સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે મનની શાંતિ મેળવી શકો?

શું તમે મનની શાંતિ મેળવી શકો?

શું તમે મનની શાંતિ મેળવી શકો?

વર્ષ ૧૮૫૪માં, અમેરિકાના લેખક હેનરી થોરાએ લખ્યું: “મોટા ભાગના લોકો દુઃખી અને નિરાશાજનક જીવન જીવે છે.”

દેખીતી રીતે જ, એ સમયે મોટા ભાગના લોકો પાસે મનની શાંતિ ન હતી. આ વાત લગભગ ૧૫૦ વર્ષ પહેલાંની છે. શું આજે કંઈ એનાથી અલગ પરિસ્થિતિ છે? શું આજે પણ થોરાના શબ્દો લાગુ પડે છે? તમારા પોતા વિષે શું? શું તમારી પાસે મનની શાંતિ છે? કે પછી તમે પણ કોઈ ભય કે ભાવિની ચિંતાથી પીડાવ છો અથવા થોરાએ કહ્યું તેમ ‘દુઃખી અને નિરાશ’ છો?

આજે ઘણી એવી બાબતો છે, જે આપણા મનની શાંતિ છીનવી લે છે. ચાલો આપણે એમાંની થોડીક જોઈએ. આજે ઘણા દેશોમાં બેકારીને કારણે ગરીબી વધે છે. બીજા દેશોમાં ઘણા લોકો ભૌતિક સંપત્તિ પાછળ પડ્યા હોય છે. તેમ જ દેખાદેખીનું જીવન જીવવાથી પણ મનની શાંતિ છીનવાઈ જાય છે. વળી માંદગી, યુદ્ધો, ગુના, અન્યાય અને જુલમ પણ લોકોના મનની શાંતિ છીનવી લે છે.

તેઓ મનની શાંતિ શોધે છે

ઘણા લોકો દુઃખ સહન કરવા તૈયાર નથી. એન્ટોનિયો * બ્રાઝિલ, સાઓ પાઊલોની એક મોટી ફેક્ટરીના કામદારોનો આગેવાન હતો. કામદારોનું જીવનધોરણ ઊંચુ લાવવા તે હડતાલોમાં અને સરઘસોમાં ભાગ લેતો હતો, પરંતુ એનાથી તેને મનની શાંતિ મળી નહિ.

કેટલાક લોકો માને છે કે લગ્‍ન કરવાથી મનની શાંતિ મળે છે. પણ એવું કંઈ બનતું નથી. મારકોસ એક મોટો વેપારી હતો. તેથી, તે રાજકારણમાં જોડાયો અને પંચાયતનો પ્રમુખ બન્યો. છતાં, તેનું કુટુંબ છિન્‍ન-ભિન્‍ન થઈ ગયું. તેનાં બાળકો ઘર છોડી ગયા પછી, તે અને તેની પત્ની પણ છૂટા પડ્યા, કારણ કે તેઓ શાંતિથી સાથે રહી શકતા ન હતા.

બ્રાઝિલ, સાલ્વાડૉરમાં જેરસન ફૂટપાથ પર મોટો થયો. તેને જીવનમાં કંઈક કરવું હતું. તે ટ્રક ડ્રાઇવરો સાથે એકથી બીજા શહેર રખડતો ગયો. જલદી જ તે કેફી પદાર્થોનો વ્યસની બન્યો. તે પોતાની આ કુટેવો સંતોષવા લોકોને લૂંટતો હતો. ઘણી વાર પોલીસે તેને પકડ્યો. જેરસન સ્વભાવે ખૂબ જ હિંસક હતો. તેમ છતાં, તે મનની શાંતિ શોધતો હતો. શું તે કદી એ શોધી શક્યો?

વાનિયા નાની હતી ત્યારે જ એની મા ગુજરી ગઈ હતી. તેથી, તેના પર ઘરની બધી જવાબદારી આવી પડી. એટલું જ નહિ, તેને તેની બીમાર બહેનની પણ કાળજી રાખવાની હતી. વાનિયા નિયમિત ચર્ચમાં જતી હતી છતાં, તેને લાગતું હતું કે પરમેશ્વરે તેને તજી દીધી છે. ખરેખર તેને જરાય મનની શાંતિ ન હતી.

મારશેલો પણ જીવનનો ખરો આનંદ માણવા ચાહતો હતો. તેને બીજા યુવાનો સાથે પાર્ટીઓમાં નાચગાન કરવાનું અને કેફી પદાર્થો લેવાનું ખૂબ જ ગમતું હતું. એક દિવસ તેણે બીજા યુવાન સાથે ખૂબ મારામારી કરી. પછી, પોતે જે કર્યું, એ માટે તેને ખૂબ પસ્તાવો થયો અને મદદ માટે તેણે પરમેશ્વરને પ્રાર્થના કરી. મારશેલોને પણ મનની શાંતિ જોઈતી હતી.

આ અનુભવો બતાવે છે કે અમુક પરિસ્થિતિને લીધે આપણી મનની શાંતિ પર પાણી ફરી વળે છે. શું ઉપર જણાવેલી વ્યક્તિઓ કોઈ પણ રીતે મનની શાંતિ મેળવી શકે? શું તેમના અનુભવોમાંથી આપણે કંઈ શીખી શકીએ? આ બંને પ્રશ્નોના જવાબ છે, હા. કેવી રીતે? એની ચર્ચા હવે પછીના લેખમાં કરીશું.

[ફુટનોટ]

^ અમુક નામ બદલવામાં આવ્યાં છે.

[પાન ૩ પર ચિત્ર]

શું તમે મનની શાંતિ મેળવી શકો?