ્સાલોનીકી ૫:૧૯, IBSI) હા, આપણાં કાર્યો અને વલણ યહોવાહ દેવના સિદ્ધાંતોની વિરુદ્ધ જતા હોય તો, તે કઈ રીતે પોતાના પવિત્ર આત્માથી આપણને મદદ કરી શકે? (એફેસી ૪:૩૦) આજે ખ્રિસ્તીઓને ખુશીનો સંદેશ લોકોને જણાવવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે. આપણે એ કાર્યને બહુ જ મહત્ત્વનું ગણીએ છીએ. પરમેશ્વર યહોવાહને જાણતા નથી એવા લોકો આ પ્રચારકાર્યને જરાય માન ન આપે ત્યારે આપણને નવાઈ લાગવી જોઈએ નહિ. પરંતુ, એક ખ્રિસ્તી જાણીજોઈને સેવાકાર્ય પ્રત્યે બેદરકાર બને ત્યારે, તે પરમેશ્વરના ઉત્સાહ આપતા પવિત્ર આત્માના પ્રકાશને હોલવી શકે.

૧૦. (ક) લોકોનું વલણ આપણને કઈ રીતે અસર કરી શકે? (ખ) આપણા સેવાકાર્ય વિષે ૨ કોરીંથી ૨:૧૭ શું કહે છે?

૧૦ યહોવાહના ભક્તો નથી એવા લોકોને પ્રચારકાર્ય ફક્ત સાહિત્યનું વિતરણ કરવાનું કાર્ય લાગી શકે. અમુકને એમ પણ લાગે કે આપણે ફક્ત ઘરે ઘરે જઈને ફાળો ઉઘરાવીએ છીએ. આપણે આવા વિચારો પર જરાય ધ્યાન આપીશું તો, એનાથી સેવાકાર્યમાં આપણો ઉત્સાહ ઓછો થઈ શકે. એને બદલે, આપણે સેવાકાર્ય પ્રત્યે યહોવાહ પરમેશ્વર અને ઈસુ ખ્રિસ્ત જેવું વલણ રાખવું જોઈએ. એનું મહત્ત્વ જણાવતા પ્રેષિત પાઊલે કહ્યું: “જેઓ અમારી જેમ સત્યનિષ્ઠ, ઈશ્વરના પ્રેષિત, ખ્રિસ્તના સામર્થ્ય વડે પ્રચાર કરનારા છે અને જેઓના ઉપર ઈશ્વરની નજર છે તેવા લોકો જ યોગ્ય છે. જોકે ઘણાં એવા માણસો પણ છે કે જેઓ શુભસંદેશના પ્રચારમાંથી લાભ મેળવવાની ઇચ્છા રાખે છે.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.)—૨ કોરીંથી ૨:૧૭, IBSI.

૧૧. સખત સતાવણી હોવા છતાં, શરૂઆતના ખ્રિસ્તીઓ કઈ રીતે ઉત્સાહી રહ્યા, અને એમાંથી આપણે શું શીખીએ છીએ?

૧૧ ઈસુના મરણ પછી તરત જ, યરૂશાલેમમાં તેમના શિષ્યોની સતાવણી થઈ. તેઓને ધમકાવવામાં આવ્યા અને પ્રચાર બંધ કરવાનો હુકમ આપવામાં આવ્યો. તોપણ, બાઇબલ કહે છે કે તેઓ “પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને દેવની વાત હિંમતથી બોલવા લાગ્યા.” (પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૭, ૨૧, ૩૧) થોડાં વર્ષો પછી, પાઊલે તીમોથીને લખ્યું કે ખ્રિસ્તીઓએ કેવું વલણ જાળવી રાખવું જોઈએ. પાઊલે કહ્યું: “દેવે આપણને ભયનો આત્મા નહિ, પણ સામર્થ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો આત્મા આપ્યો છે. માટે આપણા પ્રભુની સાક્ષી વિષે, અને હું જે તેનો બંદીવાન છું, તેના વિષે તું શરમાઈશ નહિ; પણ સુવાર્તાને લીધે દેવના સામર્થ્ય પ્રમાણે મારી સાથે દુઃખ ભોગવ.”—૨ તીમોથી ૧:૭, ૮.

પડોશી માટેનો પ્રેમ

૧૨. પ્રચાર કરવાનું મુખ્ય કારણ શું છે?

૧૨ પ્રચારકાર્યને સારી રીતે કરવાનો આપણો સારો ધ્યેય હોવો જોઈએ. પ્રચાર કરવાનો આપણો ધ્યેય શું છે? એનું મુખ્ય કારણ બતાવતા ગીતશાસ્ત્રના લેખક જણાવે છે: “તારા ભક્તો તને [યહોવાહને] સ્તુત્ય માનશે. તેઓ તારા રાજ્યના ગૌરવ વિષે બોલશે, તેઓ તારા પરાક્રમ સંબંધી વાતો કરશે; એથી માણસો તેનાં પરાક્રમી કામ, તથા તેના રાજ્યના ગૌરવની શોભા વિષે જાણશે.” (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૦-૧૨) આમ, આપણે જાહેરમાં યહોવાહની સ્તુતિ કરવા, અને સર્વ લોકો સામે તેમનું નામ પવિત્ર મનાવવા પ્રચાર કરીએ છીએ. ભલે થોડા લોકો આપણું સાંભળે તોપણ, આપણે વિશ્વાસથી જીવન આપનાર સંદેશો જણાવીએ છીએ, એનાથી પરમેશ્વર યહોવાહનું નામ મોટું મનાય છે.

૧૩. લોકોને અનંતજીવનની ખરી આશા વિષે જણાવવા આપણને શામાંથી પ્રેરણા મળે છે?

૧૩ આપણે લોકો માટેના પ્રેમને કારણે અને તેઓનું લોહી આપણા માથે ન આવે, એટલે પણ પ્રચાર કરીએ છીએ. (હઝકીએલ ૩૩:૮; માર્ક ૬:૩૪) એ વિષે પાઊલના આ શબ્દો લાગુ પડે છે: “ગ્રીક લોકોનો તેમજ બર્બરોનો પણ, અને જ્ઞાનીઓનો તેમજ મૂર્ખોનો પણ હું ઋણી છું.” (રૂમી ૧:૧૪) પાઊલને લાગ્યું કે તેમણે લોકોને પ્રચાર કરવો જ જોઈએ, કેમ કે “સઘળાં માણસો તારણ પામે,” એવી પરમેશ્વર યહોવાહની ઇચ્છા છે. (૧ તીમોથી ૨:૪) આજે, આપણને પણ આપણા પડોશીઓ માટે એવો જ પ્રેમ છે. યહોવાહ પરમેશ્વર આપણને એટલા બધા ચાહે છે કે તેમણે પોતાનો દીકરો પૃથ્વી પર મોકલ્યો, જેથી તે આપણા માટે મરણ પામીને બલિદાન આપે. (યોહાન ૩:૧૬) ખરેખર, એ મહાન બલિદાન હતું. આપણે પણ યહોવાહ પરમેશ્વરના એ પ્રેમનું અનુકરણ કરીએ. કઈ રીતે? ઈસુના બલિદાનને આધારે જ અનંતજીવન છે એ લોકોને જણાવવા સમય ફાળવીને તથા સખત પ્રયત્ન કરીને આપણે એ કરી શકીએ.

૧૪. બાઇબલ ‘જગતનું’ કઈ રીતે વર્ણન કરે છે?

૧૪ યહોવાહના ભક્તો લોકોને પોતાના ભાવિ ભાઈ-બહેનો તરીકે જુએ છે. તેથી આપણે હિંમતથી પ્રચાર કરવો જોઈએ. પણ એનો અર્થ એમ નથી કે આપણે તેઓની ટીકા કરવા માંડીએ. ખરું કે, બાઇબલ ઘણી વખત “જગત”ની ટીકા કરે છે. દાખલા તરીકે પાઊલે “જગતનું જ્ઞાન” અને જગતની ઇચ્છાઓ શબ્દનો ઉપયોગ નકારાત્મક અર્થમાં કર્યો હતો. (૧ કોરીંથી ૩:૧૯; તીતસ ૨:૧૨) વધુમાં, પાઊલે એફેસીના ખ્રિસ્તી ભાઈઓને યાદ દેવડાવ્યું કે તેઓ પહેલાં “જગતના ધોરણ પ્રમાણે” ચાલતા હતા ત્યારે, યહોવાહ પરમેશ્વરની નજરમાં “મૂએલા” હતા. (એફેસી ૨:૧-૩) પ્રેષિત યોહાન પણ સહમત થાય છે: “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.”—૧ યોહાન ૫:૧૯.

૧૫. યહોવાહના ભક્તો નથી, તેઓ વિષે શું વિચારવું ન જોઈએ, અને શા માટે?

૧૫ પરંતુ, યાદ રાખો કે આ શબ્દાવલિઓ પરમેશ્વરથી દૂર જનારા સામાન્ય જગતની વાત કરે છે, કોઈ વ્યક્તિની નહિ. તેથી કોઈ પણ વ્યક્તિ પ્રચારકાર્ય વિષે કેવું વલણ બતાવશે, એનો આપણે અગાઉથી નિર્ણય લઈ લેવો જોઈએ નહિ. ‘આ વ્યક્તિ બકરાં જેવી છે,’ એમ કહેવાનું આપણી પાસે કોઈ કારણ નથી. ઈસુ “ઘેટાંને બકરાંથી” જુદાં પાડશે ત્યારે, કેવું પરિણામ આવશે, એ ધારી લેવાનો આપણને કોઈ હક્ક નથી. ઈસુ ખ્રિસ્તને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું છે, આપણને નહિ. (માત્થી ૨૫:૩૧-૪૬) તેમ જ, અનુભવો બતાવે છે કે એકદમ ખરાબ કાર્યોમાં ફસાયેલી વ્યક્તિઓએ પણ બાઇબલનો સંદેશ સ્વીકારીને, મોટા ફેરફારો કર્યા છે. હવે, તેઓ યહોવાહના માર્ગમાં ચાલી રહ્યા છે. તેથી, આપણે ખરાબ કાર્યમાં ફસાયેલી વ્યક્તિઓ સાથે દોસ્તી કરવાનું ન ઇચ્છીએ તોપણ, તક મળે તેમ પરમેશ્વરના રાજ્ય વિષે તેઓને જણાવતા અચકાવું જોઈએ નહિ. બાઇબલ એવા લોકો વિષે પણ જણાવે છે કે જેઓ સાચા પરમેશ્વરની શોધમાં હતા. છેવટે, તેઓ પણ સંદેશો સ્વીકારીને યહોવાહના ભક્ત બન્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૮) એ કારણે આપણે પ્રચારમાં જઈએ ત્યારે એમ કહી શકતા નથી કે કોણ સાચા પરમેશ્વરને શોધી રહ્યું છે. તેથી, આપણે વારંવાર પ્રચાર કરતા રહેવું જોઈએ. અને આપણો સંદેશો સ્વીકાર્યો ન હોય તેઓ સાથે પણ આપણે “નમ્રતાથી” અને “આદરસહિત” વર્તવું જોઈએ. કારણ કે, આપણને આશા છે કે તેઓમાંના અમુક જરૂર આ સંદેશો સ્વીકારશે.—૨ તીમોથી ૨:૨૫; ૧ પીતર ૩:૧૫, IBSI.

૧૬. શા માટે આપણે એક સારા શિક્ષક બનવું જોઈએ?

૧૬ કુશળ શિક્ષક બનવાથી, આપણે સુસમાચાર જણાવવાનો આપણો ઉત્સાહ વધારી શકીએ. દાખલા તરીકે, આપણે ક્રિકેટ વિષે કંઈ ખાસ જાણતા ન હોઈએ તો, એ રમવામાં મજા આવશે નહિ. પરંતુ સારી રીતે રમવાનું જાણતા હોઈએ તો, આપણે એને પૂરા ઉત્સાહથી રમીશું. એવી જ રીતે, આપણે પણ સારી રીતે શીખવવાનું જાણતા હોઈશું અને કુશળ શિક્ષક બનીશું તો ઉત્સાહથી સેવાકાર્યનો આનંદ માણીશું. (૨ તીમોથી ૪:૨; તીતસ ૧:૯) પાઊલે તીમોથીને સલાહ આપી: “જેને શરમાવાનું કંઈ કારણ ન હોય એવી રીતે કામ કરનાર સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર, અને દેવને પસંદ પડે એવો સેવક થવાને પ્રયત્ન કર.” (૨ તીમોથી ૨:૧૫) કઈ રીતે આપણે એક સારા શિક્ષક બની શકીએ?

૧૭. આપણે કઈ રીતે બાઇબલના જ્ઞાનની તીવ્ર ઇચ્છા રાખી શકીએ, અને એનાથી કઈ રીતે સેવાકાર્યમાં લાભ થશે?

૧૭ એક રીત છે બાઇબલનું જ્ઞાન લેવું. પ્રેષિત પીતર સલાહ આપે છે: “નવાં જન્મેલાં બાળકોની પેઠે નિષ્કપટ આત્મિક દૂધની ઇચ્છા રાખો.” (૧ પીતર ૨:૨) તંદુરસ્ત બાળક દૂધની તીવ્ર ઇચ્છા રાખે છે. એવી જ રીતે આપણે પણ બાઇબલનું જ્ઞાન લેવાની તીવ્ર ઇચ્છા રાખવી જોઈએ, એ કંઈ આપોઆપ આવી જતી નથી. એ આપણે નિયમિત અભ્યાસ અને વાંચનની ટેવથી કેળવી શકીએ. (નીતિવચન ૨:૧-૬) આપણે બાઇબલના કુશળ શિક્ષક બનવું હોય તો, સખત પ્રયત્ન અને શિસ્તની જરૂર છે, એનાથી આપણને પોતાને લાભ થાય છે. બાઇબલનું જ્ઞાન લેવાથી જે આનંદ મળે છે, એ આપણને દેવના પવિત્ર આત્માથી ભરપૂર કરશે. પછી, આપણે જે શીખ્યા છીએ, એ બીજાઓને જણાવવા ઉત્સાહી બનીશું.

૧૮. સભાઓ કઈ રીતે બાઇબલનો યોગ્ય અને ભરપૂર ઉપયોગ કરવા મદદ કરે છે?

૧૮ બાઇબલનો કુશળતાથી ઉપયોગ કરવામાં ખ્રિસ્તી સભાઓ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. એમાં જાહેર ભાષણો અને બીજી ચર્ચાઓ વખતે વક્તા સાથે આપણે પણ બાઇબલ કલમોને બાઇબલમાંથી ખોલીને વાંચવી જોઈએ. આપણે સભાઓમાં પૂરેપૂરું ધ્યાન આપીએ એ ખૂબ જરૂરી છે, જેમાં આપણા પ્રચારકાર્યના ખાસ ભાગોનો પણ સમાવેશ થાય છે. સભામાં બતાવવામાં આવતા દૃશ્યોને પણ ધ્યાન આપવાની જરૂર છે. એ સમયે આપણે આમતેમ ફાંફાં મારવાને બદલે એને ધ્યાનથી સાંભળીશું. (૧ તીમોથી ૪:૧૬) ખ્રિસ્તી સભાઓ આપણો વિશ્વાસ દૃઢ કરે છે. એ આપણને બાઇબલનો ઊંડો અભ્યાસ કરવા મદદ કરે છે અને સુસમાચારના ઉત્સાહી પ્રચારકો બનાવે છે.

યહોવાહની મદદ માંગીએ

૧૯. શા માટે નિયમિત રીતે પ્રચારમાં જવું મહત્ત્વનું છે?

૧૯ જે ખ્રિસ્તીઓ “આત્મામાં ઉત્સાહી” છે, પ્રચાર કરવા આતુર છે તેઓ, નિયમિત રીતે સેવાકાર્યમાં ભાગ લેવા સખત મહેનત કરે છે. (એફેસી ૫:૧૫, ૧૬) દરેકના સંજોગો અલગ અલગ હોવાથી તેઓ આ જીવન બચાવનાર કાર્યમાં એકસરખો સમય આપી શકતા નથી. (ગલાતી ૬:૪, ૫) જો કે પ્રચારકાર્યમાં આપણે કેટલો સમય આપીએ એ નહિ, પણ બીજાઓને ભાવિની આશા વિષે તક મળે ત્યારે વાત કરીએ છીએ કે નહિ, એ વધારે મહત્ત્વનું છે. (૨ તીમોથી ૪:૧, ૨) આપણે જેટલો વધારે પ્રચાર કરીશું એટલું વધારે આ કાર્યનું મહત્ત્વ સમજી શકીશું. (રૂમી ૧૦:૧૪, ૧૫) ભાવિની આશા વિનાના અને નિસાસા નાખતા લોકોને આપણે જેટલા વધારે મળીશું, એટલો જ તેઓ માટેનો આપણો પ્રેમ અને દયા વધશે.—હઝકીએલ ૯:૪; રૂમી ૮:૨૨.

૨૦, ૨૧. (ક) આપણી પાસે હજુ કયું કામ રહેલું છે? (ખ) યહોવાહ દેવ કઈ રીતે આપણા પ્રયત્નોને આશીર્વાદ આપે છે?

૨૦ યહોવાહ પરમેશ્વરે આપણને તેમના રાજ્યનો પ્રચાર કરવાનું જણાવ્યું છે. આપણને તેમની સાથે “કામ કરનારા” તરીકેની સોંપણી મળી છે. (૧ કોરીંથી ૩:૬-૯) યહોવાહ દેવે આપેલું આ કામ આપણે પૂરા તન, મન અને ધનથી કરવા આતુર છીએ. (માર્ક ૧૨:૩૦; રૂમી ૧૨:૧) હજુ એવા ઘણા લોકો છે, જેઓ સત્ય શોધે છે. હજુ ઘણું કામ કરવાનું બાકી છે. તેથી, ચાલો આપણું સેવાકાર્ય વધારે સારી રીતે કરવા યહોવાહ દેવની મદદ માંગીએ.—૨ તીમોથી ૪:૫.

૨૧ યહોવાહ દેવ પોતાનો પવિત્ર આત્મા આપીને, આપણને બાઇબલ, એટલે કે ‘આત્માની તરવારથી’ તૈયાર કરે છે. તેમની મદદથી આપણને ‘તેમનો મર્મ જણાવવાને મોં ઉઘાડીને બોલવાની હિંમત મળે’ છે. (એફેસી ૬:૧૭-૨૦) પ્રેષિત પાઊલે થેસ્સાલોનીકીના ખ્રિસ્તી ભાઈઓ વિષે જે લખ્યું, એ આપણે પોતાને પણ લાગુ પાડીએ: “અમારી સુવાર્તા કેવળ શબ્દથી નહિ, પણ સામર્થ્યથી, પવિત્ર આત્માથી તથા ઘણી ખાતરીપૂર્વક પણ તમારી પાસે આવી.” (૧ થેસ્સાલોનીકી ૧:૫) ચાલો આપણે યહોવાહ દેવના રાજ્યનો પ્રચાર ઉત્સાહથી કરીએ!

આપણે શું શીખ્યા?

• સંસારી ચિંતાને કારણે, સેવાકાર્યના આપણા ઉત્સાહને શું થઈ શકે?

• કઈ રીતે પ્રચાર કરવાની ઇચ્છા આપણા હૃદયમાં “બળતા અગ્‍નિ” જેવી હોવી જોઈએ?

• આપણે સેવાકાર્ય વિષે કેવું વલણ ન રાખવું જોઈએ?

• યહોવાહના ભક્તો નથી, તેઓ વિષે આપણે કેવું વલણ રાખવું જોઈએ?

• યહોવાહ પરમેશ્વર આપણને પ્રચારકાર્યનો ઉત્સાહ જાળવી રાખવા કઈ રીતે મદદ કરે છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૯ પર ચિત્રો]

ખ્રિસ્તીઓ પાઊલ અને યિર્મેયાહના ઉત્સાહી કાર્યનું અનુકરણ કરે છે

[પાન ૧૦ પર ચિત્રો]

પરમેશ્વર યહોવાહ અને પડોશીના પ્રેમને કારણે આપણે સેવાકાર્યમાં ઉત્સાહી છીએ