સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અંત્યોખમાં સતાવણી થવાથી વધારો થયો

અંત્યોખમાં સતાવણી થવાથી વધારો થયો

અંત્યોખમાં સતાવણી થવાથી વધારો થયો

સ્તેફનના મૃત્યુ બાદ સતાવણી થવા લાગી ત્યારે, ઈસુના ઘણા શિષ્યો યરૂશાલેમથી નાસી છૂટ્યા. તેઓએ આશરો લીધો, એવી એક જગ્યા, યરૂશાલેમની ઉત્તરે લગભગ ૫૫૦ કિલોમીટર દૂર આવેલું સીરિયાનું અંત્યોખ હતું. (પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૧૯) એ પછીના બનાવોની ખ્રિસ્તી ઇતિહાસ પર ઊંડી અસર થઈ. એની પૂરેપૂરી સમજણ મેળવવા ચાલો અંત્યોખ વિષે થોડું જાણીએ.

રોમન સામ્રાજ્યને ફક્ત શહેરોની આબાદી અને એનો વિસ્તાર વધારવાની જ ચિંતા હતી. રોમ અને એલેક્ઝાંડ્રિયા પછી અંત્યોખ ત્રીજા નંબરે આવતું હતું. સીરિયાનું આ મહાનગર ભૂમધ્ય સમુદ્રના ઉત્તરપૂર્વીય ખૂણે હતું. અંત્યોખ (આજનું અન્ટાક્યા, ટર્કી) ઓરાન્ટીઝ નદી પાસે આવેલું હતું, જે સિલ્યુસીઆ પિએરા બંદરથી ૩૨ કિલોમીટર દૂર હતું. એ રોમ અને તાઈગ્રિસ-યુફ્રેટીસ ખીણ વચ્ચે મહત્ત્વનો વેપાર માર્ગ હતો. એ વેપારી કેન્દ્ર હોવાથી ત્યાં સમગ્ર રોમ સામ્રાજ્યના લોકોની અવર-જવર રહેતી. આમ, રોમન સામ્રાજ્યના નવા ધર્મોની તેઓને જાણ થતી રહેતી.

અંત્યોખમાં ગ્રીક ધર્મ અને ફિલસૂફી ખૂબ જ ફૂલીફાલી હતી. પરંતુ ઇતિહાસકાર ગ્લેનવીલ ડૉઉની મુજબ, “ખ્રિસ્તના સમયમાં લોકો ધીમે ધીમે ખુલ્લા મનવાળા થવા લાગ્યા હતા. તેઓ મુશ્કેલીઓ દૂર કરવા જૂના ધર્મો અને મન ફાવે એ ફિલસૂફીઓમાં માનતા હતા, જેથી તેઓને એમાંથી સંતોષ મળી શકે.” (અ હીસ્ટરી ઑફ એન્ટ્યોખ ઈન સીરિયા) આમ ઘણાએ યહુદી ધર્મ અપનાવ્યો જેઓ એક જ ઈશ્વરમાં માનતા હતા.

અંત્યોખમાં પુષ્કળ યહુદીઓ ૩૦૦ બી.સી.ઈ.થી વસતા હતા. વળી, અંદાજ મુજબ ૨૦,૦૦૦થી ૬૦,૦૦૦ યહુદીઓ ત્યાં રહેતા હતા, બીજા શબ્દમાં શહેરની ૧૦ ટકા વસતી યહુદીઓની હતી. ઇતિહાસકાર જોસેફસ કહે છે કે, સિલ્યુસીઆ વંશના રાજાઓએ યહુદીઓને અંત્યોખમાં નાગરિક બનવાનો હક્ક આપ્યો હતો, તેથી તેઓ આવીને એ શહેરમાં રહેવા લાગ્યા. એ સમય સુધીમાં હેબ્રી શાસ્ત્રવચનો ગ્રીક ભાષામાં પ્રાપ્ય હતા. એથી મસીહની આશા રાખનાર ગ્રીકોને પણ હેબ્રી શાસ્ત્રવચનોમાં રસ પડવા લાગ્યો. આ રીતે ઘણા ગ્રીક લોકો યહુદી ધર્મ અપનાવવા લાગ્યા. આ કારણથી અંત્યોખમાં ખ્રિસ્ત વિશે સહેલાઈથી પ્રચાર થઈ શકતો હતો.

વિદેશીઓને પ્રચાર કરવો

સતાવણીને કારણે યરૂશાલેમમાં નાસી છૂટેલા ઈસુના મોટા ભાગના અનુયાયીઓએ ફક્ત યહુદીઓને જ પ્રચાર કર્યો હતો. છતાં, સૈપ્રસના તથા કુરેનીના કેટલાક શિષ્યોએ અંત્યોખમાં ‘ગ્રીક લોકને’ પ્રચાર કર્યો. (પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૨૦) આમ ૩૩ સી.ઈ.થી ગ્રીક-ભાષી યહુદીઓ અને યહુદી બનેલા લોકોને પ્રચાર કરવામાં આવી રહ્યો હતો. જો કે, અંત્યોખમાં જે પ્રચાર થઈ રહ્યો હતો એ નવી બાબત હતી. એ ફક્ત યહુદીઓને જ પ્રચાર કરવામાં આવ્યો નહિ. સાચે જ, બિનયહુદી કરનેલ્યસ અને તેનું કુટુંબ ખ્રિસ્તી બની ચૂક્યા હતા. પીતરને પરમેશ્વર યહોવાહ તરફથી એક સંદર્શન જોયા પછી ખાતરી થઈ કે વિદેશીઓને પણ પ્રચાર કરવો જોઈએ.—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૧-૪૮.

અંત્યોખમાં વર્ષોથી યહુદીઓ રહેતા હતા, અને યહુદીઓ તથા બિનયહુદીઓ વચ્ચે શાંતિ હતી. એથી બિનયહુદીઓને સહેલાઈથી પ્રચાર થઈ શકતો હતો અને ‘ઘણા લોકો વિશ્વાસ’ કરીને પ્રભુ તરફ વળ્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૨૧) આ રીતે અંત્યોખનું વાતાવરણ આવા વધારા માટે ખૂબ જ સારું હતું. વળી, યહુદી બનેલા સેવકો, જેઓ પહેલાં જૂઠા દેવોની ઉપાસના કરતા હતા, તેઓ સૌથી વધારે મદદરૂપ હતા. એનું કારણ એ કે, હવે ખ્રિસ્તી બન્યા પછી, તેઓ મૂર્તિપૂજક વિદેશીઓને સારી રીતે પ્રચાર કરવા તૈયાર હતા.

અંત્યોખમાં થઈ રહેલી પ્રગતિ વિષે યરૂશાલેમ મંડળે સાંભળ્યું ત્યારે તેઓએ બાર્નાબાસને ત્યાં મોકલ્યો. તેઓનો નિર્ણય પ્રેમાળ અને ડહાપણભર્યો હતો. જેમ બીજા સૈપ્રસના ખ્રિસ્તી ભાઈઓ બિનયહુદીઓ પ્રચાર કરતા હતા તેમ બાર્નાબાસ પણ કરવા લાગ્યો. પોતે પણ સૈપ્રસના નાગરિક હોવાથી બાર્નાબાસને અંત્યોખના વિદેશીઓને પ્રચાર કરવું સહેલું લાગ્યું. તેમ જ, અંત્યોખના લોકો બાર્નાબાસને પોતાનો માણસ ગણતા, કારણ કે તે એ દેશનો જ વતની હતો. * તે તેઓને પ્રચારકાર્યમાં સારી રીતે મદદ આપી શકે, એટલે “તે ત્યાં આવ્યો. ત્યારે દેવની કૃપા જોઈને તે આનંદ પામ્યો; અને તેણે તેઓ સર્વેને દૃઢ મનથી પ્રભુને વળગી રહેવાનો બોધ કર્યો,” અને “ઘણા લોક પ્રભુની મંડળીમાં ઉમેરાયા.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૨૨-૨૪.

ઇતિહાસકાર ડૉઉની સૂચવે છે કે, “અંત્યોખમાં પ્રચાર કાર્યની સફળતા પાછળ કદાચ આ કારણ હોય શકે. એક તો આ શહેરમાં યરૂશાલેમની જેમ કોઈ ઝનૂની યહુદીઓનો ભય ન હતો; અને બીજું કે એ શહેરને અંકુશમાં રાખવા માટે એક સેનાપતિ હતો જેને કારણે યરૂશાલેમની જેમ હિંસા થવાની શક્યતા એકદમ ઓછી હતી. તેથી લોકો મોટા ભાગે શાંતિથી રહેતા હતા. જ્યારે (કે આ સમયે) યહુદાના અધિકારીઓ ઝનૂની યહુદીઓને અંકુશમાં રાખી શકતા ન હતા.”

એવા યોગ્ય સંજોગોને કારણે ઘણું કામ હોવાથી બાર્નાબાસને મદદની જરૂર જણાઈ. તેથી, તેણે પાઊલ વિષે વિચાર્યું. પરંતુ, તેણે શાઊલ અથવા પાઊલ વિષે જ શા માટે વિચાર્યું? કદાચ એ માટે કે, પાઊલ ૧૨ પ્રેષિતોમાંના એક ન હતા. છતાં, તેને વિદેશીઓ માટે પ્રેષિત ઠરાવવામાં આવ્યા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૯:૧૫, ૨૭; રૂમી ૧:૫; પ્રકટીકરણ ૨૧:૧૪) એથી, અંત્યોખમાં વિદેશીઓને પ્રચાર કરવા માટે પાઊલ એકદમ યોગ્ય હોવાથી બાર્નાબાસે પોતાની સાથે કામ કરવા તેમને પસંદ કર્યા હોય શકે. (ગલાતી ૧:૧૬) તેથી, બાર્નાબાસ તાર્સસ ગયો અને ત્યાંથી શાઊલને અંત્યોખ લઈ ગયો.—પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૨૫, ૨૬; પાન ૨૬-૭ પરનું બૉક્સ જુઓ.

પરમેશ્વરે ખ્રિસ્તી નામ આપ્યું

આખું વર્ષ બાર્નાબાસ અને શાઊલે “ઘણા લોકોને બોધ કર્યો; શિષ્યો પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાયા.” એમ શક્ય નથી કે ઈસુના શિષ્યોને “ખ્રિસ્તી” નામ યહુદીઓએ આપ્યું હોય, કારણ કે તેઓએ ઈસુનો મસીહ કે ખ્રિસ્ત તરીકે સ્વીકાર કર્યો ન હતો. વળી કેટલાકનું માનવું છે કે, વિદેશીઓ તેઓને ધિક્કારતા હોવાથી એ નામ આપ્યું હોય શકે. છતાં બાઇબલ જણાવે છે કે, પરમેશ્વરની દોરવણીથી ખ્રિસ્તી નામ મળ્યું હતું.—પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૨૬.

ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં, નવા નામ સાથે સંકળાયેલા ક્રિયાપદનો ઉપયોગ, સામાન્ય રીતે “કહેવામાં આવ્યા,” તરીકે ભાષાંતર કરવામાં આવે છે, જે હંમેશા માણસથી નહિ પણ દેવથી હોય છે. આમ પંડિતો એનો આ રીતે અનુવાદ કરે છે “સ્વર્ગથી આવેલ,” “દેવનું સૂચન,” અથવા “સ્વર્ગમાંથી શીખવવા માટે, દેવની આજ્ઞા અથવા પસંદગી.” કદાચ પરમેશ્વર યહોવાહે ઈસુના શિષ્યોને ખ્રિસ્તી નામ આપવામાં શાઊલ અને બાર્નાબાસનો ઉપયોગ કર્યો હોય શકે.

હવે એ નામથી ઈસુના શિષ્યો ઓળખાવા લાગ્યા. પછી ઈસુના શિષ્યોને કોઈ ભૂલથી પણ યહુદી પંથ સાથે જોડતા નહિ. એનું કારણ કે, એનાથી તેઓ એકદમ અલગ હતા. લગભગ ૫૮ સી.ઈ. સુધીમાં રોમન અધિકારીઓ સારી રીતે જાણતા હતા કે, ખ્રિસ્તીઓ કોણ છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૨૮) ઇતિહાસકાર ટેસિટસ મુજબ ૬૪ સી.ઈ. સુધીમાં તો ખ્રિસ્તી નામ રોમન સમાજમાં ખૂબ જ જાણીતું થઈ ગયું હતું.

યહોવાહ પોતાના ભક્તોનો ઉપયોગ કરે છે

અંત્યોખમાં લોકો ઝડપથી ખ્રિસ્તી બનવા લાગ્યા. ઈસુના શિષ્યોની મહેનતથી અને પરમેશ્વર યહોવાહના આશીર્વાદથી અંત્યોખ સાચા ખ્રિસ્તીનું કેન્દ્ર બન્યું. યહોવાહ પરમેશ્વરે તેમના રાજ્ય વિષે દૂર-દૂર પ્રચાર કરાવવા અંત્યોખ મંડળનો ઉપયોગ કર્યો. દાખલા તરીકે, પ્રેષિત પાઊલે અંત્યોખથી જ મિશનરિ પ્રવાસ કર્યા હતા.

આજે પણ સતાવણી હોવા છતાં સાચા ખ્રિસ્તીઓ પ્રચાર કરવાનું પડતું મુકતા નથી, અને એ કારણથી ઘણા લોકો સત્યમાં આવી રહ્યા છે. * સત્યના કારણે તમારી જો સતાવણી થતી હોય તો યાદ રાખજો કે, યહોવાહ પરમેશ્વરે કોઈ કારણે તમારા પર એ આવવા દે છે. પ્રથમ સદીની જેમ આજે પણ પરમેશ્વર યહોવાહ લોકોને પોતાના રાજ્ય વિષે જણાવવા ચાહે છે, જેથી તેઓ એમના ભક્ત બની શકે. તમે જો વફાદારીથી પરમેશ્વર યહોવાહની સેવા કરતા રહેશો તો, તમારી મારફતે કોઈને એમના ભક્ત બનવા મદદ મળશે.

[ફુટનોટ્‌સ]

^ ચોખ્ખું વાતાવરણ હોય ત્યારે અંત્યોખના કેશીયસ પહાડના દક્ષિણ-પશ્ચિમ ખૂણેથી સૈપ્રસ ટાપુ જોઈ શકાય.

^ જુઓ ચોકીબુરજ ઑગસ્ટ ૧, ૧૯૯૯, પાન ૯; અવેક! એપ્રિલ ૨૨, ૧૯૯૯, પાન ૨૧-૨૨; ૧૯૯૯ યરબુક ઑફ જેહોવાઝ વિટ્‌નેસીસ, પાન ૨૫૦-૨.

[પાન ૨૬, ૨૭ પર બોક્સ/ચિત્રો]

શાઊલે એ સમયે શું કર્યું?

બાઇબલમાં પ્રેરિતોનાં કૃત્યોમાં શાઊલનો છેલ્લો ઉલ્લેખ લગભગ ૪૫ સી.ઈ.માં કરવામાં આવ્યો ત્યારે તે હજી અંત્યોખમાં ન હતા. એ સમયે યહુદીઓ તેને યરૂશાલેમમાં મારી નાખવાની યોજના કરી રહ્યા હતા ત્યારે ખ્રિસ્તી ભાઈઓએ તેને તાર્સસ મોકલી દીધા. (પ્રેરિતોનાં કૃત્યો ૯:૨૮-૩૦; ૧૧:૨૫) પરંતુ, એ તો નવ વર્ષ પહેલાં, એટલે લગભગ ૩૬ સી.ઈ.માં એમ બન્યું. એ સમય દરમિયાન શાઊલે શું કર્યું?

યરૂશાલેમથી, શાઊલ સીરિયા અને કીલીકીઆના વિસ્તારમાં ગયા ત્યારે, યહુદાહના ખ્રિસ્તી ભાઈઓએ સાંભળ્યું: “જે પહેલાં અમને સતાવતો હતો, અને જે વિશ્વાસનો તે પોતે અગાઉ નાશ કરતો હતો, તે વિશ્વાસને તે હમણાં પ્રગટ કરે છે.” (ગલાતી ૧:૨૧-૨૩) અહીં પ્રચાર કરવાનો ઉલ્લેખ એ સમયનો હોય શકે, જ્યારે શાઊલ અંત્યોખમાં બાર્નાબાસ સાથે પ્રચાર કરતો હતો. જો કે, આ અહેવાલ બતાવે છે કે, શાઊલ અંત્યોખ ગયા એ પહેલાં પણ તે પ્રચાર કરી રહ્યા હતા. વર્ષ ૪૯ સી.ઈ. સુધીમાં સીરિયા અને કીલીકીઆમાં ઘણાં મંડળો બનાવવામાં આવ્યાં હતાં. તેમ જ અંત્યોખમાં પણ એક મંડળ હતું. પરંતુ કેટલાક માને છે કે, શાઊલના જીવનના અમુક વર્ષો વિશે આપણે કંઈ જાણતા નથી, એ સમયમાં તેની મહેનતથી આ મંડળો થયા હોય શકે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૨૬; ૧૫:૨૩, ૪૧.

પરંતુ કેટલાક પંડિતો માને છે કે, શાઊલના જીવનમાં જે મોટા બનાવો બન્યા હતા એ આ સમય થયા હતા. નહિતર ‘ખ્રિસ્તના સેવક’ તરીકે તેના મિશનરિ કાર્યમાં તેને જે મુશ્કેલીઓ પડી, એ ક્યારે થઈ હતી એ સમજવું અઘરું છે. (૨ કોરીંથી ૧૧:૨૩-૨૭) શાઊલે યહુદીઓના હાથે પાંચ વાર ૩૯ ફટકા ક્યારે ખાધા હતા? તેણે ક્યાં ત્રણ વાર સોટીઓનો માર ખાધો? ક્યાં તેને “વધારે વખત” કેદખાનામાં જવું પડ્યું? ખરૂં જોતાં તેને રોમમાં ઘણા સમય પછી કેદ કરવામાં આવ્યા હતા. જો કે આપણી પાસે જે અહેવાલ છે એમાં તેને ફક્ત એક વખત ફિલિપીમાં મારવામાં અને કેદ કરવામાં આવ્યા એ બતાવે છે. પરંતુ તેને બીજે ક્યારે કેદ કરવામાં આવ્યા હતા? (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૨૨, ૨૩) એક લેખક જણાવે છે કે એ સમય દરમિયાન કદાચ શાઊલ, “ડાઈએસપરોના સિનીગોગમાં ખ્રિસ્ત વિષે સારી રીતે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે ધર્મગુરુઓ તથા અધિકારીઓ તેની સતાવણી કરી હતી.”

શાઊલનું વહાણ ચાર વખત ભાંગી ગયું હતું. પરંતુ બાઇબલમાં તો ફક્ત એક જ બનાવનો ઉલ્લેખ કરે છે. વળી, એ પણ કોરીંથીઓને પત્ર લખ્યા પછી બન્યું હતું. (પ્રેરિતોનાં કૃત્યો ૨૭:૨૭-૪૪) જો કે, આપણી પાસે એ સિવાય આ ત્રણ બનાવ વિષે કોઈ માહિતી નથી. તેથી આ બધા કે એમાંના કોઈ પણ બનાવો શાઊલના જીવનના જે “અમુક વર્ષો વિશે આપણે જાણતા નથી,” ત્યારે બન્યા હોય શકે.

વળી, ૨ કોરીંથી ૧૨:૨-૫માં જણાવવામાં આવ્યું છે કે, ‘ખ્રિસ્તમાં એક એવા માણસને હું ઓળખું છું જેને ચૌદ વર્ષ ઉપર ત્રીજા આકાશમાં, પારાદૈસમાં ઉપાડી લેવામાં આવ્યો, અને માણસથી બોલી શકાય નહિ, એવી અકથનીય વાતો તેના સાંભળવામાં આવી.’ જોકે શાઊલ અહીં પોતાના વિષે જ વાત કરી રહ્યા હતા. એ બાબત તેણે ૫૫ સી.ઈ.માં લખી હતી, અને જો આપણે એનાથી ૧૪ વર્ષ પાછળ જઈએ તો એ આપણને ૪૧ સી.ઈ.માં લઈ આવે છે. એ આપણને શાઊલના જીવનના “અમુક અજાણ વર્ષોના” સમયમાં લાવે છે.

ખરેખર એ સંદર્શનથી શાઊલને ઊંડી સમજણ મળી હશે. શું એ તેમને “વિદેશીઓનો પ્રેરિત” થવા તૈયાર કરતું હતું? (રૂમી ૧૧:૧૩) શું એનાથી તેની વાણી, વિચારો અને તેના લખાણો પર ઊંડી અસર થઈ? શું શાઊલ ખ્રિસ્તી બન્યા ત્યારથી કરીને તેને અંત્યોખમાં બોલાવવામાં આવ્યા ત્યાં સુધી, તેને તાલીમ આપવામાં આવી હતી, જેથી તે પરિપક્વ બને? આ પ્રશ્નોના જવાબો ભલેને ગમે તે હોય. છતાં, આપણે ખાતરી રાખી શકીએ કે જ્યારે બાર્નાબાસે, શાઊલને અંત્યોખમાં પ્રચાર કરવા બોલાવ્યા ત્યારે, શાઊલ એ જવાબદારી ઉપાડવા માટે લાયક હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૧૯-૨૬.

[પાન ૨૫ પર નકશા]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

સીરિયા

ઓરાનટીસ

અંત્યોખ

સીલ્યુસીઆ

સૈપ્રસ

ભૂમધ્ય સમુદ્ર

યરૂશાલેમ

[ક્રેડીટ લાઈન]

Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.

[પાન ૨૪ પર ચિત્રો]

ઉપર: આજનું અંત્યોખ

વચમાં: દક્ષિણ બાજુથી સીલ્યુસીઆ

નીચે: સીલ્યુસીઆ બંદરની દીવાલ