સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સત્યનાં બી વાવો

સત્યનાં બી વાવો

સત્યનાં બી વાવો

“સવારમાં બી વાવ, ને સાંજે તારો હાથ પાછો ખેંચી ન રાખ.”—સભાશિક્ષક ૧૧:૬.

૧. આજે આપણે કયા અર્થમાં ‘બી’ વાવીએ છીએ?

 પ્રાચીન સમાજમાં ખેતીનું કામ ઘણું જ મહત્ત્વનું હતું. એટલે જ ઈસ્રાએલ દેશમાં જીવન પસાર કરનાર ઈસુએ, પોતાના શિક્ષણમાં એ વિષય પર ઘણા ઉદાહરણો આપ્યાં. દાખલા તરીકે, તેમણે પરમેશ્વર યહોવાહના રાજ્ય પ્રચારને બી વાવવા સાથે સરખાવ્યા. (માત્થી ૧૩:૧-૯, ૧૮-૨૩; લુક ૮:૫-૧૫) આપણે એવા સમાજમાં રહેતા હોઈએ કે નહિ, પણ આજે આપણે એ જ રીતે ‘બી’ વાવવાનું મહત્ત્વનું કાર્ય કરીએ છીએ.

૨. પ્રચારકાર્ય કેટલું મહત્ત્વનું છે, અને એ માટે આજે શું થઈ રહ્યું છે?

આ અંતના સમયમાં બાઇબલ સત્યનાં ‘બી’ વાવવાનું કામ ખરેખર મહત્ત્વનું છે. રૂમી ૧૦:૧૪, ૧૫ જણાવે છે: “જેને વિષે તેઓએ સાંભળ્યું નથી, તેના ઉપર તેઓ કેમ વિશ્વાસ કરશે? વળી ઉપદેશક વગર તેઓ કેમ સાંભળશે? વળી તેઓને મોકલ્યા વગર તેઓ કેમ કરીને ઉપદેશ કરશે? લખેલું છે, કે વધામણીની સુવાર્તા સંભળાવનારાઓનાં પગલાં કેવાં સુંદર છે!” પરમેશ્વરે સોંપેલા આ કાર્યને ઉત્સાહથી કરવા પર ભાર આપવામાં આવ્યો છે. તેથી, યહોવાહના ભક્તો બાઇબલ અને ૩૪૦ ભાષાઓમાં બાઇબલ આધારિત સાહિત્ય બહાર પાડીને એનું વિતરણ કરે છે. એ તૈયાર કરવા તેઓના મુખ્યમથક અને દુનિયાભરના દેશોની શાખા કચેરીમાં ૧૮,૦૦૦ કરતાં વધારે સ્વયંસેવકો કામ કરે છે. તેમ જ, આખી દુનિયામાં લગભગ સાઠ લાખ યહોવાહના ભક્તો એ સાહિત્ય લોકોને આપી રહ્યા છે.

૩. સત્યનાં ‘બી’ વાવવાના કયાં ફળ મળ્યાં છે?

શું તેઓની આ મહેનતનાં ફળો મળ્યાં છે? હા, શરૂઆતના ખ્રિસ્તી ધર્મની જેમ, આજે પણ ઘણા સત્ય સ્વીકારી રહ્યાં છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૪૧, ૪૬, ૪૭) નવા બાપ્તિસ્મા પામેલા રાજ્ય પ્રચારકોની સંખ્યા મોટી છે. તેમ છતાં, વધારે મહત્ત્વનું તો એ છે કે તેઓ યહોવાહના નામને પવિત્ર મનાવે છે. તેમ જ સાચા પરમેશ્વર તરીકે તેમને દોષમુક્ત કરે છે. (માત્થી ૬:૯) વળી, બાઇબલનું જ્ઞાન ઘણા લોકોને તારણના માર્ગે દોરી જાય છે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૭.

૪. પ્રચારકાર્યમાં પ્રેષિતો લોકોની કેવી ચિંતા રાખતા હતા?

પ્રેષિતોને લોકો પ્રત્યે ઘણી લાગણી હતી. આથી તેઓ આ જીવન બચાવનાર સંદેશો લોકોને જણાવવા ખૂબ મહેનત કરતા હતા. એ વિષે પ્રેષિત પાઊલે લખ્યું: “અમે તમારા પર બહુ મમતા રાખીને, તમને કેવળ દેવની સુવાર્તા પ્રગટ કરવાને જ નહિ, પણ અમારા જીવો પણ આપવાને રાજી હતા, કારણ કે તમે અમને બહુ પ્રિય થઈ પડ્યા હતા.” (૧ થેસ્સાલોનીકી ૨:૮) આ રીતે પ્રેષિતો, ઈસુ ખ્રિસ્ત અને સ્વર્ગીય દૂતોનું અનુકરણ કરતા હતા, જેઓ આ જીવન બચાવનાર કાર્યમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ચાલો આપણે જોઈએ કે પરમેશ્વરના આ ભક્તો સત્યનાં ‘બી’ વાવવામાં કઈ રીતે મહત્ત્વનો ભાગ ભજવે છે. તેમ જ, તેઓનું ઉદાહરણ આપણને કઈ રીતે ઉત્તેજન આપે છે.

ઈસુ—સત્યનાં બી વાવનાર

૫. ઈસુએ કઈ બાબતને વધારે મહત્ત્વ આપ્યું?

સંપૂર્ણ વ્યક્તિ તરીકે ઈસુ, તેમના સમયના લોકો માટે ઘણું કરી શક્યા હોત. દાખલા તરીકે, તે તેઓની બીમારીનો ઇલાજ બતાવી શક્યા હોત, અથવા લોકોને વિજ્ઞાનની દિશામાં વધુ પ્રગતિ કરવા મદદ કરી શક્યા હોત. તોપણ, તેમણે પોતાના સેવાકાર્યની શરૂઆતમાં જ જણાવ્યું કે તેમનું કાર્ય દેવના રાજ્યનો પ્રચાર કરવાનું હતું. (લુક ૪:૧૭-૨૧) વળી, પોતાના સેવાકાર્યના અંતમાં ઈસુએ કહ્યું કે, “એ જ માટે હું જનમ્યો છું, અને એ જ માટે હું જગતમાં આવ્યો છું, કે સત્ય વિષે હું સાક્ષી આપું.” (યોહાન ૧૮:૩૭) તેથી, તે સત્યનાં ‘બી’ વાવવામાં વ્યસ્ત રહ્યા. લોકોને બીજું શિક્ષણ આપવા કરતાં, ઈસુને પરમેશ્વર યહોવાહ અને તેમના હેતુઓ વિષે શીખવવાનું સૌથી મહત્ત્વનું લાગ્યું.—રૂમી ૧૧:૩૩-૩૬.

૬, ૭. (ક) ઈસુએ સ્વર્ગમાં જતા પહેલાં કયું વચન આપ્યું, અને તે કઈ રીતે એ વચન પાળે છે? (ખ) ઈસુનું પ્રચારકાર્ય પ્રત્યેનું વલણ તમને કઈ રીતે અસર કરે છે?

ઈસુએ પોતાની ઓળખ સત્યનાં ‘બી’ વાવનાર તરીકે આપી. (યોહાન ૪:૩૫-૩૮) તેમણે દરેક તક ઝડપી લઈને ‘બી’ વાવ્યાં. તે વધસ્થંભ પર હતા ત્યારે પણ, તેમણે પરમેશ્વરના રાજ્ય દ્વારા આવનાર સુંદર બગીચા જેવી પૃથ્વી વિષે વાત કરી. (લુક ૨૩:૪૩) પોતાના મરણ પછી પણ તેમણે રાજ્યનો પ્રચાર કરવાનું બંધ કરી દીધું નહિ. સ્વર્ગમાં જતા પહેલા તેમણે પોતાના શિષ્યોને સત્યનાં ‘બી’ વાવવાની અને શિષ્યો બનાવવાની આજ્ઞા આપી. પછી ઈસુએ યાદગાર વચન આપ્યું. તેમણે કહ્યું: “જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”—માત્થી ૨૮:૧૯, ૨૦.

આ રીતે ઈસુએ વચન આપ્યું કે પ્રચારકાર્યમાં મદદ કરવા, માર્ગદર્શન આપવા તથા એ પૂરું કરવા તે ‘જગતના અંત સુધી સર્વકાળ’ આપણી સાથે હશે. આજે પણ ઈસુ આ કાર્યમાં ઊંડો રસ લેવાનું ચાલુ જ રાખે છે. ઈસુ સત્યનાં ‘બી’ વાવવામાં અને માર્ગદર્શન આપવામાં આગેવાની લઈ રહ્યાં છે. (માત્થી ૨૩:૧૦) યહોવાહ દેવે ખ્રિસ્તી મંડળના આગેવાન તરીકે, ઈસુ ખ્રિસ્તને આ કાર્ય પૂરું કરવાની જવાબદારી સોંપી છે.—એફેસી ૧:૨૨, ૨૩; કોલોસી ૧:૧૮.

આનંદના સમાચાર આપતા દૂતો

૮, ૯. (ક) દૂતો કઈ રીતે મનુષ્યોમાં ઊંડો રસ બતાવે છે? (ખ) કયા અર્થમાં દૂતો આપણને જોઈ રહ્યા છે?

યહોવાહે પૃથ્વી ઉત્પન્‍ન કરી ત્યારે, દૂતો “ભેગા મળીને ગાયન કરતા હતા, અને . . . હર્ષનાદ કરતા હતા.” (અયૂબ ૩૮:૪-૭) એ સમયથી સ્વર્ગદૂતોને મનુષ્યોમાં ઊંડો રસ છે. પરમેશ્વર યહોવાહે તેઓ દ્વારા પોતાનો સંદેશો જાહેર કર્યો છે. (ગીતશાસ્ત્ર ૧૦૩:૨૦) ખાસ કરીને, આજે દેવના રાજ્યનો પ્રચાર કરવા તેઓનો ઘણો જ ઉપયોગ થાય છે. પ્રેષિત યોહાનને મળેલા પ્રકટીકરણમાં તેમણે “દૂતને અંતરિક્ષમાં ઊડતો” જોયો. વળી, “પૃથ્વી પર રહેનારાંઓમાં, એટલે સર્વ રાજ્ય, જાતિ, ભાષા તથા પ્રજામાં પ્રગટ કરવાને, તેની પાસે સનાતન સુવાર્તા હતી; તે મોટે સાદે કહે છે, કે દેવથી બીહો ને તેને મહિમા આપો; કેમકે તેના ન્યાયકરણનો સમય આવ્યો છે.”—પ્રકટીકરણ ૧૪:૬, ૭.

બાઇબલ દૂતો વિષે કહે છે કે, ‘તેઓ સર્વે સેવા કરનારા આત્મા, . . . તારણનો વારસો પામનારાઓની સેવા કરવા સારૂ બહાર મોકલાયેલા’ છે. (હેબ્રી ૧:૧૪) દૂતો પોતાની જવાબદારી ઉત્સાહથી પૂરી કરે છે તેમ, તેઓ આપણને અને આપણી સેવાને પણ જોઈ શકે છે. જાણે સ્ટેજ પર હોઈએ તેમ, આપણે આપણું કામ સ્વર્ગીય શ્રોતાઓ સામે કરી રહ્યા છીએ. (૧ કોરીંથી ૪:૯) સત્યનાં ‘બી’ વાવવાના કામમાં આપણે એકલા નથી, એ જાણવું કેવું રોમાંચક છે!

ઉત્સાહથી પ્રચાર કરીએ

૧૦. સભાશિક્ષક ૧૧:૬ની સલાહ પ્રચારકાર્યને કઈ રીતે લાગુ પાડી શકીએ?

૧૦ શા માટે ઈસુ અને દૂતોને આપણા કામમાં આટલો રસ છે? ઈસુએ એક કારણ જણાવ્યું: ‘હું તમને કહું છું કે એક પાપી પસ્તાવો કરે, તેને લીધે દેવના દૂતોની સમક્ષ હર્ષ થાય છે.’ (લુક ૧૫:૧૦) આપણને પણ લોકો માટે એવો જ પ્રેમ છે. તેથી, આપણે દરેક જગ્યાએ સત્યનાં ‘બી’ વાવવાં બનતું બધુ જ કરવું જોઈએ. આપણે બાઇબલની આ સલાહ લાગુ પાડીએ: “સવારમાં બી વાવ, ને સાંજે તારો હાથ પાછો ખેંચી ન રાખ; કેમકે આ સફળ થશે, કે તે સફળ થશે, અથવા તે બન્‍ને સરખી રીતે સફળ થશે તે તું જાણતો નથી.” (સભાશિક્ષક ૧૧:૬) ખરું કે એક વ્યક્તિ આપણો સંદેશો સ્વીકારશે, અને હજારો એનો નકાર કરશે. પરંતુ, “એક પાપી” જીવન બચાવનાર સંદેશ સ્વીકારે ત્યારે આપણે પણ દૂતોની જેમ આનંદ કરીએ છીએ!

૧૧. બાઇબલ આધારિત સાહિત્ય કેટલું અસરકારક છે?

૧૧ દેવના રાજ્યનો પ્રચાર કરવામાં ઘણું સમાયેલું છે. એમાં મદદરૂપ એક મુખ્ય સાધન, યહોવાહના લોકોએ છાપેલું સાહિત્ય છે. એક રીતે જોઈએ તો, આ સાહિત્ય પણ ‘બી’ છે, જેને દરેક જગ્યાએ વાવવામાં આવે છે. આપણે જાણતા નથી કે એ ક્યારે ફૂટશે. કેટલીક વખત એ વાંચ્યા વિના બીજાઓને આપી દેવામાં આવે છે. કેટલાક બનાવોમાં ઈસુ અને દૂતો એમ થવા દે છે જેથી, નમ્ર હૃદયની વ્યક્તિઓ એમાંથી લાભ મેળવી શકે. ચાલો આપણે કેટલાક અનુભવોનો વિચાર કરીએ. એ બતાવે છે કે લોકોને આપેલાં સાહિત્યથી યહોવાહ કઈ રીતે સારા પરિણામો લાવે છે.

સાચા પરમેશ્વરનું કાર્ય

૧૨. એક જૂના મેગેઝિને કઈ રીતે એક કુટુંબને યહોવાહની ભક્તિ કરવામાં મદદ કરી?

૧૨ રોબર્ટ, તેમની પત્ની લીલા તથા તેઓનાં બાળકો ૧૯૫૩માં મોટા શહેરમાંથી, યુ.એસ.એ. પેન્સીલ્વેનિયામાં એક વાડીના જૂના મકાનમાં રહેવા ગયા. થોડા સમય પછી, રોબર્ટે દાદર નીચે બાથરૂમ બનાવવાનું નક્કી કર્યું. રોબર્ટે લાકડાંના થોડાં પાટિયાં કાઢ્યા પછી જોયું કે દિવાલની પાછળ ઉંદરે કોતરેલાં કાગળોનો ઢગલો કર્યો હતો, અને બીજો ભંગાર પણ પડ્યો હતો. એ બધાની વચ્ચે ધ ગોલ્ડન ઍજ મેગેઝિન પડેલું હતું. રોબર્ટને એ મેગેઝિનમાં બાળકો વિષેના લેખમાં રસ પડ્યો. એમાં આપેલા બાઇબલ માર્ગદર્શનની તેમના પર એટલી બધી અસર થઈ કે તેમણે લીલાને કહ્યું કે તેઓ “ધ ગોલ્ડન ઍજનો ધર્મ” પાળશે. થોડા જ સમયમાં, યહોવાહના સાક્ષીઓ તેમના ઘરે આવ્યા. પરંતુ, રૉબર્ટે તેઓને કહ્યું કે તેમને ફક્ત “ધ ગોલ્ડન ઍજના ધર્મ” વિષે જ જાણવામાં રસ છે. સાક્ષીઓએ સમજાવ્યું કે ધ ગોલ્ડન ઍજનું નવું નામ અવૅક! છે. રૉબર્ટ અને લીલાએ સાક્ષીઓ સાથે બાઇબલનો અભ્યાસ શરૂ કર્યો અને છેવટે બાપ્તિસ્મા પામ્યા. તેઓએ સત્યનાં ‘બી’ પોતાનાં બાળકોમાં પણ વાવ્યાં અને એના ભરપૂર બદલા મેળવ્યા. આજે, તેઓનાં સાતેય બાળકો સહિત, ૨૦ કરતાં વધારે કુટુંબીજનો યહોવાહની સેવા કરે છે.

૧૩. પોર્ટો રિકોના એક પતિ-પત્નીને કઈ રીતે બાઇબલમાં રસ જાગ્યો?

૧૩ કંઈક ૪૦ વર્ષ પહેલાં પોર્ટો રિકોમાંના વિલિયમ અને તેમની પત્ની, ઍડાને બાઇબલમાં બિલકુલ રસ ન હતો. યહોવાહના સાક્ષીઓ તેઓના ઘરે જતા ત્યારે, તેઓ બારણું ખોલતા ન હતા. એક દિવસ વિલિયમ ઘરમાં સમારકામ કરવા માટે જરૂરી વસ્તુઓ ખરીદવા ભંગારવાળાની દુકાને ગયા. તે દુકાનમાંથી નીકળતા હતા ત્યારે, તેમણે મોટા કચરાના ડબ્બામાં ચળકતા આછા લીલા રંગનું ધર્મ (રીલીજીઅન) નામનું એક પુસ્તક જોયું. એ યહોવાહના સાક્ષીઓએ ૧૯૪૦માં બહાર પાડેલું પુસ્તક હતું. વિલિયમ એ પુસ્તક ઘરે લઈ ગયા, અને તેમને સાચા અને જૂઠા ધર્મ વચ્ચેનો તફાવત વાંચીને ઘણો આનંદ થયો. બીજી વાર યહોવાહના સાક્ષીઓ તેઓના ઘરે આવ્યા ત્યારે, વિલિયમ અને ઍડાએ આનંદથી તેઓનું સાંભળ્યું, અને બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. થોડા મહિના પછી, ૧૯૫૮ના આંતરરાષ્ટ્રીય સંમેલનમાં તેઓ બાપ્તિસ્મા પામ્યા. એ પછી, તેઓએ ૫ચાસથી વધારે લોકોને યહોવાહના ભક્તો બનવા મદદ કરી છે.

૧૪. અનુભવ પ્રમાણે, આપણા સાહિત્યથી વ્યક્તિ પર કેવી અસર પડી શકે છે?

૧૪ કાર્લ ૧૧ વર્ષનો એક તોફાની છોકરો હતો. તે કંઈને કંઈ મુશ્કેલી ઊભી કરતો હતો. તેના પિતા એક જર્મન મેથોડિસ્ટ ચર્ચના પાદરી હતા. તેમણે તેને શીખવ્યું કે ખરાબ લોકોને મરણ પછી નર્કમાં નાખવામાં આવે છે. તેથી, કાર્લને નર્કની ઘણી જ બીક લાગતી હતી. કાર્લને ૧૯૧૭માં એક દિવસે રસ્તા પરથી છાપેલા કાગળનો એક ટુકડો વાંચતા વાંચતા તેનું ધ્યાન એક પ્રશ્ન પર ગયું: “નર્ક શું છે?” એ કાગળ આ વિષય પર જાહેર ભાષણનું આમંત્રણ આપતી પત્રિકા હતી. એ યહોવાહના સાક્ષી તરીકે જાણીતા બાઇબલ વિદ્યાર્થીઓએ ગોઠવ્યું હતું. કાર્લે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો અને લગભગ એક વર્ષ પછી તે બાપ્તિસ્મા પામ્યો. તેને ૧૯૨૫માં યહોવાહના સાક્ષીઓના મુખ્ય મથકે કામ કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું, જ્યાં તે હજુ સેવા આપે છે. આમ, રસ્તામાં પડેલા કાગળના ટુકડાએ કાર્લને એંસી વર્ષ પહેલાં ખ્રિસ્તી જીવન શરૂ કરવા મદદ કરી.

૧૫. યહોવાહ દેવ આપણને કઈ રીતે મદદ કરે છે?

૧૫ એ સાચું છે કે આ અનુભવોમાં કેટલીક હદે દૂતોનો હાથ હતો, એ જાણવું આપણા ગજા બહારની વાત છે. તેમ છતાં, ઈસુ અને દૂતો પ્રચારકાર્યમાં મહત્ત્વનો ભાગ ભજવે છે એ વિષે આપણે કદી શંકા કરવી જોઈએ નહિ. યહોવાહ પરમેશ્વર આપણને યોગ્ય જગ્યાએ માર્ગદર્શન આપી શકે છે. આવા ઘણા અનુભવો બતાવે છે કે આપણે આપેલાં સાહિત્યથી કેવા સારાં પરિણામો આવે છે.

આપણને આપવામાં આવેલો મૂલ્યવાન ખજાનો

૧૬. આપણે ૨ કોરીંથી ૪:૭માંથી શું શીખી શકીએ?

૧૬ પ્રેષિત પાઊલે માટીના પાત્રમાં રહેલા ખજાના વિષે કહ્યું. આ ખજાનો યહોવાહ દેવે આપેલું પ્રચારકાર્ય છે. માટીનાં પાત્રો મનુષ્યો છે, જેઓને યહોવાહે આ ખજાનો આપ્યો છે. હવે આ કાર્ય અપૂર્ણ અને મર્યાદિત ક્ષમતા ધરાવતા મનુષ્યોને એ હોવાથી, પાઊલ જણાવે છે કે એ “પરાક્રમની અધિકતા દેવથી છે અને અમારામાંથી નથી.” (૨ કોરીંથી ૪:૭) ખરેખર, આ કાર્ય પૂરું કરવા માટે યહોવાહ દેવ આપણને શક્તિ આપે છે.

૧૭. (ક) સત્યનાં ‘બી’ વાવતા કઈ મુશ્કેલીઓ નડે છે? (ખ) શા માટે આપણે યોગ્ય વલણ રાખવું જોઈએ?

૧૭ આપણને પ્રચારમાં ઘણી મુસીબતો નડી શકે છે. કેટલાક વિસ્તારોમાં પ્રચાર કરવો અઘરું હોય શકે. એવા પણ વિસ્તારો હોય છે જ્યાં મોટા ભાગના લોકો સાંભળે નહિ અથવા વિરોધ પણ કરતા હોય. કેટલાક વિસ્તારોમાં ઘણી મહેનત છતાં કંઈ સફળતા ન મળી હોય. પરંતુ, આપણે જે પ્રયત્નો કરીએ છીએ, એ વ્યર્થ નથી. યાદ રાખો કે તમે લોકોને જે વિષે પ્રચાર કરો છો, એ તેઓને હમણાં અને ભાવિમાં હંમેશ માટે સુખી જીવન આપી શકે છે. ગીતશાસ્ત્ર ૧૨૬:૬માંના શબ્દો ઘણી વખત સાચા સાબિત થયા છે: “જે કોઈ મુઠ્ઠીભર બી લઈને રડતો રડતો વાવવા જાય છે, તે પોતાની સાથે પૂળીઓ લઈને ખચીત આનંદભેર પાછો આવશે.”

૧૮. શા માટે આપણે પ્રચારકાર્યમાં વધારે ધ્યાન આપવું જોઈએ?

૧૮ આપણે સત્યનાં ‘બી’ વાવવાની દરેક યોગ્ય તક ઝડપી લઈએ. આપણે કદી ભૂલીએ નહિ કે ભલે આપણે ‘બી’ વાવ્યા હોય કે પાણી નાખ્યું હોય પણ વૃદ્ધિ તો પરમેશ્વર યહોવાહ આપે છે. (૧ કોરીંથી ૩:૬, ૭) ઈસુ અને દૂતો આ કાર્યમાં ભાગ ભજવે છે તેમ, યહોવાહ ઇચ્છે છે કે આપણે પણ આપણું સેવાકાર્ય પૂરેપૂરું સિદ્ધ કરીએ. (૨ તીમોથી ૪:૫) ચાલો આપણે આપણા શિક્ષણ, વલણ અને પ્રચાર કરવાના આપણા ઉત્સાહ પર સતત ધ્યાન આપીએ. એનું કારણ જણાવતા પાઊલ કહે છે: “આ પ્રમાણે કરવાથી તું પોતાને તેમજ તારાં સાંભળનારાંઓને પણ તારીશ.”—૧ તીમોથી ૪:૧૬.

આપણે શું શીખ્યા?

• કઈ રીતે આપણું પ્રચારકાર્ય સારાં પરિણામો લાવી રહ્યું છે?

• આજે કઈ રીતે ઈસુ ખ્રિસ્ત અને દૂતો પ્રચારકાર્યમાં ભાગ લે છે?

• સત્યનાં ‘બી’ વાવવામાં આપણે શા માટે ઉત્સાહી બનવું જોઈએ?

• પ્રચારકાર્યમાં લોકો ન સાંભળે કે વિરોધ કરે ત્યારે, આપણને શું મદદ કરી શકે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૫ પર ચિત્ર]

પ્રાચીન ઈસ્રાએલના ખેડૂતોની જેમ, આજે યહોવાહના લોકો સત્યનાં ‘બી‘ વાવી રહ્યા છે

[પાન ૧૬, ૧૭ પર ચિત્ર]

યહોવાહના સાક્ષીઓ ૩૪૦ ભાષામાં સાહિત્ય છાપીને લોકોને આપે છે