મૂએલાં સજીવન થશે!
મૂએલાં સજીવન થશે!
‘હું પણ ઈશ્વરમાં આશા રાખું છું કે સર્વ લોકો મરણમાંથી સજીવન થશે.’—પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫, પ્રેમસંદેશ.
૧. મૂએલાં સજીવન થશે એવી આશા શા માટે રાખી શકાય?
યહોવાહ પરમેશ્વરનું વચન છે કે તે મૂએલાંને સજીવન કરશે. તેમણે આપણને એના પુરાવા આપ્યા છે. મરણ પામેલા લોકો માટેનું તેમનું આ વચન જરૂર પૂરું થશે. (યશાયાહ ૫૫:૧૧; લુક ૧૮:૨૭) વળી, અગાઉ મૂએલાંને સજીવન કરીને પરમેશ્વર પોતાની શક્તિ બતાવી ચૂક્યા છે.
૨. મૂએલાં સજીવન કરાશે, એવી આશા આપણને કઈ રીતે મદદ કરશે?
૨ પરમેશ્વર યહોવાહ, પોતાના પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા મૂએલાંને સજીવન કરશે. એમાં વિશ્વાસ મૂકીને, આપણે ગમે તેવા સંજોગોનો સામનો કરી શકીએ. એ આશા આપણને અઘરી સ્થિતિમાં, અરે મોત આવે તોપણ પરમેશ્વર યહોવાહના વફાદાર ભક્તો બની રહેવા મદદ કરે છે. ચાલો આપણે બાઇબલમાંથી એવા લોકો વિષે શીખીએ, જેઓને સજીવન કરવામાં આવ્યા. એનાથી આપણી આશા વધારે મક્કમ બનશે. આ સર્વ ચમત્કારો સર્વોપરી પરમેશ્વર યહોવાહની શક્તિથી થયા હતા.
મૂએલાંને સજીવન કરવામાં આવ્યા
૩ પહેલાંના જમાનામાં યહોવાહના ભક્તોએ બતાવેલા ઊંડા વિશ્વાસ વિષે વાત કરતા પ્રેષિત પાઊલે લખ્યું: હેબ્રી ૧૧:૩૫; ૧૨:૧) એમાંની એક ગરીબ વિધવા સીદોનના સારફાથમાં રહેતી હતી. તેણે પરમેશ્વર યહોવાહના સેવક એલીયાહની મહેમાન તરીકે સેવા કરી. તેથી, જ્યારે બચી ન શકાય એવો આકરો દુકાળ પડ્યો, ત્યારે ચમત્કાર થયો. તેની પાસેનો જરા અમથો લોટ અને તેલ દુકાળ પૂરો થયો ત્યાં સુધી ખૂટ્યા નહિ. વળી, થોડા દિવસ પછી તેનો દીકરો મરણ પામ્યો ત્યારે, એલીયાહે તેને પલંગ પર સુવાડ્યો. પછી તેમણે છોકરા પર ત્રણ વાર લાંબા થઈને યહોવાહને આજીજી કરી: “હે મારા દેવ યહોવાહ, કૃપા કરીને આ છોકરાનો જીવ એનામાં પાછો આવવા દે.” પરમેશ્વરે તેમનું સાંભળ્યું, અને તે છોકરાનો જીવ તેનામાં પાછો આવ્યો. (૧ રાજા ૧૭:૮-૨૪) કોઈ મૂએલાને ઊઠાડવામાં આવ્યો હોય, એવો બાઇબલમાંનો આ પહેલો બનાવ છે. જરા એ વિશ્વાસુ વિધવાના આનંદની કલ્પના કરો, જેનો મૂએલો દીકરો સજીવન થયો!
“સ્ત્રીઓને પોતાના મરી ગએલા સજીવન થઈને પાછા મળ્યા.” (૪. શૂનેમમાં એલીશાએ કયો ચમત્કાર કર્યો?
૪ એ જ રીતે, શૂનેમમાં રહેતી એક સ્ત્રીએ પણ પોતાનો દીકરો પાછો મેળવ્યો. એનો પતિ વૃદ્ધ હતો. તે સ્ત્રીએ ઈશ્વરભક્ત એલીશા અને તેના ચાકરની ઘણી સેવા કરી હતી. એનો તેને બદલો મળ્યો, તેને ઘરે દીકરો થયો. જો કે, થોડાં વર્ષો પછી તે બાવરી બનીને એલીશાને જણાવે છે કે, તેનો દીકરો મરણ પામ્યો છે. એલીશાએ પ્રાર્થના કરીને અમુક પગલાં લીધા પછી, તેના ‘દીકરાનો દેહ ગરમ થયો.’ તે “છોકરાએ સાત વાર છીંક ખાધી, ને છોકરાએ આંખો ઉઘાડી.” ખરેખર, દીકરો સજીવન થવાથી, મા અને દીકરા બંનેના આનંદનો કોઈ પાર રહ્યો નહિ. (૨ રાજા ૪:૮-૩૭; ૮:૧-૬) પરંતુ, તેઓનું “વધારે સારૂ પુનરુત્થાન” થશે, એટલે કે તેઓને મૂએલામાંથી ઉઠાડીને હંમેશ માટેના જીવનની આશા મળશે, ત્યારે તેઓ કેટલા ખુશ થશે! એ આશાના પ્રેમાળ દેવ, યહોવાહના આપણે કેટલા આભારી છીએ!—હેબ્રી ૧૧:૩૫.
૫. એલીશાના મરણ પછી પણ કેવો ચમત્કાર થયો?
૫ એલીશાનું મરણ થયું અને તેમને કબરમાં મૂકવામાં આવ્યા. એ પછી પણ, પરમેશ્વરે પોતાના પવિત્ર આત્માથી તેમનાં હાડકાંને ચમત્કાર કરવાની શક્તિ આપી. આપણે વાંચીએ છીએ: “તેઓ [ઈસ્રાએલીઓ] કોઈએક માણસને દાટતા હતા ત્યારે એમ થયું, કે જુઓ, [મોઆબીઓની] એક ટોળીને આવતી જોઈને તેઓએ તે માણસને એલીશાની કબરમાં નાખી દીધો; અને તે [મરેલો] માણસ એલીશાના હાડકાંને અડક્યો કે તરત તે જીવતો થયો, ને ઊઠીને ઊભો થયો.” (૨ રાજા ૧૩:૨૦, ૨૧) તે માણસને આનંદ તો થયો જ હશે, પણ સાથે સાથે કેવી નવાઈ લાગી હશે! જરા વિચારો કે, મરણ પામેલા આપણા પ્રિયજનોને યહોવાહ પરમેશ્વરના હેતુ પ્રમાણે ઊઠાડવામાં આવશે ત્યારે, આપણે કેટલા હરખથી ઘેલા થઈ જઈશું!
પરમેશ્વરના પુત્રે મૂએલાંને ઉઠાડ્યાં
૬. નાઈન શહેર નજીક ઈસુએ કયો ચમત્કાર કર્યો, અને એ આપણને કઈ રીતે અસર કરી શકે?
૬ પરમેશ્વર યહોવાહના પુત્ર, ઈસુ ખ્રિસ્તે પણ પુરાવા આપ્યા છે કે, હંમેશ માટે જીવવાની આશા સાથે મૂએલાંને ઊઠાડવામાં આવશે. નાઈન શહેર નજીક બનેલી ઘટના આપણને સમજવા મદદ કરે છે કે પરમેશ્વરની શક્તિથી એ શક્ય છે. ઈસુ શહેરની બહાર લોકોના એક ટોળાને મળ્યા, જેઓ એક મરણ પામેલા યુવાનને લઈ જતા હતા. તે વિધવા માનો એકનો એક દીકરો હતો. ઈસુએ તેને કહ્યું: “રડ મા.” પછી તે ઠાઠડીને અડક્યા અને કહ્યું: “જુવાન, હું તને કહું છું, કે ઊઠ.” એ જ સમયે તે બેઠો થયો અને બોલવા લાગ્યો. (લુક ૭:૧૧-૧૫) ખરેખર, આ ચમત્કાર મૂએલાંનું સજીવન થશે, એવી આપણી આશા વધારે દૃઢ કરે છે.
૭. યાઐરસની દીકરીનું શું થયું?
૭ કાપરનાહુમ સભાસ્થાનના અધિકારી યાઐરસનો વિચાર કરો. તેણે ઈસુને કહ્યું કે, તે આવીને મદદ કરે, કેમ કે તેની ૧૨ વર્ષની વહાલી દીકરી મરવાની અણી પર હતી. થોડી વારમાં જ જાણવા મળ્યું કે તેની દીકરી મરી ગઈ છે. પરંતુ, યાઐરસને વિશ્વાસ રાખવાનું કહીને, ઈસુ તેના ઘરે જાય છે જ્યાં લોકો રડી રહ્યા હતા. ઈસુએ કહ્યું કે “દીકરી મરી નથી ગઈ, પણ ઊંઘે છે.” લોકો ઈસુની વાતને હસી કાઢે છે. ખરું જોતા, તે છોકરી મરણ પામી હતી. પરંતુ, ઈસુ ચમત્કાર કરવાના હતા. જેમ કોઈને ગાઢ ઊંઘમાંથી જગાડવામાં આવે, તેમ તે છોકરીને મરણમાંથી ઉઠાડવાના હતા. છોકરીનો હાથ પકડીને તેમણે કહ્યું: “છોકરી ઊઠ!” એ જ ક્ષણે તે સજીવન થઈ અને તેના માબાપના આનંદનો પાર રહ્યો નહિ. (માર્ક ૫:૩૫-૪૩; લુક ૮:૪૯-૫૬) એવી જ રીતે, મરણ પામેલાં આપણાં પ્રિયજનો સુંદર, સુખી પૃથ્વી પર સજીવન થશે ત્યારે, શું આપણે પણ આનંદ નહિ પામીએ?
૮. ઈસુએ લાજરસની કબરે શું કર્યું?
૮ લાજરસને મરણ પામ્યાને ચાર દિવસ થયા હતા. ઈસુ તેની કબરે ગયા અને એને આડો પથ્થર ખસેડાવ્યો. ઈસુએ મોટેથી પ્રાર્થના કરી, જેથી લોકો જોઈ શકે કે, તે પરમેશ્વરની શક્તિ પર આધાર રાખે છે. પછી તેમણે ઊંચે અવાજે કહ્યું: “લાજરસ, બહાર આવ.” હા, તે બહાર આવ્યો! તેના હાથ-પગ હજુ પણ કફનથી વીંટાએલા હતા, અને તેનું મોં રૂમાલથી બાંધેલું હતું. ઈસુએ કહ્યું, “એનાં બંધન છોડી નાખો, અને તેને જવા દો.” આ જોઈને, લાજરસની બહેનો મરિયમ અને મારથાને દિલાસો આપવા આવેલા લોકોએ ઈસુમાં વિશ્વાસ કર્યો. (યોહાન ૧૧:૧-૪૫) શું એનાથી આપણો વિશ્વાસ વધતો નથી કે, પરમેશ્વરની નવી દુનિયામાં આપણા મૂએલાં પ્રિયજનોને ઊઠાડવામાં આવશે?
૯. શા માટે એવી ખાતરી રાખી શકાય કે ઈસુ મૂએલાંને ઉઠાડશે?
૯ યોહાન બાપ્તિસ્મક જેલમાં હતા ત્યારે, ઈસુએ તેમને ઉત્તેજન આપતો સંદેશો મોકલ્યો કે, “આંધળા દેખતા થાય છે, . . . મૂએલા ઉઠાડાય છે.” (માત્થી ૧૧:૪-૬) ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે મૂએલાંને ઉઠાડ્યા તેમ, શું તે પરમેશ્વરના શક્તિશાળી રાજા તરીકે નહિ કરે? ઈસુ “પુનરુત્થાન તથા જીવન” છે. તેથી, એ કેટલો દિલાસો આપે છે કે જલદી જ ‘જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની વાણી સાંભળીને, બહાર નીકળી આવશે.’—યોહાન ૫:૨૮, ૨૯; ૧૧:૨૫.
આશા દૃઢ કરતા બીજાં ઉદાહરણો
૧૦. પ્રેષિતોએ મૂએલાને ઊઠાડ્યા હોય, એવો પહેલા ચમત્કારનું વર્ણન કરો.
૧૦ ઈસુએ પોતાના શિષ્યોને પ્રચાર કરવા મોકલ્યા ત્યારે, તેમણે કહ્યું: “મૂએલાંઓને ઉઠાડો.” (માત્થી ૧૦:૫-૮) એ માટે, તેઓએ પરમેશ્વરની શક્તિ પર આધાર રાખવાની જરૂર હતી. જોપ્પા શહેરમાં ૩૬ સી.ઈ.માં પરમેશ્વરનો ભય રાખનારી દરકાસ (તાબીથા) મરણ પામી. તે બધાનું ભલુ કરતી, ખાસ કરીને જે વિધવાને મદદની જરૂર હોય, તેઓ માટે કપડાં બનાવતી. તે બધી સ્ત્રીઓ ખૂબ જ રડતી હતી. તેઓએ તેને નવડાવીને અંતિમ સંસ્કાર માટે તૈયાર કરી, અને કદાચ દિલાસો મેળવવાના ઇરાદાથી પ્રેષિત પીતરને બોલાવ્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૯:૩૨-૩૮) પીતરે મેડી પરથી દરેક જણને નીચે ઉતાર્યા, પ્રાર્થના કરી, અને કહ્યું: “તાબીથા, ઊઠ.” તેણે પોતાની આંખો ઉઘાડી અને બેઠી થઈ. પીતરે તેને હાથ આપીને ઉઠાડી. પ્રેષિતોએ મૂએલાને ઊઠાડ્યા હોય, એવો આ પહેલો બનાવ જોઈને ઘણા લોકો યહોવાહના ભક્તો બન્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૯:૩૯-૪૨) એનાથી પણ આપણી આશા દૃઢ થાય છે કે, મૂએલાંને જરૂર ઊઠાડવામાં આવશે.
૧૧. મૂએલાને સજીવન કરવામાં આવ્યો હોય, એવો બાઇબલનો છેલ્લો બનાવ કયો છે?
૧૧ મૂએલાંને ઊઠાડવામાં આવ્યા હોય, એવો બાઇબલનો છેલ્લો બનાવ ત્રોઆસમાં બન્યો. પાઊલ પોતાની ત્રીજી મિશનરિ મુલાકાત વખતે ત્યાં રોકાયા ત્યારે, તેમણે મોડી રાત સુધી પ્રવચન કર્યું. એ સભામાં યુતુખસ નામનો એક યુવાન હતો. તે થાકી ગયો હતો, અને ઘણા દીવાઓની ગરમી પણ હતી. તેથી, તે ભરઊંઘમાં પડ્યો, અને ત્રીજા માળની બારી પર તે બેઠો હતો, ત્યાંથી નીચે પડ્યો. તેઓએ તેને “મૂએલો ઉપાડ્યો.” પાઊલ નીચે ઉતરીને તેના પર પડ્યા, અને તેની કોટે વળગ્યા. પછી, તેમણે જોનારાઓને કહ્યું: “ગભરાઓ મા; કેમકે તે જીવતો છે.” પાઊલના કહેવાનો અર્થ એમ હતો કે, તે યુવાન મરણ પામ્યો હતો, પણ હવે તેને ફરીથી જીવંત કરવામાં આવ્યો હતો. તેથી, હાજર રહેનારાઓને “ઘણો આનંદ” થયો. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૭-૧૨) આજે પરમેશ્વરના ભક્તો પણ એ જાણીને ઘણો દિલાસો મેળવે છે કે, મરણ પામેલા તેઓના મિત્રો પણ સજીવન થશે.
શું આ નવી આશા છે?
૧૨. રૂમી ગવર્નર ફેલીક્સને પાઊલ કઈ નક્કર માન્યતા રજૂ કરી?
૧૨ રૂમી ગવર્નર ફેલીક્સ સામે પાઊલને લાવવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું: ‘નિયમશાસ્ત્રમાં તથા સંદેશવાહકોના પુસ્તકોમાં જે લખેલું છે તે બધું જ હું માનું છું. અને હું ઈશ્વરમાં આશા રાખું છું; એટલે, ન્યાયી કે દુષ્ટ સર્વ લોકો મૃત્યુમાંથી સજીવન થશે.’ (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૪, ૧૫, પ્રેમસંદેશ.) બાઇબલમાં “નિયમશાસ્ત્ર” કઈ રીતે બતાવે છે કે મૂએલાંને સજીવન કરવામાં આવશે?
૧૩. પરમેશ્વરે પહેલી ભવિષ્યવાણીમાં મૂએલાં વિષે કઈ આશા આપી?
૧૩ યહોવાહ પરમેશ્વરે પોતે એદન વાડીમાં પહેલી ભવિષ્યવાણી કરી ત્યારે, સજીવન થવાની આશા વિષે જણાવ્યું. શેતાન, ડેવિલ ‘જૂના સર્પને’ શિક્ષા કરતી વખતે પરમેશ્વરે કહ્યું: “તારી ને સ્ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ; તે તારૂં માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.” (પ્રકટીકરણ ૧૨:૯; ઉત્પત્તિ ૩:૧૪, ૧૫) સ્ત્રીના સંતાનની એડી છૂંદવાનો અર્થ એમ હતો કે, ઈસુ ખ્રિસ્તને મારી નાખવામાં આવશે. પરંતુ, આ સંતાન પેલા સર્પનું માથું છૂંદવાનું હોય તો, તેને મરણમાંથી સજીવન કરવું પડે.
૧૪. કઈ રીતે યહોવાહ ‘મૂએલાના નહિ, પણ જીવતાંના દેવ છે’?
૧૪ ઈસુએ કહ્યું કે, “ઝાડવાં નામના પ્રકરણમાં મુસા પ્રભુને ઈબ્રાહીમનો દેવ, ઈસ્હાકનો દેવ તથા યાકૂબનો દેવ કહે છે, ત્યારે તે પણ એવું જણાવે છે કે મુએલાં ઉઠાડાય છે. હવે તે મૂએલાનો દેવ નથી, પણ જીવતાંનો છે; કેમકે સઘળા તેને અર્થે જીવે છે.” (લુક ૨૦:૨૭, ૩૭, ૩૮; નિર્ગમન ૩:૬) ઈબ્રાહીમ, ઈસ્હાક તથા યાકૂબ મૂએલાં હતા છતાં, તેઓને સજીવન કરવાનો પરમેશ્વરનો હેતુ એટલો ચોક્કસ હતો કે, યહોવાહની નજરમાં તેઓ જાણે જીવંત હતા.
૧૫. ઈબ્રાહીમને શા માટે વિશ્વાસ હતો કે, મૂએલાં સજીવન થશે?
૧૫ મૂએલાં સજીવન થશે, એમ માનવાને ઈબ્રાહીમ પાસે નક્કર કારણ હતું. તે અને તેમની પત્ની સારાહ વૃદ્ધ હતા. તેઓને બાળક થાય એવી કોઈ શક્યતા ન હતી. છતાં, યહોવાહે જાણે ગર્ભસ્થાન સજીવન કરીને, તેઓને બાળક આપ્યું. (ઉત્પત્તિ ૧૮:૯-૧૧; ૨૧:૧-૩; હેબ્રી ૧૧:૧૧, ૧૨) ઈબ્રાહીમનો દીકરો ઈસ્હાક ૨૫ વર્ષનો થયો ત્યારે, પરમેશ્વરે તેનું બલિદાન આપવા જણાવ્યું. ઈબ્રાહીમ બલિદાન આપતા જ હતા ત્યારે, પરમેશ્વર યહોવાહના દૂતે તેમને રોક્યા. ઈબ્રાહીમ માનતા હતા કે, ‘ઈસ્હાક મરણ પામશે તોપણ ઈશ્વર તેને સજીવન કરશે. . . . તેમને મન તો ઈસ્હાક જાણે કે મરી ગયો હતો, પરંતુ તે જીવતો પાછો આવ્યો.’—હેબ્રી ૧૧:૧૭-૧૯, IBSI; ઉત્પત્તિ ૨૨:૧-૧૮.
૧૬. ઈબ્રાહીમ હમણાં મરણની ઊંઘમાં શાની રાહ જુએ છે?
૧૬ ઈબ્રાહીમે વચનના સંતાન મસીહના રાજમાં મૂએલાંના સજીવન થવાની આશા રાખી. ઈસુ પૃથ્વી પર આવ્યા પહેલાં સ્વર્ગમાં હતા. તેમણે ત્યાંથી ઈબ્રાહીમના વિશ્વાસની નોંધ લીધી હતી. તેથી, ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા ત્યારે, તેમણે યહુદીઓને કહ્યું: “તમારો બાપ ઈબ્રાહીમ મારો સમય જોવાની આશાથી હર્ષ પામ્યો.” (યોહાન ૮:૫૬-૫૮; નીતિવચન ૮:૩૦, ૩૧) ઈબ્રાહીમ હમણાં મરણની ઊંઘમાં છે, અને પરમેશ્વરના મસીહી રાજ્યમાં સજીવન થવાની રાહ જુએ છે.—હેબ્રી ૧૧:૮-૧૦, ૧૩.
નિયમ અને ગીતશાસ્ત્રનો પુરાવો
૧૭. કઈ રીતે “નિયમશાસ્ત્ર” ઈસુ ખ્રિસ્તના સજીવન થવાને દર્શાવે છે?
૧૭ પાઊલની આશા “નિયમશાસ્ત્ર” સાથે સુમેળ ધરાવતી હતી કે, મૂએલાંને ઊઠાડવામાં આવશે. પરમેશ્વરે ઈસ્રાએલીઓને કહ્યું: “તમારી ફસલના પ્રથમ ફળની પૂળી તમારે યાજક કને લાવવી; અને તે [નીસાન ૧૬ના રોજ] તે પૂળીની યહોવાહ આગળ આરતી ઉતારે, એ સારૂ કે એ તમારે માટે માન્ય થાય.” (લેવીય ૨૩:૯-૧૪) આ નિયમને ધ્યાનમાં રાખીને, પાઊલે લખ્યું: “ખ્રિસ્ત તો મૂએલાંમાંથી ઊઠ્યો છે, અને તે ઊંઘી ગએલાંનું પ્રથમફળ થયો છે.” હા, નીસાન ૧૬, ૩૩ સી.ઈ.ના રોજ, ઈસુને “પ્રથમફળ” તરીકે સજીવન કરવામાં આવ્યા. પછીથી, તેમની હાજરી દરમિયાન તેમના અભિષિક્ત શિષ્યોને સજીવન કરવામાં આવ્યા.—૧ કોરીંથી ૧૫:૨૦-૨૩; ૨ કોરીંથી ૧:૨૧; ૧ યોહાન ૨:૨૦, ૨૭.
૧૮. પીતરે કઈ રીતે જણાવ્યું કે ઈસુને મૂએલામાંથી ઊઠાડાશે, એમ ગીતશાસ્ત્રમાં ભાખવામાં આવ્યું હતું?
૧૮ ગીતશાસ્ત્ર પણ ટેકો આપે છે કે, મૂએલાંને ઊઠાડવામાં આવશે. પેન્તેકોસ્ત ૩૩ સી.ઈ.ના રોજ, પ્રેષિત પીતરે ગીતશાસ્ત્ર ૧૬:૮-૧૧માંથી કહ્યું: “દાઊદ તેને [ખ્રિસ્તને] વિષે કહે છે, કે મેં પોતાની સંમુખ પ્રભુને નિત્ય જોયો; તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડવામાં આવે નહિ. એથી મારૂં અંતઃકરણ મગ્ન થયું, અને મારી જીભે હર્ષ કર્યો; વળી મારો દેહ પણ આશામાં રહેશે; કેમકે તું મારા આત્માને હાડેસમાં રહેવા દઈશ નહિ, વળી તું તારા પવિત્રને કોહવાણ પણ જોવા દઈશ નહિ.” પીતરે આગળ કહ્યું: “એવું અગાઉથી જાણીને તેણે [દાઊદે] ખ્રિસ્તના પુનરુત્થાન વિષે કહ્યું, કે તેને હાડેસમાં રહેવા દેવામાં આવ્યો નહિ, અને તેના દેહે કોહવાણ પણ જોયું નહિ. એ ઈસુને દેવે ઊઠાડ્યો છે.”—પ્રેરિતોનાં કૃત્યો ૨:૨૫-૩૨.
૧૯, ૨૦. પીતરે ગીતશાસ્ત્ર ૧૧૮:૨૨ ક્યારે ટાંક્યું, અને કઈ રીતે એ ઈસુના મરણ તથા સજીવન થવાને દર્શાવે છે?
૧૯ થોડા દિવસ પછી, પીતરે સભાસ્થાનમાં ઊભા થઈને ફરીથી ગીતશાસ્ત્રમાંથી જણાવ્યું. પોતે એક લંગડા ભિખારીને કઈ રીતે સાજો કર્યો એ જણાવતા પ્રેષિતે કહ્યું: “તમો સર્વેને તથા સર્વે ઈસ્રાએલી લોકોને માલૂમ થાય, કે ઈસુ ખ્રિસ્ત નાઝારી, જેને તમે વધસ્તંભ પર મારી નાખ્યો, અને જેને દેવે મૂએલાંમાંથી ઉઠાડ્યો, તેના નામથી આ માણસ સાજો થઇને અહીં તમારી આગળ ઊભો રહ્યો છે. જે પથ્થર તમો બાંધનારાઓએ બાતલ કર્યો હતો તે [ઈસુ] એજ છે, તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે. બીજા કોઈથી તારણ નથી; કેમકે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઇ નામ આકાશ તળે માણસોમાં આપેલું નથી.”—પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૦-૧૨.
૨૦ પીતર અહીં ગીતશાસ્ત્ર ૧૧૮:૨૨ ઈસુના મરણ અને સજીવન થવાને લાગુ પાડતા હતા. જો કે ધાર્મિક ગુરુઓનું માનીને યહુદીઓએ ઈસુને નકાર કર્યો. (યોહાન ૧૯:૧૪-૧૮; પ્રેરિતોનાં કૃત્યો ૩:૧૪, ૧૫) ‘બાંધનારાઓએ પથ્થર બાતલ કરીને’, ખ્રિસ્તને મારી નાખ્યા. પરંતુ, ઈસુ ‘ખૂણાનો મુખ્ય પથ્થર’ થયા, એનો અર્થ એમ થાય કે, તેમને મરણમાંથી ઉઠાડીને સ્વર્ગમાં મહિમા આપવામાં આવ્યો. ગીતકર્તાએ ભાખ્યું તેમ, “આ કાર્ય યહોવાહથી થયું.” (ગીતશાસ્ત્ર ૧૧૮:૨૩) ઈસુ ખૂણાનો મુખ્ય પથ્થર થયા, એટલે કે તેમને રાજા બનાવવામાં આવ્યા.—એફેસી ૧:૧૯-૨૧.
સજીવન થવાની આશામાં પૂરો ભરોસો
૨૧, ૨૨. અયૂબે કઈ આશા વ્યક્ત કરી, અને એ કેવો દિલાસો આપે છે?
૨૧ ખરું કે, આપણે કોઈને પણ મૂએલાંમાંથી સજીવન થતા જોયા નથી. છતાં, આપણે જોઈ ગયા એ બાઇબલ અહેવાલો આપણી આશા દૃઢ કરે છે. તેથી, આપણે ન્યાયી અયૂબે વ્યક્ત કરેલી આશા ધ્યાનમાં રાખીએ. તેમના દુઃખમાં તેમણે વિનંતી કરી: “તું [યહોવાહ] મને શેઓલમાં સંતાડે, . . . અને મને મુકરર સમય ઠરાવી આપીને યાદ રાખે તો કેવું સારૂં! શું મૂએલો માણસ સજીવન થાય? . . . તું મને બોલાવત, તો હું તને ઉત્તર આપત; તારા હાથનાં કામો પર તું મમતા રાખત.” (અયૂબ ૧૪:૧૩-૧૫) પરમેશ્વર પોતાના ‘હાથનાં કામો પર મમતા રાખીને’ અયૂબને સજીવન કરવા ખૂબ આતુર છે. ખરેખર, એ આપણને કેવી અદ્ભુત આશા આપે છે!
૨૨ અયૂબની જેમ, પરમેશ્વરની ભક્તિ કરનાર કુટુંબનું પ્રિયજન ખૂબ બીમાર થઈ શકે, અને મરણ પણ પામે. લાજરસના મરણ સમયે ઈસુ રડ્યા તેમ, આપણને પણ ખૂબ દુઃખ લાગે અને રડી પડીએ. (યોહાન ૧૧:૩૫) પરંતુ, એ કેટલો દિલાસો આપે છે કે, એવો સમય આવશે, જ્યારે પરમેશ્વર બોલાવશે, અને તેઓ મરણમાંથી ઊઠશે! જાણે કે તેઓ મુસાફરીમાંથી પાછા ફરતા હોય, એમ તેઓ પાછા ફરશે. તેઓ બીમાર કે અપંગ હશે નહિ, પણ તંદુરસ્તીમાં પાછા ફરશે.
૨૩. અમુક ભાઈ-બહેનોએ કઈ રીતે પોતાની આશા જણાવી છે?
૨૩ એક વિશ્વાસુ વૃદ્ધ બહેનના મરણ સમયે મિત્રોએ કુટુંબને લખ્યું: “તમારી મમ્મીના મરણથી અમને ઘણું દુઃખ થયું છે. પરંતુ, આપણે ટૂંક સમયમાં જ તેમને મળીશું ત્યારે, તે ફરીથી સુંદર અને પૂરી તંદુરસ્તીમાં હશે!” એક માબાપ જેમના દીકરાનું અવસાન થયું, તેમણે કહ્યું: “જેસન પાછો ઊઠીને આવશે એની અમે આતુરતાથી રાહ જોઈએ છીએ! તે ઊઠશે અને જેની તેને ખૂબ જ આશા હતી, એ બગીચા જેવું સુંદર અને સુખી વાતાવરણ જોશે. . . . એ અમને ઘણું ઉત્તેજન આપે છે કે, અમે એ સમયે ત્યાં હોઈએ!” ખરેખર, આપણે ખૂબ જ આનંદી છીએ કે મૂએલાંને પાછા મેળવવાની આપણને નક્કર આશા છે!
તમારો જવાબ શું છે?
• યહોવાહ મૂએલાંને સજીવન કરશે, એવા વિશ્વાસની આપણા પર કેવી અસર થશે?
• બાઇબલના કયા અહેવાલો આશા આપે છે કે મૂએલાં ઊઠાડાશે?
• મૂએલાંને સજીવન કરવામાં આવશે, એ આશા કેમ નવી નથી?
• મરણ પામેલા પ્રિયજનો વિષેની કઈ આશા આપણને ટકાવી રાખે છે?
[અભ્યાસ પ્રશ્નો]
૩. સારફાથની વિધવાના દીકરાનું મરણ થયું ત્યારે, એલીયાહને કેવી શક્તિ આપવામાં આવી?
[પાન ૧૦ પર ચિત્ર]
યહોવાહની મદદથી એલીયાહે વિધવાના દીકરાને સજીવન કર્યો
[પાન ૧૨ પર ચિત્ર]
ઈસુએ યાઐરસની દીકરીને મરણમાંથી ઉઠાડી ત્યારે, માબાપનો આનંદ સમાતો ન હતો
[પાન ૧૫ પર ચિત્ર]
પેન્તેકોસ્ત ૩૩ સી.ઈ.ના દિવસે, પ્રેષિત પીતરે હિંમતથી જણાવ્યું કે, ઈસુને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે