સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તાઇવાનના ડાંગરના ખેતરોમાં સુસમાચાર જાહેર કરવા

તાઇવાનના ડાંગરના ખેતરોમાં સુસમાચાર જાહેર કરવા

આપણે વિશ્વાસ રાખનારા છીએ

તાઇવાનના ડાંગરના ખેતરોમાં સુસમાચાર જાહેર કરવા

તાઇવાનમાં એકંદરે પુષ્કળ વરસાદ પડતો હોવાથી, ત્યાં દર વર્ષે ડાંગરનો બે વાર સારો પાક લણી શકાય છે. છતાં, ઘણી વાર યોગ્ય સમયે વરસાદ ન પડવાને કારણે ઊગેલા છોડવાઓ સુકાઈ જાય છે. આવું બને છે ત્યારે, શું ખેડૂત નિરાશ થાય છે? ના. તે જાણે છે કે એને માટે સતત મહેનત કરતા રહેવાની જરૂર છે. તે નવા રોપા નાખે છે અને ખેતરમાં ફરીથી કામે લાગી જાય છે. પછી પરિસ્થિતિ બદલાય છે ત્યારે ખેડૂત સારો પાક લણી શકે છે. આત્મિક રોપા અને લણણી સંબંધી પણ ઘણી વાર એ સાચું છે.

આત્મિક લણણી માટે મહેનત કરવી

તાઇવાનના અમુક વિસ્તારોમાં યહોવાહના સાક્ષીઓ વર્ષોથી આત્મિક સત્યની વાવણી અને કાપણી કરવામાં સખત મહેનત કરી રહ્યા છે, પરંતુ તેઓને કંઈ ખાસ ફળ મળતું ન હતું. એક ઉદાહરણ મિએલી કાઉન્ટીનું છે. ત્યાં અનેક વખત કાર્ય કરવામાં આવ્યું, પરંતુ એનો નહિવત્‌ પ્રત્યુત્તર મળ્યો હતો. તેથી ૧૯૭૩માં એક ખાસ પાયોનિયર યુગલને પૂરા સમયના રાજ્ય ઘોષણા કરનારા તરીકે ત્યાં મોકલવામાં આવ્યા. શરૂઆતમાં કેટલાકે સુસમાચારમાં સારો રસ બતાવ્યો. તેમ છતાં, એ રસ જલદી જ ઓસરવા માંડ્યો. ત્યાર પછી તેઓને બીજા વિસ્તારોમાં મોકલવામાં આવ્યા.

વર્ષ ૧૯૯૧માં બીજા બે ખાસ પાયોનિયરો ત્યાં ગયા. પરંતુ ફરીથી જોવા મળ્યું કે ત્યાં આત્મિક વૃદ્ધિનું વાતાવરણ નહોતું. થોડાંક વર્ષો પછી, તેઓને સંભવિત વધારે ફળદ્રુપ લાગતા ક્ષેત્રમાં મોકલવામાં આવ્યા. આમ, અમુક સમય સુધી પડતર જમીનને એમ જ રાખવામાં આવી.

પુનઃપ્રયત્નથી સફળ લણણી

સપ્ટેમ્બર ૧૯૯૮માં નક્કી કરવામાં આવ્યું કે તાઇવાનમાં પ્રચાર ન થયો હોય એવા મોટા વધારે ફળદ્રુપ વિસ્તારોને શોધી કાઢવા. એ કઈ રીતે સિદ્ધ કરવામાં આવ્યું? કંઈક ૪૦ વ્યક્તિઓને પ્રચાર ન થયો હોય એવા વધારે ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ત્રણ મહિના માટે ખાસ પાયોનિયરો તરીકે સેવાકાર્ય કરવા સોંપણી આપવામાં આવી.

ઝુંબેશ માટે પસંદ કરવામાં આવેલાં પ્રચાર વિસ્તારમાં મિએલી કાઉન્ટી પાસે આવેલા બે શહેરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો. ચાર કુંવારી બહેનોને ત્યાં ત્રણ મહિના માટે સેવા કરવાનું જણાવવામાં આવ્યું. ત્યાં ગયા પછી થોડા જ સમયમાં તેઓએ લખ્યું કે અમને રસ ધરાવનાર અનેક લોકો મળ્યા છે. એ વિસ્તારમાં પાયોનિયરીંગ કાર્યના તેઓના ત્રણ મહિના પૂરા થયા ત્યાં સુધીમાં તો તેઓ અનેક બાઇબલ અભ્યાસો ચલાવતા હતા. તેઓએ નજીકના મંડળમાંથી એક વડીલની મદદથી એક પુસ્તક અભ્યાસ વૃંદ પણ સ્થાપિત કર્યું હતું.

આ બહેનોમાંથી ત્રણે, એ વિસ્તારમાં સારી રીતે “ઊગી રહેલા” બીની કાળજી લેવાનું ચાલુ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી. પરિણામે, તેઓમાંની બેને ત્યાં ખાસ પાયોનિયર તરીકે અને ત્રીજી બહેનને નિયમિત પાયોનિયર તરીકે સોંપણી આપવામાં આવી. પાસેના મંડળમાંથી એક વડીલ તેઓને મદદ કરવા માટે ત્યાં જવા લાગ્યા. એ વિસ્તારમાં આપવામાં આવેલા સૌ પ્રથમ વાર્તાલાપ વખતે ૬૦ કરતાં વધારે લોકોએ હાજરી આપી. આ વધી રહેલા વૃંદને નિયમિત રીતે રવિવારની સભાઓ ઉપરાંત અમુક પુસ્તક અભ્યાસો ચલાવવા માટે નજીકનું એક મંડળ મદદ કરે છે. જલદી જ ત્યાં એક નવું મંડળ સ્થાપવામાં આવે એવી સંભાવના છે.

તાઇવાનના અન્ય ભાગોમાં કરવામાં આવેલી મહેનતના ફળ

અન્ય વિસ્તારોમાંથી પણ એવા જ અહેવાલો મળ્યા. ટાપુના ઉત્તરીય ભાગમાં ઈલાન કાઉન્ટીમાં, હંગામી ખાસ પાયોનિયરો સેવાકાર્ય કરતા હતા ત્યાં નવું મંડળ પુસ્તક અભ્યાસ કેન્દ્ર સ્થાપવામાં આવ્યું.

એક સાંજે ઘરઘરનું સેવાકાર્ય કરતી વખતે પાયોનિયરે એક યુવાનને મંડળકીય સભાઓ વિષેની માહિતી આપતી એક હસ્તપ્રત બતાવી. તેણે તરત જ પૂછ્યું કે “શું હું કાલ સાંજની સભામાં હાજરી આપી શકું? એને માટે મારે શું કરવું પડશે?” આ પાયોનિયર બહેન દર સપ્તાહે રસ ધરાવનાર આઠ વ્યક્તિઓ સાથે બાઇબલ અભ્યાસ ચલાવતી હતી. કેટલાક બાઇબલ વિદ્યાર્થીઓ સુસમાચારના પ્રચારક બનીને બાપ્તિસ્મા લેવાનું વિચારી રહ્યા હતા.

આ જ નગરમાં એક સ્ત્રી વર્ષોથી દેવળમાં જતી હતી, પરંતુ તેને કોઈ પણ વ્યક્તિ બાઇબલ શીખવી શકી નહોતી. બાઇબલ અભ્યાસની ગોઠવણ વિષે સાંભળ્યું ત્યારે, તેણે એ તક ઝડપી લીધી. તેણીને પાઠની અગાઉથી તૈયારી કરવાનું ઉત્તેજન આપવામાં આવ્યું. હંગામી ખાસ પાયોનિયર બહેન અભ્યાસ ચલાવવા માટે આવ્યા ત્યારે, તેમને ખબર પડી કે વિદ્યાર્થીએ બધી જ તૈયારી કરી દીધી હતી. તેણે એક નોટબુક ખરીદીને એમાં તેની અભ્યાસ સામગ્રીમાંના છાપેલા પ્રશ્નો અને જવાબો લખી રાખ્યા હતા. સ્ત્રીએ તેના પાઠમાંની બધી જ ટાંકેલી કલમોને પોતાની નોટબુકમાં લખી લીધી હતી. બહેન પહેલી વાર અભ્યાસ ચલાવવા માટે આવ્યા ત્યારે, તે સ્ત્રીએ પ્રથમ ત્રણ પાઠ વાંચીને એના સવાલ-જવાબ પણ તૈયાર કરી લીધા હતા!

મધ્ય તાઇવાનના ડોંગશીહ નગરમાં એવું જ પરિણામ જોવા મળ્યું હતું. હંગામી પાયોનિયરોએ ત્યાં ત્રણ મહિનામાં ૨,૦૦૦ કરતાં વધારે મોટી પુસ્તિકાઓ વહેંચી હતી. ત્રીજા મહિના સુધીમાં તો તેઓ ત્યાં ૧૬ બાઇબલ અભ્યાસો ચલાવતા હતા. સપ્ટેમ્બર ૨૧, ૧૯૯૯ના રોજ મધ્ય તાઇવાનમાં થયેલા ધરતીકંપથી નગરમાં ભારે વિનાશ વેરાયો હતો. પરંતુ કેટલાક રસ ધરાવનારાઓએ આત્મિક પ્રગતિ કરવાનું ચાલુ જ રાખ્યું હતું. તેઓ એક કલાકની મુસાફરી કરીને નજીકના રાજ્યગૃહમાંની સભાઓમાં હાજરી આપતા હતા. હા, સારો પાક લણવો હોય તો સખત મહેનત કરવાની જરૂર છે, પછી ભલે એ ભૌતિક પાક હોય કે આત્મિક પાક.

[પાન ૮ પર નકશા]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

ચીન

તાઇવાન સામુદ્રધુની

તાઇવાન

[ક્રેડીટ લાઈન]

Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.